સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૩

યહોવા પોતાના સંગઠનને ચલાવી રહ્યા છે

યહોવા પોતાના સંગઠનને ચલાવી રહ્યા છે

‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારી પવિત્ર શક્તિથી, એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.’ઝખા. ૪:૬.

ગીત ૩૧ અમે યહોવાના સાક્ષી

ઝલક *

૧. બાપ્તિસ્મા પછી પણ એક ઈશ્વરભક્તે શું કરતા રહેવાનું છે?

શું તમને તમારો બાપ્તિસ્માનો દિવસ યાદ છે? હા, એ દિવસ તો તમારા માટે યાદગાર હશે. બાપ્તિસ્મા લઈને તમે લોકો આગળ જાહેર કર્યું હતું કે તમને યહોવામાં શ્રદ્ધા છે. વધુમાં, તમે બતાવી આપ્યું હતું કે તેમના સંગઠન * સાથે મળીને તમે યહોવાની ભક્તિ કરવા માંગો છો. જોકે, યહોવામાં રાખેલી શ્રદ્ધામાં તમારે વધતા જવાનું છે. આજે યહોવા પોતાના સંગઠનને ચલાવી રહ્યા છે એવો ભરોસો મજબૂત કરતા જવાનું છે.

૨-૩. આજે યહોવા પોતાનું સંગઠન કઈ રીતે ચલાવી રહ્યા છે? સમજાવો.

આપણે જોઈશું કે યહોવા આજે પોતાના સંગઠનને કઈ રીતે ચલાવી રહ્યા છે. એનાથી જોવા મળશે કે તેમનો સ્વભાવ કેવો છે, તે શું ચાહે છે અને તેમના સિદ્ધાંતો કયા છે. ચાલો આપણે યહોવા વિશે ત્રણ બાબતો જોઈએ.

પહેલી, “ઈશ્વર પક્ષપાત કરતા નથી.” (પ્રે.કા. ૧૦:૩૪) યહોવા પ્રેમના સાગર છે એટલે “બધાના ઉદ્ધાર માટે પૂરેપૂરી કિંમત ચૂકવવા” તેમણે પોતાનો દીકરો આપી દીધો. (૧ તિમો. ૨:૬; યોહા. ૩:૧૬) યહોવા પોતાના લોકોનો ઉપયોગ કરીને બધા લોકો સુધી ખુશખબર પહોંચાડે છે. એમ કરીને તે ચાહે છે કે દરેક લોકો ખ્રિસ્તના બલિદાનમાંથી ફાયદો લે અને પોતાનું જીવન બચાવે. બીજી, યહોવા વ્યવસ્થા અને શાંતિના ઈશ્વર છે. (૧ કોરીં. ૧૪:૩૩, ૪૦) તેથી તેમના ભક્તોએ પણ વ્યવસ્થામાં રહેવું જોઈએ અને શાંતિથી કામ કરવું જોઈએ. ત્રીજી, યહોવા મહાન “શિક્ષક” છે. (યશા. ૩૦:૨૦, ૨૧) એટલે સંગઠન મંડળમાં અને ખુશખબર ફેલાવવાના કામમાં બીજાઓને બાઇબલમાંથી શીખવવા ખૂબ મહેનત કરી રહ્યું છે. યહોવા વિશેની એ ત્રણ બાબતો પ્રથમ સદીનાં ભાઈ-બહેનોએ કઈ રીતે બતાવી હતી? આજનાં ભાઈ-બહેનો એ કઈ રીતે બતાવી રહ્યાં છે? આજે યહોવાના સંગઠન સાથે મળીને કામ કરવા આપણને પવિત્ર શક્તિ કઈ રીતે મદદ કરી શકે? ચાલો એ વિશે આગળ જોઈએ.

ઈશ્વર પક્ષપાત કરતા નથી

૪. પ્રેરિતોનાં કાર્યો ૧:૮ પ્રમાણે ઈસુએ પોતાના શિષ્યોને કઈ આજ્ઞા આપી અને એ કામ કરવા તેઓને કઈ મદદ પૂરી પાડી?

