સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૯

“જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું”

“જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું”

“હું ખ્રિસ્ત માટે કમજોરી, અપમાન, તંગી, કસોટી અને મુશ્કેલી સહન કરવામાં આનંદ માણું છું.”—૨ કોરીં. ૧૨:૧૦.

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

ઝલક *

૧. પ્રેરિત પાઊલને અમુક વાર પોતાના વિશે કેવું લાગતું?

પ્રેરિત પાઊલે કહ્યું કે તેમનું શરીર “નાશ પામતું જાય છે.” તેમને લાગતું કે પોતે ખૂબ કમજોર થઈ ગયા છે. એટલે કે સત્યના માર્ગે ચાલવા તેમણે ઘણી મહેનત કરવી પડે છે. તેમને થતું કે તે જે રીતે ચાહે છે, એ રીતે યહોવા તેમની પ્રાર્થનાઓનો જવાબ આપતા નથી. (૨ કોરીં. ૪:૧૬; ૧૨:૭-૯; રોમ. ૭:૨૧-૨૩) પાઊલે એ પણ કહ્યું કે વિરોધીઓ તેમને કમજોર * ગણે છે. પણ પાઊલે એવી વાતો પર કે પોતાની કમજોરીઓ પર વધુ પડતું ધ્યાન આપ્યું નહિ.—૨ કોરીં. ૧૦:૧૦-૧૨, ૧૭, ૧૮.

૨. પાઊલ કયો મહત્ત્વનો બોધપાઠ શીખ્યા?

પાઊલ એક મહત્ત્વનો બોધપાઠ શીખ્યા. તે શીખ્યા, ભલે એક વ્યક્તિને લાગે કે પોતે કમજોર છે, તોપણ તે બળવાન બની શકે છે. (૨ કોરીંથીઓ ૧૨:૯, ૧૦ વાંચો.) યહોવાએ પાઊલને કહ્યું, “તારી કમજોરીમાં મારી શક્તિ પૂર્ણ રીતે દેખાઈ આવે છે.” એનો અર્થ હતો કે યહોવાની શક્તિથી પાઊલને જરૂરી તાકાત મળતી હતી. ચાલો પહેલા જોઈએ કે વિરોધીઓ આપણું અપમાન કરે ત્યારે કેમ આપણે નિરાશ ન થવું જોઈએ.

‘અપમાનમાં આનંદ માણું છું’

૩. આપણે અપમાનમાં શા માટે આનંદ માણવો જોઈએ?

કોઈ આપણું અપમાન કરે તો એ આપણને નહિ ગમે, ખરું ને! અમુક વાર વિરોધીઓ આપણું અપમાન કરે છે અને એલફેલ બોલે છે. એ વિશે વધુ વિચારીશું તો આપણે નિરાશ થઈ જઈશું. (નીતિ. ૨૪:૧૦) એના બદલે આપણે શું કરવું જોઈએ? આપણે પણ પાઊલની જેમ ‘અપમાનમાં આનંદ માણવો જોઈએ.’ (૨ કોરીં. ૧૨:૧૦) શા માટે? કારણ કે બીજાઓ આપણો વિરોધ કરે અથવા અપમાન કરે ત્યારે સાબિત થાય છે કે આપણે ઈસુના સાચા શિષ્યો છીએ. (૧ પીત. ૪:૧૪) ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યોની સતાવણી થશે. (યોહા. ૧૫:૧૮-૨૦) પહેલી સદીમાં એવું જ થયું હતું. એ સમયના લોકો પર ગ્રીક સમાજની ખૂબ અસર હતી. એટલે તેઓ ખ્રિસ્તીઓને મૂર્ખ અને કમજોર સમજતા હતા. યહુદીઓને પણ એ લોકોનો રંગ લાગ્યો હતો. તેઓ પણ ખ્રિસ્તીઓને “ઓછું ભણેલા અને સામાન્ય માણસો” ગણતા હતા. (પ્રે.કા. ૪:૧૩) લોકોને લાગતું કે ખ્રિસ્તીઓ કમજોર છે અને પોતાનું રક્ષણ કરી શકે એમ નથી. કારણ કે તેઓ રાજકારણમાં ભાગ લેતા ન હતા અને લશ્કરી સેવામાં જોડાતા ન હતા. એટલે લોકો તેઓને સમાજનો ભાગ ગણતા ન હતા.

