સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૭

“હું તમને મારા મિત્રો કહું છું”

“હું તમને મારા મિત્રો કહું છું”

“હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું છે એ બધું જ તમને જણાવ્યું છે.”—યોહા. ૧૫:૧૫.

ગીત ૫ ઈસુને પગલે ચાલું

ઝલક *

૧. કોઈ વ્યક્તિના સારા મિત્ર બનવું હોય તો શું કરવું જોઈએ?

કોઈ વ્યક્તિના સારા મિત્ર બનવું હોય તો પહેલા તેની સાથે સમય પસાર કરવો જોઈએ. તમે એકબીજાને પોતાના વિચારો જણાવશો, પોતાની લાગણીઓ જણાવશો, તેમ તેમના મિત્રો બની શકશો. પણ ઈસુના પાકા મિત્ર બનવાની વાત આવે ત્યારે, આપણે અમુક પડકારોનો સામનો કરવો પડે છે. એમાંના અમુક પડકારો કયા છે?

૨. પહેલો પડકાર કયો છે?

પહેલો પડકાર છે કે આપણે ઈસુને ક્યારેય મળ્યા નથી. પ્રથમ સદીના ઘણા ઈશ્વરભક્તોએ પણ એ જ પડકારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ પણ ઈસુને ક્યારેય મળ્યા ન હતા. પણ પ્રેરિત પીતરે તેઓને કહ્યું: “તમે ખ્રિસ્તને કદી જોયા નથી, છતાં તેમને પ્રેમ કરો છો. ભલે તમે તેમને હમણાં જોતા નથી, છતાં તેમનામાં શ્રદ્ધા મૂકો છો.” (૧ પીત. ૧:૮) એ બતાવે છે કે ભલે આપણે ઈસુને ન મળ્યા હોય, તોપણ તેમના સારા મિત્ર બની શકીએ છીએ.

૩. બીજો પડકાર કયો છે?

બીજો પડકાર છે કે આપણે ઈસુ સાથે વાત કરી શકતા નથી. આપણે પ્રાર્થના કરીએ ત્યારે યહોવા સાથે વાત કરીએ છીએ. ખરું કે આપણે ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. પણ આપણે તેમની સાથે સીધેસીધી વાત કરતા નથી. ઈસુ પણ ચાહતા નથી કે આપણે તેમને પ્રાર્થના કરીએ. કારણ કે પ્રાર્થના તો ભક્તિનો એક ભાગ છે અને આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવી જોઈએ. (માથ. ૪:૧૦) પણ આપણે ઈસુ માટે પ્રેમ તો બતાવી જ શકીએ છીએ.

૪. ત્રીજો પડકાર કયો છે અને આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

ત્રીજો પડકાર છે કે ઈસુ સ્વર્ગમાં રહે છે. એટલે આપણે તેમની સાથે સમય પસાર કરી શકતા નથી. ભલે આપણે ઈસુ સાથે રહ્યા નથી. પણ આપણે તેમના વિશે ઘણું જાણી શકીએ છીએ. ચાલો એવી ચાર બાબતોની તપાસ કરીએ, જેની મદદથી આપણે ઈસુના પાકા મિત્ર બની શકીએ છીએ. એ પહેલા આપણે જોઈએ કે ઈસુના પાકા મિત્ર બનવું શા માટે ખૂબ જરૂરી છે?

આપણે શા માટે ઈસુના મિત્ર બનવું જોઈએ?

૫. આપણે શા માટે ઈસુના સારા મિત્ર બનવું જોઈએ? (“ ઈસુના મિત્ર બનવાથી આપણને યહોવા સાથે સંબંધ કેળવવા મદદ મળશે” અને “ ઈસુ માટે યોગ્ય વલણ રાખીએ” બૉક્સ પણ જુઓ.)

