સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૫

પવિત્ર શક્તિથી આપણને કેવી મદદ મળે છે?

પવિત્ર શક્તિથી આપણને કેવી મદદ મળે છે?

“કેમ કે જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિ. ૪:૧૩.

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

ઝલક *

૧-૨. (ક) કસોટીઓનો સામનો કરવા આપણને ક્યાંથી મદદ મળે છે? (ખ) આ લેખમાં આપણે શું જોઈશું?

આપણાં ઘણાં ભાઈ-બહેનો આજે અનેક કસોટીઓનો સામનો કરે છે. શું તમે પણ એવી કોઈ કસોટીમાંથી પસાર થયા છો? શું તમને કદી એવું થયું છે કે, “હું એકલા હાથે એ કસોટીનો સામનો કરી શક્યો ન હોત?” બની શકે કે, તમે ગંભીર બીમારીનો સામનો કર્યો હોય કે સગાં-વહાલાંના મરણનો કારમો ઘા સહ્યો હોય. એ કસોટી વિશે વિચારતા હશો ત્યારે, તમને લાગતું હશે કે યહોવાની મદદથી જ તમે એ દિવસો કાઢી શક્યા. યહોવાએ આપણને એવી પવિત્ર શક્તિ આપી છે, જે “માણસની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી” છે.—૨ કોરીં. ૪:૭-૯.

આ દુષ્ટ દુનિયાની અસરથી બચવા માટે પણ આપણને પવિત્ર શક્તિની જરૂર છે. (૧ યોહા. ૫:૧૯) વધુમાં, ‘દુષ્ટ દૂતોનાં લશ્કરોનો’ સામનો કરવા આપણને બળની જરૂર છે. (એફે. ૬:૧૨) ચાલો જોઈએ, એ મુશ્કેલીઓનો સામનો કરવા પવિત્ર શક્તિ આપણને કઈ બે રીતે મદદ કરે છે. પછી આપણે જોઈશું કે પવિત્ર શક્તિનો પૂરો ફાયદો મેળવવા શું કરી શકીએ.

પવિત્ર શક્તિથી બળ મળે છે

૩. કસોટીઓ સહેવા યહોવા કઈ રીતે આપણને મદદ કરે છે?

યહોવાની પવિત્ર શક્તિ આપણને બળ પૂરું પાડે છે. એનાથી કસોટીઓમાં પણ જવાબદારીઓ પૂરી કરી શકીએ છીએ. કસોટીઓમાં પણ પ્રેરિત પાઊલ યહોવાની સેવામાં લાગુ રહી શક્યા. કારણ કે તે “ખ્રિસ્તની શક્તિ” પર આધાર રાખતા હતા. (૨ કોરીં. ૧૨:૯) પ્રચારની બીજી મુસાફરી દરમિયાન પાઊલે ખુશખબર ફેલાવવા તનતોડ મહેનત કરી. એટલું જ નહિ, પોતાનું ગુજરાન ચલાવવા પણ તે મહેનત કરતા. તે કોરીંથમાં આકુલા અને પ્રિસ્કિલાના ઘરે રહેતા હતા. આકુલા અને પ્રિસ્કિલા તંબુ બનાવવાનું કામ કરતા હતા. પાઊલને પણ તંબુ બનાવતા આવડતું હતું. એટલે પાઊલે પણ થોડો સમય તેઓ સાથે કામ કર્યું. (પ્રે.કા. ૧૮:૧-૪) ગુજરાન ચલાવવા અને ખુશખબર ફેલાવવા તેમને પવિત્ર શક્તિથી બળ મળ્યું હતું.

૪. બીજો કોરીંથીઓ ૧૨:૭ખ-૯ પ્રમાણે પાઊલ કઈ કસોટીનો સામનો કરતા હતા?

બીજો કોરીંથીઓ ૧૨:૭ખ-૯ વાંચો. આ કલમોમાં પાઊલે કહ્યું કે તેમના “શરીરમાં કાંટો” છે. તેમના કહેવાનો શું અર્થ હતો? જો તમને કાંટો વાગે તો ઘણું દુઃખે, ખરું ને! પાઊલ એવી કોઈ કસોટીની વાત કરી રહ્યા હતા, જેનાથી તેમને ઘણું દુઃખ થતું હતું. એ કસોટીને તેમણે એવી ગણી, જાણે ‘શેતાનનો દૂત’ તેમને “થપ્પડ મારતો” હોય. (“માર મારે છે,” ફૂટનોટ) પાઊલના શરીરમાં કાંટા જેવી કસોટીઓ કદાચ શેતાન અને તેના દુષ્ટ દૂતો લાવ્યા નહિ હોય. પણ એ “કાંટો” દુષ્ટ દૂતોના ધ્યાનમાં આવ્યો ત્યારે, તેઓ કદાચ એને વધારે અંદર ધકેલવા માંગતા હતા. એટલે કે, પાઊલનું દુઃખ વધારવા માંગતા હતા. પાઊલે શું કર્યું?

