સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૩

યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરે છે?

યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરે છે?

“યહોવા વિશ્વાસુ ભક્તોની રક્ષા કરે છે.”—ગીત. ૩૧:૨૩.

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

ઝલક *

૧. ઈસુએ શિષ્યોના રક્ષણ માટે કેમ વિનંતી કરી?

ઈસુ શિષ્યોને ખૂબ પ્રેમ કરતા હતા. પૃથ્વી પર તેમની છેલ્લી રાતે તેમણે પિતા યહોવાને ‘શેતાનથી શિષ્યોનું રક્ષણ કરવાની વિનંતી કરી.’ (યોહા. ૧૭:૧૪, ૧૫) ઈસુ જાણતા હતા કે તેમના મરણ પછી શેતાન શિષ્યો પર મુશ્કેલીઓ લાવશે. તે એવા બધા લોકોને સતાવશે, જેઓ યહોવાની ભક્તિ કરવા માંગે છે. એવા સમયે તેઓને રક્ષણની જરૂર પડશે.

૨. આપણે કેમ ખાતરી રાખી શકીએ કે યહોવા આપણી પ્રાર્થના સાંભળશે?

યહોવા ઈસુને ખૂબ પ્રેમ કરતા હતા. એટલે તેમણે ઈસુની પ્રાર્થના સાંભળી. જો આપણે પણ ઈસુની જેમ યહોવાના દિલને ખુશ કરીશું, તો તે આપણને પણ ખૂબ પ્રેમ કરશે. આપણે પ્રાર્થનામાં મદદ માંગીશું અથવા રક્ષણ માંગીશું તો તે આપણી પ્રાર્થના સાંભળશે. યહોવા એક પ્રેમાળ પિતા છે. તેમને પોતાનાં બાળકોની ખૂબ ચિંતા છે. જો તે આપણી સંભાળ નહિ રાખે, આપણું રક્ષણ નહિ કરે, તો તેમના નામની બદનામી થશે.

૩. આપણને યહોવાના રક્ષણની કેમ જરૂર છે?

આજે આપણને યહોવાના રક્ષણની ખૂબ વધારે જરૂર છે, કેમ કે શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે અને તે ખૂબ “ગુસ્સે ભરાયો છે.” (પ્રકટી. ૧૨:૧૨) આખી દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે. તેણે લોકોના મન આંધળા કરી નાખ્યા છે. એટલે તેઓ ઈશ્વરભક્તોને સતાવે છે ત્યારે, તેઓને લાગે છે કે તેઓ “ઈશ્વરની પવિત્ર સેવા” કરી રહ્યા છે. (યોહા. ૧૬:૨) બીજા અમુક લોકો એટલે આપણને નફરત કરે છે, કેમ કે આપણે તેઓના રીતરિવાજો પ્રમાણે ચાલતા નથી. લોકો આપણને કોઈ પણ કારણે સતાવતા હોય, આપણે તેઓથી જરાય ડરવાની જરૂર નથી, કેમ કે યહોવાએ વચન આપ્યું છે કે તે ઈસુ દ્વારા ‘આપણને દૃઢ કરશે અને શેતાનથી આપણું રક્ષણ કરશે.’ (૨ થેસ્સા. ૩:૩) પણ યહોવા આજે કઈ રીતે આપણું રક્ષણ કરે છે? ચાલો એની બે રીતો જોઈએ.

યહોવાએ આપેલાં હથિયારો

૪. એફેસીઓ ૬:૧૩-૧૭ પ્રમાણે યહોવાએ આપણા રક્ષણ માટે શું આપ્યું છે?

યહોવાએ આપણી રક્ષા માટે ઘણાં હથિયારો આપ્યાં છે, જેની મદદથી આપણે શેતાનના હુમલાથી બચી શકીશું. (એફેસીઓ ૬:૧૩-૧૭ વાંચો.) પોતાનું રક્ષણ કરવા એ હથિયારોને હંમેશાં પહેરી રાખીએ અને એનો ઉપયોગ કરીએ. ચાલો જોઈએ કે દરેક હથિયારનો શું મતલબ છે.

૫. (ક) સત્યનો પટ્ટો શાને રજૂ કરે છે? (ખ) આપણે કેમ એને પહેરવો જોઈએ?

