સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૫

ચિંતામાં પણ યહોવા પર ભરોસો રાખો

ચિંતામાં પણ યહોવા પર ભરોસો રાખો

“પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે.”—નીતિ. ૧૨:૨૫.

ગીત ૫૧ યહોવા અમારો આધાર

ઝલક *

૧. આપણે શા માટે ઈસુની ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ?

છેલ્લા દિવસોની ભવિષ્યવાણી કરતી વખતે ઈસુએ કહ્યું: ‘પોતાના પર ધ્યાન આપો, જેથી જીવનની ચિંતાઓના બોજથી તમારા હૃદયો દબાઈ ન જાય.’ (લુક ૨૧:૩૪) આપણે એ ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ. શા માટે? આપણે જે મુશ્કેલ સંજોગો સહી રહ્યા છીએ, એવા જ સંજોગો બીજાઓ પણ સહી રહ્યા છે.

૨. આપણાં ભાઈ-બહેનોના જીવનમાં કેવી મુશ્કેલીઓ આવે છે?

અમુક વાર મુશ્કેલીઓ એક પછી એક આવતી જ જાય છે. ચાલો એક દાખલો જોઈએ. જોનભાઈ * યહોવાના સાક્ષી છે. તેમને એક ગંભીર બીમારી છે. ફક્ત એટલું જ નહિ, તેમના લગ્‍નનાં ૧૯ વર્ષ પછી તેમની પત્ની તેમને છોડીને જતી રહે છે. પછી, તેમની બે દીકરીઓ યહોવાને ભજવાનું બંધ કરી દે છે. એનાથી તેમનું જીવન હચમચી જાય છે! બીજો દાખલો, બોબભાઈ અને લિન્ડાબેનનો છે. તેઓના જીવનમાં પણ મુશ્કેલીઓનું વાવાઝોડું ફરી વળ્યું. તેઓ બંનેની નોકરી છૂટી ગઈ, ઘર જતું રહ્યું. અધૂરામાં પૂરું, લિન્ડાને હૃદયની મોટી બીમારી થઈ. અરે, બીજી બીમારી પણ થઈ, જેમાં તેમનું શરીર રોગો સામે લડી શકતું ન હતું.

૩. ફિલિપીઓ ૪:૬, ૭ પ્રમાણે આપણે શાની ખાતરી રાખવી જોઈએ?

ચિંતાની આપણા પર કેવી અસર પડે છે, એ વિશે આપણા પ્રેમાળ પિતા સારી રીતે જાણે છે. એ તકલીફોનો સામનો કરવા તે આપણી મદદ કરવા ચાહે છે. (ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો.) બાઇબલમાં એવા ઘણા પ્રસંગો આપેલા છે, જેમાં ઈશ્વરભક્તોએ મુશ્કેલીઓનો સામનો કર્યો હોય. તેઓને એ ચિંતાઓનો સામનો કરવા યહોવાએ મદદ કરી હતી. ચાલો બાઇબલમાંથી કેટલાંક દાખલા જોઈએ.

એલિયા—“આપણા જેવા જ માણસ”

૪. એલિયાએ કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો? તેમને યહોવા વિશે કેવું લાગ્યું?

અઘરા સંજોગોમાં પણ એલિયા યહોવાની ભક્તિ કરતા રહ્યા. તેમના પર ઘણી તકલીફો આવી. આહાબ રાજા યહોવાને વફાદાર ન હતો. બઆલની ભક્તિ કરનાર ઇઝેબેલ સાથે તેણે લગ્‍ન કર્યા હતા. તેઓ દેશના બધા લોકોને બઆલની ભક્તિ કરવા ઉત્તેજન આપતા હતા. તેઓએ યહોવાના ઘણા પ્રબોધકોની કતલ કરાવી હતી. એલિયા જીવ બચાવીને ભાગી ગયા. ભારે દુકાળ પડ્યો ત્યારે પણ એલિયાએ યહોવા પર ભરોસો રાખ્યો અને તે બચી ગયા. (૧ રાજા. ૧૭:૨-૪, ૧૪-૧૬) બઆલના ભક્તો અને પ્રબોધકોનો સામનો કરવાનો થયો ત્યારે પણ, એલિયાએ યહોવા પર ભરોસો રાખ્યો. તેમણે ઇઝરાયેલના લોકોને યહોવાની ભક્તિ કરવાની વિનંતી કરી હતી. (૧ રાજા. ૧૮:૨૧-૨૪, ૩૬-૩૮) મુશ્કેલીઓમાં યહોવા પડખે ઊભા રહે છે, એવા ઘણા પ્રસંગો એલિયાએ જાતે અનુભવ્યા હતા.

