સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૨

પ્રેમ હશે તો લોકોનો ધિક્કાર સહી શકીશું

પ્રેમ હશે તો લોકોનો ધિક્કાર સહી શકીશું

“હું તમને એ બધું કરવાની આજ્ઞા આપું છું, જેથી તમે એકબીજા પર પ્રેમ રાખો. જો દુનિયા તમારો ધિક્કાર કરે, તો ભૂલતા નહિ કે એણે તમારા પહેલાં મારો ધિક્કાર કર્યો છે.”—યોહા. ૧૫:૧૭, ૧૮.

ગીત ૫૧ યહોવા અમારો આધાર

ઝલક *

૧. લોકો આપણને નફરત કરે છે ત્યારે આપણને કેમ નવાઈ લાગતી નથી?

યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે બધા એકબીજાને પ્રેમ કરી શકીએ. એટલે લોકો નફરત કરે ત્યારે આપણું દિલ તૂટી જાય છે. અરે કદાચ આપણને ડર પણ લાગે. યુરોપમાં રહેતાં જ્યોર્જીનાબહેન * કહે છે, “હું ૧૪ વર્ષની હતી ત્યારે ઈશ્વર વિશે શીખવા લાગી. એ વાત મારા મમ્મીને જરાય ગમી નહિ. તેમણે મારો વિરોધ કરવાનું શરૂ કર્યું. તે મને નફરત કરવા લાગ્યા અને એનાથી હું ખૂબ દુઃખી થઈ ગઈ. મને તો એવું થવા માંડ્યું કે હું ખૂબ ખરાબ વ્યક્તિ છું.” ડેનિલોભાઈનો પણ એવો જ કંઈક અનુભવ છે. તેમના દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું. ભાઈ કહે છે, “સૈનિકો મને હેરાન કરતા, મને મારતા અને ખૂબ અપમાન કરતા. એ વાતથી હું ખૂબ દુઃખી થઈ જતો.” એ સાચું છે કે લોકો નફરત કરે ત્યારે આપણને જરાય ગમતું નથી. પણ એ વાતથી આપણને નવાઈ લાગતી નથી. કેમકે ઈસુએ અગાઉથી જણાવ્યું હતું કે લોકો આપણને નફરત કરશે.—માથ્થી ૨૪:૯ વાંચો.

૨-૩. દુનિયાના લોકો આપણને કેમ નફરત કરે છે?

ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યો આ “દુનિયાના નથી.” (યોહા. ૧૫:૧૭-૧૯) એટલે દુનિયાના લોકો આપણને નફરત કરે છે. આપણે માણસોની સરકારને માન આપીએ છીએ. પણ આપણે ઝંડાને સલામી નથી આપતા, રાષ્ટ્રગીત નથી ગાતા અથવા રાજકારણમાં ભાગ નથી લેતા. કારણ કે એ તો ભક્તિ કરવા બરોબર છે. પણ આપણે ફક્ત યહોવાની ભક્તિ કરીએ છીએ. આપણે યહોવાના રાજ કરવાના હકને ટેકો આપીએ છીએ. પણ શેતાન અને તેના “વંશજ” એ હકનો વિરોધ કરે છે. (ઉત. ૩:૧-૫, ૧૫) આપણે લોકોને જણાવીએ છીએ કે ઈશ્વરની સરકાર માણસોની બધી દુઃખ-તકલીફ દૂર કરી દેશે. જે કોઈ ઈશ્વરની સરકારનો વિરોધ કરશે એનો નાશ થઈ જશે. (દાનિ. ૨:૪૪; પ્રકટી. ૧૯:૧૯-૨૧) નમ્ર લોકો માટે એ સારા સમાચાર છે, પણ દુષ્ટ લોકો માટે એ ખરાબ સમાચાર છે.—ગીત. ૩૭:૧૦, ૧૧.

