સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

અમે યહોવાને ક્યારેય ના પાડી નહિ

અમે યહોવાને ક્યારેય ના પાડી નહિ

તોફાનના કારણે નદીનું પાણી ડહોળાઈ ગયું હતું અને કાદવ-કીચડવાળું થઈ ગયું હતું. પાણીનું જોર એટલું હતું કે મોટા મોટા પથ્થરો પણ ખસી ગયા. પુલ પણ ધોવાઈને તૂટી ગયો હતો. હું અને મારા પતિ નદી કિનારે ઊભાં હતાં. અમારી સાથે એક ભાઈ પણ હતા જે એમિસ ભાષાના અનુવાદક હતા. અમે બહુ ડરી ગયાં હતાં અને સમજાતું ન હતું કે નદી કેવી રીતે પાર કરીએ. નદીના બીજા કિનારે ભાઈઓને પણ અમારી ચિંતા થઈ રહી હતી. નદી પાર કરવા અમે જેમતેમ કરીને ગાડી ટ્રકમાં ચડાવી. પણ ગાડીને બાંધવા અમારી પાસે દોરડું કે સાંકળ ન હતી. ટ્રક ધીમે ધીમે નદી પાર કરવા લાગી. એવું લાગતું હતું કે કિનારો બહુ જ દૂર છે. અમે સહીસલામત કિનારે પહોંચ્યા ત્યાં સુધી પ્રાર્થના કરતા રહ્યાં. આ ૧૯૭૧ની વાત છે. અમે ઘરેથી હજારો કિલોમીટર દૂર તાઇવાનના પૂર્વીય કિનારે હતાં. ચાલો શરૂઆતથી જણાવું કે અમે ત્યાં કઈ રીતે પહોંચ્યાં.

યહોવા માટે પ્રેમ કેળવવાનું શીખ્યાં

હાર્વી પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના એક નાનકડા શહેર મીડલેન્ડ જંકશનથી હતા. તે ચાર ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના કુટુંબને ૮૦ વર્ષ પહેલાં સત્ય મળ્યું હતું. એ સમયે ઑસ્ટ્રેલિયામાં ખૂબ ગરીબી હતી. હાર્વી ધીરે ધીરે યહોવા માટે પ્રેમ કેળવવાનું શીખ્યા અને ૧૪ વર્ષની ઉંમરે તેમણે બાપ્તિસ્મા લીધું. એકવાર કોઈ ભાઈએ સભામાં તેમને ચોકીબુરજ વાંચવા માટે કહ્યું. પણ તેમણે સાફ ના પાડી દીધી. તેમને લાગતું હતું કે તે સારી રીતે નહિ વાંચી શકે. ભાઈએ સમજાવ્યું, “યહોવાના સંગઠનમાં જ્યારે ભાઈઓ તમને કામ આપે ત્યારે, તેઓને ખાતરી હોય છે કે તમે એ કરી શકશો.” એ પછી હાર્વીએ ક્યારેય કોઈ સોંપણી માટે ના પાડી નહિ.—૨ કોરીં. ૩:૫.

