સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૮

મંડળમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય

મંડળમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય

“એકબીજાનો ભાર ઊંચકતા રહો, આ રીતે તમે ખ્રિસ્તના નિયમને પૂરી રીતે પાળો છો.”—ગલા. ૬:૨.

ગીત ૨ યહોવા તારો આભાર

ઝલક *

૧. કઈ બે વાતની આપણે ખાતરી રાખી શકીએ?

યહોવા પોતાના ભક્તોને પ્રેમ કરે છે. તે હંમેશાં એમ કરતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ એમ કરશે. તેમને ન્યાય પસંદ છે. (ગીત. ૩૩:૫) તેથી, આપણે બે વાતની ખાતરી રાખી શકીએ: (૧) તેમના ભક્તો સાથે અન્યાય થાય ત્યારે યહોવાને દુઃખ થાય છે. (૨) તે પોતાના લોકોને વચન આપે છે કે તેઓ સાથે થતો અન્યાય લાંબો સમય ચાલશે નહિ. અન્યાય કરનારાઓને ચોક્કસ સજા મળશે. આ ચાર લેખોમાંના પહેલા લેખમાં * આપણે શીખ્યા હતા કે, યહોવાએ મુસા દ્વારા ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યું હતું. નિયમશાસ્ત્ર પ્રેમના આધારે રચાયું હતું. ઈશ્વર ચાહે છે કે બધાને ન્યાય મળે. નિરાધાર લોકો માટે પણ ઈશ્વર ન્યાય ઇચ્છે છે. (પુન. ૧૦:૧૮) નિયમશાસ્ત્રથી જોવા મળે છે કે યહોવા પોતાના ભક્તોનું કેટલું ધ્યાન રાખે છે.

૨. આપણે કયા સવાલોના જવાબ મેળવીશું?

સાલ ૩૩માં ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ ત્યારથી, મુસાનો નિયમશાસ્ત્ર લાગુ પડતો નથી. શું એનો અર્થ એમ થાય કે, પ્રેમ અને ન્યાયને આધારે રચાયેલા નિયમશાસ્ત્રથી હવે ઈશ્વરભક્તોને ફાયદો નહિ થાય? ના, એવું નથી. ખ્રિસ્તીઓ પાસે નવો નિયમ છે. આ લેખમાં આપણે જોઈશું કે એ નવો નિયમ શું છે. પછી આ સવાલોના જવાબ જોઈશું: શા પરથી કહી શકાય કે આ નવો નિયમ પ્રેમના આધારે રચાયો છે? શા પરથી કહી શકાય કે નવો નિયમ ન્યાયને ટેકો આપે છે? જેઓ પાસે અધિકાર છે, તેઓએ બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

‘ખ્રિસ્તનો નિયમ’ એટલે શું?

૩. ગલાતીઓ ૬:૨માં જણાવ્યા પ્રમાણે ‘ખ્રિસ્તનો નિયમ’ એટલે શું?

ગલાતીઓ ૬:૨ વાંચો. ઈશ્વરભક્તોને આજે ‘ખ્રિસ્તનો નિયમ’ લાગુ પડે છે. ઈસુએ પોતાના શિષ્યો માટે નિયમો લખ્યા ન હતા. પણ, તેમણે તેઓને સૂચનાઓ, આજ્ઞાઓ અને સિદ્ધાંતો આપ્યાં હતાં. ‘ખ્રિસ્તના નિયમમાં’ ઈસુએ શીખવેલી બધી બાબતો આવી જાય છે. ચાલો એ નિયમ વિશે વધારે જોઈએ.

૪-૫. ઈસુએ કઈ રીતે અને ક્યારે શીખવ્યું હતું?

ઈસુએ કઈ રીતે શીખવ્યું? તેમણે લોકોને પોતાની વાતોથી શીખવ્યું. તેમણે ઈશ્વર વિશેનું સત્ય શીખવ્યું અને જીવનનો સાચો હેતુ જણાવ્યો. એટલે તેમના શબ્દો શક્તિશાળી હતા. તેમણે એ પણ શીખવ્યું કે મનુષ્યોની બધી મુશ્કેલીઓનો ઉકેલ ઈશ્વરનું રાજ્ય છે. (લુક ૨૪:૧૯) ઈસુએ લોકો માટે એક સારો દાખલો બેસાડ્યો હતો. પોતાના જીવનથી તેમણે બતાવી આપ્યું કે, શિષ્યોએ કઈ રીતે જીવવું જોઈએ.—યોહા. ૧૩:૧૫.

