સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર શું કરશે?

ઈશ્વર શું કરશે?

જો તમે મુસીબતમાં હોવ તો શું કરશો? તમે ઇચ્છશો કે તમારો ખાસ મિત્ર તમારી મદદે આવે. એવું જ ઈશ્વર વિશે વિચારીને કેટલાક કહે છે કે ઈશ્વર કદી તેમના મિત્ર નહિ બને. કેમ કે ઈશ્વર તેઓ માટે કંઈ કરતા નથી. પણ, હકીકતમાં એવું નથી. ઈશ્વરે આપણા માટે ઘણું કર્યું છે. આજે આપણે જે સમસ્યાઓ અને મુસીબતોનો સામનો કરી રહ્યાં છીએ એ દૂર કરવા પણ તે પગલાં લેશે. ઈશ્વર શું કરશે?

સર્વ દુષ્ટતાનો અંત લાવશે

ઈશ્વર સર્વ દુષ્ટતાને જડમૂળથી દૂર કરશે. દુષ્ટતા પાછળ કોનો હાથ છે? એની ઓળખ આપતા બાઇબલ જણાવે છે: “આખી દુનિયા તે દુષ્ટના હાથમાં રહેલી છે.” (૧ યોહાન ૫:૧૯) ઈસુએ કહ્યું હતું કે એ “દુષ્ટ” બીજું કોઈ નહિ પણ શેતાન છે, જે ‘દુનિયાનો અધિકારી’ છે. (યોહાન ૧૨:૩૧) શેતાને દુનિયાને મુઠ્ઠીમાં કરી લીધી છે, એટલે પરિસ્થિતિ આટલી વણસી ગઈ છે. ઈશ્વર શું કરશે?

યહોવા ઈશ્વર જલદી જ પોતાના દીકરા, ઈસુ ખ્રિસ્ત દ્વારા પગલાં લેશે. ઈસુ ‘મરણ પર સત્તા ધરાવનાર શેતાનનો નાશ કરશે.’ (હિબ્રૂઓ ૨:૧૪; ૧ યોહાન ૩:૮) શેતાન પોતે જાણે છે કે તેનો નાશ થવાનો છે અને “તેની પાસે થોડો જ સમય છે.” (પ્રકટીકરણ ૧૨:૧૨) ઈશ્વર સર્વ પ્રકારની દુષ્ટતા અને દુષ્ટ કામો કરનારાઓનો પણ નાશ કરશે.—ગીતશાસ્ત્ર ૩૭:૯; નીતિવચનો ૨:૨૨.

પૃથ્વીને સુંદર બનાવી દેશે

પૃથ્વી પરથી દરેક પ્રકારની દુષ્ટતા દૂર કર્યા પછી, મનુષ્યો સુંદર પૃથ્વી પર કાયમ જીવે એ માટે ઈશ્વર પગલાં ભરશે. આમ, ઈશ્વરનો મૂળ હેતુ પૂરો થશે. આપણે કેવા ભાવિની આશા રાખી શકીએ?

હંમેશ માટે શાંતિ અને સલામતી. ‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

પુષ્કળ ખોરાક. પુષ્કળ પાકથી ધરતી લહેરાઈ ઊઠશે. “પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.

દરેક માટે સપનાનું ઘર અને સંતોષ આપે એવું કામ. ‘લોકો ઘરો બાંધશે અને પોતે જ તેમાં રહેશે. તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે અને નવો દ્રાક્ષારસ પીશે. મારા પસંદ કરેલા લોક પોતાની મહેનતનું ફળ લાંબા સમય સુધી મેળવતા રહેશે.’—યશાયા ૬૫:૨૧, ૨૨.

શું તમે આવો માહોલ જોવાની ઇચ્છા રાખો છો? હવે એ દિવસો દૂર નથી!

બીમારી અને મરણ હશે જ નહિ

આજે આપણે દરેક બીમાર પડીએ છીએ અને મરણ પામીએ છીએ. બહુ જ જલદી મરણ અને બીમારીને દૂર કરવામાં આવશે. ઈશ્વર જલદી જ ઈસુના બલિદાનના આધારે આપણને એ આશીર્વાદ આપશે. જેથી, “જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ તે હંમેશ માટેનું જીવન મેળવે.” (યોહાન ૩:૧૬) એનું શું પરિણામ આવશે?

બીમારી હશે જ નહિ. “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે.”—યશાયા ૩૩:૨૪.

મનુષ્યો મરણનો શિકાર નહિ બને. ‘ઈશ્વરે સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.’—યશાયા ૨૫:૮.

લોકો હંમેશ માટે જીવશે. “ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર જે ભેટ આપે છે, એ હંમેશ માટેનું જીવન છે.”—રોમન ૬:૨૩.

ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે. “સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” (પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫) ઈસુનું બલિદાન ઈશ્વરની એક ગોઠવણ છે, જેનાથી ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે.

ઈશ્વર આ સર્વ આશીર્વાદો કઈ રીતે લાવશે?

ઈશ્વર પોતાનું રાજ લાવીને આશીર્વાદો વરસાવશે

ઈશ્વર પૃથ્વી પર પોતાનું રાજ લાવશે. એના રાજા ઈસુ હશે, જે સ્વર્ગમાંથી શાસન કરશે. એ રાજ દ્વારા ઈશ્વર મનુષ્યોને સુંદર પૃથ્વી પર હંમેશ માટેનું જીવન આપશે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨) આ એ જ રાજ છે, જેના વિશે ઈસુએ તેમના શિષ્યોને આવી પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું: ‘હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું રાજ્ય આવો.’—માથ્થી ૬:૯, ૧૦.

ઈશ્વરનું રાજ્ય આખી પૃથ્વી પર શાસન કરશે. ધરતી પરથી દરેક દુઃખ અને યાતનાઓનો અંત લાવશે. ઈશ્વરનું એ રાજ મનુષ્યો માટે સૌથી ઉત્તમ છે. એટલે જ ઈસુએ પૃથ્વી પર સેવાકાર્ય દરમિયાન એ ‘રાજ્યની ખુશખબર’ જાહેર કરવા સખત મહેનત કરી. શિષ્યોને પણ એમ જ કરવા કહ્યું.—માથ્થી ૪:૨૩; ૨૪:૧૪.

યહોવા ઈશ્વર મનુષ્યોને પુષ્કળ પ્રેમ કરતા હોવાથી, તેઓ માટે આ સર્વ આશીર્વાદો લાવવાનું વચન આપ્યું છે. શું આ બધું જાણીને તેમના વિશે વધુ જાણવાની તમને ઇચ્છા નથી થતી? આવા ઈશ્વરને તમે પણ મિત્ર બનાવવા ચાહશો, ખરું ને? એમ હોય તો, તમારા માટે કેવા આશીર્વાદો રહેલા છે? હવે પછીનો લેખ એ વિશે વધારે જણાવશે.

ઈશ્વર શું કરશે? ઈશ્વર બીમારી અને મરણને કાઢી નાખશે. તેમનું રાજ સર્વ મનુષ્યોને સંપમાં લાવશે અને આખી પૃથ્વીને સુંદર બનાવશે