સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૯

પ્રાચીન ઇઝરાયેલમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય

પ્રાચીન ઇઝરાયેલમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય

‘તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે; પૃથ્વી યહોવાના પ્રેમથી ભરપૂર છે.’​—ગીત. ૩૩:૫.

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

ઝલક *

૧-૨. (ક) આપણા બધામાં કેવી ભાવના હોય છે? (ખ) આપણે શાની ખાતરી રાખી શકીએ?

પ્રેમની જરૂર કોને નથી પડતી! આપણે બધા ચાહીએ છીએ કે બધાની સાથે એકસરખો વ્યવહાર કરવામાં આવે. જો પ્રેમ અને ન્યાય ન મળે તો એવું લાગે કે જાણે આપણે નકામા છીએ, આપણી પાસે કોઈ આશા નથી.

આપણને બધાને પ્રેમની ઝંખના હોય છે. આપણે ન્યાય ચાહીએ છીએ. યહોવા આપણી ભાવના સારી રીતે સમજે છે. (ગીત. ૩૩:૫) આપણે ખાતરી રાખી શકીએ કે, ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણી સાથે ક્યારેય અન્યાય થવા દેશે નહિ. આપણે એવું શા પરથી કહી શકીએ? નિયમશાસ્ત્રને ધ્યાનથી તપાસીએ ત્યારે આપણને એ જાણવા મળે છે. એ નિયમશાસ્ત્ર ઈશ્વરે મુસા દ્વારા ઇઝરાયેલીઓને આપ્યું હતું. જો તમે પ્રેમના ભૂખ્યા હો કે અન્યાયનો ભોગ બન્યા હો, તો મુસાના નિયમશાસ્ત્ર * પર ધ્યાન આપો. એમાં તમને જોવા મળશે કે યહોવા પોતાના લોકોની કેટલી સંભાળ રાખે છે.

૩. (ક) રોમનો ૧૩:૮-૧૦ પ્રમાણે મુસાના નિયમશાસ્ત્રમાં શું જોવા મળે છે? (ખ) આ લેખમાં કયા સવાલોના જવાબ મળશે?

મુસાના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવાથી જાણવા મળે છે કે, આપણા ઈશ્વર યહોવા પ્રેમાળ છે, માયાળુ છે. (રોમનો ૧૩:૮-૧૦ વાંચો.) આ લેખમાં આપણે ઇઝરાયેલના લોકોને મળેલા કેટલાક નિયમો વિશે જોઈશું. એનાથી આ સવાલોના જવાબ મળશે: આપણે શા પરથી કહી શકીએ કે નિયમશાસ્ત્ર પ્રેમના પાયા પર રચાયું હતું? નિયમશાસ્ત્રથી કઈ રીતે લોકોને ન્યાયથી વર્તવા ઉત્તેજન મળતું? જેઓ પાસે અધિકાર હતો, તેઓએ કઈ રીતે લોકો પાસે નિયમોનું પાલન કરાવવાનું હતું? નિયમોથી કેવા લોકોનું રક્ષણ થતું? આ સવાલોના જવાબથી આપણા દિલને ઠંડક વળશે, આશા મળશે. એનાથી યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થશે.—પ્રે.કા. ૧૭:૨૭; રોમ. ૧૫:૪.

નિયમશાસ્ત્ર પ્રેમના પાયા પર રચાયું હતું

૪. (ક) નિયમશાસ્ત્ર પ્રેમના પાયા પર રચાયું હતું, એવું શા પરથી કહી શકાય? (ખ) માથ્થી ૨૨:૩૬-૪૦ પ્રમાણે ઈસુએ કઈ આજ્ઞાઓ પર ભાર મૂક્યો?

