સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૦

‘છેલ્લા દિવસોના’ અંત ભાગમાં ઈશ્વરના કામમાં મંડ્યા રહીએ

‘છેલ્લા દિવસોના’ અંત ભાગમાં ઈશ્વરના કામમાં મંડ્યા રહીએ

“દૃઢ રહો, અડગ રહો; પ્રભુની સેવામાં પુષ્કળ કામ હોવાથી, એમાં હંમેશાં મંડ્યા રહો.”—૧ કોરીં. ૧૫:૫૮.

ગીત ૧૪૧ તરસ્યા દિલોને શોધીએ

ઝલક *

૧. શાના પરથી કહી શકાય કે આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ?

શું તમારો જન્મ ૧૯૧૪ પછી થયો છે? જો એમ હોય, તો તમે આ દુનિયાના “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છો. (૨ તિમો. ૩:૧) આજના સમયમાં કેવા બનાવો બનશે, એ વિશે ઈસુએ પહેલેથી જણાવ્યું હતું. એ બનાવો વિશે આજે આપણે સાંભળી રહ્યા છીએ. એ બનાવોમાં આવી બાબતોનો સમાવેશ થાય છે: યુદ્ધો, દુકાળો, ધરતીકંપો, ચેપી રોગો, વધતી જતી દુષ્ટતા અને યહોવાના લોકોની સતાવણી. (માથ. ૨૪:૩, ૭-૯, ૧૨; લુક ૨૧:૧૦-૧૨) પ્રેરિત પાઊલે લોકોના વર્તન વિશે પહેલેથી જણાવ્યું હતું. આજે ચારે બાજુ એવા જ લોકો જોવા મળે છે. (“ આજના લોકો કેવા છે?” બૉક્સ જુઓ.) યહોવાના સાક્ષીઓ તરીકે આપણે જાણીએ છીએ કે આપણે ‘છેલ્લા દિવસોમાં’ જીવી રહ્યા છીએ.—મીખા. ૪:૧.

૨. આપણે કયા સવાલોના જવાબ જાણવા જોઈએ?

૧૯૧૪ પછી ઘણાં વર્ષો વીતી ગયાં છે. એટલે એ તો પાકું છે કે આપણે ‘છેલ્લા દિવસોના’ અંત ભાગમાં જીવીએ છીએ. દુષ્ટ દુનિયાનો અંત ઘણો જ નજીક છે એટલે આપણે આ મહત્ત્વના સવાલોના જવાબ જાણવા જોઈએ: ‘છેલ્લા દિવસોના’ અંત ભાગમાં કેવા બનાવો બનશે? એ બનાવો બને એ પહેલાં યહોવા આપણી પાસે શું ચાહે છે?

‘છેલ્લા દિવસોના’ અંતે શું થશે?

૩. પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૧-૩ની ભવિષ્યવાણી પ્રમાણે દેશો કઈ જાહેરાત કરશે?

પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૧-૩ વાંચો. પાઊલે ‘યહોવાના દિવસ’ વિશે જણાવ્યું હતું. કલમમાં જણાવ્યા પ્રમાણે “યહોવાનો દિવસ” શાને રજૂ કરે છે? “મહાન બાબેલોન” પર હુમલો થાય ત્યારથી લઈને આર્માગેદન સુધીના સમયગાળાને. “મહાન બાબેલોન” જૂઠા ધર્મોનું સામ્રાજ્ય છે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬; ૧૭:૫) એ “દિવસ” શરૂ થાય એ પહેલાં દેશો જાહેર કરશે કે “શાંતિ અને સલામતી છે!” જ્યારે દુનિયાના નેતાઓ બધા દેશો વચ્ચેના સંબંધો સુધારવાની વાત કરે છે, ત્યારે પણ આ જ શબ્દો વાપરે છે. * પણ બાઇબલમાં જે ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત વિશે જણાવ્યું છે, એ તો એનાથી અલગ છે. એ જાહેરાત કરવામાં આવશે ત્યારે, ઘણા લોકોને લાગશે કે નેતાઓ આ દુનિયામાં સલામતી લાવવામાં સફળ થયા છે. પણ હકીકતમાં “મહાન વિપત્તિ” શરૂ થયા પછી “અણધાર્યો વિનાશ” આવી પડશે.—માથ. ૨૪:૨૧.

