સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૦

આજે “ઉત્તરનો રાજા” કોણ છે?

આજે “ઉત્તરનો રાજા” કોણ છે?

“તેનો અંત આવશે, ને તેને કોઈ સહાય કરશે નહિ.”—દાની. ૧૧:૪૫.

ગીત ૪૩ જાગતા રહીએ

ઝલક *

૧-૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ, એના પુરાવાઓ પહેલાં કરતાં આજે વધારે મળી રહ્યા છે. જે સરકારો ઈશ્વરના રાજ્યનો વિરોધ કરે છે, તેઓનો બહુ જલદી યહોવા અને ઈસુ ખ્રિસ્ત નાશ કરશે. પણ એ પહેલાં ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા એકબીજા સામે લડતા રહેશે અને ઈશ્વરભક્તોનો વિરોધ કરતા રહેશે.

આ લેખમાં આપણે દાનીયેલ ૧૧:૪૦–૧૨:૧માં આપેલી ભવિષ્યવાણીની ચર્ચા કરીશું. ઉત્તરનો રાજા આજે કોણ છે એ વિશે શીખીશું. આપણે ચર્ચા કરીશું કે ભલે ગમે એ થાય આપણે કઈ રીતે શાંત રહી શકીએ. એ પણ જોઈશું કે યહોવા આપણો બચાવ કરશે એવો ભરોસો કઈ રીતે રાખી શકીએ.

ઉત્તરનો નવો રાજા ઊભો થાય છે

૩-૪. આજે ઉત્તરનો રાજા કોણ છે? સમજાવો.

સોવિયેત યુનિયન ૧૯૯૧માં પડી ભાંગ્યું. પછી એ વિસ્તારમાં રહેતા ઈશ્વરભક્તોને થોડા સમય માટે આઝાદી મળી, એટલે કે “થોડીઘણી સહાય” મળી. (દાની. ૧૧:૩૪) આમ એ સામ્યવાદી દેશોમાં તેઓ છૂટથી ખુશખબર ફેલાવી શક્યા. પ્રકાશકોની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ. પણ થોડાં વર્ષો પછી રશિયા અને એના મિત્ર દેશો, ઉત્તરના રાજા તરીકે ઊભા થયા. અગાઉના લેખમાં જોઈ ગયા તેમ ઉત્તરનો રાજા કે દક્ષિણનો રાજા બનવા એક સરકારમાં આ ત્રણ બાબતો હોવી જરૂરી છે: (૧) તેઓ એવા દેશોની સરકાર હોય, જ્યાં ઈશ્વરભક્તો રહેતા હોય અથવા એ સરકારે ઈશ્વરભક્તો પર હુમલો કર્યો હોય (૨) એ સરકારે ઈશ્વરભક્તો સાથે એવું વર્તન કર્યું, જેનાથી દેખાઈ આવ્યું હોય કે તેઓ યહોવાને નફરત કરે છે અને (૩) બંને રાજાને રજૂ કરતી એ સરકારો એકબીજા સામે લડતી હોય.

આજે ઉત્તરનો રાજા રશિયા અને એના મિત્રો દેશો છે. એવું શાના પરથી કહી શકાય? ચાલો એનાં ત્રણ કારણો જોઈએ. (૧) એ દેશોમાં તેઓએ આપણા પ્રચારકામ પર પ્રતિબંધ મૂક્યો છે અને હજારો ભાઈ-બહેનોની સતાવણી કરી છે. આમ તેઓએ ઈશ્વરભક્તો પર હુમલો કર્યો છે. (૨) તેઓનાં વર્તનથી દેખાય આવે છે કે તેઓ યહોવાને અને તેમના લોકોને નફરત કરે છે. (૩) તેઓ દક્ષિણના રાજા, બ્રિટન-અમેરિકા મહાસત્તા સામે લડે છે. ચાલો જોઈએ કે રશિયા અને એના મિત્ર દેશોએ એવું શું કર્યું, જેનાથી સાબિત થયું કે એ ઉત્તરનો રાજા છે.

ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા એકબીજાની સામે થાય છે

૫. દાનીયેલ ૧૧:૪૦-૪૩માં કયા સમય વિશે બતાવ્યું છે? એ સમયે શું થશે?

દાનીયેલ ૧૧:૪૦-૪૩ વાંચો. ભવિષ્યવાણીનો આ ભાગ અંતના સમય વિશે બતાવે છે. એમાં બતાવ્યું છે કે ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા એકબીજા સામે લડશે. દાનીયેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણનો રાજા અંતના સમયે ઉત્તરના રાજાની “સામે થશે.”—દાની. ૧૧:૪૦.

