સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાનના ફાંદાથી કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકીએ?

શેતાનના ફાંદાથી કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકીએ?

ઇઝરાયેલીઓ યરદન નદી પાર કરવાની તૈયારીમાં જ હતા. વચનનો દેશ હવે બહુ દૂર ન હતો. એ વખતે અમુક સ્ત્રીઓ તેઓ પાસે આવી. તેઓ ઇઝરાયેલી ન હતી. તેઓએ ઇઝરાયેલી પુરુષોને જમવા બોલાવ્યા. એ પુરુષોને પહેલી નજરે એવું લાગ્યું હશે કે આ તો સરસ મોકો છે. નવા નવા મિત્રો મળશે, નાચગાન કરવા મળશે. અરે, સરસ મજાનું ભોજન ખાવા મળશે. એ સ્ત્રીઓ જે રીત-રિવાજો પાળતી હતી, એ તો ઈશ્વરના નિયમો પ્રમાણે ન હતા. અમુક ઇઝરાયેલી પુરુષોએ વિચાર્યું હશે કે, ‘અમને તેઓની અસર નહિ થાય. અમે ધ્યાન રાખીશું.’

પછી શું થયું? બાઇબલ જણાવે છે: તેઓ ‘મોઆબના લોકોની દીકરીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા.’ એ સ્ત્રીઓ તો ચાહતી હતી કે ઇઝરાયેલી પુરુષો જૂઠા દેવોની ભક્તિ કરવા લાગે. અને એવું જ થયું! એના લીધે ‘ઇઝરાયેલ પર યહોવાનો કોપ સળગી ઊઠ્યો.’—ગણ. ૨૫:૧-૩.

તેઓએ બે રીતે ઈશ્વરના નિયમો તોડ્યા: મૂર્તિપૂજા કરી અને વ્યભિચાર જેવાં ખરાબ કામો કર્યાં. ઈશ્વરને વફાદાર રહ્યા ન હોવાથી હજારો લોકો માર્યા ગયા. (નિર્ગ. ૨૦:૪, ૫, ૧૪; પુન. ૧૩:૬-૯) દુઃખની વાત તો એ હતી કે, તેઓએ પાપ કર્યું ત્યારે તેઓ વચનના દેશમાં પહોંચવાની અણીએ હતા. જો તેઓએ એમ કર્યું ન હોત, તો એ હજારો ઇઝરાયેલીઓ યરદન નદી પાર કરીને વચનના દેશમાં જઈ શક્યા હોત.—ગણ. ૨૫:૫, ૯.

એ અહેવાલ વિશે પાઊલે લખ્યું હતું: ‘તેઓ સાથે બનેલા એ બનાવો દાખલા માટે છે. એ બનાવો એ માટે લખવામાં આવ્યા કે આપણને, એટલે કે જેઓ દુનિયાના અંતના સમયમાં જીવી રહ્યા છે, તેઓને ચેતવણી મળે.’ (૧ કોરીં. ૧૦:૭-૧૧) અમુક ઇઝરાયેલીઓએ ગંભીર પાપ કર્યું અને તેઓને વચનના દેશમાં જવા મળ્યું નહિ. એ જોઈને શેતાન બહુ ખુશ થયો હશે. શેતાન આજે પણ ચાહે છે કે આપણે તેના ફાંદામાં ફસાઈએ અને નવી દુનિયાનો આશીર્વાદ ગુમાવીએ. એટલે આપણે ઇઝરાયેલીઓની ભૂલમાંથી બોધપાઠ શીખવો જોઈએ.

એક ખતરનાક ફાંદો

ઈશ્વરભક્તોને નુકસાન પહોંચાડવા શેતાન તાકીને બેઠો છે. આજે પણ શેતાનના ફાંદા બદલાયા નથી. આપણે અગાઉ જોઈ ગયા કે, ઇઝરાયેલીઓ આગળ તેણે વ્યભિચાર જેવાં ખરાબ કામની લાલચ મૂકી હતી. આજે આપણા સમયમાં પણ એવાં ખરાબ કામો વધી રહ્યાં છે. એક ખતરનાક ફાંદો છે, પોર્નોગ્રાફી.