ઈસુએ ક્યારે શીખવ્યું? પૃથ્વી પરના પોતાના સેવાકાર્ય દરમિયાન. (માથ. ૪:૨૩) સજીવન થયા પછી પણ તેમણે શિષ્યોને શીખવ્યું હતું. દાખલા તરીકે, આશરે ૫૦૦થી વધારે લોકોને તે દેખાયા હતા. એ વખતે ઈસુએ તેઓને આજ્ઞા આપી: “શિષ્યો બનાવો.” (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ કોરીં. ૧૫:૬) સ્વર્ગમાં ગયા પછી પણ ઈસુ મંડળના શિર તરીકે શિષ્યોને માર્ગદર્શન આપતા રહ્યા. જેમ કે, ખ્રિસ્તે આશરે ઈ.સ. ૯૬માં પ્રેરિત યોહાનને સૂચના આપી કે, તે અભિષિક્ત ખ્રિસ્તીઓને ઉત્તેજન અને સલાહ આપે.—કોલો. ૧:૧૮; પ્રકટી. ૧:૧.

૬-૭. (ક) ઈસુનું શિક્ષણ ક્યાં નોંધેલું છે? (ખ) ખ્રિસ્તનો નિયમ કઈ રીતે પાળી શકીએ?

ઈસુનું શિક્ષણ ક્યાં નોંધેલું છે? ખુશખબરના ચાર પુસ્તકોમાં ઈસુની વાતો અને કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોના બાકીનાં પુસ્તકો આપણને ખ્રિસ્તના વિચારો સમજવા મદદ કરે છે. એ પુસ્તકો લખનાર ઈશ્વરભક્તોને પવિત્ર શક્તિએ પ્રેરણા આપી હતી અને તેઓ પાસે “ખ્રિસ્ત ઈસુનું મન” હતું.—૧ કોરીં. ૨:૧૬.

બોધપાઠ: જીવનનાં દરેક પાસાં વિશે ઈસુએ શીખવ્યું હતું. તેથી, આપણે ઘરે હોઈએ કે કામ પર, સ્કૂલમાં હોઈએ કે મંડળમાં, દરેક જગ્યાએ ખ્રિસ્તનો નિયમ લાગુ પડે છે. એ નિયમ વિશે શીખવા આપણે ગ્રીક શાસ્ત્રવચનો વાંચવા જોઈએ અને મનન કરવું જોઈએ. એમાં આપેલાં સિદ્ધાંતો, સૂચનાઓ અને આજ્ઞાઓ પ્રમાણે જીવનમાં ફેરફાર કરવા જોઈએ. એમ કરીને બતાવીએ છીએ કે, આપણે ખ્રિસ્તનો નિયમ પાળીએ છીએ. ઈસુએ શીખવેલી બધી બાબતો યહોવા તરફથી છે. આમ, આપણે ખ્રિસ્તનો નિયમ પાળીને પ્રેમાળ ઈશ્વર યહોવાની આજ્ઞા પાળીએ છીએ.—યોહા. ૮:૨૮.

પ્રેમના પાયા પર રચાયેલો નિયમ

૮. ખ્રિસ્તનો નિયમ કયા પાયા પર રચાયો છે?

સારું ઘર હંમેશાં મજબૂત પાયા પર બંધાયેલું હોય છે. એટલે એમાં રહેનારા સલામતી અનુભવે છે. એવી જ રીતે, ખ્રિસ્તનો નિયમ પણ મજબૂત પાયા પર રચાયેલો છે. એ નિયમ પાળનાર લોકોને એનાથી સલામતી મળે છે. ખ્રિસ્તનો નિયમ સૌથી મજબૂત પાયા પર રચાયેલો છે, એ છે પ્રેમ. ચાલો એની સાબિતી આપતાં કારણો જોઈએ.

