સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૭

મંડળમાં વડીલો પાસે કયો અધિકાર છે?

મંડળમાં વડીલો પાસે કયો અધિકાર છે?

“ખ્રિસ્ત પોતાના શરીર, એટલે કે મંડળના શિર અને ઉદ્ધાર કરનાર છે.”—એફે. ૫:૨૩.

ગીત ૩ ઈશ્વર પ્રેમ છે

ઝલક *

૧. યહોવાના કુટુંબમાં કેમ સંપ છે?

આપણે યહોવાના કુટુંબનો ભાગ છે, એ કેટલી ખુશીની વાત છે. આ કુટુંબમાં સંપ અને શાંતિ જોવા મળે છે. કયા કારણને લીધે એ શક્ય બન્યું છે? એક કારણ છે, યહોવાએ જેઓને અધિકાર આપ્યો છે, તેઓને માન આપવાનો આપણે પૂરો પ્રયત્ન કરીએ છીએ. યહોવાએ કરેલી એ ગોઠવણને સાથ આપીશું તો આપણી એકતામાં વધારો થશે.

૨. આ લેખમાં આપણે ક્યા સવાલોની ચર્ચા કરીશું?

આ લેખમાં આપણે શીખીશું કે યહોવાએ મંડળમાં કોને અધિકાર આપ્યો છે. આપણે આ સવાલો વિશે પણ ચર્ચા કરીશું: મંડળમાં યહોવાએ બહેનોને કયું કામ આપ્યું છે? શું મંડળના ભાઈઓ બધી બહેનોના શિર છે? કુટુંબમાં શિર પાસે જેવો અધિકાર છે, શું એવો જ અધિકાર મંડળના વડીલો પાસે પણ છે? સૌથી પહેલા, ચાલો જોઈએ કે મંડળની બહેનો સાથે આપણે કઈ રીતે વર્તવું જોઈએ.

આપણે મંડળની બહેનો સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

૩. ઈશ્વરભક્ત બહેનો માટે આપણે કઈ રીતે કદર વધારી શકીએ?

આપણી બહેનો ખૂબ મહેનત કરે છે. તેઓ પરિવારનું ધ્યાન રાખે છે, પ્રચાર કરે છે અને ભાઈ-બહેનોની પણ મદદ કરે છે. આપણે આવી બહેનોની દિલથી કદર કરીએ છીએ. યહોવા અને ઈસુ એ બહેનોની ખૂબ કદર કરે છે. જો આપણે પણ તેમના જેવું વિચારીશું, તો આપણે પણ બહેનો માટે કદર વધારી શકીશું. આપણે પ્રેરિત પાઉલ પાસેથી પણ શીખી શકીએ કે બહેનો સાથે કઈ રીતે વર્તવું જોઈએ.

૪. બાઇબલમાંથી કઈ રીતે ખબર પડે છે કે યહોવાની નજરે સ્ત્રીઓ અને પુરુષો બંને કિંમતી છે?

બાઇબલમાં બતાવ્યું છે કે યહોવાની નજરે સ્ત્રીઓ અને પુરુષો બંને કીમતી છે. દાખલા તરીકે, પ્રથમ સદીમાં યહોવાએ સ્ત્રીઓ અને પુરુષો બંનેને પવિત્ર શક્તિનું દાન આપ્યું હતું. એટલે તેઓ ચમત્કારો કરી શક્યા, જેમ કે તેઓ અલગ અલગ ભાષા બોલી શકીએ. (પ્રે.કા. ૨:૧-૪, ૧૫-૧૮) યહોવાએ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા સ્ત્રીઓ અને પુરુષોને બંનેને મોકો આપ્યો છે. (ગલા. ૩:૨૬-૨૯) હંમેશ માટેના જીવનનું ઈનામ પણ બંનેને આપ્યું છે. (પ્રકટી. ૭:૯, ૧૦, ૧૩-૧૫) ખુશખબર ફેલાવવાનો લહાવો પણ બંનેને આપવામાં આવ્યો છે. (માથ. ૨૮:૧૯, ૨૦) પ્રેરિતોના કામ પુસ્તકમાં પ્રિસ્કીલાબહેન વિશે જણાવ્યું છે. તેમણે પોતાના પતિ આકુલા સાથે મળીને આપોલસને મદદ કરી, જે ઘણા ભણેલા-ગણેલા હતા. તેઓએ સાથે મળીને આપોલસને શાસ્ત્રની સારી સમજણ આપી હતી.—પ્રે.કા. ૧૮:૨૪-૨૬.