૬. ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા એકબીજાની સામે થાય છે એનો શું પુરાવો છે?

ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા એકબીજા સામે લડે છે જેથી પોતે દુનિયાની સૌથી શક્તિશાળી સરકાર બની શકે. દાખલા તરીકે, ચાલો જોઈએ કે બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત યુનિયન અને એના મિત્ર દેશોએ યુરોપના મોટા વિસ્તાર પર અધિકાર મેળવ્યો ત્યારે શું થયું. એટલે દક્ષિણના રાજાએ બીજા દેશો સાથે મળીને ઉત્તરના રાજા વિરુદ્ધ મોટી સેના તૈયાર કરવાનું નક્કી કર્યું. એ માટે તેઓએ એક સંગઠન બનાવ્યું, જેનું નામ નાટો (નોર્થ ઍટલૅંટીક ટ્રીટ ઓર્ગેનાઈઝેશન) છે. ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા પોતાની સેનાને સૌથી શક્તિશાળી બનાવવા ઢગલો પૈસા વાપરે છે. આફ્રિકા, એશિયા અને લૅટિન અમેરિકામાં યુદ્ધ થયા ત્યારે તેઓએ એકબીજાના દુશ્મનોને સાથ આપ્યો. આમ, તેઓ એકબીજા સામે લડ્યા હતા. હાલનાં વર્ષોમાં રશિયા અને એના મિત્ર દેશો દુનિયા ફરતે વધુ શક્તિશાળી બન્યા છે. તેઓ કોમ્પ્યુટરની મદદથી (સાયબર વોરથી) દક્ષિણના રાજા વિરુદ્ધ લડે છે. તેઓ એવા કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવે છે, જેનાથી સામેના દેશે પૈસા ગુમાવવા પડે અને એની સરકારને નુકસાન થાય. બંને રાજાઓ એકબીજા પર આવા પ્રોગ્રામ બનાવવાનો આરોપ મૂકે છે. દાનીયેલની ભવિષ્યવાણીમાં જણાવ્યા પ્રમાણે ઉત્તરના રાજાએ ઈશ્વરભક્તો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે.—દાની. ૧૧:૪૧.

ઉત્તરનો રાજા ‘રળિયામણા દેશમાં પ્રવેશ કરશે’

૭. ‘રળિયામણો દેશ’ શાને રજૂ કરે છે?

દાનીયેલ ૧૧:૪૧માં જણાવ્યું છે કે ઉત્તરનો રાજા ‘રળિયામણા દેશમાં પ્રવેશ કરશે.’ એ દેશ કયો છે? બાઇબલ સમયમાં, એ ઇઝરાયેલના દેશને રજૂ કરતો હતો. કારણ કે એને “સર્વ દેશોની શોભા” કહેવામાં આવતો. (હઝકી. ૨૦:૬) એ દેશમાં લોકો યહોવાની ભક્તિ કરતા હતા એટલે એ દેશ ખાસ હતો. પણ સાલ ૩૩ના પચાસમાના દિવસથી ‘રળિયામણો દેશ’ કોઈ ખાસ જગ્યાને બતાવતો નથી, કારણ કે યહોવાના લોકો તો આખી પૃથ્વી પર ફેલાયેલા છે. આજે એ ‘રળિયામણો દેશનો’ અર્થ થાય કે સાચી ભક્તિ સાથે જોડાયેલા કામો, જે યહોવાના લોકો કરે છે. જેમ કે, સભાઓ અને ખુશખબર ફેલાવવાનું કામ.

૮. ઉત્તરના રાજાએ કઈ રીતે “રળિયામણા દેશમાં” પ્રવેશ કર્યો હતો?

આ છેલ્લા દિવસોમાં ઉત્તરના રાજાએ વારંવાર “રળિયામણા દેશમાં” પ્રવેશ કર્યો છે. દાખલા તરીકે, નાઝી જર્મની ઉત્તરનો રાજા બન્યું ત્યારે એણે “રળિયામણા દેશમાં” પ્રવેશ કર્યો, ખાસ તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. કઈ રીતે? એ સમયે એણે ઈશ્વરભક્તોની સતાવણી કરી અને અમુકને મારી નાખ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત યુનિયન ઉત્તરનો રાજા બન્યું. એણે ઈશ્વરભક્તોની સતાવણી કરી અને તેઓને જેલમાં નાખ્યા. આમ, એણે “રળિયામણા દેશમાં” પ્રવેશ કર્યો.

૯. હાલનાં વર્ષોમાં રશિયા અને એના મિત્ર દેશોએ કઈ રીતે “રળિયામણા દેશમાં” પ્રવેશ કર્યો છે?