પ્રથમ સદીમાં. ઈસુએ જે સંદેશો જણાવ્યો એનાથી બધા લોકોને ભાવિની આશા મળી. (લુક ૪:૪૩) પોતે શરૂ કરેલું કામ આગળ વધારવા ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે “પૃથ્વીના છેડા સુધી” ખુશખબર ફેલાવે. (પ્રેરિતોનાં કાર્યો ૧:૮ વાંચો.) જોકે તેઓ એ કામ આપમેળે કરી શકવાના ન હતા. તેઓને મદદની જરૂર હતી. એટલે ઈસુએ વચન આપ્યું કે “સહાયક” તરીકે પવિત્ર શક્તિ આપશે.—યોહા. ૧૪:૨૬; ઝખા. ૪:૬.

૫-૬. પવિત્ર શક્તિએ ઈસુના શિષ્યોને કઈ રીતે મદદ કરી?

સાલ ૩૩માં પચાસમા દિવસે ઈસુના શિષ્યોને પવિત્ર શક્તિ મળી. એની મદદથી તેઓ તરત ખુશખબર ફેલાવવા લાગ્યા. થોડા જ સમયમાં હજારો લોકો ઈસુના શિષ્યો બન્યા. (પ્રે.કા. ૨:૪૧; ૪:૪) વિરોધનો વંટોળ ઊભો થયો ત્યારે શિષ્યો હિંમત હાર્યા નહિ. પણ તેઓએ મદદ માટે યહોવાને પ્રાર્થના કરી કે, “પોતાના સેવકોને તમારો સંદેશો પૂરી હિંમતથી બોલવા મદદ આપો.” પછી તેઓ પર પવિત્ર શક્તિ આવી અને તેઓ “ઈશ્વરનો સંદેશો હિંમતથી બોલવા લાગ્યા.”—પ્રે.કા. ૪:૧૮-૨૦, ૨૯, ૩૧.

ઈસુના શિષ્યોએ બીજી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો. તેઓ પાસે શાસ્ત્રની બહુ ઓછી પ્રતો હતી. તેઓ પાસે બાઇબલની સમજ આપતાં સાહિત્ય ન હતા, જેવા આપણી પાસે છે. વધુમાં, તેઓએ અલગ અલગ ભાષા બોલતા લોકોને ખુશખબર જણાવવાની હતી. એવી મુશ્કેલીઓ હોવા છતાં શિષ્યોએ પૂરા જોશથી ખુશખબર ફેલાવી. આમ તેઓએ ૩૦ વર્ષની અંદર એવું કંઈક કરી બતાવ્યું, જે માણસોની નજરે અશક્ય હતું. તેઓએ “આકાશ નીચેની સર્વ સૃષ્ટિને” ખુશખબર જણાવી.—કોલો. ૧:૬, ૨૩.

૭. (ક) સોએક વર્ષ પહેલાં ઈશ્વરભક્તોને કઈ રીતે ખબર પડી કે યહોવાએ તેઓને બોલાવ્યા છે? (ખ) એ જાણ્યા પછી તેઓએ શું કર્યું?

