સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫૧

યહોવા નિરાશ લોકોને બચાવે છે

યહોવા નિરાશ લોકોને બચાવે છે

“આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર આત્માવાળાને [“ભાંગી પડેલાઓને,” NWT] તે તારે છે.”—ગીત. ૩૪:૧૮.

ગીત ૫૧ યહોવા અમારો આધાર

ઝલક *

૧-૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ ટૂંકા જીવનમાં આપણે કેટલું દુઃખ સહેવું પડે છે. આપણું જીવન “સંકટથી ભરપૂર છે.” (અયૂ. ૧૪:૧) એટલે સમજી શકાય કે આપણે અમુક વાર નિરાશ થઈ જઈએ છીએ. બાઇબલ સમયના અમુક ઈશ્વરભક્તો ઘણા નિરાશ થઈ ગયા હતા. અરે, અમુક તો મરવા માંગતા હતા. (૧ રાજા. ૧૯:૨-૪; અયૂ. ૩:૧-૩, ૧૧; ૭:૧૫, ૧૬) પણ યહોવાએ તેઓની હિંમત બંધાવી અને તેઓના દુઃખી મનને દિલાસો આપ્યો. તેઓને ઈશ્વર પર પૂરો ભરોસો હતો અને ઈશ્વરે પણ તેઓનો સાથ છોડ્યો નહિ. ઈશ્વરે બાઇબલમાં તેઓ વિશે લખાવ્યું, જેથી આપણે તેઓના દાખલામાંથી શીખી શકીએ અને આપણને દિલાસો મળે.—રોમ. ૧૫:૪.

આ લેખમાં આપણે અમુક ઈશ્વરભક્તોની ચર્ચા કરીશું જેઓ અઘરા સંજોગોના લીધે નિરાશ થઈ ગયા હતા. આપણે યાકૂબના દીકરા યુસફ, વિધવા નાઓમી અને તેમની વહુ રૂથ, ગીતશાસ્ત્ર ૭૩ના લેખક એક લેવી અને પ્રેરિત પીતર વિશે ચર્ચા કરીશું. આપણે ચર્ચા કરીશું કે યહોવાએ કઈ રીતે તેઓની હિંમત બંધાવી અને તેઓના દાખલામાંથી આપણે શું શીખી શકીએ. એનાથી આપણો ભરોસો મજબૂત થાય છે કે “આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર આત્માવાળાને [“ભાંગી પડેલાઓને,” NWT] તે તારે છે.”—ગીત. ૩૪:૧૮.

યુસફે અન્યાય સહેવો પડ્યો

૩-૪. નાની ઉંમરે યુસફે કેવી મુશ્કેલીઓ સહેવી પડી?

યુસફ સત્તરેક વર્ષના હતા ત્યારે તેમણે બે સપના જોયા જે યહોવા તરફથી હતા. એ સપનાનો અર્થ થતો હતો કે એક દિવસ યુસફને એટલું માન-સન્માન મળશે કે તેમના કુટુંબના સભ્યો પણ તેમનો આદર કરશે. (ઉત. ૩૭:૫-૧૦) પણ થોડા સમય પછી એવું કશું જ બન્યું નહિ. તેમનો આદર કરવાની વાત તો દૂર રહી પણ તેમના ભાઈઓએ તેમને વેચી દીધા. તેમને ઇજિપ્ત લઈ જવામાં આવ્યા અને ઇજિપ્તમાં એક અધિકારી પોટીફારના ઘરે તેમણે ગુલામી કરવી પડી. (ઉત. ૩૭:૨૧-૨૮) જોતજોતામાં તો યુસફનું જીવન સાવ બદલાઈ ગયું. તે પોતાના પિતાના લાડકા દીકરા હતા પણ હવે તે ઇજિપ્તમાં એક ગુલામ બની ગયા હતા. ઇજિપ્તમાં કોઈને તેમની પડી ન હતી.—ઉત. ૩૯:૧.

એ પછી યુસફ પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો. પોટીફારની પત્નીએ બળાત્કાર કરવાનો યુસફ ઉપર ખોટો આરોપ મૂક્યો. ખરું-ખોટું જાણવાને બદલે પોટીફારે યુસફને કેદમાં નાખી દીધા. યુસફને લોઢાની બેડીઓ પહેરાવવામાં આવી. (ઉત. ૩૯:૧૪-૨૦; ગીત. ૧૦૫:૧૭, ૧૮) જરા વિચારો, નાની ઉંમરે તેમના પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે તેમને કેવું લાગ્યું હશે. એ સાંભળીને લોકોએ યુસફના ઈશ્વરની નિંદા કરી હશે. એનાથી તો યુસફ સાવ નિરાશ થઈ ગયા હશે.