આપણે ઈશ્વરનાં નેક ધોરણો પ્રમાણે ચાલીએ છીએ. એટલે દુનિયાના લોકો આપણને નફરત કરે છે. દુનિયાનાં ધોરણો અને ઈશ્વરનાં ધોરણોમાં આભ-જમીનનો ફરક છે. દાખલા તરીકે, સદોમ અને ગમોરાહમાં ખરાબ કામો થતાં હતાં, એટલે યહોવાએ એનો નાશ કર્યો. (યહૂ. ૭) આજે એવાં કામો કરવામાં લોકોને કંઈ ખોટું લાગતું નથી. પણ આપણે બાઇબલનાં ધોરણો પ્રમાણે ચાલીએ છીએ. એટલે લોકો આપણો મજાક ઉડાવે છે. તેઓ આપણને કહે છે કે આપણા વિચારો જૂના જમાનાના છે.—૧ પિત. ૪:૩, ૪.

૪. લોકો આપણને ધિક્કારે ત્યારે કયા ગુણો મદદ કરશે?

લોકો નફરત કે અપમાન કરે ત્યારે શું કરી શકીએ? યહોવા મદદ કરશે એવી અડગ શ્રદ્ધા રાખીએ. શ્રદ્ધા તો એક ઢાલ જેવી છે, જે ‘શેતાનનાં સળગતાં બધાં તીરને હોલવી શકે છે.’ (એફે. ૬:૧૬) પણ શ્રદ્ધા રાખવી જ પૂરતું નથી, આપણે પ્રેમ પણ કેળવવો જોઈએ. કારણ કે પ્રેમ “ઉશ્કેરાઈ જતો નથી,” પણ બધું ધીરજથી સહન કરે છે. (૧ કોરીં. ૧૩:૪-૭, ૧૩) આ લેખમાં જોઈશું કે જો આપણને યહોવા, ભાઈ-બહેનો અને દુશ્મનો માટે પણ પ્રેમ હશે તો કઈ રીતે દુનિયાની નફરત સહી શકીશું.

યહોવાને પ્રેમ કરીશું તો નફરત સહી શકીશું

૫. ઈસુ યહોવાને પ્રેમ કરતા હતા એટલે શું કરી શક્યા?

પોતાના જીવનની છેલ્લી રાતે ઈસુએ શિષ્યોને કહ્યું: “હું પિતા પર પ્રેમ રાખું છું, એ માટે હું પિતાની આજ્ઞા પ્રમાણે જ કરું છું.” (યોહા. ૧૪:૩૧) ઈસુને યહોવા પર બહુ પ્રેમ હતો. એટલે દુશ્મનોએ તેમને સતાવ્યા ત્યારે તે સહન કરી શક્યા. આપણે પણ યહોવાને ખૂબ પ્રેમ કરીશું તો લોકોની નફરત સહી શકીશું.

૬. ઈશ્વરભક્તોની સતાવણી થાય ત્યારે રોમનો ૫:૩-૫ પ્રમાણે તેઓને કેવું લાગે છે?

ઇતિહાસ સાબિતી આપે છે કે યહોવા પર પ્રેમ હોવાને લીધે ઈશ્વરભક્તો સતાવણીઓ સહી શક્યા છે. દાખલા તરીકે, યહૂદી ન્યાયસભાએ પ્રેરિતોને કડક હુકમ આપ્યો કે તેઓ પ્રચાર બંધ કરે, પણ તેઓ પ્રચાર કરતા રહ્યા. તેઓએ કહ્યું: “અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.” (પ્રે.કા. ૫:૨૯; ૧ યોહા. ૫:૩) આજે પણ ઘણાં ભાઈ-બહેનો ક્રૂર અને શક્તિશાળી સરકારનો ભોગ બન્યાં છે. પણ યહોવા પર પ્રેમ હોવાને લીધે તેઓ એ બધું જ સહન કરી શકે છે. તેઓ પર સતાવણી આવે ત્યારે તેઓ નિરાશ થઈ જતા નથી પણ ખુશ થાય છે.—પ્રે.કા. ૫:૪૧; રોમનો ૫:૩-૫ વાંચો.

