સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૬

યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે

યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે

“તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ‘હે સ્વર્ગમાંના અમારા પિતા.’”—માથ. ૬:૯.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

ઝલક *

૧. ઈરાનના રાજા સાથે વાત કરવા માટે કેવો નિયમ હતો?

કલ્પના કરો કે તમે લગભગ ૨,૫૦૦ વર્ષ પહેલાં ઈરાનમાં રહો છો. તમારે ત્યાંના રાજા સાથે વાત કરવી છે, એટલે તમે સૂસા શહેરમાં તેમના શાહી દરબારમાં જાઓ છો. પણ નિયમ છે કે રાજા સાથે વાત કરવા પહેલાં તમારે પરવાનગી લેવી પડે. પરંતુ તમે એ નિયમ તોડો તો તમારે જીવ ગુમાવવો પડે.—એસ્તે. ૪:૧૧.

૨. યહોવા શું ચાહે છે?

આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તે ઈરાનના રાજા જેવા નથી! દુનિયાના કોઈ પણ રાજા કરતાં યહોવા શક્તિશાળી અને મહાન છે. તેમ છતાં આપણે ગમે તે સમયે તેમની સાથે વાત કરી શકીએ છીએ. તે ચાહે છે કે આપણે દિલ ખોલીને તેમની સાથે વાત કરીએ. બાઇબલમાં તેમને અજોડ ખિતાબો આપવામાં આવ્યા છે. જેમ કે પ્રભુ, મહાન સર્જનહાર અને સર્વશક્તિમાન. પણ તે ઇચ્છે છે કે આપણે તેમને “પિતા” કહીને બોલાવીએ. (માથ. ૬:૯) તે ચાહે છે કે આપણે તેમની નજીક છીએ એવું મહેસૂસ કરીએ. એ જાણીને કેટલી ખુશી થાય છે!

૩. આપણે કેમ યહોવાને “પિતા” કહીને બોલાવી શકીએ? આ લેખમાં શાની ચર્ચા કરીશું?

યહોવા જીવનનો ઝરો છે, એટલે આપણે તેમને “પિતા” કહીને બોલાવીએ છીએ. (ગીત. ૩૬:૯) યહોવા આપણા પિતા હોવાથી આપણે તેમનું માનવું જોઈએ. જો આપણે તેમના કહ્યા પ્રમાણે કરીશું તો અદ્‍ભુત આશીર્વાદો મળશે. (હિબ્રૂ. ૧૨:૯) એ આશીર્વાદોમાં હંમેશ માટેના જીવનનો પણ સમાવેશ થાય છે, પછી ભલે એ જીવન સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર હોય. અત્યારે પણ આપણને આશીર્વાદનો લાભ મળે છે. આ લેખમાં જોઈશું કે યહોવા કઈ રીતે આજે આપણી સાથે પ્રેમથી વર્તે છે. એ પણ જોઈશું, આપણે કેવી રીતે ભરોસો કરી શકીએ કે ભવિષ્યમાં તે આપણો સાથ નહિ છોડે. પણ ચાલો પહેલાં જોઈએ, આપણે કેમ ભરોસો રાખી શકીએ કે પિતા યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને મદદ કરવા માંગે છે.

યહોવા પ્રેમાળ અને કાળજી રાખનાર પિતા છે

એક પ્રેમાળ પિતા ચાહે છે કે બાળકો તેમની નજીક રહે, એવી જ રીતે યહોવા ચાહે છે કે આપણે તેમની નજીક રહીએ (ફકરો ૪ જુઓ)

૪. ઈશ્વરને પોતાના પિતા માનવા શા માટે અમુકને અઘરું લાગે છે?

શું ઈશ્વરને પિતા માનવા તમને અઘરું લાગે છે? અમુકને એવું લાગે કે યહોવા આગળ આપણી શું વિસાત? તેઓ માને છે કે ઈશ્વરને તો આપણી કંઈ પડી નથી. પણ આપણા પ્રેમાળ પિતા નથી ચાહતા કે આપણે એવું માનીએ. પ્રેરિત પાઊલે જણાવ્યું હતું કે યહોવાએ આપણને જીવન આપ્યું છે અને તે ચાહે છે કે આપણે તેમની નજીક રહીએ. એ જણાવ્યા પછી પ્રેરિત પાઊલે એથેન્સના લોકોને કહ્યું કે યહોવા “આપણામાંના કોઈથી દૂર નથી.” (પ્રે.કા. ૧૭:૨૪-૨૯) એક બાળક પોતાના પ્રેમાળ અને કાળજી રાખનાર પિતા સાથે વાત કરે છે. એવી જ રીતે, યહોવા ઇચ્છે છે કે આપણે દરેક તેમની સાથે વાત કરીએ.

