સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ઈશ્વરે કેમ કંઈ કર્યું નહિ?”

“ઈશ્વરે કેમ કંઈ કર્યું નહિ?”

વારંવાર એક જ સવાલ મનમાં આવે છે: “ઈશ્વરે કેમ કંઈ કર્યું નહિ?”—પોપ બેનેડિક્ટ ૧૬મો, આઉશવિટ્‌ઝ, પોલેન્ડમાં અગાઉની જુલમી છાવણીની મુલાકાત વખતે.

દુઃખદ ઘટનાઓ બને ત્યારે તમને થતું હશે, ‘ઈશ્વરે કેમ કંઈ કર્યું નહિ?’ અથવા તમારા જીવનમાં બનેલી કોઈ દુઃખદ ઘટનાને લીધે તમને વિચાર આવ્યો હશે કે, “શું ઈશ્વર મારી સંભાળ રાખે છે?”

યુનાઈટેડ સ્ટેટ્‌સમાં રહેનાર શીલા જેવું કદાચ તમને પણ થતું હશે. તેમનો ઉછેર ધાર્મિક કુટુંબમાં થયો હતો, તે જણાવે છે: ‘ઈશ્વરની નજીક જવા હું નાનપણથી તરસતી હતી, કેમ કે તે આપણા સર્જનહાર છે. છતાં, હું તેમની નજીક છું એવું ક્યારેય મને લાગ્યું નહિ. હું વિચારતી કે તે મને જોઈ રહ્યા છે, પણ એકદમ દૂરથી. મને એવું નહોતું લાગતું કે તે મને ધિક્કારે છે. પરંતુ મારી કાળજી લે છે, એવું પણ નહોતું લાગતું.’ શીલાના મનમાં કેમ આવી શંકા થતી હતી? તે જણાવે છે: ‘મારા કુટુંબ પર દુઃખના ડુંગર તૂટી પડ્યા અને મને લાગતું કે ઈશ્વર અમને જરાય મદદ નથી કરી રહ્યા.’

શીલાની જેમ તમે પણ સર્વોચ્ચ ઈશ્વરના અસ્તિત્વમાં માનતા હશો. પણ, કદાચ તમને થતું હશે કે, શું ઈશ્વર ખરેખર તમારી કાળજી રાખે છે? એક નેક માણસ અયૂબને સર્જનહારનાં ડહાપણ અને તાકાત પર ભરોસો હતો, પણ તેમના મનમાં પણ એવી શંકાઓ હતી. (અયૂબ ૨:૩; ૯:૪) અયૂબ જ્યારે મુશ્કેલીઓના પહાડ નીચે દબાઈ ગયા, તેમને કોઈ માર્ગ દેખાતો ન હતો, ત્યારે તેમણે ઈશ્વરને પૂછ્યું: “તમે કેમ તમારું મોં છુપાવો છો? મને કેમ તમારો દુશ્મન ગણો છો?”—અયૂબ ૧૩:૨૪.

એ વિશે શાસ્ત્ર શું કહે છે? દુઃખદ ઘટનાઓ બને ત્યારે શું ઈશ્વરને દોષ આપવો જોઈએ? ઈશ્વર આપણા બધાની ચિંતા કરે છે, શું એવી કોઈ સાબિતી છે? શું આપણામાંથી કોઈ જાણે છે કે તે આપણા પર ધ્યાન આપે છે કે નહિ, આપણને સમજે છે કે નહિ, આપણું દુઃખ અનુભવે છે કે નહિ, તકલીફોમાં આપણને મદદ કરે છે કે નહિ?

હવે પછીના લેખોમાં જોઈશું કે ઈશ્વર આપણી કાળજી રાખે છે, એ વિશે સૃષ્ટિ આપણને શું શીખવે છે. (રોમનો ૧:૨૦) પછી, આપણે એ વિશે શાસ્ત્રમાંથી પણ તપાસીશું. સૃષ્ટિ અને શાસ્ત્ર દ્વારા જેટલું વધારે ‘આપણે તેમને ઓળખીશું,’ તેટલી વધારે ખાતરી મળશે કે, ‘તે આપણી સંભાળ રાખે છે.’—૧ યોહાન ૨:૩; ૧ પીતર ૫:૭.