સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૧

યહોવાનું સાંભળો

યહોવાનું સાંભળો

“આ મારો વહાલો દીકરો છે . . . તેનું સાંભળો.”—માથ. ૧૭:૫.

ગીત ૬ અમારી પ્રાર્થના

ઝલક *

૧-૨. (ક) યહોવાએ કઈ રીતે માણસો સાથે વાત કરી હતી? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

યહોવાને આપણી સાથે વાત કરવાનું ગમે છે. અગાઉ તેમણે પ્રબોધકો, દૂતો અને ઈસુ દ્વારા માણસોને પોતાના વિચારો જણાવ્યા હતા. (આમો. ૩:૭; ગલા. ૩:૧૯; પ્રકટી. ૧:૧) યહોવા આજે આપણી સાથે બાઇબલ દ્વારા વાત કરે છે. યહોવાએ આપણને બાઇબલ આપ્યું છે, જેથી આપણે તેમના વિચારો અને માર્ગો વિશે જાણી શકીએ.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહોવાએ સ્વર્ગમાંથી ત્રણ વખત તેમની સાથે વાત કરી હતી. ચાલો જોઈએ કે એ સમયે યહોવાએ શું કહ્યું હતું. એ પણ જોઈશું કે તેમણે જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ અને કઈ રીતે ફાયદો મેળવી શકીએ.

“તું મારો વહાલો દીકરો છે”

૩. માર્ક ૧:૯-૧૧માં યહોવાએ ઈસુ વિશે શું જણાવ્યું? એનાથી કઈ વાતની સાબિતી મળી?

માર્ક ૧:૯-૧૧ વાંચો. યહોવાએ પહેલી વાર ઈસુ સાથે વાત કરી, એ અહેવાલ માર્કના પહેલા અધ્યાયમાં નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું: “તું મારો વહાલો દીકરો છે; મેં તને પસંદ કર્યો છે.” એ શબ્દોથી યહોવાએ ઈસુ માટેનો પ્રેમ જાહેર કર્યો. તેમણે એ પણ બતાવ્યું કે તેમને ઈસુ પર પૂરો ભરોસો છે. એ વાત ઈસુના દિલને સ્પર્શી ગઈ હશે! એ રીતે યહોવાએ સાબિતી આપી કે ઈસુ વિશેની આ ત્રણ વાત એકદમ સાચી છે: પહેલી, ઈસુ યહોવાના દીકરા છે; બીજી, યહોવા પોતાના દીકરાને પ્રેમ કરે છે; ત્રીજી, યહોવાએ પોતાના દીકરાને પસંદ કર્યો છે. ચાલો એના વિશે વધારે જોઈએ.

૪. ઈસુના બાપ્તિસ્મા વખતે શા માટે યહોવાએ કહ્યું: ‘તું મારો વહાલો દીકરો છે?’

“તું મારો વહાલો દીકરો છે.” યહોવાએ શા માટે એવું કહ્યું હતું? ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં સ્વર્ગમાં ઈશ્વરના દીકરા હતા. બાપ્તિસ્મા પછી પવિત્ર શક્તિથી તેમને અભિષિક્ત કરવામાં આવ્યા. એ સમયે ઈશ્વરે બતાવ્યું કે ઈસુ સ્વર્ગમાં પાછા જશે. ઈસુને આશા મળી કે સ્વર્ગમાં તે ઈશ્વરના પસંદ કરાયેલા રાજા અને પ્રમુખ યાજક બનશે. (લુક ૧:૩૧-૩૩; હિબ્રૂ. ૧:૮, ૯; ૨:૧૭) ઈસુના બાપ્તિસ્મા વખતે તેમના પિતાએ કહ્યું હતું: ‘તું મારો દીકરો છે.’ (લુક ૩:૨૨) હવે આપણે સમજી શકીએ છીએ કે તેમના પિતાએ શા માટે એવું કહ્યું હતું.

બીજાઓ તરફથી વખાણ અને ઉત્તેજન મળે ત્યારે આપણા ચહેરા ખીલી ઊઠે છે (ફકરો ૫ જુઓ) *

૫. પ્રેમ બતાવવામાં અને ઉત્તેજન આપવામાં આપણે કઈ રીતે યહોવાને અનુસરી શકીએ?