આજકાલ એવું થઈ ગયું છે કે લોકો પોર્નોગ્રાફી જુએ અને આસપાસના લોકોને ખબર પણ ન પડે. ઘણાં વર્ષો પહેલાં એવું હતું કે અશ્લીલ ફિલ્મો જોવા લોકો સિનેમાઘરમાં જતા અને ખરાબ સાહિત્ય ખરીદવા દુકાને જતા. ત્યારે ઘણા લોકો એવું કરતા અચકાતા હતા, તેઓને ડર હતો કે કોઈ જોઈ જશે તો! પણ હવે મોટા ભાગના લોકો પાસે ઇન્ટરનેટ છે. વ્યક્તિ ચાહે તો ગમે ત્યાં અશ્લીલ સાહિત્ય, વીડિયો કે ફોટા જોઈ શકે છે, ભલે એ કામના સ્થળે હોય કે કારમાં હોય. ઘણા દેશોમાં તો લોકો ઘરબેઠા એ જોઈ શકે છે.

અધૂરામાં પૂરું મોબાઇલ કે ટેબ્લેટને લીધે પોર્નોગ્રાફી જોવું સહેલું બની ગયું છે. એટલે લોકો રસ્તે ચાલતા હોય કે પછી ટ્રેન-બસમાં મુસાફરી કરતા હોય, તેઓ અશ્લીલ ફોટા જોઈ શકે છે.

આજે લોકો સહેલાઈથી પોર્નોગ્રાફી જોઈ શકે છે અને બીજા લોકોને એની ખબર પણ નથી પડતી. એટલે પોર્નોગ્રાફીના લીધે વધારે નુકસાન થાય છે. પોર્નોગ્રાફી જોનાર ઘણા લોકોના લગ્‍નજીવનમાં તિરાડ પડે છે. તે પોતાની નજરમાંથી ઊતરી જાય છે અને તેનું દિલ ડંખે છે. સૌથી મોટું નુકસાન તો એ કે, ઈશ્વર સાથેનો તેનો સંબંધ ખતરામાં મૂકાય છે. એ તો પાકું છે કે પોર્નોગ્રાફી જોનારને ઘણું નુકસાન થાય છે. ઘણા કિસ્સામાં તો દિલ પર ઊંડા ઘા પડે છે. ઘણી વાર તો એ ઘા એટલા ઊંડા હોય છે કે એને રૂઝાતા વર્ષોનાં વર્ષો નીકળી જાય છે.

શેતાનના એ ખતરનાક ફાંદાથી બચવા યહોવા આપણને રક્ષણ પૂરું પાડે છે. જો આપણે ચાહતા હોઈએ કે યહોવા આપણું રક્ષણ કરે, તો આપણે ઇઝરાયેલીઓ જેવા ન બનવું જોઈએ. પણ આપણે તો યહોવાની બધી આજ્ઞાઓ પાળવી જોઈએ. (નિર્ગ. ૧૯:૫) આપણે જાણીએ છીએ કે યહોવા પોર્નોગ્રાફીને ધિક્કારે છે.

યહોવાની જેમ એને ધિક્કારો

યહોવાએ ઇઝરાયેલીઓને જે નિયમો આપ્યા હતા, એનો વિચાર કરીએ. બીજી પ્રજાઓના નિયમો કરતાં એ સાવ અલગ હતા. એ નિયમો ઇઝરાયેલીઓના રક્ષણ માટે હતા. એનાથી તેઓને શીખવા મળ્યું કે તેઓએ આસપાસના લોકો અને તેઓનાં ખરાબ કામોથી દૂર રહેવાનું હતું. (પુન. ૪:૬-૮) એ નિયમોથી જાણવા મળ્યું કે વ્યભિચાર જેવાં ખરાબ કામોને યહોવા ધિક્કારે છે.

ઇઝરાયેલીઓની આસપાસના લોકો જે ખરાબ કામો કરતા હતા એ વિશે યહોવાએ જણાવ્યું હતું. યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું: ‘કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું, એનાં કામોનું અનુકરણ પણ તમે ન કરો. દેશ અશુદ્ધ થયો છે. એ માટે હું એના પર અન્યાયની શિક્ષા લાવું છું.’ ઇઝરાયેલીઓના પવિત્ર ઈશ્વર યહોવાની નજરે કનાનીઓની રહેણી-કરણી એકદમ ખરાબ હતી. એટલે તેમણે કહ્યું કે એ દેશ અશુદ્ધ અને ખરાબ થઈ ગયો છે.—લેવી. ૧૮:૩, ૨૫.