૭. કુટુંબના લોકો આપણો વિરોધ કરે ત્યારે શું કરવું જોઈએ?

કુટુંબના લોકો વિરોધ કરે ત્યારે એ સહેવું સૌથી અઘરું હોય છે. તેઓને કદાચ લાગે કે આપણા કાન ભરવામાં આવ્યા છે અથવા આપણું ચસકી ગયું છે. (માર્ક ૩:૨૧ સરખાવો.) આપણને રોકવા તેઓ બધી હદ પાર કરે. એવું થાય તો ગભરાવાની જરૂર નથી. ઈસુએ કહ્યું હતું, “માણસના દુશ્મનો તો તેના ઘરના જ લોકો હશે.” (માથ. ૧૦:૩૬) ભલે તેઓ આપણને નફરત કરે કે આપણને રોકવાનો પ્રયત્ન કરે, પણ આપણે તેઓને નફરત નહિ કરીએ. તેઓ આપણા દુશ્મન નથી. જેમ યહોવા માટે આપણો પ્રેમ વધશે તેમ લોકો માટે પણ આપણો પ્રેમ વધશે. (માથ. ૨૨:૩૭-૩૯) પણ એનો અર્થ એ નથી કે તેઓને ખુશ કરવા આપણે બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ જઈએ.

આપણે અમુક સમય માટે મુશ્કેલી સહેવી પડે. પણ યહોવા હંમેશાં આપણી સાથે હશે, આપણને દિલાસો અને હિંમત આપશે (ફકરા ૮-૧૦ જુઓ)

૮-૯. જ્યોર્જીનાબહેને કઈ રીતે વિરોધનો સામનો કર્યો?

અગાઉ આપણે જ્યોર્જીનાબહેન વિશે જોઈ ગયા. તેમનાં મમ્મીએ વિરોધ કર્યો છતાં તે અડગ રહ્યાં. એ વિશે તે જણાવે છે, “મેં અને મમ્મીએ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો હતો. છ મહિના પછી મારે સભામાં જવું હતું, પણ મમ્મી વિરોધ કરવા લાગ્યાં. મને ખબર પડી કે તે એવા લોકોના સંપર્કમાં હતાં, જેઓએ મંડળ છોડી દીધું હતું અને સત્યમાં ભેળસેળ કરતા હતા. મને રોકવા મમ્મી તેઓની દલીલોનો ઉપયોગ કરતા હતાં. તે મારું અપમાન કરતા, વાળ ખેંચતાં, ગળું દાબી દેતાં. ઘણી વાર મારું સાહિત્ય ફેંકી દેતાં. પંદર વર્ષની થઈ ત્યારે મેં બાપ્તિસ્મા લીધું, પણ મમ્મીએ વિરોધ કરવાનું છોડ્યું નહિ. તે મને એવી જગ્યાએ મૂકી આવ્યા જ્યાં એવી છોકરીઓને રાખવામાં આવતી હતી, જેઓ ડ્રગ્સ લેતી અને ખોટાં કામ કરતી. તેઓને સુધારવા ત્યાં રાખવામાં આવતી. પોતાના લોકો વિરોધ કરે ત્યારે ઘણું જ દુઃખ થાય છે.”

