સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫૨

નિરાશા સામે કઈ રીતે લડી શકીએ?

નિરાશા સામે કઈ રીતે લડી શકીએ?

“તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.”—ગીત. ૫૫:૨૨.

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

ઝલક *

૧. આપણે નિરાશ થઈએ ત્યારે શું થાય છે?

આપણા જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલીઓ આવે છે. એનો સામનો કરવા આપણે બનતું બધું કરીએ છીએ. આપણે જોયું હશે કે નિરાશ હોઈએ ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો અઘરું લાગે છે. નિરાશાની ભાવનાને લીધે આપણી હિંમત અને ભરોસો તૂટી જાય છે અને આપણી ખુશી છીનવાઈ જાય છે. નીતિવચનો ૨૪:૧૦માં લખ્યું છે: “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.” સાચું છે કે નિરાશ થઈએ ત્યારે આપણે નબળા પડી જઈએ છીએ અને મુશ્કેલીઓનો સામનો સારી રીતે કરી શકતા નથી.

૨. (ક) આપણે કયા કારણોને લીધે નિરાશ થઈએ છીએ? (ખ) આ લેખમાં આપણે શું જોઈશું?

આપણે ઘણાં કારણોને લીધે નિરાશ થઈએ છીએ. આપણી નબળાઈઓ, ભૂલો કે ખરાબ તબિયતને લીધે નિરાશ થઈએ છીએ. મનગમતી સોંપણી ન મળે અથવા લોકો સંદેશો ન સાંભળે ત્યારે આપણે નિરાશ થઈએ છીએ. આ લેખમાં જોઈશું કે નિરાશા પર કાબૂ મેળવવા કઈ કઈ બાબતો કરી શકીએ.

આપણામાં કોઈ નબળાઈ હોય ત્યારે

૩. પોતાને નકામા ન સમજવા આપણને ક્યાંથી મદદ મળે છે?

આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ અને આપણી અંદર અમુક નબળાઈઓ છે. એટલે થાય કે આપણે ખરાબ વ્યક્તિ છીએ અને યહોવા આપણને નવી દુનિયામાં જીવન આપશે નહિ. પણ એવું વિચારવું ખોટું છે. આપણી ભૂલો વિશે આપણે કેવું વિચારવું જોઈએ? બાઇબલમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત સિવાય બધા માણસોએ “પાપ કર્યું છે.” (રોમ. ૩:૨૩) યહોવાની નજર ફક્ત આપણી ભૂલો પર જ હોતી નથી. તે એવી પણ આશા રાખતા નથી કે આપણે કોઈ ભૂલો નહિ કરીએ. યહોવા આપણા પિતા છે અને તે આપણને ખૂબ પ્રેમ કરે છે. તે ધીરજ રાખે છે. તે જુએ છે કે પોતાની નબળાઈઓ પર કાબૂ મેળવવા આપણે કેટલી મહેનત કરી રહ્યા છીએ. એટલે યહોવા આપણને મદદનો હાથ લંબાવે છે, જેથી આપણે પોતાને નકામા ન સમજીએ.—રોમ. ૭:૧૮, ૧૯.

આપણે અગાઉ જે સારાં કામ કર્યાં હતાં અને આજે જે સારાં કામ કરીએ છીએ એ યહોવા જાણે છે (ફકરો ૫ જુઓ) *

૪-૫. પહેલો યોહાન ૩:૧૯, ૨૦માં આપેલી કઈ વાતથી એ બે બહેનોને હિંમત મળી?

