સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૮

પ્રતિબંધ હોય તોપણ યહોવાની ભક્તિ કરતા રહીએ

પ્રતિબંધ હોય તોપણ યહોવાની ભક્તિ કરતા રહીએ

“અમે જે જોયું અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”—પ્રે.કા. ૪:૧૯, ૨૦.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલક *

૧-૨. (ક) પ્રતિબંધ મૂકાય ત્યારે કેમ આપણને નવાઈ લાગવી ન જોઈએ? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

અમુક દેશોમાં આપણા કામ પર પ્રતિબંધ કે અમુક નિયંત્રણ છે. ૨૦૧૮ના અહેવાલ પ્રમાણે એ દેશોમાં ૨,૨૩,૦૦૦ કરતાં વધારે પ્રકાશકો છે. એ જાણીને આપણને નવાઈ લાગતી નથી. આગલા લેખમાં જોઈ ગયા તેમ સાચા ભક્તોની સતાવણી થશે જ. (૨ તિમો. ૩:૧૨) બની શકે કે સરકાર અચાનક આપણા કામ પર પ્રતિબંધ મૂકે. ભલે આપણે દુનિયાના ગમે તે છેડે રહેતા હોઈએ, આપણને યહોવાની ભક્તિ કરવાથી રોકવા તેઓ એવું કરી શકે.

તમારા દેશમાં સરકાર યહોવાની ભક્તિ કરવા પર પ્રતિબંધ મૂકે તો, તમે આ સવાલોનો વિચાર કરી શકો: ‘સતાવણી આવે તો શું એનો અર્થ એમ થાય કે ઈશ્વર આપણાથી નારાજ છે? શું પ્રતિબંધને લીધે યહોવાની ભક્તિ છોડી દેવી જોઈએ? શું મારે એવા દેશમાં જતા રહેવું જોઈએ, જ્યાં કોઈ રોકટોક વગર યહોવાની ભક્તિ કરી શકું?’ આ લેખમાં એ સવાલો પર વિચાર કરીશું. પ્રતિબંધમાં પણ ભક્તિ કરતા રહેવા શું મદદ કરશે અને કેવા ફાંદાઓથી બચવું જોઈએ, એ પણ આ લેખમાં જોઈશું.

શું ઈશ્વર આપણાથી નારાજ છે એટલે સતાવણી આવે છે?

૩. બીજો કોરીંથીઓ ૧૧:૨૩-૨૭ પ્રમાણે, પ્રેરિત પાઊલે કેવી સતાવણીનો સામનો કર્યો હતો? એ દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

સરકાર પ્રતિબંધ મૂકે ત્યારે કદાચ આપણને નિરાશ કરનારા વિચારો આવી શકે. આપણને લાગે કે ઈશ્વર આપણાથી નારાજ છે. યાદ રાખીએ, સતાવણી આવે એનો અર્થ એ નથી કે યહોવા આપણાથી નારાજ છે. ચાલો પાઊલનો દાખલો જોઈએ. યહોવા તેમના કામથી ખુશ હતા. તેમને ૧૪ પત્રો લખવાનો લહાવો મળ્યો હતો, જેનો બાઇબલમાં સમાવેશ થાય છે. તે પ્રજાઓ માટે પ્રેરિત તરીકે ઓળખાતા હતા. છતાં, તેમણે સતાવણીનો સામનો કરવો પડ્યો હતો. (૨ કોરીંથીઓ ૧૧:૨૩-૨૭ વાંચો.) પાઊલના દાખલા પરથી જોવા મળે છે કે, વફાદાર ભક્તો પર સતાવણી આવે ત્યારે યહોવા એને રોકતા નથી.

૪. દુનિયાના લોકો શા માટે આપણને ધિક્કારે છે?

