સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૩

ખુશખબર જણાવતી વખતે લોકો માટે લાગણી બતાવો

ખુશખબર જણાવતી વખતે લોકો માટે લાગણી બતાવો

“લોકો માટે તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું . . . અને તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.”—માર્ક ૬:૩૪.

ગીત ૪૪ સંદેશો બધે વાવીએ

ઝલક *

૧. ઈસુનો કયો ખાસ ગુણ આપણા દિલને સ્પર્શી જાય છે? સમજાવો.

ઈસુનો એક ખાસ ગુણ છે કે તે આપણી તકલીફો સારી રીતે સમજે છે. એ ગુણ આપણા દિલને સ્પર્શી જાય છે. પૃથ્વી પર હતા ત્યારે, ઈસુ ‘આનંદ કરનારાઓની સાથે આનંદ કરતા’ અને ‘રડનારાઓની સાથે રડતા.’ (રોમ. ૧૨:૧૫) દાખલા તરીકે, ૭૦ શિષ્યો ખુશખબર ફેલાવીને ખુશી ખુશી પાછા ફર્યા ત્યારે, ઈસુ ‘આનંદિત થયા હતા.’ (લુક ૧૦:૧૭-૨૧) લાજરસના મરણ વખતે તેમના સગાંવહાલાંનું દુઃખ જોઈને ઈસુએ “મનમાં ઊંડો નિસાસો નાખ્યો અને તે બહુ દુઃખી થયા.”—યોહા. ૧૧:૩૩.

૨. કઈ રીતે ઈસુ લોકો માટે લાગણી બતાવી શક્યા?

ઈસુએ પાપી માણસો માટે દયા અને કરુણા બતાવી. તે કઈ રીતે એમ કરી શક્યા? સૌથી મહત્ત્વનું તો ઈસુને લોકો માટે પ્રેમ હતો. અગાઉના લેખમાં જોઈ ગયા તેમ ‘મનુષ્યોથી તેમને આનંદ થતો હતો.’ (નીતિ. ૮:૩૧) લોકો માટે પ્રેમ હોવાથી તે માણસોના વિચારોને સારી રીતે સમજતા હતા. પ્રેરિત યોહાને કહ્યું હતું: “મનુષ્યના દિલમાં શું છે એની તેમને ખબર હતી.” (યોહા. ૨:૨૫) ઈસુને લોકો માટે કોમળ લાગણી હતી. લોકો અનુભવી શકતા હતા કે ઈસુ ખરેખર તેઓને પ્રેમ કરે છે. એટલે તેઓ ઈસુનું ધ્યાનથી સાંભળતા હતા. આપણે પણ ખુશખબર જણાવતી વખતે લોકો માટે એવી લાગણી બતાવવી જોઈએ. એમ કરીશું તો તેઓ પણ આપણો સંદેશો ધ્યાનથી સાંભળશે.—૨ તિમો. ૪:૫.

૩-૪. (ક) આપણને લોકો માટે લાગણી હશે તો ખુશખબરના કામને કેવું ગણીશું? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

પાઊલ જાણતા હતા કે ખુશખબર ફેલાવવાનું કામ ખૂબ જરૂરી છે. આપણે પણ એ સમજીએ છીએ. (૧ કોરીં. ૯:૧૬) પરંતુ, જો આપણને લોકો માટે લાગણી હશે, તો ખુશખબરના કામને ફક્ત જવાબદારી સમજીશું નહિ. લોકો માટે લાગણી હોવાથી આપણે તેઓને મદદ કરવા તૈયાર હોઈશું. આપણે જાણીએ છીએ કે “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રે.કા. ૨૦:૩૫) એ વાત ધ્યાનમાં રાખીને ખુશખબર ફેલાવીશું તો આપણને વધારે ખુશી મળશે.

આ લેખમાં જોઈશું કે આપણે ખુશખબર જણાવતી વખતે કઈ રીતે બીજાઓ માટે લાગણી બતાવી શકીએ. સૌથી પહેલા જોઈશું કે ઈસુ જે રીતે લોકો માટે લાગણી બતાવતા હતા, એમાંથી આપણે શું શીખી શકીએ છીએ. પછી ચાર રીતોની ચર્ચા કરીશું, જેનાથી તેમના દાખલાને અનુસરવા મદદ મળશે.—૧ પીત. ૨:૨૧.

