સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કોના તરફથી ઓળખ મેળવવા ચાહો છો?

તમે કોના તરફથી ઓળખ મેળવવા ચાહો છો?

“ઈશ્વર અન્યાયી નથી કે તે તમારાં કામોને અને પ્રેમને ભૂલી જાય. એ પ્રેમ જે તમે તેમના નામ માટે બતાવ્યો છે.”—હિબ્રૂ. ૬:૧૦.

ગીતો: ૪, ૫૧

૧. આપણા બધામાં કેવી ઇચ્છા હોય છે?

તમે એક વ્યક્તિને ઓળખો છો અને તેને માન આપો છો. એ વ્યક્તિ તમારું નામ ભૂલી જાય અથવા તમને ઓળખે જ નહિ તો તમને કેવું લાગશે? તમે કદાચ નિરાશ થઈ જશો. આપણા બધામાં એક ઇચ્છા હોય છે કે બીજાઓ આપણને ઓળખે, આપણી નોંધ લે. એટલું જ નહિ, આપણે એ પણ ચાહીએ છીએ કે તેઓ આપણાં સ્વભાવ અને આવડતો વિશે જાણે.—ગણ. ૧૧:૧૬; અયૂ. ૩૧:૬.

૨, ૩. બીજાઓ આપણને ઓળખે એવી ઇચ્છા કેવી તકલીફ ઊભી કરી શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આપણે ધ્યાન ન રાખીએ તો, એ ઇચ્છા આપણા માટે તકલીફ ઊભી કરી શકે છે. શેતાનની દુનિયા આપણને ખ્યાતિ મેળવવા અને પોતાને મહત્ત્વના ગણવા લલચાવી શકે છે. જો એ લાલચમાં આવી જઈશું, તો આપણા પિતા યહોવા સાથેની આપણી મિત્રતા જોખમમાં આવી જશે. ઉપરાંત, આપણે તેમની ભક્તિ કરવાથી પણ ફંટાઈ જઈશું, જેના તે હકદાર છે.—પ્રકટી. ૪:૧૧.

ઈસુના સમયના અમુક ધર્મગુરુઓનો વિચાર કરો. બીજાઓ તરફથી તેઓ કંઈક અલગ ઓળખ મેળવવા ચાહતા હતા. ઈસુએ તેઓ વિશે શિષ્યોને ચેતવણી આપી હતી: “શાસ્ત્રીઓથી સાવધ રહો; તેઓને લાંબા ઝભ્ભા પહેરીને ફરવાનું પસંદ છે. તેઓને બજારોમાં સલામો ઝીલવાનું અને સભાસ્થાનોમાં સૌથી સારી બેઠકો અને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યાઓ ગમે છે.” વધુમાં, તેમણે કહ્યું કે “તેઓને સખત આકરી સજા થશે.” (લુક ૨૦:૪૬, ૪૭, ફૂટનોટ) બીજી તર્ફે, ઈસુએ એક ગરીબ વિધવાના વખાણ કર્યા, જેણે બે નાના સિક્કા દાનપેટીમાં નાખ્યા હતા. અરે, બીજા કોઈએ તેના પર ધ્યાન પણ આપ્યું ન હતું. (લુક ૨૧:૧-૪) સાચે જ, ઓળખ વિશે ઈસુના વિચારો બીજાઓ કરતાં સાવ અલગ હતા. યહોવા ચાહે છે કે પોતાની ઓળખ બનાવવા વિશે આપણે યોગ્ય દૃષ્ટિ રાખીએ. આ લેખ આપણને એ વિશે શીખવા મદદ કરશે.

સૌથી સારી ઓળખ

૪. સૌથી સારી ઓળખ કોને કહેવાય અને શા માટે?