ઈશ્વરભક્તો પર સતાવણી આવશે, એ વિશે ઈસુએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે આ દુનિયાનો ભાગ નથી, એટલે લોકો આપણને ધિક્કારશે. (યોહા. ૧૫:૧૮, ૧૯) સતાવણીનો અર્થ એમ નથી કે આપણા પર યહોવાનો આશીર્વાદ રહ્યો નથી. અરે, એનો અર્થ તો એમ થાય કે આપણે સાચા ઈશ્વરના માર્ગે ચાલી રહ્યા છીએ!

શું પ્રતિબંધને લીધે યહોવાની ભક્તિ છોડી દેવી જોઈએ?

૫. શું માણસો યહોવાની ભક્તિ પૂરેપૂરી બંધ કરાવી શકે? સમજાવો.

બ્રહ્માંડના માલિક યહોવા આગળ માણસો કંઈ વિસાતમાં નથી! તેઓ યહોવાની ભક્તિ પૂરેપૂરી બંધ કરાવી શકતા નથી. અરે, તેઓએ તો ઘણા પ્રયત્નો કર્યા છે, પણ તેઓના હાથે નિષ્ફળતા જ લાગી છે. ચાલો ઇતિહાસમાં ડોકિયું કરીએ. બીજા વિશ્વયુદ્ધ વખતે શું થયું, એનો વિચાર કરીએ. ઘણા દેશોની સરકારોએ ઈશ્વરભક્તોની સતાવણી કરી હતી. જર્મનીમાં નાઝી પાર્ટીએ યહોવાના સાક્ષીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ફક્ત એટલું જ નહિ, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને બીજા દેશોની સરકારે પણ પ્રતિબંધ મૂક્યો હતો. એ સમયે શું થયું? ૧૯૩૯માં વિશ્વયુદ્ધ શરૂ થયું, એ સમયે આખી દુનિયામાં ૭૨,૪૭૫ પ્રકાશકો હતા. ૧૯૪૫માં વિશ્વયુદ્ધ પૂરું થયું. અહેવાલ બતાવે છે કે યહોવાના આશીર્વાદથી એ વર્ષે ૧,૫૬,૨૯૯ પ્રકાશકો હતા. તમે ધ્યાન આપ્યું, પ્રકાશકોની સંખ્યા બમણીથી વધારે થઈ ગઈ હતી!

૬. સતાવણી વખતે કેવી સારી અસર પડે છે? દાખલો આપો.

સતાવણી આવે ત્યારે આપણે યહોવાની ભક્તિ કરવાથી ડરતા નથી. પણ યહોવાની ભક્તિ કરવા વધારે મક્કમ થઈએ છીએ. દાખલા તરીકે, એક દેશમાં સરકારે આપણા કામ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાં એક યુગલ પોતાના બાળક સાથે રહેતું હતું. પ્રતિબંધથી ડરી જવાને બદલે, તેઓ નિયમિત પાયોનિયર બન્યા. એ માટે બહેને સારા પગારવાળી નોકરી છોડી દીધી. ભાઈ જણાવે છે કે પ્રતિબંધને લીધે ઘણા લોકોને યહોવાના સાક્ષીઓ વિશે વધારે જાણવું હતું. આમ, તે સહેલાઈથી બાઇબલ અભ્યાસ શરૂ કરી શકતા હતા. પ્રતિબંધની બીજી પણ એક સારી અસર થઈ. એક વડીલ જણાવે છે કે જેઓએ અગાઉ યહોવાની ભક્તિ છોડી દીધી હતી, તેઓ પ્રતિબંધ લાગ્યા પછી ફરીથી ભક્તિ કરવા લાગ્યા.

૭. (ક) લેવીય ૨૬:૩૬, ૩૭માંથી આપણને શું શીખવા મળે છે? (ખ) પ્રતિબંધ મૂકવામાં આવે ત્યારે તમે શું કરશો?