એલિયાને તાકાત મળે એ માટે યહોવાએ દૂત મોકલીને મદદ કરી (ફકરા ૫-૬ જુઓ) *

૫-૬. પહેલો રાજાઓ ૧૯:૧-૪ પ્રમાણે એલિયાને કેવું લાગ્યું? યહોવાએ કેવી રીતે બતાવી આપ્યું કે તે એલિયાને પ્રેમ કરે છે?

પહેલો રાજાઓ ૧૯:૧-૪ વાંચો. ઇઝેબેલ રાણીએ ધમકી આપી કે, તે એલિયાને મારી નાખશે. એટલે એલિયા ડરી ગયા અને બેર-શેબાના વિસ્તારમાં ભાગી ગયા. તે એટલા નિરાશ થઈ ગયા કે તેમણે ‘મોત માંગ્યું.’ એલિયાને કેમ એવું લાગ્યું? એલિયા “આપણા જેવા જ માણસ હતા.” (યાકૂ. ૫:૧૭) ચિંતા અને થાકના બોજ તળે તે દબાઈ ગયા હતા. યહોવાની ભક્તિ કરવા તે લોકોને મદદ કરતા હતા. તેમને લાગ્યું હશે કે, ‘મારી બધી મહેનત પાણીમાં ગઈ. ઇઝરાયેલના લોકો તો હજુયે એવાને એવા જ છે, જરાય સુધર્યા નથી.’ એલિયાને થયું હશે કે તેમના સિવાય બીજું કોઈ યહોવાની ભક્તિ કરતું નથી. (૧ રાજા. ૧૮:૩, ૪, ૧૩; ૧૯:૧૦, ૧૪) યહોવાના વફાદાર ભક્તે આવું વિચાર્યું, એ જાણીને આપણને કદાચ નવાઈ લાગે! પણ, યહોવા એલિયાની લાગણીઓ સમજતા હતા.

યહોવાએ એલિયાને ઠપકો ન આપ્યો. તેમણે તો એલિયાની હિંમત બંધાવી. (૧ રાજા. ૧૯:૫-૭) સમય જતાં, તેમણે પોતાની અદ્‍ભુત શક્તિની એલિયાને ઝલક આપી. આમ, એલિયાને પોતાના વિચારો સુધારવા મદદ મળી. યહોવાએ તેમને જણાવ્યું કે ઇઝરાયેલમાં હજુ ૭,૦૦૦ લોકો છે, જેઓએ બઆલની ભક્તિ કરવાની ના પાડી હતી. (૧ રાજા. ૧૯:૧૧-૧૮) આમ, યહોવાએ એલિયાને બતાવી આપ્યું કે, તે એલિયાને પ્રેમ કરે છે.

યહોવા આપણને કઈ રીતે મદદ કરે છે?

૭. યહોવાએ એલિયાને મદદ કરી, એનાથી આપણને કેવી ખાતરી મળે છે?

શું તમારી ફરતે ચિંતાના વાદળો ઘેરાયા છે? યહોવા એલિયાની લાગણીઓ સમજતા હતા. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે! આપણને ખાતરી મળે છે કે તે આપણી પણ ચિંતાઓ સમજે છે. તે જાણે છે કે કેટલીક બાબતો આપણા હાથ બહાર છે. આપણાં વિચારો અને લાગણીઓથી તે અજાણ નથી. (ગીત. ૧૦૩:૧૪; ૧૩૯:૩, ૪) ભલે તકલીફોને લીધે આપણા પર ચિંતાઓ આવી પડે, પણ એલિયાની જેમ યહોવા પર ભરોસો રાખીશું તો તે મદદ કરશે.—ગીત. ૫૫:૨૨.

૮. ચિંતામાં હોઈએ ત્યારે યહોવા કઈ રીતે મદદ કરશે?