સત્યનો પટ્ટો. એ બાઇબલમાં આપેલાં સત્ય છે. આપણે કમર પર સત્યનો પટ્ટો કેમ પહેરવો જોઈએ? કારણ કે શેતાન જૂઠો અને “જૂઠાનો બાપ” છે. (યોહા. ૮:૪૪) તે વર્ષોથી “આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.” (પ્રકટી. ૧૨:૯) આપણને બાઇબલનાં સત્ય ખબર હશે તો શેતાનના ફાંદામાં ફસાઈશું નહિ. આપણે કઈ રીતે કમર પર સત્યનો પટ્ટો પહેરી શકીએ? યહોવા વિશેનું સત્ય શીખીએ, “પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી” તેમની ભક્તિ કરીએ અને આપણા દરેક કામમાં વફાદાર રહીએ.—યોહા. ૪:૨૪; એફે. ૪:૨૫; હિબ્રૂ. ૧૩:૧૮.

પટ્ટો: બાઇબલમાં આપેલાં સત્ય

૬. (ક) નેકીનું બખ્તર શું છે? (ખ) આપણે એ કેમ પહેરવું જોઈએ?

નેકીનું બખ્તર. એ યહોવાનાં નેક ધોરણોને રજૂ કરે છે. આપણે કેમ નેકીનું બખ્તર પહેરી લેવું જોઈએ. યુદ્ધમાં બખ્તરથી સૈનિકના હૃદયનું રક્ષણ થાય છે. એવી જ રીતે, નેકીનું બખ્તર આપણા દિલની લાગણીઓનું રક્ષણ કરે છે. (નીતિ. ૪:૨૩) યહોવા ચાહે છે કે આપણે પૂરા દિલથી તેમને પ્રેમ કરીએ અને તેમની સેવા કરીએ. (માથ. ૨૨:૩૬, ૩૭) પણ શેતાન ચાહતો નથી કે આપણે પૂરા દિલથી યહોવાની સેવા કરીએ. એટલે તે પ્રયત્ન કરે છે કે આપણે દુનિયાની વસ્તુઓને પ્રેમ કરીએ અને એવા કામ કરીએ, જે યહોવાને પસંદ નથી. (યાકૂ. ૪:૪; ૧ યોહા. ૨:૧૫, ૧૬) જો તેની આ ચાલ સફળ ન થાય, તો તે આપણને ડરાવે ધમકાવે છે, જેથી આપણે યહોવાનાં ધોરણો પાળવાનું પડતું મૂકીએ.

બખ્તર: યહોવાના નેક ધોરણો

૭. નેકીનું બખ્તર પહેરી રાખવું કેમ જરૂરી છે?

જ્યારે આપણે યહોવાનાં નેક ધોરણો પ્રમાણે ચાલીએ છીએ, ત્યારે જાણે આપણે નેકીનું બખ્તર પહેરીએ છીએ. (ગીત. ૯૭:૧૦) પણ અમુક લોકો કહેશે કે યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવું તો બહુ અઘરું છે. એમાં કોઈ આઝાદી નથી, એ તો બહુ ભારે છે. પણ જરા વિચારો, કોઈ સૈનિકને બખ્તરનો ભાર લાગતો હોય અને તે યુદ્ધમાં બખ્તર કાઢી નાખે તો શું થશે? તેનું જીવન જોખમમાં આવી જશે, ખરું ને! એવી જ રીતે, જો આપણે યહોવાનાં નેક ધોરણો પ્રમાણે નહિ ચાલીએ, તો જીવન ખતરામાં આવી જશે. પણ જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓને યહોવાની આજ્ઞાઓ ભારે નથી લાગતી. તેઓ જાણે છે કે એ પાળવાથી તેઓનું જીવન બચી શકે છે.—૧ યોહા. ૫:૩.

૮. ખુશખબર જણાવવા તૈયાર હોય એવા જોડા પહેરવાનો શો અર્થ થાય?

ખુશખબર જણાવવા તૈયાર હોય એવા જોડા. એનો અર્થ થાય કે આપણે હંમેશાં ખુશખબર જણાવવા તૈયાર રહેવું જોઈએ. એનાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. એટલે તક મળે ત્યારે બીજાઓને ખુશખબર જણાવવાનું ચૂકીએ નહિ. જેમ કે, નોકરીની જગ્યાએ, સ્કૂલમાં, વેપાર વિસ્તારમાં, ઘરઘરના પ્રચારકામમાં, ખરીદી કરતી વખતે, સગાં-વહાલાંને, ઓળખીતાઓને અને ઘરેથી નીકળવું શક્ય ન હોય ત્યારે ખુશખબર જણાવતા રહીએ. જો આપણે ગભરાઈ જઈને ખુશખબર ફેલાવવાનું છોડી દઈશું, તો એવા સૈનિક જેવા બનીશું જેણે યુદ્ધના મેદાનમાં જોડા ઉતારી દીધા છે. જો તે જોડા ઉતારી દેશે તો એનાથી તેને ઈજા પહોંચશે અને તે સેનાપતિના હુકમનું પાલન નહિ કરી શકે.

