સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે શા માટે ‘ઘણાં ફળ આપતા રહેવું જોઈએ?’

આપણે શા માટે ‘ઘણાં ફળ આપતા રહેવું જોઈએ?’

“તમે ઘણાં ફળ આપતા રહો અને પોતાને મારા શિષ્યો સાબિત કરો, એમાં મારા પિતાને મહિમા મળે છે.”—યોહા. ૧૫:૮.

ગીતો: ૧૪૫, ૧૪૪

૧, ૨. (ક) પોતાના મરણની આગલી રાતે ઈસુએ પોતાના શિષ્યો સાથે શાના વિશે ચર્ચા કરી? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) ખુશખબર ફેલાવવાનું મહત્ત્વ શા માટે આપણે યાદ રાખવું જોઈએ? (ગ) આપણે શાની ચર્ચા કરીશું?

પોતાના મરણની આગલી રાતે ઈસુએ લાંબા સમય સુધી શિષ્યો સાથે વાતચીત કરી હતી. તેમણે શિષ્યોને ખાતરી કરાવી કે તે તેઓને ખૂબ ચાહે છે. તેમણે દ્રાક્ષાવેલાનું ઉદાહરણ પણ જણાવ્યું હતું, જેની આપણે આગલા લેખમાં ચર્ચા કરી ગયા. ઈસુ પોતાના શિષ્યોને ઉત્તેજન આપવા ચાહતા હતા કે, તેઓ ‘ઘણાં ફળ આપતા રહે.’ એટલે કે, તેઓ રાજ્યનો સંદેશો જણાવવામાં લાગુ રહે.—યોહા. ૧૫:૮.

ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું કે તેઓએ શું કરવું જોઈએ. એટલું જ નહિ, તેમણે એ પણ જણાવ્યું કે તેઓએ શા માટે એમ કરવું જોઈએ. ઈસુએ તેઓને ખુશખબર ફેલાવવામાં લાગુ રહેવાનાં અમુક કારણો જણાવ્યાં. ખુશખબર ફેલાવવી કેટલી મહત્ત્વની છે, એ આપણે યાદ રાખવું જોઈએ. એના પર વિચાર કરવાથી “બધી પ્રજાઓને સાક્ષી” આપવામાં લાગુ રહેવાની આપણને પ્રેરણા મળે છે. (માથ. ૨૪:૧૩, ૧૪) આ લેખમાં આપણે બાઇબલમાંથી ચાર કારણો જોઈશું, જે આપણને પ્રચારનું મહત્ત્વ સમજવા મદદ કરશે. તેમ જ, યહોવાએ આપેલી ચાર ભેટની ચર્ચા કરીશું, જે ફળ આપતા રહેવા મદદ કરે છે.

આપણે યહોવાને મહિમા આપીએ છીએ

૩. (ક) યોહાન ૧૫:૮ પ્રમાણે ખુશખબર ફેલાવવાનું સૌથી મહત્ત્વનું કારણ કયું છે? (ખ) ઈસુના ઉદાહરણમાં દ્રાક્ષો કોને રજૂ કરે છે અને શા માટે એ બંધબેસતું છે?

ખુશખબર ફેલાવવાનું સૌથી મહત્ત્વનું કારણ છે કે આપણે યહોવાને મહિમા આપવા અને તેમના નામને પવિત્ર મનાવવા ચાહીએ છીએ. (યોહાન ૧૫:૧, વાંચો.) ઈસુએ દ્રાક્ષાવેલાનું ઉદાહરણ આપ્યું હતું. એમાં, તેમણે યહોવાને માળી કે ખેડૂત સાથે સરખાવ્યા, જે દ્રાક્ષો ઉગાડે છે. ઈસુએ કહ્યું કે તે પોતે દ્રાક્ષાવેલો છે અને તેમના શિષ્યો ડાળીઓ છે. (યોહા. ૧૫:૫) એ ઉદાહરણમાં દ્રાક્ષો શાને રજૂ કરે છે? એ શિષ્યોના સેવાકાર્યને રજૂ કરે છે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: ‘તમે ઘણાં ફળ આપતા રહો, એમાં મારા પિતાને મહિમા મળે છે.’ શા માટે એ ઉદાહરણ બંધબેસતું છે? જ્યારે દ્રાક્ષાવેલો ઘણી દ્રાક્ષો આપે છે, ત્યારે માળીને મહિમા મળે છે. એવી જ રીતે, રાજ્યની ખુશખબર ફેલાવવા આપણાથી બનતું બધું કરીએ છીએ ત્યારે, યહોવાને મહિમા મળે છે.—માથ. ૨૫:૨૦-૨૩.

