સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સત્ય શીખવો

સત્ય શીખવો

‘હે યહોવા, તમારું વચન શરૂઆતથી તે અંત સુધી સત્ય છે.’—ગીત. ૧૧૯:૧૫૯, ૧૬૦.

ગીતો: ૩૪, ૧૪૫

૧, ૨. (ક) ઈસુના જીવનમાં સૌથી મહત્ત્વનું કામ કયું હતું? શા માટે? (ખ) “ઈશ્વરના સાથી કામદારો” તરીકે સફળ થવા આપણે શું કરવું જોઈએ?

ઈસુ ખ્રિસ્ત સુથાર હતા અને પછીથી ખુશખબર જણાવનાર બન્યા. (માર્ક ૬:૩; રોમ. ૧૫:૮) બંને કામ માટે તેમણે સારી આવડત કેળવી હતી. સુથાર તરીકે તે ઓજારોને કુશળતાથી વાપરવાનું શીખ્યા હતા. આમ, તે લાકડાંની અલગ અલગ ચીજવસ્તુઓ બનાવી શક્યા. તેમની પાસે શાસ્ત્રોનું સારું એવું જ્ઞાન હતું. ખુશખબર જણાવનાર તરીકે તેમણે એનો કુશળતાથી ઉપયોગ કર્યો. એટલે સામાન્ય લોકો પણ સહેલાઈથી એ સમજી શક્યા. (માથ. ૭:૨૮; લુક ૨૪:૩૨, ૪૫) ૩૦ વર્ષની ઉંમરે તેમણે સુથાર તરીકેનું કામ બંધ કર્યું અને ખુશખબર ફેલાવવાનું શરૂ કર્યું. તે જાણતા હતા કે એ સૌથી અગત્યનું કામ છે. ઈશ્વરે તેમને પૃથ્વી પર શા માટે મોકલ્યા હતા? એક કારણ હતું, લોકો સુધી ઈશ્વરના રાજ્યની ખુશખબર પહોંચાડવા. (માથ. ૨૦:૨૮; લુક ૩:૨૩; ૪:૪૩) ઈસુએ ખુશખબર ફેલાવવાના કામને જીવનમાં સૌથી મહત્ત્વનું ગણ્યું. તે ચાહતા હતા કે બીજાઓ પણ એમ કરે.—માથ. ૯:૩૫-૩૮.

આપણામાંથી મોટા ભાગના લોકો સુથાર નથી, પણ આપણે બધા ખુશખબર જણાવનાર છીએ. આ કામ ઈશ્વરે સોંપ્યું હોવાથી એનું મહત્ત્વ જરાય ઓછું ન આંકવું જોઈએ. આપણે તો “ઈશ્વરના સાથી કામદારો” તરીકે ઓળખાઈએ છીએ. (૧ કોરીં. ૩:૯; ૨ કોરીં. ૬:૪) આપણે ગીતના લેખક સાથે સહમત થઈએ છીએ, જે કહે છે: ‘તમારું વચન શરૂઆતથી તે અંત સુધી સત્ય છે.’ હા, યહોવાના શબ્દો સત્ય છે. (ગીત. ૧૧૯:૧૫૯, ૧૬૦) તેથી, આપણે સેવાકાર્યમાં ‘સત્યની વાતો યોગ્ય રીતે શીખવનારા’ બનવા માંગીએ છીએ. (૨ તિમોથી ૨:૧૫ વાંચો.) યહોવા, ઈસુ અને રાજ્ય વિશે બીજાઓને શીખવવાનું મુખ્ય સાધન બાઇબલ છે. તેથી, આપણે બાઇબલ વાપરવાની આવડત કેળવવા પ્રયત્ન કરીએ છીએ. સેવાકાર્યમાં સફળ થઈએ એ માટે યહોવાના સંગઠને આપણને બીજાં સાધનો પણ આપ્યાં છે. એનો યોગ્ય ઉપયોગ કરવાનું આપણે શીખવું જોઈએ. એ ‘શીખવવાનાં સાધનો’ (ટિચિંગ ટૂલબૉક્સ) ભાગમાં જોવાં મળશે.