૫. યહોવાએ કઈ રીતે પાઊલની પ્રાર્થનાનો જવાબ આપ્યો?

શરૂઆતમાં તો પાઊલ ચાહતા હતા કે યહોવા એ “કાંટો” કાઢી નાખે. પાઊલે કહ્યું: ‘મેં ત્રણ વાર યહોવાને કાલાવાલા કર્યા, જેથી એ મારામાંથી કાઢી નાખવામાં આવે.’ પાઊલે ઘણી વાર પ્રાર્થના કરી તોપણ તેમના શરીરમાંથી કાંટો દૂર ન થયો. શું એનો અર્થ એમ થાય કે યહોવાએ પાઊલની પ્રાર્થનાનો જવાબ ન આપ્યો? ના, યહોવાએ તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો. યહોવાએ એ તકલીફ કાઢી ન નાખી, પણ એ સહેવા પાઊલને બળ પૂરું પાડ્યું. યહોવાએ કહ્યું: ‘તારી કમજોરીમાં મારી શક્તિ પૂરી રીતે દેખાઈ આવે છે.’ (૨ કોરીં. ૧૨:૮, ૯) યહોવાની મદદથી પાઊલ ખુશ રહી શક્યા અને મનની શાંતિ જાળવી શક્યા.—ફિલિ. ૪:૪-૭.

૬. (ક) યહોવા કઈ રીતે તમારી પ્રાર્થનાનો જવાબ આપશે? (ખ) ફકરામાં આપેલી કઈ કલમોથી તમને બળ મળ્યું?

કસોટીઓમાંથી બહાર નીકળવા શું તમે ક્યારેય પાઊલની જેમ યહોવાને કાલાવાલા કર્યા છે? તમે ઘણી પ્રાર્થના કરી હોય તોપણ કસોટી એવી ને એવી જ રહે કે પછી વધી જાય. એ વખતે શું તમને એવું લાગે છે કે યહોવા તમારાથી નારાજ છે? એવું લાગે ત્યારે પાઊલનો દાખલો યાદ કરજો. યહોવાએ તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો હતો. યહોવા તમારી પ્રાર્થનાનો પણ ચોક્કસ જવાબ આપશે. બની શકે કે, તે કસોટી દૂર ન કરે. પણ યહોવા પવિત્ર શક્તિ દ્વારા તમને જરૂરી બળ પૂરું પાડશે, જેથી તમે એ કસોટી સહન કરી શકો. (ગીત. ૬૧:૩, ૪) તમને “પાડી નાખવામાં આવે” તોપણ યહોવા તમને ત્યજી દેશે નહિ.—૨ કોરીં. ૪:૮, ૯; ફિલિ. ૪:૧૩.

યહોવાની સેવામાં લાગુ રહેવા પવિત્ર શક્તિથી મદદ મળે છે

૭-૮. (ક) પવિત્ર શક્તિને કઈ રીતે પવન સાથે સરખાવી શકાય? (ખ) પવિત્ર શક્તિ જે રીતે મદદ કરે છે એ વિશે પીતરે કઈ રીતે સમજાવ્યું?

પવિત્ર શક્તિથી બીજી કઈ મદદ મળે છે? આપણે પવિત્ર શક્તિને પવન સાથે સરખાવી શકીએ. નાવિકો વહાણને સહીસલામત મંજિલે પહોંચાડવા શું કરે છે? મંજિલની દિશામાં ફૂંકાતા પવન તરફ તેઓ વહાણ હંકારે છે. દરિયામાં તોફાન હોય તોપણ તેઓ એ પવનના સહારે મંજિલે પહોંચી શકે છે. એવી જ રીતે, પવિત્ર શક્તિ આપણને કઈ રીતે મદદ કરે છે? નવી દુનિયામાં પહોંચીએ ત્યાં સુધી યહોવાની સેવામાં લાગુ રહેવા પવિત્ર શક્તિ મદદ કરે છે, પછી ભલે જીવનમાં ગમે એવી કસોટીઓ આવે.

