સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયાનો અંત ક્યારે આવશે?

દુનિયાનો અંત ક્યારે આવશે?

અગાઉના લેખમાં જોઈ ગયા તેમ ઈશ્વર દુનિયાનો અંત લાવશે. તે પૃથ્વીનો કે બધા જ મનુષ્યો નાશ નહિ કરે. પણ દુષ્ટ લોકો અને તેઓનાં કામોનો અંત લાવશે. તો સવાલ થાય દુનિયાનો અંત ક્યારે આવશે? એ વિશે શાસ્ત્ર શું જણાવે છે?

ઈસુએ દુનિયાના અંત વિશે આમ જણાવ્યું હતું:

“જાગતા રહો, કેમ કે તમે એ દિવસ કે ઘડી જાણતા નથી.”—માથ્થી ૨૫:૧૩.

“સાવધ રહો અને જાગતા રહો, કારણ કે તમે જાણતા નથી કે નક્કી કરેલો સમય ક્યારે આવશે.”—માર્ક ૧૩:૩૩.

ઈસુએ કહ્યું હતું કે દુનિયાનો અંત ક્યારે આવશે એ કોઈ નથી જાણતું. ફક્ત ઈશ્વર “એ દિવસ અને ઘડી” વિશે જાણે છે. (માથ્થી ૨૪:૩૬) શું એનો અર્થ એ થાય કે દુનિયાના અંત વિશે આપણે ક્યારેય નહિ જાણી શકીએ? ના, એવું જરાય નથી. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે અમુક બનાવો બને ત્યારે જાણજો કે દુનિયાનો અંત નજીક છે.

અંતની નિશાનીઓ

ઈસુએ અગાઉથી અમુક નિશાનીઓ આપી હતી, જેથી પારખી શકાય કે દુનિયાનો અંત આવતા પહેલાં શું બનશે. તેમણે કહ્યું હતું, “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે. એક પછી એક ઘણી જગ્યાએ દુકાળો પડશે અને ધરતીકંપો થશે.” (માથ્થી ૨૪:૩, ૭) તેમણે એ પણ જણાવ્યું હતું કે “રોગચાળો” ફેલાશે. (લૂક ૨૧:૧૧) શું આજના બનાવો પરથી તમને નથી લાગતું કે આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ?

આજે ઘણા દેશોમાં યુદ્ધો, ભૂખમરો, ભૂકંપ અને જાતજાતની બીમારીઓ ફેલાય રહી છે. દાખલા તરીકે, ૨૦૦૪માં હિંદ મહાસાગરમાં બહુ મોટો ભૂકંપ આવ્યો હતો. એના લીધે સુનામી આવી હતી, જેમાં આશરે બે લાખ ૨૫ હજાર લોકો મરી ગયા હતા. છેલ્લા ત્રણ  વર્ષ દરમિયાન, કોવિડ-૧૯ મહામારીને લીધે આશરે ૬૯ લાખથી પણ વધારે લોકોએ જીવન ગુમાવ્યું છે. એ બધાને લીધે લોકો ખૂબ ત્રાસી ગયા છે. ઈસુએ કહ્યું હતું એ બધું બને ત્યારે જાણજો કે આ દુષ્ટ દુનિયાનો અંત નજીક છે.

“છેલ્લા દિવસો”

આ દુનિયાના અંત પહેલાંના સમયગાળાને ઈશ્વરે “છેલ્લા દિવસો” કહ્યા છે. (૨ પિતર ૩:૩, ૪) ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં લોકો કેવા હશે. તેઓ સ્વાર્થી, જિદ્દી, લાલચુ, ક્રૂર અને પ્રેમભાવ વગરના હશે. (૨ તિમોથી ૩:૧-૫) શું આજે તમને આવા લોકો જોવા મળે છે? એ જ બતાવે છે કે દુનિયાનો અંત બહુ નજીક છે. (“ દુનિયાના અંત પહેલાં લોકો કેવા હશે?” નામનું બૉક્સ જુઓ.)

“છેલ્લા દિવસો” ક્યાં સુધી ચાલશે? શાસ્ત્ર જણાવે છે, “બસ થોડો જ સમય.” ઈશ્વર બહુ જલદી પૃથ્વીને નુકસાન કરનારા લોકોનો નાશ કરશે.—પ્રકટીકરણ ૧૧:૧૫-૧૮; ૧૨:૧૨.

જલદી જ પૃથ્વીની રોનક પાછી આવશે!

ઈશ્વરે નક્કી કરી દીધું છે કે તે કયા દિવસે અને કઈ ઘડીએ આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે. (માથ્થી ૨૪:૩૬) તે નથી ચાહતા કે કોઈનો નાશ થાય. (૨ પિતર ૩:૯) તે તો ચાહે છે કે બધાનું જીવન બચી જાય. લોકો એવા માહોલમાં જીવે જ્યાં સુખ જ સુખ હોય અને ઘડપણ, બીમારી કે દુઃખ તકલીફો ન હોય. એટલે ઈશ્વર તક આપે છે કે લોકો તેમને ઓળખે અને તેમના માર્ગે ચાલે.

ઈસુએ જણાવ્યું હતું, દુષ્ટ દુનિયાનો અંત આવે એ પહેલાં “આખી દુનિયામાં” ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવામાં આવશે. (માથ્થી ૨૪:૧૪) આજે યહોવાના સાક્ષીઓ આખી દુનિયામાં એ રાજ્યની ખુશખબર ફેલાવી રહ્યા છે. એ રાજ્ય ધરતી પર કેવા આશીર્વાદો લાવશે એ વિશે લોકોને શીખવે છે. એ શીખવવા સાક્ષીઓ અબજો કલાકો વિતાવે છે.

જલદી જ ઈશ્વર આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે. પછી એક માણસ બીજા માણસ પર કદી રાજ નહિ કરે. પૃથ્વી સુંદર બાગ જેવી બની જશે અને લોકો ખુશીથી ઝૂમી ઊઠશે. હવે પછીનો લેખ જણાવશે કે આવી સુંદર પૃથ્વી પર રહેવા આપણે શું કરવું જોઈએ.

ઈસુએ આપેલી ‘છેલ્લા દિવસોની’ નિશાનીથી ખાતરી મળે છે કે દુષ્ટ દુનિયાનો જલદી જ અંત આવશે