સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૩

‘સાવધ રહો, કોઈ તમને ફસાવે નહિ!’

‘સાવધ રહો, કોઈ તમને ફસાવે નહિ!’

‘સાવધ રહો, કોઈ તમને ફિલસૂફી અને છેતરામણી વાતોથી ફસાવે નહિ. એ તો માણસોની માન્યતાઓ પ્રમાણે છે.’—કોલો. ૨:૮.

ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે

ઝલક *

૧. કોલોસીઓ ૨:૪, પ્રમાણે શેતાન કઈ રીતે આપણને પોતાની મુઠ્ઠીમાં રાખવાનો પ્રયત્ન કરે છે?

શેતાન ચાહે છે કે આપણે યહોવાથી દૂર જતા રહીએ. એટલે તે આપણા વિચારો બગાડવાનો પ્રયત્ન કરે છે. તે આપણને પોતાની મુઠ્ઠીમાં રાખવાનો પ્રયત્ન કરે છે. તે ચાહે છે કે આપણે તેનું કહ્યું કરીએ. તે આપણી ઇચ્છાઓને ભડકાવે છે, જેથી આપણે તેના ફાંદામાં ફસાઈ જઈએ.—કોલોસીઓ ૨:૪, વાંચો.

૨-૩. (ક) કોલોસીઓ ૨:૮ની ચેતવણી પર આપણે શા માટે ધ્યાન આપવું જોઈએ? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

જો આપણે ધ્યાન ન રાખીએ, તો શેતાનના ફાંદામાં ફસાઈ જઈ શકીએ છીએ. એટલે જ પાઊલે કોલોસીઓ ૨:૮માં ચેતવણી આપી હતી. એ ચેતવણી યહોવાને ભજતા ન હોય એવા લોકો માટે નહિ, પણ અભિષિક્ત ઈશ્વરભક્તો માટે હતી. (કોલો. ૧:૨,) તેઓએ સાવચેત રહેવાનું હતું કે શેતાનના ફાંદામાં ન ફસાય. અરે, આપણે તો એ વિશે ખાસ ધ્યાન રાખવાનું છે. (૧ કોરીં. ૧૦:૧૨) શેતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. વફાદાર ઈશ્વરભક્તોને પોતાના ફાંદામાં ફસાવવા તે પૂરું જોર લગાવી રહ્યો છે. (પ્રકટી. ૧૨:૯, ૧૨, ૧૭) આપણે એવા સમયમાં જીવીએ છીએ, જ્યાં દુષ્ટ માણસો અને ધુતારાઓ “વધારે ને વધારે ખરાબ” થતા જાય છે.—૨ તિમો. ૩:૧, ૧૩.

આ લેખમાં આપણે જોઈશું કે શેતાન “છેતરામણી વાતો” વાપરીને આપણા વિચારો કઈ રીતે બગાડે છે. આપણે તેની ત્રણ “કુયુક્તિઓ” વિશે જોઈશું. (એફે. ૬:૧૧, ફૂટનોટ) આવતા લેખમાં જોઈશું કે જો આપણા વિચારો બગડી ગયા હોય, તો કઈ રીતે એને સુધારી શકાય. ચાલો પહેલા જોઈએ કે, વચનના દેશમાં ગયેલા ઇઝરાયેલીઓને ફસાવવા શેતાને કેવા ફાંદા વાપર્યા હતા. ઇઝરાયેલીઓના દાખલામાંથી આપણને બોધપાઠ મળશે.

મૂર્તિપૂજા કરવાની લાલચ

૪-૬. વચનના દેશમાં ગયા પછી ઇઝરાયેલીઓએ કેવો ફેરફાર કરવાનો હતો?