દુશ્મનો પ્રતિબંધ મૂકે ત્યારે તેઓનો ઇરાદો હોય છે કે આપણે ડરી જઈએ અને ભક્તિ બંધ કરી દઈએ. બની શકે કે તેઓ ખોટી વાતો ફેલાવે, આપણા ઘરોમાં શોધખોળ માટે અધિકારીઓ મોકલે. આપણને કોર્ટમાં ઘસડી જાય અને અમુકને તો જેલમાં નાખે. તેઓ વિચારે કે, અમુકને જેલમાં નાખવાથી આપણે બધા ડરી જઈશું. ધ્યાન રાખીએ કે, ડર આપણા દિલમાં ઘર ન કરી જાય. એમ થશે તો જાણે આપણે પોતે જ ભક્તિ પર “પ્રતિબંધ” મૂકી દઈશું. લેવીય ૨૬:૩૬, ૩૭માં જણાવેલા લોકો જેવા આપણે બનવા માંગતા નથી. (વાંચો.) એ ડરને લીધે યહોવાની ભક્તિ સાવ બંધ ન કરી દઈએ કે આપણે ઠંડા ન પડી જઈએ. યહોવા પર ભરોસો રાખીએ અને જરાય ન ડરીએ. (ગીત. ૨૭:૧) યહોવાના માર્ગદર્શન માટે પ્રાર્થના કરીએ. યહોવા હંમેશાં આપણી પડખે રહે છે. એવી ખાતરી હશે તો સૌથી શક્તિશાળી સરકાર પણ આપણને ભક્તિ કરતા રોકી શકશે નહિ.—હિબ્રૂ. ૧૩:૬.

શું હું બીજા દેશમાં જતો રહું?

૮-૯. (ક) કયો નિર્ણય ઈશ્વરભક્તે જાતે લેવાનો હોય છે? (ખ) સારો નિર્ણય લેવા ઈશ્વરભક્તને ક્યાંથી મદદ મળશે?

તમારા દેશમાં સરકાર પ્રતિબંધ મૂકે તો તમારા મનમાં અમુક વિચારો આવી શકે. તમને લાગે કે, કોઈ રોકટોક વગર યહોવાની ભક્તિ કરી શકું એવા દેશમાં મારે જતા રહેવું જોઈએ. એ વિશે તમારે નિર્ણય લેવાનો છે, બીજું કોઈ તમારા માટે નિર્ણય ન લઈ શકે. તમને નિર્ણય લેવા ક્યાંથી મદદ મળી શકે? પહેલી સદીના ખ્રિસ્તીઓના દાખલા પરથી. તેઓની પણ સતાવણી થઈ હતી. સ્તેફનને મારી નાખવામાં આવ્યા પછી, યરૂશાલેમમાં રહેતા શિષ્યો બીજી જગ્યાઓએ જતા રહ્યા. તેઓ યહુદિયા અને સમરૂનમાં વિખેરાઈ ગયા. અમુક તો છેક ફિનીકિયા, સાયપ્રસ અને અંત્યોખ જતા રહ્યા. (માથ. ૧૦:૨૩; પ્રે.કા. ૮:૧; ૧૧:૧૯) તેઓની બીજી વાર પણ સતાવણી કરવામાં આવી. પાઊલે નિર્ણય લીધો હતો કે, વિરોધ થઈ રહ્યો છે એ વિસ્તાર છોડીને તે બીજે જશે નહિ. તેમણે જીવ જોખમમાં મૂકીને પણ ખુશખબર ફેલાવી. જે શહેરોમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો, ત્યાંનાં ભાઈ-બહેનોને હિંમત આપી.—પ્રે.કા. ૧૪:૧૯-૨૩.

એ અહેવાલોમાંથી આપણે શું શીખી શકીએ? બીજા દેશમાં જવું કે નહિ, એ નિર્ણય કુટુંબના શિરે લેવાનો છે. નિર્ણય લેતા પહેલાં, તેમણે પ્રાર્થના કરવી જોઈએ. કુટુંબના સંજોગો પર ધ્યાન આપવું જોઈએ. બીજે રહેવા જવાથી કુટુંબના સભ્યો પર પડનારી સારી અને ખરાબ અસરો વિશે વિચાર કરવો જોઈએ. એ વિશે “દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો” જોઈએ. (ગલા. ૬:૫) બીજાઓ જે નિર્ણય લે એની આપણે ટીકા ન કરવી જોઈએ.