યહોવાએ કનાનીઓને સજા કરી તોપણ લોકો વ્યભિચાર જેવાં ખરાબ કામો કરતા રહ્યા. ૧,૫૦૦ કરતાં વધારે વર્ષો પછી પાઊલે તેમના જમાનાના લોકો વિશે જણાવ્યું કે, “તેઓએ શરમ બાજુ પર મૂકી દીધી છે અને બેકાબૂ બનીને દરેક પ્રકારનાં અશુદ્ધ કામો કરવા પોતાને બેશરમ કામોને સોંપી દીધા છે.” (એફે. ૪:૧૭-૧૯) આજે પણ ઘણા લોકો વ્યભિચાર જેવાં ખરાબ કામો કરે છે અને તેઓને સહેજેય શરમ આવતી નથી. સાચા ઈશ્વરભક્તો તરીકે આપણે ખરાબ સાહિત્ય, વીડિયો કે ફોટાથી દૂર રહેવું જોઈએ.

જેઓ પોર્નોગ્રાફી જુએ છે, તેઓ ઈશ્વરનું અપમાન કરે છે. તેમણે માણસોને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા છે. તેમણે આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે ખરું-ખોટું પારખી શકીએ છીએ. ઈશ્વરે આપણને સેક્સને લગતા નિયમો આપ્યા છે. યહોવા ચાહતા હતા કે જાતીય સંબંધ ફક્ત પતિ-પત્ની વચ્ચે જ હોવો જોઈએ. એટલે તેમણે એ નિયમો આપ્યા હતા. (ઉત. ૧:૨૬-૨૮; નીતિ. ૫:૧૮, ૧૯) લોકો પોર્નોગ્રાફી બનાવે છે અને એ જોવા બીજાઓને લલચાવે છે. એવા લોકો ઈશ્વરનાં ખરાં ધોરણોને ગણકારતા નથી અને તેમનું અપમાન કરે છે. તેઓને ઈશ્વર જરૂર શિક્ષા કરશે.—રોમ. ૧:૨૪-૨૭.

જે લોકો જાણીજોઈને પોર્નોગ્રાફી જુએ છે કે એવું અશ્લીલ સાહિત્ય વાંચે છે, એવા લોકો વિશે શું? અમુક લોકો માને છે કે એ તો એક જાતનું મનોરંજન છે, જેનાથી નુકસાન થતું નથી. પણ હકીકતમાં તો તેઓ એવા લોકોને ટેકો આપે છે, જેઓ યહોવાનાં ધોરણોને માન આપતા નથી. તેઓ પોર્નોગ્રાફી જોવાનું શરૂ કરે છે ત્યારે એવા લોકોને ટેકો આપવાનો તેઓના દિલમાં વિચાર પણ હોતો નથી. બાઇબલ જણાવે છે કે સાચા ઈશ્વરભક્તોએ પોર્નોગ્રાફીને ધિક્કારવી જોઈએ. એમાં જણાવ્યું છે: ‘હે યહોવાને પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો.’—ગીત. ૯૭:૧૦.

પોર્નોગ્રાફીથી દૂર રહેવું અઘરું છે, કારણ કે આપણા બધામાં પાપની અસર છે. એટલે સેક્સ વિશેની ખોટી ઇચ્છાઓ કાબૂમાં રાખવા આપણે મહેનત કરવી પડે છે. કદાચ આપણે છટકબારી શોધીએ અને વિચારીએ કે પોર્નોગ્રાફી જોવામાં કંઈ ખોટું નથી. (યિર્મે. ૧૭:૯) ઘણા લોકો સત્ય શીખ્યા પછી એ ઇચ્છાઓને કાબૂમાં રાખી શક્યા છે. જો તમે પણ એ લાલચનો સામનો કરી રહ્યા હો, તો તેઓના દાખલાથી તમને પણ ઉત્તેજન મળશે. શેતાનના એ ફાંદાથી બચવા બાઇબલ આપણને કઈ રીતે મદદ કરે છે, ચાલો એના વિશે જોઈએ.