૫. યુસફે મુશ્કેલીઓમાં શું કર્યું?

યુસફ પોટીફારને ત્યાં ગુલામ હતા અને પછી તેમણે કેદમાં જવું પડ્યું. એ બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું તેમના હાથમાં ન હતું. એ સમયે તેમણે શું કર્યું? તે જે કરી શકતા ન હતા એના પર ધ્યાન આપવાને બદલે તે જે કરી શકતા હતા એમાં તેમણે મન પરોવ્યું. સૌથી મહત્ત્વનું તો યહોવાને જે પસંદ છે એ તે કરતા રહ્યા. એટલે યહોવાએ યુસફ પર આશીર્વાદોનો વરસાદ વરસાવ્યો.—ઉત. ૩૯:૨૧-૨૩.

૬. અગાઉ જોયેલા સપનાંથી યુસફને કેવી હિંમત મળી?

અગાઉ જોયેલા સપનાં વિશે વિચાર કરવાથી પણ યુસફને હિંમત મળી હશે. એનાથી તેમને લાગ્યું હશે કે તેમની તકલીફો દૂર થઈ જશે અને તે પોતાના કુટુંબને ફરી મળી શકશે, પછી એવું જ થયું. યુસફ ૩૭ વર્ષના હતા ત્યારે તેમનાં સપનાં અદ્‍ભુત રીતે પૂરાં થવાં લાગ્યાં.—ઉત. ૩૭:૭, ૯, ૧૦; ૪૨:૬,.

૭. પહેલો પીતર ૫:૧૦ પ્રમાણે આપણને અન્યાય સહેવા ક્યાંથી મદદ મળશે?

આપણે શું શીખી શકીએ? યુસફના અહેવાલ પરથી ખબર પડે છે કે દુનિયાના લોકોમાં દયા-માયા જેવું કંઈ જ રહ્યું નથી અને તેઓ બહુ ક્રૂર છે. એટલે આપણે અન્યાય સહેવો પડી શકે છે. અરે, મંડળના કોઈ ભાઈ કે બહેન આપણી સાથે એવો વ્યવહાર કરી શકે. જો આપણે યહોવાને મજબૂત કિલ્લો અને ગઢ સમજીશું, તો હિંમત હારીશું નહિ અને તેમની સેવામાં લાગુ રહી શકીશું. (ગીત. ૬૨:૬, ૭; ૧ પીતર ૫:૧૦ વાંચો.) યાદ કરો, યુસફને યહોવા તરફથી સપના દેખાયા ત્યારે તે સત્તરેક વર્ષના હતા. એનાથી જોવા મળે છે કે યહોવાને યુવાન ભક્તો પર ખૂબ ભરોસો છે. આજે પણ ઘણા યુવાનો યુસફ જેવા છે. અમુક યુવાનો યહોવાને વફાદાર હોવાથી તેઓએ અન્યાય અને કેદની સજા સહેવાં પડ્યાં છે.—ગીત. ૧૧૦:૩.

નાઓમી અને રૂથ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો

૮. નાઓમી અને રૂથ સાથે શું બન્યું?

એક વાર યહુદામાં મોટો દુકાળ પડ્યો ત્યારે નાઓમી અને તેમનું કુટુંબ મોઆબ રહેવાં ગયાં. મોઆબમાં તેમના પતિ અલીમેલેખનું મરણ થયું. નાઓમી અને તેમના બે દીકરા એકલાં પડી ગયાં. સમય જતાં, તેમના દીકરાઓએ મોઆબી સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યા. તેઓનાં નામ ઓર્પાહ અને રૂથ હતાં. આશરે દસ વર્ષ પછી નાઓમીના બંને દીકરાઓનું મરણ થયું. તેઓને કોઈ બાળકો ન હતા. (રૂથ ૧:૧-૫) જરા વિચારો, એ ત્રણ સ્ત્રીઓ પર તો દુઃખોનો પહાડ તૂટી પડ્યો હશે. રૂથ અને ઓર્પાહ ફરી લગ્‍ન કરી શકતા હતા, પણ વૃદ્ધ નાઓમી વિશે શું? તેમનું ધ્યાન રાખે એવું કોઈ ન હતું. તે એટલા નિરાશ થઈ ગયાં કે તેમણે કહ્યું, “મને નાઓમી એટલે મીઠી ન કહો, મને તો મારા એટલે કડવી કહો; કેમ કે સર્વસમર્થે મારા પર ઘણી સખતાઈ ગુજારી છે.” નાઓમી એટલા પડી ભાંગ્યાં કે તેમણે બેથલેહેમ પાછા જવાનું નક્કી કર્યું અને રૂથ પણ તેમની સાથે ગઈ.—રૂથ ૧:૭, ૧૮-૨૦.

