સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૭

લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ?

લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ?

‘આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને ઉપયોગી છે.’—૨ તિમો. ૩:૧૬.

ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે

ઝલક *

૧-૨. શા માટે લેવીયના પુસ્તક વિશે આપણે જાણવું જોઈએ?

પ્રેરિત પાઊલે પોતાના મિત્ર તિમોથીને કહ્યું હતું: ‘આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને ઉપયોગી છે.’ (૨ તિમો. ૩:૧૬) એમાં લેવીય પુસ્તક પણ આવી જાય છે. બાઇબલ વિશે તમારું શું માનવું છે? અમુકને લાગે છે કે એ પુસ્તકમાં એટલા બધા નિયમો છે, જે આજે કામના નથી. પણ ઈશ્વરભક્તોને એવું લાગતું નથી.

લેવીયનું પુસ્તક આશરે ૩,૫૦૦ વર્ષ પહેલાં લખાયું હતું. તેમ છતાં, યહોવાએ “આપણા શિક્ષણને માટે” એને સાચવી રાખ્યું. (રોમ. ૧૫:૪) લેવીયના પુસ્તકમાંથી આપણને શીખવા મળે છે કે, અમુક બાબતો વિશે યહોવા શું માને છે અને તેમને કેવું લાગે છે. એટલે આપણે બધા એમાંથી શીખવા ચાહીએ છીએ, ખરું ને! પવિત્ર શક્તિની પ્રેરણાથી લખાયેલા એ પુસ્તકમાંથી આપણને ઘણું શીખવા મળે છે. ચાલો એમાંના ચાર બોધપાઠની ચર્ચા કરીએ.

યહોવાની કૃપા કઈ રીતે મેળવી શકીએ?

૩. દર વર્ષે પ્રાયશ્ચિતના દિવસે શા માટે બલિદાન ચઢાવવામાં આવતું હતું?

પહેલો બોધપાઠ: યહોવા આપણાં અર્પણો સ્વીકારે એ માટે તેમની કૃપા હોવી ખૂબ જરૂરી છે. દર વર્ષે પ્રાયશ્ચિતના દિવસે આખી ઇઝરાયેલી પ્રજા ભેગી મળતી. પછી પ્રમુખ યાજક પ્રાણીનું બલિદાન ચઢાવતા. એ બલિદાનોથી ઇઝરાયેલીઓને યાદ રહેતું કે, તેઓએ પોતાનાં પાપોની માફી મેળવીને શુદ્ધ થવાનું છે. પ્રજા પાપમાંથી શુદ્ધ થાય એ માટે પ્રમુખ યાજકે પરમ પવિત્ર સ્થાનમાં જવાનું હતું. પણ પ્રાણીના અર્પણનું લોહી લઈ જતા પહેલાં તેમણે બીજું એક કામ કરવાનું હતું. એ કામ તો લોકોને પાપમાંથી શુદ્ધ કરવાના કામ કરતાંય મહત્ત્વનું હતું.

(ફકરો ૪ જુઓ) *

૪. પ્રાયશ્ચિતના દિવસે પ્રમુખ યાજક પહેલી વાર પરમ પવિત્ર સ્થાનમાં જતા ત્યારે શું કરતા? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