૪. (ક) આપણે કઈ રીતે ઈશ્વરનું નામ પવિત્ર મનાવીએ છીએ? (ખ) ઈશ્વરનું નામ પવિત્ર મનાવવાનો મોકો મળ્યો છે, એ વિશે તમને કેવું લાગે છે?

ઈશ્વરના નામને વધારે પવિત્ર કરવા આપણે કંઈ કરી શકતા નથી. કેમ કે તેમનું નામ પૂરેપૂરી રીતે પવિત્ર છે. તો પછી ખુશખબર ફેલાવીએ છીએ ત્યારે, કઈ રીતે આપણે ઈશ્વરના નામને પવિત્ર મનાવીએ છીએ? નોંધ લો, પ્રબોધક યશાયાએ કહ્યું હતું કે “સૈન્યોના ઈશ્વર યહોવાને પવિત્ર માનો.” (યશા. ૮:૧૩) આપણે ઈશ્વરના નામને શ્રેષ્ઠ ગણીને અને એ નામ પવિત્ર છે, એ સમજવા બીજાઓને મદદ કરીને એને પવિત્ર મનાવીએ છીએ. (માથ. ૬:૯, ફૂટનોટ.) દાખલા તરીકે, આપણે બીજાઓને યહોવાના અજોડ ગુણો અને મનુષ્યો માટેનો હેતુ જણાવીએ છીએ. એમ કરીને શેતાને યહોવા વિશે ફેલાવેલાં જૂઠાણાં જોવા આપણે તેઓને મદદ કરીએ છીએ. (ઉત. ૩:૧-૫) તેમ જ, જ્યારે લોકોને સમજાવીએ છીએ કે યહોવા ‘મહિમા, માન અને અધિકાર મેળવવાને યોગ્ય છે,’ ત્યારે આપણે તેમનું નામ પવિત્ર મનાવીએ છીએ. (પ્રકટી. ૪:૧૧) ભાઈ રુન ૧૬ વર્ષથી પાયોનિયર છે, તે જણાવે છે: ‘વિશ્વના સર્જનહાર વિશે સાક્ષી આપવાનો મને મોકો મળ્યો છે, એ જાણીને મારું દિલ ખુશીથી ઊભરાય જાય છે. એ વાત મને પ્રચારમાં મંડ્યા રહેવાની પ્રેરણા આપે છે.’

આપણે યહોવા અને તેમના દીકરાને પ્રેમ કરીએ છીએ

૫. (ક) ખુશખબર ફેલાવવાનું કયું કારણ યોહાન ૧૫:૯, ૧૦માં આપ્યું છે? (ખ) શિષ્યોને ધીરજની જરૂર પડશે, એ સમજાવવા ઈસુએ શું કર્યું?

યોહાન ૧૫:૯, ૧૦ વાંચો. ખુશખબર ફેલાવવાનું બીજું કારણ છે કે, આપણે યહોવા અને ઈસુને પ્રેમ કરીએ છીએ. (માર્ક ૧૨:૩૦; યોહા. ૧૪:૧૫) ઈસુએ આજ્ઞા આપી હતી કે શિષ્યો તેમના પર પ્રેમ રાખે. એટલું જ નહિ, તેમણે કહ્યું કે, તમે “મારા પ્રેમમાં રહો.” શા માટે ઈસુએ એવું કહ્યું? તે જાણતા હતા કે ખરા ઈશ્વરભક્ત તરીકે ટકી રહેવા તેઓને ધીરજની જરૂર પડશે. ધીરજ રાખવી કેટલું મહત્ત્વનું છે, એ સમજાવવા ઈસુએ યોહાન ૧૫:૪-૧૦માં “રહો,” “રહીને,” અને “રહેશો” શબ્દો વાપર્યા હતા.