પ્રેરિત પીતર માછીમાર હતા એટલે વહાણ હંકારવા વિશે તે ઘણું જાણતા હતા. તેમણે વહાણ ચલાવવાનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે પવિત્ર શક્તિ કઈ રીતે મદદ કરે છે. તેમણે લખ્યું હતું: “કોઈ પણ ભવિષ્યવાણી માણસની ઇચ્છા પ્રમાણે ક્યારેય કરવામાં આવી ન હતી, પણ માણસો પવિત્ર શક્તિથી પ્રેરાઈને ઈશ્વર તરફથી બોલ્યા હતા.” “પ્રેરાઈને” માટેના ગ્રીક શબ્દનો આવો અર્થ થાય છે, “માર્ગદર્શન પામીને.”—૨ પીત. ૧:૨૧, ફૂટનોટ.

૯. પીતરે “પ્રેરાયા” શબ્દ વાપર્યો ત્યારે, તે લોકોના મનમાં કયું શબ્દચિત્ર ઊભું કરવા માંગતા હતા?

પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં લુકે એક એવા વહાણનો ઉલ્લેખ કર્યો, જે પવનથી ‘ખેંચાઈ ગયું’ હતું. “માર્ગદર્શન પામીને” શબ્દો માટે જે ગ્રીક શબ્દો પીતરે વાપર્યા હતા, એના જેવા જ શબ્દો લુકે પણ વાપર્યા હતા. (પ્રે.કા. ૨૭:૧૫) બાઇબલના એક નિષ્ણાત જણાવે છે: બાઇબલના લેખકો પવિત્ર શક્તિથી ‘પ્રેરાયા’ હતા એવું પીતરે લખ્યું ત્યારે, ‘તેમણે એવા શબ્દો વાપર્યા હતા, જેનાથી લોકોના મનમાં વહાણ હંકારવાનું શબ્દચિત્ર ઊભું થાય.’ પીતરે કહ્યું કે જેમ પવનથી ખેંચાઈને વહાણ પોતાની મંજિલે પહોંચે છે, તેમ પવિત્ર શક્તિથી પ્રેરાઈને બાઇબલના લેખકોએ પોતાનું કામ પૂરું કર્યું હતું. એ નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે, બાઇબલના લેખકો એવા વહાણ જેવા છે, જેઓએ પોતાના ‘બધા સઢ ખોલીને તૈયાર રાખ્યા હતા.’ એટલે કે, પવિત્ર શક્તિ જે કામ કરવાની પ્રેરણા આપે એ કરવા તેઓ તૈયાર હતા. યહોવાએ જે જરૂરી હતું એ કર્યું. તેમણે “પવન” એટલે કે પવિત્ર શક્તિ પૂરી પાડી. બાઇબલના લેખકોએ પણ તેઓને સોંપવામાં આવેલું કામ પૂરું કર્યું. તેઓએ પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે એ કામ કર્યું.

પહેલું પગલું: યહોવાએ સોંપેલું કામ નિયમિત કરો

બીજું પગલું: યહોવાના કામમાં બનતું બધું કરવા પૂરી મહેનત કરો (ફકરો ૧૧ જુઓ) *

૧૦-૧૧. પવિત્ર શક્તિ આપણને માર્ગદર્શન આપે માટે કયા બે પગલાં ભરવાં જોઈએ? સમજાવો.

૧૦ બાઇબલ લખાઈ ગયું છે એટલે હવે યહોવા એ કામ માટે પવિત્ર શક્તિનો ઉપયોગ કરતા નથી. પણ પોતાના લોકોને માર્ગદર્શન આપવા યહોવા હજુ પવિત્ર શક્તિનો ઉપયોગ કરે છે. યહોવા હમણાં પણ જે જરૂરી છે એ કરે છે. આપણે કઈ રીતે પવિત્ર શક્તિનો ફાયદો લઈ શકીએ? આપણે પણ સોંપવામાં આવેલું કામ ચોક્કસ પૂરું કરવું જોઈએ. આપણે કઈ રીતે એમ કરી શકીએ?