ચાલો પંક્તિ અને આયુષીના * દાખલા પર વિચાર કરીએ. પંક્તિ નાની હતી ત્યારે કુટુંબના સભ્યો તેની સાથે પ્રેમથી ન વર્તતા અને તેને વાતેવાતે ઉતારી પાડતા. કોઈ તેના વખાણ કરતું નહિ. એટલે તે મોટી થઈ ત્યારે પોતાને નકામી સમજવા લાગી. તેનાથી કોઈ નાનકડી ભૂલ થઈ જાય ત્યારે તેને થતું કે પોતે કંઈ કામની નથી. આયુષી સાથે પણ એવું જ કંઈક બન્યું. સગા-વહાલાઓ તેનું વારેવારે અપમાન કરતા, એટલે તેને પોતાની જાત પર ખૂબ શરમ આવતી. સત્યમાં આવ્યા પછી તેને એવું લાગતું કે પોતે યહોવાની સાક્ષી તરીકે ઓળખાવવાને લાયક નથી.

પંક્તિ અને આયુષીએ યહોવાની ભક્તિ કરવાનું ન છોડ્યું. તેઓને શેનાથી હિંમત મળી? તેઓએ પ્રાર્થનામાં યહોવાને આજીજી કરી અને પોતાનું દિલ તેમની આગળ ઠાલવી દીધું. (ગીત. ૫૫:૨૨) તેઓ સમજી શકી કે યહોવા જાણે છે કે તેઓ પર જે વીત્યું છે, એના લીધે તેઓ પોતાને નકામા સમજે છે. ભલે આપણને પોતાનામાં સારા ગુણો ન દેખાય, પણ યહોવા એ ગુણો જોઈ શકે છે.—૧ યોહાન ૩:૧૯, ૨૦. વાંચો

૬. એક વ્યક્તિ મહેનત કરવા છતાં ફરીથી એ ભૂલ કરી બેસે ત્યારે તેને કેવું લાગી શકે?

એક વ્યક્તિ ખરાબ આદત છોડવા મહેનત કરે છે. પણ તે ફરીથી એ ભૂલ કરી બેસે ત્યારે ખૂબ નિરાશ થઈ જાય છે. ખરું કે એવા સમયે દોષની લાગણી થાય છે. (૨ કોરીં. ૭:૧૦) આપણે પોતાને વધુ પડતા દોષી માનીને એવું ન વિચારવું જોઈએ કે આપણે કંઈ કામના નથી અને યહોવા આપણને ક્યારેય માફ નહિ કરે. એવું વિચારીશું તો હિંમત હારી જઈશું અને યહોવાની સેવા કરવાનું છોડી દઈશું. નીતિવચનો ૨૪:૧૦માં જણાવ્યું છે કે જો આપણે નિરાશ થઈ જઈશું તો આપણી અંદર મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત નહિ રહે. એના બદલે આપણે પ્રાર્થનામાં યહોવા પાસે માફી માંગવી જોઈએ. આમ યહોવા સાથે વાત કરીને એનો હલ લાવવો જોઈએ. (યશા. ૧:૧૮) આપણે દિલથી પસ્તાવો કરીએ અને પોતાનામાં સુધારો કરવા મહેનત કરીએ તો, યહોવા એ જોશે અને આપણને માફ કરશે. પ્રાર્થના કરવાની સાથે સાથે આપણે એ વિશે વડીલોને પણ જણાવવું જોઈએ. તેઓ યહોવા સાથે આપણો સંબંધ સુધારવા મદદ કરશે.—યાકૂ. ૫:૧૪, ૧૫.

૭. નબળાઈઓ પર કાબૂ મેળવવા મહેનત કરીએ ત્યારે આપણે કેમ નિરાશ ન થવું જોઈએ?

જેઓ પોતાની નબળાઈઓ પર કાબૂ મેળવવા મહેનત કરે છે તેઓને ફ્રાંસના એક વડીલ શૉન-લુક કહે છે કે ‘યહોવાની નજરે નેક વ્યક્તિ કોણ છે? એવી વ્યક્તિ નહિ જે ભૂલો જ ન કરે, પણ એવી વ્યક્તિ જે પોતાની ભૂલ માટે માફી માંગે અને પોતાને બદલવાની કોશિશ કરે.’ (રોમ. ૭:૨૧-૨૫) તમે પોતાની નબળાઈઓ પર કાબૂ મેળવવા મહેનત કરતા હો તો પોતાને નકામા ગણશો નહિ. ભૂલીએ નહિ કે આપણામાંથી કોઈ પણ પોતાને યહોવાની આગળ નેક સાબિત કરી શકતા નથી. આપણે બધા ભૂલો કરીએ છીએ એટલે આપણને યહોવાની અપાર કૃપાની જરૂર છે. યહોવાએ ઈસુના બલિદાનની ગોઠવણ કરીને આપણા પર અપાર કૃપા બતાવી છે.—એફે. ૧:૭; ૧ યોહા. ૪:૧૦.

