સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૧

શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો?

શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો?

‘બાપ્તિસ્મા તમને હમણાં બચાવી રહ્યું છે.’—૧ પીત. ૩:૨૧.

ગીત ૨૭ યહોવા મારો માલિક

ઝલક *

૧. ઘર બનાવતા પહેલાં વ્યક્તિએ શું કરવું જોઈએ?

કલ્પના કરો, એક માણસ ઘર બનાવવાનું નક્કી કરે છે. તેને ખબર છે કે પોતે કેવું ઘર બનાવવા માંગે છે. શું તરત જ તે બજારમાં જઈને ઘર બાંધવાનો સામાન લઈ આવશે અને કામ ચાલુ કરી દેશે? ના, કામ શરૂ કરતા પહેલા તે એક મહત્ત્વનું કામ કરશે. ઘર બાંધવામાં કેટલો ખર્ચ થશે એ ગણશે. શા માટે? કેમ કે તેણે એ જાણવાની જરૂર છે કે ઘર બાંધવા તેની પાસે પૂરતા પૈસા છે કે નહિ. જો તે અગાઉથી ખર્ચ ગણશે તો જ સારી રીતે ઘર બાંધી શકશે.

૨. લુક ૧૪:૨૭-૩૦ પ્રમાણે બાપ્તિસ્મા લેતા પહેલાં શાનો વિચાર કરવો જોઈએ?

શું યહોવા માટેના પ્રેમ અને કદરને લીધે તમે બાપ્તિસ્મા લેવા માંગો છો? બાપ્તિસ્માનો નિર્ણય પણ ઘર બનાવવાના નિર્ણય જેવો જ છે. કઈ રીતે? ઈસુએ લુક ૧૪:૨૭-૩૦માં જે કહ્યું એનો વિચાર કરો. (વાંચો.) તેમના શિષ્ય બનવાનો શું અર્થ થાય, એ ઈસુએ સમજાવ્યું હતું. ઈસુના શિષ્યો બનવા આપણે અમુક મુશ્કેલીઓ સહેવી પડશે અને અમુક બાબતો જતી કરવી પડશે. (લુક ૯:૨૩-૨૬; ૧૨:૫૧-૫૩) એટલે બાપ્તિસ્મા લેતા પહેલાં એ બધા પર વિચાર કરવાની જરૂર છે. એમ કરવાથી તમે બાપ્તિસ્મા માટે તૈયાર થઈ શકશો અને હંમેશ માટે ખુશીથી યહોવાની સેવા કરી શકશો.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

બાપ્તિસ્મા લેવા માટે તમે જે મુશ્કેલીઓ સહી અને જે જતું કર્યું, શું એ બધું નકામું છે? ના, જરાય નહિ! બાપ્તિસ્મા લીધા પછી તમારા માટે આશીર્વાદોની બારી ખુલ્લી જશે. એ આશીર્વાદો તમને હમણાં અને ભાવિમાં પણ મળશે. આ લેખમાં બાપ્તિસ્મા વિશેના અમુક મહત્ત્વના સવાલોની ચર્ચા કરીશું. એનાથી તમને આ સવાલનો જવાબ મળશે: “શું હું બાપ્તિસ્મા માટે તૈયાર છું?”

સમર્પણ અને બાપ્તિસ્મા વિશે શું જાણવું જોઈએ?

૪. (ક) સમર્પણ એટલે શું? (ખ) “પોતાની ઇચ્છાઓનો ત્યાગ” કરવા વિશે માથ્થી ૧૬:૨૪માં શું જણાવ્યું છે?