યહોવાએ નાઓમી અને રૂથને દિલાસો આપ્યો તો શું તે તમને દિલાસો નહિ આપે? (ફકરા ૮-૧૩ જુઓ) *

૯. રૂથ ૧:૧૬, ૧૭, ૨૨ પ્રમાણે રૂથે કઈ રીતે નાઓમીને દુઃખમાંથી બહાર આવવાં મદદ કરી?

નાઓમી કઈ રીતે એ દુઃખમાંથી બહાર આવી શક્યાં? યહોવા અને બીજા લોકોએ તેમને મદદ કરી અને તેમનો સાથ છોડ્યો નહિ. દાખલા તરીકે, રૂથ તેમની પડખે જ રહી. (રૂથ ૧:૧૬, ૧૭, ૨૨ વાંચો.) બેથલેહેમમાં રૂથે ખૂબ મહેનત કરી. તે પોતાના માટે અને નાઓમી માટે જવ વીણી લાવતી હતી. એનાથી લોકો જોઈ શક્યા કે તે નેકદિલ અને મહેનતુ હતી.—રૂથ ૩:૧૧; ૪:૧૫.

૧૦. યહોવાએ નાઓમી અને રૂથ જેવા ગરીબ લોકોનું કઈ રીતે ધ્યાન રાખ્યું?

૧૦ યહોવાએ નાઓમી અને રૂથ જેવા ગરીબ લોકો માટે ઇઝરાયેલીઓને એક નિયમ આપ્યો હતો. એ હતો કે જ્યારે ઇઝરાયેલીઓ ફસલ કાપે ત્યારે ગરીબો માટે ખેતરના ખૂણાના કણસલાં રહેવા દેવાનાં હતાં. (લેવી. ૧૯:૯, ૧૦) એ નિયમથી દેખાય આવતું હતું કે યહોવા દયાના સાગર છે. એ ગોઠવણને લીધે નાઓમી અને રૂથે કોઈની આગળ હાથ ફેલાવવાં ન પડ્યાં.

૧૧-૧૨. બોઆઝે નાઓમી અને રૂથ માટે શું કર્યું?

૧૧ રૂથ બોઆઝના ખેતરમાંથી જવ વીણતી હતી, જે એક ધનવાન વ્યક્તિ હતા. બોઆઝે જોયું કે રૂથ પોતાના સાસુને ખૂબ પ્રેમ કરતી અને તેમનું ધ્યાન રાખતી. એ વાત તેમના દિલને સ્પર્શી ગઈ. એટલે રૂથના કુટુંબને વારસામાં મળેલી જમીન તેમણે ખરીદી અને રૂથ સાથે લગ્‍ન કર્યા. (રૂથ ૪:૯-૧૩) તેઓને એક દીકરો થયો, જેનું નામ ઓબેદ રાખવામાં આવ્યું. ઓબેદ દાઊદ રાજાના દાદા હતા.—રૂથ ૪:૧૭.

૧૨ જ્યારે નાઓમીએ નાનકડા ઓબેદને ખોળામાં લીધો હશે ત્યારે તેમની આંખો ખુશીથી છલકાઈ ગઈ હશે! તેમણે યહોવાનો લાખોલાખ આભાર માન્યો હશે. નવી દુનિયામાં નાઓમી અને રૂથને ઉઠાડવામાં આવશે ત્યારે તેઓને બીજી પણ એક ખુશી મળશે. ઓબેદના વંશમાંથી વચન પ્રમાણેના મસીહ એટલે કે ઈસુ આવ્યા હતા, એ જાણીને તેઓની ખુશીનો પાર નહિ રહે.

૧૩. નાઓમી અને રૂથના અહેવાલથી આપણને શું શીખવા મળે છે?