લેવીય ૧૬:૧૨, ૧૩ વાંચો. પ્રાયશ્ચિતના દિવસની જરા કલ્પના કરો. એ દિવસે પ્રમુખ યાજકે ત્રણ વાર પરમ પવિત્ર સ્થાનમાં જવાનું છે. તે પહેલી વાર મંડપમાં પ્રવેશે છે ત્યારે, તેમના એક હાથમાં સુગંધી ધૂપનું વાસણ અને બીજા હાથમાં સળગતા અંગારાથી ભરેલી સોનાની ધૂપદાની છે. પરમ પવિત્ર સ્થાનના પડદા પાસે તે થોડી વાર ઊભા રહે છે. તે પૂરા આદરથી પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશે છે અને કરારકોશ આગળ ઊભા રહે છે. એ તો જાણે યહોવા આગળ ઊભા રહેવા જેવું છે! પછી યાજક ધ્યાનથી પવિત્ર ધૂપ અંગારા પર નાખે છે અને આખો ઓરડો મહેકી ઊઠે છે. * પછી તે ફરીથી પાપનાં અર્પણોનું લોહી લઈને પરમ પવિત્ર સ્થાનમાં આવવાના છે. તમે ધ્યાન આપ્યું? પાપનાં અર્પણો માટે લોહી ચઢાવતા પહેલાં તે ધૂપ બાળે છે.

૫. પ્રાયશ્ચિતના દિવસે વપરાતા ધૂપમાંથી આપણે શું શીખી શકીએ?

પ્રાયશ્ચિતના દિવસે ધૂપ વાપરવામાં આવતો. એમાંથી આપણે શું શીખી શકીએ? યહોવા વફાદાર ભક્તોની પ્રાર્થના સાંભળે છે. એ પ્રાર્થનાને બાઇબલમાં ધૂપ સાથે સરખાવવામાં આવી છે. (ગીત. ૧૪૧:૨; પ્રકટી. ૫:૮) યાદ કરો, પ્રમુખ યાજક પૂરા આદરથી યહોવાની હાજરીમાં ધૂપ લાવતા. એવી જ રીતે, આપણે પણ પૂરા આદરથી યહોવાને પ્રાર્થના કરીએ છીએ. વિશ્વના સર્જનહાર આપણને તેમની પાસે આવવા દે છે. જેમ એક બાળકનો પિતા સાથે નજીકનો સંબંધ હોય છે, તેમ આપણે પણ યહોવા સાથે નજીકનો સંબંધ રાખી શકીએ છીએ. એ માટે આપણે કેટલા આભારી છીએ! (યાકૂ. ૪:૮) આપણને તેમના મિત્ર બનવાનો લહાવો મળ્યો છે. (ગીત. ૨૫:૧૪) એ લહાવાની આપણે એટલી કદર કરીએ છીએ કે, યહોવાને ક્યારેય નારાજ કરવા માંગતા નથી.

૬. પ્રમુખ યાજક અર્પણ ચઢાવતા પહેલાં ધૂપ બાળતા એમાંથી આપણે શું શીખી શકીએ?

આપણે જોઈ ગયા કે, પ્રમુખ યાજક અર્પણ ચઢાવતા પહેલાં ધૂપ બાળતા હતા. એમ કરીને તે ખાતરી કરતા કે અર્પણ ચઢાવતી વખતે તેમના પર યહોવાની કૃપા છે. એમાંથી આપણને ઈસુ વિશે શીખવા મળે છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, માણસોના ઉદ્ધાર માટે તે પોતાના જીવનનું બલિદાન આપવાના હતા. એનાથી પણ મહત્ત્વનું બીજું કંઈક હતું. યહોવા તેમનું બલિદાન સ્વીકારે એ માટે તેમણે પૃથ્વી પરના જીવન દરમિયાન યહોવાની આજ્ઞા વફાદારીથી પાળવાની હતી. એમ કરીને ઈસુએ બતાવવાનું હતું કે યહોવાના માર્ગે ચાલવું, એ જ જીવવાની સાચી રીત છે. ઈસુએ સાબિત કરવાનું હતું કે ફક્ત યહોવાને જ રાજ કરવાનો હક છે અને રાજ કરવાની તેમની જ રીત યોગ્ય છે.

૭. શાના પરથી કહી શકાય કે યહોવાને ખુશી મળે એ રીતે ઈસુ જીવ્યા હતા?

