સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫

અમે તારી સાથે આવીશું

અમે તારી સાથે આવીશું

“અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”​—ઝખા. ૮:૨૩.

ગીત ૧૪૬ તમે મને સાથ આપ્યો

ઝલક *

બીજાં ઘેટાં (“દસ માણસો”) પાસે અભિષિક્તો (“યહુદી”) સાથે મળીને યહોવાની ભક્તિ કરવાનો લહાવો છે (ફકરા ૧-૨ જુઓ)

૧. આપણા સમય વિશે યહોવાએ અગાઉથી શું કહ્યું હતું?

યહોવાએ અગાઉથી આપણા સમય વિશે આમ જણાવ્યું હતું: “દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ [ઝભ્ભાની કોર] પકડીને કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.” (ઝખા. ૮:૨૩) “યહુદી માણસ” કોને રજૂ કરે છે? ઈશ્વરે પવિત્ર શક્તિથી અભિષિક્ત કરેલા લોકોને રજૂ કરે છે. તેઓને “ઈશ્વરનું ઇઝરાયેલ” પણ કહેવામાં આવે છે. (ગલા. ૬:૧૬) “દસ માણસો” કોને રજૂ કરે છે? પૃથ્વી પર જેઓને હંમેશ માટે જીવવાની આશા છે તેઓને રજૂ કરે છે. તેઓ જાણે છે કે યહોવાએ અભિષિક્તોને પસંદ કર્યા છે. તેઓ એ પણ જાણે છે કે એ અભિષિક્તો સાથે મળીને યહોવાની ભક્તિ કરવી એક લહાવો છે.

૨. કઈ રીતે “દસ માણસો” અભિષિક્તોની સાથે જાય છે?

પૃથ્વી પર જેટલા અભિષિક્તો છે, * એ બધાનાં નામ જાણવાં અશક્ય છે. તો પછી પૃથ્વી પર જીવવાની આશા રાખનારાઓ કઈ રીતે અભિષિક્તો સાથે જઈ શકે? બાઇબલમાં લખ્યું છે કે “દસ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ પકડીને કહેશે, કે અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.” કલમનો પહેલો ભાગ એક યહુદી વિશે જણાવે છે. પણ બીજા ભાગમાં “તારી” અને “તમારી સાથે” શબ્દો એક કરતાં વધારે લોકોને રજૂ કરે છે. એનો અર્થ થાય કે એક યહુદી, એક વ્યક્તિને નહિ, પણ અભિષિક્તોના આખા સમૂહને રજૂ કરે છે. જેઓ અભિષિક્તો નથી, તેઓ અભિષિક્તો સાથે મળીને યહોવાની ભક્તિ કરે છે. પણ તેઓ અભિષિક્તોને પોતાના આગેવાન ગણતા નથી. કારણ કે તેઓ જાણે છે, ફક્ત ઈસુ જ તેઓના આગેવાન છે.—માથ. ૨૩:૧૦.

૩. આ લેખમાં કયા સવાલોના જવાબ મળશે?

આપણી વચ્ચે આજે પણ અભિષિક્તો છે એટલે આપણામાંથી અમુકને કદાચ થાય: (૧) અભિષિક્તોએ પોતાને કેવા ગણવા જોઈએ? (૨) જેઓ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લે છે, તેઓ સાથે આપણે કઈ રીતે વર્તવું જોઈએ? (૩) તેઓની સંખ્યામાં વધારો થતો જાય તો શું આપણે ચિંતા કરવી જોઈએ? આ લેખમાં એના જવાબો જોઈશું.

અભિષિક્તોએ પોતાને કેવા ગણવા જોઈએ?

૪. અભિષિક્તોએ કઈ ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ? શા માટે?

પહેલો કોરીંથીઓ ૧૧:૨૭-૨૯માં (વાંચો.) આપેલી ચેતવણી પર એક અભિષિક્ત વ્યક્તિએ ખાસ ધ્યાન આપવું જોઈએ. કઈ રીતે એક અભિષિક્ત વ્યક્તિ સ્મરણપ્રસંગમાં રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવાને લીધે “દોષિત” ગણાય શકે? જો તે યહોવાનાં નેક ધોરણો પ્રમાણે જીવે નહિ અને સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લે તો એવું બની શકે. (હિબ્રૂ. ૬:૪-૬; ૧૦:૨૬-૨૯) અભિષિક્તો સારી રીતે જાણે છે કે “ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર તરફથી સ્વર્ગનું આમંત્રણ” મેળવવા તેઓએ ઈશ્વરને વફાદાર રહેવું જોઈએ.—ફિલિ. ૩:૧૩-૧૬.

