સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શા માટે યહોવાના સાક્ષીઓનાં સાહિત્યને કોઈ પણ વેબસાઇટ કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી નથી?

અમે બાઇબલ આધારિત સાહિત્ય વિના મૂલ્યે આપીએ છીએ. એટલે, અમુકને લાગે છે કે એને બીજી વેબસાઇટ કે સોશિયલ મીડિયા પર કૉપી કે પોસ્ટ કરવામાં કંઈ ખોટું નથી. જોકે, એમ કરવાથી અમારી વેબસાઇટની વપરાશ માટેની શરતોનો * ભંગ થાય છે અને ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ છે. એ શરતોમાં સાફ જણાવવામાં આવ્યું છે કે કોઈને પણ “અમારી વેબસાઇટ પરથી ચિત્રો, ઇલેક્ટ્રોનિક સાહિત્ય, ટ્રેડ-માર્ક, સંગીત, ફોટા, વીડિયો કે લેખો ઇન્ટરનેટ પર (બીજી કોઈ પણ વેબસાઇટ, ફાઈલ કે વીડિયો શેર કરવાની સાઇટ કે પછી સોશિયલ નેટવર્ક પર)” મૂકવાની પરવાનગી નથી. શા માટે એવી મનાઈ કરવામાં આવી છે?

અમારા કૉપીરાઇટ કરેલાં સાહિત્યને કોઈ પણ વ્યક્તિ બીજી વેબસાઇટ પર પોસ્ટ કરી શકતી નથી

અમારી બધી વેબસાઇટ પરની દરેક સામગ્રી કૉપીરાઇટ કરેલી છે. સાચા ધર્મનો ત્યાગ કરનારા લોકો અને વિરોધીઓ પોતાની વેબસાઇટ પર અમારાં સાહિત્યનો ખોટી રીતે ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. તેઓનો હેતુ યહોવાના સાક્ષીઓને અને બીજાઓને ફસાવવાનો હોય છે. તેઓની સાઇટમાં એવી સામગ્રી હોય છે, જે વાચકોના મનમાં શંકાઓ ઊભી કરે છે. (ગીત. ૨૬:૪; નીતિ. ૨૨:૫) બીજા અમુક અમારાં સાહિત્યની માહિતી અને અમારી jw.org વેબસાઇટના લોગોનો ઉપયોગ બીજા હેતુ માટે કરે છે. તેઓ એનો ઉપયોગ જાહેરાતોમાં, સેલમાં વસ્તુઓ વેચવા અને મોબાઇલ ડિવાઇસ માટેની ઍપ્સમાં કરે છે. એવા ખોટા વપરાશ સામે કાયદેસરનાં પગલાં લઈ શકાય, એ માટે અમે કૉપીરાઇટ કે ટ્રેડ-માર્કનો ઉપયોગ કરીએ છીએ. (નીતિ. ૨૭:૧૨) અમે લોકોને, અરે મંડળનાં ભાઈ-બહેનોને પણ અમારી માહિતી ડિજિટલ ફોર્મેટમાં બીજી સાઇટ પર વાપરવાની કે અમારા jw.org ટ્રેડ-માર્કનો વસ્તુઓ વેચવા ઉપયોગ કરવાની છૂટ આપતા નથી. જો અમે જાણીજોઈને તેઓને એમ કરવા દઈએ, તો વિરોધીઓ અને વેપારી જગતને રોકવા માટે અમે જે મહેનત કરીએ છીએ એને કોર્ટ ટેકો આપશે નહિ.

