સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૯

મન શાંત રાખવા યહોવા મદદ કરશે

મન શાંત રાખવા યહોવા મદદ કરશે

‘મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તમારા દિલાસાઓ મારા મનને શાંત કરે છે.’—ગીત. ૯૪:૧૯, NWT.

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

ઝલક *

૧. કયા કારણોને લીધે ચિંતા થઈ શકે? એના લીધે આપણે કેવું વિચારવા લાગીએ?

શું તમારા માથે ક્યારેય ચિંતાનાં * વાદળો ઘેરાયાં છે? કદાચ કોઈનાં વાણી-વર્તનથી તમારા દિલને ઠેસ પહોંચી છે અને તમે નિરાશામાં ડૂબી ગયા છો. અથવા તમારાં પોતાનાં વાણી-વર્તનથી તમે દુઃખી થયા હશો. દાખલા તરીકે, તમારાથી કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય અને તમને ચિંતા થાય કે યહોવા તો ક્યારેય માફ નહિ કરે. ઉપરથી આવું વિચારવા લાગો: ‘હું બહુ ચિંતા કરું છું એ બતાવે છે કે મારામાં શ્રદ્ધાની ખામી છે, હું ખરાબ વ્યક્તિ છું.’ પણ શું ખરેખર એવું છે?

૨. ચિંતા કરીએ તો શું એનો અર્થ એમ થાય કે આપણામાં શ્રદ્ધાની ખામી છે? દાખલો આપીને સમજાવો.

ચાલો બાઇબલમાંથી અમુક દાખલા જોઈએ. શમુએલ પ્રબોધકની માતા હાન્‍નાને યહોવામાં ખૂબ શ્રદ્ધા હતી. પણ કુટુંબની એક વ્યક્તિ તેને ખૂબ હેરાન કરતી એટલે તે હતાશ થઈ જતી હતી. (૧ શમૂ. ૧:૭) પ્રેરિત પાઊલને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી, પણ “બધાં મંડળોની ચિંતા” તેમને કોરી ખાતી હતી. (૨ કોરીં. ૧૧:૨૮) રાજા દાઊદની શ્રદ્ધા અડગ હતી એટલે યહોવા તેમને ખૂબ પ્રેમ કરતા હતા. (પ્રે.કા. ૧૩:૨૨) પણ દાઊદે ભૂલો કરી ત્યારે તેમણે ચિંતા અને નિરાશાનો સામનો કરવો પડ્યો. (ગીત. ૩૮:૪) યહોવાએ એ બધા ઈશ્વરભક્તોને દિલાસો આપ્યો અને મન શાંત રાખવા મદદ કરી. ચાલો જોઈએ કે તેઓના દાખલા પરથી આપણે શું શીખી શકીએ.

વફાદાર હાન્‍ના પાસેથી શું શીખી શકીએ?

૩. કોઈના કડવા વેણથી તમે કઈ રીતે નિરાશ થઈ જઈ શકો?

બીજાઓના કડવા વેણ કે કઠોર વર્તનને લીધે આપણે કદાચ નિરાશ થઈ જઈએ. ખાસ તો આપણા પાકા મિત્ર કે નજીકના સગા એવું કરે ત્યારે વધારે દુઃખ થાય. આપણને થાય કે તેઓ સાથેના સંબંધમાં હવે કડવાશ આવી જશે. અમુક વાર વ્યક્તિના દિલમાં કંઈ ન હોય, પણ તે ન બોલવાનું બોલી જાય જેના લીધે દિલ પર ઘા વાગે. (નીતિ. ૧૨:૧૮) અથવા કોઈ વ્યક્તિ જાણી જોઈને શબ્દોનાં બાણ ચલાવે છે. એક યુવાન બહેને એવા જ પડકારનો સામનો કરવો પડ્યો હતો. તે કહે છે: “મારી પાકી બહેનપણી મારા વિશે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા લાગી. મને બહુ ખોટું લાગ્યું અને ચિંતા થવા લાગી. મને સમજાયું નહિ કે તેણે મારી પીઠ પાછળ કેમ ઘા કર્યો.” જો તમારા પાકા મિત્ર કે નજીકના સગા તમને માઠું લગાડે, તો હાન્‍નાના દાખલા પરથી તમને ઘણું શીખવા મળશે.

૪. હાન્‍નાએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો?