દેશો ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરે ત્યારે છેતરાશો નહિ (ફકરા ૩-૬ જુઓ) *

૪. (ક) ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત વિશે આપણે શું જાણતા નથી? (ખ) એ જાહેરાત વિશે આપણે શું જાણીએ છીએ?

‘શાંતિ અને સલામતીની’ જાહેરાત વિશે આપણે થોડું-ઘણું તો જાણીએ છીએ. પણ આપણે અમુક બાબતો વિશે જાણતા નથી. જેમ કે, નેતાઓ કયા કારણને લીધે એ જાહેરાત કરશે? કઈ રીતે જાહેરાત કરશે? એક જ વાર મોટી જાહેરાત કરશે કે પછી એકથી વધારે વખત જાહેરાત કરશે? ભલે ગમે એ થાય, આપણે એટલું તો જાણીએ છીએ કે, નેતાઓ દુનિયામાં કદી શાંતિ લાવી શકશે નહિ. એટલે આપણે ક્યારેય એ જાહેરાતને સાચી માનીશું નહિ. બાઇબલ જણાવે છે તેમ, આપણે એ જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ. એનાથી ખબર પડશે કે હવે “યહોવાનો દિવસ” જલદી જ શરૂ થવાનો છે.

૫. ‘યહોવાના દિવસ’ માટે તૈયાર રહેવા પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૪-૬માં કઈ સલાહ આપી છે?

પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૪-૬ વાંચો. ‘યહોવાના દિવસ’ માટે તૈયાર રહેવા વિશે પાઊલે સલાહ આપી છે. આપણે ‘બાકીના લોકોની જેમ ઊંઘતા ન રહીએ.’ આપણે “જાગતા રહીએ” અને સાવચેત રહીએ. દાખલા તરીકે, આપણે રાજકારણમાં કોઈનો પક્ષ ન લેવો જોઈએ. જો આપણે કોઈનો પક્ષ લઈશું તો કદાચ ‘દુનિયાનો’ ભાગ બની જઈશું. (યોહા. ૧૫:૧૯) આપણને ખબર છે કે ફક્ત ઈશ્વરનું રાજ્ય જ આ દુનિયામાં શાંતિ લાવી શકે છે.

૬. આપણે લોકોને શું શીખવવા માંગીએ છીએ અને શા માટે?

આપણે જાગતા રહેવા માંગીએ છીએ. એટલું જ નહિ, ભાવિમાં થનાર બાબતો વિશે બાઇબલમાં જે જણાવ્યું છે એ લોકોને શીખવવા માંગીએ છીએ. યાદ રાખીએ કે, મહાન વિપત્તિ શરૂ થશે પછી લોકો પાસે યહોવા વિશે શીખવાની તક રહેશે નહિ. એટલે ખૂબ જરૂરી છે કે આપણે હમણાં ખુશખબર ફેલાવવાનું કામ કરીએ. *

ખુશખબર ફેલાવવાના કામમાં મંડ્યા રહીએ

ખુશખબર ફેલાવીને આપણે બતાવીએ છીએ કે ફક્ત ઈશ્વરનું રાજ્ય જ દુનિયામાં સાચી સલામતી લાવી શકે છે (ફકરા ૭-૯ જુઓ)

૭. યહોવા હમણાં આપણી પાસે શું ચાહે છે?