ખુશખબર જણાવતી વખતે ઈસુએ લોકો માટે લાગણી બતાવી

લોકો માટે લાગણી હોવાથી ઈસુ દિલાસાનો સંદેશો જણાવવા પ્રેરાયા (ફકરા ૫-૬ જુઓ)

૫-૬. (ક) ઈસુએ કોના માટે લાગણી બતાવી? (ખ) લોકોને જોઈને શા માટે ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું?

ઈસુએ લોકો માટે લાગણી બતાવી હતી. ચાલો એક દાખલો જોઈએ. ઈસુ અને શિષ્યો ખુશખબર ફેલાવતા હતા. અરે, તેઓને “જમવાનો પણ સમય ન હતો.” તેઓ થાકી ગયા હતા, એટલે ઈસુ તેઓને ‘એકાંત જગ્યાએ થોડો આરામ કરવા’ લઈ જતા હતા. પરંતુ, તેઓ ત્યાં પહોંચે એ પહેલાં એક મોટું ટોળું ત્યાં પહોંચી ગયું. લોકોને જોઈને ઈસુને કેવું લાગ્યું? “લોકો માટે તેમનું હૈયું કરુણાથી * ભરાઈ આવ્યું, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવાં હતાં. અને તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.”—માર્ક ૬:૩૦-૩૪.

શા માટે લોકોને જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું? ઈસુએ જોયું કે લોકો ‘પાળક વગરનાં ઘેટાં જેવાં છે.’ ઈસુએ જોયું હશે કે અમુક લોકો ઘણા ગરીબ હતા અને કુટુંબનું ભરણપોષણ કરવા ઘણા કલાકો કામ કરતા હતા. બીજા અમુક પોતાનાં સગાંવહાલાંના મરણનું દુઃખ સહન કરી રહ્યા હતા. ગયા લેખમાં જોઈ ગયા તેમ, ઈસુએ કદાચ એવાં દુઃખ પોતે પણ સહ્યા હતાં. ઈસુ તેઓનું દુઃખ સારી રીતે સમજતા હતા. તે તેઓને દિલાસાનો સંદેશો કહેવા પ્રેરાયા હતા.—લુક ૪:૧૮, ૧૯ વાંચો.

૭. આપણે ઈસુના દાખલા પરથી શું શીખી શકીએ?

આપણે ઈસુના દાખલા પરથી શું શીખી શકીએ? આપણી આસપાસ પણ એવા લોકો છે, જેઓ ‘પાળક વગરનાં ઘેટાં જેવાં છે.’ તેઓ ઘણી મુશ્કેલીઓ સહન કરે છે. તેઓને જેની જરૂર હોય છે એ આપણી પાસે છે. એ છે ખુશખબર. (પ્રકટી. ૧૪:૬) ઈસુને પગલે ચાલીને આપણે લોકોને ખુશખબર જણાવીએ છીએ, કેમ કે ‘કમજોર અને દુઃખી લોકો માટે આપણા દિલમાં કરુણા છે.’ (ગીત. ૭૨:૧૩) આપણને લોકો માટે દયા છે એટલે તેઓને મદદ કરવા ચાહીએ છીએ.

આપણે કઈ રીતે લોકો માટે લાગણી બતાવી શકીએ?

વ્યક્તિને શાની જરૂર છે એનો વિચાર કરો (ફકરા ૮-૯ જુઓ)

૮. ખુશખબર જણાવીએ ત્યારે કઈ રીતે લોકો માટે લાગણી બતાવી શકીએ? સમજાવો.

