સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધીરજ—હિંમત ન હારીએ

ધીરજ—હિંમત ન હારીએ

“છેલ્લા દિવસોમાં” પરિસ્થિતિ વધારે બગડી રહી છે, એટલે યહોવાના લોકોએ પહેલાં કરતાં પણ વધારે ધીરજ રાખવાની જરૂર પડે છે. (૨ તિમો. ૩:૧-૫) આજે આપણે દુનિયામાં એવા લોકોથી ઘેરાયેલા છીએ, જ્યાં મોટાભાગે લોકો સ્વાર્થી, જિદ્દી અને સંયમ ન રાખનારા છે. એવો સ્વભાવ રાખતા લોકોમાં ધીરજ જોવા મળતી નથી. એટલે દરેક ઈશ્વરભક્તે પોતાને આ સવાલો પૂછવા જોઈએ: “દુનિયાના લોકોની જેમ શું હું પણ અધીરો બની જાઉં છું? ધીરજ રાખવાનો અર્થ શો થાય? ધીરજના સુંદર ગુણને હું કઈ રીતે મારા સ્વભાવનો ભાગ બનાવી શકું?”

ધીરજ એટલે શું?

બાઇબલમાં ધીરજનો અર્થ અઘરા સંજોગોમાં સહન કરવું ફક્ત એટલો જ થતો નથી. ધીરજ રાખનાર વ્યક્તિ એ આશા સાથે સહન કરે છે કે બાબતો સુધરી જશે. તે ફક્ત પોતાનો જ વિચાર કરતી નથી, પરંતુ બીજાની લાગણીનો પણ વિચાર કરે છે. પછી ભલેને એ વ્યક્તિએ તેને માઠું લગાડ્યું હોય કે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય. ધીરજ રાખનાર વ્યક્તિ હિંમત હારતી નથી. સંબંધમાં કડવાશ ઊભી થાય તો તે એને સુધારવાનો પ્રયત્ન કરે છે. બાઇબલમાં પ્રેમથી ઉત્પન્ન થતા ગુણોની સૂચિ આપવામાં આવી છે, જેમાં સૌ પ્રથમ ‘ધીરજનો’ ગુણ આવે છે. * (૧ કોરીં. ૧૩:૪) બાઇબલમાં ‘પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણોમાં’ ‘ધીરજનો’ પણ સમાવેશ થાય છે. (ગલા. ૫:૨૨, ૨૩) તો પછી, આ ગુણને કેળવવા આપણે શું કરવું જોઈએ?

આપણે કઈ રીતે ધીરજ કેળવી શકીએ?

ધીરજનો ગુણ કેળવવા પવિત્ર શક્તિની મદદ માટે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. જેઓ યહોવા પર ભરોસો રાખે છે અને તેમના પર આધાર રાખે છે, તેઓને તે પોતાની પવિત્ર શક્તિ આપે છે. (લુક ૧૧:૧૩) ઈશ્વરની પવિત્ર શક્તિમાં ઘણી તાકાત રહેલી છે. પણ એનો અર્થ એ નથી કે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહેવું જોઈએ. આપણે પ્રાર્થનાની સુમેળમાં કાર્ય કરવું જોઈએ. (ગીત. ૮૬:૧૦, ૧૧) એનો અર્થ થાય કે ધીરજનો ગુણ કેળવવા દરરોજ આપણાથી બનતું બધું કરવું જોઈએ. એટલું જ નહિ, ધીરજને આપણા સ્વભાવમાં વણી લેવા સખત મહેનત કરવી જોઈએ. એ માટે આપણને બીજા શેનાથી મદદ મળી શકે?

