સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યાકૂબે એસાવ પાસેથી પ્રથમ જન્મેલાનો હક ખરીદ્યો, શું એટલે તે મસીહના પૂર્વજ બન્યા?

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

મસીહની વંશાવળી શું ફક્ત પ્રથમ જન્મેલાઓમાંથી જ આવવાની હતી?

કદાચ ઘણી વાર આપણે એવું કહ્યું હશે. આપણને હિબ્રૂઓ ૧૨:૧૬ પરથી એમ લાગી શકે. એ કલમમાં કહ્યું છે કે, એસાવે “પવિત્ર વસ્તુઓની કદર” કરી નહિ. અને તેણે “એક ભોજન માટે પ્રથમ જન્મેલા તરીકેના પોતાના હક જતા કર્યા.” એનાથી જોઈ શકાય છે કે, યાકૂબને ‘પ્રથમ જન્મેલાનો’ હક મળ્યો એટલે તે મસીહના પૂર્વજ બન્યા હતા.—માથ. ૧:૨, ૧૬; લુક ૩:૨૩, ૩૪.

જોકે, બાઇબલના અહેવાલો તપાસતા જોઈ શકાય છે કે, મસીહના પૂર્વજ બનવા માટે પ્રથમ જન્મેલા હોવું જરૂરી નથી. ચાલો, કેટલાક અહેવાલો તપાસીએ:

યાકૂબના (ઇઝરાયેલના) દીકરાઓમાં પ્રથમ જન્મેલા રેઉબેન હતા. તે લેઆહથી જન્મેલા હતા. પછીથી, યાકૂબને રાહેલથી યુસફ થયા, જે રાહેલના પ્રથમ સંતાન હતા. રેઉબેન ખોટા વર્તનને કારણે દોષી સાબિત થયા ત્યારે, તેમનો પ્રથમ જન્મેલાનો હક યુસફને મળ્યો. (ઉત. ૨૯:૩૧-૩૫; ૩૦:૨૨-૨૫; ૩૫:૨૨-૨૬; ૪૯:૨૨-૨૬; ૧ કાળ. ૫:૧, ૨) છતાં, મસીહ રેઉબેન કે યુસફના કુળમાંથી નહિ, પણ યાકૂબના ચોથા દીકરા યહુદાના કુળમાંથી આવ્યા.—ઉત. ૪૯:૧૦.

મસીહની વંશાવળીમાં આવતા પાંચ માણસોનો ઉલ્લેખ લુક ૩:૩૨માં કરવામાં આવ્યો છે. એવું લાગે છે કે એ દરેક માણસ પ્રથમ જન્મેલા હતા. જેમ કે, બોઆઝના દીકરા ઓબેદ હતા અને ઓબેદના દીકરા યિશાઈ હતા.—રૂથ ૪:૧૭, ૨૦-૨૨; ૧ કાળ. ૨:૧૦-૧૨.

જોકે, દાઊદ યિશાઈના પ્રથમ દીકરા ન હતા. તે તો આઠ ભાઈઓમાં સૌથી નાના હતા. છતાં, મસીહની વંશાવળીમાં દાઊદનો સમાવેશ થયો હતો. (૧ શમૂ. ૧૬:૧૦, ૧૧; ૧૭:૧૨; માથ. ૧:૫, ૬) એવી જ રીતે, સુલેમાનનો વિચાર કરો. તે પણ દાઊદના પ્રથમ દીકરા ન હતા.—૨ શમૂ. ૩:૨-૫.

પરંતુ, એનો અર્થ એવો નથી કે પ્રથમ જન્મેલાનું કોઈ મહત્ત્વ નથી. પ્રથમ જન્મેલો દીકરો ઘરમાં મહત્ત્વનું સ્થાન ધરાવતો અને મોટા ભાગે પિતા પછી તે ઘરનો શિર બનતો. મિલકતમાંથી તેને બમણો ભાગ વારસામાં મળતો હતો.—ઉત. ૪૩:૩૩; પુન. ૨૧:૧૭; યહો. ૧૭:૧.