૮. આપણે નિરાશ થઈએ ત્યારે બીજા કોની મદદ લેવી જોઈએ?

આપણે ભાઈ-બહેનોની મદદ લઈ શકીએ છીએ. આપણું દિલ ભરાઈ આવે ત્યારે ભાઈ-બહેનો આગળ દિલ ઠાલવી દેવું જોઈએ. તેઓ આપણી વાત સાંભળશે અને હિંમત આપશે તો આપણને સારું લાગશે. (નીતિ. ૧૨:૨૫; ૧ થેસ્સા. ૫:૧૪) નાઇજીરિયાના જોયબેન નિરાશ અને દુઃખી રહેતાં હતાં. તે કહે છે, ‘ભાઈ-બહેનોની મદદથી જ હું દુઃખ સહી શકી છું. જો તેઓ ન હોત તો મારું શું થાત? યહોવાએ મારી પ્રાર્થના સાંભળી છે અને ભાઈ-બહેનો દ્વારા મને ઉત્તેજન આપ્યું છે. તેઓથી મને શીખવા મળ્યું છે કે હું કઈ રીતે નિરાશ લોકોને ઉત્તેજન આપી શકું.’ યાદ રાખીએ કે ભાઈ-બહેનો હંમેશાં જોઈ શકતાં નથી કે આપણને ક્યારે ઉત્તેજનની જરૂર છે. એટલે આપણે પોતે પહેલ કરવી પડશે. આપણે કોઈ અનુભવી ભાઈ કે બહેનની મદદ લેવી જોઈએ.

બીમારી આવે ત્યારે

૯. ગીતશાસ્ત્ર ૪૧:૩ અને ૯૪:૧૯માંથી આપણને કયું ઉત્તેજન મળે છે?

યહોવાની મદદ લઈએ. તબિયત સારી રહેતી ન હોય કે ગંભીર બીમારી હોય ત્યારે, આપણે સહેલાઈથી નિરાશ થઈ જઈએ છીએ. એવા સમયે યહોવા પાસે મદદ માંગીએ. ખરું કે તે ચમત્કાર કરીને આપણી બીમારી દૂર ન કરે, પણ આપણને દિલાસો આપશે અને એ સહેવાની તાકાત આપશે. (ગીતશાસ્ત્ર ૪૧:૩; ૯૪:૧૯ વાંચો.) દાખલા તરીકે, યહોવા ભાઈ-બહેનોને આપણા માટે કોઈ ખરીદી કે ઘરનું કામ કરવા પ્રેરણા આપે. તે કદાચ ભાઈ-બહેનોને આપણી સાથે પ્રાર્થના કરવા ઉત્તેજન આપે. યહોવા આપણને બાઇબલમાં લખેલી અમુક વાત યાદ અપાવે જેથી આપણને દિલાસો મળે. જેમ કે, નવી દુનિયામાં આપણને સૌથી સારું જીવન મળશે. એ સમયે બીમારી કે તકલીફો નહિ હોય.—રોમ. ૧૫:૪.

૧૦. ઇસાંગભાઈને નિરાશામાંથી બહાર આવવા શેનાથી મદદ મળી?

