સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૧

શું તમે ‘એવા શહેરની રાહ જુઓ છો જેનો પાયો મજબૂત છે?’

શું તમે ‘એવા શહેરની રાહ જુઓ છો જેનો પાયો મજબૂત છે?’

“તે એવા શહેરની રાહ જોતા હતા જેનો પાયો મજબૂત છે, જેના રચનાર અને બાંધનાર ઈશ્વર છે.”—હિબ્રૂ. ૧૧:૧૦.

ગીત ૧૩૬ ધરતી પર તારું રાજ આવે

ઝલક *

૧. લાખો યહોવાના સાક્ષીઓએ કઈ બાબતો જતી કરી છે? તેઓ શા માટે એવો નિર્ણય લે છે?

આજે લાખો યહોવાના સાક્ષીઓ ઈશ્વરની સેવા માટે ઘણું જતું કરે છે. ઘણાં ભાઈ-બહેનોએ કુંવારા રહેવાનો નિર્ણય લીધો છે. અમુક યુગલે બાળકો ન થવા દેવાનું નક્કી કર્યું છે. અમુક કુટુંબે સાદું જીવન જીવવાનો નિર્ણય લીધો છે. તેઓ શા માટે એવો નિર્ણય લે છે? કારણ કે તેઓ યહોવાની સેવામાં વધુ કરવા માગે છે. તેઓ જે મળે એનાથી ખુશ રહે છે. તેઓને ભરોસો છે કે, જે જરૂર છે એ બધું યહોવા પૂરું પાડશે. શું તેઓનો એ ભરોસો કદી તૂટશે? કદી નહિ! આપણને શા માટે એવી ખાતરી છે? કારણ કે યહોવાએ ઈબ્રાહીમને આશીર્વાદ આપ્યો હતો કે ‘તે એવા લોકોના પિતા બનશે જેઓને શ્રદ્ધા છે.’—રોમ. ૪:૧૧.

૨. (ક) હિબ્રૂઓ ૧૧:૮-૧૦, ૧૬ પ્રમાણે ઈબ્રાહીમે શા માટે ખુશીથી ઉર શહેર છોડ્યું? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?

ઈબ્રાહીમ ઉર શહેરમાં આરામનું જીવન જીવતા હતા. પણ તેમણે ખુશીથી એવું જીવન જતું કર્યું. શા માટે? કારણ કે “તે એવા શહેરની રાહ જોતા હતા જેનો પાયો મજબૂત છે.” (હિબ્રૂઓ ૧૧:૮-૧૦, ૧૬ વાંચો.) એ ‘શહેર’ કયું હતું? એ શહેર બંધાય એની તે રાહ જોતા હતા ત્યારે તેમને કેવી મુશ્કેલીઓ પડી? આપણે કઈ રીતે ઈબ્રાહીમના પગલે ચાલી શકીએ? ઈબ્રાહીમના પગલે ચાલનારા ઈશ્વરભક્તોની જેમ આપણે કઈ રીતે કરી શકીએ? આ લેખમાં એ સવાલોના જવાબ જોઈશું.

એવું કયું ‘શહેર છે જેનો પાયો મજબૂત છે?’

૩. ઈબ્રાહીમ કયા શહેરની રાહ જોઈ રહ્યા હતા?

ઈબ્રાહીમ જે શહેરની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, એ હતું ઈશ્વરનું રાજ્ય. એ રાજ્ય ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તોનું બનેલું છે. પાઊલે એ રાજ્યને ‘જીવંત ઈશ્વરનું શહેર, એટલે કે સ્વર્ગનું યરૂશાલેમ’ કહ્યું. (હિબ્રૂ. ૧૨:૨૨; પ્રકટી. ૫:૮-૧૦; ૧૪:૧) ઈસુએ પોતાના શિષ્યોને એ રાજ્ય વિશે પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું. તેમણે પ્રાર્થના કરી કે એ રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી કરે.—માથ. ૬:૧૦

૪. ઉત્પત્તિ ૧૭:૧, ૨, ૬ પ્રમાણે ઈબ્રાહીમને ઈશ્વરના રાજ્ય વિશે કેટલી માહિતી હતી?

