સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૫

‘હું મારાં ઘેટાંને શોધી કાઢીશ’

‘હું મારાં ઘેટાંને શોધી કાઢીશ’

‘હું મારાં ઘેટાંને શોધી કાઢીશ. હું પોતે મારાં ઘેટાંનું પોષણ કરીશ.’ —હઝકી. ૩૪:૧૧, ૧૫.

ગીત ૩ “ઈશ્વર પ્રેમ છે”

ઝલક *

૧. શા માટે યહોવાએ પોતાને મા સાથે સરખાવ્યા?

‘શું સ્ત્રી પોતાના ધાવણા બાળકને ભૂલી જાય?’ એ સવાલ ઈશ્વરભક્ત યશાયાના સમયમાં યહોવાએ પૂછ્યો હતો. તેમણે લોકોને કહ્યું: ‘કદાચ તે ભૂલી જાય પણ હું તમને ભૂલીશ નહિ.‏’ (યશા. ૪૯:૧૫) શા માટે આ પ્રસંગે યહોવાએ પોતાને મા સાથે સરખાવ્યા? એક માને પોતાનાં બાળકો માટે મમતા હોય છે. એવી જ રીતે યહોવાને પોતાના ભક્તો માટે મમતા છે. ચાલો, જેસ્મીનબેનનો દાખલો જોઈએ, જેમને બાળકો છે. તે કહે છે, ‘જ્યારે એક મા પોતાના બાળકને ધવડાવે છે, ત્યારે મા અને બાળક વચ્ચે એક લાગણીનું બંધન બંધાય છે, જે હંમેશ માટે રહે છે.’ જે બહેનોને બાળકો છે તેઓને પણ જેસ્મીનબેન જેવું જ લાગે છે.

૨. એક ઈશ્વરભક્ત ભક્તિમાં ઠંડો પડી જાય ત્યારે યહોવાને કેવું લાગે છે?

એક ઈશ્વરભક્ત સભામાં જવાનું અને ખુશખબર ફેલાવવાનું બંધ કરી દે, તો એ યહોવાના ધ્યાન બહાર જતું નથી. દર વર્ષે હજારો લોકો ભક્તિમાં ઠંડા પડી જાય છે, તેઓ નિષ્ક્રિય * થઈ જાય છે. જરા વિચારો, એ જોઈને યહોવાનું કાળજું કેવું કપાઈ જતું હશે!

૩. યહોવા શું ચાહે છે?

એ વહાલાં ભાઈ-બહેનોમાંથી ઘણાં મંડળમાં પાછાં આવે છે. એ જોઈને આપણી આંખો ખુશીથી છલકાય જાય છે. યહોવા ચાહે છે કે તેઓ પાછા ફરે. આપણે પણ એવું જ ચાહીએ છીએ. (૧ પીત. ૨:૨૫) આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ? એ સવાલનો જવાબ મેળવવા ચાલો પહેલા જોઈએ કે તેઓ શા માટે સભામાં જવાનું અને ખુશખબર ફેલાવવાનું બંધ કરી દે છે?

શા માટે અમુક ઈશ્વરભક્તો યહોવાને ભજવાનું છોડી દે છે?

૪. નોકરીધંધાને વધુ મહત્ત્વ આપવાથી શું થઈ શકે?

અમુક માટે નોકરીધંધો વધુ મહત્ત્વનો થઈ જાય છે. એશિયામાં રહેતા હંગભાઈ * જણાવે છે કે ‘મારાં મોટાં ભાગનાં સમય-શક્તિ હું નોકરીધંધામાં ખર્ચી નાખતો. મને લાગતું કે મારી પાસે બહુ પૈસા હશે તો હું યહોવાની સેવા સારી રીતે કરી શકીશ. એ મારી મૂર્ખામી હતી. હું વધારે કલાકો કામ કરતો. હું ધીમે ધીમે સભાઓ ચૂકવા લાગ્યો અને છેવટે મેં સભાઓમાં જવાનું છોડી દીધું. શેતાનની દુનિયા ઈશ્વરભક્તોને એવા ફાંદામાં ફસાવે છે, જેથી તેઓ ધીરે ધીરે ઈશ્વરથી દૂર જતા રહે.’