ખુશખબર જણાવીએ ત્યારે કઈ રીતે લોકો માટે લાગણી બતાવી શકીએ? આપણે લોકોનાં વિચારો અને લાગણીઓ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી વિચારવું જોઈએ કે તેઓની જગ્યાએ આપણે હોઈએ તો બીજાઓ પાસે કેવી અપેક્ષા રાખીશું. * (માથ. ૭:૧૨) ચાલો એ માટે ચાર રીતો જોઈએ. પહેલી, વ્યક્તિને શાની જરૂર છે એનો વિચાર કરો. ખુશખબર ફેલાવતી વખતે આપણે એક ડોક્ટરની જેમ કામ કરીએ છીએ. દરેક દર્દીને શાની જરૂર છે એનો તે વિચાર કરશે. તે સવાલો પૂછશે, દર્દી જ્યારે પોતાની તકલીફો વિશે જણાવે ત્યારે તે ધ્યાનથી સાંભળશે. સીધેસીધી સારવાર આપી દેવાને બદલે ડોક્ટર દર્દીને બોલવા દેશે, જેથી તેનો રોગ પારખી શકાય. પછી ડોક્ટર તેને યોગ્ય સારવાર આપશે. એવી જ રીતે, ખુશખબર જણાવતી વખતે આપણે દરેક વ્યક્તિ સાથે એકની એક વાત નહિ કરીએ. વ્યક્તિના સંજોગો અને વિચારોને ધ્યાનમાં રાખીને તેની સાથે વાત કરીશું.

૯. આપણે શું ધારી લેવું ન જોઈએ? સમજાવો.

જેઓને સંદેશો જણાવીએ છીએ તેઓનાં સંજોગો, માન્યતાઓ અને એ માનવા પાછળનાં કારણો અલગ અલગ હોય શકે. એ વિશે એમ ન ધારી લેવું જોઈએ કે આપણને બધી ખબર છે. (નીતિ. ૧૮:૧૩) વ્યક્તિ વિશે અને તેની માન્યતાઓ વિશે જાણવા અમુક સવાલો પૂછો. (નીતિ. ૨૦:૫) જો તમારા વિસ્તારમાં કામ, કુટુંબ, અનુભવ અને વિચારો વિશે સવાલો પૂછવા સામાન્ય હોય, તો વ્યક્તિને એ વિશે પૂછો. લોકોને સવાલો પૂછીએ છીએ ત્યારે તેઓ પોતાનાં દિલની વાત જણાવે છે. એનાથી ખબર પડે છે કે તેઓને શાની જરૂર છે. એ જાણ્યા પછી, આપણે તેઓને જરૂરી મદદ આપી શકીએ છીએ. આપણે પણ ઈસુની જેમ લોકો માટે લાગણી બતાવવી જોઈએ.—૧ કોરીંથીઓ ૯:૧૯-૨૩ સરખાવો.

જેઓને સાક્ષી આપીએ છીએ, તેઓનું જીવન કેવું હશે એનો વિચાર કરો (ફકરા ૧૦-૧૧ જુઓ)

૧૦-૧૧. બીજો કોરીંથીઓ ૪: ૭, ૮ પ્રમાણે લોકો માટે લાગણી બતાવવાની બીજી રીત કઈ છે? દાખલો આપો.

૧૦ બીજી રીત છે, લોકોનાં જીવન વિશે વિચાર કરો. અમુક હદે આપણે તેઓના સંજોગો સમજી શકીએ છીએ. કારણ કે આપણે બધા માટીના માણસો છીએ. આપણે પણ તેઓની જેમ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. (૧ કોરીં. ૧૦:૧૩) આપણે જાણીએ છીએ કે દુષ્ટ દુનિયામાં જીવવું સહેલું નથી. આપણે ફક્ત યહોવાની મદદથી જ ટકી શકીએ છીએ. (૨ કોરીંથીઓ ૪:૭, ૮ વાંચો.) જરા વિચારો, જેઓ યહોવાને ઓળખતા નથી તેઓનું જીવન કેવું હશે! યહોવાની મદદ વગર તેઓ માટે આ દુનિયામાં ટકી રહેવું કેટલું મુશ્કેલ હશે. ઈસુની જેમ, આપણને પણ તેઓ પર દયા આવે છે. આપણે પણ તેઓને ખુશખબર જણાવવા પ્રેરાઈએ છીએ.—યશા. ૫૨:૭.

