સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪

“પવિત્ર શક્તિ પોતે સાક્ષી પૂરે છે”

“પવિત્ર શક્તિ પોતે સાક્ષી પૂરે છે”

“પવિત્ર શક્તિ પોતે આપણાં હૃદયોમાં સાક્ષી પૂરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.”​—રોમ. ૮:૧૬.

ગીત ૧૪૭ ઈશ્વરના પવિત્ર જનો

ઝલક *

પચાસમાના દિવસે ૧૨૦ ઈશ્વરભક્તો પર યહોવાએ અદ્‍ભુત રીતે પવિત્ર શક્તિ રેડી હતી (ફકરા ૧-૨ જુઓ)

૧-૨. સાલ ૩૩ના પચાસમાના દિવસે કયો અદ્‍ભુત બનાવ બન્યો?

યરૂશાલેમમાં એ રવિવારની સવાર હતી. સાલ ૩૩નો એ પચાસમાનો દિવસ હતો. ઈસુના ૧૨૦ શિષ્યો એક ઘરમાં ઉપરના ઓરડામાં ભેગા થયા હતા. (પ્રે.કા. ૧:૧૩-૧૫; ૨:૧) તેઓને ખાસ ભેટ મળવાની હતી, એટલે થોડા દિવસ પહેલાં ઈસુએ તેઓને યરૂશાલેમમાં રહેવાની આજ્ઞા આપી હતી. (પ્રે.કા. ૧:૪, ૫) પછી શું થયું?

“અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. એ અવાજ ભારે પવન ફૂંકાતો હોય એવો હતો.” આખું ઘર ગાજી ઊઠ્યું. પછી “અગ્‍નિની જ્વાળાઓ જેવી જીભો” શિષ્યોના માથા પર દેખાઈ અને તેઓ બધા “પવિત્ર શક્તિથી ભરપૂર થયા.” (પ્રે.કા. ૨:૨-૪) યહોવાએ કેટલી અદ્‍ભુત રીતે એ લોકો પર પોતાની પવિત્ર શક્તિ રેડી! (પ્રે.કા. ૧:૮) તેઓને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા * અને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાની આશા આપવામાં આવી. તેઓને સૌથી પહેલા એ તક મળી હતી.

કોઈને અભિષિક્ત કરવામાં આવે ત્યારે શું થાય છે?

૩. ઈશ્વરભક્તોને કઈ રીતે ખાતરી થઈ કે તેઓને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા છે?

ઉપરના ઓરડામાં ભેગા થયેલા એ શિષ્યોમાં જો તમે હોત, તો એ દિવસ ક્યારેય ભૂલ્યા ન હોત! અગ્‍નિની જ્વાળાઓ જેવી જીભ તમારા માથા પર આવી હોત અને તમે બીજી ભાષામાં બોલવા લાગ્યા હોત. (પ્રે.કા. ૨:૫-૧૨) તમને પૂરી ખાતરી થઈ ગઈ હોત કે, તમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા છે. શિષ્યો સાથે પણ એવું જ થયું હતું! શું બધાને એવી જ રીતે પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવે છે? ના, એવું નથી. એવું કઈ રીતે કહી શકીએ?

૪. પહેલી સદીમાં શું બધા અભિષિક્તોને એકસરખી રીતે અભિષિક્ત કરવામાં આવ્યા? સમજાવો.

ચાલો જોઈએ કે એક વ્યક્તિને ક્યારે અભિષિક્ત કરવામાં આવે છે. પચાસમાના દિવસે ફક્ત ૧૨૦ ઈશ્વરભક્તોને જ પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા ન હતા. એ દિવસે પછીથી આશરે ૩,૦૦૦ લોકો પર પવિત્ર શક્તિ રેડવામાં આવી. તેઓએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેઓ અભિષિક્ત થયા. (પ્રે.કા. ૨:૩૭, ૩૮, ૪૧) એ પછીનાં વર્ષોમાં બધા અભિષિક્તોને બાપ્તિસ્મા લેતી વખતે અભિષિક્ત કરવામાં આવ્યા ન હતા. સમરૂનીઓને બાપ્તિસ્માના થોડા સમય પછી અભિષિક્ત કરવામાં આવ્યા હતા. (પ્રે.કા. ૮:૧૪-૧૭) કર્નેલિયસ અને તેમના કુટુંબને અનોખી રીતે અભિષિક્ત કરવામાં આવ્યાં હતાં. તેઓ તો બાપ્તિસ્મા પામ્યા એ પહેલાં અભિષિક્ત થયાં હતાં.—પ્રે.કા. ૧૦:૪૪-૪૮.