ઈશ્વરનું રાજ્ય કયા લોકોથી બનેલું હશે, એની બધી માહિતી ઈબ્રાહીમ પાસે ન હતી. કારણ કે ઘણાં વર્ષો સુધી એ માહિતી “પવિત્ર રહસ્ય” હતી. (એફે. ૧:૮-૧૦; કોલો. ૧:૨૬, ૨૭) પણ ઈબ્રાહીમ એટલું જાણતા હતા કે તેમના અમુક વંશજો રાજા બનશે. કારણ કે એવું વચન યહોવાએ તેમને આપ્યું હતું. (ઉત્પત્તિ ૧૭:૧, ૨,  વાંચો.) ઈબ્રાહીમને ઈશ્વરનાં વચનો પર પૂરી શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા એટલી પાકી હતી કે તે જાણે અભિષિક્ત એટલે કે મસીહને જોઈ શકતા હતા, જે ભાવિમાં ઈશ્વરના રાજ્યના રાજા બનવાના હતા. એટલે ઈસુ પોતાના સમયના યહુદીઓને કહી શક્યા, “મારો સમય જોવા મળશે એ આશાને લીધે તમારા પિતા ઈબ્રાહીમને ઘણો આનંદ થયો હતો અને તેમણે એ સમય જોયો પણ ખરો અને ઘણા ખુશ થયા.” (યોહા. ૮:૫૬) એનાથી ખબર પડે છે કે ઈબ્રાહીમ જાણતા હતા, તેમના અમુક વંશજો એ રાજ્યનો ભાગ બનશે. એટલે યહોવાનું એ વચન પૂરું થાય એની તે ખુશીથી રાહ જોતા હતા.

ઈબ્રાહીમે કઈ રીતે બતાવ્યું કે તેમને યહોવાના વચન પરભરોસો છે? (ફકરો ૫ જુઓ)

૫. ઈબ્રાહીમે કઈ રીતે બતાવ્યું કે તે ઈશ્વરના રાજ્યની રાહ જોતા હતા?

ઈબ્રાહીમે કઈ રીતે બતાવ્યું કે તે ઈશ્વરના રાજ્યની રાહ જોતા હતા? તે કોઈ પણ દેશના નાગરિક બન્યા નહિ. તે અલગ અલગ જગ્યાએ તંબૂમાં રહ્યા. તેમણે કોઈ પણ રાજાને ટેકો આપ્યો નહિ. એટલું જ નહિ, તેમણે રાજા બનવાનો કદી પ્રયત્ન કર્યો નહિ. પણ તે યહોવાની આજ્ઞા પાળતા રહ્યા. યહોવાનું વચન પૂરું થાય એ માટે તેમણે રાહ જોઈ. ખરેખર તેમની શ્રદ્ધા અજોડ હતી! ચાલો જોઈએ કે તેમણે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો. તેમના દાખલા પરથી આપણે શું શીખી શકીએ એ પણ જોઈએ.

ઈબ્રાહીમે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો?

૬. ઉર શહેર કેવું હતું?

જે શહેરમાં ઈબ્રાહીમ પહેલાં રહેતા હતા, એ અમુક હદે સલામત હતું. એની ચારેબાજુ દીવાલ અને ત્રણ બાજુ નહેર હતી. ઉર શહેરના લોકો ભણેલા-ગણેલા અને ધનવાન હતા. એવું લાગે છે કે એ શહેરના ઘણા લોકો વેપાર-ધંધો કરતા હતા. કારણ કે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે વેપાર-ધંધાને લગતા ઘણા દસ્તાવેજો મળી આવ્યા. લોકો ઈંટોના ઘરોમાં રહેતા જેની દીવાલોને પ્લાસ્ટર કરેલું હતું. એ દીવાલોને રંગરોગાન થયેલું હતું. અમુક ઘરોમાં તો ૧૩થી ૧૪ રૂમ હતા, જેમાં નીચે પથ્થર નાખેલા હતા.