હાલનાં વર્ષોમાં રશિયા અને એના મિત્ર દેશોએ પણ “રળિયામણા દેશમાં” પ્રવેશ કર્યો છે. કઈ રીતે? ૨૦૧૭માં ઉત્તરના રાજાએ યહોવાના લોકોના કામ પર પ્રતિબંધ મૂક્યો અને અમુક ભાઈ-બહેનોને જેલમાં નાખી દીધા. તેણે આપણાં સાહિત્ય પર પ્રતિબંધ મૂક્યો, જેમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલ પણ છે. વધુમાં, તેણે રશિયાની આપણી શાખા કચેરી, પ્રાર્થનાઘરો અને સંમેલનગૃહો જપ્ત કરી લીધા. એ બધું થયા પછી ૨૦૧૮માં નિયામક જૂથે રશિયા અને એના મિત્ર દેશોને ઉત્તરના રાજા તરીકે ઓળખાવ્યા. યહોવાના લોકોની આકરી સતાવણી કરવામાં આવે, તોપણ તેઓ કોઈ સરકાર વિરુદ્ધ લડતા નથી. તેઓ સરકાર બદલવા માટે પણ લડતા નથી, પછી ભલે ને એ સરકારે તેઓની સતાવણી કરી હોય. તેઓ તો બાઇબલમાં આપેલી આ સલાહ પાળે છે, “સત્તા ધરાવનારા બધા” લોકો માટે પ્રાર્થના કરો. સાક્ષીઓને ભક્તિ માટે આઝાદી મળવી જોઈએ કે નહિ એ વિશે સરકાર નિર્ણય લેવાની હોય ત્યારે, એના માટે ખાસ પ્રાર્થના કરવી જોઈએ.—૧ તિમો. ૨:૧, ૨.

શું ઉત્તરનો રાજા દક્ષિણના રાજાને હરાવશે?

૧૦. શું ઉત્તરનો રાજા દક્ષિણના રાજાને હરાવશે? સમજાવો.

૧૦ ઉત્તરનો રાજા શું કરશે એ વિશે દાનીયેલ ૧૧:૪૦-૪૫માં જણાવ્યું છે. શું એનો અર્થ એમ થાય કે ઉત્તરનો રાજા દક્ષિણના રાજાને હરાવી દેશે? ના. યહોવા અને ઈસુ આર્માગેદનના યુદ્ધમાં બધી સરકારોનો નાશ કરશે ત્યારે, એમાં દક્ષિણનો રાજા પણ હશે. એનાથી જોવા મળે છે કે દક્ષિણનો રાજા એ સમયે ‘જીવતો’ હશે. (પ્રકટી. ૧૯:૨૦) આપણે એવી ખાતરી શા માટે રાખી શકીએ? ચાલો જોઈએ કે એ વિશે દાનીયેલ અને પ્રકટીકરણની ભવિષ્યવાણીઓમાં શું જણાવ્યું છે.

ઈશ્વરનું રાજ, જેની સરખામણી પથ્થર સાથે કરવામાં આવી છે, એ આર્માગેદનના સમયે માણસોની સરકારનો અંત લાવશે. અહીં બતાવેલી મોટી મૂર્તિ એ સરકારોને બતાવે છે (ફકરો ૧૧ જુઓ)

૧૧. દાનીયેલ ૨:૪૩-૪૫માં શું જણાવ્યું છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૧ દાનીયેલ ૨:૪૩-૪૫ વાંચો. દાનીયેલ પ્રબોધક એક મોટી મૂર્તિ વિશે જણાવે છે, જેના શરીરના ભાગો અલગ અલગ ધાતુના બનેલા છે. દરેક ભાગ એવા દેશોની મહાસત્તાને રજૂ કરે છે, જે દેશોમાં ઘણા ઈશ્વરભક્તો રહેતા હતા. એ મહાસત્તાઓ અલગ અલગ સમયમાં થઈ ગઈ. મૂર્તિના પગની પાટલીઓ લોઢા અને માટીની બનેલી છે. એ છેલ્લી મહાસત્તા બ્રિટન-અમેરિકાને રજૂ કરે છે. એ ભવિષ્યવાણીમાં બતાવ્યું છે કે ઈશ્વરનું રાજ્ય માણસોની બધી સરકારોનો નાશ કરશે ત્યારે, બ્રિટન-અમેરિકા મહાસત્તાનું રાજ ચાલતું હશે.

૧૨. જંગલી જાનવરનું સાતમું માથું કોને રજૂ કરે છે? એ વિશે જાણવું શા માટે મહત્ત્વનું છે?