૧૯૫૧માં અમારા લગ્‍નના દિવસે

હું ઇંગ્લૅન્ડની છું. મને, મારી મમ્મીને અને મારી મોટી બહેનને ત્યાં જ સત્ય મળ્યું હતું. મારા પપ્પા શરૂઆતમાં બહુ વિરોધ કરતા હતા. નવ વર્ષની ઉંમરે મેં બાપ્તિસ્મા લીધું ત્યારે પપ્પાને એ જરાય ગમ્યું નહીં. મારે પાયોનિયર સેવા કરવી હતી અને પછી મિશનરી બનવું હતું. પણ પપ્પાએ કહ્યું કે હું ૨૧ વર્ષની થાઉં પછી જે કરવું હોય એ કરી શકું. હું ૧૬ વર્ષની થઈ ત્યારે મોટી બેન પાસે ઑસ્ટ્રેલિયા જવા માટે મેં પપ્પાને પૂછ્યું અને તેમણે હા પાડી. આખરે ૧૮ વર્ષની ઉંમરે મેં પાયોનિયર સેવા શરૂ કરી. એના થોડા સમય પછી પપ્પાએ પણ સત્ય સ્વીકાર્યું. ઑસ્ટ્રેલિયામાં હું હાર્વીને મળી. તેમને પણ મારી જેમ મિશનરી બનવું હતું. ૧૯૫૧માં અમે લગ્‍ન કર્યાં. બે વર્ષ સાથે મળીને પાયોનિયર સેવા કરી. પછી મારા પતિને સરકીટ નિરીક્ષકની સોંપણી મળી. અમારે પશ્ચિમ ઑસ્ટ્રેલિયાનાં મંડળોની મુલાકાત લેવાની હતી, જે ખૂબ મોટો વિસ્તાર હતો. એક મંડળથી બીજા મંડળ જવા માટે અમારે કલાકોની મુસાફરી કરવી પડતી. એ માટે અમારે વેરાન અને ઉજ્જડ વિસ્તારોમાંથી જવાનું હતું.

અમારું સપનું પૂરું થયું

૧૯૫૫માં ન્યૂ યૉર્કના યાંકી સ્ટેડિયમમાં ગિલયડ સ્કૂલ પૂરી થયા પછી

૧૯૫૪માં ગિલયડ સ્કૂલના ૨૫મા વર્ગમાં જવાનું અમને આમંત્રણ મળ્યું. મિશનરી બનવાનું અમારું સપનું પૂરું થવાનું હતું. અમે વહાણથી ન્યૂ યૉર્ક પહોંચ્યાં. ગિલયડ સ્કૂલમાં અમે બાઇબલનો ઊંડો અભ્યાસ કર્યો. સ્કૂલમાં સ્પેનિશ ભાષા શીખવાની હતી. હાર્વી માટે સ્પેનિશ ભાષા શીખવી લોઢાના ચણા ચાવવા જેવું હતું. અરે, તેમને સ્પેનિશ બોલતા ફાવતું જ નહોતું.

કોર્સ દરમિયાન શિક્ષકોએ જણાવ્યું કે જે લોકો જાપાનમાં સેવા આપવા માંગે છે, તેઓ જાપાની ભાષા શીખવા નામ નોંધાવે. પણ અમે નામ નોંધાવ્યું નહિ. અમે ચાહતા હતા કે અમે ક્યાં સેવા આપીએ એ યહોવાનું સંગઠન નક્કી કરે. ગિલયડના એક શિક્ષક ભાઈ આલ્બર્ટ શ્રોડરને ખબર પડી કે અમે નામ નથી નોંધાવ્યું. તેમણે અમને કહ્યું, “તમે ચાહો તો વિચારવા વધારે સમય લઈ શકો છો.” તોપણ અમે નામ લખાવ્યું નહીં. આલ્બર્ટભાઈએ અમને કહ્યું, “મેં અને બીજા શિક્ષકોએ તમારું નામ લખાવી દીધું છે. જોઈ લો કદાચ તમને જાપાની ભાષા શીખવી સહેલી લાગે.” હાર્વી જાપાની ભાષા એકદમ સહેલાઈથી શીખી ગયા.

૧૯૫૫માં અમે જાપાન ગયા. એ સમયે આખા દેશમાં ફક્ત ૫૦૦ પ્રકાશકો હતા. હાર્વી ૨૬ વર્ષના હતા અને હું ૨૪ની. અમને કોબે શહેરમાં મોકલવામાં આવ્યાં, જ્યાં અમે ચાર વર્ષ સેવા આપી. હાર્વીને ફરી સરકીટ નિરીક્ષકની સોંપણી મળી. અમે ખુશી ખુશી નગોયા શહેરની આસપાસ સેવા આપી. અમને અમારી આ સોંપણીની બધી બાબતો ખૂબ ગમી. જેમ કે, અહીંનાં ભાઈ-બહેનો, અહીંનું ખાવાનું અને અહીંનાં કુદરતી દૃશ્યો. થોડા સમય પછી યહોવાની સેવા કરવાની અમને બીજી એક તક મળી, જેને અમે ના પાડી નહિ.