૭. ઈબ્રાહીમે કેમ ભરોસો રાખવાનો હતો કે યહોવા તેમનું અને તેમના કુટુંબનું રક્ષણ કરશે?

હવે ઈબ્રાહીમ કનાનના ખુલ્લા મેદાનમાં તંબુઓમાં રહેતા હતા. ઉર શહેરના જીવન કરતાં આ જીવન સાવ અલગ હતું. એ શહેરમાં ઈબ્રાહીમ અને સારાહ લહેરથી જીવતા હતા. એ જગ્યાએ કશાનો ડર ન હતો. પણ અહીં તેમની સલામતી માટે કોઈ દીવાલો કે નહેરો ન હતી. અરે, તેમના માથે તો હંમેશાં લટકતી તલવાર રહેતી, દુશ્મનો તેમના પર ગમે ત્યારે હુમલો કરી શકતા હતા. એટલે ઈબ્રાહીમે ભરોસો રાખવાનો હતો કે યહોવા તેમનું અને તેમના કુટુંબનું રક્ષણ કરશે.

૮. એક વાર ઈબ્રાહીમને કેવી મુશ્કેલી આવી?

ઈબ્રાહીમ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલતા હતા તોપણ અમુક વાર તેમના જીવનમાં મુશ્કેલીઓ આવી. યહોવાએ તેમને જ્યાં મોકલ્યા હતા એ દેશમાં એક વાર દુકાળ પડ્યો. સંજોગો એટલા ખરાબ થઈ ગયા કે ઈબ્રાહીમને પોતાના કુટુંબ માટે બે ટંક ખાવાના પણ ફાંફાં પડવા લાગ્યા. એટલે તેમણે થોડા સમય માટે પોતાના કુટુંબ સાથે ઇજિપ્ત જવાનું નક્કી કર્યું. તે ત્યાં પહોંચ્યા ત્યારે ફારૂને તેમની પત્ની લઈ લીધી. જરા વિચારો, એ સમયે ઈબ્રાહીમનું કાળજું કેવું કપાઈ ગયું હશે! પણ યહોવાએ ફારૂનને મજબૂર કર્યો કે તે ઈબ્રાહીમને સારાહ પાછી આપે. એવું થયું ત્યારે ઈબ્રાહીમના દિલને કેટલી ઠંડક મળી હશે!—ઉત. ૧૨:૧૦-૧૯.

૯. ઈબ્રાહીમના લગ્‍નજીવનમાં કઈ મુશ્કેલી હતી?

ઈબ્રાહીમના લગ્‍નજીવનમાં પણ મુશ્કેલી હતી. તેમની વહાલી પત્ની સારાહને બાળકો થતાં ન હતાં. એટલે તેઓ પર નિરાશાનાં વાદળો છવાયેલાં રહેતાં હતાં. સારાહે પોતાની દાસી હાગાર ઈબ્રાહીમને આપી, જેનાથી તેઓના ઘરમાં બાળક આવે. પણ જ્યારે હાગારને ખબર પડી કે પોતે ગર્ભવતી છે, ત્યારે તે સારાહને નીચી નજરે જોવા લાગી. સંજોગો એટલા વણસી ગયા કે સારાહને લીધે હાગાર ત્યાંથી નાસી ગઈ.—ઉત. ૧૬:૧-૬.

૧૦. ઈબ્રાહીમ માટે યહોવાની વાત માનવી કયા સંજોગોમાં સહેલું ન હતું?