ચિંતામાં હોઈએ ત્યારે નિરાશ કરનારા વિચારો આવે છે. એનાથી આપણી હિંમત તૂટી જાય. જો તમારી સાથે એવું થાય, તો યાદ રાખો કે એનો સામનો કરવા યહોવા તમને મદદ કરશે. તે કઈ રીતે મદદ કરશે? તે ચાહે છે કે તમે પોતાની લાગણીઓ તેમની આગળ ઠાલવો. તે તમારી અરજોને કાન ધરશે અને જવાબ આપશે. (ગીત. ૫:૩; ૧ પીત. ૫:૭) એટલે તકલીફો આવે ત્યારે યહોવા આગળ દિલ ઠાલવતા અચકાશો નહિ. એલિયા સાથે યહોવાએ વાત કરી હતી. આજે તે આપણી સાથે એ રીતે સીધેસીધી વાત કરતા નથી. પણ, તે આપણી સાથે બાઇબલ અને પોતાના સંગઠન દ્વારા વાત કરે છે. બાઇબલના પ્રસંગો વાંચવાથી તમને દિલાસો અને આશા મળશે. ભાઈ-બહેનો પણ તમને મદદ આપી શકે છે.—રોમ. ૧૫:૪; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.

૯. પાકો મિત્ર તમને કઈ રીતે મદદ કરી શકે?

યહોવાએ એલિયાને જણાવ્યું કે, પોતાનું કેટલુંક કામ એલિશાને સોંપી દે. આમ, યહોવાએ એલિયાને એક સારો મિત્ર આપ્યો. નિરાશ થઈ ગયેલા એલિયાને એનાથી ઘણી મદદ મળી. આપણા કિસ્સામાં પણ એવું જ છે. પાકા મિત્ર પર ભરોસો મૂકીને તેને ચિંતાઓ જણાવીએ છીએ ત્યારે, આપણો બોજો હળવો થાય છે. (૨ રાજા. ૨:૨; નીતિ. ૧૭:૧૭) કદાચ તમને લાગે કે એવું કોઈ નથી, જેને તમે તમારા મનની વાત કહી શકો. એવા સમયે શું? યહોવાને પ્રાર્થનામાં વિનંતી કરો કે, એવી વ્યક્તિને શોધવા તે તમારી મદદ કરે.

૧૦. એલિયાના અનુભવથી કઈ રીતે આપણા દિલમાં હોંશ જાગે છે? યશાયા ૪૦: ૨૮, ૨૯માં જણાવેલા વચનથી આપણને કેવી મદદ મળે છે?

૧૦ યહોવાએ એલિયાને ચિંતાનો સામનો કરવા મદદ કરી. વર્ષો સુધી ભક્તિમાં ટકી રહેવા પણ મદદ કરી. એલિયાના અનુભવથી આપણા દિલમાં હોંશ જાગે છે. ઘણી વાર આપણે ચિંતાને લીધે સાવ થાકી જઈએ કે એકદમ નિરાશ થઈ જઈએ. એવા સમયે યહોવા પર ભરોસો રાખવો જોઈએ. યહોવા આપણને તાકાત આપશે, જેની મદદથી આપણે ભક્તિમાં મંડ્યા રહી શકીશું.—યશાયા ૪૦:૨૮, ૨૯ વાંચો.

હાન્‍ના, દાઊદ અને ‘આસાફે’ યહોવા પર ભરોસો રાખ્યો

૧૧-૧૩. પ્રાચીન સમયના ભક્તો પર ચિંતાની કેવી અસર થઈ?

૧૧ બાઇબલમાં ઘણા ઈશ્વરભક્તો વિશે જણાવવામાં આવ્યું છે, જેઓએ ચિંતાનો સામનો કરવો પડ્યો હતો. દાખલા તરીકે, હાન્‍નાને બાળકો ન હતા. તેના પતિની બીજી પત્નીને બાળકો હતા, એટલે તે હાન્‍નાને મહેણાં મારતી હતી. એ બધાને લીધે હાન્‍નાનું મન ચિંતાઓથી ઘેરાયેલું રહેતું. (૧ શમૂ. ૧:૨,) હતાશાને લીધે તે રડ્યા કરતી અને તેની ભૂખ મરી ગઈ હતી.—૧ શમૂ. ૧:૭, ૧૦.

૧૨ કેટલીક વાર દાઊદ રાજા ચિંતામાં ગરક થઈ જતા. તેમના જીવનમાંથી મુશ્કેલીઓ જવાનું નામ જ નહોતી લેતી. તેમણે કરેલી ભૂલોને લીધે તેમને ખૂબ પસ્તાવો થતો હતો. (ગીત. ૪૦:૧૨) તેમના વહાલા દીકરા આબ્શાલોમે તેમની સામે બળવો કર્યો, એટલે તે માર્યો ગયો. (૨ શમૂ. ૧૫:૧૩, ૧૪; ૧૮:૩૩) દાઊદના ખાસ મિત્રએ તેમને દગો દીધો. (૨ શમૂ. ૧૬:૨૩–૧૭:૨; ગીત. ૫૫:૧૨-૧૪) દાઊદે ઘણાં ગીતો લખ્યાં. નિરાશાની લાગણી વિશે અને યહોવામાં મૂકેલા પાકા ભરોસા વિશે તેમણે એ ગીતોમાં લખ્યું છે.—ગીત. ૩૮:૫-૧૦; ૯૪:૧૭-૧૯.

