સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મોટી બીમારીથી પીડાતા હોય

મોટી બીમારીથી પીડાતા હોય

‘જ્યારે ડૉક્ટરે જણાવ્યું કે મને ફેફસાં અને મોટાં આંતરડાંમાં કૅન્સર છે, ત્યારે મને થયું કે હવે હું ગઈ, મારી અંતિમ ઘડી આવી ચૂકી છે. ઘરે આવીને મેં વિચાર્યું, “મને કૅન્સર હશે એવું સપનેય ધાર્યું નોʼતું. પણ હવે કૅન્સર સાથે જીવતા શીખવું પડશે.”’—લીન્ડાબેન, ૭૧ વર્ષ.

‘મારી બીમારીથી હું ખૂબ પીડાઉં છું. ચહેરાની ડાબી બાજુ જ્ઞાનતંતુઓ નબળા પડતા જાય છે. ક્યારેક તો સહેવાય નહિ એવો દુખાવો ઊપડે છે ને હું ડિપ્રેસ થઈ જાઉં છું. ઘણી વાર તો એવી એકલતા સાલતી કે આપઘાત કરવાનો વિચાર આવી જતો.’—એલીસબેન, ૪૯ વર્ષ.

જો આપણને કે કોઈ સગાને જીવલેણ બીમારી થાય, તો એ કારમો ઘા ઝીલવો સહેલું નથી. આવી બીમારીમાં તમારી ને તમારી સંભાળ રાખનારાઓની લાગણીઓને પણ અસર પહોંચે છે. મનમાં ડર ને ચિંતાનાં વાદળો ઘેરાવા લાગે. ક્યારેક સહેલાઈથી સારવાર મળતી નથી. મળતી હોય તો, ડૉક્ટરને વારંવાર મળવાના વિચારથી જ પગ ઢીલા થઈ જાય છે. દવાની કોઈ આડઅસર તો નહિ થાય ને? સારવારનો ખર્ચો કેવી રીતે કાઢીશ? મોટી બીમારીમાં મન બેચેન બની જાય છે ને પુષ્કળ તણાવ સહેવો પડે છે.

આવા સમયે આપણને ક્યાંથી મદદ મળી શકે? ઈશ્વર પાસેથી. તેમની આગળ દિલ ઠાલવવાથી ને દિલાસો આપતાં તેમનાં વચનો વાંચવાથી ઘણાને ખૂબ મદદ મળી છે. બીજું કોણ મદદ કરી શકે? પરિવાર અને મિત્રો. તેઓનો પ્રેમ અને સાથ-સહકાર પણ બીમારી ઝીલવા મદદ કરે છે.

બીજાઓને ક્યાંથી મદદ મળી?

અઠ્ઠાવન વર્ષના રોબર્ટ કહે છે: ‘માંદગીનો સામનો કરવા ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. તે તમને સહાય કરશે. યહોવા ઈશ્વર આગળ પ્રાર્થનામાં દિલ ઠાલવી દો. તમને મજબૂત રહેવા શક્તિ આપે એવી વિનંતી કરો. દુઆ કરો કે તમને ને તમારા પરિવારને સારું વિચારવા, મન મક્કમ રાખવા ને ઢીલા ન પડી જવા મદદ કરે.’

‘તમારો પરિવાર તમારી લાગણીઓ સમજે, મદદ કરવા હાજર હોય ત્યારે દુઃખ સહેવું સહેલું બની જાય છે. મને રોજ કોઈને કોઈ ફોન કરીને ખબરઅંતર પૂછે છે. દૂર દૂર રહેતા મિત્રો ખૂબ ઉત્તેજન આપે છે. એનાથી મારું દુઃખ હળવું થઈ જાય છે ને હિંમત મળે છે.’

બીમાર મિત્રને મળવા જઈએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? લીન્ડાબેન કહે છે: ‘બીમાર વ્યક્તિ બધાની જેમ નોર્મલ જીવવા ચાહે છે. હંમેશાં બીમારી વિશે વાત કરવાનું તેને ગમશે નહિ. એટલે એનો ઉલ્લેખ કર્યા વગર બીજી બાબતો પર વાત કરો.’

ભલે તમે ગમે એવી બીમારી સાથે ઝઝૂમતા હોવ, હિંમત હારશો નહિ! ઈશ્વર તમને એ સહેવા શક્તિ પૂરી પાડશે. તેમનાં વચનો તમારી હિંમત વધારશે. પરિવાર અને મિત્રોના સાથ-સહકારથી તમારું એ દુઃખ હળવું બનશે.