૫. એક બહેનના અનુભવ પરથી શું શીખી શકાય?

ઈશ્વરને પોતાના પિતા માનવા અમુક લોકોને ઘણું અઘરું લાગે છે. કારણ કે તેઓના પિતાએ તેઓને પ્રેમ અને દયા બતાવ્યાં હોતાં નથી. એક બહેન જણાવે છે, “મારા પપ્પા મને ન બોલવાનું બોલી જતા. એટલે જ્યારે મેં બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે સ્વર્ગમાંના પિતાની નજીક જવું મારા માટે અઘરું હતું. પણ યહોવાને ઓળખ્યા પછી મારા વિચારો એકદમ બદલાઈ ગયા.” જો તમને પણ એ બહેન જેવું લાગતું હોય તો નિરાશ ન થશો. સમય જતાં, તમને પણ ખાતરી થશે કે યહોવા સૌથી પ્રેમાળ પિતા છે.

૬. શા પરથી કહી શકાય કે યહોવા એક પ્રેમાળ પિતા છે?

યહોવાએ બાઇબલમાં ઈસુનાં શબ્દો અને કાર્યો વિશે લખાવ્યું છે. એ વાંચીને આપણે જાણી શકીએ છીએ કે યહોવા એક પ્રેમાળ પિતા છે. (માથ્થી ૧૧:૨૭ વાંચો.) ઈસુમાં યહોવા જેવા જ ગુણો હતા એટલે તે કહી શક્યા, “જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.” (યોહા. ૧૪:૯) ઈસુએ ઘણી વાર યહોવાનો પિતા તરીકે ઉલ્લેખ કર્યો છે. ખુશખબરનાં ચાર પુસ્તકોમાં જોવા મળે છે કે ઈસુએ યહોવા માટે ઘણી વખત પિતા શબ્દ વાપર્યો છે. શા માટે ઈસુએ આટલી બધી વાર યહોવાનો પિતા તરીકે ઉલ્લેખ કર્યો હતો? કારણ કે એનાથી લોકોને ખબર પડે કે યહોવા એક પ્રેમાળ પિતા છે.—યોહા. ૧૭:૨૫, ૨૬.

૭. યહોવા તેમના દીકરા ઈસુ સાથે જે રીતે વર્ત્યા એનાથી શું શીખવા મળે છે?

યહોવા તેમના દીકરા ઈસુ સાથે જે રીતે વર્ત્યા એનો વિચાર કરો. યહોવા હંમેશાં ઈસુની પ્રાર્થના સાંભળતા હતા. એટલું જ નહિ, એ પ્રાર્થનાઓનો જવાબ પણ આપતા હતા. (યોહા. ૧૧:૪૧, ૪૨) એટલે ભલે ઈસુ પર ગમે તેટલી કસોટીઓ આવી, તે હંમેશાં પોતાના પિતાનો પ્રેમ અને સાથ અનુભવી શક્યા.—લુક ૨૨:૪૨, ૪૩.

૮. યહોવાએ ઈસુની કઈ જરૂરિયાતો પૂરી કરી?

ઈસુ જાણતા હતા કે જીવન આપનાર અને એને ટકાવી રાખનાર યહોવા છે. એટલે તેમણે જણાવ્યું કે “હું પિતાને લીધે જીવું છું.” (યોહા. ૬:૫૭) ઈસુને યહોવા પર પૂરો ભરોસો હતો. યહોવાએ તેમને જીવન જીવવા માટેની બધી જરૂરિયાતો પૂરી પાડી. સૌથી મહત્ત્વનું તો, ઈસુ વફાદાર રહી શકે માટે યહોવાએ મદદ કરી હતી.—માથ. ૪:૪.

૯. યહોવાએ કઈ રીતે સાબિત કર્યું કે તે ઈસુના પ્રેમાળ પિતા છે?

પ્રેમાળ પિતા યહોવા ચાહતા હતા કે ઈસુને પાકી ખાતરી થાય કે તે તેમની સાથે છે. (માથ. ૨૬:૫૩; યોહા. ૮:૧૬) પણ યહોવાએ ઈસુને બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યા નહિ. એને બદલે એ સહન કરવાની તેમને શક્તિ આપી. ઈસુ જાણતા હતા કે પોતે જે તકલીફોનો સામનો કરી રહ્યા છે એ કાયમ માટે નથી. (હિબ્રૂ. ૧૨:૨) યહોવાએ ઈસુની પ્રાર્થનાઓ સાંભળી, જરૂરિયાતો પૂરી કરી, તાલીમ આપી અને સાથ આપ્યો. એમ કરીને યહોવાએ બતાવી આપ્યું કે તે ઈસુની કાળજી રાખે છે. (યોહા. ૫:૨૦; ૮:૨૮) એવી જ રીતે યહોવા આપણી પણ સંભાળ રાખે છે. ચાલો એ વિશે વધારે જોઈએ.