૬. આપણે ખ્રિસ્તના પ્રેમમાં રહેવા માંગીએ છીએ એ કઈ રીતે બતાવી શકીએ?

કઈ રીતે બતાવી શકીએ કે આપણે ખ્રિસ્તના પ્રેમમાં રહેવા માંગીએ છીએ અને તેમની કૃપા મેળવવા ચાહીએ છીએ? તેમની આજ્ઞા પાળીને. ઈસુ ચાહે છે કે તેમણે જે કર્યું છે એ જ આપણે કરીએ. તેમણે કહ્યું: “મેં પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેમના પ્રેમમાં રહું છું.” હા, ઈસુએ આપણા માટે દાખલો બેસાડ્યો છે.—યોહા. ૧૩:૧૫.

૭. આજ્ઞાપાલન કઈ રીતે પ્રેમ સાથે જોડાયેલું છે?

ઈસુએ કહ્યું કે, “જે મારી આજ્ઞાઓ સ્વીકારે છે અને એને પાળે છે, તેને મારા પર પ્રેમ છે.” (યોહા. ૧૪:૨૧) આમ, તેમણે સ્પષ્ટ રીતે બતાવ્યું કે આજ્ઞાપાલન પ્રેમ સાથે જોડાયેલું છે. ઈસુએ આપેલી આજ્ઞાઓ પિતા પાસેથી આવે છે. એટલે, ખુશખબર ફેલાવવાની ઈસુની આજ્ઞા પાળીએ છીએ ત્યારે, આપણે યહોવા માટે પણ પ્રેમ બતાવીએ છીએ. (માથ. ૧૭:૫; યોહા. ૮:૨૮) એમ કરીએ છીએ ત્યારે, તેઓ પણ આપણને પ્રેમ કરે છે.

આપણે લોકોને ચેતવણી આપીએ છીએ

૮, ૯. (ક) ખુશખબર ફેલાવવાનું બીજું એક કારણ કયું છે? (ખ) હઝકીએલ ૩:૧૮, ૧૯ અને ૧૮:૨૩માં જણાવેલા શબ્દોથી કઈ રીતે સંદેશો જણાવતા રહેવાની પ્રેરણા મળે છે?

ખુશખબર ફેલાવવાનું ત્રીજું કારણ છે કે, યહોવાના દિવસ વિશે આપણે લોકોને ચેતવણી આપવા ચાહીએ છીએ. બાઇબલમાં નુહ વિશે જણાવ્યું છે કે તે સત્યનો માર્ગ “જાહેર કરનાર” હતા. (૨ પીતર ૨:૫ વાંચો.) જળપ્રલય પહેલાં, નુહના સંદેશામાં આવનાર વિનાશ વિશે ચેતવણી હતી. એ શાના પરથી કહી શકાય? કારણ કે ઈસુએ જણાવ્યું હતું: “જેમ જળપ્રલય પહેલાંના દિવસોમાં જ્યાં સુધી નુહ વહાણની અંદર ગયા નહિ, ત્યાં સુધી લોકો ખાતાપીતા, માણસો પરણતા અને સ્ત્રીઓને પરણાવતા હતા; અને જળપ્રલય આવ્યો અને તેઓ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી, તેઓએ ધ્યાન આપ્યું નહિ; એવું જ માણસના દીકરાની હાજરીના સમયે પણ થશે.” (માથ. ૨૪:૩૮, ૩૯) મોટાભાગના લોકોએ નુહની વાત પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. છતાં, તે યહોવાની ચેતવણી વિશે લોકોને વફાદારીથી જણાવતા રહ્યા.