૧૦ ઇસાંગભાઈ નાઇજીરિયામાં રહે છે. અકસ્માતને લીધે તેમને લકવો થઈ ગયો. ડૉક્ટરે કહ્યું કે હવે તે ક્યારેય ચાલી શકશે નહિ. તે કહે છે, ‘એ સાંભળીને મારું દિલ તો સાવ ભાંગી પડ્યું.’ પણ તેમને નિરાશામાંથી બહાર આવવા શેનાથી મદદ મળી? તે જણાવે છે કે ‘મેં અને મારી પત્નીએ પ્રાર્થના કરવાનું અને બાઇબલ અભ્યાસ કરવાનું ન છોડ્યું. વધુમાં, અમે મનમાં ગાંઠ વાળી કે યહોવાએ અમને જે આશીર્વાદ આપ્યા છે એના પર વિચાર કરીશું. એટલું જ નહિ, નવી દુનિયામાં અમારું જીવન કેટલું સારું હશે એનો પણ વિચાર કરીશું.’

જે ભાઈ-બહેનો હરીફરી શકતાં નથી, તેઓ પણ કોઈને કોઈ રીતે સંદેશો જણાવવામાં ભાગ લઈ શકે છે અને ખુશી મેળવી શકે છે (ફકરા ૧૧-૧૩ જુઓ)

૧૧. બીમાર હોવા છતાં સિંડીબહેનને ક્યાંથી સંતોષ મળ્યો?

૧૧ સિંડીબહેન મેક્સિકોમાં રહે છે. તેમને ખબર પડી કે તેમને જીવલેણ બીમારી થઈ છે ત્યારે એ દુઃખ કઈ રીતે સહી શક્યાં? તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે તેમણે મનમાં નક્કી કર્યું કે હું દરરોજ કોઈકને તો સાક્ષી આપીશ જ. તે જણાવે છે: ‘બીજાઓને સાક્ષી આપવાથી ઑપરેશન પરથી મારું ધ્યાન હટાવી શકી. પોતાની પીડાનો વિચાર કરવાને બદલે બીજાઓ પર ધ્યાન આપવા લાગી. ડૉક્ટરો અને નર્સોને સાક્ષી આપવા મેં એક રીત વાપરી. તેઓ સાથે વાત કરતા પહેલાં હું તેઓના અને તેઓના કુટુંબના હાલચાલ પૂછતી. પછી તેમને પૂછતી કે આટલું અઘરું કામ હોવા છતાં તેમણે ડૉક્ટર કે નર્સ બનાવાનો નિર્ણય શા માટે લીધો. એવા સવાલ પૂછવાથી હું જાણી શકતી કે તેઓને કેવા વિષય પર વાત કરવી ગમશે. ઘણાં ડૉક્ટર કે નર્સે મને કહ્યું કે “અમને ક્યારેય કોઈએ આવું પૂછ્યું નથી કે, તમે કેમ છો.” હું તેમનો વિચાર કરું છું એ માટે ઘણાએ મારો આભાર માન્યો. અમુકે તો પોતાનું સરનામું અને ફોન નંબર આપ્યા. હું જાણતી હતી કે એ દિવસોમાં યહોવા ચોક્કસ મારી મદદ કરશે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા મનને આટલો સંતોષ મળશે.’—નીતિ. ૧૫:૧૫.

૧૨-૧૩. (ક) બીમાર કે વૃદ્ધ ભાઈ-બહેનો કઈ રીતે પ્રચાર કરે છે? (ખ) એનું કેવું પરિણામ આવે છે?