૫. કોઈને અભિષિક્ત કરવામાં આવે ત્યારે ૨ કોરીંથીઓ ૧:૨૧, ૨૨ પ્રમાણે શું થાય છે?

ચાલો જોઈએ કે વ્યક્તિને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવે ત્યારે તે કેવું અનુભવે છે. અમુકને અભિષિક્ત કરવામાં આવે ત્યારે શરૂઆતમાં તો તેઓને માનવામાં નથી આવતું કે યહોવાએ તેઓને પસંદ કર્યા છે. તેઓ કદાચ વિચારે, ‘શા માટે ઈશ્વરે મને પસંદ કર્યો?’ બીજા અમુકને એવું ન પણ લાગે. ભલે તેઓની લાગણીઓ અલગ અલગ હોય, પણ કોઈને અભિષિક્ત કરવામાં આવે ત્યારે શું થાય છે એ વિશે પ્રેરિત પાઊલે કહ્યું: “તમે શ્રદ્ધા મૂકી એ પછી, વચન પ્રમાણેની પવિત્ર શક્તિથી તેમના દ્વારા તમને મહોર * મારવામાં આવી; એ પવિત્ર શક્તિ આપણા વારસા માટે અગાઉથી મળેલું બાનું છે.” (એફે. ૧:૧૩, ૧૪, ફૂટનોટ) એટલે યહોવા પવિત્ર શક્તિથી એ ઈશ્વરભક્તોને સાફ બતાવે છે કે તેઓને પસંદ કરવામાં આવ્યા છે. આમ, પવિત્ર શક્તિ “અગાઉથી મળેલું બાનું [ખાતરી અથવા વચન] છે,” જેનાથી તેઓને સાબિતી મળે છે કે ભાવિમાં તેઓ પૃથ્વી પર નહિ પણ સ્વર્ગમાં હંમેશ માટે જીવશે.—૨ કોરીંથીઓ ૧:૨૧, ૨૨ વાંચો.

૬. એક અભિષિક્તે સ્વર્ગનું ઇનામ મેળવવા શું કરવું જોઈએ?

એક ઈશ્વરભક્ત અભિષિક્ત થાય તો શું એનો અર્થ એવો કે તેને ચોક્કસ સ્વર્ગનું ઇનામ મળશે જ? ના, એવું નથી. તેને ખાતરી છે કે સ્વર્ગમાં જવા તેને પસંદ કરવામાં આવ્યો છે. પણ તેણે આ સલાહ યાદ રાખવી જોઈએ: “ભાઈઓ, ઈશ્વરે બોલાવેલા અને પસંદ કરેલા લોકો તરીકે વફાદાર રહેવા તમે બનતો બધો પ્રયત્ન કરો. જો તમે આ બધું કરતા રહેશો, તો ક્યારેય ઠોકર ખાઈને પડશો નહિ.” (૨ પીત. ૧:૧૦) ભલે એક ઈશ્વરભક્તને અભિષિક્ત કરવામાં આવ્યો હોય એટલે કે તેને સ્વર્ગમાં જવાનું આમંત્રણ હોય. પણ જો તે વફાદાર રહેશે તો જ તેને એ ઇનામ મળશે.—ફિલિ. ૩:૧૨-૧૪; હિબ્રૂ. ૩:૧; પ્રકટી. ૨:૧૦.

વ્યક્તિને કઈ રીતે ખબર પડે કે તેને અભિષિક્ત કરવામાં આવી છે?

૭. અભિષિક્તોને કઈ રીતે ખબર પડે કે તેઓને સ્વર્ગના જીવનનું આમંત્રણ મળ્યું છે?