૫. અભિષિક્તોએ પોતાને કેવા ગણવા જોઈએ?

યહોવાની પવિત્ર શક્તિ તેમના ભક્તોને ઘમંડી નહિ, પણ નમ્ર બનવા મદદ કરે છે. (એફે. ૪:૧-૩; કોલો. ૩:૧૦, ૧૨) એટલે અભિષિક્તો ક્યારેય પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા નથી. તેઓ જાણે છે કે યહોવા બીજા ભક્તોને જેટલી પવિત્ર શક્તિ આપે છે, એટલી જ તેઓને પણ આપે છે. તેઓ ક્યારેય એવું માનતા નથી કે બીજાઓ કરતાં તેઓને બાઇબલનાં સત્યો વિશે વધારે સમજણ છે. એક અભિષિક્ત વ્યક્તિ કોઈને કહેશે નહિ કે ‘તમે પણ અભિષિક્ત છો એટલે રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં તમારે પણ ભાગ લેવો જોઈએ.’ એને બદલે, તેઓ નમ્રતાથી સ્વીકારે છે કે સ્વર્ગના જીવનનું આમંત્રણ તો યહોવા સિવાય બીજું કોઈ ન આપી શકે.

૬. પહેલો કોરીંથીઓ ૪:૭, ૮માં જણાવ્યા પ્રમાણે અભિષિક્તોએ કઈ રીતે વર્તવું જોઈએ?

અભિષિક્તો સ્વર્ગના આમંત્રણને એક લહાવો ગણે છે. પરંતુ, તેઓ કદી એવું ચાહતા નથી કે લોકો તેઓને ખાસ ગણે. (ફિલિ. ૨:૨, ૩) તેઓ એ પણ જાણે છે કે યહોવાએ તેઓને અભિષિક્ત કર્યા ત્યારે, બધા લોકોને એની જાહેરાત કરી ન હતી. એટલે તેઓ અભિષિક્ત થયા છે, એ વાત બીજાઓને ગળે ન ઉતરે તો તેઓને નવાઈ લાગતી નથી. તેઓને ખબર છે કે બાઇબલમાં એ વિશે સારી સલાહ આપી છે. એમાં જણાવ્યું છે, જો કોઈ કહે કે પોતાને ઈશ્વર તરફથી ખાસ જવાબદારી મળી છે તો તરત માની લેવું નહિ. (પ્રકટી. ૨:૨) એક અભિષિક્ત વ્યક્તિ કોઈને પહેલી વાર મળે તો ઢંઢેરો નહિ પીટે કે પોતે અભિષિક્ત છે. આમ તે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચશે નહિ કે બડાઈ હાંકશે નહિ.—૧ કોરીંથીઓ ૪:૭, ૮ વાંચો.

૭. અભિષિક્તો કઈ બાબતો નહિ કરે અને શા માટે?

અભિષિક્તો એવું નહિ માને કે તેઓએ ફક્ત અભિષિક્તો સાથે જ મિત્રતા કરવી જોઈએ. જાણે એક અલગ ગ્રૂપના સભ્યો હોય એ રીતે તેઓ નહિ વર્તે. બીજા અભિષિક્તોને શોધીને તેઓ પોતાનો અભિષિક્ત થવાનો અનુભવ જણાવવા બેસી નહિ જાય. કે પછી તેઓ બીજા અભિષિક્તો સાથે ગ્રૂપ બનાવીને બાઇબલની ચર્ચા કરવા લાગી નહિ જાય. (ગલા. ૧:૧૫-૧૭) જો અભિષિક્તો એવું કંઈ કરે તો મંડળમાં સંપ રહેશે નહિ. એમ કરીને તો તેઓ પવિત્ર શક્તિની વિરુદ્ધ જશે. પવિત્ર શક્તિથી ઈશ્વરના લોકોને સુલેહ-શાંતિ રાખવા મદદ મળે છે.—રોમ. ૧૬:૧૭, ૧૮.

આપણે અભિષિક્તો સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

અભિષિક્તો કે મંડળમાં આગેવાની લેનારાઓને પ્રખ્યાત વ્યક્તિ ગણીને તેઓ સાથે અયોગ્ય રીતે ન વર્તીએ (ફકરો ૮ જુઓ) *

૮. આપણે અભિષિક્ત ભાઈ-બહેનો સાથે કઈ રીતે વર્તવું જોઈએ? (ફૂટનોટ પણ જુઓ.)