આજના સમયમાં. આજે પણ યહોવા પોતાના લોકોને માર્ગદર્શન અને પવિત્ર શક્તિ આપી રહ્યા છે. એ માર્ગદર્શન ખાસ તો બાઇબલમાંથી મળે છે, જે પવિત્ર શક્તિની પ્રેરણાથી લખાયું છે. બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના સેવાકાર્ય વિશે લખવામાં આવ્યું છે. ઈસુએ પ્રચારકામ શરૂ કર્યું હતું, એને ચાલુ રાખવા તેમણે શિષ્યોને આજ્ઞા આપી. એના વિશે પણ એમાં લખવામાં આવ્યું છે. (માથ. ૨૮:૧૯, ૨૦) જુલાઈ ૧૮૮૧, ચોકીબુરજમાં કહેવામાં આવ્યું હતું કે “આપણને નામ-દામ કમાવવા બોલાવવામાં આવ્યા નથી કે અભિષિક્ત કરવામાં આવ્યા નથી. પણ આપણને ખુશખબર ફેલાવવા બોલાવવામાં આવ્યા છે. એટલે એ કામ કરવા આપણી પાસે જે કંઈ છે એ ખર્ચી નાખીએ અને પોતે પણ ખર્ચાઈ જઈએ.” ટુ હુમ ધ વર્ક ઇઝ ઍન્ટ્રસ્ટેડ પુસ્તિકા ૧૯૧૯માં બહાર પાડવામાં આવી હતી. એમાં આમ લખ્યું હતું, “એ કામ ઘણું મોટું લાગે છે. પણ એ પ્રભુનું કામ છે અને તેમની શક્તિથી આપણે કરી શકીશું.” પ્રથમ સદીના ઈશ્વરભક્તોની જેમ એ ભાઈઓએ પણ હિંમતથી કામ કર્યું. તેઓને ભરોસો હતો કે પવિત્ર શિક્તની મદદથી તેઓ દરેક પ્રકારના લોકોને ખુશખબર જણાવી શકશે. આજે આપણને પણ ભરોસો છે કે પવિત્ર શક્તિ આપણને મદદ કરશે.

ખુશખબર જણાવવા યહોવાનું સંગઠન આપણને સૌથી સારાં સાધનો પૂરાં પાડે છે (ફકરા ૮-૯ જુઓ)

૮-૯. યહોવાનું સંગઠન ખુશખબર ફેલાવવા કઈ રીતોનો ઉપયોગ કરે છે?

યહોવાના સંગઠને ખુશખબર ફેલાવવા સૌથી સારાં સાધનો વાપર્યા છે. એ સાધનોમાં છાપેલાં સાહિત્ય, “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન,” ફોનોગ્રાફ, સાઉન્ડ કાર અને રેડિયો પ્રસારણનો સમાવેશ થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સંગઠન કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી રહ્યું છે. એટલું જ નહિ, યહોવાનું સંગઠન પહેલાં કરતાં વધારે ભાષાઓમાં હવે ભાષાંતર કરી રહ્યું છે. એ બધું એટલે કરવામાં આવી રહ્યું છે, જેથી દરેક પ્રકારના લોકો પોતાની માતૃભાષામાં ખુશખબર સાંભળી શકે. યહોવા ક્યારેય પક્ષપાત કરતા નથી. તેમણે અગાઉથી કહ્યું હતું, “દરેક દેશ, કુળ, બોલી અને પ્રજાને” ખુશખબર જણાવવામાં આવશે. (પ્રકટી. ૧૪:૬, ૭) તે ચાહે છે કે એ સંદેશો સાંભળવાનો બધાને મોકો મળે.

આપણને જવાની પરવાનગી નથી, એવા મોટા મોટા ફ્લૅટમાં રહેનાર લોકો વિશે શું? શું તેઓને પણ એ સંદેશો સાંભળવા મળી શકે? એવા લોકો માટે સંગઠનને જાહેરમાં પ્રચાર કરવાની ગોઠવણ કરી. દાખલા તરીકે, ૨૦૦૧માં નિયામક જૂથે ફ્રાંસમાં ટ્રોલીનું અને બીજી રીતોએ પ્રચાર કરવાની પરવાનગી આપી. પછી બીજી જગ્યાઓએ પણ એ રીતે પ્રચાર કરવાની પરવાનગી મળી. એનાથી ઘણાં સારાં પરિણામો મળ્યાં. ૨૦૧૧માં અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં એ રીતે પહેલી વાર પ્રચાર કરવામાં આવ્યો. એ માટે એવો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો જ્યાં ખૂબ ભીડ હતી. પહેલા વર્ષે લોકોને ૧,૦૨,૧૨૯ પુસ્તકો અને ૬૮,૯૧૧ મૅગેઝિનો આપવામાં આવ્યાં. ૪,૭૦૧ લોકો બાઇબલ અભ્યાસ કરવા તૈયાર થયા. એની પાછળ પવિત્ર શક્તિનો હાથ હતો, એ સાફ દેખાઈ આવ્યું. એટલે નિયામક જૂથે દુનિયા ફરતે ટ્રોલીનું સાક્ષીકાર્ય કરવાની પરવાનગી આપી.