સમર્પણ એટલે શું? બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે યહોવાને પોતાનું સમર્પણ કરવું જોઈએ. સમર્પણ એક વચન છે જે તમે યહોવાને આપો છો. સમર્પણ કરતી વખતે તમે પ્રાર્થનામાં યહોવાને જણાવો છો કે તમે હંમેશાં યહોવાની સેવા કરશો. તમે યહોવાને સમર્પણ કરો છો ત્યારે “પોતાની ઇચ્છાઓનો ત્યાગ” કરો છો. (માથ્થી ૧૬:૨૪ વાંચો.) હવેથી તમે યહોવાના છો, જે સૌથી મોટો લહાવો છે. (રોમ. ૧૪:૮) તમે યહોવાને વચન આપો છો કે હવેથી તમે પોતાની ઇચ્છા પ્રમાણે નહિ પણ તેમની ઇચ્છા પ્રમાણે જીવશો. એવું વચન આપવા યહોવા ક્યારેય તમને બળજબરી કરતા નથી. પણ જો આપણે તેમને વચન આપીએ તો તે ચાહે છે કે આપણે એ પાળીએ.—ગીત. ૧૧૬:૧૨, ૧૪.

૫. સમર્પણ અને બાપ્તિસ્મા વચ્ચે શો ફરક છે?

સમર્પણ અને બાપ્તિસ્મા વચ્ચે શો ફરક છે? સમર્પણ એ તમારી અને યહોવા વચ્ચેની વાત છે. યહોવા સિવાય બીજું કોઈ એ વિશે જાણતું નથી. પણ બાપ્તિસ્મા જાહેરમાં થાય છે. સંમેલન કે મહાસંમેલનમાં બાપ્તિસ્મા આપવામાં આવે છે. બાપ્તિસ્મા લો છો ત્યારે લોકોને ખબર પડે છે કે તમે યહોવાને સમર્પણ કરી દીધું છે. * એનાથી લોકો જાણી શકે છે કે તમે તમારા ઈશ્વર યહોવાને પૂરા દિલથી, પૂરા જીવથી, પૂરા મનથી અને પૂરા બળથી પ્રેમ કરો છો. તમે હંમેશાં તેમની સેવા કરવાનો નિર્ણય કર્યો છે એ પણ તેઓ જોઈ શકશે.—માર્ક ૧૨:૩૦.

૬-૭. પહેલો પીતર ૩:૧૮-૨૨ પ્રમાણે બાપ્તિસ્મા લેવાનાં બે કારણો કયા છે?

શું બાપ્તિસ્મા લેવું જરૂરી છે? ૧ પીતર ૩:૧૮-૨૨ના શબ્દો પર ધ્યાન આપો. (વાંચો.) નુહે બનાવેલું વહાણ તેમની શ્રદ્ધાનો પુરાવો હતો. એ જ રીતે બાપ્તિસ્માથી લોકોને પુરાવો મળે છે કે તમે યહોવાને તમારું જીવન સમર્પણ કર્યું છે. પણ શું બાપ્તિસ્મા લેવું ખરેખર જરૂરી છે? હા ચોક્કસ. એ માટે પ્રેરિત પીતરે બે કારણો આપ્યાં હતાં. પહેલું કારણ, બાપ્તિસ્મા ‘તમને બચાવી રહ્યું છે.’ કેવી રીતે? બાપ્તિસ્મા લઈને બતાવીએ છીએ કે આપણને ઈસુમાં શ્રદ્ધા છે. એટલું જ નહિ, આપણે માનીએ છીએ કે ઈસુએ આપણા માટે જીવ આપી દીધો. તેમને સ્વર્ગમાં સજીવન કરવામાં આવ્યા છે અને અત્યારે તે “ઈશ્વરના જમણા હાથે” બેઠા છે.

બીજું કારણ, બાપ્તિસ્માથી આપણને “શુદ્ધ અંતઃકરણ” મળે છે. સમર્પણ કરીને બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે યહોવા સાથે આપણો એક ખાસ સંબંધ જોડાય છે. ખરા દિલથી પસ્તાવો કરવાથી અને ઈસુના બલિદાન પર શ્રદ્ધા રાખવાથી ઈશ્વર આપણાં પાપ માફ કરે છે. યહોવા આગળ આપણે સાફ દિલ રાખી શકીએ છીએ.

૮. શેના આધારે બાપ્તિસ્માનો નિર્ણય લેવો જોઈએ?