૪. શા પરથી કહી શકાય કે એ સમયના ખ્રિસ્તીઓએ વિરોધીઓની વાતો પર ધ્યાન આપ્યું ન હતું?

શું એ સમયના ખ્રિસ્તીઓએ વિરોધીઓની વાતો પર ધ્યાન આપ્યું? ના. ચાલો જોઈએ કે પ્રેરિત પીતર અને યોહાન સાથે શું થયું. તેઓ બીજાઓને ઈસુ વિશે શીખવતા હતા. એટલે લોકો તેઓને સતાવતા હતા. પરંતુ તેઓ એનાથી દુઃખી થયા નહિ, પણ ગર્વ અનુભવતા હતા. (પ્રે.કા. ૪:૧૮-૨૧; ૫:૨૭-૨૯, ૪૦-૪૨) તેઓએ ક્યારેય નાનમ અનુભવી નહિ. ભલે વિરોધીઓની નજરે તેઓની કિંમત કોડીની હતી, પણ તેઓએ એવાં કામ કર્યાં જેનાથી લાખો લોકોને મદદ મળી. એમાંના કેટલાક શિષ્યોએ ઈશ્વરની પ્રેરણાથી બાઇબલનાં અમુક પુસ્તકો લખ્યા, જેનાથી ઘણા લોકોને ફાયદો થયો. તેઓએ જે રાજ વિશે લોકોને જણાવ્યું, એ સ્વર્ગમાં શરૂ થઈ ગયું છે. એ રાજ બહુ જલદી પૃથ્વી પર શરૂ થશે. (માથ. ૨૪:૧૪) રોમન સરકારે એ સમયના ખ્રિસ્તીઓની ખૂબ સતાવણી કરી હતી. પણ આજે એ સરકારનું નામનિશાન રહ્યું નથી. પણ વફાદાર ખ્રિસ્તીઓનું શું થયું? તેઓ આજે સ્વર્ગમાં રાજ કરી રહ્યા છે. પણ તેઓના દુશ્મનો તો ધૂળ ભેગા થઈ ગયા છે. જો એ દુશ્મનોને ફરી ઉઠાડવામાં આવે તો શું થશે? તેઓ ધરતી પર રહેશે અને જેઓને તેઓ ધિક્કારતા હતા, એ વફાદાર ખ્રિસ્તીઓ તેઓ પર રાજ કરશે.—પ્રકટી. ૫:૧૦.

૫. શા માટે લોકો યહોવાના સાક્ષીઓને કમજોર ગણે છે?

યહોવાના સાક્ષીઓની લોકો મજાક ઉડાવે છે, તેઓને મૂર્ખ અને કમજોર ગણે છે. શા માટે? કારણ કે યહોવાના સાક્ષીઓ તેઓના ઇશારે નાચતા નથી. પણ તેઓ નમ્ર રહીને લોકોનું સાંભળવાનો પ્રયત્ન કરે છે. દુનિયામાં એવા લોકોની વાહવાહ થાય છે, જેઓ ઘમંડી છે અને મનફાવે એમ વર્તે છે. તેઓ રાજકારણમાં ભાગ લેતા નથી અને કોઈ પણ દેશની લશ્કરી સેવામાં જોડાતા નથી. તેઓ દુનિયાના રંગે રંગાઈ જતા નથી, એટલે લોકો તેઓને ગણકારતા નથી.—યોહાન ૧૫:૧૯ વાંચો; રોમ. ૧૨:૨.

૬. યહોવા પોતાના લોકો પાસે કેવાં કામ કરાવે છે?