પ્રતિબંધમાં તમે કઈ રીતે ભક્તિ કરી શકો?

૧૦. શાખા કચેરી અને વડીલો કેવું માર્ગદર્શન આપશે?

૧૦ પ્રતિબંધમાં પણ તમે કઈ રીતે યહોવાની ભક્તિ કરતા રહી શકો? શાખા કચેરી તમારા મંડળના વડીલોને સૂચનાઓ આપશે. તેઓ જણાવશે: કઈ રીતે સાહિત્ય મેળવવું, ભક્તિ માટે કઈ રીતે ભેગા થવું, કઈ રીતે ખુશખબર ફેલાવવી. શાખા કચેરીથી વડીલોનો સંપર્ક ન થઈ શકે, એવા કિસ્સામાં શું? વડીલો યહોવાની ભક્તિ કરતા રહેવા તમને અને બીજાં ભાઈ-બહેનોને મદદ કરશે. એવા સમયે તેઓ બાઇબલ અને સાહિત્યને આધારે માર્ગદર્શન આપશે.—માથ. ૨૮:૧૯, ૨૦; પ્રે.કા. ૫:૨૯; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.

૧૧. આપણે કેવી ખાતરી રાખવી જોઈએ? બાઇબલ અને સાહિત્યનું શું કરવું જોઈએ?

૧૧ યહોવાએ પોતાના ભક્તોને એક ખાતરી આપી છે કે, શ્રદ્ધા મજબૂત રાખવા જે પણ જરૂર પડશે એ બધું આપશે. (યશા. ૬૫:૧૩, ૧૪; લુક ૧૨:૪૨-૪૪) ખાતરી રાખો કે તમે યહોવાને વફાદાર રહી શકો માટે સંગઠન બધી મદદ પૂરી પાડશે. તમે શું કરી શકો? પ્રતિબંધ મૂકવામાં આવે ત્યારે તમારું બાઇબલ અને બીજાં સાહિત્ય યોગ્ય જગ્યાએ સંતાડી દો. છાપેલું કે ઇલેક્ટ્રોનિક સાહિત્ય એવી જગ્યાએ ન મૂકો, જ્યાં સહેલાઈથી લોકોને હાથ લાગી જાય. શ્રદ્ધા મજબૂત રાખવા આપણે દરેકે યોગ્ય પગલાં લેવાં જ જોઈએ.

યહોવા આપણી પડખે છે, એટલે આપણે ડર્યા વગર ભક્તિ માટે ભેગા મળી શકીએ છીએ (ફકરો ૧૨ જુઓ) *

૧૨. વડીલો કઈ રીતે સભાની ગોઠવણ કરશે?

૧૨ પ્રતિબંધ વખતે કઈ રીતે સભાઓ રાખવામાં આવશે? વડીલો સભાઓની એવી ગોઠવણ કરશે, જેથી વિરોધીઓનું ધ્યાન ન ખેંચાય. તેઓ કદાચ તમને નાના નાના ગ્રૂપમાં ભેગા થવાનું કહે. તેઓ કદાચ સભાનો સમય અને જગ્યા બદલતા રહે. સભાઓમાં આવતી-જતી વખતે વધારે અવાજ ન કરીએ, જેથી આપણાં ભાઈ-બહેનો જોખમમાં ન આવી પડે. આપણાં કપડાં અને દેખાવ એવાં હોવાં જોઈએ, જેથી લોકોનું ધ્યાન ન ખેંચાય.

