સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘હું સત્યના માર્ગે ચાલીશ’

‘હું સત્યના માર્ગે ચાલીશ’

‘હે યહોવા, મને તમારો માર્ગ શીખવો; હું તમારા સત્યના માર્ગે ચાલીશ.’—ગીત. ૮૬:૧૧.

ગીતો: ૨૬, ૧૦

૧-૩. (ક) બાઇબલ સત્યને આપણે કઈ રીતે જોવું જોઈએ? સમજાવો. (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આજે ઘણા લોકો વસ્તુઓ ખરીદે છે અને પાછી આપી દે છે. ઇન્ટરનેટ પરથી વસ્તુઓ ખરીદવામાં આવે ત્યારે એવું વધારે થાય છે. ઘણી વખત ખરીદેલી વસ્તુ પસંદ આવતી નથી અથવા વસ્તુ બરાબર હોતી નથી. એટલે, લોકો વસ્તુના બદલામાં બીજું કંઈ લે છે અથવા પૈસા પાછા માંગી લે છે.

સત્ય વિશે આપણે એવું ક્યારેય નહિ કરીએ. એક વાર સત્ય ‘ખરીદ્યા’ પછી આપણે ક્યારેય એ ‘વેચીશું નહિ.’ એટલે કે, સત્ય શીખ્યા પછી ક્યારેય એ છોડીશું નહિ. (નીતિવચનો ૨૩:૨૩ વાંચો; ૧ તિમો. ૨:૪) સત્ય શીખવા આપણે બધાએ ઘણો સમય કાઢ્યો છે. એ ઉપરાંત અમુકે કેવી બાબતો જતી કરી છે? કદાચ અમુકે અઢળક પૈસા મળે એવી કારકિર્દી જતી કરી. અમુકે સગાંઓ સાથેનો સંબંધ જતો કર્યો. અમુકે વિચારો અને વાણી-વર્તનમાં ફેરફારો કર્યા. અમુકે યહોવાને પસંદ ન હોય એવા રીત-રિવાજો જતા કર્યા. આપણને ખાતરી છે કે સત્ય જાણવાથી જે આશીર્વાદો મળ્યા છે, એના બદલામાં આપણે જે કંઈ જતું કર્યું એ કંઈ જ વિસાતમાં નથી. ગયા લેખમાં એ વિશે જોઈ ગયા હતા.

ઈસુએ એક વેપારીનો દાખલો આપ્યો હતો, જે કીમતી મોતી શોધતો હતો. તેને એક ઘણું મૂલ્યવાન મોતી મળ્યું. એને ખરીદવા તેણે પોતાની બધી વસ્તુઓ વેચી દીધી. એ મોતી કોને રજૂ કરતું હતું? ઈશ્વરના રાજ્યના સત્યને. આ દાખલાથી ઈસુએ સમજાવ્યું કે જેઓ સત્યની શોધ કરે છે, તેઓ માટે એ ઘણું કીમતી છે. (માથ. ૧૩:૪૫, ૪૬) જ્યારે આપણે યહોવાના રાજ્ય વિશેનું સત્ય અને એવી બીજી કીમતી વાતો શીખ્યા, ત્યારે આપણે કંઈ પણ જતું કરવા તૈયાર હતા. આપણે હંમેશાં સત્યને કીમતી ગણીશું તો એને કદીયે છોડીશું નહિ. પણ દુઃખની વાત છે કે, અમુક ઈશ્વરભક્તોએ સમય જતાં સત્યને કીમતી ગણ્યું નહિ અને એને છોડી દીધું. આપણે કદી પણ એવું નહિ કરીએ. બાઇબલની સલાહ મુજબ, આપણે “સત્યના માર્ગ” પર ચાલતા રહેવાની જરૂર છે. (૩ યોહાન ૨-૪ વાંચો.) એનો અર્થ થાય કે આપણે સત્યને જીવનમાં પ્રથમ રાખીએ. આપણી રહેણીકરણીથી એ દેખાઈ આવવું જોઈએ. આ લેખમાં આપણે જોઈશું કે, કોઈ વ્યક્તિ શા માટે સત્યને “વેચી” અથવા છોડી દે છે? તે કઈ રીતે એવું કરી બેસે છે? આપણે એવું કરી ન બેસીએ માટે શાનું ધ્યાન રાખવું જોઈએ? આપણે “સત્યના માર્ગે” ચાલવા કઈ રીતે મક્કમ નિર્ણય લઈ શકીએ?