પ્રેમાળ પિતા કઈ રીતે આપણી સંભાળ રાખે છે?

એક પ્રેમાળ પિતા પોતાનાં બાળકોનું (૧) સાંભળે છે, (૨) જરૂરિયાતો પૂરી કરે છે, (૩) તાલીમ આપે છે અને (૪) રક્ષણ કરે છે. એવી જ રીતે સ્વર્ગના પ્રેમાળ પિતા આપણી કાળજી રાખે છે (ફકરા ૧૦-૧૫ જુઓ) *

૧૦. યહોવા કેવી રીતે બતાવે છે કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે?

૧૦ યહોવા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૬૬:૧૯, ૨૦ વાંચો.) આપણને મન થાય એટલી વાર પ્રાર્થના કરીએ એવું યહોવા ચાહે છે, તે આપણને રોકતા નથી. (૧ થેસ્સા. ૫:૧૭) આપણે ગમે ત્યાં હોઈએ યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ. તે આપણી પ્રાર્થના સાંભળવા હંમેશાં તૈયાર હોય છે. એ જાણીને તેમના માટે આપણી કદર વધે છે અને આપણે તેમની વધુ નજીક જઈએ છીએ. એક ગીતના લેખકે કહ્યું, ‘યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, તેથી હું તેમને પ્રેમ કરું છું.’—ગીત. ૧૧૬:૧.

૧૧. શું યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે? સમજાવો.

૧૧ આપણા પિતા આપણી પ્રાર્થના સાંભળે છે, એટલું જ નહિ એનો જવાબ પણ આપે છે. પ્રેરિત યોહાન આપણને ખાતરી આપે છે: “[ઈશ્વરની] ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો, તે આપણું સાંભળે છે.” (૧ યોહા. ૫:૧૪, ૧૫) આપણે ચાહીએ એ રીતે કદાચ યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ ન આપે. પણ તે જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. એટલે અમુક વાર તેમનો જવાબ ન મળે અથવા તે ચાહતા હોય કે આપણે રાહ જોઈએ.—૨ કોરીં. ૧૨:૭-૯.

૧૨-૧૩. કઈ રીતોએ યહોવા આપણી જરૂરિયાતો પૂરી કરે છે?

૧૨ યહોવા આપણી જરૂરિયાતો પૂરી કરે છે. તે ચાહે છે કે પૃથ્વી પરના દરેક પિતાઓ તેમને પગલે ચાલે. (૧ તિમો. ૫:૮) યહોવા પોતાનાં બધાં બાળકોની જરૂરિયાતો પૂરી કરે છે. તે નથી ચાહતા કે આપણે રોટી, કપડાં અને મકાન માટે વધારે પડતી ચિંતા કરીએ. (માથ. ૬:૩૨, ૩૩; ૭:૧૧) પ્રેમાળ પિતા હોવાથી યહોવાએ ભવિષ્યમાં પણ આપણી બધી જ જરૂરિયાતો પૂરી કરવાની ગોઠવણ કરી છે.

૧૩ સૌથી મહત્ત્વનું તો, તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત કરવા યહોવા જરૂરી મદદ પૂરી પાડે છે. તેમના શબ્દ બાઇબલમાં તેમણે પોતાની ઓળખ આપી છે. એમાં એ પણ જણાવ્યું છે કે આપણા જીવનનો હેતુ શું છે, આપણને શા માટે બનાવ્યા છે અને ભાવિમાં શું થવાનું છે. આપણાં માતા-પિતા કે બીજા કોઈની પાસેથી આપણે સત્ય શીખ્યા ત્યારે, યહોવાએ આપણા પર ખાસ ધ્યાન આપ્યું હતું. આપણને મંડળનાં વડીલો અને ભાઈ-બહેનો તરફથી પ્રેમાળ મદદ મળતી રહે છે. વધુમાં સભાઓ દ્વારા યહોવા આપણને શીખવે છે. સભાઓમાં ભાઈ-બહેનો સાથે મળીને આપણે શીખીએ છીએ. એ અને બીજી અનેક રીતોએ યહોવા પિતા તરીકે આપણું ધ્યાન રાખે છે.—ગીત. ૩૨:૮.