૧૧ ચાલો સર્ગીભાઈનો દાખલો જોઈએ. પહેલાં તે ઘણા શરમાળ હતા અને ચૂપચાપ રહેતા હતા. બીજાઓ સાથે વાત કરવું તેમને અઘરું લાગતું હતું. પછી તેમણે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તે જણાવે છે: ‘બાઇબલમાંથી શીખ્યા પછી મને સમજાયું કે બીજાઓને પોતાની શ્રદ્ધા વિશે જણાવવું, એ ઈશ્વરભક્તોની જવાબદારી છે. મને લાગતું કે એવું તો હું ક્યારેય નહિ કરી શકું.’ તેમ છતાં, સર્ગીભાઈ એવા લોકો વિશે વિચારતા જેઓએ હજુ સુધી યહોવા વિશે સાંભળ્યું નથી. તેમને લાગતું કે યહોવા વગર તેઓનું જીવન કેટલું અઘરું હશે. તે આગળ કહે છે, ‘નવું નવું શીખવાથી મને ઘણી ખુશી થતી અને મનની શાંતિ મળતી. હું જાણતો હતો કે બીજાઓએ પણ યહોવા વિશે શીખવું જોઈએ.’ સર્ગીભાઈના દિલમાં બીજાઓ માટે લાગણી વધતી ગઈ, તેમ ખુશખબર ફેલાવવા તેમને હિંમત મળી. તે કહે છે: ‘બીજાઓને સંદેશો જણાવવાથી મારો ભરોસો વધ્યો છે. એ જાણીને મને ઘણી નવાઈ લાગી. એનાથી મારી માન્યતાઓ દિલમાં ઊંડે સુધી ઊતરી છે.’ *

વ્યક્તિને શીખતા સમય લાગી શકે છે (ફકરા ૧૨-૧૩ જુઓ)

૧૨-૧૩. બાઇબલ વિદ્યાર્થીઓ સાથે શા માટે ધીરજથી વર્તવું જોઈએ? સમજાવો.

૧૨ ત્રીજી રીત છે, બાઇબલ વિદ્યાર્થીઓ સાથે ધીરજથી વર્તો. બાઇબલના અમુક સત્ય આપણે સારી રીતે જાણીએ છીએ. પણ તેઓ માટે એ બધું નવું હશે. અત્યાર સુધી તેઓ જે માનતા આવ્યા છે, એની સાથે તેઓની લાગણીઓ જોડાયેલી હશે. તેઓને લાગતું હશે કે તેઓનો ધર્મ સૌથી મહત્ત્વનો છે. એના કારણે તેઓ પોતાનાં કુટુંબ, રિવાજ અને સમાજ સાથે જોડાયેલા રહી શકે છે. આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?

૧૩ ચાલો આનો વિચાર કરીએ: એક પુલ જૂનો-પુરાણો થઈ જાય તો શું કરવામાં આવે છે? જૂનો પુલ વપરાશમાં હોય ત્યારે નવો પુલ બાંધવામાં આવે છે. એકવાર નવો પુલ બની જાય પછી જૂનો પુલ તોડી પાડવામાં આવે છે. એવી જ રીતે, લોકોનાં દિલમાંથી તેઓની મનગમતી માન્યતાઓ દૂર કરતા પહેલાં બાઇબલ શિક્ષણ વિશે પ્રેમ જગાડીએ. બાઇબલનું શિક્ષણ તેઓ માટે હજુ નવું છે. બાઇબલમાં શ્રદ્ધા વધશે તેમ, તેઓ પોતાની જૂની માન્યતાઓ છોડવા તૈયાર થશે. એવા ફેરફારો કરવા સમય લાગશે. એ માટે ધીરજથી તેઓને મદદ કરવી જોઈએ.—રોમ. ૧૨:૨.

૧૪-૧૫. હંમેશ માટેના જીવન વિશે બિલકુલ અજાણ હોય એવા લોકોને કઈ રીતે મદદ કરી શકીએ? દાખલો આપો.

૧૪ આપણામાં ધીરજ હશે તો એવી અપેક્ષા નહિ રાખીએ કે, લોકો પહેલી જ વારમાં બધું સમજી જાય અને બાઇબલનું શિક્ષણ સ્વીકારી લે. આપણને લોકો માટે લાગણી હશે તો, બાઇબલ શું કહે છે એ વિશે વિચારવા તેઓને મદદ કરીશું. પછી ભલે એ માટે થોડો સમય લાગે. દાખલા તરીકે, બાગ જેવી પૃથ્વી પર હંમેશ માટેના જીવન વિશે આપણે કોઈને શીખવવાનું છે. એ વિશે લોકો બિલકુલ અજાણ હોય છે. તેઓ કદાચ માનતા હોય કે ગુજરી ગયેલા લોકો કદી પાછા આવતા નથી. અથવા તેઓ માનતા હોય કે બધા સારા લોકો મર્યા પછી સ્વર્ગમાં જાય છે. આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?