jw.org સિવાયની બીજી વેબસાઇટ પરથી અમારાં સાહિત્ય ડાઉનલોડ કરવા જોખમી હોય શકે. આપણી ભક્તિની તરસ છીપાવવાની જવાબદારી યહોવાએ ફક્ત ‘વિશ્વાસુ અને સમજુ ચાકરને’ સોંપી છે. (માથ. ૨૪:૪૫) એ “ચાકર” ભક્તિનું જ્ઞાન ફક્ત આ ઑફિશિયલ વેબસાઇટ દ્વારા પીરસે છે: www.pr418.com, tv.pr418.com અને wol.pr418.com. વધુમાં, મોબાઇલ અને ટેબ્લેટ માટે અમારી આ ત્રણ ઑફિશિયલ ઍપ છે: JW લેંગ્વેજ®, JW લાઇબ્રેરી®, અને JW લાઇબ્રેરી સાઇન લેંગ્વેજ®. એ બધી વેબસાઇટ અને ઍપમાં કોઈ જાહેરાતો નથી અને શેતાનની દુનિયાનો રંગ એને લાગ્યો નથી, એવો આપણે ભરોસો રાખી શકીએ છીએ. જો ભક્તિનું જ્ઞાન બીજી વેબસાઇટ પરથી મેળવવામાં આવે, તો બની શકે કે એમાં ફેરફાર થયો હોય કે એમાં ખોટી માહિતી ઉમેરવામાં આવી હોય.—ગીત. ૧૮:૨૬; ૧૯:૮.

લોકો કોમેન્ટ કરી શકે એવી વેબસાઇટ પર અમારાં સાહિત્ય પોસ્ટ કરવામાં આવે, તો એનું શું પરિણામ આવી શકે? એનો ઉપયોગ કરીને સાચા ધર્મનો ત્યાગ કરનારા લોકો અને બીજા વિરોધીઓ યહોવાના સંગઠન વિરુદ્ધ શંકાના બી રોપી શકે છે. એવું જોવા મળ્યું છે કે, અમુક ભાઈ-બહેનો ઓનલાઇન ચર્ચામાં જોડાયાં છે, પરિણામે યહોવાના નામને બટ્ટો લાગ્યો છે. જોકે, ‘જેઓ સહમત થતા ન હોય, તેઓને નમ્રતાથી સમજાવવા’ ઓનલાઇન ફોરમ યોગ્ય રીત નથી. (૨ તિમો. ૨:૨૩-૨૫; ૧ તિમો. ૬:૩-૫) એવું જોવા મળ્યું છે કે, સંગઠન, નિયામક જૂથ કે એના સભ્યોના નામે ખોટી વેબસાઇટ અને ખોટા એકાઉન્ટ બનાવવામાં આવ્યાં છે. જોકે, નિયામક જૂથના કોઈ પણ સભ્યનું પોતાનું વેબ પેજ નથી અથવા તેઓ કોઈ પણ સોશિયલ મિડીયા સાઇટનો ઉપયોગ કરતા નથી.

લોકોને jw.org વેબસાઇટ વિશે જણાવવાથી “ખુશખબર” ફેલાવવા મદદ મળે છે. (માથ. ૨૪:૧૪) પ્રચાર માટે પ્રાપ્ય ડિજિટલ સાધનોમાં સતત સુધારો થઈ રહ્યો છે. અમે ચાહીએ છીએ કે દરેક લોકો એનાથી ફાયદો મેળવે. એટલે, વપરાશ માટેની શરતોમાં જણાવ્યું છે કે તમે સાહિત્યની ઇલેક્ટ્રોનિક કૉપી મેઇલ કરી શકો અથવા jw.org પરની માહિતીની લિન્ક લોકો સાથે શેર કરી શકો. રસ ધરાવનાર લોકોને ઑફિશિયલ વેબસાઇટ વિશે જણાવવાથી શું ફાયદો થાય છે? તેઓને ભક્તિને લગતું સાચું જ્ઞાન પૂરું પાડનાર ‘વિશ્વાસુ અને સમજુ ચાકર’ તરફ લઈ જઈ શકાય છે.

^ ફકરો. 1 jw.org વેબસાઇટના મુખ્ય પેજ પર નીચે વપરાશ માટેની શરતોની લિન્ક આપી છે. અમારી બધી વેબસાઇટ પર પ્રાપ્ય દરેક માહિતી માટે એ મનાઈ લાગુ પડે છે.