નવી સોંપણી, નવા પડકાર

૧૯૫૭માં જાપાનના કોબે શહેરમાં હું અને હાર્વી, પૂરા સમયના બીજા સેવકો સાથે

જાપાનમાં ત્રણ વર્ષ સરકીટ નિરીક્ષક તરીકે કામ કર્યાં પછી, શાખાએ પૂછ્યું કે શું અમે તાઇવાનમાં એમિસ જાતિના લોકોને પ્રચાર કરી શકીએ. એમિસ ભાષા બોલનારા અમુક ભાઈઓ મંડળ છોડીને સંગઠનની વિરુદ્ધ થઈ ગયા હતા. એ સંજોગોને હાથ ધરવા તાઇવાનની શાખા કચેરીને એવા ભાઈની જરૂર હતી, જે જાપાની સારી રીતે બોલી શકતા હોય. * જાપાનમાં સેવા આપવાની અમને ઘણી મજા આવતી હતી. એ સોંપણી છોડીને જવું અમારા માટે અઘરું હતું. હાર્વીએ ક્યારેય કોઈ સોંપણીને ના પાડી નથી, એટલે અમે જવા માટે તૈયાર થઈ ગયાં.

નવેમ્બર ૧૯૬૨માં અમે તાઇવાન પહોંચ્યાં. એ સમયે ત્યાં ૨,૨૭૧ પ્રકાશકો હતા અને મોટાભાગના એમિસ ભાષા બોલતા હતા. પણ પહેલા અમારે ચીની ભાષા શીખવી પડી. અમારી પાસે એક જ પુસ્તક હતું અને એક જ શિક્ષક, જેમને અંગ્રેજી આવડતું નહોતું. તેમ છતાં અમે ચીની ભાષા શીખ્યાં.

તાઇવાન પહોંચ્યાં પછી તરત જ હાર્વીને શાખા સેવક બનાવવામાં આવ્યા. એ શાખા ઘણી નાની હોવાથી, હાર્વી એક જ અઠવાડિયામાં તેમનું કામ પતાવી દેતા. બાકીનાં ત્રણ અઠવાડિયાં એમિસ ભાષા બોલતા ભાઈઓ સાથે પ્રચાર કરતા. કોઈક વાર તે ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે કામ કરતા અને સંમેલનોમાં પ્રવચન પણ આપતા. હાર્વીએ જાપાની ભાષામાં પ્રવચન આપ્યું હોત તો ત્યાંનાં ભાઈ-બહેનો સમજી ગયા હોત. પણ ત્યાંની સરકારનો નિયમ હતો કે ધાર્મિક સભાઓ ચીની ભાષામાં જ થવી જોઈએ. એટલે હાર્વીએ જેમતેમ કરીને ચીની ભાષામાં પ્રવચનો આપ્યાં અને એક ભાઈએ એમિસ ભાષામાં એનું ભાષાંતર કર્યું.

એ સમયે તાઇવાનમાં લશ્કરી શાસન હતું. એટલે સંમેલન રાખવા પોલીસ પાસે પરવાનગી લેવી પડતી. એ માટે ઘણા ધક્કા ખાવા પડતા. જો સંમેલનના અઠવાડિયા સુધી પોલીસ પરવાનગી ન આપે, તો હાર્વી પોલીસ સ્ટેશનમાં જઈને બેસી જતા અને ત્યાંથી હટતા નહિ. એક વિદેશીને પોલીસ સ્ટેશનમાં બેઠેલો જોઈને પોલીસવાળાઓને ઘણી શરમ આવતી. એટલે તેઓ પરવાનગી આપી દેતા. હાર્વીની એ ચાલ હંમેશાં કામ કરી જતી.