શેના આધારે બાપ્તિસ્માનો નિર્ણય લેવો જોઈએ? બાઇબલનો ધ્યાનથી અભ્યાસ કરવાથી તમને યહોવા વિશે ઘણું શીખવા મળ્યું છે, જેમ કે તેમનો સ્વભાવ અને તેમની કામ કરવાની રીત. યહોવા વિશે જે શીખ્યા એ તમારા દિલને સ્પર્શી ગયું, એટલે તેમના માટે પ્રેમ વધતો ગયો. યહોવા માટેનો પ્રેમ તમને બાપ્તિસ્માનો નિર્ણય લેવા મદદ કરશે.

૯. “પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે” બાપ્તિસ્મા લેવાનો શો અર્થ થાય?

બાઇબલમાંથી જે સત્ય શીખ્યા એને તમે સ્વીકાર કર્યો છે. એના આધારે પણ તમે બાપ્તિસ્માનો નિર્ણય લો છો. યાદ કરો, ઈસુએ શિષ્યો બનાવવાની આજ્ઞા આપી ત્યારે શું કહ્યું હતું? (માથ્થી ૨૮:૧૯, ૨૦ વાંચો.) ઈસુએ જણાવ્યું કે “પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે” બાપ્તિસ્મા લેવું જોઈએ. એનો શું અર્થ થાય? એ જ કે યહોવા, તેમના દીકરા ઈસુ અને પવિત્ર શક્તિ વિશે બાઇબલમાંથી તમે જે શીખ્યા એના પર ભરોસો કરવો જોઈએ. બાઇબલમાં આપેલાં સત્ય એટલાં શક્તિશાળી છે કે એ તમારા દિલને સ્પર્શી શકે છે. (હિબ્રૂ. ૪:૧૨) ચાલો એમાંના અમુક સત્ય વિશે વાત કરીએ.

૧૦-૧૧. તમે પિતા વિશે કયા સત્ય શીખ્યા?

૧૦ તમે પિતા વિશે આ સત્ય શીખ્યા હતા: તેમનું “નામ યહોવા છે,” તે જ “આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છે” અને તે જ ‘એકલા ઈશ્વર છે.’ (ગીત. ૮૩:૧૮; યશા. ૩૭:૧૬) તે આપણા સર્જનહાર છે અને ‘તેમની પાસે તારણ છે.’ (ગીત. ૩:૮; ૩૬:૯) યહોવાએ આપણને પાપ અને મોતની ગુલામીમાંથી છોડાવવાની ગોઠવણ કરી છે. તેમણે આપણને હંમેશ માટેના જીવનની સોનેરી આશા આપી છે. (યોહા. ૧૭:૩) સમર્પણ કરીને બાપ્તિસ્મા લેશો પછી તમે યહોવાના સાક્ષી તરીકે ઓળખાશો. (યશા. ૪૩:૧૦-૧૨) દુનિયા ફરતે આવેલા યહોવાના કુટુંબનો તમે ભાગ બનશો. એ કુટુંબના લોકોને ઈશ્વરનું નામ મળ્યું હોવાથી તેઓ ગર્વ અનુભવે છે. એ નામ તેઓ બીજાઓને પણ જણાવે છે.—ગીત. ૮૬:૧૨.

૧૧ બાઇબલમાંથી યહોવા વિશેનું સત્ય શીખવા મળ્યું એ કેટલો મોટો લહાવો કહેવાય! એ કીમતી સત્ય સ્વીકાર્યા પછી, તમારું જીવન યહોવાને સોંપીને તમને પણ બાપ્તિસ્મા લેવાનું મન થશે.

૧૨-૧૩. તમે ઈસુ વિશે કયા સત્ય શીખ્યા?