૫. લૂક ૧૦:૩૮, ૩૯, ૪૨માંથી કઈ રીતે જાણી શકાય કે ઈસુ સ્ત્રીઓને આદર આપતા હતા?

ઈસુ સ્ત્રીઓને આદર આપતા. ઈસુના સમયમાં ફરોશીઓ સ્ત્રીઓને જરાય માન ન આપતા, તેઓને સાવ ઊતરતી ગણતા. બીજાઓ આગળ તેઓ સાથે વાત ન કરતા. શાસ્ત્રમાંથી તો તેઓને કંઈ શીખવતા નહિ. પણ ઈસુ અને ફરોશીઓમાં આભ-જમીનનો ફરક હતો. ઈસુએ જે રીતે પુરુષોને શીખવ્યું, એ જ રીતે સ્ત્રીઓને પણ શીખવ્યું. * (લૂક ૧૦:૩૮, ૩૯, ૪૨ વાંચો.) ઈસુ જ્યારે અલગ અલગ જગ્યાએ પ્રચારમાં જતા, ત્યારે સ્ત્રીઓ પણ તેમની સાથે જતી. (લૂક ૮:૧-૩) ઈસુ મરણમાંથી પાછા ઊઠ્યા ત્યારે સૌથી પહેલા સ્ત્રીઓને દેખાયા હતા. તેમણે સ્ત્રીઓને લહાવો આપ્યો કે તેમના પાછા જીવતા થવાનો સંદેશો તેમના શિષ્યોને જણાવે.—યોહા. ૨૦:૧૬-૧૮.

૬. શા પરથી કહી શકાય કે પાઉલ સ્ત્રીઓનો આદર કરતા હતા?

પ્રેરિત પાઉલે સ્ત્રીઓનો આદર કરવાની તિમોથીને સલાહ આપી. પાઉલે તિમોથીને કહ્યું કે, “વૃદ્ધ સ્ત્રીઓને મા ગણીને અને યુવાન સ્ત્રીઓને બહેન ગણીને” તેઓ સાથે વર્તે. (૧ તિમો. ૫:૧, ૨) ખરું કે, તિમોથીને શ્રદ્ધામાં મજબૂત થવા પાઉલે મદદ કરી હતી. પણ પાઉલ માનતા હતા કે તિમોથીને “પવિત્ર લખાણો” શીખવવામાં તેમની મા અને નાનીએ ઘણી મહેનત કરી હતી. (૨ તિમો. ૧:૫; ૩:૧૪, ૧૫) પાઉલે રોમનોને પત્ર લખ્યો ત્યારે તેમણે બહેનોના નામ લઈને તેઓને યાદ મોકલી હતી. એ બહેનોએ ભક્તિમાં ઘણાં કામ કર્યાં હતાં. તેઓની મહેનત પાઉલે યાદ રાખી અને એ માટે તેઓના વખાણ પણ કર્યા.—રોમ. ૧૬:૧-૪, ૬, ૧૨; ફિલિ. ૪:૩.

૭. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

આપણે જોઈ ગયા કે બાઇબલમાં ક્યાંય જણાવ્યું નથી કે સ્ત્રીઓ પુરુષો કરતાં ઊતરતી છે. તેઓ તો મંડળ માટે ભેટ સમાન છે. તેઓ મંડળમાં શાંતિ અને સંપ જાળવવા વડીલોને મદદ કરે છે. તેમ છતાં, આપણા મનમાં અમુક સવાલો થઈ શકે. શા માટે યહોવાએ અમુક સંજોગોમાં બહેનોને માથું ઓઢવાનું કહ્યું છે? જો ભાઈઓને મંડળમાં વડીલો અને સહાયક સેવકો બનાવવામાં આવતા હોય, તો શું એનો અર્થ એવો થાય કે ભાઈઓ બધી બહેનોના શિર છે?

શું મંડળના ભાઈઓ બધી બહેનોના શિર છે?

૮. એફેસીઓ ૫:૨૩ પ્રમાણે શું મંડળના ભાઈઓ બધી બહેનોના શિર છે?