મારી પહેલી પર્વત ચઢાઈ

તાઇવાનમાં છીછરી નદી પાર કરીને પ્રચારમાં જતી વખતે

અમે ભાઈ-બહેનો સાથે પ્રચારમાં જતાં ત્યારે કલાકો સુધી ચાલતાં. અમે પર્વતો ચઢતાં અને નદીઓ પાર કરતા. મને આજે પણ એ દિવસ બરાબર યાદ છે જ્યારે મેં પહેલી વખત પર્વત પર ચઢાઈ કરી હતી. અમે સવારે વહેલાં નાસ્તો કરી લીધો અને દૂરના એક ગામડામાં જવાં માટે સાડા પાંચ વાગ્યાની બસ પકડી. અમે એક પહોળી નદી પાર કરી અને એક પર્વત પર ચઢાઈ કરી. એ એટલો ઊભા ઢોળાવનો હતો કે મારી આગળ ચઢનાર ભાઈના પગ મને મારી આંખો સામે દેખાતા હતા.

પર્વત ઉપર પહોંચ્યાં પછી હાર્વી અમુક ભાઈઓ સાથે પ્રચાર કરવા લાગ્યા. હું એકલી નાનકડા ગામમાં પ્રચાર કરવા લાગી. એ ગામમાં જાપાની ભાષા બોલતા લોકો રહેતા હતા. આશરે એક વાગે ભૂખના માર્યા મને ચક્કર આવવા લાગ્યા. હાર્વી મને મળ્યા ત્યારે એકલા જ હતા. હાર્વીએ પ્રચારમાં અમુક પત્રિકાઓ આપી હતી, જેના બદલામાં તેમને ત્રણ ઈંડાં મળ્યાં હતાં. તેમણે મને શીખવ્યું કે ઈંડાં કઈ રીતે ખાવા જોઈએ. તેમણે એક ઈંડામાં બંને બાજુ નાનાં કાણાં પાડી દીધાં. પછી ત્યાંથી એ ચૂસવા લાગ્યા. જોકે મને કાચું ઈંડું ખાવાનું ગમતું ન હતું, તોપણ મેં એ ખાઈ લીધું. હવે ત્રીજું ઈંડું કોણ ખાશે? મેં ખાધું. કારણ કે હાર્વીને લાગ્યું કે જો હું બેભાન ગઈ, તો મને ઊંચકીને નીચે લઈ જવામાં નાકે દમ આવી જશે.

નહાવા માટે જવું ક્યાં?

એક વાર અમે સરકીટ સંમેલન માટે ગયાં. ત્યાં કંઈક અજીબ થયું. અમે એક ભાઈના ઘરે રોકાયાં. તેમનું ઘર પ્રાર્થનાઘરની બિલકુલ બાજુમાં હતું. એમિસ લોકો નહાવાને ખૂબ જ મહત્ત્વનું ગણતા. સરકીટ નિરીક્ષકની પત્નીએ અમારા માટે નહાવાની બધી તૈયારી કરી આપી. હાર્વીને ઘણું કામ હતું એટલે તેમણે મને પહેલા નહાવા કહ્યું. હું ત્યાં ગઈ તો મેં જોયું કે એક ડોલમાં ઠંડું પાણી મૂક્યું હતું, બીજી ડોલમાં ગરમ અને જોડે એક ટબ મૂક્યું હતું. મને એ જોઈને ઘણી નવાઈ લાગી કે બહેને એ બધું ઘરની બહાર મૂક્યું હતું. બાજુમાં જ ભાઈઓ સંમેલનની તૈયારી કરી રહ્યા હતા. મેં બહેન પાસે એક પડદો માંગ્યો. તે તો આરપાર દેખાય એવું પ્લાસ્ટિક લઈને આવ્યાં. મેં વિચાર્યું ઘરની પાછળ જઈને નાહી લઉં. પણ ત્યાં એટલાં બધાં બતક હતાં કે જો એની નજીક જઈએ તો ચાંચ મારે. મારું મગજ તો ચકરાવે ચઢી ગયું. મને થયું, ‘બધા ભાઈઓ કામમાં એટલા મશગૂલ છે કે તેઓને કંઈ ખબર નહિ પડે. જો હું નહિ નહાઉં તો ભાઈ-બહેનોને ખરાબ લાગશે. ચલને નાહી જ લેવા દે ને.’ એમ વિચારીને મેં નાહી લીધું.