ઇઝરાયેલીઓ મૂર્તિપૂજા કરે, એ માટે શેતાને કેવી ચાલાકી વાપરી? શેતાન જાણતો હતો કે તેઓને ખોરાકની જરૂર છે. એ વાતનો તેણે ફાયદો ઉઠાવ્યો. વચનના દેશમાં આવ્યા પછી ઇઝરાયેલીઓએ ખેતીની રીતમાં ફેરફાર કરવો પડે એમ હતું. ઇજિપ્તમાં હતા ત્યારે તેઓ ખેતી કરવા નાઈલ નદીનું પાણી વાપરતા હતા. વચનના દેશમાં કોઈ મોટી નદી ન હતી, તેથી ખેતી માટે વરસાદ અને ઝાકળ પર આધાર રાખવો પડતો. (પુનર્નિયમ ૧૧:૧૦-૧૫ વાંચો; યશા. ૧૮:૪, ૫) એટલે ખેતી કરવા ઇઝરાયેલીઓએ નવી રીતો શીખવાની હતી. એમ કરવું સહેલું ન હતું. કારણ કે જેઓને ખેતી કરતા આવડતું હતું, તેઓમાંથી મોટા ભાગના લોકો વેરાન પ્રદેશમાં જ મરણ પામ્યા હતા.

શેતાને ઇઝરાયેલી ખેડૂતોના વિચારો કઈ રીતે બદલી નાખ્યા? (ફકરા ૪-૬ જુઓ) *

યહોવાએ પોતાના લોકોને સમજાવ્યું કે તેઓના સંજોગો બદલાયા છે. પછી તેમણે ચેતવણી આપી. પહેલી નજરે જોઈએ તો એવું લાગે કે એ ચેતવણીને ખેતીવાડી સાથે કંઈ લેવાદેવા નથી. એ ચેતવણી હતી: “સાવચેત રહો, રખેને તમારું અંતઃકરણ ઠગાઈ જાય, ને તમે ભટકી જઈને બીજાં દેવદેવીઓની સેવા કરો ને તેમને ભજો.” (પુન. ૧૧:૧૬, ૧૭) ખેતી વિશે જણાવતી વખતે શા માટે યહોવાએ જૂઠા દેવોથી દૂર રહેવાનું કહ્યું?

યહોવા જાણતા હતા કે કદાચ ઇઝરાયેલીઓ ખેતીની નવી રીતો શીખવા બીજી પ્રજાના લોકો પાસે જશે. એ લોકોને ખેતીનો વધારે અનુભવ હતો એટલે ઇઝરાયેલીઓને તેઓ પાસેથી ઘણું શીખવા મળ્યું હોત. પણ એમાં એક જોખમ હતું. કનાનના ખેડૂતો તો બઆલની ભક્તિ કરતા હતા! તેઓ માનતા હતા કે આકાશનો માલિક અને વરસાદ આપનાર તો બઆલ છે. યહોવા ચાહતા હતા કે તેમના લોકો આવી ખોટી માન્યતાઓથી દૂર રહે. પણ ઇઝરાયેલીઓ યહોવાને છોડીને બઆલને ભજવા લાગ્યા. એવું તો તેઓએ ઘણી વાર કર્યું. (ગણ. ૨૫:૩, ૫; ન્યા. ૨:૧૩; ૧ રાજા. ૧૮:૧૮) ચાલો ધ્યાન આપીએ કે ઇઝરાયેલીઓ માટે શેતાને કેવા ફાંદા ગોઠવ્યા હતા.

ઇઝરાયેલીઓના સમયમાં શેતાનના ફાંદા

૭. ઇઝરાયેલીઓ આગળ કઈ કસોટી આવી?