હાન્‍નાએ અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણાં વર્ષો સુધી તેને બાળકો થતાં ન હતાં. (૧ શમૂ. ૧:૨) ઇઝરાયેલી સમાજમાં વાંઝણી સ્ત્રી માટે કહેવાતું કે ઈશ્વરે તેને શાપ આપ્યો છે. એટલે હાન્‍નાને ઘણી શરમ લાગતી. (ઉત. ૩૦:૧, ૨) અધૂરામાં પૂરું, તેના પતિની બીજી પત્ની પનિન્‍નાને બાળકો હતાં. પનિન્‍ના હાન્‍નાને પોતાની દુશ્મન ગણતી અને ‘તેને બહુ ચીડવતી હતી.’ (૧ શમૂ. ૧:૬) હાન્‍ના એ અઘરા સંજોગોનો સામનો કરી શકતી ન હતી. તે એટલી ઉદાસ રહેતી કે “રડતી, ને ખાતી નહિ” અને ‘તેનું દિલ બહુ દુઃખી રહેતું.’ (૧ શમૂ. ૧:૭, ૧૦) હાન્‍નાને કઈ રીતે દિલાસો મળ્યો?

૫. પ્રાર્થનાથી હાન્‍નાને કેવી મદદ મળી?

હાન્‍નાએ પ્રાર્થનામાં યહોવા આગળ પોતાનું દિલ ઠાલવ્યું. પ્રાર્થના કર્યા પછી, તેણે પ્રમુખ યાજક એલીને પોતાના સંજોગો વિશે જણાવ્યું. એલીએ કહ્યું: ‘શાંતિએ જા, તેં ઇઝરાયેલના ઈશ્વરની આગળ જે વિનંતી કરી છે, એ તે પૂરી કરે.’ એનું કેવું પરિણામ આવ્યું? હાન્‍ના ‘ત્યાંથી ચાલી ગઈ, અને તેણે ખાધું, ને ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહિ.’ (૧ શમૂ. ૧:૧૭, ૧૮) પ્રાર્થનાથી હાન્‍નાને મનની શાંતિ પાછી મળી.

હાન્‍નાની જેમ આપણે કઈ રીતે મનની શાંતિ પાછી મેળવી શકીએ અને એને જાળવી શકીએ? (ફકરા ૬-૧૦ જુઓ)

૬. પ્રાર્થના વિશે હાન્‍ના પાસેથી શું શીખવા મળે છે? પ્રાર્થના વિશે ફિલિપીઓ ૪:૬, ૭માંથી શું શીખી શકીએ?

પ્રાર્થનામાં લાગુ રહેવાથી મનની શાંતિ પાછી મળી શકે છે. હાન્‍ના ઈશ્વર સાથે પ્રાર્થનામાં કલાકો સુધી વાતો કરતી. (૧ શમૂ. ૧:૧૨) આપણે પણ યહોવા સાથે પ્રાર્થનામાં ચાહીએ એટલો સમય વાત કરી શકીએ. આપણી ચિંતાઓ, ખામીઓ કે ડર વિશે તેમને જણાવી શકીએ. જરૂરી નથી કે આપણી પ્રાર્થના સરસ કવિતા જેવી હોય કે એમાં ભારે ભારે શબ્દો હોય. અમુક વાર યહોવાને પ્રાર્થનામાં તકલીફો વિશે જણાવતી વખતે આપણે રડી પડીએ, તોપણ તે કંટાળતા નથી. આપણી મુશ્કેલીઓ ઉપરાંત બીજા શાના વિશે પ્રાર્થના કરી શકીએ? એ વિશે જાણવા ચાલો ફિલિપીઓ ૪:૬, ૭માં (વાંચો.) પ્રેરિત પાઊલે આપેલી સલાહ જોઈએ. તેમણે કહ્યું કે પ્રાર્થનામાં યહોવાનો આભાર પણ માનવો જોઈએ. આપણે ઘણી બાબતો માટે યહોવાનો આભાર માની શકીએ છીએ. દાખલા તરીકે, તેમણે આપણને જીવનની ભેટ આપી છે, સુંદર વસ્તુઓ બનાવી છે, આપણા માટે અપાર પ્રેમ બતાવ્યો છે અને ભાવિની સુંદર આશા આપી છે. ચાલો જોઈએ કે હાન્‍ના પાસેથી બીજું શું શીખી શકીએ.

૭. હાન્‍ના અને તેના પતિ ક્યાં જતાં હતાં?

