સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૭

સતાવણી માટે હમણાંથી જ પોતાને તૈયાર કરો

સતાવણી માટે હમણાંથી જ પોતાને તૈયાર કરો

“જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ભક્તિભાવથી જીવવા ચાહે છે, તેઓ બધાની ચોક્કસ સતાવણી થશે.”—૨ તિમો. ૩:૧૨.

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

ઝલક *

૧. સતાવણી વિશે આપણે શું જાણીએ છીએ?

ઈસુ મરણ પામ્યા એની આગલી રાતે તેમણે એક વાત જણાવી હતી. તેમણે જણાવ્યું કે જેઓ તેમના શિષ્યો બનવા માંગશે, તેઓને ધિક્કારવામાં આવશે. (યોહા. ૧૭:૧૪) આજ સુધી એવું જ થતું આવ્યું છે. યહોવાને ન ભજનારા લોકો વફાદાર ભક્તોની સતાવણી કરતા આવ્યા છે. (૨ તિમો. ૩:૧૨) જેમ જેમ આ દુનિયાનો અંત નજીક આવતો જશે, તેમ તેમ આપણા દુશ્મનોનો વિરોધ વધતો જશે.—માથ. ૨૪:૯.

૨-૩. (ક) ડર વિશે આપણે શું જાણવું જોઈએ? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

સતાવણી માટે કઈ રીતે પોતાને તૈયાર કરી શકીએ? આપણી સાથે થનાર એકેએક ખરાબ બાબત વિશે વિચારવા બેસી ન જવું જોઈએ. એમ કરીશું તો ડર અને ચિંતામાં ડૂબી જઈશું. એટલી હદે કે કોઈ મુશ્કેલી આવે એ પહેલાં જ યહોવાની ભક્તિ છોડી દઈશું. (નીતિ. ૧૨:૨૫; ૧૭:૨૨) આપણો “દુશ્મન શેતાન” આપણી વિરુદ્ધ એક શક્તિશાળી હથિયાર વાપરે છે, એ છે ડર. (૧ પીત. ૫:૮, ૯) હિંમત રાખવા આપણે શું કરી શકીએ?

આ લેખમાં જોઈશું કે યહોવા સાથેનો સંબંધ કઈ રીતે મજબૂત કરી શકાય અને હમણાં એમ કરવું શા માટે જરૂરી છે. એ પણ જોઈશું કે હિંમત વધારવા આપણે શું કરી શકીએ. છેલ્લે શીખીશું કે આપણને ધિક્કારવામાં આવે ત્યારે કઈ રીતે સહન કરી શકીએ.

યહોવા સાથેનો સંબંધ કઈ રીતે મજબૂત કરશો?

૪. હિબ્રૂઓ ૧૩:૫, ૬ પ્રમાણે આપણે કેવી ખાતરી રાખવી જોઈએ? એ કેમ મહત્ત્વનું છે?

ખાતરી રાખો કે યહોવા તમને પ્રેમ કરે છે અને તમને કદી છોડશે નહિ. (હિબ્રૂઓ ૧૩:૫, ૬ વાંચો.) ઘણાં વર્ષો પહેલાં ચોકીબુરજના એક લેખમાં જણાવ્યું હતું: ‘જે વ્યક્તિ ઈશ્વરને સારી રીતે ઓળખશે, તે સતાવણીના સમયે તેમના પર પૂરી શ્રદ્ધા રાખશે.’ એ વાત સો ટકા સાચી છે! આપણે પૂરા દિલથી યહોવાને પ્રેમ કરવો જોઈએ અને તેમના પર પૂરો ભરોસો રાખવો જોઈએ. યહોવાને આપણા માટે પ્રેમ છે, એ વિશે જરાય શંકા ન કરવી જોઈએ. એનાથી સતાવણી સહેવા આપણને મદદ મળશે.—માથ. ૨૨:૩૬-૩૮; યાકૂ. ૫:૧૧.

૫. યહોવાના પ્રેમનો અનુભવ કરવા તમારે શું કરવું જોઈએ?

યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા દરરોજ બાઇબલ વાંચો. (યાકૂ. ૪:૮) બાઇબલ વાંચતી વખતે યહોવાના પ્રેમાળ ગુણો પર ધ્યાન આપો. તેમનાં કાર્યો અને વાતો વિશે વાંચો તેમ, આપણા માટેનો તેમનો પ્રેમ અને લાગણી અનુભવો. (નિર્ગ. ૩૪:૬) અમુક લોકો માટે એ માનવું અઘરું છે કે ઈશ્વર તેમને પ્રેમ કરે છે. બની શકે કે, તેઓને કોઈનો પ્રેમ મળ્યો ન હોય. જો તમને પણ એવું લાગતું હોય તો શું કરી શકો? યહોવાએ તમને કેવી રીતે દયા અને કૃપા બતાવી છે, એ વિશે દિવસના અંતે કાગળમાં લખી લો. (ગીત. ૭૮:૩૮, ૩૯; રોમ. ૮:૩૨) તમને થયેલા અનુભવો અને બાઇબલમાંથી વાંચેલી માહિતી પર મનન કરો. એનાથી જોઈ શકશો કે યહોવાએ તમારા માટે કેટલું બધું કર્યું છે! યહોવાએ તમારા માટે જે કર્યું છે એની દિલથી કદર કરો. એમ કરશો તો યહોવા સાથેનો તમારો સંબંધ મજબૂત થશે.—ગીત. ૧૧૬:૧, ૨.

૬. ગીતશાસ્ત્ર ૯૪:૧૭-૧૯ પ્રમાણે પૂરા દિલથી પ્રાર્થના કરવાથી કેવો ફાયદો થશે?

નિયમિત પ્રાર્થના કરો. કલ્પના કરો કે નાના છોકરાને તેના પિતાએ પ્રેમથી બાથમાં લીધો છે. છોકરાને કોઈ જાતનો ડર નથી. તે પિતાને કોઈ પણ વાત કહેતા અચકાતો નથી. દિવસ દરમિયાન થયેલી સારી-ખરાબ બધી વાતો તેમને કહે છે. તમે પણ એવા જ ગાઢ સંબંધનો અનુભવ કરી શકો છો. એ માટે દરરોજ પ્રાર્થનામાં યહોવા આગળ લાગણીઓ ઠાલવો. (ગીતશાસ્ત્ર ૯૪:૧૭-૧૯ વાંચો.) પ્રાર્થનામાં યહોવા આગળ ‘તમારું દિલ પાણીની જેમ રેડી દો.’ તમારા પ્રેમાળ પિતાને તમારી બધી ચિંતાઓ અને ડર વિશે જણાવો. (યિ.વિ. ૨:૧૯) એનાથી કેવો ફાયદો થશે? બાઇબલ કહે છે, “ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે,” એનો તમે અનુભવ કરશો. (ફિલિ. ૪:૬, ૭) પ્રાર્થના કરતા જશો તેમ પોતાને યહોવાની નજીક મહેસૂસ કરશો!—રોમ. ૮:૩૮, ૩૯.

યહોવા અને તેમના રાજ્યમાં ભરોસો રાખવાથી હિંમત મળે છે

ઈશ્વરના રાજ્યમાં ભરોસો રાખવાથી સ્ટેનલી જોન્સે પોતાને મજબૂત કર્યા (ફકરા ૭ જુઓ)

૭. ઈશ્વરનાં વચનો ચોક્કસ પૂરાં થશે એવી ખાતરી કેમ રાખવી જોઈએ?

ખાતરી રાખો કે ઈશ્વરના રાજ્યમાં ચોક્કસ આશીર્વાદો મળશે. (ગણ. ૨૩:૧૯) જો તમને પાકી ખાતરી નહિ હોય, તો શેતાન અને તેના લોકો તમને સહેલાઈથી ડરાવી દેશે. (નીતિ. ૨૪:૧૦; હિબ્રૂ. ૨:૧૫) કઈ રીતે ઈશ્વરના રાજ્ય માટે તમારો ભરોસો મજબૂત કરી શકો? એમ કરવા અત્યારથી જ સમય કાઢો. ઈશ્વરે પોતાના રાજ્ય વિશે જે વચનો આપ્યાં છે, એનો અભ્યાસ કરો. એ વચનો ચોક્કસ પૂરાં થશે એવી ખાતરી કઈ રીતે રાખી શકો, એનાં કારણો પર વિચાર કરો. એમ કરવાથી કેવો ફાયદો થશે? ચાલો સ્ટેનલી જોન્સનો અનુભવ જોઈએ. યહોવાને ભજતા હોવાથી તેમણે સાત વર્ષની કેદ ભોગવી હતી. * તેમણે પૂરી વફાદારીથી એ કસોટી સહન કરી. એ વિશે તેમણે જણાવ્યું: ‘ઈશ્વરના રાજ્ય વિશે અને એનાથી મળનાર આશીર્વાદો વિશે મને પૂરી ખાતરી હતી. એ વિશે મને ક્યારેય શંકા થઈ નહિ. એટલે મારી શ્રદ્ધા અડગ હતી. કોઈ પણ મને યહોવાથી અલગ કરી શકે એમ ન હતું.’ જો તમને પણ યહોવાનાં વચનોમાં પૂરી શ્રદ્ધા હશે, તો તમે યહોવાની નજીક જઈ શકશો. તેમ જ, ડરને લીધે તમે ક્યારેય યહોવાની ભક્તિ કરવાનું છોડશો નહિ.—નીતિ. ૩:૨૫, ૨૬.