શું મંડળના ભાઈઓ બધી બહેનોના શિર છે? ના. તેઓના શિર ઈસુ છે. (એફેસીઓ ૫:૨૩ વાંચો.) એક કુટુંબમાં પત્ની શિર પતિ હોય છે. દીકરાએ બાપ્તિસ્મા લીધું હોય તોપણ તે પોતાની માનું શિર ગણતો નથી. (એફે. ૬:૧, ૨) મંડળમાં વડીલોને ભાઈ-બહેનો પર અમુક અધિકાર આપવામાં આવ્યો છે. (૧ થેસ્સા. ૫:૧૨; હિબ્રૂ. ૧૩:૧૭) જો કોઈ કુંવારા બહેન પોતાનાં મમ્મી-પપ્પા સાથે ન રહેતા હોય, તો તેમના શિર કોણ ગણાય? તે પોતાનાં મમ્મી-પપ્પા અને વડીલોને માન આપે છે, પણ તેમના શિર ઈસુ છે.

જે કુંવારાં ભાઈ-બહેનો પોતાનાં માતા-પિતા સાથે નથી રહેતાં, તેઓના શિર ઈસુ છે (ફકરો ૮ જુઓ)

૯. કયા સંજોગોમાં બહેનોએ માથે ઓઢવું જોઈએ?

યહોવાએ ઈસુને પુરુષોના શિર તરીકે નીમ્યા છે, જેથી મંડળમાં બધું સારી રીતે ચાલે. મંડળમાં આગેવાની લેવાની જવાબદારી બહેનોને નહિ પણ ભાઈઓને સોંપી છે. (૧ તિમો. ૨:૧૨) આમ મંડળમાં બધા કામ સારી રીતે પાર પડી શકે છે. અમુક સંજોગોમાં ભાઈઓનું કામ બહેનોએ કરવું પડે છે. એ સમયે યહોવા ચાહે છે કે બહેનો માથે ઓઢે. * (૧ કોરીં. ૧૧:૪-૭) એ રીતે બહેનો ભાઈઓ માટે આદર બતાવે છે. યહોવાની આ ગોઠવણ બહેનોના અપમાન માટે નથી. પણ સવાલ થાય કે કુટુંબના શિર અને વડીલો પાસે કેટલો અધિકાર છે?

શું કુટુંબના શિર અને વડીલોના અધિકાર વચ્ચે કોઈ ફરક છે?

૧૦. કયા કારણને લીધે કોઈ વડીલને ભાઈ-બહેનો માટે નિયમો બનાવવાનું મન થાય?

૧૦ વડીલો ઈસુને પ્રેમ કરે છે. વડીલો એ “ઘેટાંને” પણ પ્રેમ કરે છે, જેઓની સંભાળ રાખવાની જવાબદારી યહોવા અને ઈસુએ તેઓને આપી છે. (યોહા. ૨૧:૧૫-૧૭) કોઈ વડીલને મંડળનાં ભાઈ-બહેનો માટે ખૂબ લાગણી હોય શકે. તે કદાચ વિચારે કે પોતે એક પિતાની જેમ તેઓની સંભાળ રાખે. કુટુંબનું શિર કુટુંબને જોખમોથી બચાવવા નિયમો બતાવે છે. કદાચ એ વડીલ પણ મંડળનાં ભાઈ-બહેનોને જોખમોથી બચાવવા નિયમો બનાવવાનું વિચારે. અમુક ભાઈ-બહેનો તો પોતાના માટે નિર્ણયો લેવાનું વડીલોને કહે. પણ શું કુટુંબના શિર જેવો અધિકાર વડીલો પાસે પણ હોય છે?

વડીલો મંડળને યહોવાની નજીક રહેવા અને તેમના પ્રેમનો અનુભવ કરવા મદદ કરે છે. જેઓ પાપ કરીને પસ્તાવો કરતા નથી, તેઓને મંડળમાંથી બહાર કાઢવાની જવાબદારી વડીલોની છે (ફકરા ૧૧-૧૨ જુઓ)

૧૧. કુટુંબના શિર અને વડીલોના અધિકાર કઈ રીતે અમુક હદે સરખા છે?