સૌથી સારી ઓળખ કોને કહેવાય? મોટાભાગના લોકો ઉચ્ચ શિક્ષણ લઈને, નોકરી ધંધામાં સફળ થઈને કે મનોરંજનની દુનિયામાં નામ કમાઈને ઓળખ બનાવવાનો પ્રયત્ન કરે છે. જોકે, એ સૌથી સારી ઓળખ ન કહેવાય. સૌથી સારી ઓળખ વિશે સમજાવતા પાઊલે કહ્યું, “હવે તમે ઈશ્વરને ઓળખતા થયા છો અથવા ખરું જોતાં ઈશ્વર તમને ઓળખે છે. તો પછી, તમે શા માટે દુનિયાના નબળા અને નકામા રીતરિવાજો તરફ પાછા ફરી રહ્યા છો અને ફરીથી એના દાસ બનવા માંગો છો?” (ગલા. ૪:૯) આખા વિશ્વના માલિક, ‘ઈશ્વર આપણને ઓળખે’ એ કેટલો અદ્ભુત લહાવો કહેવાય! યહોવા જાણે છે કે આપણે કોણ છીએ. ઉપરાંત, તે આપણને પ્રેમ કરે છે અને ઇચ્છે છે કે આપણે તેમના મિત્ર બનીએ. આપણે તેમના મિત્ર બની શકીએ એ માટે તેમણે આપણને બનાવ્યા છે.—સભા. ૧૨:૧૩, ૧૪.

૫. યહોવા આપણને નામથી ઓળખે એ માટે શું કરવું જોઈએ?

મુસા યહોવાના મિત્ર હતા, એ આપણે જાણીએ છીએ. તેમણે યહોવાને વિનંતી કરી કે ‘મને તમારા માર્ગ જણાવજો.’ યહોવાએ જવાબમાં કહ્યું, ‘જે વાત તું બોલ્યો છે તે પ્રમાણે પણ હું કરીશ; કેમ કે તું મારી દૃષ્ટિમાં કૃપા પામ્યો છે, ને હું તને નામથી ઓળખું છું.’ (નિર્ગ. ૩૩:૧૨-૧૭) આપણને પણ એવો અદ્ભુત આશીર્વાદ મળી શકે છે. આપણે એવું શું કરી શકીએ કે યહોવા આપણને નામથી ઓળખે? એ માટે આપણે દિલથી તેમને પ્રેમ કરવો જોઈએ અને આપણું જીવન તેમને સમર્પણ કરવું જોઈએ.—૧ કોરીંથીઓ ૮:૩ વાંચો.

૬, ૭. કઈ બાબત યહોવા સાથેની આપણી મિત્રતા તોડી શકે?

આપણે પિતા યહોવા સાથેની અનમોલ મિત્રતા ટકાવી રાખવી જોઈએ. આપણે ગલાતીનાં ભાઈ-બહેનો જેવા ન બનવું જોઈએ. તેઓ દુનિયાના ‘નબળા અને નકામા રીતરિવાજોની’ ગુલામીમાં પાછાં ફર્યાં હતાં. (ગલા. ૪:૯) એમાં દુનિયા તરફથી મળતી સફળતા અને પ્રસિદ્ધિ પણ આવી જાય છે. તેઓ ઈશ્વરને ઓળખતાં હતાં અને ઈશ્વર પણ તેઓને ઓળખતાં હતાં. પણ, પાઊલે જણાવ્યું કે તેઓ નકામી બાબતો તરફ ‘પાછાં ફર્યાં’ હતાં. બીજા શબ્દોમાં કહીએ તો પાઊલ તેઓને પૂછી રહ્યા હતા: ‘તમે શા માટે મૂર્ખ અને નકામી બાબતો તરફ પાછા ફરીને એની ગુલામી કરો છો?’

શું આપણી સાથે પણ એવું થઈ શકે? હા, એવું થઈ શકે છે. આપણામાંથી અમુકે પાઊલની જેમ, શેતાનની દુનિયાની સફળતા અને નામનાને ઠોકર મારીને સત્ય સ્વીકાર્યું હશે. (ફિલિપીઓ ૩:૭, ૮ વાંચો.) કદાચ ઘણાએ શિષ્યવૃત્તિ, સારી નોકરી કે અઢળક પૈસા કમાવવાની તક જતી કરી હશે. અથવા કેટલાકે સંગીત કે રમતગમતમાં મહારત હાંસલ કરી હોવાથી, તેઓ નામના કે ધનસંપત્તિ મેળવી શક્યા હોત. પણ, તેઓએ એ બધી બાબતોને ઠોકર મારી હતી. (હિબ્રૂ. ૧૧:૨૪-૨૭) એ સારા નિર્ણય વિશે અફસોસ કરવો યોગ્ય કહેવાશે નહિ. આપણે એમ ન વિચારવું જોઈએ કે, એ બાબતો પાછળ મંડ્યા રહ્યા હોત, તો જીવન આજે કેટલું સારું હોત! એ વલણ આપણને દુનિયાની એવી બાબતો તરફ પાછું ખેંચી જશે, જેને આપણે ‘નબળી અને નકામી’ ગણીને ફેંકી દીધી હતી. *

યહોવા તમને મિત્ર ગણે, એવી ઇચ્છા કેળવો

૮. યહોવા આપણને પોતાના મિત્ર ગણે, એવી ઇચ્છા કેળવવા આપણને શું મદદ કરશે?

