સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૨

બીજાઓ માટે લાગણી બતાવો

બીજાઓ માટે લાગણી બતાવો

‘તમે બધા સુખ-દુઃખના સાથી બનો.’—૧ પીત. ૩:૮.

ગીત ૫૩ સંપીને રહીએ

ઝલક *

૧. બીજાઓની ચિંતા કરનારા અને સંભાળ રાખનારા લોકો સાથે હળવા-મળવાનું આપણને કેમ ગમે છે?

બીજાઓની ચિંતા કરનારા અને સંભાળ રાખનારા લોકો સાથે હળવા-મળવાનું કોને ન ગમે! બીજાઓ શું વિચારે છે કે અનુભવે છે, એ જાણવા તેઓ પોતાને બીજાઓની જગ્યાએ મૂકીને જુએ છે. તેઓ તરત સમજી જાય છે કે બીજાઓને શાની જરૂર છે. તેઓ બીજાઓને મદદ કરવા દોડી જાય છે. અરે, ઘણી વાર તો તેઓને કહેવાની પણ જરૂર પડતી નથી. તેઓ આપણા “સુખ-દુઃખના સાથી” * બને છે, જેની આપણે કદર કરીએ છીએ.—૧ પીતર ૩:૮ વાંચો.

૨. બીજાઓનો વિચાર કરવા આપણે કેમ મહેનત કરવી જોઈએ?

ઈશ્વરભક્તો તરીકે આપણે બીજાઓના સુખ-દુઃખના સાથી બનવા ચાહીએ છીએ. એમ કરવું હંમેશાં સહેલું હોતું નથી. શા માટે? કારણ કે, આપણે બધા ભૂલો કરીએ છીએ. (રોમ. ૩:૨૩) નાનપણથી જ આપણા બધામાં સ્વાર્થની ભાવના હોય છે. એટલે બીજાઓનો વિચાર કરવો આપણા માટે સહેલું નથી. એટલે આપણે ઘણી મહેનત કરવી જોઈએ. અમુકનો ઉછેર એ રીતે થયો હોય કે પછી જીવનમાં એવી ઘટના બની હોય, જેના લીધે બીજાઓ માટે લાગણી બતાવવી તેઓ માટે અઘરું હોય છે. જેવો સંગ તેવો રંગ! આસપાસ રહેતા લોકોની પણ આપણા પર અસર પડે છે. આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ, આજે કોઈને બીજાની પડી નથી. લોકો “સ્વાર્થી” બની ગયા છે. (૨ તિમો. ૩:૧, ૨) આ બધી મુશ્કેલીઓ આપણને બીજાઓ માટે લાગણી બતાવતા અટકાવે છે. એ મુશ્કેલીઓનો હલ લાવવા આપણને શેનાથી મદદ મળશે?

૩. (ક) આપણે કઈ રીતે બીજાઓના સુખ-દુઃખના સાથી બની શકીએ? (ખ) આ લેખમાં આપણે શું જોઈશું?

યહોવા અને ઈસુ ખ્રિસ્તના પગલે ચાલીશું તો, આપણે પણ બીજાઓના સુખ-દુઃખના સાથી બની શકીશું. યહોવા પ્રેમના સાગર છે. બીજાઓ માટે લાગણી બતાવવામાં યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (૧ યોહા. ૪:૮) ઈસુનો સ્વભાવ તેમના પિતા યહોવા જેવો જ હતો. (યોહા. ૧૪:૯) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે બીજાઓ માટે દયા બતાવી. આમ સાબિત થયું કે મનુષ્યો પણ દયા બતાવી શકે છે. આ લેખમાં જોઈશું કે યહોવા અને ઈસુએ કઈ રીતે બીજાઓ માટે લાગણી બતાવી. પછી જોઈશું કે આપણે તેઓના પગલે કઈ રીતે ચાલી શકીએ.

બીજાઓ માટે લાગણી બતાવવામાં યહોવાએ દાખલો બેસાડ્યો

૪. શાના પરથી કહી શકાય કે યહોવા પોતાના લોકોની લાગણીઓ સમજે છે?