૧૧ પાઉલના શબ્દો પરથી ખબર પડે છે કે વડીલો અને કુટુંબના શિરના અધિકાર અમુક હદે સરખા છે. (૧ તિમો. ૩:૪, ૫) દાખલા તરીકે, યહોવા ઇચ્છે છે કે કુટુંબના લોકો શિરની વાત માને અને તેમને આધીન રહે. (કોલો. ૩:૨૦) એ જ રીતે, તે ચાહે છે કે ભાઈ-બહેનો મંડળના વડીલોની વાત માને. કુટુંબના લોકોનો સંબંધ યહોવા સાથે મજબૂત બનાવવા કુટુંબનું શિર તેઓને મદદ કરે છે. એમ કરીને તે તેઓ માટે પ્રેમ બતાવે છે. વડીલો પણ ભાઈ-બહેનો માટે એવું જ કરે છે. કુટુંબના શિરની જેમ મુશ્કેલ સમયોમાં વડીલો ભાઈ-બહેનોને મદદ કરે છે. (યાકૂ. ૨:૧૫-૧૭) યહોવા એ પણ ચાહે છે કે કુટુંબનું શિર અને વડીલો ધ્યાન રાખે કે તેમને આધીન રહેનારા લોકો યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલે. પણ યહોવા ચાહે છે કે કુટુંબનું શિર અને વડીલો બાઇબલમાં ‘જે લખેલું છે એની ઉપરવટ ન જાય.’—૧ કોરીં. ૪:૬.

કુટુંબના શિરને કુટુંબ માટે નિર્ણયો લેવાનો અધિકાર યહોવાએ આપ્યો છે, પણ એ નિર્ણય લેતા પહેલા તે પત્ની સાથે વાત કરશે (ફકરો ૧૩ જુઓ)

૧૨-૧૩. રોમનો ૭:૨ પ્રમાણે કુટુંબના શિર અને વડીલોના અધિકારમાં શું ફરક છે?

૧૨ કુટુંબના શિર અને મંડળના વડીલોની જવાબદારીમાં ફરક પણ છે. જો કોઈ વ્યક્તિ ગંભીર પાપ કરે, તો તેનો ન્યાય કરવાની જવાબદારી યહોવાએ વડીલોને સોંપી છે, કુટુંબના શિરને નહિ. જો એ વ્યક્તિ પસ્તાવો ન કરે તો વડીલો તેને મંડળમાંથી કાઢી શકે છે.—૧ કોરીં. ૫:૧૧-૧૩.

૧૩ યહોવાએ કુટુંબના શિરને અમુક એવા અધિકાર આપ્યા છે, જે વડીલોને આપ્યા નથી. દાખલા તરીકે, કુટુંબના સભ્યો માટે નિયમો બનાવવાનો અધિકાર કુટુંબના શિર પાસે છે. (રોમનો ૭:૨ વાંચો.) તે એ પણ ધ્યાન રાખશે કે કુટુંબના સભ્યો એ નિયમો પાળે. તે કદાચ બાળકોને ઘરે કેટલા વાગે પાછા ફરવું, એ માટે નિયમ બનાવે. જો બાળકો એ નિયમ ન પાળે, તો તેઓને સજા આપવાનો અધિકાર પણ છે. (એફે. ૬:૧) એક પ્રેમાળ શિર કોઈ પણ નિયમ બનાવતા પહેલા પોતાની પત્ની સાથે ચર્ચા કરશે, કેમ કે તેઓ “એક શરીર” છે. *માથ. ૧૯:૬.

મંડળના શિર ઈસુને માન આપીએ

ઈસુ યહોવાને આધીન રહીને બધાં મંડળોને માર્ગદર્શન આપે છે (ફકરો ૧૪ જુઓ)

૧૪. (ક) માર્ક ૧૦:૪૫ પ્રમાણે યહોવાએ કેમ ઈસુને મંડળના શિર બનાવ્યા છે? (ખ) નિયામક જૂથ પાસે કઈ જવાબદારી છે? (“ નિયામક જૂથની જવાબદારી” બૉક્સ જુઓ.)

૧૪ યહોવાએ મંડળના દરેક વ્યક્તિને જ નહિ, પણ દરેક મનુષ્યને પોતાના દીકરાના બલિદાનથી ખરીદ્યા છે. ઈસુએ આપણા બધા માટે પોતાનો જીવ આપી દીધો છે. (માર્ક ૧૦:૪૫ વાંચો; પ્રે.કા. ૨૦:૨૮; ૧ કોરીં. ૧૫:૨૧, ૨૨) એટલે યહોવાએ તેમને મંડળના શિર બનાવ્યા છે. ઈસુ મંડળના શિર હોવાથી તેમની પાસે અધિકાર છે કે તે દરેક વ્યક્તિ માટે, કુટુંબ માટે અને આખા મંડળ માટે નિયમો બનાવે. (ગલા. ૬:૨) તે એ વાતનું પણ ધ્યાન રાખે છે કે બધા એ નિયમો પાળે. પણ ઈસુ બસ નિયમો જ નથી બનાવતા, તે દરેક વ્યક્તિને ખૂબ પ્રેમ કરે છે અને તેની સંભાળ રાખે છે.—એફે. ૫:૨૯.