૫. એક બહેનના જીવનમાં કેવી તકલીફો આવી?

અમુક ભાઈ-બહેનો મુશ્કેલીઓના બોજા તળે દબાઈ જાય છે. બ્રિટનમાં રહેતાં એનીબેનને પાંચ બાળકો છે. તે જણાવે છે, ‘મારા સૌથી નાના દીકરાને જન્મથી જ શરીરમાં ઘણી તકલીફો હતી. પછી મારી એક દીકરીને બહિષ્કૃત કરવામાં આવી અને એક દીકરાને માનસિક બીમારી થઈ. હું એટલી નિરાશ થઈ ગઈ કે મેં સભામાં જવાનું અને ખુશખબર ફેલાવવાનું બંધ કરી દીધું. સમય જતાં હું નિષ્ક્રિય થઈ ગઈ.’ એનીબેન અને તેમના કુટુંબ માટે તેમજ તેમના જેવી તકલીફો સહી રહેલાં ભાઈ-બહેનો માટે આપણને દયા આવે છે.

૬. એક વ્યક્તિ કોલોસીઓ ૩:૧૩ની સલાહ ન પાળે તો તે કઈ રીતે યહોવાના લોકોથી દૂર થઈ જશે?

કોલોસીઓ ૩:૧૩ વાંચો. મંડળના કોઈ ભાઈ કે બહેનને લીધે અમુક ઈશ્વરભક્તોનાં દિલને ઠેસ પહોંચી હોવાથી તેઓ યહોવાથી દૂર થઈ ગયા છે. પ્રેરિત પાઊલે પણ જણાવ્યું કે અમુક વાર આપણી પાસે કોઈ ભાઈ કે બહેન “વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય” શકે. ભલે આપણો વાંક ન હોય તોપણ આપણી સાથે કદાચ ખોટી રીતે વર્તવામાં આવે. જો ધ્યાન ન રાખીએ તો આપણા દિલમાં કડવાશ ઘર કરી જશે. એના લીધે આપણે કદાચ યહોવાના લોકોથી દૂર થઈ જઈશું. ચાલો દક્ષિણ અમેરિકામાં રહેતા પેબલોભાઈનો દાખલો જોઈએ. કોઈએ તેમના પર ખોટો આરોપ મૂક્યો એના લીધે તેમણે મંડળની જવાબદારી ગુમાવવી પડી. એવું થયું ત્યારે તેમણે શું કર્યું? ભાઈ કહે છે: ‘હું ધીરે ધીરે મંડળથી દૂર થવા લાગ્યો.’

૭. એક વ્યક્તિનું દિલ ડંખ્યા કરે ત્યારે એનું કેવું પરિણામ આવે છે?

કોઈએ અગાઉ મોટું પાપ કર્યું છે. તે પસ્તાવો કરે છે અને તેને માફી મળે છે. છતાં તેનું દિલ લાંબા સમય સુધી કદાચ ડંખ્યા કરે. તેને લાગે કે ઈશ્વર હવે તેને પ્રેમ કરતા નથી. તેને એવું પણ લાગે કે ઈશ્વરના લોકો વચ્ચે રહેવા માટે તે લાયક નથી. ફ્રાન્સિસ્કોભાઈને એવું જ લાગતું હતું. તે કહે છે ‘મારાથી વ્યભિચાર થઈ ગયો ત્યારે મને શિસ્ત આપવામાં આવી. શરૂઆતમાં તો હું સભામાં જતો. પણ પછી હું નિરાશ થઈ ગયો અને મને લાગ્યું કે યહોવાના લોકો વચ્ચે રહેવા માટે હું લાયક નથી. સમય જતાં, હું મંડળથી દૂર થઈ ગયો.’ એવા સંજોગોનો સામનો કરી રહેલાં ભાઈ-બહેનો માટે તમને કેવું લાગે છે? શું તમને તેઓ માટે લાગણી થાય છે? સૌથી મહત્ત્વનું તો, યહોવાને તેઓ વિશે કેવું લાગે છે?