૧૨ અમુક ભાઈ-બહેનો બીમારીને લીધે કે હરીફરી શકતા ન હોવાથી પ્રચારમાં વધુ કરી શકતા નથી. એટલે તેઓ નિરાશ થઈ જાય છે. પણ ઘણાં ભાઈ-બહેનો એવી મુશ્કેલીઓ હોવા છતાં પ્રચારની બીજી રીતો શોધી કાઢે છે. અમેરિકાના લૉરેલબહેનને શ્વાસની બીમારી હતી. એટલે તેમણે શ્વાસ લેવા ૩૭ વર્ષ એક મશીનની અંદર રહેવું પડ્યું. તેમને કેન્સર થયું અને તેમનાં ઘણાં મોટાં ઑપરેશનો થયાં. તેમને ચામડીની અમુક બીમારીઓ થઈ ગઈ. આટલી બધી તકલીફો છતાં તેમણે પ્રચાર કરવાનું છોડ્યું નહિ. હૉસ્પિટલની નર્સ અને ત્યાંનો સ્ટાફ તેમના ઘરે આવતા ત્યારે તે સંદેશો જણાવવાની તક ઝડપી લેતાં. તેમણે આશરે ૧૭ લોકોને યહોવા વિશે શીખવા મદદ કરી હતી. *

૧૩ ફ્રાંસના રીચર્ડભાઈ વડીલ છે. તે એવાં ભાઈ-બહેનો માટે સૂચન આપે છે, જેઓ ઘરેથી કે વૃદ્ધાશ્રમથી બહાર નીકળી શકતા નથી. ભાઈ જણાવે છે: ‘તેઓ પોતાના ટેબલ પર મૅગેઝિન અને પત્રિકાઓ એ રીતે મૂકે જેથી લોકોનું ધ્યાન એના પર પડે. આવતા-જતા લોકો સાહિત્ય જોશે અને એના વિશે સામેથી પૂછશે. આ રીતે તેઓ સાક્ષી આપવાની તક ઝડપી શકે છે. હવે જે ભાઈ-બહેનો ઘર ઘરનું પ્રચારકામ કરી શકતા નથી તેઓ નિરાશ થશે નહિ.’ તેઓ પત્ર લખીને કે ફોન પર સાક્ષી આપી શકે છે.

મનગમતી સોંપણી ન મળે ત્યારે

૧૪. દાઉદના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

૧૪ વધતી જતી ઉંમર, બીમારી કે બીજા કોઈ કારણને લીધે આપણને યહોવાની સેવામાં મનગમતું કામ કે સોંપણી ન મળે ત્યારે, દાઉદ રાજા પાસેથી ઘણું શીખી શકીએ છીએ. તેમને યહોવાનું મંદિર બનાવવાનું ઘણું મન હતું, પણ એ કામ માટે યહોવાએ બીજા કોઈને પસંદ કર્યા હતા. એ વાત દાઊદને ખબર પડી ત્યારે તે નિરાશ થયા નહિ. એના બદલે, તેમણે મંદિર માટે ઘણું સોનું-ચાંદી દાન કર્યું. ખરેખર, દાઉદે કેટલો સરસ દાખલો બેસાડ્યો!—૨ શમૂ. ૭:૧૨, ૧૩; ૧ કાળ. ૨૯:૧, ૩-૫.

૧૫. ઓયગભાઈ કઈ રીતે નિરાશામાંથી બહાર આવ્યા?

૧૫ ફ્રાંસમાં રહેતા ઓયગભાઈ ખૂબ બીમાર થઈ ગયા. એટલે તેમણે વડીલની સોંપણી છોડી દીધી. તે એટલા બીમાર રહેતા કે પોતાનાં નાના-મોટા કામ પણ કરી શકતા ન હતા. તે લખે છે: ‘પહેલાં તો હું ખૂબ નિરાશ થઈ ગયો અને પોતાને નકામો સમજવા લાગ્યો. સમય જતાં, મેં બીમારી સાથે જીવવાનું શીખી લીધું અને યહોવાની સેવામાં હું જેટલું કરી શકતો હતો એનાથી ખુશ રહ્યો. મેં હિંમત ન હારવાનો નિર્ણય લીધો. મેં ગિદઓન અને તેમના ૩૦૦ માણસોનો વિચાર કર્યો. તેઓ થાકેલા હોવા છતાં હિંમતથી લડતા રહ્યા. હું પણ તેઓની જેમ હિંમતથી બીમારી સામે લડતો રહીશ.’—ન્યા. ૮:૪.