ગંદાં કામો વિશે વિચારશો નહિ

આગળ જોઈ ગયા તેમ ઘણા ઇઝરાયેલીઓએ પોતાના મનમાં ખોટી ઇચ્છાઓ થવા દીધી. એનાથી ઘણું ખરાબ પરિણામ આવ્યું. જો ધ્યાન ન રાખીએ તો આપણી સાથે પણ એવું થઈ શકે. ઈસુના સાવકા ભાઈ યાકૂબે એ વિશે જણાવ્યું: “દરેક જણ પોતાની ઇચ્છાથી લલચાઈને કસોટીમાં ફસાય છે. પછી, એ ઇચ્છા વધે છે ત્યારે પાપને જન્મ આપે છે.” (યાકૂ. ૧:૧૪, ૧૫) જો કોઈ વ્યક્તિ મનમાં ખોટી જાતીય ઇચ્છાઓ વધવા દેશે, તો સમય જતાં તે પાપ કરી બેસશે. એવી કોઈ પણ બાબત વિશે વિચારો આવે કે તરત આપણે એના વિશે વિચારવાનું બંધ કરી દેવું જોઈએ.

જો આપણને ખબર પડે કે આપણા મનમાં ગંદા વિચારો આવી રહ્યા છે, તો તરત પગલાં ભરવાં જોઈએ. ઈસુએ કહ્યું હતું: “જો તારો હાથ કે પગ તને ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે. . . . જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો એને કાઢી નાખ અને તારી પાસેથી એને દૂર ફેંકી દે.” (માથ. ૧૮:૮, ૯) ઈસુ એમ કહેતા ન હતા કે આપણે પોતાના શરીરને નુકસાન પહોંચાડવું જોઈએ. ઈસુ તો એક ઉદાહરણ આપી રહ્યા હતા. એનાથી તે સમજાવવા માંગતા હતા કે શાના કારણે આપણા મનમાં ગંદા વિચારો આવી રહ્યા છે એ જાણવું જોઈએ. પછી એને લગતા જરૂરી ફેરફારો કરવા જોઈએ. તેમની એ સલાહ કઈ રીતે લાગુ પાડી શકાય?

ખરાબ સાહિત્ય, વીડિયો કે એના જેવા બીજા કશાકની લાલચ આવે ત્યારે, આપણે એમ ન વિચારીએ કે, ‘હું તો એ લાલચમાં નહિ ફસાઉં.’ તરત જ નજર હટાવી લો. ટીવી બંધ કરવામાં જરાય મોડું કરશો નહિ. ફટાફટ કોમ્પ્યુટર અને મોબાઇલ બંધ કરી દો. સારી બાબતો પર ધ્યાન આપો. એમ કરવાથી ખોટી ઇચ્છા તમારા પર કાબૂ જમાવશે નહિ, પણ તમે એને કાબૂમાં રાખી શકશો.

જો તમે અગાઉ પોર્નોગ્રાફી જોઈ હોય અને આજે પણ એના વિચારો મનમાં આવે, તો શું કરશો?

પોર્નોગ્રાફી જોવાનું તમે બંધ કરી દીધું હોય, તોપણ કોઈક વાર એવા વિચારો મનમાં આવી જાય તો શું કરશો? એવા ગંદા વિચારો અને ફોટા લાંબા સમય સુધી મનમાં રહે છે. કોઈ પણ સમયે એ યાદ આવી શકે છે. એના લીધે હસ્તમૈથુન જેવા ગંદા કામ કરવાની ઇચ્છા થઈ શકે. હંમેશાં યાદ રાખીએ કે, એવા ખરાબ વિચારો અચાનક આપણા મનમાં આવે તો એની સામે લડવા તૈયાર રહેવું જોઈએ.

ઈશ્વરને ગમે છે એવાં વિચારો અને કામો કરવાની મનમાં ગાંઠ વાળીએ. આપણે પ્રેરિત પાઊલ જેવું કરવું જોઈએ. તેમણે કહ્યું હતું: “હું મારા શરીરને મુક્કા મારું છું અને એને ગુલામ બનાવું છું.” (૧ કોરીં. ૯:૨૭) ખરાબ વિચારોને પોતાના પર હાવી થવા દેશો નહિ. “પોતાના વિચારોમાં ફેરફાર કરો, જેથી તમે પોતે પારખી શકો કે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા શી છે.” (રોમ. ૧૨:૨) યાદ રાખો કે ખરાબ કામો કરવાથી ખુશી મળતી નથી. પણ યહોવાને ગમે એવાં કામ કરવાથી અને એવા વિચારો કેળવવાથી ખુશી અને સંતોષ મળે છે.