આપણે ચોક્કસ એમ કહી શકીએ કે નિયમશાસ્ત્ર પ્રેમના પાયા પર રચાયું હતું, કેમ કે ઈશ્વરના દરેક કાર્યમાં પ્રેમ દેખાય આવે છે. (૧ યોહા. ૪:૮) ઈશ્વરે આપેલી બે મુખ્ય આજ્ઞા આખા નિયમશાસ્ત્રમાં સાફ જોવા મળે છે: ઈશ્વરને પ્રેમ કરો અને પડોશીને પ્રેમ કરો. (લેવી. ૧૯:૧૮; પુન. ૬:૫; માથ્થી ૨૨:૩૬-૪૦ વાંચો.) એટલે એમ કહી શકાય કે, એમાંના ૬૦૦થી વધારે નિયમોમાં ઈશ્વરનો પ્રેમ દેખાય આવે છે. ચાલો કેટલાક દાખલા જોઈએ.

૫-૬. યહોવા પતિ-પત્ની પાસે શું ચાહતા હતા અને તે શું જાણતા હતા? દાખલો આપો.

લગ્‍નસાથીને વફાદાર રહો અને બાળકોની સંભાળ રાખો. યહોવા ચાહતા હતા કે, પતિ-પત્ની વચ્ચે પ્રેમનું બંધન એટલું મજબૂત હોય કે એ જિંદગીભર તૂટે નહિ. (ઉત. ૨:૨૪; માથ. ૧૯:૩-૬) જો કોઈ વ્યક્તિ લગ્‍ન બહાર આડા સંબંધ રાખે, તો એ ઘોર અપરાધ ગણાય. એટલે જ દસ આજ્ઞામાંથી સાતમી આજ્ઞા વ્યભિચારથી દૂર રહેવા વિશે હતી. (પુન. ૫:૧૮) એમ કરીને વ્યક્તિ ‘ઈશ્વરની અપરાધી’ બને છે. સાથે સાથે પોતાના જીવનસાથી વિરુદ્ધ પણ અપરાધ કરે છે. (ઉત. ૩૯:૭-૯) વ્યભિચારથી બેવફાઈનો કારમો ઘા વાગે છે. અને વર્ષો સુધી નિર્દોષ વ્યક્તિના દિલમાં એ ઘા રુઝાતો નથી.

યહોવા જાણે છે કે પતિ-પત્ની એકબીજા સાથે કઈ રીતે વર્તે છે. તે ચાહે છે કે પત્નીઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે. ઇઝરાયેલને આપેલા નિયમોમાં એ સાફ જોવા મળે છે. એ નિયમો પ્રમાણે ચાલનાર પતિ પોતાની પત્નીને સાચા દિલથી પ્રેમ કરતો હતો. એવો પતિ નાનાં નાનાં કારણોને લીધે પત્નીને છૂટાછેડા આપતો નહિ. (પુન. ૨૪:૧-૪; માથ. ૧૯:૩,) પણ જો મોટું કારણ હોય અને તે પત્નીને છૂટાછેડા આપે, તો તેણે છૂટાછેડા લખીને આપવાના હતા. એ લખાણને લીધે પત્ની પર વ્યભિચારનો ખોટો આરોપ લાગતો નહિ. વધુમાં એ લખાણ આપતા પહેલાં, પતિએ શહેરના વડીલોને એ વિશે જણાવવાનું હતું. એટલે એક રીતે વડીલો પાસે તક હતી કે, યુગલને સલાહ આપીને તેઓનું લગ્‍ન બચાવે. ખરું કે, ઇઝરાયેલી પતિ ખોટા કારણથી પત્નીને છૂટાછેડા આપતો ત્યારે, યહોવા દર વખતે પગલાં ભરતા ન હતા. પણ, એ સ્ત્રીના આંસુ યહોવાના ધ્યાન બહાર જતા ન હતા. તે એ સ્ત્રીનું દુઃખ સમજતા હતા.—માલા. ૨:૧૩-૧૬.