૧૩ આપણે શું શીખી શકીએ? જ્યારે મુશ્કેલીઓના વાદળ છવાઈ જાય ત્યારે આપણે કદાચ નિરાશ થઈ જઈએ. અરે, આપણે અંદરથી ભાંગી પડીએ. આપણને આશાનું કોઈ કિરણ ન દેખાય. એવા સમયે આપણે પિતા યહોવા પર પૂરો ભરોસો રાખીએ અને આપણાં ભાઈ-બહેનોની નજીક રહીએ. ખરું કે, યહોવા આપણી બધી મુશ્કેલીઓ દૂર કરતા નથી. તેમણે નાઓમીના પતિ અને દીકરાઓને પાછા ઉઠાડ્યા ન હતા. જેમ તેમણે નાઓમીને મુશ્કેલીઓ સહેવા મદદ કરી તેમ આપણને પણ કરશે. યહોવા આપણાં ભાઈ-બહેનોને આપણી મદદ કરવા પ્રેરણા આપશે.—નીતિ. ૧૭:૧૭.

એક લેવી નિરાશ થઈ ગયા

ગીતશાસ્ત્ર ૭૩ના લેખકે જોયું કે યહોવાની ભક્તિ ન કરનાર લોકો ફૂલે-ફાલે છે ત્યારે તેમને ઈર્ષા થઈ. આપણાથી પણ એવું થઈ શકે છે (ફકરા ૧૪-૧૬ જુઓ)

૧૪. એક લેવી શા માટે નિરાશ થઈ ગયા?

૧૪ ચાલો હવે ગીતશાસ્ત્ર ૭૩ના લેખકની વાત કરીએ. તે એક લેવી હતા અને એવી જગ્યાએ સેવા કરતા જ્યાં યહોવાની ભક્તિ થતી હતી. એ અજોડ લહાવો હતો. તેમ છતાં, તે એક સમયે ખૂબ નિરાશ થઈ ગયા હતા. દુષ્ટ અને ઘમંડી લોકોને જોઈને તે ઈર્ષા કરવા લાગ્યા. એવું ન હતું કે તેમને પણ ખરાબ કામ કરવા હતા. તેમને થતું કે ખોટું કામ કરનારાઓ જીવનમાં સફળ થાય છે. એ જોઈને તેમને ઈર્ષા થવા લાગી. (ગીત. ૭૩:૨-૯, ૧૧-૧૪) એવું લાગતું કે એ લોકો તો એશઆરામથી જીવે છે, તેઓને કોઈ ચિંતા કે દુઃખ નથી. એ જોઈને ગીતશાસ્ત્રના લેખક એટલા નિરાશ થઈ ગયા કે તેમણે કહ્યું, ‘ખરેખર, મેં મારું હૃદય અમથું શુદ્ધ કર્યું છે, અને મેં મારા હાથ ખોટા નિર્દોષ રાખ્યા છે.’ જો તે નિરાશામાંથી બહાર આવ્યા ન હોત, તો કદાચ તેમણે યહોવાની ભક્તિ છોડી દીધી હોત.

૧૫. ગીતશાસ્ત્ર ૭૩:૧૬-૧૯, ૨૨-૨૫ પ્રમાણે એક લેવી કઈ રીતે નિરાશામાંથી બહાર આવી શક્યા?

૧૫ ગીતશાસ્ત્ર ૭૩:૧૬-૧૯, ૨૨-૨૫ વાંચો. લેવી “ઈશ્વરના પવિત્રસ્થાનમાં” ગયા અને બીજા ઈશ્વરભક્તોને મળ્યા. એટલે તે શાંતિથી વિચારી શક્યા અને તેમના મનને રાહત મળી. તેમણે પ્રાર્થનામાં યહોવા આગળ પોતાનું દિલ ઠાલવ્યું. પછી તેમને સમજાયું કે પોતે કેટલા ખોટા હતા. જો તે પોતાના વિચારો ન બદલે તો યહોવાથી દૂર જઈ શકે છે. તે જોઈ શક્યા કે દુષ્ટો તો “લપસણી જગામાં” છે અને તેઓનો જલદી “નાશ” થશે. જ્યારે તે યહોવા જેવું વિચારવા લાગ્યા ત્યારે તે ફરી નિરાશ થયા નહિ અને દુષ્ટોને જોઈને તેમણે ઈર્ષા કરી નહિ. તેમને મનની શાંતિ મળી અને તે ફરી ખુશ રહેવા લાગ્યા. તેમણે કહ્યું, ‘યહોવા વિના પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.’