વ્યક્તિને કઈ રીતે ખબર પડે કે તેને સ્વર્ગના જીવનનું આમંત્રણ મળ્યું છે? એનો જવાબ પ્રેરિત પાઊલે રોમનોને કહેલા શબ્દોમાં જોવા મળે છે. એ રોમનોને “પવિત્ર લોક થવા માટે બોલાવવામાં આવ્યા” હતા, જેઓને પાઊલે કહ્યું હતું: “પવિત્ર શક્તિ તમને ગુલામ બનાવતી નથી કે તમારામાં ડર પેદા કરતી નથી. એ શક્તિ તો આપણને ઈશ્વરના દત્તક દીકરાઓ બનાવે છે. ઈશ્વરની શક્તિને લીધે આપણે પોકારી ઊઠીએ છીએ: ‘અબ્બા, પિતા!’ પવિત્ર શક્તિ પોતે આપણાં હૃદયોમાં સાક્ષી પૂરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.” (રોમ. ૧:૭; ૮:૧૫, ૧૬) ઈશ્વર પોતાની પવિત્ર શક્તિથી અભિષિક્તોને સાફ બતાવે છે કે તેઓને સ્વર્ગના જીવનનું આમંત્રણ છે.—૧ થેસ્સા. ૨:૧૨.

૮. જેઓ અભિષિક્તો છે, તેઓએ શા માટે એની સાબિતી બીજાઓ પાસેથી લેવાની જરૂર નથી?

જેઓને સ્વર્ગના જીવનનું આમંત્રણ મળે છે, તેઓનાં મન અને દિલમાં કોઈ શંકા ન રહે એનું યહોવા ખાસ ધ્યાન રાખે છે. (૧ યોહાન ૨:૨૦, ૨૭ વાંચો.) બીજાં ભાઈ-બહેનોની જેમ એ અભિષિક્તોને પણ યહોવા મંડળ દ્વારા શીખવે છે. પણ તેઓ અભિષિક્તો છે એવી સાબિતી તેઓએ બીજાઓ પાસેથી લેવાની જરૂર નથી. વિશ્વનું સૌથી શક્તિશાળી બળ એટલે કે પવિત્ર શક્તિનો ઉપયોગ કરીને યહોવા તેઓને સાફ બતાવે છે કે તેઓ અભિષિક્તો છે.

તેઓ ‘ફરીથી જન્મે’ છે

૯. કોઈને અભિષિક્ત કરવામાં આવે ત્યારે તે કેવું અનુભવે છે?

ઈશ્વર કોઈને અભિષિક્ત કરે ત્યારે તે કેવું અનુભવે છે, એ સમજવું આજે મોટા ભાગના ઈશ્વરભક્તોને અઘરું લાગે છે. તેઓ અભિષિક્ત થયા નથી, એટલે તેઓ એ સમજી શકતા નથી. ઈશ્વરે માણસોને સ્વર્ગમાં નહિ, પણ પૃથ્વી પર હંમેશ માટે જીવવા બનાવ્યા છે. (ઉત. ૧:૨૮; ગીત. ૩૭:૨૯) પણ યહોવાએ અમુકને સ્વર્ગના જીવન માટે પસંદ કર્યા છે. જ્યારે યહોવા તેઓને અભિષિક્ત કરે છે, ત્યારે તેઓની આશામાં અને વિચારવાની રીતમાં તે અચાનક ફેરફાર કરે છે. એટલે તેઓ સ્વર્ગના જીવનની આશા રાખે છે.—એફેસીઓ ૧:૧૮ વાંચો.

૧૦. ‘ફરીથી જન્મ લેવાનો’ શો અર્થ થાય? (ફૂટનોટ પણ જુઓ.)

૧૦ ઈશ્વરભક્તોને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવે ત્યારે તેઓ ‘ફરીથી જન્મ લે’ છે અથવા ‘સ્વર્ગથી જન્મ લે છે.’ * ઈસુએ એમ પણ કહ્યું કે અભિષિક્ત ન હોય તેને એ સમજાવવું મુશ્કેલ છે કે ‘ફરીથી જન્મ લેવાથી’ અથવા ‘પવિત્ર શક્તિથી જન્મ લેવાથી’ કેવું લાગે છે.—યોહા. ૩:૩-૮, ફૂટનોટ.

૧૧. ઈશ્વરભક્તો અભિષિક્ત થાય ત્યારે તેઓના વિચારોમાં કેવા ફેરફારો થાય છે?