યહોવા ચાહતા હતા કે બાળકો રક્ષણ અને હૂંફ અનુભવે અને માતાપિતા તેઓનો સારો ઉછેર કરે અને તેઓને સારું શિક્ષણ આપે (ફકરા ૭-૮ જુઓ) *

૭-૮. (ક) યહોવાએ માબાપને કઈ આજ્ઞા આપી છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.) (ખ) આપણને કયો બોધપાઠ શીખવા મળે છે?

નિયમશાસ્ત્રથી એ પણ ખબર પડે છે કે, યહોવા બાળકોનું ભલું ઇચ્છે છે. તેમણે માબાપને આજ્ઞા આપી હતી કે, બાળકોને ફક્ત ચીજવસ્તુઓ આપવી જ પૂરતી નથી. પરંતુ તેઓને ઈશ્વરનું જ્ઞાન આપવું પણ જરૂરી છે. માબાપે બાળકોને નિયમશાસ્ત્રનો આદર કરવાનું અને દિલથી પાળવાનું શીખવવાનું હતું. એ માટે માબાપે દરેક તકનો સારો ઉપયોગ કરવાનો હતો. (પુન. ૬:૬-૯; ૭:૧૩) ઇઝરાયેલીઓને યહોવાએ સજા કરી એનું એક કારણ એ પણ હતું કે, તેઓ બાળકો સાથે ખરાબ વ્યવહાર કરતા હતા. (યિર્મે. ૭:૩૧, ૩૩) માબાપે બાળકોને મિલકત જેવા ગણવા ન જોઈએ, જેને તેઓ મન ફાવે એમ વાપરી શકે. પણ બાળકો તો યહોવા તરફથી મળેલો વારસો છે, જેને માબાપે કીમતી ગણવો જોઈએ.—ગીત. ૧૨૭:૩.

બોધપાઠ: લગ્‍નસાથી એકબીજા સાથે કેવો વ્યવહાર કરે છે, એ યહોવા ધ્યાનથી જુએ છે. તે ચાહે છે કે માબાપ પોતાનાં બાળકોને પ્રેમ કરે. જે માબાપ પોતાનાં બાળકોની સંભાળ રાખશે નહિ, તેઓને યહોવા માફ કરશે નહિ.

૯-૧૧. શા માટે યહોવાએ લોભ વિશે આજ્ઞા આપી હતી?

લોભ ન કરો. દસ આજ્ઞામાંની છેલ્લી આજ્ઞા લોભ ન કરવા વિશે છે. એ આજ્ઞા જણાવે છે કે બીજાઓની વસ્તુઓ માટે લોભ રાખવો ન જોઈએ. (પુન. ૫:૨૧; રોમ. ૭:૭) એ આજ્ઞાથી યહોવા એક મહત્ત્વનો બોધપાઠ શીખવવા માંગતા હતા. તે ચાહતા હતા કે તેમના લોકો પોતાનાં દિલની સંભાળ રાખે. એટલે કે પોતાનાં વિચારોનું, લાગણીઓનું અને મનનું રક્ષણ કરે. તે જાણે છે કે લાગણીઓ અને વિચારો ખરાબ હોય તો, એ દુષ્ટ કામ કરવા તરફ દોરી જઈ શકે છે. (નીતિ. ૪:૨૩) જો એક ઇઝરાયેલી વ્યક્તિ ખોટી ઇચ્છાને વધવા દે, તો બીજાઓ સાથે તે પ્રેમથી વર્તી નહિ શકે. રાજા દાઊદની ભૂલમાંથી એ શીખવા મળે છે. તે સારા માણસ હતા. પણ એક વાર તેમના મનમાં બીજાની પત્ની માટે ખોટી ઇચ્છા થઈ એટલે કે તેમણે લોભ કર્યો. એ ખોટી ઇચ્છા તેમને પાપ કરવા દોરી ગઈ. (યાકૂ. ૧:૧૪, ૧૫) દાઊદે એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો, તેના પતિને છેતરવાનો પ્રયત્ન કર્યો અને આખરે તેને મારી નંખાવ્યો.—૨ શમૂ. ૧૧:૨-૪; ૧૨:૭-૧૧.