૧૬. સ્વર્ગદૂતોના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ વફાદાર સ્વર્ગદૂતોએ પણ આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. આહાબ રાજાના સમયમાં યહોવાએ સ્વર્ગદૂતોને પૂછ્યું કે આહાબને મૂર્ખ બનાવવા શું કરી શકાય. દૂતોએ અલગ અલગ સૂચનો આપ્યાં, પણ યહોવાએ એક દૂતનું સૂચન સ્વીકાર્યું. (૧ રાજા. ૨૨:૧૯-૨૨) શું એનાથી બાકીના દૂતો નિરાશ થઈ ગયા અને એવું વિચારવા લાગ્યા કે ‘અમારી મહેનત તો પાણીમાં ગઈ ને?’ ના, તેઓએ એવું વિચાર્યું નહિ. સ્વર્ગદૂતો ખરેખર નમ્ર છે અને તેઓ ચાહે છે કે બધો માન-મહિમા યહોવાને જાય.—ન્યા. ૧૩:૧૬-૧૮; પ્રકટી. ૧૯:૧૦.

૧૭. આજે આપણી પાસે જે સોંપણી છે એ કાલે ન પણ હોય ત્યારે શું કરવું જોઈએ?

૧૭ ભૂલીએ નહિ, યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવું અને તેમના રાજ્યનો સંદેશો ફેલાવવો એ આપણા માટે એક મોટો લહાવો છે. યહોવાની સેવામાં આજે આપણી પાસે જે સોંપણી છે એ કાલે ન પણ હોય. પણ આપણી સોંપણીને લીધે યહોવા આપણને કીમતી ગણતા નથી. જો નમ્ર હોઈશું તો યહોવા આપણને કીમતી ગણશે અને ભાઈ-બહેનો આપણને પ્રેમ કરશે. એટલે યહોવાને વિનંતી કરો કે નમ્ર રહેવા તમને મદદ કરે. બાઇબલમાં યહોવાના નમ્ર ભક્તો વિશે જે લખવામાં આવ્યું છે એના વિશે વિચાર કરીએ. ભાઈ-બહેનોની સેવા ખુશી ખુશી કરવા બનતું બધું કરીએ.—ગીત. ૧૩૮:૬; ૧ પીત. ૫:૫.

લોકો ખુશખબર ન સાંભળે ત્યારે

૧૮-૧૯. તમારા વિસ્તારમાં લોકો ખુશખબર ન સાંભળે ત્યારે ખુશી જાળવવા શું કરશો?

૧૮ તમારા વિસ્તારમાં લોકો ખુશખબર ન સાંભળે કે ઘરે ન મળે ત્યારે શું તમે નિરાશ થાઓ છો? એવા સમયે ઉત્સાહ જાળવી રાખવા અને ખુશ રહેવા તમે શું કરી શકો? ‘ ખુશખબર ફેલાવવાના કામમાં ખુશી જાળવી રાખવા માટેનાં સૂચનો’ બૉક્સ જુઓ. સેવાકાર્ય માટે યોગ્ય વલણ રાખવું ખૂબ જરૂરી છે. ચાલો જોઈએ કે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે?

૧૯ ભૂલીએ નહિ, આપણા પ્રચારકામનું મુખ્ય કારણ છે કે ઈશ્વરના નામ અને તેમના રાજ્ય વિશે જણાવવું. ઈસુએ સાફ જણાવ્યું હતું કે ફક્ત થોડા લોકો જ જીવનના રસ્તા પર ચાલવાનો નિર્ણય લેશે. (માથ. ૭:૧૩, ૧૪) જ્યારે સંદેશો ફેલાવીએ છીએ ત્યારે આપણી સાથે યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો પણ હોય છે, જે એક અનેરો લહાવો છે. (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ કોરીં. ૩:૯; પ્રકટી. ૧૪:૬, ૭) યહોવા યોગ્ય લોકોને પોતાની તરફ ખેંચે છે. (યોહા. ૬:૪૪) એટલે ભલે વ્યક્તિ આજે સંદેશો ન સાંભળે પણ બીજી વાર સાંભળી શકે છે.