જોકે, પ્રથમ જન્મેલાનો હક બીજાને પણ મળી શકતો હતો. ઇબ્રાહિમે ઈશ્માએલનો હક રદ કરીને ઇસહાકને આપ્યો હતો. (ઉત. ૨૧:૧૪-૨૧; ૨૨:૨) ઉપર જોઈ ગયા તેમ, રેઉબેનનો હક યુસફને આપવામાં આવ્યો હતો.

હવે ચાલો હિબ્રૂઓ ૧૨:૧૬ પર ફરીથી ધ્યાન આપીએ: “ધ્યાન રાખો કે તમારામાં કોઈ વ્યભિચારી ન હોય કે પછી કોઈ એવો ન હોય, જે એસાવની જેમ પવિત્ર વસ્તુઓની કદર કરતો ન હોય. તેણે એક ભોજન માટે પ્રથમ જન્મેલા તરીકેના પોતાના હક જતા કર્યા.” આ કલમ શું કહેવા માંગે છે?

પ્રેરિત પાઊલ એ કલમમાં મસીહની વંશાવળી વિશે ચર્ચા કરી રહ્યા ન હતા. તે તો ઈશ્વરભક્તોને ‘તેઓના પગને માટે સીધા માર્ગો તૈયાર’ કરવાની અરજ કરતા હતા. કારણ કે, જો ઈશ્વરભક્તો જાતીય અનૈતિકતામાં ફસાય, તો તેઓ ‘ઈશ્વરની અપાર કૃપા મેળવવાનું ચૂકી જાય.’ એ કેટલા દુઃખની વાત કહેવાય! (હિબ્રૂ. ૧૨:૧૨-૧૬) એવું કરવાને લીધે તેઓ પણ એસાવ જેવા બને છે, જેણે ‘પવિત્ર વસ્તુઓની કદર ન કરી’ અને ભ્રષ્ટ બાબતો પર પોતાનું મન લગાડ્યું.

યાજકો નીમાયા એ પહેલાં, કુટુંબ માટે અર્પણો ચઢાવવાનું કામ કુટુંબના શિર કરતા હતા. એસાવને કદાચ એ લહાવો મળી શક્યો હોત. (ઉત. ૮:૨૦, ૨૧; ૧૨:૭, ૮; અયૂ. ૧:૪, ૫) પરંતુ, ભક્તિને લગતી બાબતો પર તેણે મન લગાડ્યું ન હતું એટલે સામાન્ય ખોરાક માટે એવા મહત્ત્વના લહાવા જતા કર્યા. ઇબ્રાહિમના વંશજ પર તકલીફો આવશે એ વિશે પહેલેથી જણાવવામાં આવ્યું હતું. કદાચ એસાવ એનાથી બચવા માંગતો હતો. (ઉત. ૧૫:૧૩) તેનું મન ભ્રષ્ટ બાબતો તરફ ઢળેલું હતું. તેણે જૂઠા દેવોને ભજનારી બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને માતા-પિતાને દુઃખી કર્યા. આમ, તેણે બતાવ્યું કે તેને મન પવિત્ર બાબતો મહત્ત્વની ન હતી. (ઉત. ૨૬:૩૪, ૩૫) યાકૂબ કરતાં તે સાવ અલગ હતો. યાકૂબે સાચા ઈશ્વરને ભજનાર સાથે જ લગ્ન કર્યા.—ઉત. ૨૮:૬, ૭; ૨૯:૧૦-૧૨, ૧૮.

આમ, મસીહની વંશાવળીમાંથી આપણે શું તારણ કાઢી શકીએ? અમુક વાર એ વંશાવળી પ્રથમ જન્મેલા દીકરામાંથી આવતી હતી પણ હંમેશાં એવું થતું ન હતું. યહુદીઓને પણ એ ખબર હતી અને તેઓ માનતા હતા કે યિશાઈના સૌથી છેલ્લા દીકરા દાઊદના વંશમાંથી ખ્રિસ્ત આવશે.—માથ. ૨૨:૪૨.