૩. સેવાકાર્યમાં આપણે શેના પર ધ્યાન આપવું જોઈએ અને એ માટે પ્રેરિતોનાં કાર્યો ૧૩:૪૮ કઈ રીતે મદદ કરે છે?

એ સાધનોને આપણે ‘પ્રચારનાં સાધનો’ કેમ કહેતા નથી? ‘પ્રચારનો’ અર્થ થાય સંદેશો જણાવવો. પણ, ‘શીખવવાનો’ અર્થ થાય, સંદેશો એવી રીતે સમજાવવો કે વ્યક્તિના દિલમાં ઊતરી જાય અને તે પગલાં ભરે. આ દુનિયાના અંતને થોડો જ સમય બાકી રહ્યો છે. તેથી, આપણે બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં અને સત્ય શીખવવામાં વધુ ધ્યાન આપવું જોઈએ. એનાથી લોકો ઈસુના શિષ્યો બની શકશે. એટલે, ‘સત્ય તરફ જેઓનું હૃદય ઢળેલું’ હોય, એવા લોકોને શોધવા આપણે સખત મહેનત કરવી જોઈએ. તેઓ યહોવાની ભક્તિ કરી શકે માટે મદદ આપવી જોઈએ.—પ્રેરિતોનાં કાર્યો ૧૩:૪૪-૪૮ વાંચો.

૪. ‘સત્ય તરફ જેઓનું હૃદય ઢળેલું’ છે, તેઓને કઈ રીતે શોધી શકીએ?

‘સત્ય તરફ જેઓનું હૃદય ઢળેલું’ હોય, તેઓને કઈ રીતે શોધી શકીએ? પ્રથમ સદીમાં એવા લોકોને શોધવાની એક માત્ર રીત હતી, પ્રચાર. ઈસુએ શિષ્યોને કહ્યું હતું: “તમે જે કોઈ શહેર કે ગામમાં જાઓ ત્યાં તમને અને તમારા સંદેશાને આવકારવા કોણ યોગ્ય છે, એની તપાસ કરો.” (માથ. ૧૦:૧૧) આજે આપણે પણ એવું કરવાનું છે. આજે ઘણા લોકોને સત્યની કંઈ પડી નથી કે ઈશ્વર વિશે જરાય શીખવા માંગતા નથી. અરે, અમુક તો ઘમંડી છે. તેઓ ખુશખબર સાંભળશે, એવી આપણે અપેક્ષા રાખતા નથી. આપણે નમ્ર લોકોને શોધીએ છીએ, જેઓ સત્ય માટે તરસે છે તથા એ વિશે જાણવા માંગે છે. લોકોને શોધવાનું કામ કેવું છે? એ સમજવા ઈસુના સમયની કલ્પના કરો. મેજ-ખુરશી, દરવાજો, ઝૂંસરી કે બીજું કંઈ બનાવતા પહેલાં ઈસુએ યોગ્ય લાકડું શોધવાનું હતું. પછી, ઈસુ સાધનોની મદદથી અને પોતાની આવડત વાપરીને વસ્તુ બનાવી શકતા. એવું જ આપણા વિશે છે. પહેલા આપણે નમ્ર લોકોને શોધવાના છે. પછી, સાહિત્ય (સાધનો) અને આવડત વાપરીને તેઓને ઈસુના શિષ્ય બનવા મદદ કરવાની છે.—માથ. ૨૮:૧૯, ૨૦.

૫. દરેક શીખવવાના સાધનનો હેતુ એકસરખો નથી, દાખલો આપીને સમજાવો. (શરૂઆતનું ચિત્ર જુઓ.)

દરેક સાધનનો ઉપયોગ જુદો જુદો હોય છે. ઈસુ સુથાર તરીકે જે સાધનો વાપરતાં એનો વિચાર કરો. * માપવા, નોંધવા, કાપવા, કાણું પાડવા, આકાર આપવા ઈસુને અલગ અલગ સાધનોની જરૂર પડી હશે. ઉપરાંત, લાકડાંનાં બે ભાગને સરખા કરવા અને જોડવા પણ સાધનની જરૂર પડી હશે. એવી જ રીતે, શીખવવાના દરેક સાધનનો ખાસ હેતુ છે. ચાલો, જોઈએ કે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.