એમિસ જાતિના પહેરવેશમાં

એમિસ લોકો માટે સાહિત્ય

એમિસ ભાઈ-બહેનોની શ્રદ્ધા નબળી હતી, એનું કારણ હાર્વીને સમજાયું. એ ભાઈ-બહેનો ભણેલાં-ગણેલાં ન હતાં અને એમિસ ભાષામાં આપણું કોઈ સાહિત્ય ન હતું. એ સમયમાં એમિસ ભાષાની લિપિ તૈયાર થઈ. અમે એ ભાઈ-બહેનોને ભણાવવાનું નક્કી કર્યું. એ કામ સહેલું ન હતું, પણ અમારી મહેનત રંગ લાવી. ભાઈ-બહેનો વાંચતાં-લખતાં શીખ્યાં પછી જાતે યહોવા વિશે અભ્યાસ કરવા લાગ્યાં. આશરે ૧૯૬૬માં એમિસ ભાષામાં સાહિત્ય બહાર પડવાં લાગ્યું. પછી ૧૯૬૮થી ચોકીબુરજ પણ બહાર પડવા લાગ્યું.

સરકાર ચીની ભાષામાં જ સાહિત્ય છાપવાની પરવાનગી આપતી હતી. એટલે ભાઈ-બહેનોને એમિસ ભાષામાં ચોકીબુરજ પહોંચાડવા અમે અલગ અલગ રીતો વાપરી. જેમ કે, થોડા સમય માટે અમે ચોકીબુરજની પ્રતો એવી રીતે બહાર પાડી, જેમાં મેન્ડરીન અને એમિસ બંને ભાષામાં લેખ લખેલા હોય. કોઈ વધારે પૂછપરછ કરે તો કહેતા કે અમે એમિસ ભાષા બોલતા લોકોને ચીની શીખવી રહ્યા છીએ. એ સમયથી યહોવાનું સંગઠન સતત એમિસ ભાષામાં સાહિત્ય બહાર પાડી રહ્યું છે. એ સાહિત્યની મદદથી આપણાં ભાઈ-બહેનો બાઇબલનું સત્ય શીખી શકે છે.—પ્રે.કા. ૧૦:૩૪, ૩૫.

મંડળોને શુદ્ધ કરવામાં આવ્યાં

ઘણાં વર્ષો સુધી એમિસ ભાષાનાં ભાઈ-બહેનો ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલતાં ન હતાં. કારણ કે તેઓ બાઇબલના સિદ્ધાંતો સારી રીતે સમજી શક્યાં ન હતાં. તેઓમાંથી અમુક ખરાબ જીવન જીવતા હતા, વધુ પડતો દારૂ પીતા હતા, સોપારી કે તમાકુ ખાતા હતા. હાર્વી અલગ અલગ મંડળોમાં જતા અને ભાઈઓને મદદ કરતા. તેમણે ભાઈઓને એ સમજવા મદદ કરી કે એ વિશે યહોવા કેવું વિચારે છે. એક વાર એવા જ કામથી અમે કોઈ મંડળની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે, શરૂઆતમાં જેના વિશે કહ્યું એ બનાવ બન્યો હતો.

નમ્ર ભાઈ-બહેનોએ પોતાનાં જીવનમાં ફેરફાર કર્યા, પણ અમુકે એવું ન કર્યું. એના લીધે તાઇવાનમાં પ્રકાશકોની સંખ્યા ૨,૪૫૦થી ઘટીને ૯૦૦ થઈ ગઈ. એ જોઈને અમને ઘણું દુઃખ થયું. પણ અમે જાણતા હતા કે મંડળ શુદ્ધ હશે તો જ યહોવા આશીર્વાદ આપશે. (૨ કોરીં. ૭:૧) થોડા સમય પછી બધાં મંડળોમાં યહોવાની શુદ્ધ ભક્તિ થવા લાગી. એના લીધે યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો. આજે તાઇવાનમાં ૧૧,૦૦૦થી પણ વધારે પ્રકાશકો છે.