૧૨ યહોવાના દીકરા વિશે સત્ય શીખ્યા ત્યારે તમને કેવું લાગ્યું હતું? આખા વિશ્વમાં યહોવા પછી ઈસુ સૌથી મહાન વ્યક્તિ છે. આપણા માટે તેમણે ખુશી ખુશી પોતાનો જીવ આપી દીધો. જ્યારે આપણાં કાર્યોથી બતાવીશું કે ઈસુના બલિદાન પર શ્રદ્ધા રાખીએ છીએ, ત્યારે પાપોની માફી મેળવી શકીશું. એટલું જ નહિ, ઈશ્વર સાથે ગાઢ સંબંધ કેળવી શકીશું અને હંમેશ માટેનું જીવન મેળવી શકીશું. (યોહા. ૩:૧૬) ઈસુ આપણા પ્રમુખ યાજક છે. તે ચાહે છે કે આપણે તેમના બલિદાનમાં શ્રદ્ધા મૂકીએ અને યહોવા સાથે ગાઢ સંબંધ કેળવીએ. (હિબ્રૂ. ૪:૧૫; ૭:૨૪, ૨૫) ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ છે. તેમના દ્વારા યહોવા પોતાનું નામ પવિત્ર કરશે, દુષ્ટતા દૂર કરશે અને બાગ જેવી પૃથ્વી પર હંમેશ માટેના આશીર્વાદો આપશે. (માથ. ૬:૯, ૧૦; પ્રકટી. ૧૧:૧૫) ઈસુએ આપણા માટે દાખલો બેસાડ્યો છે. (૧ પીત. ૨:૨૧) તેમણે જીવનમાં હંમેશા યહોવાની ઇચ્છા પૂરી કરી છે. એમ કરીને તેમણે આપણા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.—યોહા. ૪:૩૪.

૧૩ બાઇબલ ઈસુ વિશે જે જણાવે છે એ સ્વીકારીને આપણે ઈસુ માટે પ્રેમ કેળવી શકીએ છીએ. એ પ્રેમને લીધે તમને પણ ઈસુની જેમ યહોવાની ઇચ્છા પૂરી કરવાનું મન થશે. આમ તમે યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવા પ્રેરાશો.

૧૪-૧૫. તમે પવિત્ર શક્તિ વિશે કયા સત્ય શીખ્યા?

૧૪ પવિત્ર શક્તિ વિશે શીખ્યા ત્યારે તમને કેવું લાગ્યું હતું? એ કોઈ વ્યક્તિ નહિ પણ ઈશ્વરનું બળ છે. યહોવાએ એ પવિત્ર શક્તિનો ઉપયોગ કરીને માણસો પાસે બાઇબલ લખાવ્યું હતું. બાઇબલ વાંચીએ છીએ ત્યારે પવિત્ર શક્તિની મદદથી એને સમજી શકીએ છીએ. એ શક્તિની મદદથી એને જીવનમાં લાગુ પાડી શકીએ છીએ. (યોહા. ૧૪:૨૬; ૨ પીત. ૧:૨૧) યહોવા પવિત્ર શક્તિનો ઉપયોગ કરીને આપણને “માણસની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી” તાકાત આપે છે. (૨ કોરીં. ૪:૭) એ શક્તિથી આપણે ખુશખબર ફેલાવી શકીએ છીએ, લાલચ સામે લડી શકીએ છીએ, નિરાશામાંથી બહાર આવી શકીએ છીએ અને કસોટીઓમાં ટકી શકીએ છીએ. એ આપણને ‘પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો’ કેળવવા મદદ કરે છે. (ગલા. ૫:૨૨) જેઓ યહોવા પર ભરોસો રાખે છે અને ખરા દિલથી પવિત્ર શક્તિ માંગે છે તેઓને યહોવા એ જરૂર આપે છે.—લુક ૧૧:૧૩.

૧૫ એ જાણીને કેટલી ખુશી થાય છે કે યહોવાની ભક્તિ કરવા આપણને તેમની પવિત્ર શક્તિ મદદ કરે છે. સત્ય સ્વીકાર્યું ત્યારે પવિત્ર શક્તિ વિશે પણ શીખ્યા હતા. આમ તમે યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવા પ્રેરાશો.

૧૬. આ લેખમાં આપણે શું શીખ્યા?