જોડા: ખુશખબર જણાવવા હંમેશાં તૈયાર

૯. આપણે શ્રદ્ધાની મોટી ઢાલ કેમ સાથે રાખવી જોઈએ?

શ્રદ્ધાની મોટી ઢાલ. એ યહોવા અને તેમણે આપેલાં વચનો પર આપણી શ્રદ્ધાને રજૂ કરે છે. આપણે શા માટે શ્રદ્ધાની એ મોટી ઢાલ સાથે રાખવી જોઈએ? કારણ કે એનાથી આપણે ‘શેતાનનાં સળગતાં બધાં તીર હોલવી શકીશું.’ અમુક લોકો મંડળ છોડીને હવે બાઇબલના શિક્ષણમાં ભેળસેળ કરે છે. શ્રદ્ધાની ઢાલ એવા શિક્ષણથી આપણું રક્ષણ કરશે. લોકો આપણી મજાક ઉડાવે ત્યારે શ્રદ્ધા આપણને નિરાશ નહિ થવા દે. એના લીધે જે ખરું છે, એ કરવાની આપણને હિંમત મળે છે. દાખલા તરીકે, કામની જગ્યાએ કે સ્કૂલમાં આપણી માન્યતા વિશે લોકોને જણાવી શકીએ છીએ. (૧ પિત. ૩:૧૫) આપણે એવી નોકરી સ્વીકારવાથી બચીએ છીએ, જેમાં પગાર તો ઘણો મળે છે, પણ પ્રચારમાં અને સભામાં જઈ શકતા નથી. (હિબ્રૂ. ૧૩:૫, ૬) જ્યારે પણ આપણો વિરોધ થાય, ત્યારે આપણે યહોવાની સેવામાં લાગુ રહી શકીએ છીએ. આમ, કોઈ સાચો નિર્ણય લઈએ છીએ અથવા ખરું કરીએ છીએ ત્યારે શ્રદ્ધા આપણું રક્ષણ કરે છે.—૧ થેસ્સા. ૨:૨.

ઢાલ: યહોવા અને તેમનાં વચનો પર આપણી શ્રદ્ધા

૧૦. (ક) ઉદ્ધારનો ટોપ એટલે શું? (ખ) એને આપણે કેમ પહેરવો જોઈએ?

૧૦ ઉદ્ધારનો ટોપ. એ એવી આશા છે, જે યહોવા પોતાના વફાદાર ભક્તોને ઇનામમાં આપે છે. જો તેઓનું મોત પણ થાય, તો યહોવા તેઓને પાછા ઉઠાડશે. (૧ થેસ્સા. ૫:૮; ૧ તિમો. ૪:૧૦; તિત. ૧:૧, ૨) જેમ ટોપથી એક સૈનિકના માથાનું રક્ષણ થાય છે, એવી જ રીતે આશાથી આપણા મનના વિચારોનું રક્ષણ થાય છે. એ આશાને લીધે આપણે મુશ્કેલીઓ વિશે વધુ પડતું વિચારતા નથી. પણ ઈશ્વરે આપેલાં વચનો પર વિચારીએ છીએ. આપણે ઉદ્ધારનો ટોપ કઈ રીતે પહેરી શકીએ? એ માટે આપણે પોતાના વિચારોને યહોવાના વિચારો પ્રમાણે ઢાળવા જોઈએ. દાખલા તરીકે, આપણે પૈસા પર આશા રાખવી ન જોઈએ, કારણ કે પૈસા તો હાથનો મેલ છે, આવે છે ને જાય છે. પણ આપણી આશા તો ફક્ત ઈશ્વર યહોવા પર છે.—ગીત. ૨૬:૨; ૧૦૪:૩૪; ૧ તિમો. ૬:૧૭.

ટોપ: હંમેશ માટેના જીવનની આશા

૧૧. (ક) પવિત્ર શક્તિની તલવાર એટલે શું? (ખ) આપણને એની કેમ જરૂર છે?