આપણા વિશે જાણકારી આપતાં સાધનો

૬, ૭. (ક) તમે કોન્ટેક્ટ કાર્ડનો કઈ રીતે ઉપયોગ કર્યો છે? (ખ) આપણે શા માટે સભાની આમંત્રણ પત્રિકાનો ઉપયોગ કરવો જોઈએ?

કોન્ટેક્ટ કાર્ડ. નાનું પણ અસરકારક સાધન. એનાથી લોકોને જાણવા મળશે કે, આપણે કોણ છીએ. એ કાર્ડથી તેઓને jw.org વેબસાઇટ વિશે ખબર પડશે. વેબસાઇટ પરથી આપણા સંગઠન વિશે વધુ માહિતી મળશે અને તેઓ બાઇબલ અભ્યાસ માટે વિનંતી કરી શકશે. અત્યાર સુધી આપણી વેબસાઇટ પર ચાર લાખથી વધુ લોકોએ બાઇબલ અભ્યાસ માટે વિનંતી મોકલી છે. દરરોજ સેંકડો લોકો એમ કરી રહ્યા છે! તમે કોન્ટેક્ટ કાર્ડ પોતાની સાથે રાખી શકો અને દિવસ દરમિયાન જેટલા લોકો સાથે વાત કરવાનો મોકો મળે તેઓને આપી શકો.

આમંત્રણ પત્રિકા. આપણી સભાની આમંત્રણ પત્રિકા પર લખ્યું છે: “યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા તમને આમંત્રણ છે.” પછી, એમાં લખ્યું છે, “અમારી સભામાં આવો” અથવા “યહોવાના સાક્ષીઓ પાસેથી શીખો.” આ પત્રિકા લોકોને આપણા વિશે માહિતી આપે છે. ઉપરાંત, “ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે” એવા લોકોને બાઇબલ અભ્યાસ કરવા આમંત્રણ આપે છે. (માથ. ૫:૩) ભલે તેઓ અભ્યાસ કરે કે ન કરે, તેઓ આપણી સભાઓમાં આવી શકે છે. ત્યાં તેઓ જોઈ શકશે કે, બાઇબલમાંથી કેટલું બધું શીખવા મળે છે.

૮. લોકો ઓછામાં ઓછી એક વાર આપણી સભામાં આવે, એ કેમ મહત્ત્વનું છે? દાખલો આપો.

લોકોને સભામાં આવવાનું આપણે આમંત્રણ આપવું જોઈએ. અરે, ઓછામાં ઓછી એક વાર આપણી સભામાં આવવા ઉત્તેજન આપવું જોઈએ. શા માટે? જ્યારે તેઓ આવશે ત્યારે તેઓ પોતે જોઈ શકશે કે, યહોવાના સાક્ષીઓ લોકોને બાઇબલમાંથી સત્ય શીખવા અને ઈશ્વર વિશે જાણવા મદદ કરે છે. બીજા ધર્મના લોકો એવું કરતા નથી. (યશા. ૬૫:૧૩) દાખલા તરીકે, અમેરિકામાં રહેતાં રેયભાઈ અને લિન્ડાબહેન થોડાં વર્ષો પહેલાં એવો ફરક જોઈ શક્યાં હતાં. આ પતિ-પત્ની ઈશ્વરમાં માનતાં હતાં અને તેમને એ વિશે વધારે જાણવું હતું. તેઓએ શહેરના બધાં ચર્ચોનાં પગથિયાં ઘસી નાંખ્યાં. તેઓ આ બે બાબતોની તપાસ કરી રહ્યાં હતાં: પહેલી, ચર્ચમાંથી તેઓને કંઈક શીખવા મળે. બીજી, ચર્ચના સભ્યોનો પહેરવેશ ઈશ્વરભક્તોને શોભે એવો હોય. તેઓએ ઘણાં વર્ષો એમ કર્યું. કેમ કે તેઓનાં શહેરમાં ઘણાં ચર્ચ હતાં. તેઓને હાથ કંઈ લાગ્યું નહિ. તેઓને કંઈ શીખવા મળ્યું નહિ અને ચર્ચમાં આવતા લોકોનો પહેરવેશ પણ શોભે એવો ન હતો. આખરે તેઓના લિસ્ટમાં છેલ્લું ચર્ચ બાકી હતું, એમાં પણ તેઓને નિરાશા જ મળી. પછી, લિન્ડા કામ પર ગયાં અને રેય ઘરે જવા નીકળ્યા. રસ્તામાં તેમને યહોવાના સાક્ષીઓનું પ્રાર્થનાઘર દેખાયું. તેમણે વિચાર્યું, ‘લાવ, જોઉં તો ખરો, ત્યાં શું ચાલે છે.’ ત્યાં જે જોયું, એ તેમણે પહેલાં ક્યારેય જોયું ન હતું! પ્રાર્થનાઘરમાં બધા ખૂબ મળતાવડા હતા. દરેકનો પહેરવેશ શોભતો હતો. રેય પહેલી હરોળમાં બેઠા હતા અને જે શીખવા મળ્યું એ તેમને ખૂબ ગમ્યું! આ વાત આપણને પ્રેરિત પાઊલના શબ્દો યાદ દેવડાવે છે. તેમણે જણાવ્યું હતું કે સભામાં પહેલી વાર આવેલી વ્યક્તિ કહેશે કે, “ઈશ્વર સાચે જ તમારી વચ્ચે છે.” (૧ કોરીં. ૧૪:૨૩-૨૫) રેય દર રવિવારે સભામાં આવવા લાગ્યા. પછી, અઠવાડિયાની બીજી સભામાં પણ આવવા લાગ્યા. લિન્ડાબહેન પણ સભામાં આવવાં લાગ્યાં. તેઓ ૭૦થી વધુ ઉંમરનાં હતાં, છતાં તેઓએ બાઇબલ અભ્યાસ કર્યો અને બાપ્તિસ્મા લીધું.