૧૬. એક લેવીના અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ આપણે શું શીખી શકીએ? ભલે એવું લાગે કે દુષ્ટો ફૂલે-ફાલે છે, પણ આપણે તેઓની ઈર્ષા કરીએ નહિ. તેઓની ખુશી તો પળભરની છે અને તેઓને હંમેશ માટેના જીવનની આશા નથી. (સભા. ૮:૧૨, ૧૩) તેઓની ઈર્ષા કરીશું તો આપણે જ નિરાશ થઈ જઈશું અને યહોવાથી દૂર થઈ જઈશું. એટલે જ્યારે દુષ્ટોને જોઈને આપણને ઈર્ષા થાય ત્યારે શું કરવું જોઈએ? એ લેવીની જેમ યહોવાની સલાહ પાળીએ. જેઓ ઈશ્વરની મરજી પ્રમાણે ચાલે છે તેઓ સાથે હળી-મળીએ. જો આપણે સૌથી વધારે યહોવાને પ્રેમ કરીશું, તો જીવનમાં સાચી ખુશી મેળવી શકીશું. એમ કરીને આપણે ‘ખરા જીવનના’ માર્ગે ચાલતા રહી શકીશું.—૧ તિમો. ૬:૧૯.

પીતર પોતાની નબળાઈઓને લીધે નિરાશાના વાદળમાં ઘેરાઈ ગયા

નિરાશ હોવા છતાં પીતરે યહોવાની ભક્તિ કરવાનું છોડ્યું નહિ. તેમના દાખલા પર ધ્યાન આપવાથી આપણને નિરાશ ન થવા અને બીજાઓને હિંમત આપવા મદદ મળશે (ફકરા ૧૭-૧૯ જુઓ)

૧૭. પીતરે કઈ ભૂલો કરી જેના લીધે તે નિરાશ થઈ ગયા?

૧૭ પ્રેરિત પીતર ખૂબ જોશીલા હતા, પણ તે ઉતાવળિયા હતા. તે અમુક વાર વગર વિચાર્યે બોલતા કે કંઈ કરી બેસતા, પછી તેમને અફસોસ થતો. દાખલા તરીકે, એકવાર ઈસુએ શિષ્યોને કહ્યું કે તેમણે ખૂબ દુઃખ સહેવું પડશે અને તેમને મારી નાખવામાં આવશે. પીતરે તેમને ઠપકો આપતા કહ્યું, “તમને એવું કંઈ પણ નહિ થાય.” (માથ. ૧૬:૨૧-૨૩) ઈસુએ તેમના વિચારો સુધાર્યા. એક વખત ઈસુને પકડવા ટોળું આવ્યું ત્યારે પીતરે ઉતાવળમાં આવીને પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો. (યોહા. ૧૮:૧૦, ૧૧) ઈસુએ ફરી તેમના વિચારો સુધાર્યા. એક સમયે પીતર બડાઈ મારવા લાગ્યા કે ભલે બીજા શિષ્યો ઈસુને છોડીને ભાગી જાય પણ તે ક્યારેય ઈસુનો સાથ છોડશે નહિ. (માથ. ૨૬:૩૩) પણ એ જ રાતે માણસના ડરને લીધે તેમણે ઈસુને ઓળખવાનો ત્રણ વાર નકાર કર્યો. પછી તે ખૂબ નિરાશ થઈ ગયા અને ‘બહાર જઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા.’ (માથ. ૨૬:૬૯-૭૫) તેમણે વિચાર્યું હશે કે ઈસુ તો તેમને ક્યારેય માફ કરશે નહિ.

૧૮. પીતરને નિરાશામાંથી બહાર આવવા ઈસુએ કઈ રીતે મદદ કરી?