શેતાને વાપરેલો પહેલો ફાંદો હતો, સામાન્ય ઇચ્છાઓ ભડકાવવી. જેમ કે, વરસાદની ઇચ્છા. ઇઝરાયેલીઓ ખેતી માટે વરસાદની આશા રાખતા હતા. વચનના દેશમાં એપ્રિલના છેલ્લા દિવસોથી લઈને સપ્ટેમ્બર સુધી સાવ ઓછો વરસાદ પડતો હતો. ઑક્ટોબરથી વરસાદ શરૂ થતો હતો. જીવન જીવવા અને ખેતી કરવા વરસાદ ખૂબ જરૂરી હતો. બીજી પ્રજાના લોકો માનતા કે જો તેઓ અમુક વિધિઓ કરશે, તો દેવ વરસાદ મોકલશે. શેતાને ઇઝરાયેલીઓના મનમાં ઠસાવ્યું કે એ વિધિઓ પાળવી જોઈએ. યહોવા પરથી અમુક લોકોની શ્રદ્ધા ઓછી થઈ ગઈ હતી. તેઓ માનતા કે દુકાળ ન આવે એ માટે એમ કરવું જ જોઈએ. એટલે તેઓ બઆલ દેવ માટે જૂઠી વિધિઓ કરવા લાગ્યા.

૮. શેતાનનો બીજો ફાંદો કયો હતો? સમજાવો.

શેતાનનો બીજો ફાંદો હતો, ઇઝરાયેલીઓના મનમાં જાતીય ઇચ્છાઓ ભડકાવવી. બીજી પ્રજાના લોકો પોતાના દેવોની ભક્તિ કરવા વ્યભિચાર જેવાં ખરાબ કામો કરતા હતા. તેઓ મંદિરમાં વેશ્યા રાખતા હતા, જેમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થતો. અરે, તેઓ માનતા હતા કે સજાતીય કામો કે બીજાં ખરાબ કામો કરવામાં કંઈ જ ખોટું નથી! (પુન. ૨૩:૧૭, ૧૮; ૧ રાજા. ૧૪:૨૪) તેઓ માનતા કે આ બધાં કામ કરવાથી તેઓના દેવો ખુશ થશે અને મબલખ પાક આપશે. ઘણા ઇઝરાયેલીઓ એવાં કામ કરવાની લાલચમાં ફસાઈ ગયા. છેવટે તેઓ જૂઠા દેવોને ભજવા લાગ્યા. અરે, તેઓ તો સામે ચાલીને શેતાનના ફાંદામાં ફસાઈ ગયા!

૯. હોશીઆ ૨:૧૬, ૧૭ પ્રમાણે શેતાન કઈ રીતે ઇઝરાયેલીઓને યહોવાથી દૂર લઈ ગયો?

શેતાનનો ત્રીજો ફાંદો હતો, ઇઝરાયેલીઓને યહોવાથી દૂર લઈ જવા. યિર્મેયા પ્રબોધકના સમયમાં યહોવાએ એક વાત જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, ઈશ્વરભક્તો યહોવાનું નામ ભૂલી જશે. “બઆલને લીધે” જૂઠા પ્રબોધકો ઈશ્વરભક્તોને એમ કરવા ફસાવશે. (યિર્મે. ૨૩:૨૭) એ વાત સાચી પડી! તેઓએ યહોવાનું નામ લેવાનું બંધ કરી દીધું. તેઓ તો બઆલનું નામ વાપરવા લાગ્યા, જેનો અર્થ થાય, ‘માલિક.’ આમ, ઇઝરાયેલીઓ યહોવા અને બઆલ વચ્ચેનો ફરક ભૂલી ગયા. તેઓ યહોવાની ભક્તિમાં બઆલની વિધિઓની ભેળસેળ કરવા લાગ્યા.—હોશીઆ ૨:૧૬, ૧૭ વાંચો. *

આજના સમયમાં શેતાનના ફાંદા

૧૦. શેતાન આજે કેવા ફાંદા વાપરે છે?

૧૦ શેતાન આજે પણ આવા ફાંદા વાપરે છે: સામાન્ય ઇચ્છાઓ ભડકાવે છે, જાતીય ઇચ્છાઓ ભડકાવે છે અને લોકોને યહોવાથી દૂર લઈ જાય છે. ચાલો સૌથી પહેલા ત્રીજા ફાંદા વિશે જોઈએ.

૧૧. કઈ રીતે શેતાન લોકોને યહોવાથી દૂર લઈ જાય છે?