ઈસુના દાખલાને તપાસવાથી અને એને અનુસરવાથી આપણને ધીરજનો ગુણ કેળવવા મદદ મળી શકે છે. પ્રેરિત પાઊલે ‘નવા સ્વભાવ’ વિશે જણાવ્યું હતું, જેમાં ‘ધીરજનો’ પણ સમાવેશ થાય છે. તેમણે ઉત્તેજન આપ્યું હતું કે ‘ખ્રિસ્તની શાંતિને તમારા હૃદયો પર રાજ કરવા દો.’ (કોલો. ૩:૧૦, ૧૨, ૧૫) ઈસુને અડગ શ્રદ્ધા હતી કે ઈશ્વર પોતાના નક્કી કરેલા સમયે બાબતોને થાળે પાડશે. ઈસુની એ શ્રદ્ધાને અનુસરીને આપણા હૃદયો પર ખ્રિસ્તની શાંતિને “રાજ” કરવા દઈએ. ઈસુના દાખલાને અનુસરીશું તો, ભલે ગમે એવા સંજોગો આવે તોપણ આપણે ધીરજ બતાવવાનું છોડીશું નહિ.—યોહા. ૧૪:૨૭; ૧૬:૩૩.

ખરું કે, ઈશ્વરે આપેલા વચન પ્રમાણે આપણે નવી દુનિયાની આતુરતાથી રાહ જોઈએ છીએ. તોપણ, યહોવાએ આપણા માટે જે ધીરજ બતાવી છે, એના પર મનન કરવાથી આપણે ધીરજ બતાવવાનું શીખી શકીએ છીએ. શાસ્ત્રવચનો આપણને ખાતરી આપે છે: “યહોવા પોતાનું વચન પૂરું કરવામાં મોડું કરતા નથી, પછી ભલેને કેટલાક લોકોને એવું લાગે. પરંતુ, તે તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે તમારામાંથી કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પીત. ૩:૯) યહોવાએ આપણા માટે જે ધીરજ બતાવી એના પર વિચાર કરવાથી આપણને બીજાઓ માટે ધીરજ બતાવવાની પ્રેરણા મળે છે. (રોમ. ૨:૪) કયા સંજોગોમાં ધીરજ બતાવવાની જરૂર પડે છે?

ધીરજ રાખવી પડે એવા સંજોગો

દરરોજ આપણી સામે એવા સંજોગો આવે છે, જેમાં આપણી ધીરજની કસોટી થાય છે. ધારો કે, આપણે કોઈ મહત્ત્વની વાત કરવી છે તો આપણે શું કરીશું? એ માટે આપણે બીજાઓને ખલેલ પહોંચાડીશું નહિ, પણ ધીરજ રાખીશું. (યાકૂ. ૧:૧૯) જે ભાઈ-બહેનોની આદતો આપણને ગમતી ન હોય, તેઓ સાથે પણ આપણે ધીરજ બતાવવાની જરૂર પડી શકે. વાતનું વતેસર કરવાને બદલે, યહોવા અને ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે જે રીતે વર્તે છે, એનો વિચાર કરવો જોઈએ. તેઓ આપણી નાની નાની ભૂલો પર ચાંપતી નજર રાખતા નથી. એને બદલે, તેઓ આપણા સારા ગુણો તરફ ધ્યાન આપે છે અને સુધારો કરવા જે મહેનત કરીએ છીએ, એને ધીરજથી નિહાળે છે.—૧ તિમો. ૧:૧૬; ૧ પીત. ૩:૧૨.

બીજા એક સંજોગનો વિચાર કરીએ. જ્યારે કોઈ આપણી વાણી કે વર્તનને ખોટું ગણે, ત્યારે પણ આપણી ધીરજની કસોટી થાય છે. મોટાભાગે આપણે તરત એનો જવાબ આપી દઈએ છીએ અને પોતાને ખરા સાબિત કરવા માંડીએ છીએ. એનાથી વિરુદ્ધ બાઇબલ આપણને જણાવે છે: “મનના મગરૂર માણસ કરતાં મનનો ધીરજવાન સારો છે. ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા; કેમ કે ગુસ્સો મૂર્ખોના હૃદયમાં રહે છે.” (સભા. ૭:૮, ૯) એટલે, આપણા પર મૂકવામાં આવેલા આરોપો સાવ ખોટા હોય, તોપણ જવાબ આપવામાં આપણે ધીરજ રાખવી જોઈએ. બીજાઓએ ઈસુની મજાક ઉડાવી ત્યારે ઈસુ એ સિદ્ધાંત પ્રમાણે વર્ત્યા હતા.—માથ. ૧૧:૧૯.