મુશ્કેલીઓ હોવા છતાં હાન્‍ના પોતાના પતિ સાથે યહોવાની ભક્તિ કરવા શીલોહ જતી હતી. (૧ શમૂ. ૧:૧-૫) હાન્‍ના મંદિરમાં હતી ત્યારે પ્રમુખ યાજક એલીએ તેને કહ્યું, તેમને આશા છે કે યહોવા તેની પ્રાર્થના સાંભળશે. એ સાંભળીને હાન્‍નાને ઉત્તેજન મળ્યું.—૧ શમૂ. ૧:૯, ૧૭.

૮. સભામાં જવાથી કેવી મદદ મળી શકે? સમજાવો.

સભામાં જવાથી આપણને મનની શાંતિ પાછી મળે છે. આપણે સભાની શરૂઆતમાં પ્રાર્થના કરીએ છીએ. યહોવા પાસે માંગીએ છીએ કે તેમની પવિત્ર શક્તિ આપણા પર રહે. એ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતો એક ગુણ છે, શાંતિ. (ગલા. ૫:૨૨) ચિંતામાં હોઈએ ત્યારે સભામાં જવાથી યહોવા અને ભાઈ-બહેનો તરફથી આપણને ઉત્તેજન મળે છે. એનાથી આપણું મન શાંત થાય છે. પ્રાર્થના અને સભાઓ દ્વારા યહોવા આપણું મન શાંત રાખવા મદદ કરે છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) હાન્‍નાના દાખલા પરથી આપણને હજુ પણ કંઈક શીખવા મળે છે.

૯. શું હાન્‍નાના સંજોગો બદલાયા હતા? હાન્‍નાને ક્યાંથી મદદ મળી?

હાન્‍નાની મુશ્કેલીઓ કંઈ તરત જ દૂર થઈ ન હતી. તે મંદિરેથી પાછી ઘરે આવી ત્યારે પણ તેણે પનિન્‍ના સાથે એક જ ઘરમાં રહેવું પડ્યું હતું. બાઇબલમાં જણાવ્યું નથી કે પનિન્‍નાનો સ્વભાવ બદલાઈ ગયો હતો. એટલે હાન્‍નાનું દિલ પનિન્‍નાના શબ્દોથી દુભાતું તો હશે, પણ હાન્‍નાનું મન શાંત થઈ ગયું હતું. બાબતોને યહોવાના હાથમાં સોંપ્યા પછી હાન્‍નાએ ચિંતા કરવાનું છોડી દીધું. તેણે યહોવા પાસેથી દિલાસો અને મનની શાંતિ મેળવી. થોડા સમય પછી, યહોવાએ હાન્‍નાની પ્રાર્થનાનો જવાબ આપ્યો, તેને બાળકો થયાં.—૧ શમૂ. ૧:૧૯, ૨૦; ૨:૨૧.

૧૦. હાન્‍નાના દાખલા પરથી શું શીખવા મળે છે?

૧૦ ચિંતા હોય તોપણ મનની શાંતિ પાછી મેળવી શકાય છે. આપણે નિયમિત પ્રાર્થના કરીએ અને સભામાં જઈએ છતાં અમુક મુશ્કેલીઓ તો રહેવાની. પણ હાન્‍નાના દાખલા પરથી શીખવા મળે છે કે યહોવા આપણું મન શાંત રાખવા મદદ કરશે. દુનિયાની કોઈ તાકાત તેમને એમ કરતા રોકી શકશે નહિ. યહોવા આપણને ક્યારેય ભૂલશે નહિ. આજે નહિ તો કાલે તે આપણી વફાદારીનું ઇનામ ચોક્કસ આપશે.—હિબ્રૂ. ૧૧:૬.

પ્રેરિત પાઊલ પાસેથીશું શીખી શકીએ?

૧૧. કયા કારણોને લીધે પાઊલ ચિંતામાં હતા?

૧૧ પાઊલ પણ અનેક કારણોને લીધે ચિંતામાં હતા. દાખલા તરીકે, તેમને ભાઈ-બહેનો પર પુષ્કળ પ્રેમ હતો. એટલે તેઓ મુશ્કેલીઓમાં હોય ત્યારે તેમને ઘણી ચિંતા થતી. (૨ કોરીં. ૨:૪; ૧૧:૨૮) પાઊલ પ્રચારકામ કરતા ત્યારે લોકો તેમનો વિરોધ કરતા. ઘણી વાર તેમને મારતા અને કેદમાં નાખી દેતા. તેમના પર અનેક મુશ્કેલીઓ આવી હતી. જેમ કે તેમને ઘણી વસ્તુઓની “અછત” પડી, જેના લીધે તેમને ચિંતા થતી હતી. (ફિલિ. ૪:૧૨) અરે, ત્રણ વખત તો તેમનું વહાણ ભાંગી ગયું. એટલે તેમને ઘણી ચિંતા થઈ હશે. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) પાઊલે કઈ રીતે એ સંજોગોનો સામનો કર્યો?