૧૧ શેતાન લોકોને યહોવાથી દૂર લઈ જાય છે. પ્રેરિતોના મરણ પછી ઢોંગી ખ્રિસ્તીઓ મંડળમાં જૂઠું શિક્ષણ ફેલાવવા લાગ્યા. (પ્રે.કા. ૨૦:૨૯, ૩૦; ૨ થેસ્સા. ૨:૩) તેઓ લોકોને યહોવાથી દૂર લઈ જઈ રહ્યા હતા. દાખલા તરીકે, તેઓએ પોતાના બાઇબલમાંથી યહોવાનું નામ કાઢીને “પ્રભુ” જેવા ખિતાબો મૂકી દીધા. આમ, યહોવા અને બીજા “પ્રભુઓ” વચ્ચેનો ફરક પારખવો બાઇબલ વાંચનાર માટે અઘરું થઈ ગયું. (૧ કોરીં. ૮:૫) તેઓએ યહોવા અને ઈસુ માટે “પ્રભુ” શબ્દ વાપર્યો હતો. એનાથી લોકો સમજી શક્યા નહિ કે યહોવા અને ઈસુ અલગ અલગ છે. (યોહા. ૧૭:૩) એનાથી ત્રૈક્યની માન્યતા વધારે ફેલાઈ, જેને બાઇબલ જરાય ટેકો આપતું નથી. એ બધાને લીધે ઘણા લોકોને લાગે છે કે સાચા ઈશ્વર વિશે જાણવું અશક્ય છે. કેટલું મોટું જૂઠ!—પ્રે.કા. ૧૭:૨૭.

જૂઠા ધર્મો લોકોનાં ખોટાં જાતીય કામો ચલાવી લે છે, એ તો શેતાનનો ફાંદો છે (ફકરો ૧૨ જુઓ) *

૧૨. જૂઠા ધર્મો કઈ બાબતો ચલાવી લે છે? રોમનો ૧:૨૮-૩૧માં શું જણાવવામાં આવ્યું છે?

૧૨ શેતાન લોકોના મનમાં જાતીય ઇચ્છાઓ ભડકાવે છે. પ્રાચીન ઇઝરાયેલમાં લોકો વ્યભિચાર જેવાં ખરાબ કામ કરવા લલચાય માટે શેતાને જૂઠા ધર્મનો સહારો લીધો હતો. આજે પણ તે એવું જ કરે છે. જૂઠા ધર્મો ખરાબ કામોને ચલાવી લે છે અને એને ખોટાં ગણતા નથી. તેથી, ઈશ્વરને ભજવાનો ઢોંગ કરનારાઓએ તેમનાં ખરાં ધોરણોને છોડી દીધાં છે. જૂઠા ધર્મો પાળનાર લોકોનાં કામો વિશે પ્રેરિત પાઊલે રોમનોને પત્રમાં જણાવ્યું હતું. (રોમનો ૧:૨૮-૩૧ વાંચો.) એમાં જણાવેલાં “અયોગ્ય કામો” એટલે દરેક પ્રકારનાં જાતીય કામો, જેમાં સજાતીય સંબંધોનો પણ સમાવેશ થાય છે. (રોમ. ૧:૨૪-૨૭, ૩૨; પ્રકટી. ૨:૨૦) એટલે બાઇબલના સાચા શિક્ષણને પાળવું ખૂબ જ મહત્ત્વનું છે.

૧૩. શેતાનનો બીજો ફાંદો કયો છે?