ભલે દુનિયાની નજરે આપણી કંઈ કિંમત ન હોય, પણ યહોવા આપણી પાસે મોટાં મોટાં કામ કરાવે છે. પહેલાં કદી થયું ન હતું એ રીતે આજે ખુશખબર ફેલાવવાનું કામ યહોવા કરાવી રહ્યા છે. ઈશ્વરભક્તો સૌથી વધુ ભાષાઓમાં સાહિત્યનું અનુવાદ કરી રહ્યા છે અને લોકો સુધી એ પહોંચાડી રહ્યા છે. તેઓ બાઇબલનો ઉપયોગ કરીને લાખો લોકોને પોતાનું જીવન સુધારવા મદદ કરી રહ્યા છે. એ બધા પાછળ યહોવાનો હાથ છે. દુનિયાના લોકો જેઓને મામૂલી ગણે છે તેઓ પાસે યહોવા અદ્‍ભુત કામ કરાવે છે. પણ આપણા વિશે શું? શું યહોવા આપણને તાકાત આપે છે? જો એમ હોય, તો એ તાકાત મેળવવા આપણે શું કરવું જોઈએ? એ વિશે પ્રેરિત પાઊલે આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. ચાલો જોઈએ કે એવી કઈ ત્રણ બાબતો છે જે તેમની પાસેથી આપણે શીખી શકીએ.

પોતાની શક્તિ પર આધાર ન રાખીએ

૭. પાઊલના દાખલામાંથી આપણે કઈ બાબત શીખી શકીએ?

પાઊલના દાખલામાંથી આપણે એક બાબત શીખી શકીએ. એ છે કે યહોવાની સેવા કરતી વખતે પોતાની આવડત અને તાકાત પર ભરોસો રાખવો ન જોઈએ. પાઊલ પાસે ઘણી બધી આવડત હતી, એટલે ઘણા લોકો તેમને પસંદ કરતા હતા. રોમના એક પ્રાંતની રાજધાની તાર્સસમાં તે મોટા થયા હતા. એ શહેરમાં જાહોજલાલી હતી અને શિક્ષણ માટે એ પ્રખ્યાત હતું. પાઊલ બહુ ભણેલા-ગણેલા હતા. એ જમાનાના જાણીતા શિક્ષક ગમાલીયેલ પાસેથી તેમણે શિક્ષણ લીધું હતું. (પ્રે.કા. ૫:૩૪; ૨૨:૩) એક સમયે યહુદી સમાજમાં પાઊલનું ખૂબ નામ હતું. તેમણે કહ્યું: “મારા લોકોમાંથી મારી ઉંમરના ઘણા કરતાં યહુદી ધર્મમાં મેં વધારે પ્રગતિ કરી હતી.” (ગલા. ૧:૧૩, ૧૪; પ્રે.કા. ૨૬:૪) એ બધાને લીધે તેમનામાં સહેલાઈથી ઘમંડ આવી ગયું હોત. પણ પાઊલે ક્યારેય પોતાની આવડત પર ભરોસો રાખ્યો નહિ.

જે બાબતોને લીધે પાઊલનું દુનિયામાં નામ હતું એને તેમણે ‘કચરા’ જેવી ગણી. પણ ઈસુના શિષ્ય બનવું તેમના માટે એક લહાવો હતો (ફકરો ૮ જુઓ) *

૮. (ક) ફિલિપીઓ ૩:૮ પ્રમાણે પાઊલે છોડી દીધેલી બાબતોને કેવી ગણી? (ખ) શા માટે તેમણે પોતાની ‘કમજોરીમાં આનંદ માણ્યો’?