૧૦. પ્રચારકામ સારી રીતે કરવા આપણે શું કરી શકીએ?

૧૦ આપણે શું કરી શકીએ? યહોવા સભાઓ દ્વારા આપણને શીખવે છે, એનો પૂરો ફાયદો લઈએ. પ્રચારના ગ્રૂપમાં નિયમિત જઈએ. એમાં આપણને બીજાં ભાઈ-બહેનો તરફથી ઉત્તેજન મળે છે. એટલું જ નહિ, આપણને જેની જરૂર છે એ મદદ પણ મળી રહે છે. ભલે મુશ્કેલીઓ આવે આપણે પ્રચારકામમાં લાગુ રહીએ. આ લેખની મુખ્ય કલમથી શીખવા મળે છે કે આપણે પોતાની તાકાતથી નહિ, પણ પવિત્ર શક્તિથી ઈશ્વરની મરજી પૂરી કરી શકીએ છીએ. (ઝખા. ૪:૬) ઈશ્વર મદદ કરશે એવો ભરોસો રાખી શકીએ કારણ કે આપણે તેમનું જ કામ કરીએ છીએ.

યહોવા વ્યવસ્થા અને શાંતિના ઈશ્વર છે

૧૧. પ્રથમ સદીના નિયામક જૂથના ભાઈઓએ કઈ રીતે હળીમળીને કામ કર્યું?

૧૧ પ્રથમ સદીમાં. યરૂશાલેમનું નિયામક જૂથ હળીમળીને કામ કરતું, જેથી ઈશ્વરના લોકો વચ્ચે શાંતિ જળવાય અને બધું કામ સારી રીતે થાય. (પ્રે.કા. ૨:૪૨) દાખલા તરીકે, સાલ ૪૯ની આસપાસમાં સુન્‍નત કરાવવા વિશે સવાલ ઊભો થયો. નિયામક જૂથે પવિત્ર શક્તિનાં માર્ગદર્શન પ્રમાણે એ વિષય પર ઘણી ચર્ચા કરી. જો ઈશ્વરભક્તો વચ્ચેથી એ મતભેદ દૂર થયો ન હોત, તો તેઓ ખુશખબર ફેલાવવાનું કામ સારી રીતે કરી શક્યા ન હોત. નિયામક જૂથના ભાઈઓ પ્રેરિતો અને વૃદ્ધ પુરુષો હતા. તેઓ બધા યહુદી હતા, તોપણ તેઓએ એવું ન વિચાર્યું કે તેઓ વર્ષોથી જે કરતા આવ્યા છે એ જ સાચું છે. તેઓ એવા લોકોની વાતોમાં પણ ન આવ્યા, જેઓ માનતા કે સુન્‍નત કરાવવી ખૂબ જરૂરી છે. તેઓએ ખરો નિર્ણય લેવા શાસ્ત્રમાંથી શોધખોળ કરી અને યહોવા પાસે પવિત્ર શક્તિ માંગી. (પ્રે.કા. ૧૫:૧, ૨, ૫-૨૦, ૨૮) એનું કેવું પરિણામ આવ્યું? તેઓ ખરો નિર્ણય લઈ શક્યા અને યહોવા એનાથી ખુશ થયા. એના લીધે મંડળમાં શાંતિ અને એકતા જોવા મળી અને ખુશખબર ફેલાવવાનું કામ ઝડપથી થવા લાગ્યું.—પ્રે.કા. ૧૫:૩૦, ૩૧; ૧૬:૪, ૫.

૧૨. શા પરથી કહી શકાય કે સંગઠનમાં શાંતિ જળવાય છે અને બધું કામ વ્યવસ્થામાં થાય છે?