૧૬ યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવું એ તમારો સૌથી મહત્ત્વનો નિર્ણય છે. આપણે શીખ્યા તેમ તમારે મુશ્કેલીઓ સહેવી પડશે અને ઘણું જતું કરવું પડશે. પણ તમને જે આશીર્વાદો મળશે એની સામે એ બધું કંઈ જ નથી. બાપ્તિસ્માથી તમારો બચાવ થશે અને ઈશ્વર આગળ તમે સાફ દિલ રાખી શકશો. બાપ્તિસ્માનો નિર્ણય યહોવા માટેના પ્રેમના આધારે લેવો જોઈએ. પિતા, દીકરા અને પવિત્ર શક્તિ વિશે જે સત્ય શીખ્યા એના પર તમારે ખરા દિલથી ભરોસો રાખવો જોઈએ. આ લેખમાં બાપ્તિસ્મા વિશે શીખ્યા પછી તમે આ સવાલનો કેવો જવાબ આપશો, “શું હું બાપ્તિસ્મા માટે તૈયાર છું?”

બાપ્તિસ્મા લેતા પહેલાં શું કરવું જોઈએ?

૧૭. વ્યક્તિએ બાપ્તિસ્મા પહેલાં કયા મહત્ત્વના પગલાં ભરવાં જોઈએ?

૧૭ જો બાપ્તિસ્મા માટે તૈયાર હશો, તો યહોવા સાથે સારો સંબંધ કેળવવા તમે ચોક્કસ અમુક પગલાં ભર્યાં હશે. * તમે નિયમિત બાઇબલનો અભ્યાસ કર્યો છે એટલે યહોવા અને ઈસુ વિશે ઘણું શીખ્યા છો. તમે શ્રદ્ધા પણ કેળવી છે. (હિબ્રૂ. ૧૧:૬) યહોવાએ બાઇબલમાં જે વચનો આપ્યાં છે એના પર તમને પૂરો ભરોસો છે. તમને ખાતરી છે કે ઈસુના બલિદાન પર વિશ્વાસ કરવાથી પાપ અને મોતની ગુલામીમાંથી છુટકારો મળશે. તમે પાપોનો પસ્તાવો કર્યો છે. અગાઉ ખોટું કામ કર્યું હોવાથી તમારું દિલ ડંખતું હશે એટલે યહોવા પાસે તમે માફી માંગી છે. તમે જીવનમાં ફેરફાર કર્યો છે. તમે ખોટી આદતો છોડીને યહોવાને પસંદ છે એવું જીવન જીવવા લાગ્યા છો. (પ્રે.કા. ૩:૧૯) તમે જે શીખ્યા એ વિશે બીજાઓને જણાવવા તમે આતુર છો. તમે બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક છો અને મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રચાર કરો છો. (માથ. ૨૪:૧૪) તમે એ બધાં પગલાં લીધા માટે યહોવાને તમારા પર ઘણો ગર્વ છે. એનાથી યહોવાનું દિલ ખુશીથી ઊભરાઈ જાય છે.—નીતિ. ૨૭:૧૧.

૧૮. બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે બીજું શું કરવાની જરૂર છે?

૧૮ બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે બીજું પણ કંઈક કરવાની જરૂર છે. આપણે શીખી ગયા તેમ તમારે પ્રાર્થનામાં યહોવાને સમર્પણ કરવું જોઈએ. પ્રાર્થનામાં વચન આપો કે હવેથી જીવનમાં તેમની ઇચ્છા પ્રમાણે કરશો. (૧ પીત. ૪:૨) પછી વડીલોના સેવકને જણાવો કે તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો. ભાઈ ગોઠવણ કરશે કે બીજા અમુક વડીલો આવીને તમને મળે. તેઓ મળવા આવે તો ચિંતા કરશો નહિ. એ ભાઈઓ તમને ઓળખે છે અને પ્રેમ કરે છે. તમે બાઇબલનું મૂળ શિક્ષણ લીધું છે, એના વિશે તેઓ તમારી સાથે ચર્ચા કરશે. તેઓ ખાતરી કરવા માંગે છે કે એ શિક્ષણ તમે ખરેખર સમજ્યા છો કે નહિ. તેઓ એ પણ જોવા માંગે છે કે સમર્પણ અને બાપ્તિસ્માને તમે કેટલું મહત્ત્વનું ગણો છો. જો વડીલોને લાગે કે તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો, તો તેઓ જણાવશે કે હવે પછીના સંમેલન કે મહાસંમેલનમાં તમે બાપ્તિસ્મા લઈ શકો છો.