જે બાબતોને લીધે પાઊલનું દુનિયામાં નામ હતું, એ તેમણે ખુશીથી જતી કરી. પાઊલે એ બધી બાબતોને ‘કચરા’ જેવી ગણી. (ફિલિપીઓ ૩:૮ વાંચો.) પાઊલે ખ્રિસ્તના શિષ્ય બનવા મોટી કિંમત ચૂકવી. તેમના દેશના લોકો તેમને ધિક્કારતા હતા. (પ્રે.કા. ૨૩:૧૨-૧૪) એ લોકોએ તેમને ખૂબ માર્યા અને જેલમાં નાખી દીધા. (પ્રે.કા. ૧૬:૧૯-૨૪, ૩૭) એટલું જ નહિ, તેમને બીજી પણ મુશ્કેલી હતી. તે જાણતા હતા કે પાપી હોવાને લીધે તેમના માટે જે ખરું છે એ કરવું અઘરું હતું. (રોમ. ૭:૨૧-૨૫) એ બધી મુશ્કેલીઓ હોવા છતાં તેમણે ખ્રિસ્તના પગલે ચાલવાનું છોડ્યું નહિ. પણ તેમણે પોતાની ‘કમજોરીમાં આનંદ માણ્યો.’ શા માટે? કારણ કે તે કમજોર હતા ત્યારે, જોઈ શક્યા કે યહોવાએ તેમને કઈ રીતે મદદ કરી હતી.—૨ કોરીં. ૪:૭; ૧૨:૧૦.

૯. આપણે યહોવાની સેવા નહિ કરી શકીએ એવું લાગે તો શું કરવું જોઈએ?

જો આપણે ચાહતા હોઈએ કે યહોવા આપણને બળ આપે તો શું કરવું જોઈએ? આપણે પોતાનાં શિક્ષણ, તાકાત, સમાજ કે ધનસંપત્તિ પર ઘમંડ ન કરવું જોઈએ. એવું ન વિચારીએ કે એ બધી બાબતો હશે તો જ આપણે યહોવાનું કામ કરી શકીશું. મોટા ભાગના ઈશ્વરભક્તો ‘માણસોનાં ધોરણો પ્રમાણે બુદ્ધિશાળી કે શક્તિશાળી નથી કે ખાનદાન કુટુંબમાં જન્મેલા નથી.’ પણ યહોવાએ તો “દુનિયાના કમજોર લોકોને પસંદ કર્યા છે.” (૧ કોરીં. ૧:૨૬, ૨૭) જો તમારી પાસે શિક્ષણ, તાકાત કે ધનસંપત્તિ ન હોય તોપણ તમે યહોવાની સેવા કરી શકો છો. આ એક સરસ તક છે, જેમાં તમે પોતે જોઈ શકશો કે યહોવા તમને કઈ રીતે મદદ કરે છે. દાખલા તરીકે, જો કોઈ તમારી માન્યતા વિશે સવાલ ઉઠાવે તો હિંમતથી તેમને જવાબ આપવા યહોવા પાસે મદદ માગો. (એફે. ૬:૧૯, ૨૦) જો કોઈ મોટી બીમારીનો સામનો કરી રહ્યા હો, તો યહોવા પાસે શક્તિ માગો જેથી તેમની સેવામાં લાગુ રહી શકો. યહોવાની મદદનો હાથ અનુભવશો તેમ, તમને તાકાત મળશે અને તમારી શ્રદ્ધા વધતી જશે.

બાઇબલમાં આપેલા દાખલામાંથી શીખીએ

૧૦. વફાદાર ભક્તોના દાખલા પર આપણે કેમ વિચાર કરવો જોઈએ?

૧૦ પાઊલ શાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરતા હતા. એમાં આપેલા વફાદાર ભક્તોના દાખલામાંથી તેમને ઘણું શીખવા મળ્યું. હિબ્રૂઓને પત્ર લખ્યો ત્યારે તેમણે ભાઈ-બહેનોને વફાદાર ભક્તોના દાખલામાંથી શીખવાનું કહ્યું. (હિબ્રૂઓ ૧૧:૩૨-૩૪ વાંચો.) ચાલો એમાંના એક દાખલાનો વિચાર કરીએ, એ છે દાઊદ રાજાનો દાખલો. તેમના ઘણા દુશ્મનો હતા. એક સમયે જેઓ તેમના મિત્રો હતા, તેઓ પછીથી તેમનો વિરોધ કરવા લાગ્યા. ચાલો જોઈએ કે તેમના દાખલા પર મનન કરીને પાઊલને કઈ રીતે મદદ મળી હતી. આપણે પાઊલના પગલે કઈ રીતે ચાલી શકીએ એ પણ જોઈએ.