૧૧ પવિત્ર શક્તિની તલવાર. એ ઈશ્વરના વચન બાઇબલને રજૂ કરે છે. એમાં એટલી તાકાત છે કે એ જૂઠાણાંને ખુલ્લાં પાડી શકે છે. એ આપણને જૂઠા શિક્ષણ અને ખરાબ આદતોથી પણ આઝાદ કરી શકે છે. (૨ કોરીં. ૧૦:૪, ૫; ૨ તિમો. ૩:૧૬, ૧૭; હિબ્રૂ. ૪:૧૨) એ તલવારને સારી રીતે ચલાવવા ક્યાંથી મદદ મળી શકે? બાઇબલનો અભ્યાસ કરીએ અને સંગઠન દ્વારા મળતી તાલીમ લઈએ. (૨ તિમો. ૨:૧૫) એ બધાં હથિયારો સિવાય યહોવા બીજી એક રીતે પણ આપણું રક્ષણ કરે છે. ચાલો જોઈએ કઈ રીતે.

તલવાર: ઈશ્વરનું વચન, બાઇબલ

આ લડાઈમાં આપણે એકલા નથી

૧૨. યહોવાએ આપણને બીજું શું આપ્યું છે અને કેમ?

૧૨ એક સૈનિક ભલે ગમે એટલો તાકતવર હોય, તે એકલા હાથે એક સેના સામે યુદ્ધ કરી શકતો નથી. તેને બીજા સૈનિકોની મદદની જરૂર પડે છે. એવી જ રીતે, આપણે એકલા હાથે શેતાન અને તેના સાથીદારો સામે લડી શકતા નથી. આપણને ભાઈ-બહેનોની મદદની જરૂર પડશે. એટલે યહોવાએ આપણને દુનિયા ફરતે ભાઈ-બહેનો આપ્યાં છે.—૧ પિત. ૨:૧૭.

૧૩. હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ પ્રમાણે કરવાથી શું ફાયદો થશે?

૧૩ સભામાં જવાથી ઘણા ફાયદા થાય છે. આપણે સભામાં જઈએ છીએ ત્યારે બીજાઓ પાસેથી ઉત્તેજન મેળવી શકીએ છીએ. (હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો.) ઘણી વાર આપણે નિરાશ હોઈએ, પણ સભામાં જઈએ ત્યારે આપણું મન એકદમ ખુશ થઈ જાય છે. સભામાં ભાઈ-બહેનોના જવાબો સાંભળીને આપણી હિંમત વધે છે. પ્રવચનો, દૃશ્ય અને અનુભવોથી યહોવાની સેવા કરવા આપણો જોશ વધે છે. સભા પહેલાં અને પછી ભાઈ-બહેનો સાથે વાત કરીને આપણને ઘણું ઉત્તેજન મળે છે. (૧ થેસ્સા. ૫:૧૪) સભામાં જવાથી બીજાઓને મદદ કરવાનો પણ મોકો મળે છે. એનાથી પણ આપણને ખુશી મળે છે. (પ્રે.કા. ૨૦:૩૫; રોમ. ૧:૧૧, ૧૨) જરા વિચારો, સભામાં જઈને આપણે પ્રચાર કરવાની આવડત ચમકાવી શકીએ છીએ. જેમ કે, શીખવવાનાં સાધનો વિભાગમાં આપેલાં વીડિયો અને સાહિત્યનો વધારે સારો ઉપયોગ કરવાનું શીખી શકીએ છીએ. એટલે સભાની સારી તૈયારી કરીશું તો વધારે ફાયદો થશે. સભામાં જઈએ ત્યારે પોતાનું મન તૈયાર કરીએ, જેથી ત્યાં ધ્યાનથી સાંભળી શકીએ અને શીખેલી વાતો લાગુ પાડી શકીએ. એવું કરીશું તો આપણે “ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક” બની શકીશું.—૨ તિમો. ૨:૩.

૧૪. યહોવા કઈ રીતે આપણી મદદ કરે છે?

૧૪ આપણને સાથ આપવા શક્તિશાળી દૂતો પણ છે. યાદ કરો, એક દૂતે એક જ રાતમાં ૧,૮૫,૦૦૦ લોકોને મારી નાખ્યા હતા. (યશા. ૩૭:૩૬) જો એક દૂત આટલું કરી શકતો હોય, તો વિચારો દૂતોની સેના શું ન કરી શકે! માણસો કે દુષ્ટ દૂતોની યહોવા સામે શું વિસાત! યહોવા એટલા શક્તિશાળી છે કે તેમની તોલે કોઈ ન આવી શકે. યહોવા આપણી સાથે છે, એટલે ભલેને દુશ્મનો રેતીના કણ જેટલા હોય, યહોવા તેઓને ધૂળ ભેગા કરી દેશે. (ન્યા. ૬:૧૬) સાથે કામ કરતા કે ભણતા લોકો કે પછી સત્યમાં ન હોય એવાં સગા-વહાલાઓ આપણી મજાક ઉડાવે ત્યારે ડરીએ નહિ. યાદ રાખીએ કે આપણે એકલા નથી. આપણી સાથે યહોવા છે. જો આપણે તેમની સલાહ પાળીશું તો તે હંમેશાં આપણો સાથ નિભાવશે.