“યહોવાનો દિવસ” શરૂ થવાને હવે થોડો જ સમય બાકી છે. એટલે તે ચાહે છે કે આપણે ખુશખબર ફેલાવવાના કામમાં મંડ્યા રહીએ. આપણી પાસે ‘પ્રભુની સેવામાં પુષ્કળ કામ હોય,’ એનું ધ્યાન રાખીએ. (૧ કોરીં. ૧૫:૫૮) એ કામ વિશે ઈસુએ પહેલેથી જણાવ્યું હતું. છેલ્લા દિવસોમાં થનારી મહત્ત્વની બાબતો વિશે જણાવતી વખતે તેમણે કહ્યું હતું: “બધા દેશોમાં પહેલા ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે.” (માર્ક ૧૩:૪, ૮, ૧૦; માથ. ૨૪:૧૪) જરા વિચારો, ખુશખબર ફેલાવવાનું કામ કરીને તમે એ ભવિષ્યવાણી પૂરી કરવામાં ભાગ ભજવી રહ્યા છો!

૮. ખુશખબર ફેલાવવાના કામમાં કેવો વધારો થઈ રહ્યો છે?

ખુશખબર ફેલાવવાના કામમાં કેવો વધારો થઈ રહ્યો છે? દર વર્ષે વધારે ને વધારે લોકો ખુશખબર સાંભળે છે. આ છેલ્લા દિવસોમાં દુનિયા ફરતે પ્રકાશકોની સંખ્યા વધી રહી છે. ૧૯૧૪માં ૪૩ દેશોમાં ૫,૧૫૫ પ્રકાશકો હતા. આજે ૨૪૦ દેશોમાં આશરે ૮૫ લાખ પ્રકાશકો છે! એટલેથી આપણું કામ પૂરું થતું નથી. આપણે લોકોને જણાવતા રહેવું જોઈએ કે ફક્ત ઈશ્વરનું રાજ્ય જ મનુષ્યોની તકલીફો દૂર કરી શકે છે.—ગીત. ૧૪૫:૧૧-૧૩.

૯. આપણે શા માટે ખુશખબર ફેલાવતા રહેવું જોઈએ?

જ્યાં સુધી યહોવા ન કહે, ત્યાં સુધી આપણે ખુશખબર ફેલાવતા રહીએ. આપણે જાણતા નથી કે યહોવા અને ઈસુ વિશે શીખવા લોકો પાસે કેટલો સમય બાકી છે. (યોહા. ૧૭:૩) પણ આપણે જાણીએ છીએ કે મહાન વિપત્તિ શરૂ થાય એ પહેલાં ‘જેઓનું હૃદય હંમેશ માટેનું જીવન આપતા સત્ય તરફ ઢળેલું હશે,’ તેઓ પાસે ખુશખબર સ્વીકારવાની તક હશે. (પ્રે.કા. ૧૩:૪૮) સમય પૂરો થઈ જાય એ પહેલાં, આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ?

૧૦. લોકોને સત્ય શીખવવા યહોવા આપણને કઈ મદદ પૂરી પાડે છે?

૧૦ લોકોને સત્ય શીખવી શકીએ માટે યહોવા પોતાના સંગઠન દ્વારા આપણને જરૂરી બધી મદદ પૂરી પાડે છે. દાખલા તરીકે, અઠવાડિયા દરમિયાન થતી સભા માં ઘણું શીખવા મળે છે. એમાં શીખીએ છીએ કે પહેલી મુલાકાત અને ફરી મુલાકાતમાં શું બોલવું જોઈએ. બાઇબલ અભ્યાસ ચલાવવાનું પણ શીખીએ છીએ. શીખવવાનાં સાધનો દ્વારા પણ યહોવાનું સંગઠન આપણને ઘણી મદદ કરે છે. એ સાધનોની મદદથી . . .