અમુક લોકો શા માટે અને કઈ રીતે સત્ય “વેચી” દે છે?

૪. ઈસુના સમયમાં શા માટે અમુકે સત્યના માર્ગે ચાલવાનું છોડી દીધું?

ઈસુના સમયમાં અમુક લોકોએ સત્યના માર્ગે ચાલવાનું છોડી દીધું. દાખલા તરીકે, ઈસુએ મોટા ટોળાને જમાડવા ચમત્કાર કર્યો હતો. પછી એ ટોળું ગાલીલ સમુદ્રને પેલે પાર ઈસુની પાછળ પાછળ ગયું. પણ, તેઓ ઈસુની વાત સાંભળીને ચોંકી ગયા: “જો તમે માણસના દીકરાનું માંસ નહિ ખાઓ અને તેનું લોહી નહિ પીઓ, તો તમને જીવન મળશે નહિ.” ઈસુની વાતનો અર્થ પૂછવાને બદલે તેઓએ કહ્યું: “આ વાત ગળે ઉતારવી અઘરી છે; આવું કોણ સાંભળી શકે?” પરિણામે, “તેમના ઘણા શિષ્યો પાછા પોતપોતાના કામધંધે લાગી ગયા અને તેઓએ તેમની સાથે ચાલવાનું છોડી દીધું.”—યોહા. ૬:૫૩-૬૬.

૫, ૬. (ક) આજે શા માટે અમુક લોકો સત્યથી દૂર જતા રહ્યા છે? (ખ) વ્યક્તિ કઈ રીતે સત્યથી દૂર થઈ જાય છે?

દુઃખની વાત છે કે, આજે અમુક લોકો જાણીજોઈને સત્યથી દૂર જતા રહ્યા છે. કદાચ બાઇબલ કલમની નવી સમજણ તેઓને ગળે ન ઊતરી હોય. કદાચ આગેવાની લેનાર કોઈ ભાઈનાં વાણી-વર્તનથી તેઓને આંચકો લાગ્યો હોય, ખોટું લાગ્યું હોય. અથવા બાઇબલમાંથી આપેલી સલાહ તેઓને ગમી ન હોય. મંડળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોય. કદાચ તેઓ સત્યમાં ભેળસેળ કરનારાઓની વાત સાચી માનવા લાગે. અથવા સત્યનો વિરોધ કરનારા લોકોના જૂઠા શિક્ષણને સાચું માની લે. આવાં કારણોને લીધે અમુક લોકો યહોવા અને મંડળથી દૂર થઈ જાય છે. (હિબ્રૂ. ૩:૧૨-૧૪) તેઓએ પ્રેરિત પીતરના દાખલામાંથી શીખવું જોઈએ. અમુક લોકો ઈસુના શબ્દોથી ચોંકી ગયા અને જતા રહ્યા. ત્યારે ઈસુએ પ્રેરિતોને પૂછ્યું, શું તમે પણ જતા રહેવા ચાહો છો? પીતરે જવાબ આપ્યો: “પ્રભુ, અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે.”—યોહા. ૬:૬૭-૬૯.

અમુક લોકોને ખબર હોતી નથી કે તેઓ સત્યથી દૂર જઈ રહ્યા છે. તેઓ ધીરે ધીરે સત્યથી દૂર થઈ જાય છે. એવી વ્યક્તિ કિનારે બાંધી ન હોય એવી હોડી જેવી છે. ખબર પણ નથી પડતી ને એ ધીરે ધીરે કિનારાથી દૂર જતી રહે છે. બાઇબલ આપણને ચેતવણી આપે છે કે ‘કદી ફંટાઈ ન જઈએ.’ (હિબ્રૂ. ૨:૧) સત્યથી ધીરે ધીરે દૂર થનાર વ્યક્તિ જાણીજોઈને એમ કરતી નથી. તેનો ઇરાદો સત્ય છોડવાનો હોતો નથી. પણ યહોવા સાથેની તેની મિત્રતા નબળી પડતી જાય છે અને સમય જતાં એ તૂટી જાય છે. ધીમે ધીમે તે સત્યથી દૂર જતી રહે છે. આપણે એવું ન કરી બેસીએ માટે શાનું ધ્યાન રાખવું જોઈએ?