વાતચીત શરૂ કરવા માટેનાં સાધનો

૯, ૧૦. (ક) શા માટે પત્રિકાઓ વાપરવી સહેલી છે? (ખ) ઈશ્વરનું રાજ્ય શું છે? પત્રિકા કઈ રીતે વાપરી શકાય?

પત્રિકાઓ. શીખવવાનાં સાધનોમાં આઠ પત્રિકાઓ છે. એમાંની પહેલી પત્રિકા ૨૦૧૩માં બહાર પડી હતી. એ પત્રિકાઓ સહેલાઈથી વાપરી શકાય છે અને વાતચીત શરૂ કરવા ઘણી ઉપયોગી છે. આશરે પાંચ અબજ જેટલી પત્રિકાઓ છાપવામાં આવી છે! દરેક પત્રિકામાં માહિતીને રજૂ કરવાની રીત એકસરખી છે. એટલે, જો એક પત્રિકા આપવાનું શીખી ગયા, તો બીજી બધી પણ આવડી જશે! વાતચીત શરૂ કરવા આ પત્રિકા કઈ રીતે વાપરી શકાય?

૧૦ કદાચ તમે ઈશ્વરનું રાજ્ય શું છે? પત્રિકા આપવા માંગો છો. વ્યક્તિને પહેલા પાન પરનો સવાલ બતાવો: “ઈશ્વરનું રાજ્ય શું છે? શું તમે એમ કહેશો . . .” પછી, પત્રિકામાં આપેલા ત્રણ જવાબોમાંથી એક પસંદ કરવાનું કહો. તેમનો જવાબ સાચો છે કે ખોટો એ જણાવશો નહિ. તેમને પત્રિકાનો અંદરનો ભાગ બતાવો. બીજા પાન પર “પવિત્ર શાસ્ત્ર શું કહે છે?ભાગ જુઓ અને એમાંથી દાનીયેલ ૨:૪૪ અને યશાયા ૯:૬ વાંચો. અંતે, છેલ્લા પાન પરથી “વિચારવા જેવું” ભાગ બતાવો. એમાંથી આ સવાલ પૂછો: “ઈશ્વરના રાજ્યમાં જીવન કેવું હશે?” બીજી વાર મળો ત્યારે એ સવાલનો જવાબ જણાવી શકો. તેમ જ, ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકાના પાઠ ૭ પર ધ્યાન દોરો, એ પુસ્તિકા અભ્યાસ શરૂ કરવાનું એક સાધન છે.