૧૧ ચાલો આ દાખલાનો વિચાર કરીએ. પવનથી ફાયદો મેળવવા નાવિકે બે બાબતો કરવી જોઈએ. પહેલી બાબત, જે જગ્યાએ પવન ફૂંકાતો હોય, ત્યાં તેણે પોતાની હોડી લઈ જવી જોઈએ. પણ જો નાવિક એમ નહિ કરે અને હોડીને બંદર પર મૂકી રાખશે, તો હોડી આગળ વધી શકશે નહિ. બીજી બાબત, તેણે બધા સઢ બને એટલા ખુલ્લા અને ઊંચા રાખવા જોઈએ. એ સઢમાં હવા ભરાશે તો જ હોડી આગળ વધશે. એવી જ રીતે, આપણે પણ પવિત્ર શક્તિની મદદથી જ યહોવાની સેવામાં લાગુ રહી શકીશું. એ શક્તિથી ફાયદો મળે માટે આપણે બે પગલાં ભરવાં જોઈએ. પહેલું, પવિત્ર શક્તિ ઈશ્વરભક્તોને જે કામ કરવાની પ્રેરણા આપે છે, એ બધાં કામ આપણે કરવાં જોઈએ. બીજું, ‘આપણા સઢ બને એટલા ઊંચા’ રાખવા જોઈએ. એટલે કે આપણે પૂરી તાકાતથી એ બધાં કામોમાં ભાગ લેવો જોઈએ. (ગીત. ૧૧૯:૩૨) એ બંને પગલાં ભરીશું તો, વિરોધ અને કસોટીનાં મોજાઓ સામે આગળ વધવા પવિત્ર શક્તિ મદદ કરશે. ઈશ્વરની નવી દુનિયા તરફ લઈ જતા માર્ગમાં વફાદારીથી ચાલતા રહેવા પણ પવિત્ર શક્તિ આપણને મદદ કરશે.

૧૨. હવે આપણે શું જોઈશું?

૧૨ આપણે જોયું કે પવિત્ર શક્તિ આપણને બે રીતે મદદ કરે છે. પવિત્ર શક્તિ આપણને બળ આપે છે અને વફાદારીથી કસોટીઓનો સામનો કરવા મદદ કરે છે. પવિત્ર શક્તિ આપણને માર્ગદર્શન આપે છે અને યહોવાએ સોંપેલું કામ કરવા મદદ કરે છે. એનાથી આપણને હંમેશ માટેનું જીવન મળશે. હવે આપણે જોઈશું કે, પવિત્ર શક્તિથી ફાયદો મેળવવા કઈ ચાર બાબતો કરવી જોઈએ.

પવિત્ર શક્તિથી કઈ રીતે ફાયદો મેળવી શકીએ?

૧૩. બીજો તિમોથી ૩:૧૬, ૧૭ પ્રમાણે બાઇબલમાંથી કઈ મદદ મળે છે? એ માટે આપણે શું કરવું જોઈએ?

૧૩ પહેલી બાબત, બાઇબલનો અભ્યાસ કરીએ. (૨ તિમોથી ૩:૧૬, ૧૭ વાંચો.) “ઈશ્વરની પ્રેરણાથી” માટે વપરાયેલા ગ્રીક શબ્દોનો અર્થ થાય, ‘ઈશ્વરે શ્વાસ ફૂંક્યો.’ બાઇબલ લેખકોના મનમાં ઈશ્વરે પોતાના વિચારોનો ‘શ્વાસ ફૂંકવા’ પવિત્ર શક્તિનો ઉપયોગ કર્યો. આપણે બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ ત્યારે, ઈશ્વરની આજ્ઞાઓ આપણા દિલમાં ઊતરે છે. એની મદદથી આપણે જીવનમાં સુધારો કરીએ છીએ અને યહોવાના દિલને ખુશ કરીએ છીએ. (હિબ્રૂ. ૪:૧૨) પવિત્ર શક્તિનો પૂરેપૂરો ફાયદો લેવા આપણે શું કરવું જોઈએ? નિયમિત બાઇબલનો અભ્યાસ કરવા અને એના પર મનન કરવા સમય કાઢવો જોઈએ. એમ કરીશું તો, આપણાં વાણી-વર્તનમાં બાઇબલની અસર દેખાઈ આવશે.

૧૪. (ક) શા માટે કહી શકાય કે આપણી સભાઓમાં જાણે ‘પવન ફૂંકાય છે?’ (ખ) આપણે કઈ રીતે ‘સઢ તૈયાર’ રાખીને સભામાં જવું જોઈએ?