  • વાતચીત શરૂ કરી શકીએ

  • લોકોનાં દિલમાં રસ જગાડી શકીએ

  • લોકો વધારે જાણવા પ્રેરાય એ માટે મદદ કરી શકીએ

  • બાઇબલ વિદ્યાર્થીઓને સત્ય શીખવી શકીએ

  • વધારે જાણવા માંગતા હોય, તેઓને આપણી વેબસાઇટ જોવા અને પ્રાર્થનાઘરમાં આવવા મદદ કરી શકીએ

આપણી પાસે એ સાધનો હોય, પણ વાપરીએ નહિ તો શું ફાયદો! આપણે એ સાધનો વાપરવાં જોઈએ. * દાખલા તરીકે, એક વ્યક્તિએ તમારી વાત સાંભળીને રસ બતાવ્યો છે. એટલે તમે તેને પત્રિકા કે મૅગેઝિન આપો છો. તમે તેને પાછા મળો ત્યાં સુધી તે જાતે વાંચી શકે છે. આપણી જવાબદારી છે કે દર મહિને ખુશખબર ફેલાવવા બનતું બધું કરતા રહીએ.

૧૧. ઓનલાઇન બાઇબલ અભ્યાસની ગોઠવણ શા માટે કરવામાં આવી છે?

૧૧ લોકો સત્ય શીખે માટે યહોવાએ બીજી પણ એક મદદ પૂરી પાડી છે. એ છે jw.org® પર ઓનલાઇન બાઇબલ અભ્યાસ. એ ગોઠવણ શા માટે કરવામાં આવી છે? બાઇબલમાંથી શીખવા દર મહિને દુનિયા ફરતે લાખો લોકો ઇન્ટરનેટ પર શોધખોળ કરે છે. એવા લોકોને આપણી વેબસાઇટના એ વિભાગથી બાઇબલમાંથી સત્ય શીખવા મદદ મળશે. જે લોકોને ખુશખબર જણાવો છો, એમાંના અમુક લોકો તમારી સાથે બાઇબલ અભ્યાસ કરવા અચકાતા હોય. જો એમ હોય તો આપણી વેબસાઇટ પરથી તેઓને એ વિભાગ બતાવો અથવા એની લિંક મોકલી આપો. *

૧૨. ઓનલાઇન બાઇબલ અભ્યાસમાંથી શું શીખવા મળે છે?

૧૨ ઓનલાઇન બાઇબલ અભ્યાસમાં આવા વિષયો છે: “બાઇબલ અને એના લેખક,” “બાઇબલની મુખ્ય વ્યક્તિઓ” અને “આશા આપતો બાઇબલનો સંદેશો.” એ વિષયોથી જાણવા મળે છે:

  • બાઇબલમાંથી વ્યક્તિને કઈ રીતે મદદ મળી શકે?

  • યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો કોણ છે?

  • ઈશ્વરે મનુષ્યોને કેમ બનાવ્યા?

  • શા માટે આટલી બધી દુઃખ-તકલીફો અને દુષ્ટતા છે?

એમાં એ પણ સમજાવ્યું છે કે યહોવા કઈ રીતે . . .

  • દુઃખ-તકલીફો અને મરણનો અંત લાવશે?

  • ગુજરી ગયેલા લોકોને સજીવન કરશે?

  • માણસોની સરકારને કાઢીને તેમનું રાજ્ય લાવશે?

૧૩. શું ઓનલાઇન અભ્યાસનો અર્થ એવો થાય કે આપણે બાઇબલ અભ્યાસ લેવો નહિ પડે? સમજાવો.