૧૦ સમય જતા સારાહ ગર્ભવતી થઈ અને તેને દીકરો થયો. ઈબ્રાહીમે તેનું નામ ઇસહાક રાખ્યું. ઈબ્રાહીમને પોતાના બંને દીકરા ઈશ્માએલ અને ઇસહાક ખૂબ વહાલા હતા. પણ ઈશ્માએલે ઇસહાક સાથે ખરાબ વર્તન કર્યું. એટલે યહોવાએ ઈબ્રાહીમને કહ્યું કે હાગાર અને ઈશ્માએલને કાઢી મૂકે. (ઉત. ૨૧:૯-૧૪) અમુક વર્ષો પછી, યહોવાએ ઈબ્રાહીમને ઇસહાકનું બલિદાન આપવાનું કહ્યું. (ઉત. ૨૨:૧, ૨; હિબ્રૂ. ૧૧:૧૭-૧૯) બંને કિસ્સામાં ઈબ્રાહીમ માટે યહોવાની વાત માનવી સહેલું ન હતું. પણ તેમણે ભરોસો રાખવાનો હતો કે બંને દીકરાઓ માટે યહોવાએ જે વચન આપ્યું છે એ ચોક્કસ પૂરું થશે.

૧૧. શા માટે ઈબ્રાહીમે ધીરજથી યહોવાનાં વચનો પૂરાં થવાની રાહ જોવાની હતી?

૧૧ એ બધા સંજોગોમાં ઈબ્રાહીમે ધીરજથી યહોવાનાં વચનો પૂરાં થવાની રાહ જોઈ. તેમણે કુટુંબ સાથે ઉર શહેર છોડ્યું ત્યારે તે ૭૦થી વધુ વર્ષના હશે. (ઉત. ૧૧:૩૧–૧૨:૪) સોએક વર્ષ સુધી તે કનાનમાં ઠેર ઠેર તંબુઓમાં રહ્યા. તે ૧૭૫ વર્ષના હતા ત્યારે મરણની ઊંઘમાં સરી ગયા. (ઉત. ૨૫:૭) યહોવાએ વચન આપ્યું હતું કે ઈબ્રાહીમ જે દેશમાંથી પસાર થયા હતા, એ તેમના વંશજોને મળશે. પણ ઈબ્રાહીમના જીવન દરમિયાન એ વચન પૂરું થયું નહિ. તેમણે એ શહેરને એટલે કે ઈશ્વરના રાજ્યને શરૂ થતા જોયું ન હતું. તોપણ ઈબ્રાહીમ વિશે કહેવામાં આવે છે, ‘તે સંતોષી જીવન જીવીને મોટી ઉંમરે મરણ પામ્યા.’ (ઉત. ૨૫:૮, ઈઝી-ટુ-રીડ વર્ઝન) ઈબ્રાહીમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છતાં તેમની શ્રદ્ધા અડગ હતી. તેમણે ખુશીથી યહોવાનાં વચનો પૂરાં થવાની રાહ જોઈ. તે એવું કઈ રીતે કરી શક્યા? કારણ કે યહોવાએ ઈબ્રાહીમનું જીવનભર રક્ષણ કર્યું અને તેમને પોતાના મિત્ર ગણ્યા.—ઉત. ૧૫:૧; યશા. ૪૧:૮; યાકૂ. ૨:૨૨, ૨૩.

ઈબ્રાહીમ અને સારાહની જેમ ઈશ્વરભક્તો કઈ રીતે શ્રદ્ધા અને ધીરજ બતાવે છે? (ફકરો ૧૨ જુઓ) *

૧૨. આપણે કયા સમયની રાહ જોઈ રહ્યા છીએ અને હવે પછી શાની ચર્ચા કરીશું?