સરકાર પ્રતિબંધ મૂકે તોપણ ખુશખબર જણાવવાનું બંધ કરીશું નહિ (ફકરો ૧૩ જુઓ) *

૧૩. અગાઉના સોવિયેટ સંઘનાં ભાઈ-બહેનો પાસેથી શું શીખી શકીએ?

૧૩ ખુશખબર ફેલાવવા વિશે યાદ રાખીએ કે દરેક જગ્યાએ સંજોગો એકસરખા હોતા નથી. આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને બીજાઓને તેમના રાજ્ય વિશે જણાવવું આપણને ગમે છે. એટલે ખુશખબર જણાવવાની આપણે કોઈ પણ રીત શોધી કાઢીશું. (લુક ૮:૧; પ્રે.કા. ૪:૨૯) ચાલો જોઈએ કે અગાઉના સોવિયેટ સંઘમાં ભાઈ-બહેનોએ શું કર્યું હતું. એ વિશે ઇતિહાસકાર એમીલી બેરને જણાવ્યું: ‘અધિકારીઓએ યહોવાના સાક્ષીઓને પ્રચારની મના કરી હતી. એ વખતે તેઓ પડોશીઓ, સાથે કામ કરનારા અને મિત્રોને ખુશખબર જણાવવા લાગ્યા. એના લીધે તેઓને જેલમાં પૂરવામાં આવ્યા. ત્યાં પણ તેઓ બીજા કેદીઓને ખુશખબર જણાવવા લાગ્યા.’ પ્રતિબંધ હોવા છતાં અગાઉના સોવિયેટ સંઘમાં ભાઈ-બહેનોએ ખુશખબર ફેલાવવાનું છોડ્યું નહિ. ભાઈ-બહેનો, તમારા વિસ્તારમાં પ્રતિબંધ મૂકવામાં આવે તો તમે શું કરશો? તમે પણ એ ભાઈ-બહેનો જેવું જ કરજો!

કેવા ફાંદાઓથી બચવું જોઈએ?

ક્યારે ચૂપ રહેવું એ આપણને ખબર હોવી જોઈએ (ફકરો ૧૪ જુઓ) *

૧૪. ગીતશાસ્ત્ર ૩૯:૧માં કઈ ચેતવણી આપવામાં આવી છે?

૧૪ બીજાઓ સાથે શું વાત કરો છો એનું ધ્યાન રાખો. પ્રતિબંધ વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે “ચૂપ રહેવાનો વખત” કયો છે. (સભા. ૩:૭) આપણે અમુક માહિતી ખાનગી રાખવી જોઈએ. જેમ કે, આપણાં ભાઈ-બહેનોનાં નામ શું છે; આપણે ક્યાં મળીએ છીએ; આપણે પ્રચારકાર્ય કેવી રીતે કરીએ છીએ; આપણને સાહિત્ય કેવી રીતે મળે છે. સરકારી અધિકારીઓને કે મિત્રોને એવી માહિતી આપવી ન જોઈએ. આપણા દેશમાં કે બીજા દેશમાં રહેતા હોય, એવાં સગાંઓને પણ માહિતી ન આપવી જોઈએ. જો એ ફાંદા વિશે ધ્યાન નહિ રાખીએ, તો આપણાં ભાઈ-બહેનો જોખમમાં આવી પડશે.—ગીતશાસ્ત્ર ૩૯:૧ વાંચો.

૧૫. શેતાન શું કરે છે અને આપણે શું કરવું જોઈએ?

૧૫ નાની નાની બાબતોથી આપણામાં ભાગલા ન પડે એનું ધ્યાન રાખો. શેતાન જાણે છે કે જે ઘરમાં ભાગલા પડે, એ ટકી શકતું નથી. (માર્ક ૩:૨૪, ૨૫) આપણી વચ્ચે ભાગલા પાડવા તે ધમપછાડા કરે છે. તે ચાહે છે કે આપણે તેની સામે લડવાને બદલે અંદરોઅંદર લડવા લાગીએ.

૧૬. ગરટ્રુડબહેને કેવો દાખલો બેસાડ્યો?