જો યહોવા સાથે સારો સંબંધ કેળવવા માંગતા હોઈએ, તો આપણે ઈસુના મિત્ર બનવું ખૂબ જરૂરી છે. શા માટે? ચાલો એનાં બે કારણો જોઈએ. પહેલું, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે.” (યોહા. ૧૬:૨૭) તેમણે એમ પણ કહ્યું: “મારા વગર પિતા પાસે કોઈ જઈ શકતું નથી.” (યોહા. ૧૪:૬) એક મકાનમાં જવા દરવાજાની જરૂર પડે છે. એવી જ રીતે, યહોવા સાથે સારો સંબંધ કેળવવા ઈસુના મિત્ર બનવાની જરૂર પડે છે. એવું જ કંઈક ઉદાહરણ ઈસુએ પણ વાપર્યું હતું. તેમણે કહ્યું હતું, “ઘેટાં માટે હું દરવાજો છું.” (યોહા. ૧૦:૭) બીજું કારણ એ છે કે ઈસુમાં પણ તેમના પિતા જેવા જ ગુણો હતા. તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.” (યોહા. ૧૪:૯) યહોવાને સારી રીતે ઓળખવા માટેની એક મહત્ત્વની રીત છે કે, ઈસુના જીવન વિશે આપણે અભ્યાસ કરીએ. ઈસુ વિશે શીખતા જઈશું તેમ ઈસુ માટેનો આપણો પ્રેમ વધતો જશે. એના લીધે પિતા યહોવા માટે પણ આપણો પ્રેમ વધતો જશે.

૬. ઈસુના સારા મિત્ર બનવું કેમ ખૂબ જરૂરી છે? સમજાવો.

જો આપણે ચાહતા હોઈએ કે આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે તો ઈસુના સારા મિત્ર બનવું ખૂબ જરૂરી છે. એ માટે પ્રાર્થનાને અંતે ઈસુના નામમાં માંગીએ છીએ એટલું જ બોલવું પૂરતું નથી. આપણે એનાથી કંઈક વધારે કરવું જોઈએ. એ પણ જાણવું જોઈએ કે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપવા યહોવા ઈસુનો કઈ રીતે ઉપયોગ કરે છે. ઈસુએ પ્રેરિતોને કહ્યું હતું: “તમે મારા નામમાં જે કંઈ માંગશો, એ હું કરીશ.” (યોહા. ૧૪:૧૩) ખરું કે યહોવા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને એનો જવાબ આપે છે. પણ યહોવાએ જે હેતુ ઘડ્યો છે, એને પૂરો કરવાનો અધિકાર તેમણે ઈસુને આપ્યો છે. (માથ. ૨૮:૧૮) આપણાં પાપોની માફી આપતા પહેલાં યહોવા જુએ છે કે ઈસુએ આપેલી સલાહ આપણે પાળીએ છીએ કે નહિ. દાખલા તરીકે, ઈસુએ કહ્યું હતું: “જો તમે લોકોના અપરાધો માફ કરશો, તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમને માફ કરશે. પરંતુ, જો તમે લોકોના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.” (માથ. ૬:૧૪, ૧૫) યહોવા અને ઈસુ જે રીતે આપણી સાથે વર્તે છે એ જ રીતે આપણે બીજાઓ સાથે વર્તીએ એ કેટલું જરૂરી છે!

૭. ઈસુના બલિદાનથી કોને ફાયદો થશે?

ઈસુના પાકા મિત્રોને જ ઈસુએ આપેલા બલિદાનથી ફાયદો થશે. શા પરથી એ કહી શકાય? ઈસુએ કહ્યું હતું કે તે “મિત્રો માટે પોતાનો જીવ આપી” દેશે. (યોહા. ૧૫:૧૩) ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં ઘણા ઈશ્વરભક્તો થઈ ગયા. તેઓએ ઈસુ વિશે શીખવું પડશે અને તેમને પ્રેમ કરવાનું પણ શીખવું પડશે. ઈબ્રાહીમ, સારાહ, મુસા અને રાહાબ જેવાં ઘણા ઈશ્વરભક્તોને સજીવન કરવામાં આવશે. હંમેશ માટેનું જીવન મેળવવા તેઓએ પણ ઈસુના પાકા મિત્ર બનવું પડશે.—યોહા. ૧૭:૩; પ્રે.કા. ૨૪:૧૫; હિબ્રૂ. ૧૧:૮-૧૨, ૨૪-૨૬, ૩૧.

૮-૯. યોહાન ૧૫:૪, ૫માં જણાવ્યા પ્રમાણે આપણે ઈસુના મિત્ર હોઈશું તો કઈ બાબતો કરીશું? ઈસુ સાથે એકતામાં રહેવું શા માટે મહત્ત્વનું છે?