યહોવા હંમેશાં આપણું રક્ષણ કરશે?

૧૫. શેતાન અને તેના સાથીદારો આપણને કેમ ખુશખબર ફેલાવતા રોકી નહિ શકે?

૧૫ શેતાનની દુનિયા ઘણાં બધાં કારણોને લીધે આપણને નફરત કરે છે. આપણે રાજકારણ અને યુદ્ધમાં ભાગ નથી લેતા. આપણે લોકોને જણાવીએ છીએ કે આ વિશ્વના માલિક યહોવા છે. ફક્ત તેમનું જ રાજ્ય આ દુનિયામાં સુખ-શાંતિ લાવશે. આપણે ઈશ્વરનાં નેક ધોરણો પ્રમાણે ચાલીએ છીએ. આપણે લોકોને જણાવીએ છીએ કે શેતાન ખૂની છે અને જૂઠાનો બાપ છે. (યોહા. ૮:૪૪) આ દુષ્ટ દુનિયાનો બહુ જ જલદી નાશ થશે. એના કારણે શેતાન અને તેના સાથીદારો આપણો વિરોધ કરે છે. પણ આપણે મનમાં ગાંઠ વાળી છે કે આપણે યહોવાની સેવા કરતા રહીશું. શેતાન ઘણો શક્તિશાળી છે, પણ આખી દુનિયામાં ખુશખબર ફેલાવવાથી તે આપણને રોકી શકતો નથી. કારણ કે યહોવા આપણી સાથે છે, તે આપણું રક્ષણ કરે છે.—યશાયા ૫૪:૧૫, ૧૭ વાંચો.

૧૬. મોટી વિપત્તિ દરમિયાન યહોવા શું કરશે?

૧૬ બહુ જલદી જ શું બનવાનું છે? મોટી વિપત્તિ દરમિયાન યહોવા બે ખાસ રીતોએ પોતાના લોકોને બચાવશે. એક, યહોવા સરકારો દ્વારા મહાન બાબેલોન, એટલે કે જૂઠા ધર્મોનો નાશ કરશે ત્યારે પોતાના વફાદાર લોકોને બચાવશે. (પ્રકટી. ૧૭:૧૬-૧૮; ૧૮:૨, ૪) બે, યહોવા જ્યારે આર્માગેદનની લડાઈમાં શેતાનની બાકીની દુષ્ટ દુનિયાનો નાશ કરશે ત્યારે પોતાના લોકોનો બચાવ કરશે.—પ્રકટી. ૭:૯, ૧૦; ૧૬:૧૪, ૧૬.

૧૭. યહોવાની નજીક રહેવું કેમ જરૂરી છે?

૧૭ જો આપણે યહોવાની નજીક રહીશું, તો શેતાન આપણો વાળ પણ વાંકો નહિ કરી શકે. હકીકતમાં, યહોવા કાયમ માટે શેતાનનો નાશ કરી દેશે. (રોમ. ૧૬:૨૦) પણ એ સમય સુધી યહોવાએ આપેલા બધાં હથિયાર પહેરી લઈએ અને એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ! આપણે એકલા એકલા લડાઈ ન લડીએ, પણ ભાઈ-બહેનોની મદદ લઈએ. આ લડાઈમાં તેઓને પણ મદદ કરીએ. યહોવાએ આપેલી બધી સલાહ પાળીએ. એમ કરીશું તો પ્રેમાળ પિતા યહોવા આપણને મજબૂત કરશે, હિંમત આપશે અને ગમે એવા સંજોગોમાં પણ રક્ષણ કરશે.—યશા. ૪૧:૧૦.

ગીત ૧૩૨ જીતનું ગીત

^ ફકરો. 5 યહોવાએ વચન આપ્યું છે કે તે આપણને મજબૂત કરશે અને આપણું રક્ષણ કરશે. આ લેખમાં ચર્ચા કરીશું કે આપણને રક્ષણની કેમ જરૂર છે, યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરે છે અને તેમનું રક્ષણ મેળવવા આપણે શું કરવું જોઈએ.