યહોવા પોતાનાં ઘેટાંને પ્રેમ કરે છે

એક ઇઝરાયેલી ઘેટાંપાળક પોતાના ખોવાયેલા ઘેટાની પ્રેમથી સંભાળ રાખે છે (ફકરો ૮-૯ જુઓ) *

૮. જેઓ પહેલાં યહોવાની ભક્તિ કરતા હતા શું તેઓને યહોવા ભૂલી જાય છે? સમજાવો.

જેઓ પહેલાં યહોવાની ભક્તિ કરતા હતા પણ થોડા સમયથી મંડળથી દૂર થઈ ગયા છે, તેઓને યહોવા ભૂલી જતા નથી. તેમની સેવામાં તેઓએ કરેલાં કામ પણ તે યાદ રાખે છે. (હિબ્રૂ. ૬:૧૦) યહોવા પોતાના લોકોની સંભાળ રાખે છે એ બતાવવા ઈશ્વરભક્ત યશાયાએ સુંદર દાખલો આપ્યો છે. તેમણે લખ્યું: ‘ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે ને બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેઓને પોતાની ગોદમાં ઊંચકી લેશે.’ (યશા. ૪૦:૧૧) એક ઘેટું ટોળાથી દૂર થઈ જાય ત્યારે મહાન ઘેટાંપાળક યહોવાને કેવું લાગે છે? એ વિશે યહોવાની લાગણીઓ જણાવતી વખતે ઈસુએ શિષ્યોને પૂછ્યું: “તમને શું લાગે છે? જો કોઈ માણસ પાસે ૧૦૦ ઘેટાં હોય અને એમાંનું એક ખોવાઈ જાય, તો તે ૯૯ને પહાડો પર મૂકીને ખોવાયેલું એક ઘેટું શોધવા નહિ જશે શું? જો તેને એ પાછું મળે તો હું તમને સાચે જ કહું છું કે જે ૯૯ ઘેટાં નથી ખોવાયાં, એનાથી જેટલો ખુશ થાય એના કરતાં તે વધારે ખુશ થશે.”—માથ. ૧૮:૧૨, ૧૩.

૯. બાઇબલ સમયમાં સારા ઘેટાંપાળક કઈ રીતે પોતાનાં ઘેટાંની સંભાળ રાખતા? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

આપણે શા માટે યહોવાને ઘેટાંપાળક સાથે સરખાવી શકીએ? કારણ કે બાઇબલ સમયમાં એક સારો ઘેટાંપાળક પોતાનાં ઘેટાંની દિલથી સંભાળ રાખતો. જેમ કે, દાઊદે પોતાના ટોળાને સિંહ અને રીંછથી બચાવ્યા હતા. (૧ શમૂ. ૧૭:૩૪, ૩૫) એક ઘેટું ખોવાય તોપણ સારા ઘેટાંપાળકના ધ્યાન બહાર જતું નથી. (યોહા. ૧૦:૩, ૧૪) સારો ઘેટાંપાળક પોતાનાં ૯૯ ઘેટાંને વાડામાં મૂકે છે અથવા બીજા ઘેટાંપાળકને સાચવવા આપે છે. પછી તે ખોવાયેલા ઘેટાને શોધવા નીકળે છે. એ દાખલો આપીને ઈસુએ આ મહત્ત્વનું સત્ય શીખવ્યું: “મારા સ્વર્ગમાંના પિતાને જરાય પસંદ નથી કે આ નાનાઓમાંનું કોઈ એક પણ નાશ પામે.”—માથ. ૧૮:૧૪.

ઇઝરાયેલી ઘેટાંપાળક ખોવાયેલા ઘેટાની સંભાળ રાખે છે (ફકરો ૯ જુઓ)

યહોવા પોતાનાં ઘેટાંને શોધે છે

૧૦. હઝકીએલ ૩૪:૧૧-૧૬માં યહોવા ખોવાયેલાં ઘેટાં માટે કયું વચન આપે છે?