૧૨ ઈબ્રાહીમની જેમ આપણે એવા શહેરની રાહ જોઈ રહ્યા છીએ જેનો પાયો મજબૂત છે. પણ આપણે એ શહેર એટલે કે એ રાજ્ય શરૂ થવાની રાહ જોવાની નથી. કારણ કે ૧૯૧૪માં એ રાજ્ય સ્વર્ગમાં શરૂ થઈ ગયું છે. (પ્રકટી. ૧૨:૭-૧૦) પણ એ રાજ્ય પૃથ્વી પર રાજ શરૂ કરે એની આપણે રાહ જોવાની છે. એવું થાય ત્યાં સુધી આપણે પણ ઈબ્રાહીમ અને સારાહની જેમ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે ઘણા યહોવાના સાક્ષીઓએ ઈબ્રાહીમ અને સારાહની જેમ શ્રદ્ધા અને ધીરજ બતાવી છે. તેઓમાંથી અમુકની જીવન સફર ચોકીબુરજમાં આપવામાં આવી છે. ચાલો અમુક ભાઈ-બહેનોના અનુભવ જોઈએ અને એમાંથી શીખીએ.

ઈબ્રાહીમના પગલે ચાલનારાં અમુક ભાઈ-બહેનો

બીલ વોલ્ડને રાજીખુશીથી બધું જતું કર્યું અને યહોવાના આશીર્વાદો મેળવ્યા

૧૩. બીલ વોલ્ડનના અનુભવમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૩ ઈશ્વર માટે ખુશીથી જતું કરવા તૈયાર રહીએ. જો આપણે ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખવા માગતા હોઈએ, તો ઈબ્રાહીમની જેમ જતું કરવા તૈયાર રહીએ. (માથ. ૬:૩૩; માર્ક ૧૦:૨૮-૩૦) ચાલો બીલ વોલ્ડનનો દાખલો જોઈએ. * ૧૯૪૨માં અમેરિકાની યુનિવર્સિટીમાં બીલ છેલ્લા વર્ષમાં હતા ત્યારે, તેમણે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી અભ્યાસ શરૂ કર્યો. બીલને એન્જિનિયર બન્યા પછી તરત નોકરી મળે એવી તેમના પ્રોફેસરે ગોઠવણ કરી. પણ તેમણે નોકરી કરવાની સાફ ના પાડી. ભાઈએ જણાવ્યું કે તે યહોવાની સેવામાં વધુ કરવા માગે છે. એટલે તેમણે મોટા પગારવાળી નોકરી જતી કરી. થોડા સમય પછી, સરકારે તેમને સેનામાં જોડાવાનો હુકમ કર્યો. પણ તેમણે ના પાડી એટલે તેમને ૧૦,૦૦૦ ડોલરનો દંડ અને પાંચ વર્ષની જેલ થઈ. ત્રણ વર્ષ પછી તેમને છોડી મૂકવામાં આવ્યા. તેમને ગિલયડ સ્કૂલમાંથી આમંત્રણ મળ્યું. તેમણે આફ્રિકામાં મિશનરી સેવા આપી. પછી તેમણે ઈવા સાથે લગ્‍ન કર્યા અને બંનેએ સાથે મળીને આફ્રિકામાં સેવા કરી. એમાં તેમણે ઘણું જતું કરવું પડ્યું. ઘણાં વર્ષો સેવા કર્યા પછી ભાઈએ પોતાની માતાની સંભાળ રાખવા અમેરિકા પાછું જવું પડ્યું. પોતાની જીવન સફર વિશે બીલ કહે છે: ‘મને ૭૦થી વધુ વર્ષો યહોવાની સેવા કરવાનો લહાવો મળ્યો છે. એ વિશે વિચારું છું ત્યારે મારી આંખો ખુશીથી છલકાઈ જાય છે. હું યહોવાનો દિલથી આભાર માનું છું કે તેમની સેવા કરવા તેમણે મને માર્ગદર્શન આપ્યું.’ તમારા વિશે શું? શું તમે પૂરા સમયની સેવા કરી શકો?

એલીની અને એરીસ્ટોટેલીસ એપોસ્ટોલીડીશે અનુભવ્યું કે યહોવા તેમને તાકાત આપે છે

૧૪-૧૫. ભાઈ અને બહેન એપોસ્ટોલીડીશના અનુભવ પરથી આપણને શું શીખવા મળે છે?