યહોવાની ભક્તિમાં ખુશી પાછી મેળવવા ગીતના લેખકને શાનાથી મદદ મળી? (ફકરા ૧૩-૧૫ જુઓ) *

૧૩ આસાફ લેવી હતા. કદાચ તેમના વંશજમાંથી એક વ્યક્તિએ ગીત લખ્યું હતું, જે “ઈશ્વરના પવિત્રસ્થાનમાં” સેવા કરતા હતા. સમય જતાં, તે દુષ્ટ લોકોની ઈર્ષા કરવા લાગ્યા. ચિંતાને લીધે તેમના જીવનમાંથી ખુશી અને સંતોષ જતાં રહ્યાં. ઈશ્વરની ભક્તિ કરવાથી મળતા આશીર્વાદો વિશે પણ તે શંકા કરવા લાગ્યા હતા.—ગીત. ૭૩:૨-૫, ૭, ૧૨-૧૪, ૧૬, ૧૭, ૨૧.

૧૪-૧૫. યહોવા પાસે મદદ માંગવા વિશે ત્રણ ઈશ્વરભક્તોના દાખલામાંથી શું શીખવા મળે છે?

૧૪ એ ત્રણેય ભક્તોએ મદદ માટે યહોવાને અરજ કરી હતી. તેઓએ પોતાની લાગણીઓ યહોવાને પ્રાર્થનામાં જણાવી હતી. પોતાની ચિંતાનું કારણ તેઓએ કોઈ પણ જાતના સંકોચ વગર યહોવાને જણાવ્યું હતું. તેઓ યહોવાની ભક્તિ કરતા રહ્યા.—૧ શમૂ. ૧:૯, ૧૦; ગીત. ૫૫:૨૨; ૭૩:૧૭; ૧૨૨:૧.

૧૫ યહોવાએ તેઓની પ્રાર્થના સાંભળી. તે કરુણા અને દયાથી વર્ત્યા. હાન્‍નાને મનની શાંતિ મળી. (૧ શમૂ. ૧:૧૮) દાઊદે લખ્યું, ‘ન્યાયી માણસને માથે ઘણાં દુઃખ આવે છે. પણ યહોવા એ બધામાંથી તેને છોડાવે છે.’ (ગીત. ૩૪:૧૯) ગીતના લેખકને લાગ્યું કે જાણે યહોવાએ ‘તેમનો જમણો હાથ ઝાલ્યો છે.’ તેમણે ગાયું: ‘ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાને મારા આશ્રય કર્યા છે.’ (ગીત. ૭૩:૨૩, ૨૪, ૨૮) આ દાખલાઓમાંથી આપણને શું શીખવા મળે છે? કેટલીક વાર મુશ્કેલીઓનો બોજો આપણને કચડી નાખે. ચિંતાઓના કાળા વાદળમાં કંઈ સૂઝતું જ ન હોય. પણ, આપણે એનો સામનો કરી શકીએ છીએ. યહોવાએ પોતાના ભક્તોને જે રીતે મદદ કરી હતી, એના પર મનન કરવું જોઈએ. પ્રાર્થનામાં યહોવા આગળ દિલ ઠાલવવું જોઈએ અને તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ.—ગીત. ૧૪૩:૧, ૪-૮.

યહોવા પર ભરોસો રાખો અને હિંમતથી સામનો કરો

શરૂઆતમાં બહેનને લાગ્યું કે બીજાઓ સાથે હળવા-મળવાનું બંધ કરી દેવું જોઈએ. પણ, જ્યારે તે બીજાઓને મદદ કરવા લાગ્યા ત્યારે તેમનું દુઃખ ઓછું થયું (ફકરા ૧૬-૧૭ જુઓ)

૧૬-૧૭. (ક) શા માટે યહોવા અને તેમના લોકોથી આપણે દૂર ન જવું જોઈએ? (ખ) હિંમત મેળવવા આપણે શું કરી શકીએ?