આપણે અભિષિક્ત ભાઈ-બહેનો સાથે કઈ રીતે વર્તવું જોઈએ? કોઈ વ્યક્તિની વધારે પડતી વાહ-વાહ કરવી ખોટું કહેવાય પછી ભલેને એ અભિષિક્ત કેમ ન હોય! (માથ. ૨૩:૮-૧૨) બાઇબલમાં જણાવ્યું છે કે વડીલોની “શ્રદ્ધાને પગલે ચાલો.” પણ બાઇબલમાં ક્યાંય એવું લખ્યું નથી કે આપણો આગેવાન કોઈ માણસ હોવો જોઈએ. (હિબ્રૂ. ૧૩:૭) ખરું કે બાઇબલમાં કહ્યું છે કે અમુકને “બમણા માનને યોગ્ય” ગણવા જોઈએ. તેઓ અભિષિક્ત છે એટલે નહિ, પણ તેઓ “સારી રીતે આગેવાની લે છે” અને “બોલવામાં અને શીખવવામાં સખત મહેનત કરે છે” એટલે તેઓને માન આપવું જોઈએ. (૧ તિમો. ૫:૧૭) જો આપણે અભિષિક્તોના વધુ પડતા વખાણ કરીશું કે તેઓને જ મહત્ત્વ આપીશું, તો કદાચ તેઓ શરમમાં મૂકાઈ જશે અથવા તેઓમાં ઘમંડ આવી જશે. * (રોમ. ૧૨:૩) આપણે એવું કંઈ પણ નહિ કરીએ, જેનાથી ખ્રિસ્તનાં અભિષિક્ત ભાઈ-બહેનોમાંથી કોઈ એવી ગંભીર ભૂલ કરી બેસે.—લુક ૧૭:૨.

૯. આપણે કઈ રીતે અભિષિક્તોને આદર આપી શકીએ?

આપણે કઈ રીતે અભિષિક્તોને આદર આપી શકીએ? આપણે તેઓને એમ નહિ પૂછીએ કે તેઓ કઈ રીતે અભિષિક્ત થયા. એ તેઓની અંગત વાત છે, જે જાણવાનો આપણને હક નથી. (૧ થેસ્સા. ૪:૧૧; ૨ થેસ્સા. ૩:૧૧) આપણે એવું માની ન લેવું જોઈએ કે તેઓના પતિ કે પત્ની, માબાપ કે બીજા કુટુંબના સભ્યો પણ અભિષિક્ત હશે. સ્વર્ગની આશા કોઈને વારસામાં મળતી નથી. એ તો ઈશ્વર તરફથી મળે છે. (૧ થેસ્સા. ૨:૧૨) બીજાઓને માઠું લાગે એવા સવાલો પૂછવાનું આપણે ટાળવું જોઈએ. દાખલા તરીકે, અભિષિક્ત ભાઈના પત્નીને આપણે એવું નહિ પૂછીએ કે પતિ વગર પૃથ્વી પર હંમેશ માટે જીવવાનું તેમને કેવું લાગશે. કારણ કે આપણને બધાને ખાતરી છે કે યહોવા બધાની ‘ઇચ્છા પૂરી કરશે.’—ગીત. ૧૪૫:૧૬.

૧૦. આપણે “બીજાઓની વાહ વાહ” કરવાનું ટાળીશું તો કઈ રીતે આપણું રક્ષણ થશે?

૧૦ અભિષિક્તોને વધુ પડતું મહત્ત્વ ન આપીને આપણે પોતાનું પણ રક્ષણ કરીએ છીએ. કઈ રીતે? બાઇબલ કહે છે કે અમુક અભિષિક્તો કદાચ અંત સુધી વફાદાર ન રહે. (માથ. ૨૫:૧૦-૧૨; ૨ પીત. ૨:૨૦, ૨૧) જો આપણે “બીજાઓની વાહ વાહ” કરવાનું ટાળીશું તો માણસોના પગલે ચાલીશું નહિ. પછી ભલેને એ માણસો અભિષિક્તો કે જાણીતાં ભાઈ-બહેનો કે પછી વર્ષો જૂના ઈશ્વરભક્તો કેમ ન હોય. (યહુ. ૧૬, ફૂટનોટ) એટલે જો તેઓ બેવફા બને કે મંડળ છોડીને જતા રહે, તો યહોવા પરની આપણી શ્રદ્ધા ઓછી થવા દઈશું નહિ કે આપણે યહોવાને ભજવાનું છોડી દઈશું નહિ.