પૃથ્વી પરના જીવન દરમિયાન ઈસુ પૂરી રીતે યહોવાનાં નેક ધોરણો પ્રમાણે ચાલ્યા. તેમણે અનેક લાલચો અને તકલીફોનો સામનો કર્યો. તે જાણતા હતા કે તેમને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવશે. તોપણ તેમણે મનમાં એક વાત નક્કી કરી હતી. તે સાબિત કરવા માંગતા હતા કે, યહોવાની રાજ કરવાની રીત સૌથી ઉત્તમ છે. (ફિલિ. ૨:૮) અઘરા સંજોગો આવ્યા ત્યારે, તેમણે “મોટેથી પોકારીને આજીજીઓ કરી અને આંસુ વહેવડાવીને વિનંતીઓ કરી.” (હિબ્રૂ. ૫:૭) દિલથી કરેલી તેમની પ્રાર્થનાથી જોવા મળ્યું કે તે યહોવાને વફાદાર હતા. તેમ જ, યહોવાની આજ્ઞા પાળવાની તેમની ઇચ્છા વધુ મજબૂત થઈ. યહોવા માટે ઈસુની પ્રાર્થના જાણે ખુશબોદાર ધૂપ જેવી હતી. આખી જિંદગી ઈસુ એ રીતે જીવ્યા, જેનાથી યહોવાને ખુશી મળે. તેમણે યહોવાના રાજ કરવાના હકને મહિમા આપ્યો.

૮. આપણે કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ?

યહોવાની આજ્ઞા પાળવા અને તેમને વફાદાર રહેવા આપણે બનતું બધું કરવું જોઈએ. એમ કરીને આપણે ઈસુને પગલે ચાલીએ છીએ. કસોટી આવે ત્યારે આપણે દિલથી યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીએ છીએ. કારણ કે આપણે તેમને ખુશ કરવા ચાહીએ છીએ. એમ કરીને આપણે યહોવાના રાજને ટેકો આપીએ છીએ. આપણે જાણીએ છીએ કે યહોવાને પસંદ નથી એવાં વાણી-વર્તન રાખીશું તો, તે ક્યારેય આપણી પ્રાર્થના સાંભળશે નહિ. યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલીશું તો કેવો ફાયદો થશે? આપણે ખાતરી રાખી શકીએ કે દિલથી કરેલી આપણી પ્રાર્થનાને યહોવા ખુશબોદાર ધૂપ જેવી ગણશે. આપણને ભરોસો છે કે આપણે વફાદાર રહીશું અને નેકીના માર્ગમાં ચાલીશું તો પિતા યહોવા ખુશ થશે.—નીતિ. ૨૭:૧૧.

યહોવા માટે પ્રેમ અને કદર હોવાથી તેમની ભક્તિ કરીએ છીએ

(ફકરો ૯ જુઓ) *

૯. શાંતિ અર્પણો શા માટે ચઢાવવામાં આવતા?

બીજો બોધપાઠ: આપણે યહોવાનો આભાર માનવા ચાહીએ છીએ એટલે તેમની ભક્તિ કરીએ છીએ. એ સમજવા ચાલો આપણે શાંતિ અર્પણો વિશે જોઈએ. એ અર્પણો ઇઝરાયેલીઓની સાચી ભક્તિનો મહત્ત્વનો ભાગ હતા. * લેવીયના પુસ્તકમાં જોવા મળે છે કે એક ઇઝરાયેલી ‘ઉપકાર માનવા’ શાંતિ અર્પણો ચઢાવી શકતો હતો. (લેવી. ૭:૧૧-૧૩, ૧૬-૧૮) તે કરવા ખાતર નહિ, પણ દિલથી એ અર્પણો ચઢાવતો હતો. એ અર્પણ તે રાજીખુશીથી આપતો હતો, કારણ કે તે યહોવા ઈશ્વરને પ્રેમ કરતો હતો. પ્રાણીના અર્પણમાંથી એ ઈઝરાયેલી, તેનું કુટુંબ અને યાજકો ખાઈ શકતા હતા. પરંતુ પ્રાણીના શરીરના અમુક ભાગો ફક્ત યહોવાને અર્પણ કરવાના હતા. એ કયા હતા?