૧૦ યહોવા લોકોનાં દિલ વાંચી શકે છે. એટલે ઇઝરાયેલી વ્યક્તિ લોભને લગતી આજ્ઞા તોડે તો યહોવાને ખબર પડી જતી. (૧ કાળ. ૨૮:૯) એ આજ્ઞાથી લોકોને ખબર પડતી કે ખોટું કરવા દોરે એવા વિચારોથી પણ તેઓએ દૂર રહેવાનું હતું. એનાથી જોઈ શકાય કે આપણા પિતા યહોવા કેટલા પ્રેમાળ અને સમજદાર છે!

૧૧ બોધપાઠ: યહોવા ફક્ત વ્યક્તિનો દેખાવ જોતા નથી. તે અંદરથી કેવી છે, એટલે કે તેના દિલમાં શું છે એ પણ યહોવા જુએ છે. (૧ શમૂ. ૧૬:૭) કોઈ વિચાર, લાગણી કે કાર્ય તેમનાથી છૂપું રહી શકતું નથી. તે આપણા સારા ગુણો પર ધ્યાન આપે છે અને એને વધારે કેળવવા મદદ કરે છે. પણ તે ચાહે છે કે આપણે ખોટા વિચારોને પારખીએ અને એને દૂર કરીએ. એનાથી આપણે ખોટા કામ કરવાથી બચી શકીશું.—૨ કાળ. ૧૬:૯; માથ. ૫:૨૭-૩૦.

નિયમશાસ્ત્ર ન્યાયને ટેકો આપતું હતું

૧૨. નિયમશાસ્ત્રથી બીજું શું શીખવા મળતું?

૧૨ નિયમશાસ્ત્રથી એ પણ શીખવા મળતું કે યહોવા ન્યાય ચાહે છે. (ગીત. ૩૭:૨૮; યશા. ૬૧:૮) બીજાઓ સાથે ન્યાયથી વર્તવામાં યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. ઇઝરાયેલીઓ નિયમો પાળતા ત્યારે યહોવા તેઓને આશીર્વાદો આપતા. ઇઝરાયેલીઓ યહોવાના ન્યાયી સિદ્ધાંતો તોડતા ત્યારે, તેઓએ ઘણું સહેવું પડતું. ચાલો દસ આજ્ઞાઓમાંથી બીજી બે આજ્ઞા વિશે જોઈએ.

૧૩-૧૪. પહેલી બે આજ્ઞામાં શું જણાવ્યું છે? એ આજ્ઞાઓ પાળવાથી ઇઝરાયેલીઓને કઈ રીતે ફાયદો થતો?

૧૩ ફક્ત યહોવાની જ ભક્તિ કરો. દસ આજ્ઞાઓમાં પહેલી બે આજ્ઞા છે કે ફક્ત યહોવાની જ ભક્તિ કરો અને મૂર્તિપૂજા ન કરો. (નિર્ગ. ૨૦:૩-૬) એ આજ્ઞા યહોવાના ફાયદા માટે નહિ, પણ લોકોના ફાયદા માટે આપવામાં આવી હતી. તેઓ યહોવાને વફાદાર રહ્યા ત્યારે તેઓને આશીર્વાદો મળ્યા. જ્યારે તેઓ બીજી પ્રજાના દેવોને ભજવા લાગ્યા ત્યારે તેઓ પર મુશ્કેલીઓ આવી પડી.