૧૪ મુશ્કેલીઓ નહિ આવે એવું ન વિચારીએ. ઈબ્રાહીમના દાખલા પરથી શીખવા મળે છે કે જેઓ આખી જિંદગી યહોવાની સેવા કરે છે, તેઓના જીવનમાં પણ મુશ્કેલીઓ આવે છે. (યાકૂ. ૧:૨; ૧ પીત. ૫:૯) એરીસ્ટોટેલીસ એપોસ્ટોલીડીશના કિસ્સામાં એ વાત સાચી પડી. * ૧૯૪૬માં તેમનું બાપ્તિસ્મા ગ્રીસમાં થયું હતું. ૧૯૫૨માં તેમની સગાઈ એલીની સાથે થઈ. તે બંને સાથે મળીને પૂરા સમયની સેવા કરવા માગતા હતા. પણ એલીની બીમાર પડ્યા અને તેઓને જાણવા મળ્યું કે એલીનીને મગજમાં ગાંઠ છે. ઑપરેશનથી મગજની ગાંઠ કાઢી નાખવામાં આવી. એ યુગલે લગ્‍ન કર્યું પણ થોડા સમય પછી એ ગાંઠ ફરી થઈ. ડૉક્ટરે ફરી ઑપરેશન કર્યું. પણ આ વખતે બહેનના શરીરના અમુક ભાગને લકવો મારી ગયો. એના લીધે તે સરખી રીતે બોલી શકતા ન હતા. બીમારી અને સરકારનું દબાણ હોવા છતાં એ બહેન ઉત્સાહથી ખુશખબર ફેલાવતાં રહ્યાં.

૧૫ એરીસ્ટોટેલીસે ૩૦ વર્ષ સુધી પોતાની પત્નીની સેવાચાકરી કરી. એ દરમિયાન તેમણે વડીલ તરીકે સેવા આપી, સંમેલન સમિતિમાં અને સંમેલનગૃહ બાંધવામાં મદદ કરી. ૧૯૮૭માં એલીની પ્રચાર કરી રહ્યાં હતાં ત્યારે તેમનો એક્સિડન્ટ થયો. ત્રણ વર્ષ તે કોમામાં રહ્યાં પછી તેમનું મરણ થયું. વીતેલી કાલને યાદ કરીને ભાઈ કહે છે: ‘વર્ષોથી મેં અઘરા સંજોગો, આકરી મુશ્કેલીઓ અને અણધારી આફતોનો સામનો કર્યો છે. એના માટે ખૂબ હિંમત અને ધીરજની જરૂર પડે છે. જોકે યહોવાએ મને આ મુશ્કેલીઓનો સામનો કરવા જરૂરી મદદ પૂરી પાડી છે.’ (ગીત. ૯૪:૧૮, ૧૯) જેઓ મુશ્કેલીઓ છતાં યહોવાની સેવા કરે છે તેઓને યહોવા ખૂબ પ્રેમ કરે છે.

ઑડ્રી હાઈડે મક્કમ રહ્યા અને ભાવિની આશા પર મન લગાડ્યું

૧૬. નાથાન નૉરે પોતાની પત્નીને કઈ સલાહ આપી હતી?

૧૬ ભાવિના આશીર્વાદો મનમાં રાખીએ. ભાવિમાં મળનાર આશીર્વાદો પર ઈબ્રાહીમે મન લગાડ્યું. ચાલો ઑડ્રી હાઈડનો દાખલો જોઈએ. બહેનના પહેલા પતિ નાથાન એચ. નૉરનું કૅન્સરના લીધે મરણ થયું. પછી તેમના બીજા પતિ ગ્લેન હાઈડને ભૂલવાની (ઍલ્ઝાઈમરની) બીમારી થઈ. * એવા સંજોગોમાં બહેનને મક્કમ રહેવા ક્યાંથી મદદ મળી? નાથાન નૉરે મરતા પહેલાં તેમને અમુક વાત કહી હતી. તેમના શબ્દોથી બહેનને ઘણી હિંમત મળી હતી. તેમણે કહ્યું હતું: ‘મરણથી વ્યક્તિની આશા પાકી થઈ જાય છે. તેણે ફરી દુઃખ-તકલીફો ભોગવવાં પડતાં નથી. હંમેશાં ભાવિના આશીર્વાદોને મનમાં રાખજે. ઈશ્વરની સેવામાં લાગુ રહેજે. બીજાઓની સેવા કરતી રહેજે. એનાથી તને જીવનમાં ખુશી મળશે.’ નાથાન નૉરે તેમને બીજાઓની સેવા કરતા રહેવાની અને ‘આશાને લીધે આનંદ કરતા’ રહેવાની સલાહ આપી હતી. (રોમ. ૧૨:૧૨) કેવી જોરદાર સલાહ!