૧૪ બીજી બાબત, સાથે મળીને ઈશ્વરની ભક્તિ કરીએ. (ગીત. ૨૨:૨૨) એક રીતે જોઈએ તો આપણી સભાઓમાં પણ જાણે ‘પવન ફૂંકાય છે.’ એટલે કે, યહોવાની પવિત્ર શક્તિ સભાઓમાં હોય છે. (પ્રકટી. ૨:૨૯) એવું શાના પરથી કહી શકાય? ભાઈ-બહેનો સાથે ભક્તિમાં ભેગા મળીએ છીએ ત્યારે, આપણે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગીએ છીએ. આપણે બાઇબલના આધારે બનેલાં ગીતો ગાઈએ છીએ. એટલું જ નહિ, પવિત્ર શક્તિથી નિમાયેલા ભાઈઓએ આપેલી બાઇબલની સલાહ સાંભળીએ છીએ. પવિત્ર શક્તિ બહેનોને પણ મદદ કરે છે, જેથી તેઓ પોતાનો ભાગ સારી રીતે તૈયાર કરી શકે અને સભામાં રજૂ કરી શકે. પવિત્ર શક્તિનો પૂરેપૂરો ફાયદો લેવા આપણે સભાની તૈયારી કરીને જવું જોઈએ અને જવાબ આપવા જોઈએ. એમ કરીશું તો, જેમ હોડીમાં ‘સઢ તૈયાર’ રાખવામાં આવે છે, તેમ આપણે પણ પવિત્ર શક્તિ મેળવવા તૈયાર હોઈશું.

૧૫. ખુશખબર ફેલાવવાના કામમાં કઈ રીતે પવિત્ર શક્તિ મદદ કરે છે?

૧૫ ત્રીજી બાબત, ખુશખબર ફેલાવવાનું કામ કરીએ. આપણે ખુશખબર ફેલાવવામાં અને શિષ્યો બનાવવામાં બાઇબલનો ઉપયોગ કરીએ છીએ. એનાથી શું થાય છે? પવિત્ર શક્તિની મદદ મળે માટે આપણે તૈયાર રહી શકીએ છીએ. (રોમ. ૧૫:૧૮, ૧૯) પવિત્ર શક્તિનો પૂરેપૂરો ફાયદો મળે માટે આપણે નિયમિત ખુશખબર ફેલાવીએ અને શક્ય હોય ત્યારે બાઇબલ વાપરીએ. લોકો સાથે સારી રીતે વાત કરવા જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાંથી “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીએ.

૧૬. પવિત્ર શક્તિ મેળવવાની સીધેસીધી રીત કઈ છે?

૧૬ ચોથી બાબત, યહોવાને પ્રાર્થના કરીએ. (માથ. ૭:૭-૧૧; લુક ૧૧:૧૩) પવિત્ર શક્તિ મેળવવાની સીધેસીધી રીત છે, યહોવાને પ્રાર્થના કરીએ. આપણી પ્રાર્થનાને યહોવા સુધી પહોંચતા કોઈ રોકી શકે એમ નથી. ઈશ્વરની પવિત્ર શક્તિને આપણા સુધી પહોંચતા જેલની દીવાલો કે શેતાન પણ રોકી શકે એમ નથી. (યાકૂ. ૧:૧૭) પવિત્ર શક્તિનો પૂરો ફાયદો લેવા આપણે કેવી પ્રાર્થના કરવી જોઈએ? એના જવાબ માટે ચાલો પ્રાર્થના વિશે વધારે જોઈએ. એ માટે લુકે લખેલી ખુશખબરમાં * આપેલું ઉદાહરણ તપાસીએ.

પ્રાર્થનામાં લાગુ રહીએ

૧૭. લુક ૧૧:૫-૯, ૧૩માં આપેલા ઉદાહરણથી પ્રાર્થના વિશે શું શીખવા મળે છે?

૧૭ લુક ૧૧:૫-૯, ૧૩ વાંચો. ઈસુએ આપેલા ઉદાહરણથી શીખવા મળે છે કે આપણે કઈ રીતે પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. એ ઉદાહરણમાં માણસના “સતત આગ્રહને લીધે” તેને જે જોઈતું હતું એ મળ્યું. મોડી રાત થઈ ગઈ હોવા છતાં, તે પોતાના મિત્ર પાસે મદદ માંગતા અચકાયો નહિ. * આ ઉદાહરણથી ઈસુએ પ્રાર્થના વિશે શું શીખવ્યું? તેમણે કહ્યું: “માંગતા રહો અને તમને એ આપવામાં આવશે; શોધતા રહો અને તમને મળશે; ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.” આપણને એનાથી શું શીખવા મળે છે? પવિત્ર શક્તિની મદદ મેળવવા આપણે આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ.