૧૪ કનાનીઓનો વિચાર કરો. સાચા ઈશ્વરને ભજવાને બદલે તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા. એના લીધે તેઓ ખરાબ જીવન જીવતા હતા. (ગીત. ૧૧૫:૪-૮) ગંદા કામ કરવા અને બાળકોનાં બલિદાન ચઢાવવાને તેઓ ભક્તિ ગણતા હતા. જ્યારે ઇઝરાયેલીઓ યહોવાને છોડીને મૂર્તિપૂજા કરવા લાગ્યા, ત્યારે એનું ખરાબ પરિણામ આવ્યું. તેઓ ખરાબ કામ કરવા લાગ્યા અને તેઓના કુટુંબે પણ સહેવું પડ્યું. (૨ કાળ. ૨૮:૧-૪) જેઓ પાસે અધિકાર હતો, તેઓએ યહોવાનાં ન્યાયી ધોરણો છોડી દીધા. તેઓએ પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કર્યો. ગરીબ અને નબળા લોકો પર તેઓએ જુલમ ગુજાર્યો. (હઝકી. ૩૪:૧-૪) યહોવાએ ચેતવણી આપી હતી કે લાચાર સ્ત્રીઓ અને બાળકો પર જુલમ કરનારાઓને તે સજા કરશે. (પુન. ૧૦:૧૭, ૧૮; ૨૭:૧૯) ઇઝરાયેલીઓ યહોવાને વફાદાર રહેતા અને એકબીજા સાથે ન્યાયથી વર્તતા ત્યારે, તેઓ પર યહોવા આશીર્વાદોનો વરસાદ વરસાવતા.—૧ રાજા. ૧૦:૪-૯.

યહોવા આપણને પ્રેમ કરે છે અને આપણી સાથે થતો અન્યાય તેમના ધ્યાન બહાર જતો નથી (ફકરો ૧૫ જુઓ)

૧૫. યહોવા વિશે શું શીખવા મળે છે?

૧૫ બોધપાઠ: યહોવાની ભક્તિ કરવાનો દાવો કરનારા ખોટાં કામ કરે ત્યારે શું? તેઓ યહોવાનાં ધોરણોને ગણકારે નહિ અને ઈશ્વરભક્તોને નુકસાન પહોંચાડે ત્યારે, દોષનો ટોપલો યહોવા પર નાખવો ન જોઈએ. યહોવા તો પ્રેમના સાગર છે. આપણી સાથે અન્યાય થાય એ તેમના ધ્યાન બહાર જતું નથી. એક મા પોતાના બાળકનું દુઃખ સમજે, એનાથી પણ વધારે યહોવા આપણું દુઃખ સમજે છે. (યશા. ૪૯:૧૫) ભલે યહોવા તરત પગલાં ન ભરે, પણ ખોટું કરનારને કદી છોડશે નહિ. ખોટું કરનારે પોતાનાં કાર્યોનાં ફળ ભોગવવા પડશે.

નિયમશાસ્ત્રનું કઈ રીતે પાલન થતું?

૧૬-૧૮. જીવનનાં કયા પાસાઓમાં નિયમશાસ્ત્ર મદદ કરતું અને એનાથી આપણને શું શીખવા મળે છે?

૧૬ ઇઝરાયેલીઓના જીવનના કેટલાંક પાસાઓ વિશે પણ નિયમશાસ્ત્રમાં જણાવ્યું હતું. વડીલોએ યહોવાના લોકો સાથે ન્યાયથી વર્તવાનું હતું. તેઓ ભક્તિને લગતી બાબતોનું ધ્યાન રાખતા હતા. એટલું જ નહિ, ઝઘડા કે ગંભીર ગુનાઓનો ન્યાય પણ કરતા હતા. ચાલો એના અમુક દાખલાઓ જોઈએ.