“તું મારો વહાલો દીકરો છે.” આ શબ્દોથી યહોવાએ ઈસુ માટે પ્રેમ બતાવ્યો અને પોતાના દીકરા તરીકે સ્વીકાર કર્યો. આમ, યહોવાએ ઈસુને ઉત્તેજન આપ્યું હતું. એનાથી શીખવા મળે છે કે આપણે પણ બીજાઓને ઉત્તેજન આપવું જોઈએ. (યોહા. ૫:૨૦) આપણે જેઓની ચિંતા કરીએ છીએ, તેઓ આપણા પર પ્રેમ બતાવે અને આપણાં સારાં કામોની પ્રશંસા કરે ત્યારે કેવું લાગે છે? એનાથી તો આપણો ચહેરો ખીલી ઊઠે છે! એવી જ રીતે, મંડળનાં ભાઈ-બહેનો અને કુટુંબનાં સભ્યોને આપણાં પ્રેમ અને ઉત્તેજનની જરૂર હોય છે. પ્રશંસા કરવાથી તેઓ શ્રદ્ધામાં મજબૂત થાય છે. તેઓ વફાદારીથી યહોવાની ભક્તિ કરી શકે છે. ખાસ કરીને માબાપે બાળકોને ઉત્તેજન આપવું જોઈએ. માબાપ બાળકોનાં વખાણ કરશે અને તેઓને હૂંફ આપશે ત્યારે શું થશે? બાળકો ફૂલની જેમ ખીલી ઊઠશે અને તેઓ પ્રગતિ કરશે.

૬. આપણે શા માટે ઈસુ પર ભરોસો રાખવો જોઈએ?

‘મેં તને પસંદ કર્યો છે.’ એ શબ્દોથી શું જોવા મળે છે? યહોવાને ખાતરી હતી કે ઈસુ પૂરેપૂરી રીતે તેમની ઇચ્છા પૂરી કરશે. યહોવાને પોતાના દીકરા ઈસુ પર પૂરો ભરોસો છે. આપણે પણ પૂરો ભરોસો રાખવો જોઈએ કે, યહોવાએ આપેલાં વચનો ઈસુ ચોક્કસ પૂરાં કરશે. (૨ કોરીં. ૧:૨૦) આપણે ઈસુના દાખલા પર મનન કરવું જોઈએ. એમ કરીશું તો તેમના દાખલામાંથી શીખવાનો અને તેમના પગલે ચાલવાનો આપણો નિર્ણય પાકો થશે. યહોવાને ઈસુ પર ભરોસો હતો. એવી જ રીતે, તેમને ભરોસો છે કે આપણે બધા ઈસુના દાખલામાંથી શીખતા રહીશું.—૧ પીત. ૨:૨૧.

“તેનું સાંભળો”

૭. માથ્થી ૧૭:૧-૫માં જણાવ્યા પ્રમાણે યહોવાએ સ્વર્ગમાંથી ક્યારે વાત કરી હતી? એ સમયે તેમણે શું કહ્યું હતું?

માથ્થી ૧૭:૧-૫ વાંચો. ઈસુનું “રૂપાંતર થયું” ત્યારે યહોવાએ બીજી વાર તેમની સાથે વાત કરી હતી. ઈસુ પોતાની સાથે પીતર, યાકૂબ અને યોહાનને ઊંચા પહાડ પર લઈ ગયા હતા. ત્યાં તેઓએ દર્શન જોયું, જે ઘણું મહત્ત્વનું હતું. ઈસુનો ચહેરો પ્રકાશવા લાગ્યો અને તેમના કપડાં ઝળહળવાં લાગ્યાં. બે માણસો ઈસુ સાથે તેમના મરણ વિશે અને સજીવન થવા વિશે વાત કરતા હતા. એ માણસોનો દેખાવ મુસા અને એલિયા જેવો હતો. ત્રણ પ્રેરિતો “ભરઊંઘમાં હતા.” જોકે આ અદ્‍ભુત દર્શન વખતે તેઓ પૂરેપૂરા જાગતા હતા. (લુક ૯:૨૯-૩૨) એટલામાં તો સફેદ વાદળું તેઓ પર છવાઈ ગયું અને એમાંથી ઈશ્વરનો અવાજ આવ્યો! ઈસુનું બાપ્તિસ્મા થયું ત્યારે યહોવાએ તેમને પુત્ર તરીકે પસંદ કર્યા હતા. તેમના માટેનો પ્રેમ બતાવવા આમ કહ્યું હતું: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.” ઈસુનું રૂપાંતર થયું ત્યારે યહોવાએ એ શબ્દોની સાથે સાથે એમ પણ કહ્યું: “તેનું સાંભળો.”