૧૨ પ્રેરિત યોહાન એવી મહાસત્તાઓ વિશે જણાવે છે, જેઓએ ઈશ્વરભક્તો પર રાજ કર્યું હતું. યોહાનની ભવિષ્યવાણીમાં એ મહાસત્તાઓને સાત માથાંવાળા જંગલી જાનવર સાથે સરખાવવામાં આવી છે. એ જાનવરનું સાતમું માથું બ્રિટન-અમેરિકા મહાસત્તાને રજૂ કરે છે. એ વિશે જાણવું મહત્ત્વનું છે, કારણ કે એના પછી બીજા કોઈ માથા વિશે બતાવવામાં આવ્યું નથી. એ સાતમું માથું રાજ કરતું હશે ત્યારે ખ્રિસ્ત અને સ્વર્ગનું સૈન્ય, એ માથાનો અને એની સાથે જાનવરનો નાશ કરશે. *પ્રકટી. ૧૩:૧, ૨; ૧૭:૧૩, ૧૪.

ભાવિમાં ઉત્તરનો રાજા શું કરશે?

૧૩-૧૪. “માગોગ દેશનો ગોગ” કોણ છે? કયા કારણને લીધે તે હુમલો કરશે?

૧૩ હઝકીએલે લખેલી ભવિષ્યવાણીમાંથી જાણવા મળે છે કે, ઉત્તરના રાજા અને દક્ષિણના રાજાનો નાશ થતા પહેલાં કેવા બનાવો બની શકે છે. એવું લાગે છે કે હઝકીએલ ૩૮:૧૦-૨૩; દાનીયેલ ૨:૪૩-૪૫; ૧૧:૪૪–૧૨:૧ અને પ્રકટીકરણ ૧૬:૧૩-૧૬, ૨૧માં આપેલી માહિતી એક જ સમયગાળા માટે છે. ચાલો જોઈએ કે એ ભવિષ્યવાણી પ્રમાણે કેવા બનાવો બની શકે છે.

૧૪ મહાન વિપત્તિ શરૂ થયા પછી કોઈક સમયે “આખી પૃથ્વીના રાજાઓ” ભેગા મળીને દેશોનો સમૂહ બનશે. (પ્રકટી. ૧૬:૧૩, ૧૪; ૧૯:૧૯) બાઇબલ દેશોના એ સમૂહને “માગોગ દેશનો ગોગ” કહે છે. (હઝકી. ૩૮:૨) દેશોનો સમૂહ ઈશ્વરભક્તો પર એક છેલ્લો હુમલો કરશે અને તેઓનો નાશ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. તેઓ કયા કારણને લીધે હુમલો કરશે? એ વિશે પ્રેરિત યોહાને એક દર્શનમાં જોયું હતું કે ઈશ્વરના દુશ્મનો પર મોટા મોટા કરા પડશે. ઈશ્વરભક્તો જે ન્યાયચુકાદાનો સંદેશો જણાવશે એ દુશ્મનો માટે કરા જેવો સાબિત થશે. બની શકે કે એ સંદેશાને લીધે માગોગનો ગોગ ઈશ્વરભક્તોનું નામનિશાન મિટાવી દેવા તેઓ પર હુમલો કરે.—પ્રકટી. ૧૬:૨૧.

૧૫-૧૬. (ક) દાનીયેલ ૧૧:૪૪, ૪૫માં કયા બનાવો વિશે જણાવ્યું છે? (ખ) માગોગના ગોગનું શું થશે?

૧૫ દાનીયેલ ૧૧:૪૪, ૪૫ વાંચો. એ કલમોમાં આપેલી ભવિષ્યવાણીનો પણ કદાચ એવો અર્થ થાય કે ઈશ્વરના દુશ્મનોને કડક સંદેશો જણાવવામાં આવશે અને ઈશ્વરભક્તો પર હુમલો કરવામાં આવશે. એમાં દાનીયેલ જણાવે છે કે “પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી” ઉત્તરનો રાજા બેચેન બની જશે અને તેને ‘ઘણો જ ક્રોધ’ આવશે. ઉત્તરનો રાજા ઘણા લોકોનો ‘નાશ કરવાનું’ નક્કી કરશે. એવું લાગે છે કે એ “ઘણા લોકો” ઈશ્વરભક્તોને રજૂ કરે છે. * અહીં દાનીયેલ કદાચ ઈશ્વરભક્તો પર થનાર છેલ્લા હુમલા વિશે જણાવી રહ્યા છે.