બાપ્તિસ્મા લીધા પછી શું કરવું જોઈએ?

૧૯-૨૦. બાપ્તિસ્મા લીધા પછી તમારે શું કરવાની જરૂર છે અને એ કઈ રીતે કરી શકો?

૧૯ બાપ્તિસ્મા પછી તમારે શું કરવું જોઈએ? * યાદ કરો, સમર્પણ એક વચન છે અને યહોવા ચાહે છે કે તમે એ વચન પાળો. એટલે બાપ્તિસ્મા પછી એ વચન પ્રમાણે તમારે જીવવું જોઈએ. તમે એ કેવી રીતે કરી શકો?

૨૦ મંડળની નજીક રહો. બાપ્તિસ્મા પામેલા વ્યક્તિ તરીકે હવે તમે એ ‘ભાઈઓમાંના’ એક છો. (૧ પીત. ૨:૧૭) મંડળનાં ભાઈ-બહેનો તમારા માટે કુટુંબ જેવાં છે. નિયમિત સભાઓમાં જવાથી ભાઈ-બહેનો સાથેની તમારી મિત્રતા વધશે. દરરોજ બાઇબલ વાંચો અને એના પર મનન કરો. (ગીત. ૧:૧, ૨) બાઇબલની અમુક કલમો વાંચ્યા પછી થોડો સમય એના પર વિચાર કરો. પછી એની તમારા દિલ પર ઊંડી અસર પડશે. “પ્રાર્થના કરતા રહો.” (માથ. ૨૬:૪૧) દિલથી કરેલી પ્રાર્થના તમને યહોવાની વધુ નજીક લાવશે. ‘પહેલા ઈશ્વરના રાજ્યને શોધતા રહો.’ (માથ. ૬:૩૩) એ માટે ખુશખબર ફેલાવવાના કામને જીવનમાં પ્રથમ રાખો. નિયમિત ખુશખબર ફેલાવવાથી તમારી શ્રદ્ધા મજબૂત થશે. તમે બીજાઓને પણ હંમેશ માટેના જીવનનો રસ્તો બતાવી શકશો.—૧ તિમો. ૪:૧૬.

૨૧. બાપ્તિસ્મા પછી તમારું જીવન કેવું હશે?

૨૧ યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવું એ તમારા જીવનનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે. ખરું કે તમારે ઘણું બધું જતું કરવું પડશે. પણ એ મહેનત રંગ લાવશે! આ દુનિયામાં તમારે જે સહેવું પડે છે, એ અમુક સમય માટે અને થોડું જ હશે. (૨ કોરીં. ૪:૧૭) બાપ્તિસ્મા લીધા પછી તમે હમણાં પણ સુખી થશો અને ભાવિમાં “ખરેખરું જીવન” મળશે. (૧ તિમો. ૬:૧૯) એટલે ધ્યાનથી વિચાર કરો અને આ સવાલના જવાબ માટે પ્રાર્થના કરો: “શું હું બાપ્તિસ્મા માટે તૈયાર છું?”

ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ

^ ફકરો. 5 શું તમે બાપ્તિસ્મા લેવાનું વિચારો છો? જો એમ હોય તો આ લેખ તમારા માટે છે. એ મહત્ત્વના વિષય પર અમુક સવાલોની ચર્ચા કરીશું. એ સવાલના તમારા જવાબોથી નક્કી કરી શકશો કે તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો કે નહિ.

^ ફકરો. 17 પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૮ જુઓ.

^ ફકરો. 19 જો તમારો બાઇબલ અભ્યાસ પવિત્ર બાઇબલ શું શીખવે છે? અને ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકોમાંથી પૂરો થયો ન હોય, તો તમારા શિક્ષક સાથે અભ્યાસ ચાલુ રાખો અને એ બંને પુસ્તકો પૂરાં કરો.