તેઓની સંખ્યા વધે તો શું ચિંતા કરવી જોઈએ?

૧૧. રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લેનારાઓની સંખ્યામાં કેવો ફેરફાર જોવા મળ્યો છે?

૧૧ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લેનારાઓની સંખ્યા ઘણાં વર્ષોથી ઓછી થઈ રહી હતી. પણ હાલમાં જોવા મળ્યું છે કે દર વર્ષે એ સંખ્યા વધી રહી છે. શું એની આપણે ચિંતા કરવી જોઈએ? ના. ચાલો એનાં અમુક કારણો જોઈએ.

૧૨. ખાવા-પીવામાં ભાગ લેનારાઓની સંખ્યા વિશે શા માટે ચિંતા કરવી ન જોઈએ?

૧૨ “જેઓ પોતાના છે તેઓને યહોવા ઓળખે છે.” (૨ તિમો. ૨:૧૯) યહોવા જાણે છે કે ખરેખર અભિષિક્ત કોણ છે. રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં જેઓ ભાગ લે છે, તેઓની સંખ્યા ગણતા ભાઈઓને એ ખબર નથી. એ સંખ્યામાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ પોતાને અભિષિક્ત ગણે છે પણ ખરેખર અભિષિક્ત હોતા નથી. દાખલા તરીકે, અગાઉ જેઓ ખાવા-પીવામાં ભાગ લેતા, તેઓએ હવે ભાગ લેવાનું બંધ કર્યું છે. બીજા અમુક વધારે પડતા લાગણીશીલ હોય છે, તેઓને એવું લાગે છે કે પોતે સ્વર્ગમાં ખ્રિસ્ત સાથે રાજ કરવાના છે. એટલે આપણે જાણતા નથી કે પૃથ્વી પર ખરેખર કેટલા અભિષિક્તો બાકી છે.

૧૩. શું બાઇબલમાં લખ્યું છે કે મહાન વિપત્તિ શરૂ થશે ત્યારે પૃથ્વી પર કેટલા અભિષિક્તો હશે?

૧૩ ઈસુ અભિષિક્તોને સ્વર્ગમાં લઈ જવા આવશે ત્યારે તેઓ પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ રહેતા હશે. (માથ. ૨૪:૩૧) બાઇબલમાં લખ્યું છે કે છેલ્લા દિવસોમાં પૃથ્વી પર બહુ ઓછા અભિષિક્તો બાકી રહ્યા હશે. (પ્રકટી. ૧૨:૧૭) પણ એમાં એ નથી લખ્યું કે મહાન વિપત્તિ શરૂ થશે ત્યારે કેટલા અભિષિક્તો પૃથ્વી પર હશે.

રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં કોઈ ભાગ લે તો આપણે કઈ રીતે વર્તવું જોઈએ? (ફકરો ૧૪ જુઓ)

૧૪. રોમનો ૯:૧૧ખ, ૧૬માં જણાવ્યા પ્રમાણે અભિષિક્તોની પસંદગી વિશે આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૪ અભિષિક્તોને ક્યારે પસંદ કરવા એ યહોવા નક્કી કરે છે. (રોમ. ૮:૨૮-૩૦) ઈસુ સજીવન થયા એ પછી યહોવાએ અભિષિક્તોને પસંદ કરવાનું શરૂ કર્યું. એવું લાગે છે કે પ્રથમ સદીના બધા ઈશ્વરભક્તો અભિષિક્ત હતા. એ પછીનાં વર્ષોમાં મોટા ભાગના એવા હતા, જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવતા પણ ખ્રિસ્તને પગલે ચાલતા ન હતા. એ વર્ષોમાં પણ યહોવાએ અમુક સાચા ભક્તોને અભિષિક્ત કર્યા હતા. તેઓ જાણે કડવા છોડમાં ઊગેલાં ઘઉં જેવા હતા, જે વિશે ઈસુએ જણાવ્યું હતું. (માથ. ૧૩:૨૪-૩૦) છેલ્લા દિવસોમાં ૧,૪૪,૦૦૦ * અભિષિક્તોનો ભાગ બનવા યહોવા અમુક ભક્તોને પસંદ કરી રહ્યા છે. એટલે અંતના થોડા સમય પહેલાં ઈશ્વર અમુક ભક્તોને અભિષિક્ત કરે તો, આપણે એ વિશે શંકા ન કરવી જોઈએ. (રોમનો ૯:૧૧ખ, ૧૬ વાંચો.) * ઈસુએ આપેલા ઉદાહરણમાંના મજૂરો જેવા આપણે ન બનવું જોઈએ. એક જ કલાક કામ કરનારાઓને માલિકે જે વેતન આપ્યું, એ જોઈને મજૂરો કચકચ કરવા લાગ્યા હતા.—માથ. ૨૦:૮-૧૫.