૧૩ શેતાન લોકોના મનમાં સામાન્ય ઇચ્છાઓ ભડકાવે છે. આપણે પોતાની અને કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા માંગીએ છીએ. એટલે નવી આવડતો શીખવા ચાહીએ છીએ. (૧ તિમો. ૫:૮) એ માટે સ્કૂલનું શિક્ષણ લઈએ છીએ અને ધ્યાનથી ભણીએ છીએ. પણ આપણે સાવચેત રહેવું જોઈએ. આજે વિદ્યાર્થીઓને ઘણી બાબતો શીખવવામાં આવે છે. ઘણા દેશોમાં જીવન-જરૂરી આવડતોની સાથે સાથે દુનિયાના વિચારો પણ શીખવવામાં આવે છે. દાખલા તરીકે, બાળકોના મનમાં આવી બાબતો ઠસાવવામાં આવે છે: ઈશ્વર છે કે નહિ; બાઇબલનું શિક્ષણ મહત્ત્વનું નથી; બધા બુદ્ધિશાળી લોકોનું માનવું છે કે માણસ વાંદરામાંથી આવ્યો છે. (રોમ. ૧:૨૧-૨૩) એવું શિક્ષણ તો ‘ઈશ્વરના ડહાપણ’ વિરુદ્ધ છે.—૧ કોરીં. ૧:૧૯-૨૧; ૩:૧૮-૨૦.

૧૪. દુનિયાના વિચારો શાના તરફ દોરી જાય છે?

૧૪ દુનિયાના વિચારો એટલે માણસોના વિચારો. એ વિચારો તો યહોવાનાં ખરાં ધોરણોની વિરુદ્ધ છે. એનાથી પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો કેળવી શકાતા નથી. પણ એ તો “શરીરનાં કામો” કરવા દોરી જાય છે. (ગલા. ૫:૧૯-૨૩) દુનિયાના વિચારોથી લોકોમાં ઘમંડ આવે છે અને તેઓ “સ્વાર્થી” બની જાય છે. (૨ તિમો. ૩:૨-૪) એ ખરાબ ગુણો ઈશ્વર પોતાના લોકોમાં જોવા ચાહતા નથી. ઈશ્વર તો ચાહે છે કે તેમના ભક્તો નમ્ર હોય. (૨ શમૂ. ૨૨:૨૮) અમુક ઈશ્વરભક્તોએ દુનિયાનું ઉચ્ચ શિક્ષણ લીધું છે. તેઓમાં યહોવાના નહિ, પણ દુનિયાના વિચારો જોવા મળે છે. ચાલો એ વિશે એક દાખલો જોઈએ.

દુનિયાના વિચારો કઈ રીતે આપણા વિચારો બદલી શકે? (ફકરા ૧૪-૧૬ જુઓ) *

૧૫-૧૬. એક બહેનના અનુભવ પરથી આપણે શું શીખી શકીએ?

૧૫ એક બહેન ૧૫ કરતાં વધારે વર્ષોથી પૂરા સમયની સેવા કરે છે. તે જણાવે છે: ‘ઉચ્ચ શિક્ષણનાં જોખમો વિશે મેં આપણાં સાહિત્યમાં વાંચ્યું હતું અને એ વિશે સાંભળ્યું પણ હતું. યહોવાને સમર્પણ કર્યું હોવા છતાં, મેં એ બધું ગણકાર્યું નહિ. મને થયું કે એ બધું મને લાગુ પડતું નથી.’ એનું કેવું પરિણામ આવ્યું? તે આગળ જણાવે છે: ‘ભણવાને લીધે સમય-શક્તિ વપરાઈ જતા. એટલે પ્રાર્થના કરવા, બીજાઓ સાથે બાઇબલમાંથી ચર્ચા કરવા અને સભાની તૈયારી કરવા મારી પાસે સમય-શક્તિ બચતાં જ ન હતાં. મને અહેસાસ થયો કે ઉચ્ચ શિક્ષણને કારણે યહોવા સાથેનો મારો સંબંધ નબળો પડી રહ્યો છે. મને લાગ્યું કે કંઈક કરવાની જરૂર છે. મેં એવું કર્યું પણ ખરું!’