૮. સભાઓને આપણે કેવી ગણવી જોઈએ? સમજાવો.

સભામાં નિયમિત જાઓ. સભાઓ આપણને યહોવાની નજીક જવા મદદ કરે છે. સભાઓને આપણે મહત્ત્વની ગણતા હોઈશું તો ભાવિમાં સતાવણીનો સામનો કરવા મદદ મળશે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) એવું શા પરથી કહી શકાય? બની શકે કે, નાની નાની બાબતો સભામાં જવાથી આપણને રોકતી હોય. તો પછી વિચારો, ભવિષ્યમાં મોટાં મોટાં જોખમો આવશે ત્યારે શું થશે? જો આપણે હમણાંથી જ સભામાં હાજર રહેવાની મનમાં ગાંઠ વાળી હશે, તો ભવિષ્યમાં દુશ્મનો આપણને ભેગા મળવાથી રોકી શકશે નહિ. તો ચાલો સભામાં નિયમિત જવાનો પાકો નિર્ણય કરીએ. એમ કરીશું તો કોઈ પણ વિરોધ કે પ્રતિબંધ આપણને ઈશ્વરનો નિયમ પાળવાથી રોકી શકશે નહિ.—પ્રે.કા. ૫:૨૯.

ગીતો અને કલમો હમણાં મોઢે કરવાથી સતાવણી વખતે કામ લાગશે (ફકરા ૯ જુઓ) *

૯. શા માટે મનગમતી કલમો મોઢે કરવી જોઈએ?

મનગમતી કલમો મોઢે કરી લો. (માથ. ૧૩:૫૨) બની શકે કે આપણને બધું યાદ રહેતું ન હોય. પણ યહોવાની પવિત્ર શક્તિ આપણને કલમો યાદ અપાવશે. (યોહા. ૧૪:૨૬) એક ભાઈનો દાખલો લઈએ. પૂર્વ જર્મનીમાં તેમને કેદ થઈ. તેમને એક કોટડીમાં એકલા પૂરવામાં આવ્યા. તેમણે કહ્યું: ‘કેદ થઈ એ પહેલાંથી મને ઘણી કલમો મોઢે હતી. એનાથી મને ઘણો ફાયદો થયો. ભલે હું એકલો હતો, પણ બાઇબલના અલગ અલગ વિષયો પર વિચાર કર્યા કરતો.’ યહોવાની નજીક રહેવા અને વફાદારીથી ટકી રહેવા તેમને કલમોથી ખૂબ મદદ મળી.

(ફકરા ૧૦ જુઓ) *

૧૦. શા માટે ગીતો મોઢે કરવા જોઈએ?

૧૦ સ્તુતિ-ગીતો મોઢે કરો અને ગાઓ. પાઊલ અને સિલાસને ફિલિપીમાં કેદ કરવામાં આવ્યા ત્યારે તેઓએ ગીતો ગાયાં હતાં. એ સ્તુતિ-ગીતો તેઓને યાદ હતાં. (પ્રે.કા. ૧૬:૨૫) અગાઉના સોવિયેટ સંઘમાં આપણા ભાઈઓને સાઇબિરિયા મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ કઈ રીતે હિંમત રાખી શક્યા? એ યાદ કરતા મારિયા ફેડન કહે છે: ‘ગીત પુસ્તિકાનાં જે ગીતો અમને યાદ હતાં, એ અમે ગાતાં.’ બહેને કહ્યું કે એ ગીતોથી બધાને ઉત્તેજન મળ્યું અને યહોવાની નજીક રહેવા મદદ મળી. મનગમતાં ગીતો ગાઈએ છીએ ત્યારે આપણી હિંમત વધે છે, ખરું ને! તો પછી હમણાંથી જ ગીતો મોઢે કરી લો!—“ યહોવા, તું હિંમત આપ” બૉક્સ જુઓ.