દાઊદ ગોલ્યાથ સામે નાના અને કમજોર દેખાતા હતા, તોપણ દાઊદ તેની સામે લડવા ગભરાયા નહિ. તેમને યહોવા પર ભરોસો હતો, કારણ કે તે જાણતા હતા કે ગોલ્યાથ સામે લડવા યહોવા તેમને બળ આપશે (ફકરો ૧૧ જુઓ)

૧૧. ગોલ્યાથને દાઊદ કેમ કમજોર લાગતા હતા? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૧ ગોલ્યાથ એક કદાવર સૈનિક હતો. તેને દાઊદ સાવ કમજોર લાગતા હતા. ગોલ્યાથ પાસે યુદ્ધના હથિયાર હતા અને તેને યુદ્ધની તાલીમ મળી હતી. જ્યારે કે દાઊદ પાસે ન તો હથિયાર હતા કે ન તો તેમને કોઈ તાલીમ મળી હતી. એટલે ગોલ્યાથે દાઊદને જોયા ત્યારે તેણે ‘તેમનો તિરસ્કાર કર્યો.’ ભલે ગોલ્યાથને દાઊદ કમજોર લાગતા, પણ હકીકતમાં તે એવા ન હતા. તેમણે યહોવા પર આધાર રાખ્યો અને યહોવાએ તેમને શક્તિ આપી. એટલે તેમણે ગોલ્યાથને ધૂળ ભેગો કરી દીધો.—૧ શમૂ. ૧૭:૪૧-૪૫, ૫૦.

૧૨. દાઊદે બીજી કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો?

૧૨ દાઊદે બીજી એક મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો. એના લીધે તે પોતાને કમજોર ગણતા હતા. દાઊદે વફાદારીથી શાઊલની સેવા કરી, જેમને યહોવાએ ઇઝરાયેલના રાજા બનાવ્યા હતા. શરૂઆતમાં શાઊલ રાજાને દાઊદ માટે માન હતું. પછીથી શાઊલમાં ઘમંડ આવી ગયું અને તે દાઊદની ઈર્ષા કરવા લાગ્યા. તે દાઊદ સાથે ખરાબ રીતે વર્ત્યા. અરે, તેમણે દાઊદને મારી નાખવાનો પ્રયત્ન કર્યો.—૧ શમૂ. ૧૮:૬-૯, ૨૯; ૧૯:૯-૧૧.

૧૩. શાઊલ તેમની સાથે ખરાબ રીતે વર્ત્યા ત્યારે દાઊદે શું કર્યું?

૧૩ ભલે શાઊલ રાજા તેમની સાથે ખરાબ રીતે વર્તતા, તોપણ દાઊદ તેમનો આદર કરતા. કારણ કે શાઊલ યહોવાના અભિષિક્ત રાજા હતા. (૧ શમૂ. ૨૪:૬) શાઊલના એવા વર્તન માટે દાઊદે યહોવાને દોષ આપ્યો નહિ. એને બદલે તેમણે યહોવા પર પૂરો ભરોસો રાખ્યો. યહોવાએ તેમને શક્તિ આપી એટલે તે એ કસોટી સહી શક્યા.—ગીત. ૧૮:૧, ઉપરનું લખાણ.

૧૪. પ્રેરિત પાઊલના સંજોગો કઈ રીતે દાઊદના સંજોગો જેવા જ હતા?