૧૧ ઈશ્વરભક્તો અભિષિક્ત થાય ત્યારે તેઓના વિચારોમાં કેવા ફેરફારો થાય છે? યહોવાએ તેઓને અભિષિક્ત કર્યા એ પહેલા તેઓના મનમાં હંમેશ માટે પૃથ્વી પર જીવવાની આશા હતી. તેઓ કાગડોળે રાહ જોતા હતા કે યહોવા બધી દુષ્ટતા દૂર કરશે અને પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે. તેઓ કલ્પના કરતા હતા કે મરણ પામેલા સ્નેહીજનોને તેઓ આવકારશે. પણ અભિષિક્ત થયા પછી તેઓના વિચારો બદલાઈ જાય છે. પણ તેઓ એવું વિચારતા નથી કે પૃથ્વી પર મળનાર હંમેશાંનું જીવન હવે કંઈ કામનું નથી. સ્વર્ગના જીવનની આશા મળવાથી તેઓને એવું નથી લાગતું કે પૃથ્વી પર હંમેશ માટેના જીવનથી કંટાળો આવશે. ચિંતા કે નિરાશાને લીધે તેઓના વિચારો બદલાયા નથી. પણ યહોવા પોતાની પવિત્ર શક્તિથી તેઓના વિચારો બદલે છે અને બીજી આશા આપે છે.

૧૨. પહેલો પીતર ૧:૩, ૪ પ્રમાણે અભિષિક્તોને પોતાની આશા વિશે કેવું લાગે છે?

૧૨ કોઈ અભિષિક્તને કદાચ લાગે કે એ કીમતી લહાવા માટે તે લાયક નથી. પણ યહોવાએ તેને પસંદ કર્યો છે એ વિશે તેને ક્યારેય શંકા થતી નથી. ભાવિમાં મળનાર આશીર્વાદો વિશે વિચારીને તે ખુશીથી ઝૂમી ઊઠે છે અને તેનું દિલ કદરથી ઉભરાય છે.—૧ પીતર ૧:૩, ૪ વાંચો.

૧૩. પૃથ્વીના પરના હાલના જીવન વિશે અભિષિક્તોને કેવું લાગે છે?

૧૩ તો પછી શું એનો અર્થ એવો થાય કે અભિષિક્તોને પૃથ્વી પર જીવવાનું ગમતું નથી? પ્રેરિત પાઊલે એનો જવાબ આપ્યો છે. તેમણે માનવ શરીરને મંડપ સાથે સરખાવ્યું અને કહ્યું: “અમે આ મંડપમાં રહેનારા અને ભારથી લદાયેલા છીએ, એટલે અમે નિસાસા નાખીએ છીએ. એવું નથી કે અમે આ મંડપને કપડાંની જેમ કાઢી નાખવા માંગીએ છીએ, પણ અમે તો સ્વર્ગમાંનું ઘર મેળવવા ચાહીએ છીએ, જેથી હંમેશ માટેનું જીવન નાશવંત જીવનની જગ્યા લે.” (૨ કોરીં. ૫:૪) એવું નથી કે જીવનમાંથી રસ ઊડી જવાને લીધે એ ઈશ્વરભક્તો પોતાનું જીવન ટૂંકાવી દેવા માંગે છે. તેઓ તો જીવનની મજા માણે છે. દરેક દિવસ તેઓ કુટુંબ સાથે યહોવાની સેવામાં વિતાવવા માંગે છે. ભલે તેઓ કંઈ પણ કરતા હોય, પણ સ્વર્ગના જીવનની સુંદર આશા તેઓ હંમેશાં યાદ રાખે છે.—૧ કોરીં. ૧૫:૫૩; ૨ પીત. ૧:૪; ૧ યોહા. ૩:૨, ૩; પ્રકટી. ૨૦:૬.

શું યહોવાએ તમને અભિષિક્ત કર્યા છે?

૧૪. શાનાથી સાબિત થતું નથી કે વ્યક્તિ અભિષિક્ત થઈ છે?