૧૫ હંમેશ માટેના જીવન વિશે સમજાવવા એક ભાઈ આ રીત વાપરે છે: પહેલા, તે ઉત્પત્તિ ૧:૨૮ વાંચે છે. પછી ઘરમાલિકને પૂછે છે કે મનુષ્યો માટે ઈશ્વરની શું ઇચ્છા હતી? મોટા ભાગના લોકો જવાબ આપે છે, ‘પૃથ્વી પર તેઓ સુખેથી રહે એવી તેમની ઇચ્છા હતી.’ પછી ભાઈ યશાયા ૫૫:૧૧ વાંચે છે અને પૂછે છે કે, શું ઈશ્વરનો હેતુ બદલાયો છે? ઘણીવાર, ઘરમાલિક જવાબ આપે છે, “ના.” પછી ભાઈ ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧ વાંચે છે અને સવાલ કરે છે કે મનુષ્યોનું ભાવિ કેવું હશે? આ રીતે બાઇબલનો ઉપયોગ કરીને તેમણે ઘણા લોકોને મદદ કરી છે. આમ, તેમણે ઘણા લોકોને શીખવ્યું છે કે, સારા લોકો બાગ જેવી પૃથ્વી પર હંમેશ માટે જીવે એવી ઈશ્વરની ઇચ્છા છે.

દયા બતાવવા એક નાનું કામ કરવાથી સારું પરિણામ આવી શકે, જેમ કે ઉત્તેજન આપતો એક પત્ર (ફકરા ૧૬-૧૭ જુઓ)

૧૬-૧૭. નીતિવચનો ૩:૨૭ પ્રમાણે લોકો માટે લાગણી બતાવવા આપણે શું કરવું જોઈએ? દાખલો આપો.

૧૬ ચોથી રીત છે, એવું કંઈક કરો જેથી લોકો જોઈ શકે કે તમને તેઓની ચિંતા છે. દાખલા તરીકે, તમે ઘરમાલિકને મળવા ગયા છો. પણ તે કદાચ વ્યસ્ત છે તો તમે શું કરશો? તમે તેમની માફી માંગી શકો અને બીજા સમયે આવશો એવું જણાવી શકો. કદાચ કોઈ નાના કામ માટે ઘરમાલિકને મદદની જરૂર પડે તો તમે શું કરશો? કોઈ વૃદ્ધ કે બીમાર વ્યક્તિ ઘરની બહાર જઈ શકતી ન હોય, તેને મદદની જરૂર પડે તો તમે શું કરશો? આવા કિસ્સાઓમાં મદદ કરવા આપણે તૈયાર રહેવું જોઈએ.—નીતિવચનો ૩:૨૭ વાંચો.

૧૭ દયાનું એક નાનું કામ કરવાથી એક બહેનને સારું પરિણામ મળ્યું હતું. એક યુગલનું બાળક જન્મ્યું એ જ દિવસે મરણ પામ્યું. આપણા બહેને એ યુગલને પત્ર લખ્યો. એ પત્રના શબ્દોમાં તેમનો પ્રેમ છલકાતો હતો. એમાં તેમણે બાઇબલની અમુક કલમો લખી હતી. યુગલને એ પત્ર વાંચીને કેવું લાગ્યું? માતા ઘણી શોકમાં હતી, તે જણાવે છે: ‘ગઈ કાલે હું ઘણી ઉદાસ હતી. પણ તમારા પત્રથી મને ઘણી મદદ મળી છે. તમારો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. ગઈ કાલે મેં તમારો પત્ર આશરે ૨૦ વાર વાંચ્યો હતો. મને સમજાયું કે તમને અમારા માટે પ્રેમ છે, તમે અમારી ચિંતા કરો છો. એનાથી મને ઘણું ઉત્તેજન મળ્યું. હું દિલથી તમારો આભાર માનું છું.’ દુઃખ-તકલીફો સહી રહેલા લોકોનું જીવન કેટલું અઘરું હશે, એ સમજવા આપણે પોતાને તેઓની જગ્યાએ મૂકીને જોવું જોઈએ. તેઓને મદદ કરવા આપણે કંઈક કરવું જોઈએ. એમ કરવાથી ચોક્કસ સારું પરિણામ આવે છે.