બાઇબલમાં શ્રદ્ધા વધારે એવાં સાધનો

૧૧. મૅગેઝિનનો વિષય પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવામાં આવે છે અને આપણે મૅગેઝિન વિશે શું જાણવું જોઈએ?

૧૧ મૅગેઝિન. ચોકીબુરજ અને સજાગ બનો! એવાં મૅગેઝિન છે, જે આખી દુનિયામાં સૌથી વધુ સંખ્યામાં બહાર પડે છે. એ સૌથી વધારે ભાષાઓમાં અનુવાદ થાય છે! અલગ અલગ દેશોમાં આ મૅગેઝિન વંચાય છે. એટલે, એવો મુખ્ય વિષય પસંદ કરવામાં આવે છે, જેના વિશે જાણવાનું બધાને ગમે. આ મૅગેઝિનનો એ રીતે ઉપયોગ કરીએ, જેથી લોકો સમજી શકે કે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે. પણ પહેલાં, આપણે જાણવું જોઈએ કે કયું મૅગેઝિન કોના માટે છે.

૧૨. (ક) સજાગ બનો! મૅગેઝિન કોના માટે તૈયાર કરવામાં આવ્યું છે અને એનો ધ્યેય શું છે? (ખ) સજાગ બનો! વાપરવા વિશે તમને તાજેતરમાં થયેલો સારો અનુભવ જણાવો.

૧૨ સજાગ બનો! આ મૅગેઝિન બાઇબલ વિશે થોડું જ જાણતા કે પછી જરાય ન જાણતા લોકો માટે તૈયાર કરવામાં આવે છે. કદાચ એવા લોકો ખ્રિસ્તના શિક્ષણ વિશે કંઈ જાણતા નથી, ધર્મ પર ભરોસો રાખતા નથી અથવા તેઓને ખ્યાલ નથી કે બાઇબલથી જીવનમાં મદદ મળશે. સજાગ બનો! મૅગેઝિન એટલે બહાર પાડવામાં આવે છે, જેથી વાચકને ખાતરી મળે કે ઈશ્વર છે. (રોમ. ૧:૨૦; હિબ્રૂ. ૧૧:૬) ઉપરાંત, ભરોસો બેસે કે બાઇબલ ‘હકીકતમાં ઈશ્વરનો સંદેશો’ છે. (૧ થેસ્સા. ૨:૧૩) ૨૦૧૮ના બે અંકોના મુખ્ય વિષય આ છે: “કુટુંબ સુખી બનાવો બાર રીતો અજમાવો” અને “શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન.”

૧૩. (ક) જનતા માટેનું ચોકીબુરજ કોના માટે તૈયાર કરવામાં આવ્યું છે? (ખ) ચોકીબુરજ વાપરવા વિશે તમને તાજેતરમાં થયેલો સારો અનુભવ જણાવો.

૧૩ ચોકીબુરજ જનતા માટે. એનો મુખ્ય ધ્યેય છે કે ઈશ્વર અને બાઇબલ માટે થોડો ઘણો આદર ધરાવતા લોકોને બાઇબલનું શિક્ષણ આપવું. તેઓ કદાચ બાઇબલની અમુક બાબતો જાણતા હશે. પણ, બાઇબલ શું શીખવે છે એ વિશે ખરી માહિતી જાણતા નહિ હોય. (રોમ. ૧૦:૨; ૧ તિમો. ૨:૩, ૪) ૨૦૧૮ના બે અંકોમાં આ સવાલોના જવાબ મળે છે: “આવનાર ભાવિ કેવું હશે?” અને “શું ઈશ્વર તમારી સંભાળ રાખે છે?

ઉત્તેજન આપતાં સાધનો

૧૪. (ક) શીખવવાનાં સાધનોમાં કયા ચાર વીડિયો આપેલા છે? (ખ) આ વીડિયો બતાવવાથી થયેલો સારો અનુભવ જણાવો.