૧૬ એ ત્રણ દાખલામાંથી બીજો બોધપાઠ પણ શીખવા મળે છે. યહોવા અને તેમના લોકોથી આપણે ક્યારેય દૂર ન થઈએ. (નીતિ. ૧૮:૧) નેન્સીબેનના પતિ તેમને છોડીને જતા રહ્યા. એ દુઃખ સહેવું તેમના માટે ખૂબ અઘરું હતું. તે કહે છે: ‘કોઈને મળવાની કે વાત કરવાની ઇચ્છા ન થતી. એવું તો કેટલીય વાર થતું. પણ, લોકોથી જેટલી દૂર રહેતી, એટલી વધારે દુઃખી થતી.’ જેઓ મુશ્કેલીમાં છે, તેઓને મદદ કરવા નેન્સી પ્રયત્ન કરવાં લાગ્યાં. ધીમે ધીમે નિરાશાનાં વાદળો દૂર થવાં લાગ્યાં. તે કહે છે: ‘હું બીજાઓની તકલીફો સાંભળતી. તેઓ માટે મારા દિલમાં દયા ઊભરાતી. એટલે મારું દુઃખ ક્યાંય ભૂલાઈ જતું.’

૧૭ સભાઓમાં જવાથી આપણને હિંમત મળે છે. યહોવા પાસેથી ‘મદદ અને દિલાસો’ મેળવવાની સરસ તક સભાઓથી મળે છે. (ગીત. ૮૬:૧૭) પવિત્ર શક્તિ, બાઇબલ અને સાથી ભક્તોની મદદથી યહોવા આપણને હિંમત આપે છે. સભાઓથી આપણને “અરસપરસ ઉત્તેજન” આપવાની તક મળે છે. (રોમ. ૧:૧૧, ૧૨) સોફિયાબેન કહે છે: ‘યહોવા અને આપણાં ભાઈ-બહેનોની મદદથી હું મુશ્કેલીઓ સહન કરી શકું છું. સભાઓ મારા માટે ખૂબ મહત્ત્વની છે. મેં અનુભવ્યું છે કે, સેવાકાર્ય અને સભામાં હું જેટલો વધારે ભાગ લઉં છું, ચિંતા અને ટેન્શનમાંથી બહાર આવવા એટલી વધારે મદદ મળે છે.’

૧૮. નિરાશ હોઈએ ત્યારે યહોવા આપણને કઈ રીતે મદદ કરશે?

૧૮ નિરાશ હોઈએ ત્યારે આ વાત કદી ન ભૂલીએ: યહોવાએ વચન આપ્યું છે કે, તે ભાવિમાં કાયમ માટે ચિંતા કાઢી નાખશે. એટલું જ નહિ, પણ તે ચિંતાનો સામનો કરવા હમણાં મદદ કરશે. તે આપણને ‘ઇચ્છા અને બળ’ આપે છે. એનાથી આપણે નિરાશા અને ચિંતામાંથી બહાર આવી શકીએ છીએ.—ફિલિ. ૨:૧૩.

૧૯. રોમનો ૮:૩૭-૩૯ના શબ્દોથી આપણને કેવી ખાતરી મળે છે?

૧૯ રોમનો ૮:૩૭-૩૯ વાંચો. પ્રેરિત પાઊલે લખ્યું કે, એવી કોઈ વસ્તુ નથી, જે આપણને યહોવાના પ્રેમથી દૂર કરી શકે. ચિંતાનો સામનો કરી રહેલાં ભાઈ-બહેનોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? હવે પછીનો લેખ જણાવશે કે, યહોવાની જેમ આપણે કઈ રીતે દયા બતાવી શકીએ અને ભાઈ-બહેનોને મદદ કરી શકીએ.

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

^ ફકરો. 5 ખૂબ જ ચિંતા કે સ્ટ્રેસ લાંબા સમય સુધી રહે તો, એની શરીર અને મન પર ખરાબ અસર પડે છે. એવા સમયે યહોવા કઈ રીતે મદદ કરે છે? એલિયા ઘણી ચિંતામાં હતા ત્યારે, યહોવાએ કઈ રીતે મદદ કરી હતી, એ આપણે જોઈશું. બાઇબલના બીજા ઈશ્વરભક્તો પાસેથી શીખીશું કે ચિંતામાં હોઈએ ત્યારે યહોવા પાસે મદદ માંગવા શું કરવું જોઈએ.

^ ફકરો. 2 આ લેખમાં નામો બદલવામાં આવ્યાં છે.

^ ફકરો. 53 ચિત્રની સમજ: યહોવાનો દૂત પ્રેમથી એલિયાને ઉઠાડે છે; તેમને રોટલી અને પાણી આપે છે.

^ ફકરો. 55 ચિત્રની સમજ: આસાફના વંશજ ગીતો લખતા અને બીજા લેવીઓ સાથે ગાતા.