૧૨. ચિંતા દૂર કરવા પાઊલને ક્યાંથી મદદ મળી?

૧૨ ભાઈ-બહેનો મુશ્કેલીમાં હતા એટલે પાઊલને તેઓની ચિંતા થતી હતી. પણ તે જાતે તેઓની મુશ્કેલીનો હલ શોધવા બેસી ગયા ન હતા. કારણ કે પાઊલ જાણતા હતા કે એ તેમના હાથ બહારની વાત છે. તેઓને મદદ કરવા પાઊલે મંડળનાં બીજાં ભાઈ-બહેનોની ગોઠવણ કરી. દાખલા તરીકે, તેમણે તિમોથી અને તિતસ જેવા વફાદાર ભાઈઓને એ જવાબદારી સોંપી. એ ભાઈઓએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી એટલે પાઊલની ચિંતા ઓછી થઈ.—ફિલિ. ૨:૧૯, ૨૦; તિત. ૧:૧, ૪, ૫.

ચિંતાઓના બોજથી દબાઈ ન જઈએ માટે પાઊલની જેમ આપણે શું કરી શકીએ? (ફકરા ૧૩-૧૫ જુઓ)

૧૩. વડીલો કઈ રીતે પાઊલને પગલે ચાલી શકે?

૧૩ બીજાઓની મદદ લો. પાઊલની જેમ ઘણા વડીલોને મંડળનાં એવાં ભાઈ-બહેનોની ચિંતા થાય છે જેઓ મુશ્કેલીમાં છે. એક વડીલ માટે પણ એકલા હાથે બધાને મદદ કરવી શક્ય નથી. વડીલ નમ્ર હશે તો એ વાત સમજશે. તે બીજા જવાબદાર ભાઈઓને એ કામ સોંપશે. ઈશ્વરના ટોળાની સંભાળ લેવામાં પોતાને મદદ મળે માટે યુવાન ભાઈઓને તાલીમ આપશે.—૨ તિમો. ૨:૨.

૧૪. પાઊલને શાની ચિંતા ન હતી? એમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૪ બીજાઓ પાસેથી દિલાસો મેળવો. પાઊલ નમ્ર હતા, એટલે તેમને ખબર હતી કે મિત્રો પાસેથી ઉત્તેજન લેવાની જરૂર પડશે. પાઊલને એવી ચિંતા ન હતી કે મિત્રો તેમને ઉત્તેજન આપશે તો બીજાઓ શું વિચારશે. ફિલેમોનને પત્ર લખ્યો ત્યારે તેમણે કહ્યું: “તારા પ્રેમ વિશે સાંભળીને મને ખૂબ જ ખુશી અને દિલાસો મળ્યા છે.” (ફિલે. ૭) મુશ્કેલ સમયમાં પાઊલને ઉત્તેજન આપનાર ઘણાં ભાઈ-બહેનો વિશે તેમણે જણાવ્યું હતું. (કોલો. ૪:૭-૧૧) જો ભાઈ-બહેનોને જણાવીશું કે આપણને ઉત્તેજનની જરૂર છે, તો તેઓ ખુશીથી મદદ કરશે.

૧૫. અઘરા સંજોગોમાં પાઊલે શું કર્યું?

૧૫ બાઇબલનો ઉપયોગ કરો. પાઊલ જાણતા હતા કે તેમને બાઇબલમાંથી દિલાસો મળશે. (રોમ. ૧૫:૪) બાઇબલમાંથી તેમને સમજણ મળી એટલે તે કસોટીનો સામનો કરી શક્યા. (૨ તિમો. ૩:૧૫, ૧૬) રોમમાં બીજી વાર કેદ હતા ત્યારે પાઊલને લાગ્યું કે તે મરવાની અણી પર છે. એવા અઘરા સંજોગોમાં પાઊલે શું કર્યું? તેમણે તરત જ તિમોથીને બોલાવ્યા અને સાથે “વીંટાઓ” લાવવાનું કહ્યું. (૨ તિમો. ૪:૬, ૭, ૯, ૧૩) શા માટે? લાગે છે કે એ વીંટાઓમાં હિબ્રૂ શાસ્ત્રવચનોનો અમુક ભાગ હતો, જેનો પાઊલ પોતે અભ્યાસ કરવાના હતા. આપણે પણ પાઊલની જેમ નિયમિત બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. એમ કરીશું તો ભલે ગમે તેવી કસોટી આવે, યહોવા બાઇબલનો ઉપયોગ કરીને આપણને મન શાંત રાખવા મદદ કરશે.