૧૪ વીડિયો. ઈસુના દિવસોમાં સુથાર પાસે ફક્ત હાથથી વપરાય એવાં સાધનો હતાં. પણ, આજે સુથાર પાસે વીજળીથી ચાલતાં સાધનો હોય છે, જેનાથી કાપી શકાય, કાણું પાડી શકાય કે ઘસી શકાય. એવી જ રીતે, છાપેલાં સાહિત્યની સાથે સાથે આપણી પાસે સુંદર વીડિયો પણ છે. શીખવવાનાં સાધનોમાં આ ચાર વીડિયો જોવા મળે છે: બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?, બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે?, પ્રાર્થનાઘરમાં શું થાય છે? અને યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ? વ્યક્તિને પહેલી વાર મળીએ ત્યારે આ વીડિયો કામમાં આવી શકે. દરેક વીડિયો આશરે બે મિનિટના છે. ફરી મુલાકાતમાં અને જેઓ પાસે સમય હોય, તેઓને લાંબા વીડિયો બતાવી શકાય. આ વીડિયો ઘણા સારા છે. એ જોઈને બાઇબલમાંથી શીખવાનું અને સભામાં આવવાનું લોકોને મન થાય છે.

૧૫. પોતાની ભાષામાં વીડિયો જોવાથી લોકો પર કેવી અસર થઈ છે? દાખલો આપો.

૧૫ દાખલા તરીકે, એક બહેન માઇક્રોનેશિયા દેશની સ્ત્રીને મળ્યાં હતાં. તેની માતૃભાષા યાપીઝ હતી. બહેને તેને યાપીઝમાં બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવ્યો. વીડિયો શરૂ થયો ત્યારે સ્ત્રી બોલી ઊઠી: ‘અરે, આ તો મારી ભાષા છે. મારા તો માનવામાં જ નથી આવતું! તેના બોલવા પરથી લાગે છે કે તે મારા ટાપુનો છે. એ તો મારી ભાષા બોલી રહ્યો છે!’ પછી, તેણે જણાવ્યું કે આપણી વેબસાઇટ પરની બધી માહિતી વાંચશે અને બધા વીડિયો જોશે. (પ્રેરિતોનાં કાર્યો ૨:૮, ૧૧ સરખાવો.) બીજો એક દાખલો અમેરિકાનાં એક બહેનનો છે. તેમનો ભત્રીજો બીજા દેશમાં રહેતો હતો. આપણાં બહેને તેને વીડિયોની લિંક મોકલી. એ વીડિયો તેની ભાષામાં હતો. તે રહે છે એ દેશમાં આપણા કામ પર અમુક નિયંત્રણો છે. તેણે વીડિયો જોયા પછી, બહેનને ઇ-મેઇલ કર્યો: ‘આખું જગત શેતાનની સત્તામાં છે. એ સાંભળીને મને વધારે જાણવાનું મન થયું. મેં બાઇબલ અભ્યાસ શરૂ કરવા માટે વિનંતી કરી છે.’ કેટલો જોરદાર અનુભવ!

સત્ય શીખવતાં સાધનો

૧૬. નીચે આપેલી દરેક પુસ્તિકાનો હેતુ જણાવો: (ક) ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! (ખ) ઈશ્વર પાસેથી ખુશખબર! (ગ) યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?

૧૬ પુસ્તિકાઓ. ઓછું ભણેલા છે અથવા પોતાની ભાષામાં સાહિત્ય નથી, એવા લોકોને તમે કઈ રીતે સત્ય શીખવશો? ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! * પુસ્તિકાનો ઉપયોગ કરવો જોઈએ. બાઇબલ અભ્યાસ શરૂ કરવા માટેનું એક જોરદાર સાધન છે, ઈશ્વર પાસેથી ખુશખબર! આ પુસ્તિકાની પાછળ ૧૪ વિષયો આપ્યા છે. એ બતાવીને પૂછી શકો કે વ્યક્તિને કયો વિષય ગમે છે. પછી એમાંથી અભ્યાસ શરૂ કરો. શું તમે ફરી મુલાકાતમાં એ રીત અજમાવી છે? આપણાં શીખવવાનાં સાધનોમાં ત્રીજી પુસ્તિકા છે, યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? એ આપણા સંગઠન વિશે બાઇબલ વિદ્યાર્થીને વધુ માહિતી આપશે. બાઇબલ અભ્યાસમાં એનો કઈ રીતે ઉપયોગ કરવો, એ જાણવા માર્ચ ૨૦૧૭ આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જુઓ.