૧૪ તમે અભિષિક્ત છો કે કેમ એ વિશે તમને કદાચ શંકા થાય. જો એમ હોય તો આ મહત્ત્વના સવાલો પર વિચાર કરો: યહોવાની ઇચ્છા પૂરી કરવાની શું તમારા મનમાં ઝંખના થાય છે? શું તમને લાગે છે કે તમે ખૂબ ઉત્સાહથી ખુશખબર ફેલાવો છો? “ઈશ્વર વિશેની ઊંડી વાતો” શીખવા શું તમે બાઇબલનો દિલથી અભ્યાસ કરો છો? (૧ કોરીં. ૨:૧૦) શું તમને લાગે છે કે ખુશખબર ફેલાવવામાં યહોવાએ તમને ઘણા આશીર્વાદો આપ્યા છે? શું તમને લાગે છે કે બીજાઓને ઈશ્વર વિશે શીખવવું, એ તમારી જવાબદારી છે? શું તમને સાબિતી મળી છે કે જીવનનાં ઘણાં પાસાઓમાં યહોવાએ તમને મદદ કરી છે? જો એ સવાલોના જવાબ હા હોય, તો શું એનો અર્થ એમ થાય કે તમને સ્વર્ગના જીવનનું આમંત્રણ છે? ના, એવું નથી. શા માટે? કારણ કે બધા ઈશ્વરભક્તોને એવું લાગે છે, પછી ભલેને તેઓ અભિષિક્ત હોય કે ન હોય. એક ઈશ્વરભક્ત પાસે ભલે ગમે એ આશા હોય, પવિત્ર શક્તિનો ઉપયોગ કરીને યહોવા તેને બળ આપી શકે છે. તમે પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા છો કે નહિ, એ વિશે જો શંકા થાય તો એનો અર્થ કે તમે અભિષિક્ત થયા નથી. જેઓને યહોવાએ અભિષિક્ત કર્યા છે, તેઓને એ વિશે ક્યારેય શંકા થતી નથી! તેઓને પાકી ખાતરી હોય છે!

ઇબ્રાહિમ, સારાહ, દાઊદ અને યોહાન બાપ્તિસ્મા આપનારને અદ્‍ભુત કામો કરવા યહોવાએ પવિત્ર શક્તિ આપી હતી. પણ પવિત્ર શક્તિથી તેઓને સ્વર્ગના જીવનની આશા આપી ન હતી (ફકરા ૧૫-૧૬ જુઓ) *

૧૫. શા પરથી કહી શકાય કે જેઓને પવિત્ર શક્તિ મળી એ બધાને સ્વર્ગનું જીવન મળવાનું નથી?

૧૫ ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર ઘણા લોકોને પવિત્ર શક્તિ મળી હતી, જે વિશે બાઇબલમાં લખ્યું છે. પણ તેઓ પાસે સ્વર્ગના જીવનની આશા ન હતી. દાખલા તરીકે, દાઊદને પણ પવિત્ર શક્તિથી માર્ગદર્શન મળ્યું હતું. (૧ શમૂ. ૧૬:૧૩) પવિત્ર શક્તિની મદદથી તે યહોવા વિશેની ઊંડી વાતો સમજી શક્યા હતા. પવિત્ર શક્તિની મદદથી દાઊદે બાઇબલના અમુક ભાગ લખ્યા હતા. (માર્ક ૧૨:૩૬) પ્રેરિત પીતરે પણ કહ્યું કે દાઊદ “સ્વર્ગમાં ગયા ન હતા.” (પ્રે.કા. ૨:૩૪) યોહાન બાપ્તિસ્મા આપનાર “પવિત્ર શક્તિથી ભરપૂર” થયા હતા. (લુક ૧:૧૩-૧૬) ઈસુએ કહ્યું હતું કે યોહાનથી વધારે મહાન બીજું કોઈ થયું નથી, છતાં યોહાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ મળવાનો ન હતો. (માથ. ૧૧:૧૦, ૧૧) યહોવાએ એ બધા ભક્તોને અદ્‍ભુત કામો કરવા પવિત્ર શક્તિ આપી હતી. પણ પવિત્ર શક્તિથી તેઓને સ્વર્ગના રાજ્ય માટે પસંદ કર્યા ન હતા. શું એનો એવો અર્થ થાય કે સ્વર્ગમાં રાજ કરવા પસંદ થયેલા લોકો કરતાં એ ભક્તો ઓછા વફાદાર હતા? ના, એવું નથી. યહોવા તો તેઓને બાગ જેવી સુંદર પૃથ્વી પર સજીવન કરશે.—યોહા. ૫:૨૮, ૨૯; પ્રે.કા. ૨૪:૧૫.

૧૬. મોટા ભાગના ઈશ્વરભક્તો પાસે કઈ આશા છે?