બાઇબલમાંથી શીખવા મળે છે કે યહોવા પોતાના લોકોની લાગણીઓ સમજે છે. ચાલો જોઈએ કે ઇઝરાયેલીઓ મુશ્કેલીઓમાં હતા ત્યારે યહોવાને કેવું લાગ્યું હતું. બાઇબલમાં લખ્યું છે કે ‘તેઓનાં સર્વ દુઃખમાં તે દુઃખી થયા.’ (યશાયા ૬૩:૭-૯ વાંચો.) પછીથી, ઝખાર્યા પ્રબોધક દ્વારા યહોવાએ જણાવ્યું કે તેમના લોકોને હેરાન કરવા, એ તો જાણે તેમને હેરાન કરવા બરાબર છે. યહોવાએ પોતાના લોકોને જણાવ્યું: ‘જે તમને અડકે છે તે મારી આંખની કીકીને અડકે છે.’ (ઝખા. ૨:૮) એ જોરદાર શબ્દોથી યહોવાએ પોતાના લોકો માટે લાગણી બતાવી આપી.

યહોવાએ ઇઝરાયેલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવીને દયા બતાવી (ફકરો ૫ જુઓ)

૫. પોતાના લોકોને મુશ્કેલી સહેતા જોઈને યહોવાએ કેવા પગલાં ભર્યાં? દાખલો આપો.

પોતાના લોકોને મુશ્કેલી સહેતા જોઈને યહોવાને કરુણા આવી. એટલું જ નહિ, તેઓને મદદ કરવા યહોવાએ પગલાં પણ ભર્યાં. દાખલા તરીકે, ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા ત્યારે, તેઓનું દુઃખ જોઈને યહોવા દુઃખી થયા. પછી, તે હાથ પર હાથ ધરીને બેસી ન રહ્યા, પણ તેઓને છોડાવવા કંઈક કર્યું. તેમણે મુસાને કહ્યું: ‘મેં મારા લોકોનું દુઃખ જોયું છે, ને તેમનો વિલાપ સાંભળ્યો છે; તેઓનું દુઃખ હું જાણું છું; અને ઇજિપ્તના લોકોના હાથમાંથી હું તેઓને છોડાવીશ.’ (નિર્ગ. ૩:૭, ૮) યહોવાને પોતાના લોકો પર કરુણા આવી એટલે તેઓને ગુલામીમાંથી છોડાવ્યા. સદીઓ પછી વચનના દેશમાં દુશ્મનોએ ઇઝરાયેલીઓ પર હુમલો કર્યો ત્યારે યહોવાએ શું કર્યું? બાઇબલમાં લખ્યું છે: ‘જેઓ તેમના લોકો ઉપર જુલમ કરતા હતા ને તેઓને દુઃખ દેતા હતા, તેઓના જુલમને લીધે લોકો નિસાસા નાખતા, એને લીધે યહોવાને દયા આવતી હતી.’ પોતાના લોકો માટે લાગણી હોવાથી યહોવાએ ફરીથી તેઓને મદદ કરી. ઇઝરાયેલીઓને દુશ્મનોના હાથમાંથી છોડાવવા તેમણે ન્યાયાધીશોને મોકલ્યા.—ન્યા. ૨:૧૬, ૧૮.

૬. યહોવાએ વ્યક્તિના વિચારો સુધારવા મદદ કરી હોય એવો દાખલો આપો.

યહોવા પોતાના લોકોનું ધ્યાન રાખે છે. તેઓના વિચારો બરાબર ન હોય, તોપણ તેઓની લાગણીઓ ધ્યાનમાં લે છે. યૂનાનો વિચાર કરો. નીનવેહના લોકો વિરુદ્ધ ન્યાયચુકાદો આપવા યહોવાએ તેમને મોકલ્યા હતા. નીનવેહના લોકોએ પસ્તાવો કર્યો ત્યારે યહોવાએ તેઓનો નાશ ન કર્યો. યૂનાને એ વાતનું ખોટું લાગ્યું. નીનવેહ શહેરનો નાશ થશે એવી પોતાની ભવિષ્યવાણી સાચી ન પડી, એટલે તેમને ખૂબ “ક્રોધ ચઢ્યો.” યહોવા યૂના સાથે ધીરજથી વર્ત્યા. યૂનાના વિચારો બદલવા તેમણે મદદ કરી. (યૂના ૩:૧૦–૪:૧૧) યૂનાને યહોવાની વાત સમજાઈ. યહોવાએ યૂનાને એ અહેવાલ લખવાની સૂચના આપી, જેથી આપણને શીખવા મળે.—રોમ. ૧૫:૪. *

૭. યહોવા પોતાના ભક્તો સાથે જે રીતે વર્તે છે, એનાથી આપણને કેવી ખાતરી મળે છે?