૧૬ શેતાનના ફાંદામાં ન ફસાઈએ એનું આપણે દરેકે ધ્યાન રાખવાનું છે. અરે, વર્ષોથી સત્યમાં છે એવા ઈશ્વરભક્તોએ પણ ધ્યાન રાખવું જોઈએ. ચાલો બે અભિષિક્ત બહેનોનો દાખલો જોઈએ. તેઓનાં નામ હતાં, ગરટ્રુડ પોટઝીંગર અને એલ્ફ્રેડ લોએર. તેઓને અને બીજી બહેનોને નાઝી જુલમી છાવણીમાં કેદ કરવામાં આવ્યાં હતાં. એલ્ફ્રેડ એવાં પ્રવચન આપતાં, જેનાથી બીજી બહેનોને ઉત્તેજન મળતું. એ જોઈને ગરટ્રુડને ઈર્ષા થવા લાગી. પછીથી, તેમને શરમ આવી અને મદદ માટે યહોવાને અરજ કરી. તેમણે લખ્યું હતું, ‘બીજાઓ પાસે સારી આવડતો હોય કે પછી આપણા કરતાં વધારે જવાબદારી હોય તો, એ સ્વીકારવું જોઈએ.’ ગરટ્રુડબહેને કઈ રીતે સુધારો કર્યો? તેમણે એલ્ફ્રેડના સારા ગુણો પર ધ્યાન આપ્યું. તેમણે જોયું કે એલ્ફ્રેડ બીજાઓ સાથે હળીમળીને રહે છે. એનાથી તેઓના સંબંધોમાં મીઠાશ આવી. બંને બહેનો જુલમી છાવણીમાંથી સહીસલામત બહાર આવ્યાં. તેઓએ યહોવાને વફાદાર રહીને પૃથ્વી પરનું જીવન પૂરું કર્યું. જો આપણે મતભેદો થાળે પાડીશું, તો આપણી વચ્ચે ભાગલા પડશે નહિ.—કોલો. ૩:૧૩, ૧૪.

૧૭. શા માટે આપણે સંગઠને આપેલા માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ?

૧૭ હંમેશાં માર્ગદર્શન પ્રમાણે ચાલો. આપણે જવાબદાર ભાઈઓના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. જો એમ કરીશું તો મુશ્કેલીઓ ટાળી શકીશું. (૧ પીત. ૫:૫) દાખલા તરીકે, એક દેશમાં આપણા કામ પર પ્રતિબંધ છે. જવાબદાર ભાઈઓએ પ્રકાશકોને જણાવ્યું હતું કે ખુશખબર જણાવતી વખતે છાપેલું સાહિત્ય આપવું નહિ. એક પાયોનિયર ભાઈ એ માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા નહિ અને તેમણે લોકોને સાહિત્ય આપ્યું. એનું શું પરિણામ આવ્યું? બન્યું એવું કે પોલીસ સાક્ષીઓની પાછળ પાછળ આવી રહી હતી. ભાઈએ આપેલું સાહિત્ય તેઓએ જપ્ત કરી લીધું. તે ભાઈ અને બીજાં ભાઈ-બહેનોએ ખુશખબર ફેલાવવાનું પૂરું કર્યું. પણ ત્યાં પોલીસ આવી અને તેઓની પૂછપરછ કરવા લાગી. આ અનુભવથી આપણે શું શીખી શકીએ? ભલે લાગતું હોય કે આપણને વધારે ખબર છે, તોપણ સંગઠનના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. યહોવાએ ભાઈઓને આપણી દેખરેખ રાખવાની જવાબદારી આપી છે. એ ભાઈઓના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ ત્યારે યહોવા ઘણા ખુશ થાય છે.—હિબ્રૂ. ૧૩:૭, ૧૭.

૧૮. શા માટે વધારે પડતા નિયમો ન બનાવવા જોઈએ?