૧૪. યહોવા શા માટે અને કેવી રીતે તાલીમ આપે છે?

૧૪ યહોવા આપણને તાલીમ આપે છે. ઈસુમાં પાપનો છાંટોય ન હતો, પણ આપણે તો પાપી છીએ. એટલે પ્રેમાળ પિતા આપણને તાલીમ આપવા જરૂર પડે ત્યારે શિસ્ત આપે છે. બાઇબલ આપણને યાદ અપાવે છે, “યહોવા જેને પ્રેમ કરે છે, તેને શિસ્ત આપે છે.” (હિબ્રૂ. ૧૨:૬, ૭) યહોવા ઘણી રીતોએ આપણને શિસ્ત આપે છે. દાખલા તરીકે, બાઇબલમાંથી કંઈક વાંચીએ કે સભામાં કંઈક સાંભળીએ ત્યારે સમજાય છે કે આપણામાં ક્યાં સુધારો કરવાની જરૂર છે. બની શકે કે, આપણને જરૂરી મદદ વડીલો તરફથી પણ મળે. યહોવા કોઈ પણ રીતે શિસ્ત આપે એમાં તેમનો પ્રેમ દેખાય આવે છે.—યિર્મે. ૩૦:૧૧.

૧૫. યહોવા કેવી રીતે આપણને મદદ કરે છે?

૧૫ યહોવા કસોટીઓ સહેવા મદદ કરે છે. એક પ્રેમાળ પિતા મુશ્કેલીઓમાં પોતાના બાળકને મદદ કરે છે. એવી જ રીતે, સ્વર્ગના પિતા આપણા પર આવતી કસોટી સહેવા મદદ કરે છે. યહોવા સાથેના આપણા સંબંધનું રક્ષણ કરવા તે આપણને પવિત્ર શક્તિ આપે છે. (લુક ૧૧:૧૩) આપણે નિરાશ હોઈએ ત્યારે યહોવા આપણી પડખે રહે છે. દાખલા તરીકે, તેમણે આપણને એક સુંદર ભાવિની આશા આપી છે. એ અદ્‍ભુત આશાને લીધે તકલીફો સહન કરવા મદદ મળે છે. આનો વિચાર કરો: આપણી સાથે ગમે તેટલું ખરાબ થયું હશે, આપણા પ્રેમાળ પિતા બધા ઘા રુઝાવી દેશે. આપણે જે પણ કસોટીઓનો સામનો કરીએ છીએ, એ તો બસ થોડા સમય માટે જ છે. પણ યહોવા તરફથી મળતા આશીર્વાદો તો હંમેશ માટે રહેશે.—૨ કોરીં. ૪:૧૬-૧૮.

આપણા પિતા ક્યારેય આપણને છોડશે નહિ

૧૬. આદમે યહોવાની આજ્ઞા તોડી એનું શું પરિણામ આવ્યું?

૧૬ આદમે આજ્ઞા તોડી તેમ છતાં યહોવાએ આપણા માટે જે કર્યું એમાં તેમનો પ્રેમ જોવા મળે છે. આદમે આજ્ઞા ન પાળી, એટલે તે યહોવાના કુટુંબનો ભાગ રહ્યો નહિ. તે એ લહાવો ગુમાવી બેઠો. અરે, પોતાના વંશજો માટે પણ એ લહાવો ગુમાવી દીધો. (રોમ. ૫:૧૨; ૭:૧૪) પણ યહોવાએ આદમના વંશજોને મદદ કરવા પગલાં ભર્યાં.

૧૭. આદમે આજ્ઞા તોડી એટલે યહોવાએ શું કર્યું?

૧૭ યહોવાએ આદમને સજા કરી. તેમણે તેના વંશજોનો સાથ છોડ્યો નહિ, પણ તેઓને આશા આપી. તેમણે તરત જ વચન આપ્યું કે, નમ્ર લોકો ફરી એકવાર તેમના કુટુંબનો ભાગ બની શકશે. (ઉત. ૩:૧૫; રોમ. ૮:૨૦, ૨૧) એ માટે યહોવાએ પોતાના વહાલા દીકરા ઈસુનું બલિદાન આપવાની ગોઠવણ કરી. પોતાના દીકરાનું બલિદાન આપીને યહોવાએ સાબિત કર્યું કે તે આપણને કેટલો પ્રેમ કરે છે!—યોહા. ૩:૧૬.

આપણે યહોવાથી દૂર જતા રહ્યા હોઈએ પણ પસ્તાવો કરીએ તો, પ્રેમાળ પિતા આપણને ફરીથી આવકારવા તૈયાર છે (ફકરો ૧૮ જુઓ)

૧૮. શા માટે ખાતરી રાખી શકીએ કે યહોવાથી દૂર થઈ ગયા હોઈશું તોપણ તે આપણને આવકારવા તૈયાર હશે?