(ફકરો ૧૦ જુઓ) *

૧૦. શાંતિ અર્પણો અને યહોવા માટે ઈસુની સેવા કયા અર્થમાં સરખા હતા?

૧૦ ત્રીજો બોધપાઠ: આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ એટલે તેમને સૌથી સારું આપીએ છીએ. પ્રાણીના શરીરની ચરબીને યહોવા સૌથી સારો ભાગ ગણતા હતા. તેમણે બતાવ્યું કે પ્રાણીનાં બીજાં અંગો પણ કીમતી છે, જેમ કે કિડની (મૂત્રપિંડ). (લેવીય ૩:૬, ૧૨, ૧૪-૧૬ વાંચો.) એવાં મહત્ત્વનાં અંગો અને ચરબીને એક ઇઝરાયેલી ખુશીથી અર્પણ તરીકે ચઢાવે તો યહોવાને ઘણો આનંદ થતો. એવું અર્પણ આપીને ઇઝરાયેલી બતાવતો કે ઈશ્વરને તે સૌથી ઉત્તમ આપવા માંગે છે. એવી જ રીતે, ઈસુને યહોવા માટે પ્રેમ હોવાથી તેમણે પૂરા મનથી યહોવાની સેવા કરી. આમ ઈસુએ બતાવ્યું કે તે ખુશીથી યહોવાને સૌથી ઉત્તમ આપવા માંગે છે. (યોહા. ૧૪:૩૧) ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી ઈસુને ગમતું હતું. ઈશ્વરના નિયમો માટે તેમને ખૂબ પ્રેમ હતો. (ગીત. ૪૦:૮) ઈસુ ખુશીથી યહોવાની સેવા કરતા હતા. એ જોઈને યહોવાની ખુશીનો પાર રહેતો નહિ હોય!

યહોવાને પ્રેમ કરીએ છીએ એટલે તેમને સૌથી ઉત્તમ આપીએ છીએ (ફકરા ૧૧-૧૨ જુઓ) *

૧૧. યહોવા માટેની આપણી સેવા કઈ રીતે શાંતિ અર્પણો જેવી છે? એનાથી આપણા દિલને કઈ રીતે ઠંડક મળે છે?

૧૧ યહોવા માટેની આપણી રાજી ખુશીની સેવા પણ શાંતિ અર્પણો જેવી છે. એનાથી આપણે યહોવા માટે પ્રેમ બતાવીએ છીએ. આપણે યહોવાને દિલથી પ્રેમ કરીએ છીએ, એટલે તેમને સૌથી ઉત્તમ આપવા માંગીએ છીએ. દુનિયાભરમાં યહોવાના લાખો ભક્તોને યહોવા માટે અને તેમનાં ધોરણો માટે પ્રેમ છે. એટલે તેઓ દિલથી યહોવાની ભક્તિ કરે છે. એ જોઈને યહોવાનું દિલ ખુશીથી ઊભરાઈ જતું હશે! યહોવા આપણાં કાર્યો જ નહિ, એની પાછળના આપણા ઇરાદાઓ પણ જાણે છે. એ યાદ રાખવાથી આપણા દિલને કેટલી ઠંડક મળે છે! દાખલા તરીકે, વધતી ઉંમરને લીધે યહોવાની સેવામાં તમે ચાહો એટલું કરી શકતા નથી. ખાતરી રાખો, તમે કેટલું કરી શકો છો એ યહોવા જાણે છે. તમને થતું હશે કે તમે યહોવા માટે વધારે કરી શકતા નથી. પણ તમે જેટલું થઈ શકે એટલું તો કરો જ છો. યહોવા માટે પ્રેમ હોવાથી તમે બનતું બધું કરો છો. એ તે જોઈ શકે છે અને એનાથી તેમને ખુશી થાય છે.

