સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંયમ—યહોવાની કૃપા મેળવવા એ ખૂબ જરૂરી છે

સંયમ—યહોવાની કૃપા મેળવવા એ ખૂબ જરૂરી છે

‘મારા માસીનો છોકરો મારી સાથે લડવા લાગ્યો એટલે હું એનું ગળું પકડીને દબાવવા લાગ્યો. હું તો તેને મારી નાખવા માંગતો હતો.’—પાઊલ.

‘ઘરે તો નાની નાની વાતમાં મારો પિત્તો જતો રહે અને મારા હાથમાં જે આવે એ ફેંકવા લાગુ, પછી એ રમકડાં હોય કે ફર્નિચર.’—માર્કો.

આપણને કદાચ એ બે વ્યક્તિ જેટલો ગુસ્સો કરતા ન હોઈએ. પણ અમુક વાર ગુસ્સા પર કાબૂ રાખવો આપણા માટે પણ અઘરું હોય છે. એનું મુખ્ય કારણ, પ્રથમ માણસ આદમથી આપણને બધાને વારસામાં પાપ મળ્યું છે. (રોમ. ૫:૧૨) પાઊલ અને માર્કોની જેમ અમુકને ગુસ્સા પર કાબૂ રહેતો નથી. બીજા અમુકને પોતાના વિચારો કાબૂમાં રાખવા અઘરું હોય છે. તેઓને અમુક બાબતોનો મનમાં ડર પેસી ગયો છે અથવા તો એના લીધે તેઓ નિરાશ થઈ ગયા છે. અમુક માટે વ્યભિચાર જેવા ગંદાં કામોથી દૂર રહેવું અથવા દારૂ કે ડ્રગ્સની લત છોડવી અઘરું હોય છે.

જેઓ પોતાના વિચારો, ઇચ્છાઓ અને કામો પર કાબૂ રાખી શકતા નથી તેઓનું જીવન બરબાદ થઈ જાય છે. એવું ન થાય માટે શું કરી શકાય? સંયમનો ગુણ કેળવીએ. એ ગુણ કેળવવા ચાલો આપણે ત્રણ સવાલોની ચર્ચા કરીએ. (૧) સંયમ એટલે શું? (૨) સંયમનો ગુણ કેળવવો કેમ જરૂરી છે? (૩) ‘પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતો’ એ ગુણ કઈ રીતે કેળવી શકીએ? (ગલા. ૫:૨૨) પછી આપણે જોઈશું કે અમુક વાર સંયમ બતાવી ન શકીએ ત્યારે શું કરવું જોઈએ?

સંયમ એટલે શું?

સંયમ રાખનાર વ્યક્તિ આવેગમાં આવીને પગલાં ભરતો નથી. ઈશ્વરને પસંદ ન હોય એવાં વાણી-વર્તનથી તે દૂર રહે છે.

ઈસુએ ચોક્કસ સંયમનો ગુણ બતાવ્યો હતો

સંયમનો શો અર્થ થાય એ ઈસુએ આપણને બતાવ્યું છે. બાઇબલમાં લખ્યું છે: “જ્યારે તેમનું અપમાન કરવામાં આવ્યું, ત્યારે તેમણે સામે અપમાન કર્યું નહિ. દુઃખો સહન કરતી વખતે તેમણે ધમકી આપી નહિ, પણ અદલ ન્યાય કરનારના હાથમાં તેમણે પોતાને સોંપી દીધા.” (૧ પીત. ૨:૨૩) ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા ત્યારે, દુશ્મનો તેમની મજાક ઉડાવવા લાગ્યા પણ તેમણે સંયમ રાખ્યો. (માથ. ૨૭:૩૯-૪૪) અગાઉ ઈસુને વાતોમાં ફસાવવા ધર્મગુરુઓએ ઘણા સવાલો પૂછ્યા પણ તેમણે સંયમ રાખ્યો. (માથ. ૨૨:૧૫-૨૨) અમુક યહુદીઓએ તેમને મારવા ગુસ્સામાં પથ્થર ઉપાડ્યા ત્યારે, તેઓની સામે થવાને બદલે “ઈસુ સંતાઈ ગયા અને મંદિરની બહાર નીકળી ગયા.” (યોહા. ૮:૫૭-૫૯) ઈસુનો કેટલો સરસ દાખલો!