યહોવા લોકો સાથે જે રીતે વર્તે છે, એનાથી જોવા મળે છે કે, તે દયાળુ છે. તે આપણા દરેકનાં દુઃખ અને પીડા સમજે છે. યહોવા ‘સર્વ મનુષ્યોના દિલ જાણે છે.’ (૨ કાળ. ૬:૩૦) તે આપણાં વિચારો, લાગણીઓ અને આપણી હદ સમજે છે. “તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે તમારા પર આવવા દેશે નહિ.” (૧ કોરીં. ૧૦:૧૩) એ વાંચીને આપણા દિલને કેટલી ઠંડક વળે છે!

બીજાઓ માટે લાગણી બતાવવામાં ઈસુએ દાખલો બેસાડ્યો

૮-૧૦. બીજાઓની લાગણી સમજવા ઈસુને કઈ બાબતોએ મદદ કરી હતી?

પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ લોકોની સંભાળ રાખી હતી. એવી ત્રણ બાબતો છે, જેનાથી ઈસુ બીજાઓનું ધ્યાન રાખવા પ્રેરાયા હતા. પહેલી, ઈસુનો સ્વભાવ તેમના પિતા જેવો છે. એ વિશે આપણે આગળ જોઈ ગયા. યહોવાની જેમ ઈસુ પણ લોકોને પ્રેમ કરતા હતા. સૃષ્ટિ બનાવવાના કામમાં તેમણે યહોવાને મદદ કરી હતી. તેમને એ સમયે ખૂબ મજા આવી હતી. “મનુષ્યો” માટે તેમને ઘણો પ્રેમ હતો. (નીતિ. ૮:૩૧) ઈસુ પ્રેમાળ હતા એટલે બીજાઓ માટે લાગણી બતાવવા પ્રેરાયા હતા.

બીજી, યહોવાની જેમ ઈસુ બીજાઓનાં દિલ વાંચી શકે છે. ઈસુ લોકોનાં વિચારો અને લાગણીઓ જાણી શકે છે. (માથ. ૯:૪; યોહા. ૧૩:૧૦, ૧૧) કોનું દિલ દુભાયેલું છે, કોણ દુઃખી છે, એ વિશે ઈસુ જાણી શકે છે. પૃથ્વી પર હતા ત્યારે તેમણે એવા લોકો માટે લાગણી બતાવી હતી. એ લાગણીને લીધે લોકોને દિલાસો આપવા તે પ્રેરાયા હતા.—યશા. ૬૧:૧, ૨; લુક ૪:૧૭-૨૧.

૧૦ ત્રીજી, માણસોની મુશ્કેલીઓનો ઈસુએ પોતે અનુભવ કર્યો હતો. ઈસુ ગરીબ કુટુંબમાંથી આવતા હતા. પાલક પિતા યુસફ પાસેથી તે શીખ્યા હતા કે, સખત મહેનતથી કામ કરવું જોઈએ. (માથ. ૧૩:૫૫; માર્ક ૬:૩) ઈસુનું સેવાકાર્ય પૂરું થાય એ પહેલાં, કદાચ યુસફ મરણ પામ્યા હતા. એનાથી ઈસુને દુઃખ થયું હશે. આમ, ઈસુ જાણતા હતા કે સગાંને ગુમાવવાનું દુઃખ શું હોય છે. કુટુંબના સભ્યોની ધાર્મિક માન્યતાઓ અલગ અલગ હોય ત્યારે કેવી મુશ્કેલીઓ પડે છે, એ વિશે પણ ઈસુ જાણતા હતા. (યોહા. ૭:૫) એ બધા સંજોગોને લીધે ઈસુને સામાન્ય માણસોની લાગણીઓ અને મુશ્કેલીઓ સમજવા મદદ મળી હશે.