આપણને ઈસુ સાથે મળીને ખુશખબર ફેલાવવાનો અને બીજાઓને શીખવવાનો લહાવો મળ્યો છે. એ કામમાં આપણને અનેરી ખુશી મળે છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તે શિક્ષક હતા. સ્વર્ગમાં ગયા પછી ઈસુ મંડળના શિર છે. એટલે ખુશખબર ફેલાવવાના અને શીખવવાના કામમાં તે માર્ગદર્શન આપે છે. ઈસુને અને તેમના પિતાને ઓળખવા આપણે બીજાઓને મદદ કરીએ છીએ. ઈસુ એ બધું જુએ છે અને આપણી કદર કરે છે. આપણે એ કામ યહોવા અને ઈસુની મદદથી જ કરી શકીએ છીએ.—યોહાન ૧૫:૪, ૫ વાંચો.

બાઇબલમાંથી શીખવા મળે છે કે યહોવાને ખુશ કરવા ઈસુને પ્રેમ કરવો જોઈએ. ચાલો એવા ચાર પગલાં જોઈએ, જેની મદદથી આપણે ઈસુના મિત્રો બની શકીએ છીએ.

ઈસુના પાકા મિત્રો કઈ રીતે બની શકીએ?

ઈસુના સારા મિત્ર બનવા (૧) ઈસુને ઓળખીએ, (૨) ઈસુ જેવું વિચારીએ અને તેમનાં જેવા કામો કરીએ, (૩) ખ્રિસ્તના ભાઈઓને સાથ આપીએ અને (૪) સંગઠનની ગોઠવણોને ટેકો આપીએ (ફકરા ૧૦-૧૪ જુઓ) *

૧૦. ઈસુના મિત્ર બનવા માટેનું પહેલું પગલું કયું છે?

૧૦ () ઈસુને ઓળખીએ. માથ્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકો વાંચીને આપણે ઈસુના જીવન વિશે જાણી શકીએ છીએ. એ પુસ્તકોમાં બતાવ્યું છે કે ઈસુ પ્રેમથી લોકો સાથે વર્તતા હતા. બાઇબલના એ અહેવાલો પર મનન કરવાથી ઈસુ માટે પ્રેમ અને આદર વધશે. દાખલા તરીકે, ઈસુ શિષ્યોના માલિક હતા તોપણ તેઓને દાસ ગણતા ન હતા. તે શિષ્યોને પોતાનાં વિચારો અને લાગણીઓ પણ જણાવતા હતા. (યોહા. ૧૫:૧૫) જ્યારે શિષ્યો દુઃખી થતા ત્યારે ઈસુ પણ દુઃખી થતા અને તેઓ સાથે રડતા. (યોહા. ૧૧:૩૨-૩૬) અરે, તેમના દુશ્મનો પણ જોઈ શક્યા કે જેઓ ઈસુનો સંદેશો સ્વીકારતા તેઓ તેમના મિત્રો બની જતા હતા. (માથ. ૧૧:૧૯) ઈસુ જે રીતે શિષ્યો સાથે વર્ત્યા એ રીતે આપણે બીજાઓ સાથે વર્તીશું તો શું થશે? તેઓ સાથે આપણો સંબંધ સારો થશે. આપણને મનની શાંતિ મળશે અને ખુશી મળશે. ઈસુ માટે પ્રેમ અને કદર વધશે.

૧૧. ઈસુના મિત્ર બનવા માટેનું બીજું પગલું કયું છે? એ કેમ મહત્ત્વનું છે?

૧૧ () ઈસુ જેવું વિચારીએ અને તેમનાં જેવાં કામો કરીએ. આપણે જેટલું તેમના વિશે જાણીશું, તેમની જેમ વિચારીશું એટલા તેમના પાકા મિત્રો બનીશું. (૧ કોરીં. ૨:૧૬) આપણે ઈસુને પગલે કઈ રીતે ચાલી શકીએ? ચાલો એક દાખલો જોઈએ. ઈસુએ પોતાના કરતાં બીજાઓનો પહેલા વિચાર કર્યો. (માથ. ૨૦:૨૮; રોમ. ૧૫:૧-૩) કારણ કે તે બીજાઓ માટે જતું કરવા તૈયાર હતા. લોકો તેમના વિશે ગમે એ બોલે તે માઠું લગાડતા ન હતા. (યોહા. ૧:૪૬, ૪૭) લોકોએ અગાઉ કરેલી ભૂલોને ધ્યાનમાં રાખીને ઈસુ તેઓ સાથે વર્તતા ન હતા. (૧ તિમો. ૧:૧૨-૧૪) તેમણે કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૫) ચાલો આ સવાલનો વિચાર કરીએ: “ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ જાળવવા ઈસુની જેમ શું હું બનતું બધું કરું છું?”