દાઊદ રાજા પાસેથી આપણે શું શીખી શકીએ?

મોટી ભૂલ થઈ જાય ત્યારે દાઊદની જેમ આપણને ક્યાંથી મદદ મળશે? (ફકરા ૧૬-૧૯ જુઓ)

૧૬. દાઊદે ગંભીર ભૂલ કરી ત્યારે તેમને કેવું લાગ્યું?

૧૬ દાઊદે ગંભીર ભૂલ કરી હતી તેમણે બાથશેબા સાથે વ્યભિચાર કર્યો અને તેના પતિને મારી નંખાવ્યો. એટલું જ નહિ, પોતાનો ગુનો છુપાવવાનો પ્રયત્ન કર્યો. (૨ શમૂ. ૧૨:૯) એના લીધે તેમનું દિલ ડંખતું હતું. શરૂઆતમાં દાઊદે એના પર ધ્યાન આપ્યું નહિ. પણ એનાથી તેમનો યહોવા સાથેનો સંબંધ જોખમમાં આવી પડ્યો અને તે નિરાશ થઈ ગયા. અરે, તે બીમાર પણ પડી ગયા. (ગીત. ૩૨:૩, ૪) પોતાની ભૂલોને લીધે તે હતાશ થઈ ગયા. એનો સામનો કરવા તેમને ક્યાંથી મદદ મળી? આપણાથી મોટી ભૂલ થઈ જાય તો ક્યાંથી મદદ મેળવી શકીએ?

૧૭. ગીતશાસ્ત્ર ૫૧:૧-૪ના શબ્દોથી કઈ રીતે ખબર પડે છે કે દાઊદે દિલથી પસ્તાવો કર્યો હતો?

૧૭ પ્રાર્થનામાં માફી માંગો. આખરે દાઊદે પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી. તેમણે દિલથી પસ્તાવો કર્યો અને પોતાનાં પાપ કબૂલ કર્યાં. (ગીતશાસ્ત્ર ૫૧:૧-૪ વાંચો.) એનાથી તેમને કેટલી રાહત મળી હશે! (ગીત. ૩૨:૧, ૨, ૪, ૫) જો તમે ગંભીર પાપ કરી બેસો, તો એને છુપાવવાનો પ્રયત્ન કરશો નહિ. એને બદલે પ્રાર્થનામાં યહોવા આગળ પોતાનું પાપ કબૂલ કરો. એમ કરવાથી તમારા દિલ પરથી એ પાપનો બોજો ઊતરી જશે અને ચિંતામાંથી રાહત મળશે. પરંતુ યહોવા સાથેનો સંબંધ સુધારવા તમારે પ્રાર્થના ઉપરાંત બીજું પણ કંઈક કરવું પડશે.

૧૮. દાઊદને શિસ્ત મળી ત્યારે તેમણે શું કર્યું?

૧૮ શિસ્ત સ્વીકારો. દાઊદનું પાપ ખુલ્લું પાડવા યહોવાએ નાથાન પ્રબોધકને મોકલ્યા. એ સમયે દાઊદે છટકબારી શોધી નહિ પણ પોતાનું પાપ કબૂલ કર્યું. તેમણે કબૂલ કર્યું કે પોતે બાથશેબાના પતિ વિરુદ્ધ પાપ કર્યું છે, એનાથી પણ વધારે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે. તેમણે યહોવા તરફથી મળેલી શિસ્ત સ્વીકારી અને યહોવાએ તેમને માફ કર્યા. (૨ શમૂ. ૧૨:૧૦-૧૪) જો આપણે ગંભીર પાપ કર્યું હોય, તો યહોવાએ નીમેલા ઘેટાંપાળકો એટલે કે વડીલોને જણાવીએ. (યાકૂ. ૫:૧૪, ૧૫) પોતાને સાચા સાબિત કરવાનો આપણે પ્રયત્ન ન કરીએ. જે પણ શિસ્ત મળે એને તરત સ્વીકારીએ અને એ પ્રમાણે કરીએ. એમ કરીશું તો મનની શાંતિ અને ખુશી પાછી મળશે.