૧૬ ઉત્તરનો રાજા અને બીજી સરકારો ઈશ્વરભક્તો પર હુમલો કરશે ત્યારે, વિશ્વના માલિક યહોવાનો ગુસ્સો ભભૂકી ઊઠશે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬) એ સમયે ઉત્તરનો રાજા, બીજા દેશો સાથે મળીને માગોગનો ગોગ બનશે અને “તેનો અંત આવશે, ને તેને કોઈ સહાય કરશે નહિ.”—દાની. ૧૧:૪૫.

આર્માગેદન યુદ્ધમાં ઈસુ ખ્રિસ્ત અને તેમનું સૈન્ય શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ કરશે અને ઈશ્વરભક્તોનો બચાવ કરશે (ફકરો ૧૭ જુઓ)

૧૭. દાનીયેલ ૧૨:૧માં “મહાન સરદાર” મિખાયેલ કોણ છે અને તે શું કરી રહ્યા છે?

૧૭ દાનીયેલ આગળની કલમોમાં જણાવે છે કે ઉત્તરના રાજા અને તેના મિત્ર દેશોનો કઈ રીતે અંત આવશે. એટલું જ નહિ, એમાં એ પણ બતાવ્યું છે કે આપણો બચાવ કઈ રીતે થશે. (દાનીયેલ ૧૨:૧ વાંચો.) એ કલમનો શું અર્થ થાય? આપણા રાજા ઈસુ ખ્રિસ્તને મિખાયેલ નામે પણ ઓળખવામાં આવે છે. ૧૯૧૪માં તે સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યના રાજા બન્યા. એ સમયથી તે ઈશ્વરભક્તોના ‘પક્ષમાં ઊભા છે.’ બહુ જલદી તે એક ખાસ રીતે ‘ઊભા થશે.’ આર્માગેદનના યુદ્ધમાં તે ઈશ્વરના દુશ્મનોનો નાશ કરી દેશે. દાનીયેલના પુસ્તકમાં જણાવ્યું છે કે એવો “સંકટનો સમય” આવશે જે પહેલાં ક્યારેય આવ્યો નથી. એ સમયના અંતે આર્માગેદનનું યુદ્ધ થશે. પ્રકટીકરણની ભવિષ્યવાણીમાં આર્માગેદન પહેલાંના સમયને અને આર્માગેદનના યુદ્ધને ‘મહાન વિપત્તિ’ કહેવામાં આવે છે.—પ્રકટી. ૬:૨; ૭:૧૪.

શું તમારું નામ ‘પુસ્તકમાં નોંધવામાં’ આવશે?

૧૮. શા માટે આપણને ભરોસો છે કે એ બનાવોનો સામનો કરી શકીશું?

૧૮ દાનીયેલ અને યોહાન બંનેએ કહ્યું હતું કે યહોવા અને ઈસુ, ઈશ્વરભક્તોને મહાન વિપત્તિમાંથી બચાવશે. એટલે આપણને ભરોસો છે કે એ બનાવોનો સામનો કરી શકીશું. દાનીયેલ કહે છે કે ‘જેઓનાં નામ પુસ્તકમાં નોંધેલાં હશે તે દરેકનો બચાવ થશે.’ (દાની. ૧૨:૧) આપણું નામ એ પુસ્તકમાં નોંધાય માટે શું કરવું જોઈએ? આપણે સાબિત કરવું જોઈએ કે ઈશ્વરના ઘેટા, ઈસુમાં આપણી શ્રદ્ધા અડગ છે. (યોહા. ૧:૨૯) આપણે ઈશ્વરને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવું જોઈએ. (૧ પીત. ૩:૨૧) આપણે બીજાઓને ઈશ્વર વિશે શીખવવું જોઈએ. એ રીતે આપણે ઈશ્વરના રાજ્યને સાથ આપવો જોઈએ.

૧૯. આપણે હમણાં શું કરવું જોઈએ અને શા માટે?

૧૯ આપણે હમણાં યહોવા અને તેમના સંગઠન પર ભરોસો મજબૂત કરવો જોઈએ. ઈશ્વરના રાજ્યને સાથ આપવો જોઈએ. જો એમ કરીશું તો ઈશ્વરનું રાજ્ય ઉત્તરના રાજા અને દક્ષિણના રાજાનો નાશ કરશે ત્યારે આપણો બચાવ થશે.

ગીત ૧૩૨ જીતનું ગીત

^ ફકરો. 5 આજે “ઉત્તરનો રાજા” કોણ છે અને તેનો નાશ કઈ રીતે થશે? એનો જવાબ જાણવાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. એટલું જ નહિ, ભાવિમાં આવનારી કસોટીઓ માટે આપણને તૈયાર રહેવા મદદ મળે છે.