૧૮ પીતર નિરાશ થયા, પણ હિંમત હાર્યા નહિ. ઠોકર ખાધા પછી તે ઊભા થયા અને યહોવાની સેવામાં લાગુ રહ્યા. (યોહા. ૨૧:૧-૩; પ્રે.કા. ૧:૧૫, ૧૬) એ માટે તેમને ક્યાંથી મદદ મળી? પીતરે ભૂલ કરી એ અગાઉ ઈસુએ તેમના માટે પ્રાર્થના કરી હતી. તેમણે યહોવાને જણાવ્યું કે પીતર શ્રદ્ધા ગુમાવી ન બેસે માટે તેમને મદદ કરે. ઈસુએ પીતરને કહ્યું હતું કે તે પસ્તાવો કરીને પાછા આવે ત્યારે બીજા શિષ્યોની પણ હિંમત બંધાવે. પીતર માટે ઈસુએ દિલથી પ્રાર્થના કરી હતી, એનો યહોવાએ જવાબ આપ્યો. ઈસુ પાછા જીવતા થયા ત્યારે પીતરને દેખાયા હતા. એ સમયે ઈસુએ ચોક્કસ તેમને ઉત્તેજન આપ્યું હશે. (લુક ૨૨:૩૨; ૨૪:૩૩, ૩૪; ૧ કોરીં. ૧૫:૫) એકવાર આખી રાત મહેનત કરવા છતાં શિષ્યોને એક પણ માછલી મળી ન હતી. એ સમયે ઈસુ તેઓને દેખાયા ત્યારે શું થયું? તેમણે પીતરને એ સાબિત કરવાની તક આપી કે તે ઈસુને પ્રેમ કરે છે. ઈસુએ પોતાના વહાલા મિત્રને માફ કરી દીધા અને તેમને મહત્ત્વનાં કામ સોંપ્યા.—યોહા. ૨૧:૧૫-૧૭.

૧૯. આપણાથી ભૂલ થઈ જાય ત્યારે ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪ પ્રમાણે યહોવા શું કરે છે?

૧૯ આપણે શું શીખી શકીએ? ઈસુ જે રીતે પીતર સાથે વર્ત્યા એનાથી ખબર પડે છે કે પિતા યહોવાની જેમ ઈસુ દયાના સાગર છે. એટલે ભૂલો કરીએ ત્યારે એવું ન વિચારીએ કે યહોવા આપણને માફ કરશે નહિ. શેતાન તો એ જ ચાહે છે કે આપણે એવું વિચારીએ. પણ યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. યહોવા જાણે છે કે આપણે ધૂળના બનેલા છીએ. એટલે આપણાથી ભૂલ થઈ જાય ત્યારે તે માફ કરે છે. આપણા દિલને કોઈ ઠેસ પહોંચાડે તો આપણે પણ યહોવાની જેમ તેને માફ કરીએ.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪ વાંચો.

૨૦. હવે પછીના લેખમાં આપણે શું જોઈશું?

૨૦ યુસફ, નાઓમી, રૂથ, એક લેવી અને પ્રેરિત પીતરના દાખલામાંથી આપણને શીખવા મળે છે કે “આશાભંગ થએલાઓની પાસે યહોવા છે.” (ગીત. ૩૪:૧૮) ખરું કે યહોવા આપણી બધી મુશ્કેલીઓ દૂર કરતા નથી. એટલે આપણે કોઈક વાર નિરાશ થઈ જઈએ છીએ. પણ એ મુશ્કેલીઓ સહેવા તે આપણને મદદ કરે છે. એના લીધે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. (૧ પીત. ૧:૬, ૭) અમુક ઈશ્વરભક્તો પોતાની નબળાઈ કે અઘરા સંજોગોને લીધે નિરાશ થઈ જાય છે. હવે પછીના લેખમાં જોઈશું કે એવા ઈશ્વરભક્તોનું યહોવા કઈ રીતે ધ્યાન રાખે છે.

ગીત ૨૩ યહોવા મારો કિલ્લો

^ ફકરો. 5 યુસફ, નાઓમી, રૂથ, એક લેવી અને પ્રેરિત પીતર અમુક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં. એ સમયે તેઓ ખૂબ નિરાશ થઈ ગયાં હતાં. આ લેખમાં જોઈશું કે યહોવાએ કઈ રીતે તેઓને દિલાસો અને હિંમત આપ્યાં. એ પણ જોઈશું કે તેઓના દાખલામાંથી આપણે શું શીખી શકીએ. એટલું જ નહિ યહોવાએ તેમને પ્રેમથી મદદ કરી એમાંથી આપણે શું શીખી શકીએ એની પણ ચર્ચા કરીશું.

^ ફકરો. 56 ચિત્રની સમજ: નાઓમી, રૂથ અને ઓર્પાહ ખૂબ નિરાશ થઈ ગયાં હતાં. કારણ કે તેઓએ પોતાના પતિને ગુમાવ્યાં હતાં. ઓબેદનો જન્મ થયો ત્યારે નાઓમી, રૂથ અને બોઆઝની ખુશીનો પાર નહિ રહ્યો હોય.