જ્યોર્જીનાબહેન વિરોધનો સામનો કઈ રીતે કરી શક્યાં? તે જણાવે છે, “મેં જે દિવસે બાઇબલ વાંચવાનું પૂરું કર્યું, એ જ દિવસે મમ્મીએ મારો પહેલી વાર વિરોધ કર્યો. પણ ત્યાં સુધી તો મને સમજાઈ ગયું હતું કે આ જ સત્ય છે. યહોવા સાથે મારો સંબંધ ઘણો મજબૂત હતો. હું ઘણી વાર તેમને પ્રાર્થના કરતી અને તે મારી પ્રાર્થના સાંભળતા. હું પેલી છોકરીઓ સાથે રહેતી હતી ત્યારે, આપણાં એક બહેન મને તેમનાં ઘરે લઈ જતાં. અમે ઘણી વાર સાથે અભ્યાસ કરતા. ભાઈ-બહેનોએ પણ મને ઘણી હિંમત આપી અને પ્રેમ બતાવ્યો. મને લાગ્યું કે તેઓ જ મારું કુટુંબ છે. મેં અનુભવ્યું કે યહોવા કેટલા શક્તિશાળી છે અને તે મને કઈ રીતે મદદ કરે છે.”

૧૦. આપણને કઈ વાતનો ભરોસો છે?

૧૦ પ્રેરિત પાઉલે કહ્યું કે કોઈ પણ વસ્તુ “આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ, જે પ્રેમ આપણા માલિક, ખ્રિસ્ત ઈસુમાં છે.” (રોમ. ૮:૩૮, ૩૯) કદાચ થોડા સમય માટે તકલીફો સહેવી પડે. પણ યહોવા આપણો હાથ ક્યારેય નહિ છોડે. તે આપણને દિલાસો અને હિંમત આપશે. જ્યોર્જીનાબહેનના દાખલા પરથી જોઈ શકીએ છીએ કે યહોવા ભાઈ-બહેનો દ્વારા આપણી મદદ કરે છે.

ભાઈ-બહેનો એકબીજાને સાચો પ્રેમ બતાવશે તો નફરત સહી શકશે

૧૧. યોહાન ૧૫:૧૨, ૧૩ પ્રમાણે કરીશું તો શું ફાયદો થશે?

૧૧ પોતાના મરણની આગલી રાતે ઈસુએ શિષ્યોને જણાવ્યું કે તેઓ એકબીજાને સાચો પ્રેમ બતાવે. (યોહાન ૧૫:૧૨, ૧૩ વાંચો.) તે જાણતા હતા કે શિષ્યોમાં સાચો પ્રેમ હશે તો તેઓ સંપીને રહેશે અને સખત વિરોધનો સામનો કરી શકશે. થેસ્સાલોનીકીનું મંડળ શરૂ થયું ત્યારથી જ એ ભાઈ-બહેનોએ ઘણો જુલમ સહેવો પડ્યો હતો. પણ એ લોકો વચ્ચે સાચો પ્રેમ હતો. તેઓ યહોવાને વફાદાર રહ્યા અને બીજાં મંડળો માટે સરસ દાખલો બેસાડ્યો. (૧ થેસ્સા. ૧:૩, ૬, ૭) તોપણ પાઉલે તેઓને ઉત્તેજન આપ્યું કે એકબીજાને ‘હજુ વધારે પ્રેમ બતાવતા રહે.’ (૧ થેસ્સા. ૪:૯, ૧૦) પાઉલને ખબર હતી કે ભાઈ-બહેનોમાં પ્રેમ હશે તો તેઓ નિરાશ થઈ ગયેલા લોકોને દિલાસો આપશે અને નબળા લોકોને સહારો આપશે. (૧ થેસ્સા. ૫:૧૪) તેઓએ પાઉલની સલાહ પ્રમાણે જ કર્યું. એટલે એક વર્ષ પછી પાઉલે ફરી પત્ર લખ્યો ત્યારે તે કહી શક્યા, “એકબીજા માટે તમારો પ્રેમ વધતો ને વધતો જાય છે.” (૨ થેસ્સા. ૧:૩-૫) આમ જોઈ શકાય કે ભાઈ-બહેનો વચ્ચે સાચો પ્રેમ હશે તો તેઓ ગમે એવો જુલમ અથવા નફરત સહી શકશે.

ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ હશે તો તેઓ દુનિયાની નફરત સહી શકશે (ફકરો ૧૨ જુઓ) *

૧૨. યુદ્ધના સમયે ભાઈ-બહેનોએ કઈ રીતે પ્રેમ બતાવ્યો?

૧૨ ચાલો ફરી એકવાર ડેનિલોભાઈ વિશે જોઈએ. તેમના દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું અને તેમનું શહેર પણ એની ઝપેટમાં આવી ગયું. એવા સમયમાં પણ તે અને તેમના પત્ની સભા અને પ્રચારમાં જતાં હતાં. તેઓ પાસે ખાવા-પીવાનો જે કંઈ સામાન હતો, એમાંથી તેઓ બીજાં ભાઈ-બહેનોને આપતાં. પણ એક દિવસે અમુક સૈનિકો તેમના ઘરમાં ઘૂસી ગયા. ડેનિલોભાઈ કહે છે: “તેઓએ મને કહ્યું કે હું યહોવાની સેવા કરવાનું છોડી દઉં. મેં ના પાડી તો તેઓએ મને માર્યો અને મારા માથા પરથી ગોળીએ ચલાવી. તેઓએ મને ધમકી આપી કે બીજી વાર આવશે ત્યારે તેઓ મારી પત્ની પર બળાત્કાર કરશે. ભાઈઓને ખબર પડી ત્યારે તેઓએ તરત અમને ટ્રેનમાં બેસાડી બીજા શહેર મોકલી દીધાં. તેઓનો પ્રેમ હું ક્યારેય નહિ ભૂલું. અમે બીજા શહેર પહોંચ્યા ત્યારે, ત્યાંનાં ભાઈ-બહેનોએ અમારું ખૂબ ધ્યાન રાખ્યું. તેઓએ અમને ખાવાનું આપ્યું. અમને ઘર અને નોકરી શોધવા મદદ કરી. એનાથી મને ઉત્તેજન મળ્યું કે હું પણ એવાં ભાઈ-બહેનોની મદદ કરું, જેઓએ યુદ્ધના લીધે ઘરબાર છોડવા પડ્યાં છે.” સાચે જ, જો આપણા વચ્ચે પ્રેમ હશે તો આપણે દુનિયાની નફરતને સહી શકીશું.

દુશ્મનોને પ્રેમ કરીશું તો નફરત સહી શકીશું

૧૩. લોકો નફરત કરે ત્યારે પવિત્ર શક્તિ કઈ મદદ કરે છે?

૧૩ ઈસુએ શિષ્યોને કહ્યું કે દુશ્મનોને પણ પ્રેમ કરવો જોઈએ. (માથ. ૫:૪૪, ૪૫) એમ કરવું અઘરું છે, પણ પવિત્ર શક્તિ મદદ કરી શકે છે. એ આપણને પ્રેમ, ધીરજ, કૃપા, કોમળતા અને સંયમ જેવા ગુણો કેળવવા મદદ કરે છે. (ગલા. ૫:૨૨, ૨૩) એવા ગુણો હશે તો લોકોની નફરત સહી શકીશું. અમુક વાર એનું સારું પરિણામ આવે છે. કોઈ વ્યક્તિ કદાચ સખત વિરોધ કરતી હોય, પણ તેના પતિ કે પત્ની, બાળકો કે પડોશીઓના સારા ગુણોને લીધે તે ફેરફાર કરે છે. અરે, તે કદાચ સત્યમાં પણ આવે. દુશ્મનોને પ્રેમ કરવો અઘરું લાગે તો શું કરી શકીએ? પ્રાર્થનામાં યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીએ. (લૂક ૧૧:૧૩) આપણે ખાતરી રાખીએ કે યહોવા જે કહે છે એનાથી હંમેશાં આપણું ભલુ થાય છે.—નીતિ. ૩:૫-૭.