હિંમત વધારવા શું કરશો?

૧૧-૧૨. (ક) પહેલો શમૂએલ ૧૭:૩૭, ૪૫-૪૭ પ્રમાણે દાઊદને ક્યાંથી હિંમત મળી? (ખ) દાઊદના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૧ સતાવણી સહેવા તમને હિંમતની જરૂર પડશે. જો તમને લાગે કે તમારી હિંમત ખૂટી ગઈ છે તો શું કરી શકો? યાદ રાખો કે, તમારાં કદ, તાકાત કે આવડતના જોર પર ખરી હિંમત મળતી નથી. ચાલો દાઊદનો વિચાર કરીએ. તે યુવાન હતા ત્યારે તેમણે ગોલ્યાથનો સામનો કર્યો હતો. એ કદાવર ગોલ્યાથ સામે દાઊદ તો એકદમ નાના અને નબળા લાગતા હતા. અરે, તેમની પાસે તો પૂરતાં હથિયાર પણ ન હતાં, તલવાર પણ ન હતી. પરંતુ તેમની પાસે ખૂબ હિંમત હતી. એ ઘમંડી માણસ સામે લડવા દાઊદ હિંમતથી દોડી ગયા.

૧૨ દાઊદ પાસે આટલી બધી હિંમત ક્યાંથી આવી? તેમને પાકી ખાતરી હતી કે યહોવા તેમની સાથે છે. (૧ શમૂએલ ૧૭:૩૭, ૪૫-૪૭ વાંચો.) દાઊદે એ ધ્યાન ન આપ્યું કે તેમની સરખામણીમાં ગોલ્યાથ કેટલો કદાવર છે. પણ યહોવા ગોલ્યાથ કરતાં કેટલા મોટા છે, એના પર તેમણે ધ્યાન આપ્યું. આ દાખલામાંથી શું શીખી શકીએ? આપણે ખાતરી રાખીએ કે યહોવા આપણી સાથે છે. તેમની સામે દુશ્મનોની કંઈ જ વિસાત નથી. આવી ખાતરી રાખવાથી આપણને હિંમત મળશે. (૨ કાળ. ૨૦:૧૫; ગીત. ૧૬:૮) સતાવણી આવે એ પહેલાં આપણે કઈ રીતે હિંમત વધારી શકીએ?

૧૩. હિંમત વધારવા આપણે શું કરી શકીએ? સમજાવો.

૧૩ ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાથી આપણી હિંમત વધે છે. આપણે યહોવા પર ભરોસો રાખી શકીએ છીએ અને માણસોનો ડર લાગતો નથી. (નીતિ. ૨૯:૨૫) કસરત કરવાથી આપણા સ્નાયુઓ મજબૂત થાય છે. એવી જ રીતે, ખુશખબર ફેલાવવાથી આપણી હિંમત વધે છે. આપણે ઘરે-ઘરે, જાહેરમાં, બજારમાં અને જ્યાં લોકો મળે ત્યાં સંદેશો જણાવીએ છીએ. જો હમણાં હિંમતથી સંદેશો ફેલાવીશું, તો આપણા કામ પર પ્રતિબંધ હશે ત્યારે પણ એમ કરતા ડરીશું નહિ.—૧ થેસ્સા. ૨:૧, ૨.

ખુશખબર જણાવતા નેન્સી યુએન અટક્યા નહિ (ફકરા ૧૪ જુઓ)

૧૪-૧૫. બે વફાદાર બહેનોના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૪ બે વફાદાર બહેનોએ બતાવેલી હિંમત પરથી આપણે ઘણું શીખી શકીએ છીએ. નેન્સી યુએન આશરે પાંચ ફૂટનાં હતાં, છતાં તેમનામાં ખૂબ હિંમત હતી. * ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાનું તેમણે બંધ કર્યું નહિ. એટલે સામ્યવાદી ચીનમાં તેમને વીસેક વર્ષની સજા થઈ. તેમની પૂછપરછ કરનારા અધિકારીઓએ જણાવ્યું કે તે તો દેશની “સૌથી જિદ્દી વ્યક્તિ છે.”