ઈસુએ એક બહેરા માણસ પર કરુણા બતાવી. તેને ટોળાથી દૂર લઈ જઈને સાજો કરે છે (ફકરો ૧૧ જુઓ)

૧૧. ઈસુને લોકો માટે લાગણી હતી, એ કયા પ્રસંગોથી કહી શકાય? સમજાવો. (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૧ ઈસુએ ચમત્કારો કર્યા હતા. એનાથી પણ લોકો માટેની તેમની લાગણી સાફ દેખાઈ આવતી હતી. ઈસુ કરવા ખાતર ચમત્કાર કરતા ન હતા. લોકોનું દુઃખ જોઈને તેમનું “હૈયું કરુણાથી ભરાઈ આવ્યું” હતું. (માથ. ૨૦:૨૯-૩૪; માર્ક ૧:૪૦-૪૨) દાખલા તરીકે, એક બહેરા માણસને સાજો કરતા પહેલાં, ઈસુ તેને ટોળાંથી દૂર લઈ ગયા. પછી, તેને સાજો કર્યો. વિધવાનો એકનો એક દીકરો મરણ પામ્યો હતો. ઈસુએ તેને પાછો જીવતો કર્યો. એ પ્રસંગોએ ઈસુના દિલમાં ઉમટેલી લાગણીઓનો જરા વિચાર કરો. (માર્ક ૭:૩૨-૩૫; લુક ૭:૧૨-૧૫) ઈસુ એ લોકોનું દુઃખ સમજતા હતા અને તેઓને મદદ કરવા ચાહતા હતા.

૧૨. માર્થા અને મરિયમ માટે ઈસુએ લાગણી બતાવી એ વિશે યોહાન ૧૧:૩૨-૩૫માં શું જણાવ્યું છે?

૧૨ ઈસુએ માર્થા અને મરિયમ માટે પણ એવી લાગણી બતાવી હતી. પોતાના ભાઈ લાજરસના મરણને લીધે તે બંને શોક કરી રહી હતી. એ જોઈને “ઈસુ રડી પડ્યા.” (યોહાન ૧૧:૩૨-૩૫ વાંચો.) શું પોતાનો ખાસ મિત્ર ગુમાવવાને લીધે ઈસુ રડ્યા હતા? ના, ફક્ત એ કારણ ન હતું. તે તો જાણતા હતા કે થોડી વારમાં તે લાજરસને પાછા જીવતા કરશે. ઈસુ એટલા માટે રડ્યા કે, લાજરસના મરણને લીધે બીજા મિત્રોનું દુઃખ તે સમજતા હતા. એનાથી તેમનું દિલ ભરાઈ આવ્યું હતું.

૧૩. ઈસુને લોકો માટે લાગણી છે, એ જાણીને આપણને કેવું લાગે છે?

૧૩ ઈસુને બીજાઓ માટે લાગણી હતી, એમાંથી આપણને ઘણું શીખવા મળે છે. આપણને ઈસુ માટે પ્રેમ છે, કેમ કે તે લોકો સાથે દયાથી વર્ત્યા હતા. (૧ પીત. ૧:૮) આપણા માટે કેટલી ખુશીની વાત છે કે, ઈસુ હમણાં રાજ કરી રહ્યા છે. બહુ જલદી જ તે બધી દુઃખ-તકલીફો કાઢી નાખશે. શેતાનના રાજમાં માણસોએ ઘણાં દુઃખ અને જુલમ સહ્યા છે. ઈસુએ પૃથ્વી પર મનુષ્ય તરીકે જીવન વિતાવ્યું છે. એટલે માણસોને મદદ કરવા માટે તે સૌથી યોગ્ય વ્યક્તિ છે. ‘આપણી નબળાઈઓ સમજે’ એવા રાજા આપણને મળ્યા છે, એ કેટલો મોટો આશીર્વાદ છે!—હિબ્રૂ. ૨:૧૭, ૧૮; ૪:૧૫, ૧૬.

યહોવા અને ઈસુના દાખલા પ્રમાણે ચાલો

૧૪. એફેસીઓ ૫:૧, ૨માંથી આપણને કેવું ઉત્તેજન મળે છે?