સત્ય વેચી ન દઈએ માટે શાનું ધ્યાન રાખવું જોઈએ?

૭. સત્ય વેચી ન દઈએ માટે આપણે શાનું ધ્યાન રાખીશું?

સત્યમાં ચાલતા રહેવા યહોવાની બધી વાતો સ્વીકારવી અને પાળવી જરૂરી છે. આપણા જીવનમાં સત્ય સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. આપણે બધા સંજોગોમાં એ પ્રમાણે કરવું જ જોઈએ. રાજા દાઊદે પ્રાર્થનામાં યહોવાને વચન આપ્યું: ‘હું તમારા સત્યના માર્ગે ચાલીશ.’ (ગીત. ૮૬:૧૧) દાઊદે સત્યના માર્ગ પર ચાલવાનો દૃઢ નિર્ણય કર્યો હતો. આપણે પણ એવો નિર્ણય લેવો જોઈએ. જો એમ નહિ કરીએ તો સત્ય માટે જે જતું કર્યું છે એ વિશે વિચારવા લાગીશું. કદાચ એને પાછું મેળવવાની લાલચ જાગશે. સત્યની કઈ વાતો પાળીશું અને કઈ નહિ પાળીએ, એ આપણે નક્કી કરી શકતા નથી. આપણે તો સત્યની બધી વાતો પાળવી જોઈએ અને એ સમજવા બનતો બધો પ્રયત્ન કરવો જોઈએ. (યોહા. ૧૬:૧૩) ગયા લેખમાં સત્ય શીખવા વિશે અને લાગુ પાડવા વિશે જોઈ ગયા હતા. એ માટે જતી કરેલી પાંચ બાબતો પર ચર્ચા કરી હતી. હવે આપણે શીખીશું કે પાછળ છોડેલી બાબતો પર ક્યારેય ધ્યાન ન આપવું જોઈએ. આપણે કઈ રીતે એની ખાતરી કરી શકીએ?—માથ. ૬:૧૯.

૮. સમયના ઉપયોગ વિશે શું ધ્યાનમાં રાખવું જોઈએ? દાખલો આપો.

સમય. સત્યથી દૂર ન થઈ જઈએ માટે સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. જો ધ્યાન નહિ રાખીએ, તો જરૂરી ન હોય એવી બાબતોમાં વધારે સમય આપવા લાગીશું જેમ કે, મોજશોખ, મનગમતી પ્રવૃત્તિઓ, ઈન્ટરનેટ કે ટી.વી. આ બધા પાછળ સમય કાઢવો ખોટું નથી. પણ, યહોવાની સેવાના ભોગે નહિ. ઍમાબહેન * સાથે પણ એવું જ થયું હતું. નાનપણથી જ તેમને ઘોડા ખૂબ ગમતા. મોકો મળે ત્યારે તે ઘોડેસવારી કરવાનું ચૂકતા નહિ. પણ તેમને લાગ્યું કે એની પાછળ તે વધારે સમય બગાડે છે. તેમણે અમુક ફેરફારો કર્યા. તેમને કોરી વેલ્ઝના અનુભવથી પણ ઘણું શીખવા મળ્યું, જે અગાઉ ઘોડેસવારીના ખેલ કરતાં હતાં. * ઍમા હવે યહોવાની સેવામાં વધારે સમય વિતાવે છે. કુટુંબ અને મિત્રો સાથે પણ સમય વિતાવે છે, જેઓ યહોવાની સેવા કરે છે. હવે તે પોતાને યહોવાની વધુ નજીક મહેસુસ કરે છે. સમયનો સારો ઉપયોગ કરી રહ્યા હોવાથી તે ઘણાં ખુશ છે.

૯. માલમિલકત કઈ રીતે આપણા માટે વધારે મહત્ત્વની બની જઈ શકે?