૧૯૮૦થી એમિસ ભાષાનાં મંડળોનાં ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત થતી ગઈ. એ સમયે હાર્વીને ચીની બોલતા ભાઈઓ સાથે પ્રચારમાં જવાનો વધુ મોકો મળ્યો. એવી ઘણી બહેનો હતી, જેઓના પતિ સત્યમાં ન હતા. તેઓને સત્ય શીખવવાનું હાર્વીને ખૂબ ગમતું. મને યાદ છે, એક બહેનના પતિએ પહેલી વાર યહોવાને પ્રાર્થના કરી ત્યારે હાર્વીનું દિલ ખુશીથી ઉભરાઈ ગયું હતું. મને પણ નમ્ર દિલના લોકોને યહોવા વિશે શીખવવાનું ખૂબ ગમતું હતું. હું તાઇવાન શાખામાં સેવા આપતી ત્યારે મારા એક વિદ્યાર્થીના દીકરા અને દીકરી સાથે કામ કરવાનો મોકો મળ્યો.

દુઃખદ બનાવ

૧ જાન્યુઆરી ૨૦૧૦ના દિવસે હાર્વીનું કેન્સરના લીધે મરણ થયું. મેં હાર્વી સાથે ૫૯ વર્ષ વિતાવ્યા. તેમણે લગભગ ૬૦ વર્ષ સુધી પૂરા સમયના સેવક તરીકે સેવા આપી. મને તેમની યાદ ખૂબ સતાવે છે. પણ એ વાતની ખુશી છે કે હાર્વી સાથે મને બે અદ્‍ભુત ભાષામાં સેવા આપવાનો મોકો મળ્યો. અમે એશિયાની બે મુશ્કેલ ભાષા શીખ્યા. અરે, હાર્વી તો એ લખવાનું પણ શીખ્યા.

હાર્વી ગુજરી ગયા એનાં આશરે ચાર વર્ષ પછી નિયામક જૂથે નક્કી કર્યું કે મારી વધતી ઉંમરને લીધે મારે ઑસ્ટ્રેલિયા પાછા જવું જોઈએ. પહેલા તો મેં વિચાર્યું, ‘હું તાઇવાન છોડીને નહિ જાઉં.’ પણ મને હાર્વી પાસેથી શીખવા મળ્યું હતું કે સંગઠન જ્યારે આપણને કંઈક કહે તો આપણે ક્યારેય ના પાડવી ન જોઈએ. પછીથી મને સમજાયું કે એ નિર્ણય કેટલો સારો હતો.

જાપાની અને ચીની ભાષામાં બેથેલની ટુર આપવામાં મને બહુ મજા આવે છે

આજે હું ઑસ્ટ્રેલિયા શાખા કચેરીમાં સેવા કરું છું. શનિવારે અને રવિવારે મંડળ સાથે પ્રચારમાં જાઉં છું. હું ચીની અને જાપાની ભાષા બોલનાર લોકોને બેથેલની ટૂર આપું છું. મને આ કામમાં બહુ મજા આવે છે. હું એ દિવસની કાગડોળે રાહ જોઉં છું જ્યારે યહોવા પોતાનું વચન પૂરું કરશે અને આપણા વહાલાઓને પાછા જીવતા કરશે. મને પાકી ખાતરી છે કે યહોવા પોતાના સેવક હાર્વીને પાછા જીવતા કરશે, જેમણે યહોવાને ક્યારેય ના પાડી નહિ.—યોહા. ૫:૨૮, ૨૯.

^ ફકરો. 13 આજે તાઇવાનની મુખ્ય ભાષા ચીની છે, પણ વર્ષોથી જાપાની તેઓની મુખ્ય ભાષા હતી. એટલે ત્યાંના ઘણા લોકો જાપાની ભાષા બોલતા હતા.