આજે આપણે લોકોને રાજ્યનો સંદેશો જણાવીએ છીએ. ઈશ્વર ભાવિમાં માણસજાત માટે જે કરવાના છે, એ વિશે શીખવાની આપણે તેઓને તક આપીએ છીએ. યહોવાની જેમ આપણે પણ ચાહીએ છીએ કે, લોકો એ સંદેશાને કાન ધરે અને ‘જીવતા રહે.’ (હઝકી. ૧૮:૨૩) આપણે ઘરેઘરે અને જાહેર જગ્યાએ સંદેશો ફેલાવીને બને એટલા લોકોને ચેતવણી આપીએ છીએ કે, ઈશ્વરનું રાજ્ય આવશે અને દુષ્ટ દુનિયાનો નાશ કરશે.—હઝકી. ૩:૧૮, ૧૯; દાની. ૨:૪૪; પ્રકટી. ૧૪:૬, ૭.

આપણે લોકોને પ્રેમ કરીએ છીએ

૧૦. (ક) ખુશખબર ફેલાવવાનું કયું કારણ માથ્થી ૨૨:૩૯માં આપ્યું છે? (ખ) પાઊલ અને સિલાસે કઈ રીતે કેદખાનાના ઉપરીને મદદ કરી?

૧૦ ખુશખબર ફેલાવતા રહેવાનું ચોથું કારણ છે કે, આપણે લોકોને પ્રેમ કરીએ છીએ. (માથ. ૨૨:૩૯) એ પ્રેમથી પ્રેરાઈને આપણે સેવાકાર્યમાં લાગુ રહીએ છીએ. કારણ કે, આપણે જાણીએ છીએ કે સંજોગો બદલાય ત્યારે લોકોનું વલણ બદલાય શકે છે. દાખલા તરીકે, વિરોધીઓએ પાઊલ અને સિલાસને ફિલિપી શહેરના કેદખાનામાં નાખ્યા હતા. પરંતુ, અડધી રાતે, ધરતીકંપ થવાથી કેદખાનાના પાયા હલી ગયા અને બારણાં ખૂલી ગયાં. કેદીઓ ભાગી ગયા છે, એમ ધારીને કેદખાનાનો ઉપરી આપઘાત કરવાનો હતો. પણ, પાઊલ તેને રોકે છે અને બૂમ પાડે છે: “આપઘાત કરીશ નહિ.” પછી, ઉપરી તેઓ પાસે જઈને પૂછે છે કે, “ઉદ્ધાર મેળવવા મારે શું કરવું જોઈએ?” પાઊલ અને સિલાસ તેને જણાવે છે: “પ્રભુ ઈસુમાં શ્રદ્ધા મૂક અને તું તથા તારા ઘરના લોકો ઉદ્ધાર પામશો.”—પ્રે.કા. ૧૬:૨૫-૩૪.

યહોવા, ઈસુ અને લોકો માટેના પ્રેમને લીધે આપણે ખુશખબર ફેલાવવા પ્રેરાઈએ છીએ (ફકરા ૫, ૧૦ જુઓ)

૧૧, ૧૨. (ક) કેદખાનાના ઉપરીના અહેવાલથી આપણને સેવાકાર્ય વિશે શું શીખવા મળે છે? (ખ) શા માટે આપણે ખુશખબર ફેલાવવાના કામમાં લાગુ રહેવા ચાહીએ છીએ?

૧૧ કેદખાનાના ઉપરી વિશેનો અહેવાલ આપણને સેવાકાર્ય વિશે શું શીખવે છે? નોંધ લો કે, ધરતીકંપ થયા પછી ઉપરીએ પોતાનું વલણ બદલ્યું અને મદદ માંગી. એવી જ રીતે, અમુક લોકો બાઇબલનો સંદેશો સાંભળવા માંગતા નથી. પરંતુ, તેઓના જીવનમાં કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે, તેઓનું વલણ બદલાય છે અને તેઓ મદદ લેવા તૈયાર થાય છે. દાખલા તરીકે, અમુક લોકો નોકરી ગુમાવવાથી કે છૂટાછેડા થવાથી આઘાતમાં સરી ગયા હોય. બીજા અમુક જીવલેણ બીમારી થવાથી કે સ્નેહીજનને મરણમાં ગુમાવવાથી દુઃખમાં ગરક થઈ ગયા હોય. એવા બનાવો બને ત્યારે, લોકો જીવનને લગતા સવાલો પર વિચારવા લાગે છે. એ વિશે તેઓએ પહેલાં ભાગ્યે જ વિચાર્યું હશે. તેઓને કદાચ લાગે કે ‘બચવા માટે મારે શું કરવું જોઈએ?’ આમ, તેઓ જીવનમાં પહેલી વાર આશાનો સંદેશો સાંભળવા તૈયાર થાય છે.