૧૦ યહોવા આપણને બધાને પ્રેમ કરે છે. અરે, ટોળાથી દૂર થઈ ગયેલા ‘નાનાં’ ઘેટાં જેવા વ્યક્તિઓને પણ તે પ્રેમ કરે છે. હઝકીએલ દ્વારા ઈશ્વરે વચન આપ્યું કે તે પોતાનાં ખોવાયેલાં ઘેટાંને શોધી કાઢશે. એટલું જ નહિ, પોતાની સાથેનો તેઓનો સંબંધ સુધારવા તે મદદ કરશે. તેઓને બચાવવા તે શું કરશે એ વિશે તેમણે જણાવ્યું હતું. એ સમજાવવા તેમણે એક ઇઝરાયેલી ઘેટાંપાળકનો દાખલો આપ્યો. ઘેટાંપાળક પોતાના ખોવાયેલા ઘેટાને શોધવા અમુક પગલાં ભરતો. (હઝકીએલ ૩૪:૧૧-૧૬ વાંચો.) સૌથી પહેલા ઘેટાંપાળક ખોવાયેલા ઘેટાને શોધવા પોતાનાં બધાં સમય-શક્તિ ખર્ચી કાઢતો. એ ઘેટું મળે ત્યારે એને ટોળામાં પાછું લાવતો. જો એ ઘેટું ઘવાયું હોય, તો ઘેટાંપાળક પ્રેમથી તેના ઘા પર પાટાપીંડી કરતો. જો એ ભૂખ્યું-તરસ્યું હોય, તો તેને ઊંચકી લેતો અને પ્રેમથી ખવડાવતો. એવી જ રીતે, વડીલો પણ ‘ઈશ્વરના ટોળાના’ ઘેટાંપાળક છે. (૧ પીત. ૫:૨, ૩) જો કોઈ મંડળથી દૂર થઈ ગયું હોય તો તેને મદદ કરવા વડીલો પણ એવાં જ પગલાં ભરે છે. વડીલો તેને શોધે છે અને ટોળામાં એટલે કે મંડળમાં પાછા ફરવા તેને મદદ કરે છે. યહોવા સાથે તેનો સંબંધ સુધારવા પણ વડીલો પોતાનાથી બનતું બધું કરે છે. *

૧૧. સારો ઘેટાંપાળક શું જાણે છે?

૧૧ સારો ઘેટાંપાળક જાણે છે કે એક ઘેટું ખોવાઈ શકે છે. જો ઘેટું ટોળાથી દૂર થઈ જાય તો ઘેટાંપાળક એની સાથે ખરાબ રીતે વર્તતો નથી. બાઇબલ સમયના અમુક ઈશ્વરભક્તો થોડા સમય માટે યહોવાથી દૂર થઈ ગયા હતા. ચાલો જોઈએ કે યહોવાએ તેઓને કઈ રીતે મદદ કરી હતી.

૧૨. યહોવા યૂના સાથે કઈ રીતે વર્ત્યા?

૧૨ ઈશ્વરભક્ત યૂના પોતાને મળેલી સોંપણીથી પીછો છોડાવવા નાસી ગયા. તેમ છતાં યહોવાએ તેમને પડતા મૂક્યા નહિ. યહોવાએ એક સારા ઘેટાંપાળકની જેમ તેમને છોડાવ્યા. તેમણે યૂનાને સોંપણી પૂરી કરવા જરૂરી શક્તિ આપી. (યૂના ૨:૭; ૩:૧, ૨) પછી, યૂનાને માનવ જીવનનું મૂલ્ય સમજાવવા તેમણે દૂધીના વેલાનો ઉપયોગ કર્યો. (યૂના ૪:૧૦, ૧૧) એમાંથી શું શીખવા મળે છે? જે વ્યક્તિ ભક્તિમાં ઠંડી પડી ગઈ હોય તેને વડીલોએ પડતી મૂકવી ન જોઈએ. એને બદલે, વડીલોએ એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કયા કારણને લીધે તે ટોળાથી દૂર થઈ ગઈ છે. એવી વ્યક્તિ યહોવા પાસે પાછી ફરે ત્યારે વડીલોએ પ્રેમથી તેની સંભાળ રાખવી જોઈએ.

૧૩. અધ્યાય ૭૩ના લેખક સાથે યહોવા જે રીતે વર્ત્યા એમાંથી શું શીખવા મળે છે?