૧૮ વધારે પડતા નિયમો ન બનાવો. જો વડીલો વધારે પડતા નિયમો બનાવશે, તો બીજાઓ માટે એ બોજ બની જશે. અગાઉના ચેકોસ્લોવેકિયામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો, એ વિશે યુરાઇ કેમિન્સકીએ જણાવ્યું: ‘જવાબદાર ભાઈઓ અને ઘણા વડીલોને જેલ થઈ. જે ભાઈઓને જેલમાં પૂરવામાં આવ્યા ન હતા, તેઓ પોતાના નિયમો બનાવવા લાગ્યા. પ્રકાશકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એ વિશે તેઓએ નિયમો બનાવ્યા.’ બીજાઓ માટે નિર્ણય લેવાનો હક યહોવાએ આપણને આપ્યો નથી. જે ભાઈ વધારે પડતા નિયમો બનાવે છે, તે ભાઈ-બહેનોની સલામતીનો વિચાર કરતો નથી. પણ તે તો પોતાના ભાઈ-બહેનોની શ્રદ્ધાનો માલિક બની બેસવાનો પ્રયત્ન કરે છે.—૨ કોરીં. ૧:૨૪.

યહોવાની ભક્તિ ક્યારેય છોડીએ નહિ

૧૯. બીજો કાળવૃત્તાંત ૩૨:૭, ૮માંથી આપણને કઈ રીતે હિંમત મળે છે?

૧૯ આપણો દુશ્મન શેતાન વફાદાર ભક્તોની સતાવણી કરવાનું છોડશે નહિ. (૧ પીત. ૫:૮; પ્રકટી. ૨:૧૦) શેતાન અને તેના લોકો યહોવાની ભક્તિ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરશે. ભલે આપણને ડર લાગે પણ યહોવાની ભક્તિ કરવાનું છોડીએ નહિ. (પુન. ૭:૨૧) યહોવા આપણી પડખે છે. આપણા કામ પર પ્રતિબંધ મૂકવામાં આવે તોપણ તે મદદ કરતા રહેશે.—૨ કાળવૃત્તાંત ૩૨:૭, ૮ વાંચો.

૨૦. તમે શું કરવાનો પાકો નિર્ણય લીધો છે?

૨૦ પહેલી સદીના ભાઈઓની જેમ આપણે પાકો નિર્ણય લેવો જોઈએ. તેઓએ એ સમયના અધિકારીઓને કહ્યું હતું, “તમે જ નક્કી કરો, શું ઈશ્વરની નજરમાં એ ખરું કહેવાશે કે અમે ઈશ્વરને બદલે તમારી વાત સાંભળીએ? પણ, અમે જે જોયું અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”—પ્રે.કા. ૪:૧૯, ૨૦.

ગીત ૧૩૭ હિંમતનું વરદાન દે

^ ફકરો. 5 યહોવાની ભક્તિ કરવા પર સરકાર પ્રતિબંધ મૂકે તો શું કરવું જોઈએ? યહોવાની ભક્તિ કરતા રહેવા આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એ વિશે આ લેખમાં અમુક સૂચનો જોઈશું.

^ ફકરો. 59 ચિત્રની સમજ: આ બધા ચિત્રો બતાવે છે કે અમુક નિયંત્રણ છે એવા દેશોમાં સાક્ષીઓ યહોવાની સેવા કરી રહ્યા છે. ભાઈના સ્ટોરરૂમમાં એક નાનું ગ્રૂપ સભા માટે ભેગું થયું છે.

^ ફકરો. 61 ચિત્રની સમજ: આપણા બહેન (ડાબી બાજુ) એક સ્ત્રી સાથે વાતચીત કરે છે અને યહોવા વિશે જણાવવાની તક શોધે છે.

^ ફકરો. 63 ચિત્રની સમજ: પોલીસ એક ભાઈની પૂછપરછ કરે છે, ભાઈ મંડળ વિશે કોઈ પણ માહિતી આપતા નથી.