૧૭ જો એક ઇઝરાયેલી માણસ કોઈનું ખૂન કરે, તો તેને તરત જ મોતની સજા આપવામાં ન આવતી. તેના શહેરના વડીલો સંજોગોની તપાસ કરીને નક્કી કરતા કે મોતની સજા કરવી કે નહિ. (પુન. ૧૯:૨-૭, ૧૧-૧૩) વડીલો રોજબરોજના કોયડાઓનો પણ ઉકેલ લાવતા. જેમ કે, મિલકતને લગતી તકરારો કે લગ્‍નજીવનની મુશ્કેલીઓ. (નિર્ગ. ૨૧:૩૫; પુન. ૨૨:૧૩-૧૯) જ્યારે વડીલો ન્યાયથી વર્તતા અને ઇઝરાયેલીઓ નિયમશાસ્ત્ર પાળતા, ત્યારે બધાને એનાથી ફાયદો થતો. એનાથી યહોવાને મહિમા મળતો.—લેવી. ૨૦:૭, ૮; યશા. ૪૮:૧૭, ૧૮.

૧૮ બોધપાઠ: યહોવા માટે આપણા જીવનના દરેક પાસાં મહત્ત્વનાં છે. તે ચાહે છે કે આપણે બીજાઓ સાથે પ્રેમ અને ન્યાયથી વર્તીએ. આપણે જે કંઈ કહીએ કે કરીએ એ તેમના ધ્યાન બહાર જતું નથી, પછી ભલે આપણે એકાંતમાં હોઈએ.—હિબ્રૂ. ૪:૧૩.

૧૯-૨૧. (ક) વડીલો અને ન્યાયાધીશોએ ઈશ્વરના લોકો સાથે કઈ રીતે વર્તવાનું હતું? (ખ) અન્યાય ન થાય માટે યહોવાએ કેવા નિયમો આપ્યા હતા અને એનાથી શું શીખવા મળે છે?

૧૯ આજુબાજુના ખરાબ લોકોથી યહોવા પોતાની પ્રજાનું રક્ષણ કરવા માંગતા હતા. એટલે તે ચાહતા હતા કે વડીલો અને ન્યાયાધીશો નિયમ પાળવામાં કોઈની શરમ ન ભરે. એનો અર્થ એવો ન હતો કે ન્યાય કડક કે ખોટી રીતે કરવામાં આવે. એને બદલે, તેમની ઇચ્છા હતી કે ન્યાય પ્રેમથી કરવામાં આવે.—પુન. ૧:૧૩-૧૭; ૧૬:૧૮-૨૦.

૨૦ યહોવાને પોતાના લોકો માટે દયા હતી. એટલે, તેમણે એવા નિયમો આપ્યા જેથી કોઈની સાથે અન્યાય ન થાય. દાખલા તરીકે, નિયમશાસ્ત્રને લીધે નિર્દોષ વ્યક્તિ પર ભાગ્યે જ ખોટો આરોપ મૂકી શકાતો. આરોપ કોણે મૂક્યો છે, એ જાણવાનો આરોપીને પૂરેપૂરો હક હતો. (પુન. ૧૯:૧૬-૧૯; ૨૫:૧) આરોપ સાચો સાબિત કરવા ઓછામાં ઓછા બે સાક્ષીઓની જરૂર પડતી. (પુન. ૧૭:૬; ૧૯:૧૫) પણ ફક્ત એક જ સાક્ષી હોય ત્યારે શું? તોપણ આરોપી છટકી શકતો નહિ. યહોવાના ધ્યાન બહાર એ જતું ન હતું. કુટુંબની વાત આવે ત્યારે, નિર્ણય લેવાની જવાબદારી પિતા પાસે હતી. પરંતુ એની પણ એક હદ હતી. અમુક કિસ્સામાં શહેરના વડીલોની જવાબદારી હતી કે તેઓ વચ્ચે પડે અને ન્યાય આપે.—પુન. ૨૧:૧૮-૨૧.