માલમિલકત. સત્યના માર્ગે ચાલવા આપણે શું કરવું જોઈએ? સત્ય શીખ્યા ત્યારે, આપણને ખ્યાલ આવ્યો કે યહોવાની સેવા સૌથી મહત્ત્વની છે, માલમિલકત નહિ. એ સમયે સત્ય માટે કંઈ પણ જતું કરવા આપણે ખુશી ખુશી તૈયાર હતા. લોકો ફોન, ટેબ્લેટ કે બીજી વસ્તુઓ પાછળ પૈસા ઉડાવે છે. એ જોઈને આપણે વિચારવા લાગીએ, ‘મારી પાસે એ બધી વસ્તુઓ કેમ નથી? મારા જીવનની મજા જ મરી ગઈ છે.’ છેવટે, યહોવાની ભક્તિને બદલે માલમિલકતને વધારે સમય આપવા લાગીએ. દેમાસ સાથે પણ એવું જ થયું હતું. તેને ‘દુનિયાની’ વસ્તુઓ માટે એટલો પ્રેમ હતો કે પ્રેરિત પાઊલ સાથેની સોંપણી પણ છોડી દીધી. (૨ તિમો. ૪:૧૦) કદાચ દેમાસના દિલમાં યહોવા માટેનો પ્રેમ ઓછો થઈ ગયો હતો. અથવા સેવા માટે અમુક વસ્તુઓ જતી કરવા તૈયાર નહોતો. એમાંથી આપણે શું શીખી શકીએ? બની શકે કે અગાઉ આપણા જીવનમાં માલમિલકત વધારે મહત્ત્વની હતી. જો ધ્યાન નહિ રાખીએ, તો આપણા જીવનમાં એ બાબત વધારે મહત્ત્વની બની જશે. એટલી હદે કે સત્ય માટેનો પ્રેમ ઠંડો પડી જાય.

૧૦. આપણે કેવી અસરથી દૂર રહેવું જોઈએ?

૧૦ બીજાઓ સાથેનો સંબંધ. ધ્યાન આપીએ કે, યહોવાને ભજતા નથી એવા લોકોની ખરાબ અસર આપણા પર ન પડે. સત્ય શીખ્યા પછી, મિત્રો અને કુટુંબીજનો સાથેના આપણા સંબંધો પહેલાં જેવા રહેતા નથી. કદાચ અમુકને આપણી માન્યતાઓથી વાંધો ન હોય, પણ બીજાઓએ વિરોધ કર્યો હોય. (૧ પીત. ૪:૪) ખરું કે, આપણે તેઓ સાથે સારો સંબંધ રાખવા કોશિશ કરીએ છીએ. પણ, તેઓને ખુશ કરવાના ચક્કરમાં યહોવાનાં ધોરણોને છોડી ન દેવાય. પહેલો કોરીંથીઓ ૧૫:૩૩માંથી શીખવા મળે છે કે આપણા ખાસ મિત્રો યહોવાને પ્રેમ કરનારા હોવા જોઈએ.

૧૧. આપણે ખરાબ વિચારો અને વાણી-વર્તનથી કઈ રીતે દૂર રહી શકીએ?

૧૧ ખરાબ વિચારો અને વાણી-વર્તન. આપણે યહોવાને પસંદ પડે એવા ભક્ત બનવું જોઈએ. આપણે પવિત્ર, એટલે કે શુદ્ધ રહેવું જોઈએ. (યશા. ૩૫:૮; ૧ પીતર ૧:૧૪-૧૬ વાંચો.) આપણે સત્ય શીખ્યા ત્યારે, બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવનમાં ફેરફારો કર્યા હતા. આપણામાંથી અમુકે મોટા ફેરફારો કર્યા હતા. હવે સારાં વાણી-વર્તન છોડીને શું ફરી દુનિયાનાં વાણી-વર્તન અપનાવીશું? ધ્યાન રાખીએ કે આપણે એવું ન કરવા લાગીએ. વ્યભિચાર જેવાં ખોટાં કામોની લાલચ આવે ત્યારે, આપણે કઈ રીતે ટાળી શકીએ? વિચારો કે આપણે પવિત્ર રહી શકીએ માટે યહોવાએ કેવી મદદ આપી છે. તેમણે આપણા માટે પોતાનો વહાલો દીકરો આપી દીધો! (૧ પીત. ૧:૧૮, ૧૯) એ બલિદાન આપણા માટે ઘણું જ કીમતી છે. યહોવાની નજરે શુદ્ધ રહેવા એ વાત આપણે હંમેશાં યાદ રાખવી જોઈએ.