માબાપોએ ધીરજ બતાવવાની ખાસ જરૂર પડે છે. જ્યારે તેઓનાં બાળકોમાં ખોટાં વર્તન, ઇચ્છાઓ કે વલણ દેખાય, ત્યારે એને હાથ ધરવા માબાપોએ ધીરજ ધરવી પડે છે. ચાલો, સ્કૅન્ડિનેવિયાના બેથેલમાં સેવા આપી રહેલા મથ્થિયસના સંજોગો તપાસીએ. તરુણ હતા ત્યારે, પોતાની માન્યતાને લીધે શાળામાં તેમને ઘણાં મહેણાં-ટોણાં મારવામાં આવતા હતા. શરૂઆતમાં તો તેમનાં માતા-પિતાને એ વિશે ખબર ન હતી, પણ પછીથી તેઓને એ વિશે જાણ થઈ. એ વિરોધને કારણે તેઓના દીકરા ઉપર ઊંડી અસર પડી હતી. તેને સત્ય ઉપર પણ શંકા થવા લાગી હતી. તેમના પિતા ઈલીસ યાદ કરતા કહે છે: ‘એ સંજોગોમાં અમારે ખૂબ ધીરજ ધરવી પડી હતી.’ મથ્થિયસ પૂછતા કે, ‘ઈશ્વર કોણ છે? શું બાઇબલ ખરેખર ઈશ્વરનો શબ્દ છે? કોઈ બાબત વિશે ઈશ્વરની ઇચ્છા શું છે, એની કોને ખબર? કદાચ તેમણે પોતાના પિતાને આમ પણ કહ્યું હશે, ‘તમે જે માનો એ જ મારે માનવું, શું એ જરૂરી છે?’

ઈલીસ જણાવે છે કે, ‘અમુક વાર અમારો દીકરો ગુસ્સામાં સવાલો કરતો. એ સવાલો મારી કે મારી પત્નીની વિરુદ્ધ નહિ, પણ સત્યની વિરુદ્ધ હતા. તેને લાગતું કે તેનું જીવન સત્યને કારણે મુશ્કેલ બની ગયું છે.’ ઈલીસે પોતાના દીકરાને કઈ રીતે મદદ કરી? તે કહે છે: ‘હું અને મારો દીકરો બેસતા અને કલાકો સુધી વાતો કરતા. મોટા ભાગે હું તેનું સાંભળતો તથા તેના મનની વાત અને લાગણીઓ સમજી શકું માટે તેને અમુક વાર સવાલો પૂછતો. અમુક વાર હું તેને કોઈ વિષય પર સમજણ આપતો અને પછી તેને એ વિશે વિચારી રાખવાનું જણાવતો. થોડા દિવસ પછી એ વિષય પર અમે ફરી વાત કરતા. કેટલીક વાર હું સામેથી કહેતો કે તેણે જે જણાવ્યું છે એ વિશે વિચારવા મારે થોડા દિવસો જોઈએ છે. નિયમિત રીતે આવી વાતચીત કરવાથી મથ્થિયસ સમજી શક્યો કે ઈસુએ આપેલું બલિદાન, ઈશ્વરનો રાજ કરવાનો હક અને તેમના પ્રેમનો શો અર્થ થાય છે. ભલે સમય લાગ્યો અને ઘણી વાર એ અઘરું થઈ પડતું, પણ સમય જતાં તેના દિલમાં યહોવા માટેનો પ્રેમ વધવા લાગ્યો. અમારા દીકરાને તરુણ વયે મદદ કરવા અમે ધીરજથી જે મહેનત કરી, એ માટે હું અને મારી પત્ની ઘણા ખુશ છીએ. એ મહેનત રંગ લાવી કારણ કે સત્ય તેના દિલમાં ઊતરી ગયું છે.’