૧૨ જો આપણે વફાદારીથી સેવાકાર્યમાં લાગુ રહીશું, તો લોકો સંદેશો સાંભળવા રાજી થશે. એ સમયે આપણે તેઓને મદદ કરવા અને દિલાસો આપવા હાજર હોઈશું. (યશા. ૬૧:૧) બહેન શાર્લોટ ૩૮ વર્ષથી પાયોનિયર સેવા કરે છે. તે જણાવે છે કે, ‘લોકો આજે સત્યથી દૂર થઈ ગયા છે. તેઓને ખુશખબર જાણવાની તક મળવી જોઈએ.’ ૩૪ વર્ષથી પાયોનિયર સેવા કરી રહેલાં બહેન એવોર જણાવે છે: ‘આજે લોકો પહેલાં કરતાં વધારે લાગણીમય રીતે ભાંગી પડ્યા છે. હું તેઓને ખરેખર મદદ કરવા ચાહું છું. એનાથી મને ખુશખબર ફેલાવવાની પ્રેરણા મળે છે.’ સાચે જ, સેવાકાર્યમાં લાગુ રહેવા માટેનું ઉત્તમ કારણ છે, લોકો માટેનો પ્રેમ!

સેવાકાર્યમાં લાગુ રહેવા મદદ કરતી અમુક ભેટ

૧૩, ૧૪. (ક) યોહાન ૧૫:૧૧માં કઈ ભેટ વિશે જણાવ્યું છે? (ખ) આપણે કઈ રીતે ઈસુ જેવો આનંદ મેળવી શકીએ? (ગ) આનંદ કઈ રીતે આપણને સેવાકાર્યમાં મદદ કરે છે?

૧૩ પોતાના મરણની આગલી રાતે ઈસુએ શિષ્યોને અમુક ભેટ વિશે પણ વાત કરી હતી. એનાથી, શિષ્યોને ફળ આપતા રહેવા મદદ મળવાની હતી. એ અમુક ભેટ કઈ છે અને આજે એ આપણને કઈ રીતે મદદ કરી શકે?

૧૪ આનંદની ભેટ. શું ખુશખબર ફેલાવવાનું કામ બોજરૂપ છે? ના, જરાય નહિ. દ્રાક્ષાવેલાનું ઉદાહરણ જણાવ્યા પછી ઈસુએ કહ્યું હતું કે, આપણે પ્રચાર કરીશું તો તેમના જેવો આનંદ મેળવી શકીશું. (યોહાન ૧૫:૧૧ વાંચો.) એ કઈ રીતે શક્ય છે? ઈસુએ આપેલા ઉદાહરણને યાદ કરો. ઈસુએ પોતાને દ્રાક્ષાવેલા સાથે અને શિષ્યોને ડાળીઓ સાથે સરખાવ્યા હતા. જો ડાળીઓ દ્રાક્ષાવેલા સાથે જોડાયેલી હશે, તો જ તેઓને જરૂરી પાણી અને પોષક તત્ત્વો મળશે. એવી જ રીતે, આપણે ઈસુ સાથે એકતામાં રહીશું અને તેમને પગલે ચાલીશું તો જ, તેમની જેમ ખુશ રહી શકીશું. આપણે પણ ઈસુની જેમ, ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાથી મળતો આનંદ મેળવી શકીશું. (યોહા. ૪:૩૪; ૧૭:૧૩; ૧ પીત. ૨:૨૧) બહેન હાને ૪૦ વર્ષથી પાયોનિયર છે. તે જણાવે છે કે, ‘સેવાકાર્યમાંથી પાછી ફરું ત્યારે મને હંમેશાં આનંદ મળે છે, જે મને યહોવાની સેવામાં મંડ્યા રહેવા પ્રેરે છે.’ ભલે મોટાભાગના લોકો ન સાંભળે, પણ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાથી મળતો આનંદ આપણને ખુશખબર ફેલાવતા રહેવાનું બળ આપે છે.—માથ. ૫:૧૦-૧૨.