૧૯. આપણે કયો નિર્ણય લેવો જોઈએ?

૧૯ એકની એક ભૂલો ફરી ન કરવાનો નિર્ણય લઈએ. દાઊદ રાજા જાણતા હતા કે એકની એક ભૂલો કરવાનું ટાળવા તેમને યહોવાની મદદ જોઈશે. (ગીત. ૫૧:૭, ૧૦, ૧૨) યહોવાએ દાઊદને માફ કર્યા. પછી દાઊદે નક્કી કર્યું કે મનમાં ખોટા વિચારો આવવા દેશે નહિ. એના લીધે તે મનની શાંતિ પાછી મેળવી શક્યા.

૨૦. યહોવાએ આપેલી માફીની કદર કરીએ છીએ એ કઈ રીતે બતાવી શકીએ?

૨૦ આપણે પ્રાર્થના કરીએ, શિસ્ત સ્વીકારીએ અને એકની એક ભૂલો ફરી ન કરીએ. એમ કરીને આપણે બતાવીએ છીએ કે યહોવાએ આપેલી માફીની કદર કરીએ છીએ. એ પગલાં ભરીને આપણે મનની શાંતિ પાછી મેળવી શકીએ છીએ. એ વાત જેમ્સભાઈએ પોતે અનુભવી છે. તેમનાથી મોટું પાપ થઈ ગયું હતું. તેમણે કહ્યું: ‘વડીલો સામે પોતાનું પાપ કબૂલ કર્યું ત્યારે મને લાગ્યું કે મારા માથા પરથી મોટો ભાર ઊતરી ગયો હોય. મને મનની શાંતિ પાછી મળી.’ બાઇબલમાં લખ્યું છે: ‘આશાભંગ થએલાઓની પાસે યહોવા છે અને નમ્ર વ્યક્તિને તે બચાવે છે.’ (ગીત. ૩૪:૧૮) એ જાણીને દિલને કેટલી ઠંડક મળે છે!

૨૧. યહોવા આપણા મનને શાંત કરવા મદદ કરે માટે શું કરી શકીએ?

૨૧ જેમ જેમ છેલ્લા દિવસો નજીક આવતા જાય તેમ તેમ મુશ્કેલીઓ વધતી જશે અને એના લીધે ચિંતા પણ વધશે. એવા સમયે પ્રાર્થનામાં યહોવાની મદદ લેતા અચકાઈએ નહિ. મન લગાવીને બાઇબલનો અભ્યાસ કરીએ. હાન્‍ના, પાઊલ અને દાઊદના દાખલાઓમાંથી શીખીએ. ચિંતાનું કારણ શોધવા ઈશ્વર પાસે મદદ માંગીએ. (ગીત. ૧૩૯:૨૩) આપણો બોજો યહોવા પર નાખીએ. ખાસ તો એવી ચિંતાઓનો બોજો, જેના પર આપણો કાબૂ ન હોય. જો એમ કરીશું તો આપણે પણ આ ગીતના લેખકની જેમ યહોવાને કહી શકીશું: ‘મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તમારા દિલાસાઓ મારા મનને શાંત કરે છે.’—ગીત. ૯૪:૧૯, NWT.

ગીત ૨૨ “યહોવા મારો પાળક”

^ ફકરો. 5 અમુક વાર, મુશ્કેલીઓને લીધે આપણે ચિંતામાં આવી પડીએ છીએ. આ લેખમાં બાઇબલ સમયના ત્રણ ઈશ્વરભક્તોના દાખલાની ચર્ચા કરીશું, જેઓએ ચિંતાનો સામનો કર્યો હતો. આપણે એ પણ જોઈશું કે યહોવાએ કઈ રીતે તેઓને દિલાસો આપ્યો અને મન શાંત રાખવા મદદ કરી.

^ ફકરો. 1 શબ્દોની સમજ: ચિંતા, એ ગભરામણ અને ડરની લાગણી છે. પૈસાની તંગી, બીમારી, કુટુંબની કે બીજી કોઈ મુશ્કેલીને લીધે ચિંતા થઈ શકે છે. અગાઉની કોઈ ભૂલ કે પછી ભાવિમાં આવનાર પડકારોને લીધે પણ ચિંતા થઈ શકે.