દીકરા સાથે ઈલીસ અને તેમના પત્ની ધીરજથી વર્તતાં હતાં. સાથે સાથે તેઓએ યહોવા પર આધાર રાખવાનું છોડ્યું નહિ. એ દિવસો યાદ કરતાં ઈલીસ કહે છે: ‘હું ઘણી વાર મથ્થિયસને કહેતો કે અમે તેને ખૂબ પ્રેમ કરતા હોવાથી તે બાબતોને સારી રીતે સમજી શકે એ માટે યહોવાને વારંવાર પ્રાર્થના કરતાં હતાં.’ આ માતા-પિતા ઘણાં ખુશ છે કે તેઓએ ધીરજ રાખી અને પડતું ન મૂક્યું!

કોઈ કુટુંબીજન કે મિત્ર ગંભીર બીમારી સહી રહ્યો હોય ત્યારે, એની કાળજી લેવામાં આપણે ધીરજ રાખવી પડે છે. ચાલો, સ્કૅન્ડિનેવિયાનાં બહેન એલનનો * દાખલો જોઈએ.

આશરે આઠ વર્ષ પહેલાં, એલનના પતિને બે વાર સ્ટ્રોક આવ્યો, જેનાથી મગજને ઘણું નુકસાન થયું. એના પરિણામે તે દયા, ખુશી કે દુઃખ જેવી લાગણીઓ અનુભવી શકતા નથી. આ સંજોગોનો સામનો કરવો એલન માટે ઘણું અઘરું છે. તે કહે છે: ‘મારે ઘણી ધીરજ રાખવી પડી અને મેં બહુ પ્રાર્થના કરી. ફિલિપીઓ ૪:૧૩ મારી મનગમતી કલમ છે, જેનાથી મને ઘણો દિલાસો મળ્યો છે. એમાં લખ્યું છે કે, “કેમ કે જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”’ યહોવાની શક્તિ અને તેમના સાથથી એલન એ સંજોગોનો ધીરજથી સામનો કરી શક્યાં.—ગીત. ૬૨:૫, ૬.

યહોવાએ બતાવેલી ધીરજને અનુસરીએ

ધીરજ રાખવામાં યહોવાએ આપણા માટે સૌથી ઉત્તમ દાખલો બેસાડ્યો છે. (૨ પીત. ૩:૧૫) યહોવાએ ધીરજ બતાવી હોય એવા ઘણા અહેવાલો બાઇબલમાં છે. (નહે. ૯:૩૦; યશા. ૩૦:૧૮) દાખલા તરીકે, સદોમનો નાશ કરવાના યહોવાના નિર્ણય પર ઈબ્રાહીમે સવાલ ઉઠાવ્યો ત્યારે યહોવા કઈ રીતે વર્ત્યા? યહોવાએ ઈબ્રાહીમને વાત કરતા અટકાવ્યા નહિ. તે ઈબ્રાહીમના દરેક સવાલ અને ચિંતાને ધીરજપૂર્વક સાંભળતા રહ્યા. પછીથી, યહોવાએ ઈબ્રાહીમની દરેક ચિંતા વિશે ફરીથી વાત કરી. તેમણે ખાતરી આપી કે સદોમમાં ફક્ત દસ ન્યાયી માણસો પણ મળી આવશે તો તે એનો નાશ કરવાનું માંડી વાળશે. (ઉત. ૧૮:૨૨-૩૩) યહોવાએ ધીરજથી સાંભળ્યું અને રાઈનો પહાડ બનાવ્યો નહિ. ધીરજ બતાવવાનો કેટલો જોરદાર દાખલો!

ઈશ્વર જેવી ધીરજ બતાવવી એ આપણા નવા સ્વભાવનો મહત્ત્વનો ભાગ છે, જે આપણે બધાએ પહેરવો જોઈએ. આ કીમતી ગુણ કેળવવા આપણે મહેનત કરીશું તો, સ્વર્ગના પિતાએ બતાવેલી કાળજી અને ધીરજની આપણે કદર કરી શકીશું. આમ, “શ્રદ્ધા અને ધીરજને લીધે જેઓ વચનોના વારસ છે,” એમાં આપણો પણ સમાવેશ થશે.—હિબ્રૂ. ૬:૧૦-૧૨.

^ ફકરો. 4 “પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો” શૃંખલાના નવ લેખોમાં સૌથી પહેલો લેખ પ્રેમના ગુણ વિશે હતો.

^ ફકરો. 15 નામ બદલ્યું છે.