૧૮ આપણે પાપી હોવા છતાં યહોવા ચાહે છે કે આપણે તેમના કુટુંબનો ભાગ બનીએ. તે ક્યારેય એવું નથી વિચારતા કે આપણે તેમના પર બોજ છીએ. આપણે કદાચ તેમને દુઃખી કરીએ કે તેમને છોડી દઈએ તોપણ તે આશા રાખે છે કે આપણે તેમની પાસે પાછા આવીશું. યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે એ બતાવવા ઈસુએ ખોવાયેલા દીકરાની વાર્તા કહી. (લુક ૧૫:૧૧-૩૨) એમાં જોવા મળે છે કે પિતાએ આશા છોડી ન દીધી કે પોતાનો દીકરો કદી પાછો નહિ આવે. જ્યારે દીકરો ઘરે પાછો આવે છે ત્યારે પિતા દોડીને તેનું સ્વાગત કરે છે. આપણે યહોવાથી દૂર જતા રહ્યા હોઈએ તો પસ્તાવો કરીએ. એમ કરીને ખાતરી રાખી શકીએ કે પ્રેમાળ પિતા આપણને ફરીથી આવકારવા તૈયાર છે.

૧૯. આદમને લીધે જે નુકસાન થયું છે એને યહોવા કેવી રીતે સુધારશે?

૧૯ આદમને લીધે જે નુકસાન થયું છે, એને યહોવા ખૂબ જલદી સુધારશે. આદમે બળવો કર્યો એ પછી યહોવાએ માણસોમાંથી ૧,૪૪,૦૦૦ લોકોને પસંદ કરવાનું નક્કી કર્યું. તેઓ રાજાઓ અને યાજકો તરીકે સ્વર્ગમાંથી તેમના દીકરા સાથે રાજ કરશે. નવી દુનિયામાં ઈસુ અને તેમની સાથે રાજ કરનારાઓ નમ્ર લોકોની તન-મનની ખામી દૂર કરશે. એ નમ્ર લોકો છેલ્લી કસોટી પાર કરશે પછી તેઓને ઈશ્વર હંમેશ માટેનું જીવન આપશે. આખી પૃથ્વી પર બધા લોકોની તન-મનની ખામી દૂર થઈ ગઈ હશે. એ જોઈને આપણા પિતાને ખુશી થશે. એ કેટલો સરસ સમય હશે!

૨૦. કઈ રીતોથી યહોવા બતાવે છે કે તે આપણને પ્રેમ કરે છે? હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૦ યહોવાએ બતાવ્યું છે કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે. તે સૌથી સારા પિતા છે અને આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. યહોવા આપણી જરૂરિયાતો પૂરી કરે છે અને તેમની સાથેનો સંબંધ મજબૂત કરવા મદદ કરે છે. તે આપણને તાલીમ આપીને મદદ કરે છે. ભાવિમાં તે આપણને ઘણા આશીર્વાદો આપશે. આપણા પિતા આપણને પ્રેમ કરે છે અને સંભાળ રાખે છે, એનાથી આપણા દિલને ઠંડક મળે છે! હવે પછીના લેખમાં જોવા મળશે કે બાળકો તરીકે આપણે કઈ રીતે તેમના પ્રેમની કદર કરી શકીએ.

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

^ ફકરો. 5 આપણે જાણીએ છીએ છે કે યહોવા આપણા સર્જનહાર અને મહાન રાજા છે. તે એક પ્રેમાળ પિતા પણ છે, જે આપણી ખૂબ કાળજી રાખે છે. એ માનવાનાં આપણી પાસે ઘણાં કારણો છે, જેની આ લેખમાં ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે એવો ભરોસો કઈ રીતે રાખી શકીએ કે યહોવા આપણને કદી છોડી નહિ દે.

^ ફકરો. 59 ચિત્રની સમજ પાન ૪: પિતા અને બાળક વિશે ચાર ચિત્રો છે: એક પિતા ધ્યાનથી દીકરાનું સાંભળે છે; એક પિતા પોતાની દીકરીની જરૂરિયાત પૂરી કરી છે; એક પિતા તેમના દીકરાને તાલીમ આપે છે; અને એક પિતા પોતાના દીકરાને દિલાસો આપે છે. એ ચિત્રોમાં પાછળ યહોવાનો હાથ જોવા મળે છે. એ યાદ અપાવે છે કે યહોવા પણ પિતાની જેમ આપણા બધાની સંભાળ રાખે છે.