શું આપણે ઈસુને પગલે ચાલી શકીએ? અમુક હદે આપણે ચાલી શકીએ છીએ. પ્રેરિતે પીતરે લખ્યું હતું: “ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને નમૂનો પૂરો પાડ્યો, જેથી તમે તેમના પગલે ચાલો.” (૧ પીત. ૨:૨૧) ભલે આપણે પાપી છીએ, છતાં સંયમ બતાવવામાં આપણે ઈસુને પગલે ચાલી શકીએ છીએ. પણ સંયમનો ગુણ કેળવવો કેમ જરૂરી છે?

સંયમનો ગુણ કેળવવો કેમ જરૂરી છે?

યહોવાની કૃપા મેળવવા સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ભલે આપણે વર્ષોથી યહોવાની સેવા કરતા હોઈએ, આપણે વાણી-વર્તન પર કાબૂ ન રાખીએ તો યહોવા સાથેનો આપણો સંબંધ તૂટી શકે છે.

ચાલો મુસાનો દાખલો જોઈએ. ‘પૃથ્વી પર બધા લોકો કરતાં તે સૌથી નમ્ર હતા.’ (ગણ. ૧૨:૩) ઇઝરાયેલીઓએ વર્ષો સુધી કચકચ કરી ત્યારે મુસાએ ધીરજથી સહન કર્યું. પણ એક વાર તે પિત્તો ગુમાવી બેઠા. પાણી માટે તેઓએ ફરી કચકચ કરી ત્યારે મુસા તેઓ પર તપી ઊઠ્યા. તેમણે ગુસ્સામાં તેઓને કહ્યું: “હે દંગાખોરો, સાંભળો; શું અમે તમારે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ?”—ગણ. ૨૦:૨-૧૧.

મુસાએ પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો નહિ. યહોવાએ ચમત્કાર કરીને પાણી પૂરું પાડ્યું, એ માટે મુસાએ તેમને મહિમા આપ્યો નહિ. (ગીત. ૧૦૬:૩૨, ૩૩) એટલે યહોવાએ તેમને વચનના દેશમાં જવા દીધા નહિ. (ગણ. ૨૦:૧૨) મુસાએ સંયમ રાખ્યો નહિ, એનો તેમને કેટલો અફસોસ થયો હશે!—પુન. ૩:૨૩-૨૭.

એમાંથી આપણે શું શીખી શકીએ? ભલે આપણે વર્ષોથી સત્યમાં હોઈએ, કોઈ આપણને ચીડવે તો એલફેલ ન બોલીએ. કોઈનાથી ભૂલ થઈ હોય તો તેમને શાંતિથી સમજાવીએ. (એફે. ૪:૩૨; કોલો. ૩:૧૨) ખરું કે, આપણી ઉંમર થતી જાય તેમ આપણી ધીરજ ખૂટી જાય છે. પણ આપણે મુસાને યાદ રાખીએ. જો આપણે સંયમ ન રાખીએ તો યહોવા આગળ સારું નામ નહિ બનાવી શકીએ. એવું આપણે ક્યારેય નહિ ચાહીએ, ખરું ને! એ મહત્ત્વનો ગુણ કેળવવા આપણે શું કરવું જોઈએ?

સંયમનો ગુણ કઈ રીતે કેળવી શકીએ?

પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરીએ. કારણ કે સંયમ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતો એક ગુણ છે. જેઓ યહોવા પાસે પવિત્ર શક્તિ માંગે છે તેઓને તે ઉદારતાથી આપે છે. (લુક ૧૧:૧૩) યહોવા પોતાની શક્તિથી આપણને જરૂરી બળ પૂરું પાડે છે. (ફિલિ. ૪:૧૩) પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા બીજા ગુણો કેળવવા પણ તે મદદ કરશે. જેમ કે પ્રેમનો ગુણ હશે તો સહેલાઈથી સંયમ રાખી શકીશું.—૧ કોરીં. ૧૩:૫.

સંયમ રાખવામાં આડે આવતી બાબતોથી દૂર રહીએ

સંયમ રાખવામાં આડે આવતી બાબતોથી દૂર રહીએ. દાખલા તરીકે, એવી વેબસાઇટ અને મનોરંજનથી દૂર રહીએ જેમાં ખરાબ બાબતો બતાવવામાં આવતી હોય. (એફે. ૫:૩, ૪) ખોટું કરવા લલચાવે એવી દરેક બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ. (નીતિ. ૨૨:૩; ૧ કોરીં. ૬:૧૨) ઉદાહરણ તરીકે, જે વ્યક્તિને ખબર હોય કે તે વ્યભિચાર જેવા ગંદાં કામોમાં ફસાઈ શકે છે, તો એવાં રોમેન્ટિક પુસ્તકો અને ફિલ્મોથી દૂર રહેશે.