૧૪ પ્રેરિત પાઊલના સંજોગો પણ દાઊદના સંજોગો જેવા જ હતા. દુશ્મનો પાસે તેમના કરતાં વધુ તાકાત હતી. એ સમયના મોટા મોટા આગેવાનો તેમનો ધિક્કાર કરતા. તેઓએ ઘણી વાર તેમને માર ખવડાવ્યો અને જેલમાં નાખ્યા. દાઊદની જેમ, પાઊલ સાથે પણ તેમના અમુક મિત્રો ખરાબ રીતે વર્ત્યા. અરે, મંડળનાં અમુક ભાઈ-બહેનોએ પણ તેમનો વિરોધ કર્યો. (૨ કોરીં. ૧૨:૧૧; ફિલિ. ૩:૧૮) પણ પાઊલ હિંમત હાર્યા નહિ. વિરોધ હોવા છતાં તે ખુશખબર ફેલાવતા રહ્યા. ભલે ભાઈ-બહેનોએ તેમને સાથ આપ્યો નહિ, પણ તે તેઓને મદદ કરતા રહ્યા. સૌથી મહત્ત્વનું તો, તે જીવનભર યહોવાને વફાદાર રહ્યા. (૨ તિમો. ૪:૮) એ બધું તે પોતાના જોરે કરી શક્યા નહિ,પણ તેમણે યહોવા પર આધાર રાખ્યો.

જો કોઈ તમારી માન્યતા વિશે સવાલ ઉઠાવે તો તેને પ્રેમ અને આદરથી જવાબ આપો (ફકરો ૧૫ જુઓ)) *

૧૫. આપણો ધ્યેય શું છે અને એ કઈ રીતે પૂરો કરી શકીએ?

૧૫ શું તમારી સાથે ભણતા કે કામ કરતા લોકો કે પછી સત્યમાં નથી એવા કુટુંબના સભ્યો તમારું અપમાન કરે છે, તમને સતાવે છે? શું મંડળના કોઈ ભાઈ કે બહેન તમારી સાથે ખરાબ રીતે વર્તે છે? એવા સંજોગોમાં દાઊદ અને પાઊલના દાખલાને યાદ કરજો. તમે પણ ‘સારાથી ભૂંડાઈ પર જીત મેળવી’ શકો છો. (રોમ. ૧૨:૨૧) આપણે દાઊદની જેમ કોઈના કપાળ પર પથ્થર મારવાનો નથી. પણ આપણો ધ્યેય તો લોકોના દિલોદિમાગમાં બાઇબલના શબ્દો ઉતારવાનો છે. લોકો સવાલો પૂછે ત્યારે એનો જવાબ બાઇબલના આધારે આપીએ. જેઓ આપણી સાથે ખરાબ રીતે વર્તે તેઓ સાથે પ્રેમ અને આદરથી વર્તીએ. દરેકનું ભલું કરીએ, આપણા દુશ્મનોનું પણ ભલું કરીએ.—માથ. ૫:૪૪; ૧ પીત. ૩:૧૫-૧૭.

બીજાઓની મદદ લઈએ

૧૬-૧૭. પાઊલ કઈ વાત ક્યારેય ભૂલ્યા નહિ?

૧૬ પ્રેરિત પાઊલ ઈસુના શિષ્ય બન્યા એ પહેલાં શાઊલ નામે ઓળખાતા. એ સમયે તે ઝનૂની હતા અને ઈસુના શિષ્યોની સતાવણી કરતા. (પ્રે.કા. ૭:૫૮; ૧ તિમો. ૧:૧૩) તે શિષ્યોને ધમકાવતા હતા ત્યારે ઈસુએ પોતે તેમને રોક્યા. ઈસુએ સ્વર્ગમાંથી તેમની સાથે વાત કરી અને તેમને આંધળા કરી નાખ્યા. તે ફરી જોઈ શકે માટે તેમણે એવા લોકોની મદદ લેવી પડી જેઓની તેમણે સતાવણી કરી હતી. પાઊલે નમ્રતા બતાવીને અનાન્યાની મદદ લીધી, જેમની મદદથી તે પાછા દેખતા થયા.—પ્રે.કા. ૯:૩-૯, ૧૭, ૧૮.

૧૭ આગળ જતાં પાઊલ મંડળમાં જાણીતા બન્યા. પણ દમસ્કના રસ્તામાં ઈસુએ જે બોધપાઠ શીખવ્યો હતો, એ તે ક્યારેય ભૂલ્યા નહિ. પાઊલ નમ્ર રહ્યા અને તેમણે ખુશીથી ભાઈ-બહેનોની મદદ લીધી. તેમણે સ્વીકાર્યું કે ભાઈ-બહેનોએ તેમને “હિંમત આપી છે.”—કોલો. ૪:૧૦, ૧૧, ફૂટનોટ.