૧૩ ગીતશાસ્ત્રના ૭૩મા અધ્યાયના લેખક દુષ્ટોને સફળ થતા જોઈને નિરાશ થઈ ગયા હતા. તેમને થતું કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાથી શું ફાયદો થાય છે. (ગીત. ૭૩:૧૨, ૧૩, ૧૬) એવા સમયે યહોવાએ શું કર્યું? એ માટે યહોવાએ તેમને સજા કરી નહિ. તેમણે તો એ લેખકના શબ્દો બાઇબલમાં લખાવ્યા. સમય જતાં, લેખકને સમજાયું કે યહોવા સાથે સારો સંબંધ હોવો સૌથી મહત્ત્વનું છે. (ગીત. ૭૩:૨૩, ૨૪, ૨૬, ૨૮) એમાંથી શું શીખવા મળે છે? અમુકને થાય કે યહોવાની સેવા કરવાથી ફાયદો થાય છે કે કેમ. તેઓને વડીલોએ તરત ઠપકો આપવા બેસી જવું ન જોઈએ. એને બદલે વડીલોએ એ સમજવાની જરૂર છે કે તેઓને કેમ એવું લાગે છે. એમ કરીને વડીલો તેઓને બાઇબલમાંથી ઉત્તેજન આપી શકે છે.

૧૪. એલિયાને કેમ મદદની જરૂર હતી? યહોવાએ કઈ રીતે તેમને મદદ કરી?

૧૪ ઈશ્વરભક્ત એલિયા ઇઝેબેલ રાણીથી નાસી રહ્યા હતા. (૧ રાજા. ૧૯:૧-૩) તેમને લાગ્યું કે યહોવાનો કોઈ પ્રબોધક હવે રહ્યો નથી. તેમને થતું કે હવે તેમનું કામ નકામું છે. તે એટલા નિરાશ થઈ ગયા કે તેમણે યહોવા પાસે મોત માંગ્યું. (૧ રાજા. ૧૯:૪, ૧૦) એ માટે યહોવાએ તેમને ઠપકો આપ્યો નહિ. પણ યહોવાએ તેમને ખાતરી કરાવી કે તે એકલા નથી. યહોવાએ તેમને પવિત્ર શક્તિ પર ભરોસો અપાવ્યો અને જણાવ્યું કે તેમણે હજુ ઘણું કામ કરવાનું છે. એલિયાની ચિંતાઓ યહોવાએ પ્રેમથી સાંભળી અને તેમને નવી સોંપણીઓ આપી. (૧ રાજા. ૧૯:૧૧-૧૬, ૧૮) એમાંથી શું શીખવા મળે છે? આપણે બધાએ ખાસ તો વડીલોએ યહોવાના ઘેટાં સાથે પ્રેમથી વર્તવું જોઈએ. એક વ્યક્તિ પોતાના દિલની કડવાશ વડીલો આગળ ઠાલવે કે પછી તેને લાગે યહોવાની માફી માટે તે લાયક નથી ત્યારે વડીલો શું કરશે? વડીલો તેનું ધ્યાનથી સાંભળશે. એટલું જ નહિ, તેને ખાતરી કરાવશે કે યહોવા તેને ખૂબ પ્રેમ કરે છે.

ઈશ્વરનાં ખોવાયેલાં ઘેટાં વિશે આપણને કેવું લાગવું જોઈએ?

૧૫. યોહાન ૬:૩૯ પ્રમાણે ઈસુ પોતાનાં પિતાનાં ઘેટાંને કેવાં ગણતાં હતાં?

૧૫ યહોવાનાં ખોવાયેલાં ઘેટાં વિશે આપણને કેવું લાગે છે? એ વિશે યહોવા શું ચાહે છે? ઈસુના દાખલામાંથી આપણે શીખી શકીએ છીએ. તે જાણતા હતા કે યહોવાને પોતાનાં બધા ઘેટાં ખૂબ વહાલા છે. “ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં” યહોવા પાસે પાછા આવે માટે ઈસુએ બનતું બધું કર્યું. (માથ. ૧૫:૨૪; લુક ૧૯:૯, ૧૦) એક સારા ઘેટાંપાળક તરીકે ઈસુએ ધ્યાન રાખ્યું કે યહોવાનું એક પણ ઘેટું ખોવાય નહિ.—યોહાન ૬:૩૯ વાંચો.