૧૩ ઓનલાઇન અભ્યાસનો એ અર્થ નથી કે, હવે આપણે વ્યક્તિનો બાઇબલ અભ્યાસ લેવો નહિ પડે. ઈસુએ આપણને શિષ્યો બનાવવાનો લહાવો આપ્યો છે. આપણે આશા રાખીએ છીએ કે રસ ધરાવનાર વ્યક્તિ ઓનલાઇન અભ્યાસ કરે, શીખેલી વાતો તેના દિલને સ્પર્શે અને એને વધારે જાણવાનું મન થાય. જો એમ થશે તો બની શકે કે તે આપણી સાથે બાઇબલ અભ્યાસ કરવા પ્રેરાય. દરેક અભ્યાસના અંતે તે ચાહે તો વિનંતી કરી શકે કે કોઈ આવીને તેને અભ્યાસ કરાવે. દુનિયાભરમાં આપણી વેબસાઇટ પર દરરોજ ૨૩૦ કરતાં વધારે લોકો બાઇબલ અભ્યાસ માટે વિનંતી કરે છે! વ્યક્તિ પાસે જઈને બાઇબલ અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે.

શિષ્યો બનાવવાના કામમાં લાગુ રહીએ

૧૪. માથ્થી ૨૮:૧૯, ૨૦ પ્રમાણે આપણે શું કરવું જોઈએ? શા માટે?

૧૪ માથ્થી ૨૮:૧૯, ૨૦ વાંચો. બાઇબલ અભ્યાસ ચલાવીએ ત્યારે, ‘શિષ્યો બનાવવા અને ઈસુએ જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવવા’ બનતું બધું કરવું જોઈએ. યહોવાની ભક્તિ કરવી અને તેમના રાજ્યને ટેકો આપવો ઘણું મહત્ત્વનું છે, એ સમજવા આપણે લોકોને મદદ કરવી જોઈએ. એનો અર્થ થાય, આપણે લોકોને ઉત્તેજન આપવું જોઈએ કે શીખેલી વાતો લાગુ પાડે, યહોવાને પોતાનું જીવન સમર્પણ કરીને બાપ્તિસ્મા લે. જો એમ કરશે તો જ તેઓ યહોવાના દિવસે બચી જશે.—૧ પીત. ૩:૨૧.

૧૫. આપણી પાસે શું કરવાનો સમય નથી અને શા માટે?

૧૫ આપણે જોયું તેમ, આજથી લઈને દુનિયાના અંત સુધી એકદમ થોડો સમય બાકી છે. એટલે જેઓ યહોવાના ભક્ત બનવા જીવનમાં ફેરફારો કરતા નથી, એવા લોકો સાથે બાઇબલ અભ્યાસ કરવા આપણી પાસે સમય નથી. (૧ કોરીં. ૯:૨૬) આપણને મળેલું કામ હમણાં કરવું ખૂબ જરૂરી છે! એમાં જરાય ઢીલા ન પડીએ. હજીયે એવા ઘણા લોકો છે, જેઓને ખુશખબર મળી નથી. સમય પૂરો થાય એ પહેલાં આપણે તેઓને ખુશખબર જણાવવાની છે.

જૂઠા ધર્મોથી દૂર રહીએ

૧૬. પ્રકટીકરણ ૧૮:૨, ૪, ૫, પ્રમાણે આપણે બધાએ શું કરવું જોઈએ? (ફૂટનોટ પણ જુઓ.)

૧૬ પ્રકટીકરણ ૧૮:૨, ૪, ૫, વાંચો. આ કલમોથી જોવા મળે છે કે, યહોવા પોતાના ભક્તો પાસેથી બીજું પણ કંઈક ચાહે છે. સાચા ઈશ્વરભક્તોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ કોઈ પણ રીતે જૂઠા ધર્મો સાથે જોડાયેલા ન હોય. બની શકે કે સત્ય શીખ્યા એ પહેલાં, વ્યક્તિ જૂઠા ધર્મનો ભાગ હોય. તેણે કદાચ એ ધર્મની અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય કે પછી એ સંગઠનમાં દાન આપ્યું હોય. પણ એ વ્યક્તિ બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બને એ પહેલાં, તેણે બધી રીતે જૂઠા ધર્મોમાંથી બહાર નીકળી આવવું જોઈએ. અગાઉ તે જે પણ ચર્ચ કે સંગઠનનો ભાગ હોય, ત્યાં તેણે રાજીનામું આપવું જોઈએ. એમાં તેણે લખવું જોઈએ કે હવે તે કોઈ પણ રીતે એ સંગઠન કે ચર્ચનો ભાગ નથી. *

૧૭. સાચા ઈશ્વરભક્તોએ કેવું કામ ન કરવું જોઈએ અને શા માટે?