ખરાબ કામો કરવાથી ખુશી મળતી નથી. પણ યહોવાને ગમે એવાં કામ કરવાથી અને એવા વિચારો કેળવવાથી ખુશી અને સંતોષ મળે છે

બાઇબલની અમુક કલમો યાદ રાખો. જ્યારે પણ તમારા મનમાં ખોટા વિચારો આવે કે તરત એ કલમોનો વિચાર કરો. ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭; યશાયા ૫૨:૧૧; માથ્થી ૫:૨૮; એફેસીઓ ૫:૩; કોલોસીઓ ૩:૫ અને ૧ થેસ્સાલોનિકીઓ ૪:૪-૮ જેવી કલમોથી તમને મદદ મળશે. એનાથી તમે ખરાબ બાબતોને યહોવાની જેમ ધિક્કારશો. યહોવા તમારી પાસેથી શું ચાહે છે એ સમજી શકશો.

ખરાબ બાબતો જોવાથી કે વિચારવાથી તમે પોતાને રોકી શકતા ન હો તો શું કરવું જોઈએ? ઈસુના પગલે ચાલો. (૧ પીત. ૨:૨૧) ઈસુએ બાપ્તિસ્મા લીધું એ પછી શેતાને અનેક વાર તેમની આગળ લાલચો મૂકી. પણ ઈસુએ શું કર્યું? તેમણે એ લાલચોનો સામનો કર્યો. એમ કરતી વખતે તેમણે વારંવાર શાસ્ત્રવચનો ટાંક્યા. તેમણે કહ્યું: “અહીંથી ચાલ્યો જા, શેતાન!” અને શેતાન ત્યાંથી ચાલ્યો ગયો. શેતાનની લાલચો સામે ઈસુ હારી ગયા નહિ. તમારે પણ ઈસુ જેવું જ કરવાનું છે. (માથ. ૪:૧-૧૧) શેતાન અને તેની દુનિયા આપણા મનમાં ખરાબ વિચારો લાવવા પ્રયત્નો કરતા જ રહેશે, એમ કરવાનું છોડશે નહિ. પણ એ લડાઈમાં હિંમત હારતા નહિ. પોર્નોગ્રાફી સામેની લડાઈ તમે જીતી શકો છો. યહોવાની મદદથી તમે તમારા દુશ્મનને હરાવી શકો છો.

યહોવાને પ્રાર્થના કરો અને તેમની આજ્ઞાઓ પાળો

પ્રાર્થનામાં યહોવા આગળ તમારું દિલ ઠાલવો. પાઊલે કહ્યું હતું: “તમારી અરજો ઈશ્વરને જણાવો; અને ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.” (ફિલિ. ૪:૬, ૭) લાલચોનો સામનો કરવા યહોવા તમને મનની શાંતિ આપશે. જો તમે યહોવાની પાસે જશો, તો “તે તમારી પાસે આવશે.”—યાકૂ. ૪:૮.

શેતાનના ફાંદાઓથી રક્ષણ મેળવવું હોય તો આપણે સૃષ્ટિના રચનાર સાથે નજીકનો સંબંધ કેળવવો જોઈએ. ઈસુએ કહ્યું, “આ દુનિયાનો શાસક [શેતાન] આવે છે અને તેને મારા પર કોઈ અધિકાર નથી.” (યોહા. ૧૪:૩૦) શા માટે ઈસુ ખાતરીથી એવું કહી શક્યા? તેમણે સમજાવ્યું હતું: “મને મોકલનાર મારી સાથે છે; તેમણે મને એકલો મૂકી દીધો નથી, કારણ કે હું હંમેશાં એવાં જ કામો કરું છું જે તેમને પસંદ છે.” (યોહા. ૮:૨૯) યહોવા ખુશ થાય એવી બાબતો કરતા રહીશું તો તે આપણને ક્યારેય છોડશે નહિ. પોર્નોગ્રાફીના ફાંદાથી દૂર રહો. શેતાન તમને ફસાવી શકશે નહિ.