સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના રાજ્યને હમણાંથી જ ટેકો આપીએ

ઈશ્વરના રાજ્યને હમણાંથી જ ટેકો આપીએ

ધારો કે તમારા વિસ્તારમાં એક ભયાનક વાવાઝોડું આવવાનું છે. સરકારી અધિકારીઓ બધાને ચેતવણી આપે છે: “બહાર નીકળો, જલદી આ જગ્યા છોડીને સલામત જગ્યાએ પહોંચી જાઓ!” એવા સંજોગોમાં તમે શું કરશો? તમે સલામત જગ્યાએ જતા રહેશો, ખરું ને?

હકીકતમાં આપણા સમયમાં પણ આવું જ એક તોફાન આવવાનું છે. એ તોફાનને ઈસુએ “મહાન વિપત્તિ” કહી હતી. (માથ્થી ૨૪:૨૧) એ વિપત્તિમાંથી પસાર થવા સિવાય કોઈ છૂટકો નથી. પણ આપણે એમાંથી બચી શકીએ છીએ. એ માટે આપણે શું કરવું જોઈએ?

પહાડ પરના ઉપદેશમાં ઈસુએ માર્ગદર્શન આપ્યું હતું: ‘પહેલા તમે ઈશ્વરના રાજ્યને અને તેમની નજરે જે ખરું છે એ શોધતા રહો.’ (માથ્થી ૬:૩૩) એ કઈ રીતે કરી શકીએ?

પહેલા ઈશ્વરના રાજ્યને શોધીએ. એનો અર્થ એ કે, આપણે ઈશ્વરના રાજ્યને બીજી બધી બાબતો કરતાં વધારે મહત્ત્વ આપવું જોઈએ. (માથ્થી ૬:૨૫, ૩૨, ૩૩) ફક્ત ઈશ્વરનું રાજ દુનિયાની બધી મુશ્કેલીઓને કાયમ માટે દૂર કરશે. શા માટે? કારણ કે માણસ દુનિયાની મુશ્કેલીઓ દૂર કરવામાં સાવ નિષ્ફળ ગયો છે.

ઈશ્વરની નજરે જે ખરું છે એ કરતા રહો. આપણે ઈશ્વરે આપેલા નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે ચાલવા બનતું બધું જ કરવું જોઈએ. શા માટે? કારણ કે જો આપણે મન ફાવે એમ જીવીશું, તો એનાં પરિણામો ખરાબ જ આવશે. (નીતિવચનો ૧૬:૨૫) પણ જો આપણે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવીશું તો તે ખુશ થશે. એટલું જ નહિ, આપણે પોતે પણ ખુશ રહીશું.—યશાયા ૪૮:૧૭, ૧૮.

પહેલા ઈશ્વરના રાજ્યને અને તેમની નજરે જે ખરું છે એ શોધતા રહો. ઈસુએ ચેતવણી આપી હતી કે કેટલાક લોકોનું ધ્યાન ઈશ્વરના રાજ્ય પરથી ફંટાઈ જશે. કદાચ તેઓને લાગશે કે વધારે પૈસા કમાવાથી પોતાનું ભાવિ સલામત બનશે. અમુક લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ જશે કે ઈશ્વરનું રાજ્ય શોધવા તેઓ પાસે સમય જ નહિ હોય.—માથ્થી ૬:૧૯-૨૧, ૨૫-૩૨.

જોકે, ઈસુએ વચન આપ્યું હતું કે જે લોકો આજે ઈશ્વરના રાજ્યને ટેકો આપે છે, તેઓને જીવન-જરૂરી વસ્તુઓ મળશે. એ ઉપરાંત, ભવિષ્યમાં પુષ્કળ આશીર્વાદો મળશે.—માથ્થી ૬:૩૩.

પહેલી સદીમાં ઈસુના શિષ્યો ઈશ્વરના રાજ્યને શોધતા અને ઈશ્વરની નજરે જે ખરું છે એ કરતા. પણ તેઓનાં જીવન દરમિયાન દુઃખ-તકલીફો તો રહ્યાં જ હતાં. એનો અંત આવ્યો ન હતો. તોપણ ઘણી રીતે તેઓનું રક્ષણ કરવામાં આવ્યું હતું. કઈ રીતે?

તેઓ ઈશ્વરનાં ઉચ્ચ ધોરણો પ્રમાણે જીવતા હતા. જે લોકો ઈશ્વરની આજ્ઞા ન પાળતા, તેઓ પર મુશ્કેલીઓ આવતી. પણ ઈશ્વરભક્તો એવી મુશ્કેલીઓથી બચી શક્યા. શિષ્યોને પૂરો ભરોસો હતો કે ઈશ્વરનું રાજ્ય જરૂર આવશે. એટલે તેઓ જીવનની પહાડ જેવી મુશ્કેલીઓને પાર કરી શક્યા. એ મુશ્કેલીઓનો સામનો કરવા ઈશ્વરે તેઓને એવી ‘શક્તિ આપી જે માણસોની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી છે.’—૨ કોરીંથીઓ ૪:૭-૯.

શું તમે પહેલા ઈશ્વરના રાજ્યને શોધશો?

પહેલી સદીના ઈશ્વરભક્તોએ ઈસુની આજ્ઞા માની અને ઈશ્વરના રાજ્યને શોધતા રહ્યા. તેઓ આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવતા રહ્યા. (કોલોસીઓ ૧:૨૩) શું આજે પણ કોઈ એવું કરી રહ્યું છે?

હા, યહોવાના સાક્ષીઓ! તેઓ જાણે છે કે શેતાનની દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે. બહુ જ જલદી ઈશ્વરનું રાજ્ય આ દુનિયાનો નાશ કરશે. એટલે તેઓ ઈસુની આ આજ્ઞા પાળવા બનતું બધું જ કરે છે: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”—માથ્થી ૨૪:૧૪.

શું તમે આ ખુશખબર પર ધ્યાન આપશો? અમે તમને દિલથી ઉત્તેજન આપીએ છીએ કે તમે પહેલી સદીના મકદોનિયાના બેરીઆ શહેરમાં રહેતા લોકો જેવા બનો. જ્યારે ઈશ્વરભક્ત પાઊલે તેઓને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવી, ત્યારે તેઓએ “ઘણી આતુરતાથી” સાંભળી. પાઊલની વાતો સાચી છે કે નહિ એ જોવા ‘તેઓ ધ્યાનથી દરરોજ શાસ્ત્રવચનો તપાસતાં.’ જ્યારે તેઓને ખાતરી થઈ કે એ વાતો સાચી છે, ત્યારે તેઓએ એ પ્રમાણે કર્યું.—પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૧, ૧૨.

બેરીઆના લોકોની જેમ તમે પણ શાસ્ત્રવચનો તપાસી શકો. ભરોસો રાખજો, ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખવાથી અને તેમનાં ઉચ્ચ ધોરણો પ્રમાણે ચાલવાથી તમને અત્યારે સલામતી મળશે. એટલું જ નહિ, આવનાર ભાવિમાં પણ કાયમ માટે ખરી શાંતિ અને સલામતી મળશે.