૧૭ સાચા ઈશ્વરભક્તોએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ એવી કોઈ પણ નોકરી નહિ કરે, જે જૂઠા ધર્મો સાથે જોડાયેલી હોય. (૨ કોરીં. ૬:૧૪-૧૭) જેમ કે, તે કોઈ ચર્ચમાં કામ કરતો ન હોવો જોઈએ. જો કોઈ ઈશ્વરભક્ત નોકરી કરતો હોય અને તેની કંપની કોઈ ચર્ચ કે સંગઠન માટે કામ કરવાની હોય, તો તે એમાં ભાગ નહિ લે. જો તેનો પોતાનો વેપાર હોય, તો તેણે એવો કોઈ પણ કોન્ટ્રાક્ટ કે કામ ન લેવું જોઈએ, જે જૂઠા ધર્મો સાથે જોડાયેલું હોય. શા માટે જૂઠા ધર્મોથી દૂર રહેવાનો આપણે પાકો નિર્ણય લેવો જોઈએ? કારણ કે ઈશ્વરની નજરે જૂઠા ધર્મોનાં શિક્ષણ અને માન્યતાઓ અશુદ્ધ છે. એટલે આપણે એમાં કોઈ પણ રીતે ભાગ લેવા માંગતા નથી.—યશા. ૫૨:૧૧. *

૧૮. એક ભાઈ કઈ રીતે બાઇબલ સિદ્ધાંતોને વળગી રહ્યા?

૧૮ ચાલો એક વડીલ ભાઈનો દાખલો જોઈએ, જેમનો પોતાનો ધંધો છે. અમુક વર્ષો પહેલાં ચર્ચમાં સુથારીકામ કરવા માટે એક કોન્ટ્રાક્ટરે તેમને પૂછ્યું. કોન્ટ્રાક્ટરને ખબર હતી કે ભાઈ ચર્ચમાં કામ કરવાની હંમેશાં ના પાડે છે. પણ આ વખતે ચર્ચમાં કામ કરવા માટે બીજું કોઈ મળ્યું નહિ. એટલે ભાઈને એ કામ કરવા કોન્ટ્રાક્ટર દબાણ કરતો હતો. ભાઈ બાઇબલ સિદ્ધાંતોને વળગી રહ્યા અને એ કામ કરવાની સાફ ના પાડી. બીજા અઠવાડિયે પેપરમાં એક ફોટો આવ્યો, જેમાં એક સુથાર ચર્ચની ઉપર ક્રોસ લગાડી રહ્યો હતો. જો ભાઈએ કામ સ્વીકારી લીધું હોત, તો પેપરમાં તેમનો ફોટો હોત. જરા વિચારો કે, મંડળનાં ભાઈ-બહેનો પર ભાઈની કેવી છાપ પડી હોત! યહોવાને કેવું લાગ્યું હોત!

આપણને શું શીખવા મળ્યું?

૧૯-૨૦. (ક) આ લેખમાં આપણે શું શીખ્યા? (ખ) આવતા લેખમાં આપણે શું શીખીશું?