૮. એ દર્શનથી ઈસુ અને શિષ્યોને કેવી મદદ મળી?

એ દર્શનથી ભાવિ વિશે કઈ ઝલક મળી? એ જ કે, ઈશ્વરના રાજ દરમિયાન ઈસુ રાજા બનશે ત્યારે તેમની પાસે મહિમા અને સત્તા હશે. આગળ જતાં ઈસુએ દુઃખ-તકલીફો અને મરણ સહેવાનાં હતાં. આ દર્શનથી તેમને એ બધું સહેવા ચોક્કસ હિંમત મળી હશે. એ દર્શનથી શિષ્યોની શ્રદ્ધા પણ મજબૂત થઈ હતી. એનાથી તેઓ આવનાર કસોટીઓ સહેવા તૈયાર થઈ શક્યા હતા. ભાવિમાં તેઓએ સખત મહેનત કરવાની હતી, એ માટે પણ તેઓને મદદ મળી. આશરે ત્રીસ વર્ષ પછી પ્રેરિત પીતરે એ દર્શનનો ઉલ્લેખ કર્યો. એનાથી જોવા મળે છે કે પીતર એ દર્શન ભૂલ્યા ન હતા.—૨ પીત. ૧:૧૬-૧૮.

૯. ઈસુએ શિષ્યોને કઈ સલાહ આપી હતી?

“તેનું સાંભળો.” એ શબ્દોથી શું જોવા મળે છે? યહોવા ચાહે છે કે આપણે તેમના દીકરાનું સાંભળીએ અને આજ્ઞા પાળીએ. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે મહત્ત્વની વાતો કહી, જે આપણે સાંભળવી જોઈએ. દાખલા તરીકે, તેમણે શિષ્યોને ખુશખબર ફેલાવવાનું પ્રેમથી શીખવ્યું. તેમણે વારંવાર તેઓને જાગતા રહેવાનું જણાવ્યું. (માથ. ૨૪:૪૨; ૨૮:૧૯, ૨૦) ઈસુએ શિષ્યોને સખત મહેનત કરવાનું અને હિંમત ન હારવાનું ઉત્તેજન આપ્યું. (લુક ૧૩:૨૪) ઈસુએ શિષ્યોને એ પણ સમજાવ્યું કે એકબીજાને પ્રેમ કરવો, સંપમાં રહેવું અને તેમની આજ્ઞાઓ પાળવી કેટલું જરૂરી છે. (યોહા. ૧૫:૧૦, ૧૨, ૧૩) ઈસુએ આપેલી સલાહ કેટલી યોગ્ય હતી! આજે પણ એ સલાહ કામમાં આવે છે.

૧૦-૧૧. આપણે ઈસુનું સાંભળીએ છીએ એ કઈ રીતે બતાવી શકીએ?

૧૦ ઈસુએ કહ્યું હતું: “જે કોઈ સત્યના પક્ષમાં છે તે મારી વાત સાંભળે છે.” (યોહા. ૧૮:૩૭) આપણે ‘એકબીજાનું સહન કરવું જોઈએ અને એકબીજાને દિલથી માફ કરવા જોઈએ.’ એમ કરીને બતાવીશું કે આપણે ઈસુનું સાંભળીએ છીએ. (કોલો. ૩:૧૩; લુક ૧૭:૩, ૪) “સમય સારો હોય કે ખરાબ” આપણે ઉત્સાહથી ખુશખબર ફેલાવતા રહેવું જોઈએ. એમ કરીને પણ બતાવી શકીશું કે આપણે ઈસુનું સાંભળીએ છીએ.—૨ તિમો. ૪:૨.