૧૨. શાંતિ અર્પણો વિશે યહોવાને કેવું લાગતું હતું? એનાથી આપણને કઈ ખાતરી મળે છે?

૧૨ શાંતિ અર્પણોમાંથી આપણે શું શીખી શકીએ? પ્રાણીના શરીરનો ઉત્તમ ભાગ આગમાં બળે ત્યારે, એનો ધુમાડો ઉપર જતો. યહોવા એનાથી ખુશ થતા. એવી જ રીતે, ખાતરી રાખો કે તમે દિલથી યહોવાની સેવા કરો છો ત્યારે તે ઘણા ખુશ થાય છે. (કોલો. ૩:૨૩) જરા કલ્પના કરો, તમને દિલથી સેવા કરતા જોઈને તેમના ચહેરા પર કેવી ચમક આવી જતી હશે! તેમની સેવામાં તમે બનતું બધું કરો છો. ભલે થોડું હોય કે વધારે, યહોવાની નજરે એ કીમતી છે. યહોવા એને ક્યારેય ભૂલશે નહિ.—માથ. ૬:૨૦; હિબ્રૂ. ૬:૧૦.

યહોવા તેમના સંગઠન પર આશીર્વાદ વરસાવે છે

૧૩. પસંદ થયેલા યાજકો પર યહોવાએ કઈ રીતે પોતાની કૃપા બતાવી?

૧૩ ચોથો બોધપાઠ: યહોવા પોતાના સંગઠનના પૃથ્વી પરના ભાગને આશીર્વાદ આપે છે. ચાલો જોઈએ કે ઈ.સ. પૂર્વે ૧૫૧૨માં શું થયું હતું. સિનાઈ પહાડ પાસે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. (નિર્ગ. ૪૦:૧૭) હારુન અને તેમના દીકરાઓને યાજક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એ માટે મુસાએ અમુક વિધિ કરાવી હતી. યાજકો પહેલી વાર પ્રાણીના અર્પણો ચઢાવી રહ્યા હતા. આખી ઇઝરાયેલી પ્રજા એ જોવા ભેગી થઈ હતી. (લેવી. ૯:૧-૫) પસંદ થયેલા યાજકો પર યહોવાએ કઈ રીતે પોતાની કૃપા બતાવી? હારુન અને મુસા લોકોને આશીર્વાદ આપતા હતા ત્યારે, યહોવાએ અગ્‍નિ મોકલીને વેદી પરનાં અર્પણો પૂરેપૂરાં બાળી નાખ્યાં.—લેવીય ૯:૨૩, ૨૪ વાંચો.

૧૪. યાજકોની ગોઠવણ પર યહોવાએ બતાવેલી કૃપા વિશે આપણે કેમ જાણવું જોઈએ?

૧૪ આકાશમાંથી અગ્‍નિ ઊતર્યો એ શું બતાવતું હતું? એ બતાવતું કે હારુન અને તેમના દીકરાઓને યહોવાએ યાજકો તરીકે પસંદ કર્યા છે. યહોવાની કૃપા અને તેમનો હાથ તેઓ પર છે. એ ઇઝરાયેલીઓએ જોયું હતું. એનાથી તેઓને શીખવા મળ્યું કે તેઓએ પણ એ યાજકોને પૂરો ટેકો આપવાનો હતો. યાજકોની ગોઠવણ પર યહોવાએ બતાવેલી કૃપા વિશે આપણે જાણવું જોઈએ. કારણ કે યાજકોની એ ગોઠવણ આપણા સમયમાં એક ખાસ ગોઠવણને રજૂ કરે છે. એ કઈ છે? એ ગોઠવણમાં મહાન પ્રમુખ યાજક ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ યાજકો છે. તેઓ રાજાઓ તરીકે સ્વર્ગમાં સેવા આપશે.—હિબ્રૂ. ૪:૧૪; ૮:૩-૫; ૧૦:૧.