ઈશ્વર તમને મિત્ર ગણે, એવી ઇચ્છા કેળવવી જોઈએ. શા માટે? એ ઇચ્છા કેળવતા જઈશું તો, આપણે દુનિયાની મિત્રતા કરવાથી દૂર રહીશું. આપણે બે મહત્ત્વની બાબતો પર ધ્યાન આપવું જોઈએ. પહેલી, જેઓ યહોવાને વફાદાર રહે છે, તેઓને યહોવા હંમેશાં પોતાના મિત્ર ગણે છે. (હિબ્રૂઓ ૬:૧૦ વાંચો; ૧૧:૬) યહોવા પોતાના દરેક વફાદાર ભક્તને કીમતી ગણે છે. તેઓની અવગણના કરવી, યહોવા માટે ‘અન્યાય’ કરવા બરાબર છે. “જેઓ પોતાના છે” તેઓને યહોવા હંમેશાં ઓળખે છે. (૨ તિમો. ૨:૧૯) તે “ન્યાયીઓનો માર્ગ જાણે છે” અને તેમને ખબર છે કે કઈ રીતે તેઓનું રક્ષણ કરવું.—ગીત. ૧:૬; ૨ પીત. ૨:૯.

૯. યહોવા કઈ રીતે પોતાના લોકો પર કૃપા બતાવે છે, એનો દાખલો આપો.

કેટલીક વાર યહોવા ખાસ રીતે પોતાના લોકો પર કૃપા બતાવે છે. (૨ કાળ. ૨૦:૨૦, ૨૯) દાખલા તરીકે, ફારૂનનું શક્તિશાળી સૈન્ય ઇઝરાયેલીઓ પાછળ પડ્યું હતું. એ સમયે ઈશ્વરે લાલ સમુદ્ર પાસે પોતાના લોકોને ચમત્કારિક રીતે બચાવ્યા હતા. (નિર્ગ. ૧૪:૨૧-૩૦; ગીત. ૧૦૬:૯-૧૧) એ ઘટના એટલી અદ્ભુત હતી કે, લોકો ૪૦ વર્ષ પછી પણ એના વિશે વાતો કરતા હતા. (યહો. ૨:૯-૧૧) યહોવાએ અગાઉ પોતાના લોકોને જે રીતે બચાવ્યા એ યાદ રાખવાથી આપણને ઉત્તેજન મળે છે. કારણ કે જલદી જ માગોગનો ગોગ આપણા પર હુમલો કરશે. (હઝકી. ૩૮:૮-૧૨) એ સમયે, આપણને કેટલી ખુશી થશે કે આપણે દુનિયા સાથે નહિ, પણ યહોવા સાથે મિત્રતા કેળવી છે.

૧૦. આપણે બીજી કઈ બાબત યાદ રાખવી જોઈએ?

૧૦ બીજી એક બાબત પણ આપણે હંમેશાં યાદ રાખવી જોઈએ: આપણે ધાર્યું પણ ન હોય એ રીતે, યહોવા પોતાની મિત્રતા નિભાવે છે. જો બીજાઓ પાસેથી પ્રશંસા મેળવવા લોકો સારાં કામ કરે, તો યહોવા ઇનામ આપશે નહિ. શા માટે? કારણ કે ઈસુએ કહ્યું હતું તેમ બીજાઓ પ્રશંસા કરે ત્યારે, તેઓને પોતાનો બદલો મળી જાય છે. (માથ્થી ૬:૧-૫ વાંચો.) એવા ઘણાં લોકો છે, જેઓ બીજાઓ માટે સારાં કામ કરે છે પણ તેઓની પ્રશંસા થતી નથી. એવા લોકોનાં “ગુપ્ત કામો” યહોવા જુએ છે. તેઓનાં કાર્યોની નોંધ લઈને તે તેઓને આશીર્વાદ કે ઇનામ આપે છે. અમુક વાર ધાર્યું ન હોય એ રીતે યહોવા પોતાના ભક્તોને ઇનામ આપે છે. ચાલો એ વિશે કેટલાંક ઉદાહરણ જોઈએ.