૧૯ બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે ટૂંક સમયમાં જ એક મોટી ઘટના બનવાની છે. એ છે, દેશો ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરશે. આપણે જાણીએ છીએ કે દેશો ખરી શાંતિ લાવી શકશે નહિ. એ વાત યહોવાએ આપણને શીખવી છે માટે આપણે કેટલા આભારી છીએ! એ ઘટના બને અને અણધાર્યો વિનાશ આવે એ પહેલાં આપણે શું કરવું જોઈએ? યહોવા ચાહે છે કે આપણે ખુશખબર ફેલાવવાના કામમાં મંડ્યા રહીએ અને શિષ્યો બનાવવાના કામમાં લાગુ રહીએ. એટલું જ નહિ, આપણે જૂઠા ધર્મોથી દૂર રહેવું જોઈએ. આપણે કોઈ પણ રીતે જૂઠા ધર્મો સાથે જોડાયેલા ન હોવા જોઈએ. એવી કોઈ પણ નોકરી ન કરવી જોઈએ, જે મહાન બાબેલોન સાથે જોડાયેલી હોય.

૨૦ ‘છેલ્લા દિવસોના’ અંતે બીજી કેટલીક ઘટનાઓ પણ બનવાની છે. યહોવા આપણી પાસેથી બીજું શું ચાહે છે? ભાવિમાં જે થવાનું છે એ બધા માટે આપણે કઈ રીતે તૈયાર થઈ શકીએ? એ વિશે આવતા લેખમાં જોઈશું.

ગીત ૧૭ હિંમત ન હારો!

^ ફકરો. 5 બહુ જલદી જ દુનિયાના નેતાઓ તરફથી સાંભળવા મળશે કે, હવે “શાંતિ અને સલામતી” છે. એ તો મહાન વિપત્તિ શરૂ થવાની નિશાની હશે. એ જાહેરાત થાય ત્યારે અને હમણાં યહોવા આપણી પાસે શું ચાહે છે? એનો જવાબ આ લેખમાંથી મળશે.

^ ફકરો. 3 જેમ કે, યુએન (સંયુક્ત રાષ્ટ્રસંઘ) પોતાની વેબસાઇટ પર દાવો કરે છે કે તેઓએ “દુનિયાભરમાં શાંતિ અને સલામતી જાળવી રાખી છે.”

^ ફકરો. 10 શીખવવાનાં સાધનો કઈ રીતે વાપરવા એ વિશે વધારે જાણવા ચોકીબુરજ ઑક્ટોબર ૨૦૧૮માં આપેલો આ લેખ જુઓ: “સત્ય શીખવો.

^ ફકરો. 11 આ વિભાગ હાલમાં અંગ્રેજી અને પોર્ટુગીઝ ભાષામાં પ્રાપ્ય છે, પછી બીજી ભાષાઓમાં પણ આવશે.

^ ફકરો. 16 જૂઠા ધર્મો સાથે જોડાયેલું કોઈ પણ યુવક મંડળ કે પછી મનોરંજનની કોઈ પ્રવૃત્તિઓથી આપણે દૂર રહીશું. જેમ કે, ધાર્મિક સંગઠનો અમુક જગ્યાઓએ જીમ, સ્વિમિંગ પુલ કે કોઈ હેલ્થ ક્લબ ચલાવે છે. ભલે એવા સંગઠનો દાવો કરતા હોય કે એ બધું ધર્મ સાથે જોડાયેલું નથી. પણ હકીકતમાં તેઓ ધર્મને લગતા વિચારો ફેલાવતા હોય છે.

^ ફકરો. 17 ધાર્મિક સંગઠન સાથે જોડાયેલી નોકરીઓ વિશે બાઇબલ શું જણાવે છે એ વિશે વધુ જાણવા ચોકીબુરજ એપ્રિલ ૧૫, ૧૯૯૯ “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.

^ ફકરો. 83 ચિત્રની સમજ: ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત વિશે ટીવી પર “બ્રેકિંગ ન્યૂઝ” આવી રહ્યા છે. કૉફી શોપમાં બેઠેલા લોકો એ ધ્યાનથી સાંભળી રહ્યા છે. એક સાક્ષી યુગલ પણ ત્યાં છે, જેઓ હમણાં જ પ્રચારમાંથી આવ્યા છે. તેઓ એ સમાચારને સાચા માની લેતા નથી.