૧૫. (ક) યોહાન ૧૪:૨૭માં કઈ ભેટ વિશે જણાવ્યું છે? (ખ) શાંતિ કઈ રીતે ફળ આપવા મદદ કરે છે?

૧૫ શાંતિની ભેટ. (યોહાન ૧૪:૨૭ વાંચો.) મરણની આગલી સાંજે, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “હું તમને મારી શાંતિ આપું છું.” કઈ રીતે ઈસુની શાંતિ આપણને સેવાકાર્યમાં લાગુ રહેવા મદદ કરી શકે? આપણે ખુશખબર ફેલાવીએ છીએ ત્યારે, મનની શાંતિ મળે છે. કારણ કે, આપણે જાણીએ છીએ કે આપણે યહોવા અને ઈસુના દિલને ખુશ કરીએ છીએ. (ગીત. ૧૪૯:૪; રોમ. ૫:૩, ૪; કોલો. ૩:૧૫) ૪૫ વર્ષથી પાયોનિયર સેવા કરનાર ભાઈ અલ્ફ જણાવે છે કે, ‘ખુશખબર ફેલાવાના કામથી થાકી જવાય છે, પણ એનાથી મનનો સંતોષ અને જીવનમાં ખરો ધ્યેય મળે છે.’ આપણને હંમેશ માટેની શાંતિ મળી છે, એ માટે આપણે કેટલા આભારી છીએ!

૧૬. (ક) યોહાન ૧૫:૧૫માં કઈ ભેટ વિશે જણાવ્યું છે? (ખ) શિષ્યો કઈ રીતે ઈસુ સાથે કાયમી મિત્રતા રાખી શકે?

૧૬ મિત્રતાની ભેટ. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે, તે ચાહે છે કે તેઓ ખુશ રહે. એ કહ્યા પછી તેમણે નિઃસ્વાર્થ પ્રેમ બતાવવા માટેનું મહત્ત્વનું કારણ સમજાવ્યું હતું. (યોહા. ૧૫:૧૧-૧૩) પછી તેમણે કહ્યું: “હું તમને મારા મિત્રો કહું છું.” ઈસુના મિત્ર બનવું એ કેટલી કીમતી ભેટ છે! પરંતુ, શિષ્યો કઈ રીતે તેમની સાથે કાયમી મિત્રતા રાખી શકે? ઈસુએ સમજાવ્યું કે, “તમે જઈને ફળ આપતા રહો.” (યોહાન ૧૫:૧૪-૧૬ વાંચો.) બીજા શબ્દોમાં કહીએ તો, ખુશખબર ફેલાવતા રહીને ઈસુ સાથે કાયમી મિત્રતા રાખી શકાય છે. એ વાત કહી એના બે વર્ષ પહેલાં, ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી હતી: “તમે જ્યાં જાઓ ત્યાં પ્રચાર કરો: ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’” (માથ. ૧૦:૭) એટલે પોતાના મરણની આગલી રાતે, ઈસુએ પોતાના શિષ્યોને સેવાકાર્યમાં લાગુ રહેવાનું ઉત્તેજન આપ્યું હતું. (માથ. ૨૪:૧૩; માર્ક ૩:૧૪) જોકે, ઈસુ જાણતા હતા કે એ કામ એટલું આસાન નથી. પરંતુ, શિષ્યો એ કરી શકે છે અને તેમની સાથે કાયમી મિત્રતા રાખી શકે છે. કઈ રીતે? બીજી એક ભેટની મદદથી.