યહોવાએ એક યુવાન સ્ત્રીને પોતાની મિત્ર તરીકે ઓળખાવી

૧૧. યહોવાએ કઈ રીતે મરિયમને પોતાની મિત્ર તરીકે ઓળખાવી?

૧૧ ઈસુએ માનવ તરીકે જન્મ લેવાનો હતો ત્યારે, યહોવાએ મરિયમ નામની એક સ્ત્રીને પસંદ કરી. મરિયમ ઘણી નમ્ર હતી. તે નાનકડા નગર નાઝરેથમાં રહેતી હતી, જે યરૂશાલેમ અને મંદિરથી દૂર હતું. (લુક ૧:૨૬-૩૩ વાંચો.) યહોવાએ શા માટે મરિયમને પસંદ કરી હતી? ગાબ્રિયેલ દૂતે મરિયમને જણાવ્યું કે, તેના પર “ઈશ્વરની કૃપા થઈ છે.” પછીથી, મરિયમ એલિસાબેતને મળી જે તેના સગામાં હતી. એલિસાબેત સાથેની તેની વાતો પરથી જોઈ શકાય છે કે મરિયમ યહોવાની ગાઢ મિત્ર હતી. (લુક ૧:૪૬-૫૫) યહોવા મરિયમને જોઈ રહ્યા હતા અને તેની વફાદારી માટે તેમણે આશીર્વાદ આપ્યો. એ આશીર્વાદ એટલો મોટો હતો, જેની મરિયમે કદી કલ્પના પણ કરી નહિ હોય!

૧૨, ૧૩. ઈસુના જન્મ સમયે અને મંદિરમાં યહોવાએ કઈ રીતે ઈસુની ઓળખ જાહેર કરી?

૧૨ ઈસુ પૃથ્વી પર જન્મ્યા ત્યારે પણ યહોવાએ તેમની ઓળખ જાહેર કરી. ઈસુના જન્મ વિશે યહોવાએ કોને જણાવ્યું? યરૂશાલેમ અને બેથલેહેમના મહત્ત્વના અધિકારીઓ કે શાસકોને જણાવ્યું ન હતું. એને બદલે, તેમણે નમ્ર ઘેટાંપાળકો પાસે પોતાના દૂતો મોકલીને એ ખુશખબર આપી હતી. એ ઘેટાંપાળકો બેથલેહેમની બહાર ખેતરમાં ઘેટાંની સંભાળ રાખી રહ્યાં હતાં. (લુક ૨:૮-૧૪) પછી, તેઓએ નવા જન્મેલા બાળકની મુલાકાત લીધી. (લુક ૨:૧૫-૧૭) ઈસુને જે રીતે માન આપવામાં આવ્યું, એ જોઈને મરિયમ અને યુસફને ઘણી નવાઈ લાગી હશે. યહોવા જે રીતે વર્તે છે, એ શેતાનની રીત કરતાં એકદમ અલગ છે. શેતાને ઈસુ અને તેમના માબાપ પાસે જ્યોતિષીઓને મોકલ્યા હતા. એના લીધે યરૂશાલેમમાં બધાને ઈસુના જન્મ વિશે ખબર પડી ગઈ હતી અને ઘણી મુશ્કેલી ઊભી થઈ હતી. (માથ. ૨:૩) પરિણામે, ઘણાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવવો પડ્યો હતો.—માથ. ૨:૧૬.