બીજાઓ સાથે પ્રેમથી વર્તીએ છીએ ત્યારે આપણે ‘ખ્રિસ્તનો નિયમ’ પાળીએ છીએ (ફકરા ૯-૧૪ જુઓ) *

૯-૧૦. શા પરથી કહી શકાય કે ઈસુ પ્રેમથી પ્રેરાઈને કામ કરતા હતા? આપણે કઈ રીતે તેમના દાખલાને અનુસરી શકીએ?

પહેલું કારણ, ઈસુના દરેક કામમાં પ્રેમ છલકાતો હતો. પ્રેમ બતાવવામાં દયા અને કરુણા પણ આવી જાય છે. દયાથી પ્રેરાઈને ઈસુએ ટોળાને શીખવ્યું, બીમારોને સાજા કર્યા, ભૂખ્યાને જમાડ્યા અને મરણ પામેલાઓને જીવતા કર્યા. (માથ. ૧૪:૧૪; ૧૫:૩૨-૩૮; માર્ક ૬:૩૪; લુક ૭:૧૧-૧૫) એ બધા પાછળ ઈસુએ ઘણાં સમય-શક્તિ આપ્યાં હતાં. પણ, ઈસુએ હંમેશાં પોતાનો નહિ, બીજાઓનો વિચાર કર્યો. છેવટે બીજાઓ માટે પોતાનો જીવ પણ આપી દીધો. કેવો મહાન પ્રેમ!—યોહા. ૧૫:૧૩.

૧૦ બોધપાઠ: ઈસુની જેમ આપણે પણ પહેલા બીજાઓનો વિચાર કરવો જોઈએ. આપણા વિસ્તારમાં રહેતા લોકો માટે આપણે પણ કરુણા બતાવવી જોઈએ. એનાથી આપણને ખુશખબર જણાવવાની અને શીખવવાની પ્રેરણા મળશે. એમ કરીને આપણે ખ્રિસ્તનો નિયમ પાળી શકીશું.

૧૧-૧૨. (ક) યહોવા આપણું ધ્યાન રાખે છે, એની સાબિતી શું છે? (ખ) આપણે કઈ રીતે યહોવા જેવો પ્રેમ બતાવી શકીએ?

૧૧ બીજું કારણ, ઈસુએ જાહેર કર્યું કે તેમના પિતાને લોકો માટે પ્રેમ છે. સેવાકાર્ય દરમિયાન ઈસુએ બતાવ્યું કે યહોવા પોતાના ભક્તોને કેટલો પ્રેમ કરે છે. ઈસુએ અલગ અલગ રીતે એ બતાવી આપ્યું. દાખલા તરીકે, ઈસુએ શીખવ્યું કે, સ્વર્ગમાંના પિતાની નજરમાં આપણે બધા મૂલ્યવાન અને કીમતી છીએ. (માથ. ૧૦:૩૧) પસ્તાવો કરીને મંડળમાં પાછા આવનારને યહોવા આવકારે છે. યહોવા એમ કરવા આતુર હોય છે. (લુક ૧૫:૭, ૧૦) યહોવાએ આપણા માટે દીકરાનું બલિદાન આપીને પોતાનો પ્રેમ સાબિત કર્યો છે.—યોહા. ૩:૧૬.

૧૨ બોધપાઠ: આપણે યહોવા જેવો પ્રેમ કઈ રીતે બતાવી શકીએ? (એફે. ૫:૧, ૨) દરેક ભાઈ-બહેનને આપણે મૂલ્યવાન ગણીએ. ‘ભૂલાં પડેલાં ઘેટાં’ યહોવા પાસે પાછા આવે ત્યારે, આપણે ખુશીથી તેઓનો આવકાર કરીએ. (ગીત. ૧૧૯:૧૭૬) ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોવાથી, આપણે હંમેશાં બીજાઓનો વિચાર કરીશું. જરૂરિયાતને સમયે આપણે ભાઈ-બહેનોની પડખે ઊભા રહીશું. (૧ યોહા. ૩:૧૭) બીજાઓ સાથે પ્રેમથી વર્તીએ છીએ ત્યારે ખ્રિસ્તનો નિયમ પાળીએ છીએ.

૧૩-૧૪. (ક) યોહાન ૧૩:૩૪, ૩૫ પ્રમાણે ઈસુએ પોતાના શિષ્યોને કઈ આજ્ઞા આપી હતી? શા માટે એ નવો નિયમ કહેવાય છે? (ખ) આપણે કઈ રીતે નવો નિયમ પાળી શકીએ?