૨૧ બોધપાઠ: યહોવાએ ન્યાય વિશે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તે ક્યારેય અન્યાય કરતા નથી. (ગીત. ૯:૭) તેમનાં ધોરણોને વળગી રહેનારને તે આશીર્વાદ આપે છે. પણ અધિકારનો ખોટો ઉપયોગ કરનારને તે શિક્ષા કરે છે. (૨ શમૂ. ૨૨:૨૧-૨૩; હઝકી. ૯:૯, ૧૦) અમુક લોકો ખોટું કામ કરે ત્યારે એવું લાગી શકે કે સજાથી છટકી જશે. પણ યહોવા યોગ્ય સમયે ચોક્કસ તેઓનો ન્યાય કરશે. (નીતિ. ૨૮:૧૩) જો તેઓ પસ્તાવો ન કરે તો જલદી જ તેઓ અનુભવ કરશે કે, “જીવંત ઈશ્વરના હાથે સજા થાય એ કેટલું ભયંકર છે!”—હિબ્રૂ. ૧૦:૩૦, ૩૧.

નિયમશાસ્ત્રથી કેવા લોકોનું રક્ષણ થતું?

ઝઘડાઓ હાથ ધરતી વખતે વડીલોએ યહોવાની જેમ લોકો માટે પ્રેમ રાખવાનો છે અને ન્યાયથી વર્તવાનું છે (ફકરો ૨૨ જુઓ) *

૨૨-૨૪. (ક) નિયમશાસ્ત્રથી કોને રક્ષણ મળતું અને એનાથી યહોવા વિશે શું શીખવા મળે છે? (ખ) નિર્ગમન ૨૨:૨૨-૨૪માં કઈ ચેતવણી જોવા મળે છે?

૨૨ નિયમશાસ્ત્રના લીધે એવા લોકોનું રક્ષણ થતું, જેઓ પોતાનું રક્ષણ કરી શકતા ન હતા. જેમ કે, અનાથો, વિધવાઓ અને પરદેશીઓ. ઇઝરાયેલના ન્યાયાધીશોને કહેવામાં આવ્યું હતું: ‘પરદેશી કે અનાથ સાથે અન્યાય ન કર; તેમ જ વિધવાનું વસ્ત્ર ગીરવે ન રાખ.’ (પુન. ૨૪:૧૭) યહોવા સમાજના નબળા લોકોનું ધ્યાન રાખતા હતા. તેઓ સાથે ખરાબ વર્તન કરનારને યહોવા શિક્ષા કરતા હતા.—નિર્ગમન ૨૨:૨૨-૨૪ વાંચો.

૨૩ નિયમશાસ્ત્રમાં સેક્સને લગતા ગુનાઓ માટે પણ નિયમ હતો. ખાસ તો, કુટુંબના સભ્યોનું નજીકનાં સગાઓથી રક્ષણ થતું. (લેવી. ૧૮:૬-૩૦) ઇઝરાયેલની આસપાસના દેશોમાં એવા ગુના ચલાવી લેવામાં આવતા હતા. પરંતુ, યહોવાની જેમ ઇઝરાયેલીઓએ એવા ગુનાઓને ખરાબ ગણવાના હતા.

૨૪ બોધપાઠ: યહોવાએ અમુક લોકોને જવાબદારી સોંપી છે. તે ચાહે છે કે તેઓ બીજાઓની પ્રેમથી સંભાળ રાખે. યહોવા સેક્સને લગતા ગુના ધિક્કારે છે. તે ચાહે છે કે બધાનું, ખાસ કરીને સમાજના નબળા લોકોનું રક્ષણ થાય અને ન્યાય મળે.

નિયમશાસ્ત્ર ‘આવનારા આશીર્વાદોનો ફક્ત પડછાયો છે’

૨૫-૨૬. (ક) પ્રેમ અને ન્યાય કઈ રીતે જોડાયેલા છે? (ખ) આ વિષયને લગતા હવે પછીના લેખમાં શાની ચર્ચા કરવામાં આવશે?