૧૫. શું બધા અભિષિક્તો “વિશ્વાસુ અને સમજુ ચાકર” છે? સમજાવો.

૧૫ સ્વર્ગના જીવનની આશા રાખનાર બધા અભિષિક્તો “વિશ્વાસુ અને સમજુ ચાકર” નથી. (માથ્થી ૨૪:૪૫-૪૭ વાંચો.) પ્રથમ સદીની જેમ આજે પણ યહોવા અને ઈસુ અમુક ભાઈઓનો ઉપયોગ કરે છે. એ ભાઈઓ ઘણા બધા લોકોને ભક્તિને લગતો ખોરાક પૂરો પાડે છે, એટલે કે શીખવવાનું કામ કરે છે. પ્રથમ સદીમાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો લખવા ફક્ત થોડા જ અભિષિક્તોનો ઉપયોગ થયો હતો. આજે પણ થોડા જ અભિષિક્તો ઈશ્વરભક્તોને “યોગ્ય સમયે ખોરાક” પૂરો પાડવાનું કામ કરે છે.

૧૬. આ લેખમાંથી તમને શું શીખવા મળ્યું?

૧૬ આ લેખમાંથી આપણને શું શીખવા મળ્યું? યહોવાએ ઘણા લોકોને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન આપવાનું નક્કી કર્યું છે. જ્યારે કે અમુક લોકોને સ્વર્ગનું જીવન આપવાનું નક્કી કર્યું છે, જેઓ ઈસુ સાથે રાજ કરશે. યહોવા પોતાના બધા ભક્તોને ઇનામ આપે છે. ભલે પછી એ “યહુદી” હોય કે “દસ માણસો” હોય. તે ચાહે છે કે બધા તેમના નિયમો પાળે અને તેમને વફાદાર રહે. બધા ભક્તોએ નમ્ર રહેવાનું છે. બધાએ સાથે મળીને યહોવાની ભક્તિ કરવાની છે અને સંપ રાખવાનો છે. બધાએ મંડળમાં સુલેહ-શાંતિ જાળવવાની છે. અંત નજીક આવતો જાય તેમ, ચાલો આપણે બધા ‘એક ટોળા’ તરીકે યહોવાની ભક્તિ કરીએ અને ઈસુને પગલે ચાલીએ.—યોહા. ૧૦:૧૬.

^ ફકરો. 5 આ વર્ષે મંગળવાર, એપ્રિલ ૭ના રોજ ખ્રિસ્તના મરણનો સ્મરણપ્રસંગ ઉજવવામાં આવશે. જેઓ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લે છે, તેઓને આપણે કેવા ગણવા જોઈએ? તેઓની સંખ્યામાં વધારો થતો જાય તો શું આપણે ચિંતા કરવી જોઈએ? એ સવાલોના જવાબ આ લેખમાંથી મળશે. આ લેખ જાન્યુઆરી ૨૦૧૬ના ચોકીબુરજના એક લેખ પર આધારિત છે.

^ ફકરો. 2 ગીતશાસ્ત્ર ૮૭:૫, ૬માં બતાવ્યા પ્રમાણે ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરનાર લોકોનાં નામ ભાવિમાં ઈશ્વર આપણને કદાચ જણાવશે.—રોમ. ૮:૧૯.

^ ફકરો. 8 જાન્યુઆરી ૨૦૧૬ ચોકીબુરજમાં આપેલું આ બૉક્સ જુઓ: “પ્રીતિ અયોગ્ય રીતે વર્તતી નથી.

^ ફકરો. 14 પ્રેરિતોનાં કાર્યો ૨:૩૩માં જણાવ્યું છે કે પવિત્ર શક્તિ ઈસુ દ્વારા રેડવામાં આવે છે, પણ વ્યક્તિને આમંત્રણ તો યહોવા જ આપે છે.

^ ફકરો. 14 વધુ માહિતી માટે મે ૧, ૨૦૦૭ના ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.

ગીત ૨૯ ચાલું તારી સંગે

^ ફકરો. 56 ચિત્રની સમજ: મુખ્યમથક પ્રતિનિધિ અને તેમના પત્ની સાથે સંમેલનમાં ફોટો પડાવવા લોકો પડાપડી કરે છે. એ કેટલું ખરાબ કહેવાય!