એ સલાહ પાળવી આપણને અઘરું લાગી શકે. પણ જો મહેનત કરીશું તો પોતાના ગુસ્સા પર કાબૂ રાખવા આપણને યહોવા બળ પૂરું પાડશે. (૨ પીત. ૧:૫-૮) આપણાં વિચારો અને વાણી-વર્તનને કાબૂ રાખવા તે આપણને મદદ કરશે. એનો પુરાવો પાઊલ અને માર્કોના દાખલામાંથી મળે છે, જેમના વિશે આપણે અગાઉ જોઈ ગયા. પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાનું તેઓ શીખ્યા છે. ચાલો બીજા એક ભાઈનો દાખલો જોઈએ. તે જ્યારે ગાડી ચલાવતા ત્યારે અમુક વાર ગુસ્સામાં લાલપીળા થઈ જતા. અરે, કોઈક વાર તો બીજાઓ સાથે બોલાચાલી થઈ જતી. ગુસ્સા પર કાબૂ મેળવવા તેમણે શું કર્યું? તે કહે છે: ‘હું દરરોજ પ્રાર્થના કરતો. સંયમ વિશે અમુક લેખો વાંચતો. બાઇબલની અમુક કલમો યાદ રાખતો. વર્ષોથી એ માટે મહેનત કરું છું, તોપણ દરરોજ સવારે પોતાને યાદ દેવડાવવું પડે છે કે મારે સંયમ રાખવાનો છે. હવે કામ માટે બહાર જવાનું થાય તો હું ઘરેથી વહેલો નીકળું છું.’

અમુક વાર સંયમ બતાવી ન શકીએ ત્યારે શું કરવું જોઈએ?

અમુક વાર આપણે સંયમ બતાવવાનું ચૂકી જઈએ છીએ. એમ થાય ત્યારે પ્રાર્થનામાં યહોવા પાસે જવાની આપણને શરમ આવે છે. પણ ત્યારે જ આપણે ખાસ પ્રાર્થના કરવી જોઈએ. એટલે તરત જ યહોવાને પ્રાર્થના કરીએ અને માફી માંગીએ. તેમની મદદ સ્વીકારીએ અને ફરી એવી ભૂલ ન કરવાનો પાકો નિર્ણય કરીએ. (ગીત. ૫૧:૯-૧૧) એવું ક્યારેય ન વિચારીએ કે દિલથી કરેલી આપણી પ્રાર્થના યહોવા નહિ સાંભળે. (ગીત. ૧૦૨:૧૭) પ્રેરિત યોહાન આપણને યાદ અપાવે છે કે ઈશ્વરના દીકરાનું લોહી “આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.” (૧ યોહા. ૧:૭; ૨:૧; ગીત. ૮૬:૫) ભૂલીએ નહિ, યહોવા આપણને કહે છે કે બીજાઓને માફ કરતા રહીએ. એટલે ભરોસો રાખી શકીએ કે યહોવા પણ આપણને માફ કરશે.—માથ. ૧૮:૨૧, ૨૨; કોલો. ૩:૧૩.

વેરાન પ્રદેશમાં ફક્ત થોડા સમય માટે મુસાએ પોતાનો સંયમ ગુમાવ્યો, જેનાથી યહોવા નારાજ થયા. પણ યહોવાએ તેમને માફ કર્યા. બાઇબલમાં લખ્યું છે કે શ્રદ્ધા બતાવવામાં મુસાએ સારો દાખલો બેસાડ્યો છે. (પુન. ૩૪:૧૦; હિબ્રૂ. ૧૧:૨૪-૨૮) યહોવાએ મુસાને વચનના દેશમાં પ્રવેશવા દીધા નહિ. પણ યહોવા બાગ જેવી પૃથ્વી પર તેમને હંમેશ માટેનું જીવન ચોક્કસ આપશે. જો સંયમનો ગુણ કેળવવા મહેનત કરીશું, તો આપણને હંમેશ માટેનું જીવન મળશે એવી આશા રાખી શકીએ.—૧ કોરીં. ૯:૨૫.