૧૩ ઇઝરાયેલને આપેલા નિયમો મુજબ, જન્મ આપ્યાના ૪૦ દિવસ પછી માતાએ યહોવાને અર્પણ ચઢાવવાનું હતું. તેથી, મરિયમ બેથલેહેમથી નવેક કિલોમીટર મુસાફરી કરીને યરૂશાલેમના મંદિરે ગઈ. તેની સાથે યુસફ અને ઈસુ પણ હતા. (લુક ૨:૨૨-૨૪) રસ્તામાં મરિયમના મનમાં વિચાર આવ્યો હશે કે, ઈસુની ભૂમિકા વિશે યાજક કંઈ જણાવશે કે નહિ. પણ મરિયમે ધાર્યું હતું, એવું કંઈ થયું નહિ. યહોવાએ જાહેર કર્યું કે, ઈસુ વચન આપેલા મસીહ કે ખ્રિસ્ત બનશે. પણ, એ વાત તેમણે “નેક અને ઈશ્વરભક્ત” શિમયોન તથા ૮૪ વર્ષની વિધવા હાન્ના પ્રબોધિકા દ્વારા જાહેર કરી.—લુક ૨:૨૫-૩૮.

૧૪. યહોવાએ કઈ રીતે મરિયમને ઇનામ આપ્યું?

૧૪ મરિયમ ઈસુનો સારી રીતે ઉછેર કરી રહી હતી અને તેમની સાર-સંભાળ રાખી રહી હતી. શું યહોવાએ મરિયમ સાથેની મિત્રતા જાળવી રાખી? હા, ચોક્કસ. મરિયમનાં અમુક કાર્યો અને વાતો બાઇબલમાં નોંધવામાં આવે, એનું યહોવાએ ખાસ ધ્યાન રાખ્યું. એવું લાગે છે કે, ઈસુના સાડા ત્રણ વર્ષના સેવાકાર્ય દરમિયાન મરિયમ તેમની સાથે મુસાફરી કરતી ન હતી. કદાચ તે વિધવા હતી, એટલે તેણે નાઝરેથમાં રહેવું પડતું હતું. તેને ઘણા સુંદર અનુભવો જોવા મળ્યા ન હતા, પણ ઈસુના મરણ વખતે તે તેમની સાથે હતી. (યોહા. ૧૯:૨૬) પચાસમાના દિવસે ઈસુના શિષ્યો પર પવિત્ર શક્તિ આવી, એ પહેલાં મરિયમ ઈસુના શિષ્યો સાથે યરૂશાલેમમાં હતી. (પ્રે.કા. ૧:૧૩, ૧૪) બીજા શિષ્યોની જેમ તે પણ પવિત્ર શક્તિથી અભિષિક્ત થઈ હશે. જો એમ હોય તો, એનો અર્થ થાય કે ઈસુ સાથે હંમેશ માટે સ્વર્ગમાં રહેવાનો તેને મોકો મળ્યો છે. વફાદારીથી કરેલી સેવા માટે કેટલું અદ્ભુત ઇનામ!

યહોવાએ પોતાના દીકરાની ઓળખ જાહેર કરી

૧૫. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહોવાએ કઈ રીતે તેમની ઓળખ જાહેર કરી?

૧૫ ધાર્મિક કે રાજકીય આગેવાનો તરફથી ઈસુ માન મેળવવા ચાહતા ન હતા. ઈસુને કોના તરફથી માન મળ્યું? યહોવા તરફથી. ત્રણ વખત યહોવા સ્વર્ગમાંથી બોલ્યા અને જાહેર કર્યું કે ઈસુ તેમના દીકરા છે. એનાથી ઈસુને કેટલું ઉત્તેજન મળ્યું હશે! યરદન નદીમાં ઈસુના બાપ્તિસ્મા પછી, તરત જ યહોવાએ કહ્યું: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.” (માથ. ૩:૧૭) લાગે છે કે એ શબ્દો ઈસુની સાથે યોહાન બાપ્તિસ્મા આપનારને પણ સાંભળવા મળ્યા હતા. ઈસુના મરણના એકાદ વર્ષ પહેલાં, ત્રણ પ્રેરિતોએ ઈસુ વિશે યહોવાને આમ કહેતા સાંભળ્યા હતા: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે; તેનું સાંભળો.” (માથ. ૧૭:૫) ઈસુના મરણના અમુક દિવસ પહેલાં, સ્વર્ગમાંથી યહોવાએ ફરીથી તેમના દીકરા સાથે વાત કરી હતી.—યોહા. ૧૨:૨૮.

યહોવાએ ઈસુને જે રીતે ઓળખ આપી, એનાથી તમને શું શીખવા મળે છે? (ફકરા ૧૫-૧૭ જુઓ)

૧૬, ૧૭. યહોવાએ કઈ રીતે ઈસુનું સન્માન કર્યું?