૧૪-૧૫. રોમનો ૧૨:૧૭-૨૧માં આપેલી સલાહ માનવાને લીધે યાસ્મીનબહેન શું કરી શક્યાં?

૧૪ ચાલો હવે યાસ્મીનબહેનનો દાખલો જોઈએ. તે યહોવાના સાક્ષી બન્યા ત્યારે ઘણો વિરોધનો સામનો કરવો પડ્યો. તેમના પતિને લાગ્યું કે તે ખોટે રવાડે ચઢી ગઈ છે. તેમણે બહેનને યહોવાની સેવા કરવાથી રોકવાનો પૂરો પ્રયત્ન કર્યો. તે તેમના પર ગુસ્સે ભરાયા, તેમનું અપમાન કર્યું. તેમણે સગાં-સંબંધીને ઘરે બોલાવ્યાં, જેથી બહેનને યહોવાની સેવા કરવાથી રોકી શકે. સગાં-સંબંધીઓએ બહેન પર ખોટો આરોપ મૂક્યો કે તેમના લીધે ઘર તૂટી રહ્યું છે. બહેનના પતિએ ધર્મગુરુ અને તાંત્રિકને બોલાવીને બહેનને ડરાવવાની કોશિશ કરી. એક વાર બહેનના પતિ પ્રાર્થનાઘરમાં ગયા અને વડીલોને એલફેલ બોલી ગયા. એ બધાને લીધે બહેન ખૂબ નિરાશ થઈ ગયા અને ઘણી વાર રડી પડતાં.

૧૫ એ સમયે મંડળે યાસ્મીનબહેનની ખૂબ મદદ કરી. તેમને દિલાસો આપ્યો. મંડળના વડીલોએ બહેનને પોતાના કુટુંબમાં રોમનો ૧૨:૧૭-૨૧ની સલાહ લાગુ પાડવા ઉત્તેજન આપ્યું. (વાંચો.) બહેને કહ્યું: “એ સલાહ પાળવી ખૂબ જ અઘરું હતું. મેં યહોવા પાસે મદદની ભીખ માંગી. એટલે હું એ સલાહ પાળી શકી. મારા પતિ રસોડામાં બધું વેરવિખેર કરી દે, કચરો નાખે તો હું ચુપચાપ એને સાફ કરતી. તે ખૂબ ગુસ્સે ભરાય ત્યારે શાંત મને તેમને જવાબ આપતી. તે બીમાર પડે ત્યારે ખૂબ પ્રેમથી તેમની સાર-સંભાળ રાખતી.”

આપણે વિરોધ કરનારાઓને પ્રેમ બતાવીએ છીએ ત્યારે તેઓના દિલ જીતી શકીએ છીએ (ફકરા ૧૬-૧૭ જુઓ) *

૧૬-૧૭. યાસ્મીનબહેનના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?

૧૬ યાસ્મીનબહેન પોતાના પતિને પ્રેમ કરતી રહી. તેનું સારું પરિણામ મળ્યું. તે કહે છે “હવે મારા પતિ મારા પર ભરોસો કરે છે. તેમને ખાતરી છે કે હું હંમેશાં સાચું બોલું છું. જ્યારે ઘરમાં ધર્મની વાત થાય ત્યારે તે શાંતિથી સાંભળે છે. હવે તો તે સામેથી મને સભામાં જવાનું કહે છે. અમારી વચ્ચે પ્રેમ અને શાંતિ છે. મને આશા છે કે એક દિવસ તે સત્ય શીખશે અને અમે સાથે મળીને યહોવાની ભક્તિ કરીશું.”