૧૬-૧૭. જેઓ યહોવાથી દૂર થઈ ગયા છે તેઓને મદદ કરવા વડીલોએ શું કરવું જોઈએ? ( “મંડળથી દૂર થઈ ગયેલાં ભાઈ-બહેનોને કેવું લાગે છે?”બૉક્સ જુઓ.)

૧૬ પ્રેરિત પાઊલે એફેસસ મંડળના વડીલોને ઈસુને પગલે ચાલવાની સલાહ આપી અને કહ્યું: “મહેનત કરીને લાચાર લોકોને મદદ કરવી જોઈએ. મારે પ્રભુ ઈસુએ પોતે કહેલા આ શબ્દો પણ યાદ રાખવા જોઈએ: ‘લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.’” (પ્રે.કા. ૨૦:૧૭, ૩૫) બાઇબલમાંથી જોવા મળે છે કે વડીલોએ યહોવાના લોકોની સંભાળ લેવાની છે. સ્પેનમાં રહેતા સાલ્વાડોરભાઈ એક વડીલ છે. તે કહે છે: ‘જ્યારે હું જોઉં છું કે યહોવા પોતાનાં ખોવાયેલાં ઘેટાંની કેટલી સંભાળ રાખે છે, ત્યારે તેઓને મદદ કરવાની મારા મનમાં ઇચ્છા જાગે છે. હું જાણું છું, યહોવા ચાહે છે કે તેઓની હું સંભાળ રાખું.’

૧૭ જેઓ યહોવાથી દૂર થઈ ગયા હતા, તેઓ વિશે આ લેખમાં આપણે જોયું. તેઓને યહોવા પાસે પાછા ફરવા મદદ મળી હતી. આજે પણ એવા ઘણા લોકો છે જેઓ યહોવાથી દૂર થઈ ગયા છે અને તેઓ પાછા ફરવા માંગે છે. તેઓને યહોવા પાસે પાછા ફરવા આપણે કઈ રીતે મદદ કરી શકીએ? એ વિશે વધુ માહિતી હવે પછીના લેખમાં જોઈશું.

ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે

^ ફકરો. 5 જેઓએ વર્ષોથી યહોવાની ભક્તિ કરી છે, તેઓ શા માટે મંડળથી દૂર જતા રહે છે? તેઓ વિશે ઈશ્વરને કેવું લાગે છે? એ સવાલોના જવાબ આપણે આ લેખમાં જોઈશું. આપણે એ પણ જોઈશું કે બાઇબલ સમયના અમુક ઈશ્વરભક્તો યહોવાથી દૂર થઈ ગયા તેઓને યહોવાએ કઈ રીતે મદદ કરી હતી.

^ ફકરો. 2 શબ્દોની સમજ: નિષ્ક્રિય પ્રકાશક એવી વ્યક્તિને કહેવાય જેણે, છ મહિના કે એથી વધુ મહિના પ્રચારનો રિપોર્ટ આપ્યો ન હોય. ભલે તેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા હોય, પણ તેઓ આપણાં ભાઈ-બહેનો છે. આપણે તેઓને પ્રેમ કરીએ છીએ.

^ ફકરો. 4 અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 10 હવે પછીના લેખમાં જોઈશું વડીલો કઈ રીતે આ ત્રણ પગલાં લઈ શકે.

^ ફકરો. 60 ચિત્રની સમજ: બાઇબલ સમયમાં એક ઘેટું ખોવાઈ જાય તો ઘેટાંપાળકને એની ચિંતા થતી અને તે એની શોધ કરતો અને એને ટોળામાં પાછો લાવતો. આજે વડીલો પણ એવું જ કરે છે.

^ ફકરો. 64 ચિત્રની સમજ: ભક્તિમાં ઠંડા પડી ગયેલાં એક બહેન બસમાં બેઠાં છે અને બહાર જુએ છે કે બે સાક્ષીઓ ખુશીથી જાહેરમાં ખુશખબર જણાવી રહ્યા છે.