૧૮. શા માટે ભરોસો રાખી શકીએ કે યહોવા આપણને પવિત્ર શક્તિ આપશે?

૧૮ ઈસુએ આપેલા ઉદાહરણથી એ પણ જોઈ શકાય છે કે યહોવા કયા કારણને લીધે આપણને પવિત્ર શક્તિ આપશે. ઉદાહરણમાં જોવા મળે છે કે એ માણસ સારી મહેમાનગતિ બતાવવા માંગતો હતો. તેને થયું કે રાતે આવેલા મહેમાનને જમવાનું તો આપવું જ જોઈએ. પણ તેની પાસે કંઈ ન હતું. ઈસુએ જણાવ્યું કે એ માણસે પોતાના પડોશી પાસે સતત આગ્રહથી રોટલી માંગી. એટલે પડોશીએ તેને રોટલી આપી. એનાથી ઈસુ શું શીખવવા માંગતા હતા? પાપી માણસ પાસે આગ્રહથી માંગવામાં આવે તો તે મદદ કરે છે. તો પછી આપણા સ્વર્ગના પિતા પાસે સતત આગ્રહથી પવિત્ર શક્તિ માંગીશું તો શું તે નહિ આપે? હા, ચોક્કસ આપશે. આપણે પૂરો ભરોસો રાખીએ કે, પવિત્ર શક્તિ માટે યહોવાને પ્રાર્થના કરીશું તો તે ચોક્કસ એનો જવાબ આપશે.—ગીત. ૧૦:૧૭; ૬૬:૧૯.

૧૯. આપણને શા માટે ખાતરી છે કે આપણી જીત થશે?

૧૯ આપણને હરાવવા શેતાન ભલે ગમે એટલા ધમપછાડા કરે, પણ જીત આપણી થશે. આપણે શા માટે એવી ખાતરી રાખી શકીએ? કારણ કે પવિત્ર શક્તિ આપણને બે રીતે મદદ કરે છે. પહેલી, કસોટીઓ સામે ટકી રહેવા એ આપણને બળ આપે છે. બીજી, પવિત્ર શક્તિનું બળ ‘સઢમાં ભરીએ’ છીએ ત્યારે, નવી દુનિયા તરફ લઈ જતા માર્ગમાં વફાદારીથી ચાલતા રહેવા મદદ મળે છે. ચાલો મનમાં નક્કી કરીએ કે પવિત્ર શક્તિનો પૂરેપૂરો ફાયદો લઈશું.

ગીત ૬ અમારી પ્રાર્થના

^ ફકરો. 5 આ લેખમાં જોઈશું કે મુશ્કેલીઓનો સામનો કરવા કઈ રીતે પવિત્ર શક્તિથી મદદ મળે છે. આપણે એ પણ જોઈશું કે પવિત્ર શક્તિનો પૂરેપૂરો ફાયદો મેળવવા શું કરી શકીએ.

^ ફકરો. 16 ઈસુના જીવનમાં પ્રાર્થના સૌથી મહત્ત્વની હતી. એ વિશે ખુશખબરના બીજા લેખકો કરતાં લુકે વધારે જણાવ્યું છે.—લુક ૩:૨૧; ૫:૧૬; ૬:૧૨; ૯:૧૮, ૨૮, ૨૯; ૧૮:૧; ૨૨:૪૧, ૪૪.

^ ફકરો. 17 જુલાઈ ૨૦૧૮ જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભોના પાન ૪ પર આપેલી આ અભ્યાસ માહિતી જુઓ: “સતત આગ્રહ.”

^ ફકરો. 60 ચિત્રની સમજ પાન ૧૦: પહેલું પગલું: એક ભાઈ અને બહેન પ્રાર્થનાઘરમાં આવે છે. સાથી ભાઈ-બહેનો સાથે સભા કરવા તેઓ એવી જગ્યાએ આવે છે, જ્યાં યહોવાની પવિત્ર શક્તિ છે. બીજું પગલું: તેઓ પૂરી તૈયારી કરીને સભામાં જવાબ આપે છે. એ બંને પગલાં લેખમાં આપેલાં બીજાં કામો માટે પણ જરૂરી છે જેમ કે, બાઇબલનો અભ્યાસ કરવો, ખુશખબર ફેલાવવી અને યહોવાને પ્રાર્થના કરવી.