૧૧ ઈસુએ કહ્યું: “મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે.” (યોહા. ૧૦:૨૭) શિષ્યો ઈસુની વાતને કાન ધરે છે અને એ પ્રમાણે કરે છે. આમ બતાવી આપે છે કે તેઓ ઈસુનું સાંભળે છે. “જીવનની ચિંતાઓના બોજથી” દબાઈ જાય તોપણ તેઓનું ધ્યાન ફંટાઈ જતું નથી. (લુક ૨૧:૩૪) અઘરા સંજોગોમાં પણ તેઓ ઈસુની આજ્ઞા પાળવાનું ભૂલતા નથી. ઘણાં ભાઈ-બહેનોએ આકરી કસોટીઓ, વિરોધીઓ તરફથી હુમલો, ગરીબી અને કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. તેઓ દરેક સંજોગોમાં યહોવાને વફાદાર રહે છે. ઈસુ તેઓને આ ખાતરી આપે છે: “જે મારી આજ્ઞાઓ સ્વીકારે છે અને એને પાળે છે, તેને મારા પર પ્રેમ છે. અને જેને મારા પર પ્રેમ છે, તેના પર પિતા પ્રેમ રાખશે.”—યોહા. ૧૪:૨૧.

ખુશખબર ફેલાવવાના કામથી આપણને યહોવાની ભક્તિમાં પૂરું ધ્યાન લગાડવા મદદ મળે છે (ફકરો ૧૨ જુઓ) *

૧૨. ઈસુનું સાંભળવાની બીજી એક રીત કઈ છે?

૧૨ ઈસુનું સાંભળવાની બીજી એક રીત છે, આગેવાની લેનાર ભાઈઓને સાથ-સહકાર આપીએ. (હિબ્રૂ. ૧૩:૭, ૧૭) હાલના વર્ષોમાં ઈશ્વરના સંગઠને ઘણા ફેરફારો કર્યા છે. જેમ કે, સેવાકાર્ય માટે નવાં સાધનો અને રીતોનો ઉપયોગ, અઠવાડિયા દરમિયાન થતી સભાનું નવું રૂપ, પ્રાર્થનાઘરનું બાંધકામ, સમારકામ અને એને જાળવવાના કામમાં ફેરફાર. આપણને મળતા માર્ગદર્શન માટે આપણે કેટલા આભારી છીએ! સંગઠન આપણને સમયસરનું માર્ગદર્શન આપે છે. આપણે એ પાળવા મહેનત કરીશું તો યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે.

૧૩. ઈસુની વાતો સાંભળવાથી કેવા ફાયદા થાય છે?

૧૩ ઈસુએ શીખવેલી બધી વાતો સાંભળવાથી આપણને ફાયદો થાય છે. ઈસુએ શિષ્યોને ખાતરી અપાવી કે તેમના શિક્ષણથી તાજગી મળશે, વિસામો મળશે. તેમણે કહ્યું: “તમને વિસામો મળશે. કેમ કે મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી અને મારો બોજો હલકો છે.” (માથ. ૧૧:૨૮-૩૦) બાઇબલના ચાર ખુશખબરના પુસ્તકોમાં ઈસુનાં જીવન અને સેવાકાર્ય વિશે જણાવવામાં આવ્યું છે. ઈસુ વિશે શીખવાથી આપણને તાજગી મળે છે અને આપણે સમજુ બનીએ છીએ. (ગીત. ૧૯:૭; ૨૩:૩) ઈસુએ કહ્યું હતું: “ધન્ય છે તેઓને, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!”—લુક ૧૧:૨૮.

‘હું મારું નામ મહિમાવાન કરીશ’

૧૪-૧૫. (ક) યહોવાએ ત્રીજી વાર ઈસુ સાથે વાત કરી એ વિશે યોહાન ૧૨:૨૭, ૨૮માં શું જણાવવામાં આવ્યું છે? (ખ) યહોવાના શબ્દોથી શા માટે ઈસુને દિલાસો અને હિંમત મળ્યા હશે?