બનતી બધી મદદ કરો અને નિરાશ ન થાઓ

૧૮. પહેલો કોરીંથીઓ ૩:૬, ૭ પ્રમાણે ખુશખબર જણાવતી વખતે આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૮ લોકોને ઈશ્વર વિશે શીખવવા આપણે બનતી બધી મદદ કરીએ છીએ, પણ એ બધું ફક્ત આપણી મહેનતથી જ થતું નથી. (૧ કોરીંથીઓ ૩:૬, ૭ વાંચો.) યાદ રાખીએ, યહોવા લોકોને પોતાની નજીક દોરી લાવે છે. (યોહા. ૬:૪૪) વ્યક્તિનું દિલ સારું હશે તો તે ખુશખબર સ્વીકારશે. બધો આધાર વ્યક્તિ પર રહેલો છે. (માથ. ૧૩:૪-૮) યાદ રાખો, કોઈ પણ શિક્ષક ઈસુની તોલે આવી શકે નહિ! મનુષ્યોમાં તે સૌથી સારા શિક્ષક હતા, તોપણ મોટા ભાગના લોકોએ તેમનો સંદેશો સ્વીકાર્યો નહિ. એટલે લોકો ખુશખબર ન સાંભળે તો આપણે નિરાશ થવું ન જોઈએ.

૧૯. ખુશખબર જણાવતી વખતે લોકો માટે લાગણી બતાવવાથી કેવાં પરિણામો આવે છે?

૧૯ ખુશખબર જણાવતી વખતે લોકો માટે લાગણી બતાવીએ છીએ ત્યારે સારાં પરિણામો આવે છે. ખુશખબર ફેલાવવાના કામમાં આપણને મજા આવે છે. બીજાઓને કંઈક આપીશું તો આપણને વધારે ખુશી મળશે. એનાથી એવા લોકો માટે ખુશખબર સ્વીકારવી સહેલું થાય છે, જેઓ “હંમેશ માટેનું જીવન” મેળવવા માંગે છે. (પ્રે.કા. ૧૩:૪૮) ‘તો પછી, આપણી પાસે તક છે ત્યાં સુધી, ચાલો સર્વનું ભલું કરીએ.’ (ગલા. ૬:૧૦) આમ ઈશ્વરને મહિમા આપવામાં આપણને વધારે ખુશી મળશે.—માથ. ૫:૧૬.

ગીત ૧૪૨ દરેકને જણાવ્યે

^ ફકરો. 5 ખુશખબર જણાવતી વખતે આપણે બીજાઓ માટે લાગણી બતાવીએ છીએ ત્યારે, એ કામમાં વધારે ખુશી મળે છે. ઘણી વાર એનું સારું પરિણામ આવે છે. લોકો આપણો સંદેશો ધ્યાનથી સાંભળે છે. આ લેખમાં જોઈશું કે આપણે ઈસુના દાખલામાંથી શું શીખી શકીએ છીએ. ખુશખબર જણાવતી વખતે લોકો માટે કઈ રીતે લાગણી બતાવી શકાય, એની ચાર રીતો પણ જોઈશું.

^ ફકરો. 5 શબ્દોની સમજ: આ લેખમાં કરુણા શબ્દનો અર્થ થાય કે એવા માણસો માટે ઊંડી લાગણી બતાવવી, જેઓએ બહુ દુઃખ સહન કર્યું હોય કે પછી જેઓ બીજાઓ દ્વારા બહુ હેરાન થયા હોય. જો આપણામાં એવી લાગણી હશે, તો બીજાઓને મદદ કરવા પ્રેરાઈશું.

^ ફકરો. 8 મે ૧૫, ૨૦૧૪ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “સોનેરી નિયમને પ્રચારકાર્યમાં લાગુ પાડીએ.”