૧૩ ત્રીજું કારણ, ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી હતી કે, બીજાઓ માટે જતું કરવા તૈયાર રહો. (યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો.) ઈશ્વરે ઇઝરાયેલીઓને આપેલા નિયમશાસ્ત્રમાં એવી આજ્ઞા ન હતી. પણ ઈસુની આજ્ઞામાં પ્રેમ વિશે નવી વાત જણાવવામાં આવી હતી: ઈસુએ જેવો પ્રેમ તમારા માટે રાખ્યો હતો, એવો પ્રેમ તમે બીજા ઈશ્વરભક્તો માટે રાખો. એટલે કે આપણે બીજાઓ માટે જતું કરવાની ભાવના * કેળવીએ. ભાઈ-બહેનો પર પોતાનાથી વધારે પ્રેમ રાખવો જોઈએ. ઈસુની જેમ ભાઈ-બહેનોને એટલી હદે પ્રેમ કરીએ કે, તેઓ માટે જીવ આપવાનો થાય તો ખુશી ખુશી આપી દઈએ.

૧૪ બોધપાઠ: આપણે કઈ રીતે નવો નિયમ પાળી શકીએ? ભાઈ-બહેનો માટે જતું કરવાની ભાવના બતાવીને. એવું નથી કે ફક્ત મોટી મોટી બાબતો જતી કરીએ, પણ નાની નાની બાબતો જતી કરવા પણ તૈયાર રહેવું જોઈએ. દાખલા તરીકે, મોટી ઉંમરના ભાઈ કે બહેનને સભામાં લાવવા લઈ જવા સમય-શક્તિ આપીએ. મિત્રો કે સગાં માટે ગમતી વસ્તુ જતી કરીએ. કુદરતી આફત વખતે લોકોને મદદ કરવા નોકરી પરથી રજા લઈને રાહત કામમાં જોડાઈએ. આ બધા કામથી બતાવીએ છીએ કે આપણે ખ્રિસ્તનો નિયમ પાળીએ છીએ. ઉપરાંત, મંડળમાં બધા સલામતી અનુભવે એવો માહોલ રાખવા પણ આપણે મદદ કરીએ છીએ.

ન્યાયને ટેકો આપતો નિયમ

૧૫-૧૭. (ક) ઈસુનાં કાર્યોથી કઈ રીતે દેખાઈ આવતું કે તેમને ન્યાય માટે પ્રેમ છે? (ખ) આપણે કઈ રીતે ઈસુના દાખલાને અનુસરી શકીએ?

૧૫ બાઇબલમાં ‘ન્યાય’ શબ્દ અનેક જગ્યાએ વપરાયો છે. એનો એક અર્થ થાય કે, ઈશ્વરની નજરમાં જે ખરું છે એ કરવું. એમ કરવામાં કોઈ ભેદભાવ ન રાખવો. શા પરથી કહી શકાય કે ખ્રિસ્તનો નિયમ ન્યાયને ટેકો આપે છે?

નકામા ગણાતા લોકો સાથે અને સ્ત્રીઓ સાથે તે માનથી વર્તતા અને દયા બતાવતા (ફકરો ૧૬ જુઓ) *

૧૬ પહેલું, ઈસુનાં કાર્યોથી દેખાઈ આવતું કે તેમને ન્યાય માટે પ્રેમ છે. એ દિવસોમાં યહુદી ધર્મગુરુઓ સામાન્ય યહુદીઓને માન ન આપતા, યહુદી ન હોય તેઓને ધિક્કારતા અને સ્ત્રીઓને આદર ન આપતા. પણ, ઈસુ તો બધા સાથે એકસરખો વ્યવહાર રાખતા, ભેદભાવ કરતા નહિ. તેમણે એવા લોકોને પણ સ્વીકાર્યા, જેઓ યહુદી ન હતા પણ તેમનામાં શ્રદ્ધા રાખતા હતા. (માથ. ૮:૫-૧૦, ૧૩) અમીર હોય કે ગરીબ, તેમણે કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાને ખુશખબર જણાવી. (માથ. ૧૧:૫; લુક ૧૯:૨,) સ્ત્રીઓ સાથે કઠોર કે ખરાબ રીતે વર્ત્યા નહિ. અરે, નકામા ગણાતા લોકો સાથે અને સ્ત્રીઓ સાથે તે માનથી વર્તતા અને દયા બતાવતા.—લુક ૭:૩૭-૩૯, ૪૪-૫૦.