૧૬ ઈસુ જાણતા હતા કે, લોકો તેમને ઈશ્વરની નિંદા કરનાર ગણશે અને તેમને અપમાનજનક મોત મળશે. તોપણ, તેમણે પ્રાર્થનામાં માંગ્યું કે પોતાની નહિ પણ ઈશ્વરની ઇચ્છા પૂરી થાય. (માથ. ૨૬:૩૯, ૪૨) “તેમણે વધસ્તંભનું દુઃખ અને અપમાન સહન કર્યાં.” કેમ કે તે દુનિયા તરફથી નહિ પણ યહોવા તરફથી ઓળખ કે સન્માન મેળવવા ચાહતા હતા. (હિબ્રૂ. ૧૨:૨) યહોવાએ કઈ રીતે ઈસુને સન્માન આપ્યું?

૧૭ ઈસુ સ્વર્ગમાં પોતાના પિતા સાથે હતા ત્યારે, મહિમાવાન હતા. તે પૃથ્વી પર હતા ત્યારે, એવો મહિમા ફરીથી મળે માટે તેમણે પ્રાર્થના કરી હતી. (યોહા. ૧૭:૫) ઈસુએ એનાથી વધારે કોઈ આશા રાખી હોય, એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી. પૃથ્વી પર યહોવાની ઇચ્છા પૂરી કરવા બદલ તે મોટા ઇનામની અપેક્ષા રાખતા ન હતા. પણ, યહોવાએ શું કર્યું? ઈસુએ ધાર્યું પણ ન હતું, એ રીતે યહોવાએ તેમનું સન્માન કર્યું. ઈસુને સજીવન કરવામાં આવ્યા ત્યારે, યહોવાએ સ્વર્ગમાં તેમને “ઊંચી પદવી” આપી. ફક્ત એટલું જ નહિ, પહેલાં ક્યારેય કોઈને મળ્યું ન હતું એવું અમર જીવન પણ આપ્યું! * (ફિલિ. ૨:૯; ૧ તિમો. ૬:૧૬) વફાદારીથી કરેલી સેવા માટે કેટલું અદ્ભુત ઇનામ!

૧૮. દુનિયાની નહિ પણ યહોવાની મિત્રતા કરવા આપણને શું મદદ કરશે?

૧૮ દુનિયાની નહિ પણ યહોવાની મિત્રતા કરવા આપણને શું મદદ કરશે? આપણે ધ્યાન આપવું જોઈએ કે યહોવા પોતાના વફાદાર ભક્તો સાથે હંમેશાં મિત્રતા નિભાવે છે અને તેમને ઇનામ આપે છે. અરે, મોટાભાગે એ ઇનામ અણધાર્યું હોય છે. ભવિષ્યમાં યહોવા આપણને કેવાં ઇનામ આપશે, એની તો આપણે બસ કલ્પના જ કરી શકીએ છીએ! પણ, હમણાં આપણે આ દુષ્ટ દુનિયાની મુશ્કેલીઓ અને તકલીફો સહી રહ્યા છીએ ત્યારે, હંમેશાં યાદ રાખવું જોઈએ કે આ દુનિયા તો પળ બે પળની છે. એની દરેક બાબતોનો એટલે કે દુનિયા તરફથી મળતી ઓળખનો પણ નાશ થવાનો છે. (૧ યોહા. ૨:૧૭) બીજી બાજુ, આપણા પ્રેમાળ પિતા યહોવા “અન્યાયી નથી,” એટલે તે આપણાં કામ અને પ્રેમ ક્યારેય ભૂલશે નહિ. (હિબ્રૂ. ૬:૧૦) આપણે સપનામાંય વિચાર્યું નહિ હોય, એ રીતે તે આપણા પર કૃપા બતાવશે!

^ ફકરો. 7 બીજાં બાઇબલ ભાષાંતરોમાં “નકામા” શબ્દને બદલે “બિનઉપયોગી,” “કંગાલ” અને “વ્યર્થ” શબ્દો વપરાયા છે.

^ ફકરો. 17 આને ધાર્યું ન હોય એવું ઇનામ કહી શકાય, કેમ કે હિબ્રૂ શાસ્ત્રવચનોમાં અમર જીવન વિશે ક્યાંય જણાવ્યું નથી.