૧૭. (ક) અભ્યાસ માટેના દરેક પુસ્તકનો હેતુ શું છે? (ખ) બાપ્તિસ્મા લેવા માંગતી વ્યક્તિએ શું કરવું જોઈએ અને શા માટે?

૧૭ પુસ્તકો. વ્યક્તિ સાથે પુસ્તિકામાંથી અભ્યાસ શરૂ કર્યા પછી તમે યોગ્ય સમયે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કરી શકો. આ પુસ્તક વ્યક્તિને બાઇબલનું મૂળ શિક્ષણ શીખવા મદદ કરશે. વિદ્યાર્થી પ્રગતિ કરતો હોય અને એ પુસ્તક પૂરું થઈ જાય પછી, તમે ઈશ્વરના પ્રેમની છાયામાં રહો * પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કરી શકો. બાઇબલ સિદ્ધાંતોને રોજબરોજના જીવનમાં લાગુ પાડવા વિદ્યાર્થીને આ પુસ્તક મદદ કરશે. જો આ બે પુસ્તકોનો અભ્યાસ પૂરો થયો ન હોય, તો વિદ્યાર્થીએ બાપ્તિસ્મા પછી પણ એનો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. એનાથી તેને યહોવામાં અડગ શ્રદ્ધા રાખવા અને વફાદાર રહેવા મદદ મળશે.—કોલોસીઓ ૨:૬, ૭ વાંચો.

૧૮. (ક) ૧ તિમોથી ૪:૧૬ આપણને શું ઉત્તેજન આપે છે અને એમ કરીશું તો કેવું પરિણામ આવશે? (ખ) શીખવવાનાં સાધનો વાપરીએ ત્યારે, આપણો ધ્યેય શું હોવો જોઈએ?

૧૮ યહોવાના સાક્ષી તરીકે આપણી જવાબદારી છે કે લોકોને “ખુશખબરનું સત્ય” શીખવીએ, જેથી તેઓ હંમેશ માટે જીવી શકે. (કોલો. ૧:૫; ૧ તિમોથી ૪:૧૬ વાંચો.) આપણને જરૂર છે, એવાં બધાં સાધનો આપણી પાસે છે. (“ શીખવવાનાં સાધનો” બૉક્સ જુઓ.) ચાલો એનો સૌથી સારો ઉપયોગ કરીએ. કયું સાધન ક્યારે વાપરવું એ આપણે પોતે નક્કી કરી શકીએ છીએ. આપણો ધ્યેય ઘરે ઘરે સાહિત્ય વહેંચવાનો કે રસ ન હોય એવા લોકોને સાહિત્ય આપવાનો નથી. પણ આપણો ધ્યેય તો જેઓ નમ્ર છે અને દિલથી જાણવા માંગે છે, તેઓને શિષ્ય બનાવવાનો છે. એવા લોકો ખરેખર ઈશ્વર વિશે જાણવા માંગે છે અને ‘સત્ય સ્વીકારવા તરફ તેઓનું હૃદય ઢળેલું છે.’—પ્રે.કા. ૧૩:૪૮; માથ. ૨૮:૧૯, ૨૦.

^ ફકરો. 5 ઑગસ્ટ ૧, ૨૦૧૦, ચોકીબુરજનો (અંગ્રેજી) લેખ “ધ કાર્પેન્ટર” અને એનું બૉક્સ “ધ કાર્પેન્ટર્સ ટૂલબૉક્સ” જુઓ.

^ ફકરો. 16 જો વ્યક્તિ વાંચી શકતી ન હોય, તો તમે ભગવાનનું સાંભળો પુસ્તિકામાંથી શીખવી શકો, જેમાં મોટા ભાગે ચિત્રો છે.

^ ફકરો. 17 વૉટ કેન ધ બાઇબલ ટીચ અસ? અને હાઉ ટુ રિમેઇન ઇન ગોડ્સ લવ પુસ્તકો તમારી ભાષામાં પ્રાપ્ય થાય ત્યારે, તમે એ વાપરી શકો.