૧૭ બોધપાઠ: ભલે વ્યક્તિનો સમાજ કે ધર્મ ગમે એ હોય, આપણે ઈસુની જેમ વર્તવું જોઈએ. જો તે સાંભળવા તૈયાર હોય, તો ભેદભાવ રાખ્યા વગર ખુશખબર જણાવવી જોઈએ. ઈસુના દાખલાને અનુસરીને ભાઈઓએ બહેનો સાથે માનથી વર્તવું જોઈએ. એમ કરીને આપણે ખ્રિસ્તના નિયમને પાળીએ છીએ.

૧૮-૧૯. ઈસુએ ન્યાય વિશે શું શીખવ્યું હતું અને એમાંથી આપણને કયો બોધપાઠ મળે છે?

૧૮ બીજું, ઈસુએ ન્યાય વિશે જે શીખવ્યું, એના પર ધ્યાન આપીએ. તેમણે સિદ્ધાંતો આપ્યા, જેથી તેમના શિષ્યો ભેદભાવ વગર બીજાઓ સાથે યોગ્ય વર્તન રાખી શકે. એમાંનો એક સિદ્ધાંત હતો, સોનેરી નિયમ. (માથ. ૭:૧૨) આપણે બધા ચાહીએ છીએ કે આપણી સાથે અન્યાય ન થાય. તેથી, આપણે પણ બીજાઓ સાથે અન્યાય કરવો ન જોઈએ. એ જોઈને કદાચ તેઓ પણ આપણી સાથે યોગ્ય રીતે વર્તે. પણ આપણે અન્યાયનો ભોગ બનીએ, ત્યારે શું કરીશું? ઈસુએ પોતાના શિષ્યોને યહોવા પર ભરોસો રાખવાનું શીખવ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘જેઓ રાત-દિવસ પોકાર કરે છે, તેઓને ઈશ્વર ન્યાય અપાવશે.’ (લુક ૧૮:૬, ૭) એ શબ્દોથી આપણને પાકું વચન મળે છે: છેલ્લા દિવસોમાં આપણે સહેવી પડતી મુશ્કેલીઓ વિશે આપણા ન્યાયી ઈશ્વર જાણે છે. યોગ્ય સમયે તે આપણા માટે ન્યાય કરશે.—૨ થેસ્સા. ૧:૬.

૧૯ બોધપાઠ: ઈસુએ શીખવેલા સિદ્ધાંતો પ્રમાણે ચાલીશું તો આપણે બીજાઓ સાથે યોગ્ય રીતે વર્તીશું. શેતાનની દુનિયામાં આપણે અન્યાયનો ભોગ બનીએ તો, ખાતરી રાખીએ કે યહોવા ચોક્કસ આપણને ન્યાય અપાવશે. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે!

જેઓ પાસે અધિકાર છે, તેઓએ બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

૨૦-૨૧. (ક) જેઓ પાસે અધિકાર છે, તેઓએ બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ? (ખ) પતિ કઈ રીતે પત્ની માટે જતું કરવાની ભાવના બતાવી શકે? પિતાએ બાળકો સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

૨૦ ખ્રિસ્તના નિયમ હેઠળ જેઓ પાસે અધિકાર છે, તેઓએ બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ? એ નિયમનો આધાર પ્રેમ છે. એટલે જેઓ પાસે અધિકાર છે, તેઓએ બીજાઓ સાથે માન અને પ્રેમથી વર્તવું જોઈએ. તેઓએ યાદ રાખવું જોઈએ: ખ્રિસ્ત ચાહે છે કે આપણે જે કંઈ કરીએ એમાં પ્રેમ હોવો જોઈએ.