વેલેન્ટીના ગાર્નોવસ્કાયાને ખાતરી હતી કે યહોવા તેમની સાથે છે (ફકરા ૧૫ જુઓ)

૧૫ અગાઉના સોવિયેટ સંઘમાં વેલેન્ટીના ગાર્નોવસ્કાયાને ત્રણ વખત કેદમાં પૂરવામાં આવ્યાં. તેમણે આશરે ૨૧ વર્ષ જેલમાં કાઢ્યાં. * ખુશખબર ફેલાવવા તે એટલા મક્કમ હતાં કે અધિકારીઓ તેમને “સૌથી ખતરનાક ગુનેગાર” ગણતાં હતાં. આ બે વફાદાર બહેનોને ક્યાંથી હિંમત મળી? તેઓને પૂરી ખાતરી હતી કે યહોવા તેઓની પડખે છે.

૧૬. આપણને ખરી હિંમત ક્યાંથી મળી શકે?

૧૬ અગાઉ જોઈ ગયા તેમ, હિંમત વધારવા પોતાની તાકાત અને આવડત પર ભરોસો ન રાખવો જોઈએ. એને બદલે યહોવા આપણી સાથે છે અને તે આપણા માટે લડશે, એવો ભરોસો રાખવો જોઈએ. (પુન. ૧:૨૯, ૩૦; ઝખા. ૪:૬) એનાથી આપણને ખરી હિંમત મળશે.

લોકો તમને ધિક્કારે ત્યારે શું કરશો?

૧૭-૧૮. યોહાન ૧૫:૧૮-૨૧માં ઈસુએ કેવી ચેતવણી આપી છે? સમજાવો.

૧૭ બીજાઓ તરફથી મળતું માન કોને નથી ગમતું! પણ કોઈ આપણને માન ન આપે તો એવું ન વિચારીએ કે, આપણે નકામા છીએ. ઈસુએ કહ્યું: “જ્યારે માણસના દીકરાને લીધે લોકો તમારો ધિક્કાર કરે, તમને તેઓ વચ્ચેથી કાઢી મૂકે, નિંદા કરે અને દુષ્ટ ગણીને તમારું નામ બદનામ કરે, ત્યારે તમે સુખી છો.” (લુક ૬:૨૨) ઈસુના શબ્દોનો શો અર્થ થાય?

૧૮ ઈસુ એમ કહેવા માંગતા ન હતા કે લોકો આપણને ધિક્કારે તો એનાથી આપણે ખુશ થઈશું. પણ તે તો આપણને ચેતવણી આપી રહ્યા હતા. ઈસુએ જાહેર કરેલી ખુશખબર આપણે લોકોને જણાવીએ છીએ. આપણે ઈસુના શિક્ષણ પ્રમાણે જીવીએ છીએ. આપણે આ દુનિયાનો ભાગ નથી. એ બધાને લીધે દુનિયા આપણને ધિક્કારે છે. (યોહાન ૧૫:૧૮-૨૧ વાંચો.) આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. યહોવા માટેના પ્રેમને લીધે લોકો આપણને ધિક્કારે ત્યારે, આપણને કોઈ ફરક પડતો નથી.

૧૯. આપણે કઈ રીતે પ્રેરિતોના પગલે ચાલી શકીએ?

૧૯ લોકો વાતો કે કામોથી આપણને શરમાવવાનો પ્રયત્ન કરે છે. પણ યહોવાના સાક્ષી તરીકે પોતાને ઓળખાવતા કદી શરમાવું ન જોઈએ. (મીખા. ૪:૫) માણસોનો ડર ન રાખવા આપણને પ્રેરિતો પાસેથી શીખવા મળે છે. ઈસુના મરણ પછીનો એ સમય હતો. પ્રેરિતો જાણતા હતા કે યહુદી ધર્મગુરુઓ તેઓને ખૂબ ધિક્કારે છે. (પ્રે.કા. ૫:૧૭, ૧૮, ૨૭, ૨૮) છતાં તેઓ રોજ મંદિરે જતા અને જાહેરમાં પોતાને ઈસુના શિષ્યો તરીકે ઓળખાવતા. (પ્રે.કા. ૫:૪૨) તેઓએ ડરને આડે ન આવવા દીધો. આપણે સ્કૂલે, કામે કે અડોશ-પડોશમાં પોતાને યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવું જોઈએ. એવું નિયમિત રીતે અને જાહેરમાં કરવાથી આપણે પણ મનમાંથી માણસોનો ડર કાઢી શકીએ છીએ.—પ્રે.કા. ૪:૨૯; રોમ. ૧:૧૬.