૧૪ યોહાન ૧૨:૨૭, ૨૮ વાંચો. યહોવાએ ત્રીજી વાર ઈસુ સાથે વાત કરી હતી. એ વિશે યોહાને લખેલી ખુશખબરમાં જણાવવામાં આવ્યું છે. પોતાના મરણના થોડા દિવસો પહેલાં, પાસ્ખાના તહેવાર માટે ઈસુ યરૂશાલેમ ગયા હતા. તેમણે કહ્યું: “હું બેચેન છું.” પછી તેમણે પ્રાર્થના કરી, “હે પિતા, તમારું નામ મહિમાવાન કરો.” એના જવાબમાં તેમના પિતાએ સ્વર્ગમાંથી કહ્યું: “મેં એ મહિમાવાન કર્યું છે અને ફરીથી એને મહિમાવાન કરીશ.”

૧૫ ઈસુ બેચેન હતા કારણ કે તેમણે મોટી જવાબદારી નિભાવવાની હતી. મરણ સુધી યહોવાને વફાદાર રહેવાની તેમના પર જવાબદારી હતી. ઈસુ જાણતા હતા કે તેમને સખત માર મારવામાં આવશે અને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવશે. (માથ. ૨૬:૩૮) ઈસુ માટે સૌથી મહત્ત્વનું હતું કે પિતાના નામને મહિમા મળે. ઈશ્વરની નિંદા કરવાનો ઈસુ પર આરોપ મૂકવામાં આવ્યો. તેમને ચિંતા હતી કે તેમના મરણથી ઈશ્વરનું નામ બદનામ થશે. યહોવાના શબ્દોથી ઈસુને ચોક્કસ હિંમત મળી હશે. એનાથી તેમને પૂરી ખાતરી થઈ હશે કે યહોવાના નામને જરૂર મહિમા મળશે. પિતાના શબ્દોથી ઈસુને ઘણો દિલાસો મળ્યો હશે. આવનાર તકલીફો સહેવા હિંમત મળી હશે. એ સમયે યહોવાએ જે કહ્યું એ ફક્ત ઈસુ જ સમજી શક્યા હશે. પણ યહોવાએ એ શબ્દો આપણા માટે લખાવી દીધા.—યોહા. ૧૨:૨૯, ૩૦.

યહોવા પોતાના નામને મહિમા અપાવશે અને પોતાના લોકોને છોડાવશે (ફકરો ૧૬ જુઓ) *

૧૬. આપણને શા માટે ચિંતા થાય છે કે યહોવાનું નામ બદનામ થશે?

૧૬ આપણને પણ ઈસુની જેમ ચિંતા છે કે યહોવાનું નામ બદનામ ન થાય. બની શકે કે આપણે ઈસુની જેમ અન્યાયનો ભોગ બનીએ. વિરોધીઓ આપણા વિશે ખોટી અફવાઓ ફેલાવે ત્યારે આપણે કદાચ નિરાશ થઈ જઈએ. આપણે કદાચ વિચારવા લાગીએ કે એ અફવાઓથી યહોવાનું નામ અને તેમનું સંગઠન બદનામ થશે. એવા સમયે યોહાન ૧૨:૨૭, ૨૮માં જણાવેલા યહોવાના શબ્દોથી આપણને દિલાસો મળે છે. આપણે વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખાતરી રાખી શકીએ કે ‘ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા આપણાં હૃદયો અને મનોનું રક્ષણ કરશે.’ (ફિલિ. ૪:૬, ૭) યહોવા પોતાના નામને મહિમા અપાવશે, એમ કરવાનું તે ક્યારેય ચૂકશે નહિ. શેતાન અને તેની દુનિયા, યહોવાના સેવકો પર ઘણી બધી તકલીફો લાવે છે. યહોવા પોતાના રાજ્ય દ્વારા એ બધી તકલીફો હંમેશ માટે દૂર કરી દેશે.—ગીત. ૯૪:૨૨, ૨૩; યશા. ૬૫:૧૭.