૧૨, ૧૩. (ક) આપણે રીત-રિવાજોને શા માટે યહોવાની નજરે જોવા જોઈએ? (ખ) હવે આપણે શાની ચર્ચા કરીશું?

૧૨ યહોવાને પસંદ નથી એવા રીત-રિવાજો. કુટુંબીજનો, સ્કૂલના મિત્રો કે સાથે કામ કરનારા અલગ અલગ રીત-રિવાજો, તહેવારો અને ઉજવણીઓમાં ભાગ લે છે. તેઓ કદાચ તમને પણ એમાં ભાગ લેવા દબાણ કરે. એ સમયે તમને ક્યાંથી મદદ મળી શકે? આપણે પહેલેથી વિચારી રાખીએ કે, ‘યહોવાને શા માટે એ બાબતો પસંદ નથી.’ પછી, એનાં કારણો સમજીએ. આપણાં સાહિત્યમાંથી માહિતી ભેગી કરીએ. યાદ રાખવું જોઈએ કે એવા રીત-રિવાજો કેવી રીતે શરૂ થયા. પછી, એ બધાથી દૂર રહેવાનાં કારણો પર વિચાર કરીએ. એમ કરવાથી ખાતરી થશે કે ‘પ્રભુને પસંદ પડે’ એવા માર્ગે આપણે ચાલી રહ્યા છીએ. (એફે. ૫:૧૦) જો આપણને યહોવા અને તેમનાં વચનોમાં પાકો ભરોસો હશે, તો બીજાઓનો ડર નહિ લાગે.—નીતિ. ૨૯:૨૫.

૧૩ આપણે જિંદગીભર સત્યના માર્ગે ચાલવા માંગીએ છીએ. આપણે ચાહીએ છીએ કે એ નિર્ણય ક્યારેય બદલાય નહિ. એ માટે આપણને શું મદદ કરશે? ચાલો, ત્રણ રીતો જોઈએ.

સત્યના માર્ગે ચાલવા વધુ મક્કમ બનીએ

૧૪. (ક) સત્યને વળગી રહેવા બાઇબલ અભ્યાસ કઈ રીતે મદદ કરે છે? (ખ) જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ ખરીદવાનો શો અર્થ થાય?

૧૪ પહેલી રીત છે, શીખો. બાઇબલમાંથી શીખવાનું ચાલુ રાખો અને એના પર ઊંડો વિચાર કરો. એ માટે નિયમિત રીતે સમય કાઢો. વધારે શીખતા જશો તેમ, સત્ય વધારે ગમવા લાગશે. સત્યને વળગી રહેવાનો તમારો નિર્ણય વધુ મક્કમ બનશે. નીતિવચનો ૨૩:૨૩માં લખ્યું છે: ‘સત્ય ખરીદો અને એને વેચી ન દો.’ ત્યાં આપણને “જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ” ખરીદવા પણ જણાવ્યું છે. સત્ય જાણવું જ પૂરતું નથી, એને જીવનમાં લાગુ પણ પાડવું જોઈએ. બુદ્ધિ ખરીદવાનો અર્થ થાય, પહેલેથી જે વાતો જાણીએ છીએ એમાં નવી નવી શીખેલી વાતો ઉમેરતા જઈએ. જ્ઞાન ખરીદવાનો અર્થ થાય, શીખેલી વાતો લાગુ પાડીએ. શિખામણ ખરીદવાનો અર્થ થાય, સત્યને આધારે પારખીએ કે આપણા જીવનમાં ક્યાં ફેરફાર કરવાની જરૂર છે. એવી શિખામણ મળે ત્યારે આપણે તરત સુધારો કરવો જોઈએ. બાઇબલ કહે છે કે એવી શિખામણ ચાંદી કરતાં પણ વધારે મૂલ્યવાન છે.—નીતિ. ૮:૧૦.