૨૧ કુટુંબમાં. ‘જેમ ખ્રિસ્ત મંડળને પ્રેમ કરે છે’ તેમ પતિએ પોતાની પત્નીને પ્રેમ કરવો જોઈએ. (એફે. ૫:૨૫, ૨૮, ૨૯) ખ્રિસ્તની જેમ પતિએ પણ જતું કરવાની ભાવના રાખવી જોઈએ. પતિએ પોતાના કરતાં પત્નીની જરૂરિયાતો અને ઇચ્છાઓને વધારે મહત્ત્વ આપવું જોઈએ. એવો પ્રેમ બતાવવો અમુક પતિઓને અઘરું લાગી શકે. કારણ કે તેઓનો ઉછેર એવા કુટુંબમાં થયો હોય, જ્યાં બીજાઓ સાથે પ્રેમથી વ્યવહાર રાખવામાં ન આવતો હોય. એ ખોટી આદતો દૂર કરવી તેઓ માટે સહેલું નહિ હોય. પણ ખ્રિસ્તનો નિયમ પાળવા તેઓએ એવી આદતો દૂર કરવી પડશે અને ફેરફારો કરવા પડશે. જો પતિ જતું કરવાની ભાવના બતાવશે, તો પત્ની પણ માન આપવા પ્રેરાશે. એક પ્રેમાળ પિતા એવું કંઈ નહિ કહે કે કરે, જેનાથી બાળકોનું દિલ દુભાય. (એફે. ૪:૩૧) પિતાએ બાળકોને પ્રેમ કરવો જોઈએ. બાળકો સાથે એ રીતે વર્તવું જોઈએ, જેથી તેઓ સલામતી અનુભવે. આમ, બાળકો પિતાને દિલથી પ્રેમ કરશે અને તેમના પર ભરોસો મૂકશે.

૨૨. પહેલો પીતર ૫:૧-૩ પ્રમાણે “ઘેટાં” કોનાં છે અને વડીલોએ તેઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

૨૨ મંડળમાં. વડીલોએ યાદ રાખવું જોઈએ કે તેઓ ‘ઘેટાંના’ માલિક નથી. (યોહા. ૧૦:૧૬; ૧ પીતર ૫:૧-૩ વાંચો.) બાઇબલમાં “ઈશ્વરના ટોળા,” “ઈશ્વર આગળ” અને “ઈશ્વરની સંપત્તિ” શબ્દો આપેલા છે. એ શબ્દોથી વડીલો યાદ રાખી શકે કે ઘેટાં તો યહોવાનાં છે. યહોવા ચાહે છે કે તેમનાં ઘેટાં સાથે પ્રેમ અને કોમળતાથી વર્તવામાં આવે. (૧ થેસ્સા. ૨:૭, ૮) જ્યારે વડીલો ઘેટાંપાળક તરીકેની પોતાની જવાબદારી પ્રેમથી નિભાવે છે, ત્યારે યહોવા તેઓ પર કૃપા બતાવે છે. તેઓને ભાઈ-બહેનો તરફથી પ્રેમ અને આદર મળે છે.

૨૩-૨૪. (ક) મંડળમાં કોઈનાથી ગંભીર પાપ થયું હોય એવા કિસ્સામાં વડીલો શું કરે છે? (ખ) એવા કિસ્સામાં વડીલો કેવી બાબતો ધ્યાનમાં રાખે છે?

૨૩ મંડળમાં કોઈનાથી ગંભીર પાપ થયું હોય એવા કિસ્સામાં વડીલો શું કરે છે? આજના વડીલોનું કામ પ્રાચીન સમયના ઇઝરાયેલના ન્યાયાધીશો અને વડીલો કરતાં અલગ છે. ઇઝરાયેલીઓ પાસે નિયમશાસ્ત્ર હતું. એ સમયના વડીલો એના આધારે ભક્તિને લગતી બાબતો હાથ ધરતા. એટલું જ નહિ, તેઓ બીજી બાબતો પણ થાળે પાડતા, જે સીધેસીધી રીતે ભક્તિ સાથે જોડાયેલી ન હોય. પણ ખ્રિસ્તના નિયમ પ્રમાણે આજના સમયના વડીલોની જવાબદારી છે કે તેઓ ફક્ત ભક્તિને લગતા કિસ્સાઓ હાથ ધરે. ગંભીર પાપ થયું હોય ત્યારે એને હાથ ધરે. તેઓ જાણે છે કે ભક્તિ સાથે જોડાયેલા ન હોય એવા ગુનાઓ હાથ ધરવાની છૂટ ઈશ્વરે સરકારી અધિકારીઓને આપી છે. એ અધિકારીઓ ગુનેગારને સજા કરી શકે છે જેમ કે, દંડ ફટકારે કે જેલમાં પૂરી દે.—રોમ. ૧૩:૧-૪.