યહોવા પોતાના સંગઠનને આશીર્વાદ અને માર્ગદર્શન આપે છે. આપણે એને દિલથી સાથ આપીએ છીએ (ફકરા ૧૫-૧૭ જુઓ) *

૧૫-૧૬. શાના પરથી કહી શકાય કે “વિશ્વાસુ અને સમજુ ચાકર” પર યહોવાની કૃપા છે?

૧૫ ૧૯૧૯માં ઈસુએ અભિષિક્તોના એક નાના સમૂહને “વિશ્વાસુ અને સમજુ ચાકર” તરીકેની જવાબદારી આપી હતી. એ ચાકર ખુશખબર ફેલાવવાના કામ પર દેખરેખ રાખે છે અને ખ્રિસ્તના શિષ્યોને “યોગ્ય સમયે ખોરાક” પૂરો પાડે છે. (માથ. ૨૪:૪૫) વિશ્વાસુ અને સમજુ ચાકર પર યહોવાની કૃપા છે એ આપણે સાફ જોઈ શકીએ છીએ!

૧૬ વિશ્વાસુ ચાકરનું કામ બંધ કરાવવા શેતાન અને તેની દુનિયાએ ઘણા ધમપછાડા કર્યા છે. જો એ ચાકર પર યહોવાનો હાથ ન હોત, તો એ કામ થયું ન હોત. દુનિયામાં બે મોટા યુદ્ધ થયા અને મંદી આવી. ઈશ્વરભક્તોએ આકરી સતાવણીઓ અને અન્યાય સહેવાં પડ્યાં. તેમ છતાં, વિશ્વાસુ અને સમજુ ચાકરે ઈશ્વરભક્તોને યહોવાનું માર્ગદર્શન આપવાનું બંધ કર્યું નથી. આજે ૯૦૦ કરતાં વધુ ભાષામાં ભક્તિને લગતું સાહિત્ય મફત બહાર પાડવામાં આવે છે. એ સાફ પુરાવો આપે છે કે એની પાછળ ઈશ્વરનો હાથ છે. ખુશખબર ફેલાવવાના કામ પર ઈશ્વરનો આશીર્વાદ જોવા મળે છે. “આખી દુનિયામાં” એ ખુશખબર ફેલાવવામાં આવી રહી છે. (માથ. ૨૪:૧૪) સાફ જોવા મળે છે કે આજે યહોવા પોતાના સંગઠનને માર્ગદર્શન અને આશીર્વાદ આપી રહ્યા છે.

૧૭. યહોવાના સંગઠનને ટેકો આપવા આપણે શું કરી શકીએ?

૧૭ આપણે આ સવાલનો વિચાર કરવો જોઈએ: “યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગ સાથે હું જોડાયેલો છું, એ માટે શું હું આભાર માનું છું?” મુસા અને હારુન પર તેમનો હાથ છે એ બતાવવા યહોવાએ સ્વર્ગમાંથી અગ્‍નિ મોકલ્યો હતો. એવી જ રીતે, યહોવાનો આપણા પર હાથ છે એનો તેમણે પુરાવો આપ્યો છે. એટલે આપણે યહોવાનો ઘણો આભાર માનવો જોઈએ. (૧ થેસ્સા. ૫:૧૮, ૧૯) યહોવાના સંગઠનને ટેકો આપવા આપણે શું કરી શકીએ? સભાઓ, સંમેલનો અને સાહિત્યમાં મળતા બાઇબલ આધારિત માર્ગદર્શન પ્રમાણે ચાલીએ. ખુશખબર ફેલાવવામાં અને શીખવવાના કામમાં પૂરો ભાગ લઈએ.—૧ કોરીં. ૧૫:૫૮.

૧૮. આપણે શું કરવાનું મનમાં નક્કી કર્યું છે?