૨૦. લોકો સંદેશો ન સાંભળે ત્યારે યર્મિયા ૨૦:૮, ૯માંથી કઈ મદદ મળે છે?

૨૦ આપણે પ્રબોધક યર્મિયા પાસેથી ઘણું શીખી શકીએ છીએ. તેમને એવો વિસ્તાર મળ્યો હતો, જ્યાં યહોવાનો સંદેશો જણાવવો ખૂબ અઘરું હતું. લોકો “આખો દિવસ” તેમનું અપમાન કરતા અને તેમની મજાક ઉડાવતા. (યર્મિયા ૨૦:૮, ૯ વાંચો.) તે એટલા નિરાશ થઈ ગયા કે તેમણે વિચાર્યું, પોતે સંદેશો જણાવવાનું પડતું મૂકશે. પણ તેમણે એવું કર્યું નહિ, કારણ કે “યહોવાનું વચન” તેમના દિલમાં અગ્‍નિની જેમ બળતું હતું. એટલે તે સંદેશો જણાવવાથી પોતાને રોકી શક્યા નહિ. દરરોજ બાઇબલ વાંચીશું અને એના પર મનન કરીશું તો આપણે પણ યર્મિયા જેવા બનીશું. આપણે એ કામ ખુશીથી કરી શકીશું અને બની શકે કે અમુક લોકો આપણો સંદેશો સાંભળે.—યર્મિ. ૧૫:૧૬.

૨૧. નિરાશા સામે જીત મેળવવા શું કરી શકો?

૨૧ પંક્તિ વિશે અગાઉ જોઈ ગયા હતા, તે કહે છે: ‘આપણે નિરાશ થઈ જઈએ ત્યારે શેતાન એ તકનો ફાયદો ઉઠાવવા માગે છે.’ શેતાનની યહોવા આગળ કોઈ વિસાત નથી. ભલે ગમે એ કારણના લીધે નિરાશ થઈ જાઓ યહોવાને તમે મદદ માટે કાલાવાલા કરો. તમારી ભૂલો કે નબળાઈઓ પર કાબૂ મેળવવા તે તમને મદદ કરશે. તમે બીમાર હશો ત્યારે પણ તે તમારો સાથ નહિ છોડે. તમારી સોંપણી અને સેવાકાર્ય માટે યોગ્ય વલણ રાખવા તે તમને મદદ કરશે. નિરાશ થાઓ ત્યારે તમારી બધી ચિંતા પિતા યહોવા આગળ ઠાલવી દો. તેમની મદદથી તમે નિરાશા સામે જીત મેળવી શકશો.

ગીત ૬ અમારી પ્રાર્થના

^ ફકરો. 5 આપણે બધા અમુક વાર નિરાશ થઈ જઈએ છીએ. આ લેખમાં જોઈશું કે આપણે નિરાશ થઈ જઈએ છીએ ત્યારે કઈ કઈ બાબતો કરી શકીએ. આપણે ચર્ચા કરીશું કે યહોવાની મદદથી એ લડાઈ સામે કઈ રીતે જીત મેળવી શકીએ.

^ ફકરો. 4 અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 12 ૨૨ જાન્યુઆરી ૧૯૯૩, સજાગ બનો! (અંગ્રેજી) મૅગેઝિનમાં લૉરેલબહેનની જીવન સફર આપવામાં આવી છે.

^ ફકરો. 69 ચિત્રની સમજ: એક બહેન થોડા સમય માટે નિરાશ થઈ ગઈ હતી. એટલે તેણે અગાઉ યહોવાની સેવામાં વિતાવેલી પળો યાદ કરી. તેણે યહોવાને પ્રાર્થના પણ કરી. તેને ભરોસો છે કે ભક્તિમાં અગાઉ અને આજે તેણે જે કર્યું છે, એ યહોવા ભૂલશે નહિ.