૧૬ ઉચ્ચ શિક્ષણની બહેન પર કેવી અસર થઈ? તે કહે છે: ‘મને કહેતા શરમ આવે છે કે એના લીધે મારા વિચારો બદલાઈ ગયા હતા. હું બીજાઓની ભૂલો શોધ્યા કરતી, ખાસ કરીને મંડળનાં ભાઈ-બહેનોની. હું તેઓ પાસે વધુ પડતી અપેક્ષા રાખતી, તેઓથી દૂર દૂર રહેતી. એ બધું મનમાંથી કાઢતા ઘણો સમય લાગ્યો. મને સમજાયું કે યહોવા પોતાના સંગઠન દ્વારા જે ચેતવણી આપે છે, એને ધ્યાનમાં નહિ રાખીએ તો એનું કેટલું ખરાબ પરિણામ આવી શકે છે. હું પોતાને ઓળખું છું, એનાથી વધારે યહોવા મને ઓળખે છે. જો મેં શરૂઆતથી જ યહોવાની વાત માની હોત, તો કેવું સારું થાત!’

૧૭. (ક) આપણે કયો નિર્ણય લેવો જોઈએ? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૭ ચાલો પાકો નિર્ણય કરીએ કે શેતાનની દુનિયાની “ફિલસૂફી અને છેતરામણી વાતોથી” આપણે કદી ફસાઈશું નહિ. શેતાનના ફાંદાથી સાવધ રહીશું. (૧ કોરીં. ૩:૧૮; ૨ કોરીં. ૨:૧૧) શેતાન આપણને યહોવાથી દૂર ન લઈ જાય એનું ધ્યાન રાખીએ. હંમેશાં યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે જીવીએ. શેતાન એવા ફાંદા ગોઠવે છે કે આપણે યહોવાના વિચારો પર ધ્યાન ન આપીએ. પણ, આપણે તેના ફાંદામાં ફસાઈશું નહિ! જો શેતાનના લીધે આપણા વિચારો બગડી ગયા હોય, તો કઈ રીતે એને સુધારી શકાય? આવતા લેખમાં શીખીશું કે “કિલ્લાઓ જેવા મજબૂત” વિચારો અને આદતોને તોડી પાડવા બાઇબલ કઈ રીતે આપણને મદદ કરે છે.—૨ કોરીં. ૧૦:૪, ૫.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

^ ફકરો. 5 લોકોને છેતરવાની વાત આવે ત્યારે શેતાનને કોઈ પહોંચી ન વળે! તેણે લોકોના મનમાં ઠસાવ્યું છે કે તેઓ આઝાદ છે. હકીકતમાં તો તેણે લોકોને પોતાની મુઠ્ઠીમાં રાખ્યા છે. આમ, તે લોકોને છેતરે છે. લોકોને છેતરવા શેતાન કેવા ફાંદા વાપરે છે, એ વિશે આ લેખમાં ચર્ચા કરીશું.

^ ફકરો. 9 હોશીઆ ૨:૧૬, ૧૭ (ઈઝી-ટુ-રીડ વર્ઝન): ‘યહોવા કહે છે, તે દિવસે તે મને “મારા માલિક” કહેવાને બદલે “મારા પતિ” એમ કહીને સંબોધન કરશે ને પછીથી બઆલ કહીને નહિ બોલાવે. હે ઇઝરાયેલ, હું તને તારી મૂર્તિઓ ભૂલાવી દઈશ, તેઓનાં નામ પણ તું ઉચ્ચારશે નહિ.’

^ ફકરો. 49 ચિત્રની સમજ: કનાની લોકો સાથે હળતા-મળતા ઇઝરાયેલીઓ આગળ બઆલની ભક્તિનો અને વ્યભિચારનો ફાંદો હતો.

^ ફકરો. 52 ચિત્રની સમજ: ચર્ચની એક જાહેરાત છે કે તેઓને ત્યાં સજાતીય સંબંધ ચલાવી લેવામાં આવે છે.

^ ફકરો. 54 ચિત્રની સમજ: એક યુવાન બહેન યુનિવર્સિટીમાં ભણવા જાય છે. શિક્ષક સમજાવી રહ્યા છે કે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીથી માણસોની બધી તકલીફો દૂર થઈ શકે છે. યુવાન બહેન અને બીજા વિદ્યાર્થીઓ એ વાત સાચી માની લે છે. સભામાં બહેનને કંટાળો આવે છે અને તે બીજાઓની ભૂલો શોધ્યા કરે છે.