૧૮ ચાલો આપણે લેવીયના પુસ્તકમાંથી મળેલા બોધપાઠમાંથી શીખવાનો પાકો નિર્ણય લઈએ. આપણાં અર્પણો યહોવા સ્વીકારે એવું આપણે ચાહીએ છીએ. આપણે યહોવાના આભારી છીએ, એટલે તેમની સેવા કરીએ. યહોવાને દિલથી પ્રેમ કરીએ છીએ એટલે તેમની સેવામાં આપણાથી બનતું બધું કરીએ. યહોવા જે સંગઠનનો ઉપયોગ કરે છે, એને પૂરો ટેકો આપીએ. એમ કરીને બતાવીશું કે યહોવાના સાક્ષી બનવાનો જે લહાવો મળ્યો છે, એની આપણે કદર કરીએ છીએ.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

^ ફકરો. 5 યહોવાએ પ્રાચીન ઇઝરાયેલને જે નિયમો આપ્યા હતા, એ લેવીયના પુસ્તકમાં છે. હવે આપણે એ નિયમો પાળતા નથી. પણ એ નિયમોથી આપણે હજુ પણ ફાયદો મેળવી શકીએ છીએ. આ લેખમાં આપણે લેવીય પુસ્તકમાં આપેલા મહત્ત્વના શિક્ષણની ચર્ચા કરીશું.

^ ફકરો. 4 મંડપમાં જે ધૂપ બાળવામાં આવતો એ પવિત્ર ગણાતો. પ્રાચીન ઇઝરાયેલીઓ ફક્ત યહોવાની ભક્તિ માટે ધૂપ વાપરતા. (નિર્ગ. ૩૦:૩૪-૩૮) પ્રથમ સદીના ઈશ્વરભક્તોએ ભક્તિ માટે ધૂપ વાપર્યો હોય એવું ક્યાંય જોવા મળતું નથી.

^ ફકરો. 54 ચિત્રની સમજ: પ્રાયશ્ચિત્તના દિવસે પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનમાં ગયા છે. તેમના હાથમાં ધૂપ અને સળગતા અંગારા છે, એનાથી એ જગ્યા મીઠી સુગંધથી મહેકી ઊઠે છે. પછી તે પાપનાં અર્પણોનું લોહી લઈને ફરીથી પરમ પવિત્ર સ્થાનમાં જાય છે.

^ ફકરો. 56 ચિત્રની સમજ: એક ઇઝરાયેલી વ્યક્તિ શાંતિ અર્પણ માટે યાજકને ઘેટું આપે છે. એમ કરીને તે પોતાના કુટુંબ તરફથી યહોવાનો આભાર માને છે.

^ ફકરો. 58 ચિત્રની સમજ: પૃથ્વી પરના જીવન દરમિયાન ઈસુએ પોતે ઈશ્વરની આજ્ઞા પાળી અને પોતાના શિષ્યોને પણ એ પાળવાનું શીખવ્યું. એમ કરીને તેમણે બતાવ્યું કે તે યહોવાને દિલથી પ્રેમ કરે છે.

^ ફકરો. 60 ચિત્રની સમજ: તકલીફો હોવા છતાં એક વૃદ્ધ બહેન પત્ર દ્વારા ખુશખબર ફેલાવીને યહોવાને સૌથી ઉત્તમ આપે છે.

^ ફકરો. 62 ચિત્રની સમજ: ફેબ્રુઆરી ૨૦૧૯માં નિયામક જૂથના ગેરીટ લૉશે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની સુધારેલી આવૃત્તિ જર્મન ભાષામાં બહાર પાડી. ત્યાં બેઠેલાં ઉત્સાહી ભાઈ-બહેનો એ માટે આભારી હતાં. આજે જર્મનીના પ્રકાશકો આ બે બહેનોની જેમ ખુશીથી એ બાઇબલનો ખુશખબર ફેલાવવા ઉપયોગ કરે છે.