૧૨ આજના સમયમાં. યહોવાના લોકો શાંતિથી અને વ્યવસ્થામાં કામ કરે માટે સંગઠને ઘણી મહેનત કરી છે. નવેમ્બર ૧૫, ૧૮૯૫માં ઝાયન્સ વૉચ ટાવર એન્ડ હેરલ્ડ ઑફ ક્રાઈસ્ટ્‌સ પ્રેઝન્સમાં એક લેખ હતો, “બધું શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ.” એ લેખ ૧ કોરીંથીઓ ૧૪:૪૦ના આધારે હતો, જેમાં જણાવ્યું હતું, ‘વ્યવસ્થામાં કામ કરવા વિશે પ્રેરિતોએ પ્રથમ સદીનાં મંડળોને લખ્યું હતું. એટલે અગાઉ જે “લખવામાં આવ્યું હતું, એ આપણા શિક્ષણને માટે લખવામાં આવ્યું હતું.” જેને આપણે ધ્યાન આપવું જોઈએ.’ (રોમ. ૧૫:૪) પ્રથમ સદીની જેમ આજે પણ શાંતિ જાળવવા અને સારી રીતે કામ કરવા સંગઠન ખૂબ મહેનત કરે છે. દાખલા તરીકે, આખી દુનિયાનાં બધાં મંડળોમાં ચોકીબુરજ અભ્યાસ એક જ રીતે ચલાવવામાં આવે છે અને દર અઠવાડિયે એક જ લેખની ચર્ચા કરવામાં આવે છે. ભલે તમે બીજા કોઈ મંડળમાં કે બીજા કોઈ દેશના મંડળમાં જાઓ, પણ તમને ખબર હશે કે ત્યાં કયા લેખની ચર્ચા થશે અને એ કઈ રીતે ચલાવવામાં આવશે. એટલે તમને નવું નહિ લાગે પણ તમારા મંડળ જેવું જ લાગશે. સાચે જ પવિત્ર શક્તિની મદદથી જ આવી એકતા જોવા મળે છે.—સફા. ૩:૯.

૧૩. યાકૂબ ૩:૧૭ને ધ્યાનમાં રાખીને આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?

૧૩ આપણે શું કરી શકીએ? યહોવા ચાહે છે કે તેમના લોકો ‘એકતા જાળવી રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે, જે પવિત્ર શક્તિ દ્વારા મળે છે.’ (એફે. ૪:૧-૩) એટલે આ સવાલોનો વિચાર કરીએ: ‘મંડળમાં એકતા અને શાંતિ જાળવવા શું હું બનતું બધું કરું છું? શું હું મંડળની દેખરેખ રાખનાર ભાઈઓની વાત માનું છું? શું બીજાઓ મારા પર ભરોસો રાખી શકે છે? મંડળમાં જવાબદારી મળે ત્યારે શું હું એ સારી રીતે પૂરી કરું છું? શું હું સમય પર કામ પૂરું કરું છું? શું હું બીજાઓની મદદ અને સેવા કરવા તૈયાર રહું છું?’ (યાકૂબ ૩:૧૭ વાંચો.) જો આપણને એમાંની કોઈપણ બાબતમાં સુધારો કરવાની જરૂર લાગે, તો પવિત્ર શક્તિની મદદ માંગીએ. પવિત્ર શક્તિ આપણા પર કામ કરશે ત્યારે, સારા ગુણો કેળવી શકીશું અને એ આપણાં વાણી-વર્તનમાં પણ દેખાય આવશે. એમ કરીશું તો મંડળનાં ભાઈ-બહેનો આપણને ખૂબ પ્રેમ કરશે અને આપણી કદર કરશે.

યહોવા આપણને શીખવે છે અને જરૂરી મદદ પૂરી પાડે છે

૧૪. કોલોસીઓ ૧:૯, ૧૦ પ્રમાણે પ્રથમ સદીમાં યહોવાએ પોતાના લોકોને કઈ રીતે શીખવ્યું?