૧૪ આપણે યહોવા અને ઈસુના દાખલા પર વિચાર કરવો જોઈએ. એમ કરવાથી બીજાઓ માટે લાગણી બતાવવા આપણને વધારે ઉત્તેજન મળશે. (એફેસીઓ ૫:૧, ૨ વાંચો.) આપણે લોકોનાં દિલ વાંચી શકતા નથી. પણ, આપણે બીજાઓની લાગણીઓ અને જરૂરિયાતો સમજવાનો પ્રયત્ન તો કરી જ શકીએ છીએ. (૨ કોરીં. ૧૧:૨૯) ભલે દુનિયાના લોકો સ્વાર્થી છે, પણ આપણે ‘ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જોવું જોઈએ.’—ફિલિ. ૨:૪.

(ફકરા ૧૫-૧૯ જુઓ) *

૧૫. ભાઈ-બહેનો માટે કોણે લાગણી બતાવવાની ખાસ જરૂર છે?

૧૫ મંડળના વડીલોએ ખાસ એવી લાગણી બતાવવી જોઈએ. તેઓને મંડળની દેખભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. (હિબ્રૂ. ૧૩:૧૭) ભાઈ-બહેનોની સંભાળ રાખવા વડીલોએ તેઓના સંજોગો સમજવાની જરૂર છે. વડીલો કઈ રીતે એમ કરી શકે?

૧૬. પ્રેમાળ વડીલ કઈ રીતે વર્તે છે અને એ કેમ મહત્ત્વનું છે?

૧૬ ભાઈ-બહેનો સાથે એક પ્રેમાળ વડીલ સમય પસાર કરે છે. તે સવાલ પૂછે છે, પછી ધ્યાનથી અને ધીરજથી તેઓનું સાંભળે છે. કોઈ ભાઈ કે બહેન પોતાની લાગણીઓ જણાવવા માંગતા હોય પણ બરાબર રીતે કહી શકતા ન હોય ત્યારે, ધીરજથી વર્તવું ખૂબ જરૂરી છે. (નીતિ. ૨૦:૫) ભાઈ-બહેનો માટે સમય કાઢવા વડીલે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. એમ કરનાર વડીલ પર ભાઈ-બહેનો ભરોસો મૂકશે. એનાથી એકબીજા માટેનો પ્રેમ વધશે અને મિત્રતા પાકી થશે.—પ્રે.કા. ૨૦:૩૭.

૧૭. કેવા વડીલોની ભાઈ-બહેનો ખૂબ કદર કરે છે? દાખલો આપો.

૧૭ લોકો માટે લાગણી બતાવનાર વડીલોની ભાઈ-બહેનો ખૂબ કદર કરે છે. એડીલેડ નામનાં બહેન જણાવે છે: ‘એવા વડીલો સાથે વાત કરવી સહેલું બની જાય છે. કેમ કે તે તમારી વાત સમજશે, એવી તમને પાકી ખાતરી છે. વડીલ જે રીતે તમારી વાત સાંભળે છે, ધ્યાન આપે છે, એનાથી ખબર પડે છે કે તેમને તમારા માટે લાગણી છે.’ એક ભાઈ કહે છે: ‘એક વડીલને હું મારા સંજોગો વિશે કહી રહ્યો હતો, એ સાંભળીને તેમની આંખમાં આંસુ આવી ગયા. એ વાત હું કદી ભૂલીશ નહિ!’—રોમ. ૧૨:૧૫.

૧૮. આપણે કઈ રીતે બીજાઓ માટે લાગણી કેળવી શકીએ?

૧૮ ફક્ત વડીલોએ જ નહિ, આપણે બધાએ એવી લાગણી બતાવવી જોઈએ. આપણે કઈ રીતે એ લાગણી કેળવી શકીએ? તમારાં સગાંવહાલાં અને મંડળનાં ભાઈ-બહેનોના અઘરા સંજોગોનો વિચાર કરો. તમારા મંડળનાં તરુણો, બીમાર અને મોટી ઉંમરનાં ભાઈ-બહેનોનું ધ્યાન રાખો. સગાં-વહાલાંને મરણમાં ગુમાવનાર ભાઈ-બહેનોની સંભાળ રાખો. તેઓના ખબર-અંતર પૂછો. તેઓ પોતાની લાગણી જણાવે ત્યારે ધ્યાનથી સાંભળો. તમે તેઓના સંજોગોને દિલથી સમજવાનો પ્રયત્ન કરો છો, એ તેઓ પારખી શકતા હોવા જોઈએ. તમારાથી બનતી બધી મદદ કરો. એમ કરશો ત્યારે સાચો પ્રેમ દેખાઈ આવશે.—૧ યોહા. ૩:૧૮.