૧૬ આજે મોટા ભાગના ઈશ્વરભક્તો પાસે સ્વર્ગના જીવનની આશા નથી. ઇબ્રાહિમ, સારાહ, દાઊદ, યોહાન બાપ્તિસ્મા આપનાર અને બાઇબલ સમયના બીજાં ઘણાં સ્ત્રી-પુરુષોની જેમ તેઓ પૃથ્વી પરના જીવનની આશા રાખે છે. એ સમયે પૃથ્વી પર ઈશ્વરનું રાજ હશે.—હિબ્રૂ. ૧૧:૧૦.

૧૭. હવે પછીના લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

૧૭ અમુક અભિષિક્તો હજુ પણ પૃથ્વી પર છે એટલે આપણા મનમાં તેઓ વિશે સવાલો થઈ શકે. (પ્રકટી. ૧૨:૧૭) દાખલા તરીકે, અભિષિક્તોએ પોતાને કેવા ગણવા જોઈએ? સ્મરણપ્રસંગમાં કોઈ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લે તો, તમે તેમની સાથે કઈ રીતે વર્તશો? અભિષિક્તોની સંખ્યામાં વધારો થતો જાય ત્યારે શું તમારે ચિંતા કરવી જોઈએ? એ સવાલોના જવાબ હવે પછીના લેખમાં મળશે.

^ ફકરો. 5 સાલ ૩૩ના પચાસમાના દિવસથી યહોવાએ અમુક ઈશ્વરભક્તોને એક અદ્‍ભુત આશા આપી છે. એ છે, ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાની આશા. એ ઈશ્વરભક્તોને કઈ રીતે ખબર પડે છે કે તેઓને એ ખાસ લહાવો મળ્યો છે? યહોવા કોઈને સ્વર્ગના જીવનનું આમંત્રણ આપે ત્યારે તે કેવું અનુભવે છે? આ લેખ જાન્યુઆરી ૨૦૧૬ના ચોકીબુરજના એક લેખ પર આધારિત છે. આપણા મનમાં થતા ઘણા સવાલોના જવાબ આ લેખમાંથી મળશે.

^ ફકરો. 2 શબ્દોની સમજ: પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા: પવિત્ર શક્તિનો ઉપયોગ કરીને યહોવા વ્યક્તિને ઈસુ સાથે રાજ કરવા પસંદ કરે છે. પવિત્ર શક્તિથી યહોવા એ વ્યક્તિને ભાવિનું વચન આપે છે. વ્યક્તિ માટે એ “અગાઉથી મળેલું બાનું” છે. (એફે. ૧:૧૩, ૧૪) એ ઈશ્વરભક્તો કહી શકે છે કે પવિત્ર શક્તિ તેઓ માટે “સાક્ષી પૂરે છે.” પવિત્ર શક્તિની મદદથી તેઓને સાફ સમજાઈ જાય છે કે તેઓને સ્વર્ગનું ઇનામ મળ્યું છે.—રોમ. ૮:૧૬.

^ ફકરો. 5 શબ્દોની સમજ: મહોર. એ મહોર કાયમ માટેની મહોર ક્યારે બને છે? અભિષિક્ત વ્યક્તિ વફાદારીથી પોતાનું પૃથ્વી પરનું જીવન પૂરું કરે, એના થોડા સમય પહેલાં અથવા મહાન વિપત્તિ શરૂ થાય એના થોડા સમય પહેલાં.—એફે. ૪:૩૦; પ્રકટી. ૭:૨-૪; એપ્રિલ ૨૦૧૬, ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.

^ ફકરો. 10 ‘ફરીથી જન્મ લેવાનો’ શો અર્થ થાય એ વિશે વધુ સમજણ મેળવવા મે ૧, ૨૦૦૯ ચોકીબુરજ પાન ૩-૧૨ જુઓ.

ગીત ૧૫૧ ઈશ્વરના દીકરાઓ પ્રગટ થશે

^ ફકરો. 57 ચિત્રની સમજ: ભલે શ્રદ્ધાને લીધે જેલમાં હોઈએ કે છૂટથી ખુશખબર ફેલાવતા હોઈએ અને સત્ય શીખવતા હોઈએ, આપણે પૃથ્વી પરના જીવનની આશા રાખી શકીએ છીએ. એ સમયે પૃથ્વી પર ઈશ્વરનું રાજ હશે.