૧૫-૧૬. માર્લીબહેન અને બેન્જામીનભાઈએ જે કહ્યું એના પરથી શું શીખી શકીએ?

૧૫ જવાબદાર ભાઈઓને આધીન રહીને બહેનો ઈસુનો આદર કરે છે. અમેરિકામાં રહેતા માર્લીબહેન કહે છે કે “હું એક પત્ની અને મંડળની બહેન તરીકે જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરું છું. ખરું કે, કોઈક વખત પતિને અને મંડળના વડીલોને આધીન રહેવું મારા માટે અઘરું થઈ જાય છે. પણ જ્યારે તેઓ મારી સાથે આદરથી વર્તે છે અને મારા સારા કામની પ્રશંસા કરે છે, ત્યારે તેઓને આધીન રહેવું સહેલું બને છે.” મોટાભાગની બહેનોનું પણ એવું જ માનવું છે.

૧૬ મંડળના ભાઈઓ જ્યારે બહેનોને આદર આપે છે, ત્યારે તેઓ ઈશ્વર પાસેથી મળેલા અધિકારની કદર કરે છે. ઇંગ્લૅન્ડમાં રહેતા બેન્જામીનભાઈ કહે છે, “બહેનો સભાઓમાં ખૂબ સારા જવાબો આપે છે, તેઓ સારી રીતે પ્રચાર કરે છે, સરસ અભ્યાસ ચલાવે છે. આવી બાબતોમાં તેઓના સૂચનો ખૂબ સારા હોય છે. મને એનાથી ઘણું શીખવા મળે છે. મને લાગે છે કે મંડળમાં તેઓ જે કંઈ કરે છે એ ખૂબ મહત્ત્વનું છે.”

૧૭. જેઓને અધિકાર આપ્યો છે, તેઓને આધીન રહેવાથી કયો ફાયદો થશે?

૧૭ મંડળમાં સ્ત્રી, પુરુષ, કુટુંબના શિર અને વડીલોએ એક વાત સમજવી જોઈએ. એ છે કે યહોવાએ તેઓ પર કોઈને અધિકાર આપ્યો છે. તેઓ જ્યારે એ અધિકારને આધીન રહે છે, ત્યારે મંડળમાં સંપ-શાંતિ જળવાય છે. સૌથી મહત્ત્વનું તો એમ કરીને તેઓ યહોવાને મહિમા આપે છે.—ગીત. ૧૫૦:૬.

ગીત ૪૩ જાગતા રહીએ

^ ફકરો. 5 મંડળમાં યહોવાએ બહેનોને કયું કામ આપ્યું છે? શું મંડળમાં ભાઈઓ બધી બહેનોના શિર છે. કુટુંબમાં શિર પાસે જેવો અધિકાર છે, શું એવો જ અધિકાર મંડળના વડીલો પાસે પણ છે? આ લેખમાં એ સવાલોના જવાબ બાઇબલમાંથી જોઈશું.

^ ફકરો. 5 સપ્ટેમ્બર ૨૦૨૦ના ચોકીબુરજમાં “ઈશ્વરભક્ત બહેનોને સાથ આપીએ” લેખનો ફકરો ૬ જુઓ.

^ ફકરો. 13 ઑગસ્ટ ૨૦૨૦ના ચોકીબુરજમાં આ લેખ જુઓ: “મંડળમાં દરેકને માન આપીએ.” એ લેખના ફકરા ૧૭-૧૯માં જણાવ્યું છે કે કુટુંબ કયા મંડળમાં જશે એ વિશે નિર્ણય લેવાનો અધિકાર કોને છે.

^ ફકરો. 64 નિયામક જૂથના કામકાજ વિશે વધુ જાણવા જુલાઈ ૧૫, ૨૦૧૩ના ચોકીબુરજના પાન ૨૦-૨૫ જુઓ.