૧૯. બીજાઓને મદદ કરતી વખતે શા માટે સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ?

૧૯ બીજાઓને મદદ કરતી વખતે આપણે સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. શા માટે? મુશ્કેલીમાં દરેક વ્યક્તિ અલગ અલગ રીતે વર્તે છે. કેટલાક પોતાની લાગણી જણાવવા આતુર હોય છે, તો કેટલાક જલદી પોતાની લાગણીઓ ઠાલવતા નથી. આપણે તેઓને મદદ કરવી જોઈએ. પણ, તેઓ શરમમાં મૂકાય એવા સવાલો કદી પૂછવા ન જોઈએ. (૧ થેસ્સા. ૪:૧૧) બીજાઓ પોતાના દિલના વિચારો જણાવે ત્યારે, કદાચ દરેક બાબત સાથે આપણે સહમત ન હોઈએ. પણ હંમેશાં યાદ રાખીએ કે, એ તેઓના વિચારો છે. આપણે સાંભળવામાં આતુર અને સમજી-વિચારીને બોલનાર હોવા જોઈએ.—માથ. ૭:૧; યાકૂ. ૧:૧૯.

૨૦. હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૦ ચાલો મંડળનાં ભાઈ-બહેનો માટે લાગણી બતાવતા રહીએ. જેઓને ખુશખબર જણાવીએ છીએ, તેઓ માટે પણ લાગણી બતાવવાની જરૂર છે. લોકોને શિષ્યો બનવા મદદ કરીએ ત્યારે, કઈ રીતે આપણે તેઓ માટે લાગણી બતાવી શકીએ? એ વિશે આપણે હવે પછીના લેખમાં જોઈશું.

ગીત ૩૫ યહોવાની ધીરજ

^ ફકરો. 5 યહોવા અને ઈસુ બધાનું ધ્યાન રાખે છે અને તેઓ માટે લાગણી બતાવે છે. આ લેખમાંથી જોઈશું કે તેઓના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે. એ પણ જોઈશું કે આપણે કેમ બીજાઓ માટે લાગણી બતાવવી જોઈએ અને એવું કઈ રીતે કરી શકીએ.

^ ફકરો. 1 શબ્દોની સમજ: “સુખ-દુઃખના સાથી” બનવું એટલે બીજાઓની લાગણીઓ સમજવું અને તેઓને કેવું લાગતું હશે એનો વિચાર કરવો. (રોમ. ૧૨:૧૫) આ લેખમાં “સુખ-દુઃખના સાથી” બનવાનો અર્થ, “બીજાઓ માટે લાગણી બતાવવી” થાય છે.

^ ફકરો. 6 બીજા ઈશ્વરભક્તોની લાગણીનું પણ યહોવાએ ધ્યાન રાખ્યું હતું. જેમ કે, હાન્‍ના (૧ શમૂ. ૧:૧૦-૨૦), એલિયા (૧ રાજા. ૧૯:૧-૧૮) અને એબેદ-મેલેખ (યિર્મે. ૩૮:૭-૧૩; ૩૯:૧૫-૧૮).

^ ફકરો. 65 ચિત્રની સમજ: સભામાં ભાઈ-બહેનો માટે લાગણી બતાવવાની તક મળે છે. આપણને જોવા મળે છે: (૧) એક વડીલ પ્રેમથી બાળક અને તેની માતા સાથે વાત કરે છે, (૨) પિતા અને દીકરી એક વૃદ્ધ બહેનને કાર સુધી જવા મદદ કરે છે અને (૩) બહેન સલાહ લેવા બે વડીલોને મળે છે ત્યારે, વડીલો તેની વાત ધ્યાનથી સાંભળે છે.