૧૨. ઈસુના મિત્ર બનવા માટેનું ત્રીજું પગલું કયું છે? એ પગલું આપણે કઈ રીતે ભરી શકીએ?

૧૨ () ખ્રિસ્તના ભાઈઓને સાથ આપીએ. અભિષિક્તો માટે આપણે જે કરીએ છીએ, એને ઈસુ કેવું ગણે છે? એ તો જાણે ઈસુ માટે કર્યા બરાબર છે. (માથ. ૨૫:૩૪-૪૦) અભિષિક્તોને સાથ આપવાની પહેલી રીત છે, ખુશખબર ફેલાવવાના અને શિષ્યો બનાવવાના કામમાં પૂરો ભાગ લઈએ. એ આજ્ઞા તો ઈસુએ પોતાના શિષ્યોને આપી હતી. (માથ. ૨૮:૧૯, ૨૦; પ્રે.કા. ૧૦:૪૨) આજે દુનિયા ફરતે ખુશખબર ફેલાવવાનું કામ ચાલી રહ્યું છે. એ કામ ખ્રિસ્તના ભાઈઓ ‘બીજાં ઘેટાંની’ મદદથી કરી રહ્યા છે. (યોહા. ૧૦:૧૬) જો તમે બીજાં ઘેટાંમાંના એક હો તો તમે પણ એ કામ કરતા હશો. જ્યારે તમે એ કામ કરો છો ત્યારે તમે અભિષિક્તોને જ નહિ, પણ ઈસુ માટે પણ પ્રેમ બતાવો છો.

૧૩. લુક ૧૬:૯માં ઈસુએ આપેલી સલાહને આપણે કઈ રીતે પાળી શકીએ?

૧૩ યહોવા અને ઈસુએ સોંપેલા કામ માટે દાન આપીને પણ આપણે તેઓના મિત્ર બની શકીએ છીએ. (લુક ૧૬:૯ વાંચો.) દાખલા તરીકે, દુનિયા ફરતે ચાલી રહેલા કામ માટે આપણે દાન આપી શકીએ છીએ. એ દાન આવી બાબતો માટે વપરાય છે: દૂર દૂરના વિસ્તારોમાં ખુશખબર ફેલાવવા; સાચી ભક્તિ માટેની જગ્યાને બાંધવા અને એનું સમારકામ કરવા; કુદરતી આફત કે બીજા કોઈ બનાવને લીધે જેઓને નુકસાન થયું છે, તેઓને પૈસેટકે મદદ કરવા. આપણા મંડળના ખર્ચાઓ માટે પણ આપણે દાન આપી શકીએ. જેઓને મદદની જરૂર છે તેઓને પણ આપણે મદદ કરી શકીએ. (નીતિ. ૧૯:૧૭) આ રીતે આપણે ખ્રિસ્તના ભાઈઓને સાથ આપીએ છીએ.

૧૪. એફેસીઓ ૪:૧૫, ૧૬ પ્રમાણે ઈસુના મિત્ર બનવા માટેનું ચોથું પગલું કયું છે?

૧૪ () સંગઠનની ગોઠવણોને ટેકો આપીએ. મંડળમાં જેઓની દેખરેખ રાખવાની જવાબદારી છે, તેઓને સાથ-સહકાર આપીએ. એમ કરીને આપણે મંડળના શિર, ઈસુના વધુ સારા મિત્ર બની શકીએ છીએ. (એફેસીઓ ૪:૧૫, ૧૬ વાંચો.) દાખલા તરીકે, આપણે હવે એવો પ્રયત્ન કરીએ છીએ કે પ્રાર્થનાઘરનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે. એટલે અમુક મંડળોને ભેગાં કરી દેવામાં આવ્યાં છે. અને પ્રચાર વિસ્તારમાં પણ થોડી ફેરગોઠવણ કરવામાં આવી છે. એવી ગોઠવણને લીધે પૈસાની બચત થાય છે. એના લીધે અમુક પ્રકાશકોએ નવા સંજોગો પ્રમાણે પોતાને ઢાળવા પડે છે. એ વફાદાર પ્રકાશકો અમુક મંડળમાં ઘણાં વર્ષો સુધી રહ્યા હશે. એ મંડળનાં ભાઈ-બહેનો તેમના ખાસ મિત્રો બની ગયા હશે. હવે તેઓને બીજા મંડળમાં સોંપણી મળી છે. એ ગોઠવણને તેઓ સાથ આપે છે ત્યારે ઈસુને કેટલી ખુશી થતી હશે!