૧૪ પ્રથમ સદીમાં. પોતાના લોકોને શીખવવાનું યહોવાને ગમે છે. (ગીત. ૩૨:૮) તે ચાહે છે કે આપણે તેમને સારી રીતે ઓળખીએ, તેમને પ્રેમ કરીએ અને ભાવિમાં તેમનાં વહાલાં બાળકો તરીકે હંમેશ માટે જીવીએ. જો યહોવાએ આપણને શીખવ્યું ન હોત તો એ બધું શક્ય બનવાનું ન હતું. (યોહા. ૧૭:૩) પ્રથમ સદીમાં યહોવાએ મંડળો દ્વારા પોતાના લોકોને શીખવ્યું હતું. (કોલોસીઓ ૧:૯, ૧૦ વાંચો.) શિષ્યોને પવિત્ર શક્તિ દ્વારા પણ મદદ મળી હતી, જેને “સહાયક” તરીકે આપવાનું ઈસુએ વચન આપ્યું હતું. (યોહા. ૧૪:૧૬) પવિત્ર શક્તિની મદદથી તેઓ શાસ્ત્રને સારી રીતે સમજી શક્યા. એટલું જ નહિ, એની મદદથી તેઓ ઈસુએ શીખવેલી વાતો અને તેમણે કરેલાં કાર્યોને યાદ કરી શક્યા. પછીથી એ બધું તેઓને ખુશખબરનાં પુસ્તકોમાં વાંચવા મળ્યું. એ બધી બાબતોને લીધે, પ્રથમ સદીના ઈશ્વરભક્તોને ખરું જ્ઞાન મળતું રહ્યું. એટલે તેઓની શ્રદ્ધા મજબૂત થઈ. વધુમાં, યહોવા, ઈસુ અને એકબીજા માટે તેઓનાં દિલમાં પ્રેમ વધતો ગયો.

૧૫. યશાયા ૨:૨, ૩માં આપેલી ભવિષ્યવાણીને આપણે કઈ રીતે પૂરી થતા જોઈ રહ્યા છે?

૧૫ આજના સમયમાં. યહોવાએ અગાઉથી કહ્યું હતું કે બધા દેશના લોકો “છેલ્લા કાળમાં” તેમના પર્વત પાસે આવશે. એટલે કે તેઓ સાચા ભક્તો પાસે શીખવા આવશે. (યશાયા ૨:૨, ૩ વાંચો.) આજે આપણે એ ભવિષ્યવાણી પૂરી થતા જોઈ રહ્યા છે. આપણે સાફ જોઈ શકીએ છીએ કે સાચી ભક્તિ સૌથી ઉત્તમ છે. કોઈ પણ પ્રકારની જૂઠી ભક્તિ એની બરાબરી કરી શકે નહિ. આજે યહોવા પોતાના લોકોને બાઇબલનું ભરપૂર જ્ઞાન પૂરું પાડી રહ્યા છે. (યશા. ૨૫:૬) એ માટે તે ‘વિશ્વાસુ અને સમજુ ચાકરનો’ ઉપયોગ કરે છે. (માથ. ૨૪:૪૫) આપણને એ જ્ઞાન અલગ અલગ રીતે મળી રહ્યું છે. જેમ કે, આપણને લેખો વાંચવા મળે છે, પ્રવચનો સાંભળવા મળે છે તેમજ કાર્ટૂન અને બીજા વીડિયો જોવા મળે છે. આપણને પણ અયૂબના મિત્ર અલીહૂની જેમ લાગે છે કે ‘ઈશ્વર જેવા શિક્ષક કોણ છે?’—અયૂ. ૩૬:૨૨.

બાઇબલની વાતો દિલમાં ઉતારીએ અને એ પ્રમાણે ચાલીએ (ફકરો ૧૬ જુઓ) *

૧૬. યહોવા પાસેથી શીખવા આપણે શું કરી શકીએ?