૧૫. પટ્ટાની જેમ સત્ય કઈ રીતે આપણું રક્ષણ કરે છે?

૧૫ બીજી રીત છે, લાગુ પાડો. સત્યને રોજબરોજના જીવનમાં લાગુ પાડવાનો દૃઢ નિર્ણય કરો. બાઇબલમાં સત્યને સૈનિકના પટ્ટા સાથે સરખાવવામાં આવ્યું છે. (એફે. ૬:૧૪) એ જમાનામાં પટ્ટાથી સૈનિકના શરીરને ટેકો અને રક્ષણ મળતું. પણ, એ માટે પટ્ટો બરાબર કે એકદમ ફિટ પહેરવો પડતો. કઈ રીતે સત્ય પટ્ટાની જેમ આપણું રક્ષણ કરે છે? જો આપણે સત્યને હંમેશાં દિલમાં સાચવી રાખીશું, આપણી જોડે જ રાખીશું તો ખોટા વિચારોથી આપણું રક્ષણ થશે. સારા નિર્ણયો લઈ શકીશું. બની શકે કે, આપણી સામે મોટી મુશ્કેલી કે ખોટું કરવાની લાલચ આવે. આવા સમયે સત્ય આપણને ખરો નિર્ણય લેવા મદદ કરે છે. યુદ્ધમાં જતી વખતે સૈનિક પટ્ટો પહેરવાનું ભૂલતો નથી. આપણે પણ જીવનના દરેક પાસાંમાં સત્યને લાગુ પાડવાનું ભૂલીએ નહિ. સૈનિક પટ્ટામાં તલવાર પણ લટકાવે છે. ચાલો જોઈએ કે આપણે એવું કઈ રીતે કરી શકીએ.

૧૬. સત્ય શીખવવાથી શું ફાયદો થાય છે?

૧૬ ત્રીજી રીત છે, શીખવો. બીજાઓને બાઇબલ સત્ય શીખવવા બનતું બધું કરીએ. બાઇબલને તલવાર સાથે સરખાવવામાં આવ્યું છે. સૈનિક તલવાર મજબૂત રીતે પકડે છે, એવી જ રીતે આપણે પણ બાઇબલ પર મજબૂત પકડ રાખવી જોઈએ. એટલે કે, બાઇબલ શીખવવામાં કુશળ બનવું જોઈએ. (એફે. ૬:૧૭) આપણે સારા શિક્ષક બનવા માંગીએ છીએ, જેથી ‘સત્યની વાતોને યોગ્ય રીતે શીખવી તથા સમજાવી’ શકીએ. (૨ તિમો. ૨:૧૫) બીજાઓને બાઇબલમાંથી શીખવીશું તો, સત્યને સારી રીતે સમજી શકીશું અને એ આપણને ગમવા લાગશે. પછી, સત્યના માર્ગે ચાલવા આપણે મક્કમ હોઈશું.

૧૭. સત્ય આપણા માટે કેમ કીમતી છે?

૧૭ સત્ય યહોવા તરફથી મળેલી કીમતી ભેટ છે. એનાથી યહોવા ખરેખર આપણા પિતા બન્યા છે. સત્ય આપણા માટે સૌથી મહત્ત્વનું છે, એની તોલે કંઈ જ ન આવે! યહોવાએ આપણને ઘણું શીખવ્યું છે, પરંતુ હજુ તો એ શરૂઆત જ છે! તેમણે વચન આપ્યું છે કે આપણને હંમેશાં શીખવતા રહેશે. એટલે, સત્યને કીમતી મોતી જેવું ગણીએ, ખજાનાની જેમ સાચવીએ. ‘સત્ય ખરીદીએ અને એને વેચી ન દઈએ.’ એમ કરીશું તો, દાઊદની જેમ આપણે યહોવાને આ વચન આપી શકીશું: ‘હું સત્યના માર્ગે ચાલીશ.’—ગીત. ૮૬:૧૧.

^ ફકરો. 8 નામ બદલ્યું છે.

^ ફકરો. 8 JW બ્રૉડકાસ્ટિંગ પર જાઓ અને INTERVIEWS AND EXPERIENCES > TRUTH TRANSFORMS LIVES વિભાગ જુઓ.