૨૫ પ્રેમ અને ન્યાય જાણે શરીર અને શ્વાસ છે. જો એક ન હોય તો બીજું ટકી શકતું નથી. યહોવા આપણી સાથે ન્યાયથી વર્તે છે, એ જાણીને તેમના માટેનો પ્રેમ વધુ મજબૂત થાય છે. આપણે ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ અને તેમનાં ન્યાયી ધોરણો પ્રમાણે ચાલવું જોઈએ. એમ કરીશું તો બીજાઓને પ્રેમ કરવાની અને ન્યાયથી વર્તવાની આપણને પ્રેરણા મળશે.

૨૬ યહોવા અને ઇઝરાયેલીઓ વચ્ચેનો સંબંધ નિયમશાસ્ત્રને લીધે વધુ મજબૂત થયો. જોકે, ઈસુના બલિદાન પછી નિયમશાસ્ત્ર પાળવાની જરૂર રહી નહિ. એ નિયમશાસ્ત્રની જગ્યાએ બીજી એક સારી બાબત આવી. (રોમ. ૧૦:૪) પ્રેરિત પાઊલે જણાવ્યું કે નિયમશાસ્ત્ર ‘આવનારા આશીર્વાદોનો ફક્ત પડછાયો છે.’ (હિબ્રૂ. ૧૦:૧) આ વિષયને લગતા હવે પછીના લેખમાં અમુક આશીર્વાદોની ચર્ચા કરવામાં આવશે. મંડળોમાં પ્રેમ અને ન્યાય બતાવવો કેમ મહત્ત્વનું છે, એ વિશે પણ જોઈશું.

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

^ ફકરો. 5 યહોવા આપણી સંભાળ રાખે છે, એવી પાકી ખાતરી રાખવા ક્યાંથી મદદ મળે છે? એ વિશે આપણે ચાર લેખ જોઈશું. એ ચાર લેખમાંનો આ પહેલો લેખ છે. બાકીના ત્રણ લેખ મે ૨૦૧૯ના ચોકીબુરજમાં આવશે. એ લેખના વિષય હશે: “મંડળમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય,” “દુષ્ટ દુનિયામાં પ્રેમ અને ન્યાય” અને “જુલમનો ભોગ બનેલાઓને આશ્વાસન આપીએ.”

^ ફકરો. 2 શબ્દોની સમજ: ઈશ્વરે ઇઝરાયેલીઓને ૬૦૦થી વધારે નિયમો આપ્યા હતા. એ માટે તેમણે મુસાનો ઉપયોગ કર્યો. એને “નિયમશાસ્ત્ર,” “મુસાનો નિયમ,” “મુસાનું નિયમશાસ્ત્ર” અને “આજ્ઞાઓ” તરીકે ઓળખવામાં આવે છે. બાઇબલના પહેલા પાંચ પુસ્તકો (ઉત્પત્તિથી પુનર્નિયમ) નિયમશાસ્ત્ર તરીકે ઓળખાય છે. કેટલીક વાર આખા હિબ્રૂ શાસ્ત્રવચન માટે પણ એ શબ્દ વપરાય છે.

^ ફકરો. 60 પહેલા પાનનું ચિત્ર: યહોવા ચાહતા હતા કે બાળકો રક્ષણ અને હૂંફ અનુભવે અને માતાપિતા તેઓનો સારો ઉછેર કરે અને તેઓને સારું શિક્ષણ આપે

ચિત્રની સમજ: એક ઇઝરાયેલી માતા જમવાનું બનાવતી વખતે પોતાની દીકરીઓ સાથે વાત કરી રહી છે. પાછળ પિતા પોતાના દીકરાને ઘેટાં સાચવવાનું શીખવી રહ્યા છે.

^ ફકરો. 64 ચિત્રની સમજ: વેપારીએ વિધવા અને તેના બાળકને હેરાન કર્યા છે, એટલે શહેરના દરવાજે બેઠેલા વડીલો તેઓને મદદ કરી રહ્યા છે.