ઈસુના હંમેશ માટેના મિત્રો

૧૫. ભાવિમાં ઈસુના હજુ વધારે પાકા મિત્રો કઈ રીતે બની શકીએ?

૧૫ જેઓને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા છે તેઓ પાસે ઈસુ સાથે હંમેશ માટે રહેવાની આશા છે. ઈશ્વરના રાજમાં તેઓ ઈસુ સાથે મળીને રાજ કરશે. તેઓ ખ્રિસ્તને જોશે, તેમની સાથે વાત કરશે અને તેમની સાથે સમય વિતાવશે. (યોહા. ૧૪:૨, ૩) જેઓને પૃથ્વી પર જીવવાની આશા છે તેઓને પણ ઈસુ પ્રેમ કરશે. ઈસુ તેઓનું પણ ધ્યાન રાખશે. ભલે તેઓ ઈસુને જોઈ શકશે નહિ, પણ તેઓ ઈસુના ખાસ મિત્ર બની શકશે. યહોવા અને ઈસુ તરફથી જે મજાનું જીવન મળશે એ તેઓ જીવશે.—યશા. ૯:૬, ૭.

૧૬. ઈસુના મિત્ર બનવાથી આપણને કેવા આશીર્વાદો મળે છે?

૧૬ ઈસુએ તેમના મિત્ર બનવાનું આપણને આમંત્રણ આપ્યું છે. એ આમંત્રણ સ્વીકારીએ છીએ તો આપણને ઘણા આશીર્વાદો મળે છે. જેમ કે, આજે પણ આપણને તેમના પ્રેમ અને સાથ મળી રહે છે. હંમેશ માટે જીવવાની આપણને સોનેરી આશા મળી છે. સૌથી મહત્ત્વનું તો ઈસુના સારા મિત્રો બનવાથી તેમના પિતા યહોવા સાથે નજીકનો સંબંધ કેળવાય છે. ઈસુના મિત્રો બનવાનો આપણને કેટલો મોટો લહાવો મળ્યો છે!

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

^ ફકરો. 5 પ્રેરિતોએ અમુક વર્ષો સુધી ઈસુ સાથે કામ કર્યું હતું. એ સમયે તેઓએ ઈસુ સાથે ઘણી વાતો કરી હતી. આમ તેઓ ઈસુના સારા મિત્રો બન્યા હતા. ઈસુ ચાહે છે કે આપણે પણ તેમના મિત્ર બનીએ. પ્રેરિતો માટે ઈસુના મિત્રો બનવું સહેલું હતું. પણ આપણે અમુક પડકારોનો સામનો કરવો પડે છે, જેની ચર્ચા આ લેખમાં કરીશું. એટલું જ નહિ, એવાં સૂચનોની પણ ચર્ચા કરીશું, જેની મદદથી આપણે ઈસુના સારા મિત્રો બની શકીશું અને તેમની સાથે સારો સંબંધ કેળવી શકીશું.

^ ફકરો. 55 ચિત્રની સમજ: (૧) કુટુંબ તરીકેની ભક્તિ દરમિયાન આપણે ઈસુનાં જીવન અને સેવાકાર્ય વિશે અભ્યાસ કરી શકીએ. (૨) મંડળમાં ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ જાળવવા મહેનત કરીએ. (૩) ખુશખબર ફેલાવવામાં પૂરેપૂરો ભાગ લઈને ખ્રિસ્તના ભાઈઓને ટેકો આપીએ. (૪) મંડળોને ભેગા કરવામાં આવે ત્યારે વડીલોના નિર્ણયને સાથ આપીએ.