૨૦. લોકો ધિક્કારતા હતા છતાં પ્રેરિતો કેમ ખુશ હતા?

૨૦ પ્રેરિતો શા માટે ખુશ હતા? તેઓને ધિક્કારવામાં આવે છે એનું કારણ તેઓ જાણતા હતા. તેઓ યહોવાની ઇચ્છા પૂરી કરતા હતા, એટલે તેઓ સાથે ખરાબ વર્તન થતું હતું. એને તેઓ માન ગણતા હતા. (લુક ૬:૨૩; પ્રે.કા. ૫:૪૧) પ્રેરિત પીતરે લખ્યું: “જો તમારે ખરા માર્ગે ચાલવાને લીધે સહેવું પડે, તો તમને ધન્ય છે.” (૧ પીત. ૨:૧૯-૨૧; ૩:૧૪) ઈશ્વરના માર્ગે ચાલવાને લીધે આપણને ધિક્કારવામાં આવે છે. એ વાત સમજી જઈશું તો, માણસોનો ડર આપણને ઈશ્વરની ભક્તિ કરતા રોકી નહિ શકે.

તૈયારી કરવાથી તમને ફાયદો થશે

૨૧-૨૨. (ક) સતાવણી માટે તૈયાર રહેવા તમે શું નક્કી કર્યું છે? (ખ) હવે પછીના લેખમાં આપણે શું જોઈશું?

૨૧ તકલીફોનું મોજું ક્યારે ફરી વળે, એ આપણે જાણતા નથી! એ લોકો તરફથી સતાવણી હોય શકે કે પછી સરકાર તરફથી પ્રતિબંધ હોય શકે. પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે, આપણે સતાવણી માટે તૈયાર રહેવાનું છે. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરીને, હિંમત વધારીને અને લોકો તરફથી મળતો ધિક્કાર સહન કરીને આપણે તૈયાર થઈ શકીએ છીએ. યાદ રાખીએ, આજે કરેલી તૈયારી આવતીકાલે કામ આવશે!

૨૨ ભક્તિ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે ત્યારે શું? હવે પછીના લેખમાં જોઈશું કે, પ્રતિબંધ વખતે યહોવાની ભક્તિ કરતા રહેવા આપણને કયા સિદ્ધાંતો મદદ કરશે.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

^ ફકરો. 5 આપણે ઇચ્છતા નથી કે લોકો આપણને ધિક્કારે. પણ, આજે નહિ તો કાલે, આપણે સતાવણીનો સામનો કરવો જ પડશે. સતાવણીનો હિંમતથી સામનો કરવા આ લેખ આપણને મદદ કરશે.

^ ફકરો. 7 ડિસેમ્બર ૧૫, ૧૯૬૫ ચોકીબુરજ (અંગ્રેજી) પાન ૭૫૬-૭૬૭ જુઓ.

^ ફકરો. 14 જુલાઈ ૧૫, ૧૯૭૯ ચોકીબુરજ (અંગ્રેજી) પાન ૪-૭ જુઓ. JW બ્રૉડકાસ્ટિંગ પર અંગ્રેજીમાં આ વીડિયો પણ જુઓ: જેહોવાસ નેમ વીલ બી મેડ નોન. ઇન્ટરવ્યૂ અને અનુભવો વિભાગ જુઓ.

^ ફકરો. 67 ચિત્રની સમજ: કુટુંબ તરીકેની ભક્તિમાં માબાપે કલમના કાર્ડ તૈયાર કર્યા છે. એનાથી બાળકોને કલમો યાદ રાખવા મદદ મળે છે.

^ ફકરો. 70 ચિત્રની સમજ: સભામાં જતી વખતે કારમાં કુટુંબ ભક્તિ-ગીતોની પ્રેક્ટિસ કરે છે.