યહોવાનું સાંભળવાથી થતા ફાયદા

૧૭. યશાયા ૩૦:૨૧ પ્રમાણે યહોવા આજે કઈ રીતે આપણી સાથે વાત કરે છે?

૧૭ આજે પણ યહોવા આપણી સાથે વાત કરે છે. (યશાયા ૩૦:૨૧ વાંચો.) તે સ્વર્ગમાંથી આપણી સાથે સીધેસીધી વાત કરતા નથી. પણ તેમણે આપણને બાઇબલ આપ્યું છે, જેનાથી આપણને માર્ગદર્શન મળે છે. તેમ જ, યહોવા પોતાની શક્તિ દ્વારા ‘વિશ્વાસુ કારભારીને’ ભક્તિને લગતો ખોરાક આપે છે. એ ખોરાક દરેક ભક્તોને મળે છે. (લુક ૧૨:૪૨) આજે આપણને છાપેલું સાહિત્ય, ઓનલાઇન સાહિત્ય અને ઑડિયો-વીડિયો સાહિત્ય મળે છે. એનાથી આપણને યહોવાની ભક્તિ કરવા કેટલી બધી મદદ મળે છે!

૧૮. યહોવાના શબ્દોથી કઈ રીતે આપણને ભરોસો અને હિંમત મળે છે?

૧૮ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહોવાએ જે શબ્દો કહ્યા હતા એ હંમેશાં યાદ રાખીએ. બાઇબલમાં આપેલા યહોવાના શબ્દોથી આપણને ભરોસો મળે છે કે બધી બાબતો તેમના કાબૂમાં છે. એવી ખાતરી પણ મળે છે કે શેતાન અને તેની ખરાબ દુનિયાની દુઃખ-તકલીફો યહોવા હંમેશ માટે દૂર કરશે. આપણે નિર્ણય લઈએ કે હંમેશાં યહોવાનું સાંભળવા તૈયાર રહીશું. જો એમ કરીશું તો આપણા પર આવતી તકલીફોનો હિંમતથી સામનો કરી શકીશું. તેમ જ, ભાવિમાં આવનાર મુશ્કેલીઓ સામે પણ લડી શકીશું. બાઇબલમાં જણાવ્યું છે: “તમારે ધીરજ રાખવાની જરૂર છે, જેથી ઈશ્વરે જેનું વચન આપ્યું છે એ પૂરું થતા જોઈ શકો. પરંતુ, પહેલા તમારે તેમની ઇચ્છા પૂરી કરવાની છે.”—હિબ્રૂ. ૧૦:૩૬.

ગીત ૨૨ “યહોવા મારો પાળક”

^ ફકરો. 5 ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહોવાએ ત્રણ વખત તેમની સાથે વાત કરી હતી. એમાંથી એક વખતે યહોવાએ શિષ્યોને જણાવ્યું કે તેઓ ઈસુનું સાંભળે. આજે યહોવા આપણી સાથે બાઇબલ દ્વારા વાત કરે છે. એમાં ઈસુના શિક્ષણનો પણ સમાવેશ થાય છે. તેમ જ, પોતાના સંગઠન દ્વારા પણ તે આપણી સાથે વાત કરે છે. આ લેખમાં જોઈશું કે યહોવા અને ઈસુનું સાંભળવાથી કઈ રીતે આપણને ફાયદો થાય છે.

^ ફકરો. 52 ચિત્રની સમજ: એક સહાયક સેવક પ્રાર્થનાઘરની સાફ-સફાઈ કરે છે અને સાહિત્ય વિભાગમાં કામ કરે છે. એક વડીલ એ બધું જુએ છે અને તેની પ્રશંસા કરે છે.

^ ફકરો. 54 ચિત્રની સમજ: સિયેરા લિયોનમાં એક યુગલ માછીમારને સભામાં આવવાનું આમંત્રણ આપે છે.

^ ફકરો. 56 ચિત્રની સમજ: એક દેશમાં આપણા કામ પર અમુક નિયંત્રણ છે અને ત્યાં સાક્ષીઓ એક ઘરમાં ભેગા થયા છે. કોઈનું ધ્યાન ન જાય માટે તેઓએ સાદા કપડાં પહેર્યાં છે.