૧૬ આપણે શું કરી શકીએ? બાઇબલમાંથી જે વાંચીએ છીએ અને અભ્યાસ કરીએ છીએ, એ પ્રમાણે ચાલવા આપણને પવિત્ર શક્તિ મદદ કરશે. આપણે પણ આ ગીતના લેખકની જેમ કહી શકીએ: ‘હે યહોવા, મને તમારો માર્ગ શીખવો; હું તમારા સત્ય માર્ગે ચાલીશ; તમારા નામનું ભય રાખવા મારા હૃદયને તૈયાર કરો.’ (ગીત. ૮૬:૧૧) બાઇબલ અને સંગઠન દ્વારા મળતાં સાહિત્યને વાંચીએ અને એનો અભ્યાસ કરતા રહીએ. આપણે ફક્ત માહિતી મેળવવા જ વાંચવું ન જોઈએ. પણ એ રીતે અભ્યાસ કરીએ કે એની આપણા દિલ પર અસર થાય. એને જીવનમાં લાગુ પાડી શકીએ માટે પવિત્ર શક્તિ આપણને મદદ કરશે. એ પ્રમાણે કરવા ભાઈ-બહેનોને આપણે ઉત્તેજન આપવું જોઈએ. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) શા માટે? તેઓ પણ દુનિયા ફરતેના આપણા કુટુંબનો ભાગ છે. સભામાં દિલથી જવાબ આપવા અને પોતાની સોંપણી સારી રીતે પૂરી કરવા પવિત્ર શક્તિની મદદ માંગીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણે યહોવા અને ઈસુનાં “ઘેટાંને” પ્રેમ કરીએ છીએ.—યોહા. ૨૧:૧૫-૧૭.

૧૭. કઈ રીતોએ બતાવી શકીએ કે આપણે યહોવાના સંગઠન સાથે મળીને કામ કરીએ છીએ?

૧૭ બહુ જલદી આખી પૃથ્વી પર એક જ સંગઠન હશે, જે ઈશ્વરની પવિત્ર શક્તિ દ્વારા ચાલે છે. આપણે યહોવાના સંગઠન સાથે મળીને પૂરા ઉત્સાહથી કામ કરીએ. દરેક લોકોને ખુશખબર જણાવીએ અને એમ કરીને બતાવીએ કે આપણે પણ ઈશ્વરની જેમ પક્ષપાત કરતા નથી. યહોવા વ્યવસ્થા અને શાંતિના ઈશ્વર છે. એટલે આપણે પણ મંડળમાં એકતા જાળવવાનો પ્રયત્ન કરીએ. આપણા મહાન શિક્ષક આપણને જે ભરપૂર જ્ઞાન આપી રહ્યા છે એ લેતા રહીએ. શેતાનની દુષ્ટ દુનિયાનો અંત આવશે ત્યારે આપણે ડરીશું નહિ, પણ અડગ રહીશું. કારણ કે આપણે વફાદારીથી યહોવાના સંગઠન સાથે મળીને તેમની ભક્તિ કરી રહ્યા છીએ.

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

^ ફકરો. 5 શું તમને ભરોસો છે કે યહોવા પોતાના સંગઠનને ચલાવી રહ્યા છે? આ લેખમાં જોઈશું કે યહોવાએ કઈ રીતે પ્રથમ સદીનાં મંડળોને માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહિ, એ પણ જોઈશું કે આજે તે કઈ રીતે પોતાના લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે.

^ ફકરો. 1 શબ્દોની સમજ: યહોવાના સંગઠનના બે ભાગ છે. એક સ્વર્ગમાં છે અને એક પૃથ્વી પર છે. આ લેખમાં “સંગઠન” શબ્દ પૃથ્વી પરના ભાગને રજૂ કરે છે.

^ ફકરો. 52 ચિત્રની સમજ: એક પાયોનિયર બહેન વીડિયોમાં જુએ છે કે અમુક ભાઈ-બહેનો વધુ જરૂર છે ત્યાં સેવા આપી રહ્યાં છે. એ જોઈને બહેનને પણ તેઓના પગલે ચાલવા ઉત્તેજન મળે છે. પછીથી તે એવી જગ્યાએ જાય છે જ્યાં પ્રકાશકોની વધુ જરૂર છે.