૧૭, ૧૮. (ક) યોહાન ૧૫:૭માં કઈ ભેટ વિશે જણાવ્યું છે? (ખ) એ ભેટથી ઈસુના શિષ્યોને કઈ રીતે મદદ મળી હતી? (ગ) આજે આપણને કઈ ભેટોથી મદદ મળે છે?

૧૭ આપણી પ્રાર્થનાઓના જવાબની ભેટ. ઈસુએ કહ્યું હતું: “તમે મારા નામમાં જે કંઈ માંગો, એ પિતા તમને આપે.” (યોહા. ૧૫:૭, ૧૬) ઈસુએ આપેલા વચનથી ચોક્કસ શિષ્યોની હિંમત બંધાઈ હશે! * પ્રેરિતોને ખરેખર ખબર ન હતી કે ઈસુ જલદી જ મરણ પામશે. જોકે, ઈસુના મરણ પછી તેઓ નિરાધાર ન હતા. યહોવા તેઓની પ્રાર્થનાનો જવાબ આપવા અને સેવાકાર્ય માટે મદદ કરવા તૈયાર હતા. તેમણે એમ કરીને પણ બતાવ્યું હતું. ઈસુના મરણ પછી, પ્રેરિતોએ હિંમત માટે યહોવાને અરજ કરી અને યહોવાએ તેઓની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો.—પ્રે.કા. ૪:૨૯, ૩૧.

આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા પ્રાર્થનાનો જવાબ આપશે (ફકરો ૧૮ જુઓ)

૧૮ આજે પણ એ સાચું છે. સેવાકાર્યમાં લાગુ રહીએ છીએ ત્યારે, આપણે ઈસુ સાથે પાકી મિત્રતા રાખી શકીએ છીએ. અને આપણને ખાતરી મળે છે કે એ કામમાં મુશ્કેલીઓ આવશે ત્યારે, યહોવા ચોક્કસ આપણી પ્રાર્થનાનો જવાબ આપશે. (ફિલિ. ૪:૧૩) આપણે કેટલા આભારી છીએ કે, યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે અને આપણી પાસે ઈસુ જેવા મિત્ર છે. યહોવા તરફથી મળેલી એ બધી ભેટોથી આપણી હિંમત બંધાય છે અને આપણે ફળ આપતા રહીએ છીએ.—યાકૂ. ૧:૧૭.

૧૯. (ક) આપણે શા માટે ખુશખબર ફેલાવવાના કામમાં લાગુ રહીએ છીએ? (ખ) ઈશ્વરનું કામ પૂરું કરવા આપણને શું મદદ કરશે?

૧૯ ખુશખબર ફેલાવવાના કામમાં લાગુ રહેવાનાં આ ચાર કારણો આપણે શીખ્યાં: યહોવાને મહિમા આપવો અને તેમના નામને પવિત્ર મનાવવું, યહોવા અને ઈસુ માટે પ્રેમ બતાવવો, લોકોને ચેતવણી આપવી, લોકો માટે પ્રેમ બતાવવો. આપણે આ ચાર ભેટ વિશે પણ જોઈ ગયા: આનંદ, શાંતિ, મિત્રતા અને પ્રાર્થનાનો જવાબ. આ બધી ભેટથી આપણને ઈશ્વરનું કામ પૂરું કરવા હિંમત મળે છે. આપણે ‘ઘણાં ફળ આપતા રહેવામાં’ મહેનત કરીએ છીએ ત્યારે, યહોવાનું દિલ ખુશીથી ઉભરાય જાય છે!

^ ફકરો. 17 શિષ્યો સાથે વાતચીત દરમિયાન ઈસુએ ઘણી વાર યાદ અપાવ્યું હતું કે, યહોવા તેઓની પ્રાર્થનાનો જવાબ આપશે.—યોહા. ૧૪:૧૩; ૧૫:૭, ૧૬; ૧૬:૨૩.