૧૭. (ક) આપણી પાસે ભાવિના આશીર્વાદો પર મન લગાડવાના કયા કારણો છે? (ખ) મીખાહ ૭:૭માં આપેલી સલાહ લાગુ પાડવાથી આપણને કઈ રીતે ભાવિના આશીર્વાદો મળશે?

૧૭ આજે આપણી પાસે ભાવિના આશીર્વાદો પર મન લગાડવાના ઘણાં કારણો છે. દુનિયા ફરતે બની રહેલા બનાવો પરથી સાફ જોવા મળે છે કે આપણે દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસોના અંત ભાગમાં જીવી રહ્યા છે. હવે આપણે બહુ રાહ નહિ જોવી પડે. કારણ કે ઈશ્વરનું રાજ્ય જલદી જ આખી પૃથ્વી પર રાજ કરશે. એ સમયે આપણને ઘણા આશીર્વાદો મળશે. જેમ કે, આપણા સગા-વહાલાઓને મરણની ઊંઘમાંથી ઉઠાડવામાં આવશે. એ સમયે યહોવા ઈબ્રાહીમને તેમની શ્રદ્ધા અને ધીરજ માટે ઈનામ આપશે. તેમને અને તેમના કુટુંબને યહોવા ફરી જીવતા કરશે. શું તમે તેમનો આવકાર કરવા ત્યાં હશો? જો તમે ઈબ્રાહીમની જેમ ખુશીથી જતું કરવા તૈયાર રહેશો, મુશ્કેલીઓમાં પણ અડગ શ્રદ્ધા રાખશો અને ધીરજથી યહોવાની રાહ જોવાનું શીખશો તો તમે ત્યાં હશો.—મીખાહ ૭:૭ વાંચો.

ગીત ૨૮ એક નવું ગીત

^ ફકરો. 5 ઈશ્વરનાં વચનો પૂરાં થાય એની આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ. જોકે આપણે અમુક વાર અધીરા બની શકીએ. અરે, અમુક વાર આપણી શ્રદ્ધા પણ ડગમગી શકે. યહોવાનાં વચનો પૂરાં થાય એની ઈબ્રાહીમે ધીરજથી રાહ જોઈ. આપણે ઈબ્રાહીમના દાખલામાંથી શું શીખી શકીએ? આજના વફાદાર ભક્તોએ આપણા માટે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો છે?

^ ફકરો. 14 એરીસ્ટોટેલીસ એપોસ્ટોલીડીશની જીવન સફર ફેબ્રુઆરી ૧, ૨૦૦૨ ચોકીબુરજ પાન ૨૪-૨૮માં આપી છે.

^ ફકરો. 16 ઑડ્રી હાઈડની જીવન સફર જુલાઈ ૧, ૨૦૦૪ ચોકીબુરજ પાન ૨૩-૨૯માં આપી છે.

^ ફકરો. 56 ચિત્રની સમજ: એક વૃદ્ધ યુગલ મુશ્કેલીઓ છતાં યહોવાની સેવા વફાદારીથી કરી રહ્યા છે. તેઓ ભાવિમાં મળનાર આશીર્વાદો પર મન લગાડે છે અને તેઓની શ્રદ્ધા અડગ છે.