૧૮. શા માટે આપણે બીજાઓ પાસેથી મદદ લેતા અચકાઈએ છીએ?

૧૮ આપણે પાઊલ પાસેથી શું શીખી શકીએ? સત્ય શીખતા હતા ત્યારે આપણને લોકોની મદદ લેવી ગમતી હતી. કારણ કે આપણે ઘણું શીખવાનું છે, એ આપણે જાણતા હતા. (૧ કોરીં. ૩:૧, ૨) પણ શું અત્યારે આપણે એવું કરીએ છીએ? હવે આપણને યહોવાની સેવામાં વર્ષો થઈ ગયા છે. આપણી પાસે ઘણો અનુભવ છે. એટલે બીજાઓની મદદ લેવી આપણને કદાચ ન ગમે. ખાસ તો એવા લોકો પાસેથી જેઓ આપણા પછી સત્યમાં આવ્યા હોય. પણ ઘણી વાર યહોવા એ ભાઈ-બહેનોનો ઉપયોગ કરીને આપણી હિંમત બંધાવે છે. (રોમ. ૧:૧૧, ૧૨) આપણને યહોવા પાસેથી શક્તિ જોઈતી હોય તો ભાઈ-બહેનોની મદદ લેવા તૈયાર રહેવું જોઈએ.

૧૯. પાઊલ કઈ રીતે મોટાં મોટાં કામ કરી શક્યા?

૧૯ ખ્રિસ્તી બન્યા પછી પાઊલે મોટાં મોટાં કામ કર્યાં હતાં. તે એવું કઈ રીતે કરી શક્યા? તેમણે સફળ થવા નમ્રતા રાખી અને યહોવા પર ભરોસો રાખ્યો. કારણ કે તે શીખ્યા હતા કે સફળ થવા શિક્ષણ, તાકાત, સમાજ કે ધનસંપત્તિ જરૂરી નથી. ચાલો આપણે પણ પાઊલની જેમ (૧) યહોવા પર ભરોસો રાખીએ, (૨) બાઇબલમાં આપેલા દાખલામાંથી શીખીએ અને (૩) ભાઈ-બહેનોની મદદ લઈએ. પછી ભલે પોતાને કમજોર સમજતા હોઈએ પણ યહોવા આપણને તાકાત આપશે.

ગીત ૧૭ હિંમત ન હારો!

^ ફકરો. 5 આ લેખમાં આપણે પ્રેરિત પાઊલના દાખલાની ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે કોઈ આપણી મજાક ઉડાવે ત્યારે યહોવા એનો સામનો કરવા આપણને હિંમત આપશે. એટલું જ નહિ પોતાની નબળાઈઓને લીધે નિરાશ થઈ જઈએ ત્યારે તે આપણી હિંમત બંધાવે છે.

^ ફકરો. 1 શબ્દોની સમજ: આપણે પોતાને અમુક કારણોને લીધે કમજોર ગણતા હોઈએ. જેમ કે, આપણે પાપી હોઈએ, આપણે ગરીબ, બીમાર કે પછી ઓછું ભણેલા-ગણેલા હોઈએ. એટલું જ નહિ, વિરોધીઓ આપણા વિશે એલફેલ બોલીને અથવા આપણને મારીને આપણને કમજોર પાડવા માંગતા હોય .

^ ફકરો. 57 ચિત્રની સમજ: પાઊલ લોકોને ઈસુ વિશે શીખવવા લાગ્યા ત્યારે એ બધી વસ્તુઓ છોડી દીધી, જે પહેલાં તે ફરોશી તરીકે રાખતા હતા. એમાં દુનિયાના વીંટાઓ અને કલમો લખેલી એક થેલી હોઈ શકે.

^ ફકરો. 61 ચિત્રની સમજ: એક ભાઈ સાથે કામ કરનારાઓ તેમને જન્મદિવસની પાર્ટીમાં આવવા દબાણ કરે છે.