૨૪ એવા કિસ્સામાં વડીલો કેવી બાબતો ધ્યાનમાં રાખે છે? તેઓ બાઇબલને આધારે બાબતોને તપાસે છે અને પછી નિર્ણયો લે છે. તેઓ હંમેશાં યાદ રાખે છે કે ખ્રિસ્તના નિયમનો આધાર પ્રેમ છે. પ્રેમથી પ્રેરાઈને વડીલો આનો વિચાર કરે છે: મંડળમાં જેઓ જુલમનો ભોગ બન્યા છે, તેઓને મદદ કરવા શું કરી શકાય? એવો ગુનો કરનાર વ્યક્તિ માટે પ્રેમથી પ્રેરાઈને વડીલો આનો વિચાર કરે છે: શું તેને ખરેખર પસ્તાવો છે? યહોવા સાથે પાછો સંબંધ બાંધવા શું તેને મદદ કરી શકાય?

૨૫. હવે પછીના લેખમાં આપણે શું જોઈશું?

૨૫ આપણે ખ્રિસ્તના નિયમ હેઠળ છીએ, એ માટે કેટલા આભારી છીએ! એ નિયમ પાળવા આપણે બધાએ તનતોડ મહેનત કરવી જોઈએ. જો એમ કરીશું તો આપણું મંડળ એવી જગ્યા બનશે, જ્યાં બધા લોકો પ્રેમ, સલામતી અને હૂંફનો અનુભવ કરશે. આપણે હજુ પણ એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં ‘દુષ્ટ માણસો વધારે ને વધારે ખરાબ થતા જાય છે.’ (૨ તિમો. ૩:૧૩) આપણે હંમેશાં સાવચેત રહેવું જોઈએ. બાળકોના જાતીય શોષણના કિસ્સાને હાથ ધરતી વખતે મંડળ કઈ રીતે ઈશ્વરના ન્યાયના ધોરણને વળગી રહી શકે? હવે પછીના લેખમાં એ વિશે જોઈશું.

ગીત ૫ ઈસુને પગલે ચાલું

^ ફકરો. 5 આ લેખ અને એ પછીના બે લેખમાં જણાવ્યું છે કે, યહોવા પ્રેમ અને ન્યાયના ઈશ્વર છે. એ પણ જોઈશું કે આપણે શા માટે એવો ભરોસો રાખવો જોઈએ. યહોવા ચાહે છે કે તેમના લોકોને ન્યાય મળે. આ દુષ્ટ દુનિયામાં જુલમ સહેનાર લોકોને તે દિલાસો આપે છે.

^ ફકરો. 1 ફેબ્રુઆરી ૨૦૧૯ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “પ્રાચીન ઇઝરાયેલમાં જોવા મળતો પ્રેમ અને ન્યાય.

^ ફકરો. 13 શબ્દોની સમજ: બીજાઓ માટે જતું કરવાની ભાવના એટલે કે, બીજાઓની જરૂરિયાતો અને ભલાઈ વિશે પહેલા વિચારીએ. પોતાનો વિચાર પછી કરીએ. બીજાઓ માટે કંઈ આપવું પડે કે ચલાવી લેવું પડે તો એમ કરવા પણ તૈયાર હોઈએ.

^ ફકરો. 61 ચિત્રની સમજ: વિધવાનો એકનોએક દીકરો મરણ પામ્યો છે અને ઈસુ વિધવાને જોઈ રહ્યા છે. ઈસુને દયા આવે છે અને ઈસુ યુવાનને સજીવન કરે છે.

^ ફકરો. 63 ચિત્રની સમજ: સિમોન નામના ફરોશીના ઘરે ઈસુ જમવા જાય છે. એક સ્ત્રી જે કદાચ વેશ્યા હોઈ શકે, તેણે આંસુઓથી ઈસુના પગ ધોયા, વાળથી એ લૂછ્યા અને એના પર તેલ રેડ્યું. સિમોન વાંધો ઉઠાવે છે, પણ ઈસુ એ સ્ત્રીનો પક્ષ લે છે.