૧૭ એ દાખલામાંથી શીખી શકીએ છીએ કે “પ્રેમ બધું સહન કરે છે, બધાની આશા રાખે છે, બધું ધીરજ રાખીને સહન કરે છે.” (૧ કોરીં. ૧૩:૪, ૭) લોકો નફરત કરે છે ત્યારે આપણું દિલ વીંધાઈ જાય છે. પણ આપણે પ્રેમ બતાવીને લોકોના દિલ જીતી શકીએ છીએ. કારણ કે, પ્રેમમાં નફરત કરતાં વધારે તાકાત છે. આપણે લોકોને પ્રેમ કરીએ છીએ ત્યારે યહોવાને ખુશી થાય છે. પણ વિરોધીઓ આપણા પર જુલમ કરે ત્યારે શું ખુશ રહી શકીએ? હા, ચાલો જોઈએ કઈ રીતે.

નફરત સહો, ખુશ રહો

૧૮. લોકો આપણને નફરત કરે ત્યારે કેમ ખુશ રહેવું જોઈએ?

૧૮ ઈસુએ જણાવ્યું હતું કે “લોકો તમને ધિક્કારે, ત્યારે તમે સુખી છો.” (લૂક ૬:૨૨) લોકો આપણને નફરત કરે ત્યારે આપણને ગમતું નથી. છતાં આપણે ખુશ રહી શકીએ છીએ. એનાં ત્રણ કારણો છે. પહેલું, લોકોની નફરત છતાં આપણે યહોવાની સેવામાં લાગુ રહીએ છીએ તો તે ખૂબ ખુશ થાય છે. (૧ પિત. ૪:૧૩, ૧૪) બીજું, આપણી શ્રદ્ધાની પરખ થાય છે અને એ વધુ મજબૂત બને છે. (૧ પિત. ૧:૭) અને ત્રીજું, વફાદાર રહેવાને લીધે આપણને કાયમી જીવનની ભેટ મળશે.—રોમ. ૨:૬, ૭.

૧૯. શિષ્યોએ કોરડા ખાધા તોપણ તેઓ કેમ ખુશ હતા?

૧૯ ઈસુ જીવતા થયા એના થોડા સમય પછી પ્રેરિતોએ અનેરી ખુશીનો અનુભવ કર્યો. એ વિશે ઈસુએ તેઓને અગાઉ કહ્યું હતું. એક વાર શિષ્યોને કોરડા મારવામાં આવ્યા અને પ્રચાર બંધ કરવાનું કહેવામાં આવ્યું. એ સમયે “ઈસુના નામને લીધે પોતે અપમાન સહેવા યોગ્ય ગણાયા છે,” એ જાણીને તેઓ ખુશ થયા. (પ્રે.કા. ૫:૪૦-૪૨) ઈસુ માટે તેઓને ઘણો પ્રેમ હતો, એટલે દુશ્મનોની નફરતથી તેઓ ડર્યા નહિ. તેઓ પ્રચાર કરતા રહ્યા. આજે પણ ઘણાં ભાઈ-બહેનો મુશ્કેલીઓ હોવા છતાં યહોવાની સેવામાં લાગુ રહે છે. તેઓને ખબર છે કે યહોવા તેઓનાં કામોને અને તેમના નામ માટે બતાવેલા તેઓના પ્રેમને ભૂલશે નહિ.—હિબ્રૂ. ૬:૧૦.

૨૦. હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૦ શેતાનની દુનિયા ચાલશે ત્યાં સુધી લોકો આપણને નફરત કરતા રહેશે. (યોહા. ૧૫:૧૯) પણ ડરવાની જરૂર નથી. હવે પછીના લેખમાં ચર્ચા કરીશું કે યહોવા પોતાના ભક્તોને કઈ રીતે ‘દૃઢ કરશે અને રક્ષણ કરશે.’ (૨ થેસ્સા. ૩:૩) ચાલો આપણે યહોવા, ભાઈ-બહેનો અને દુશ્મનોને પણ પ્રેમ કરતા રહીએ. આમ, મંડળમાં એકતા જળવાશે, આપણી શ્રદ્ધા મજબૂત થશે અને યહોવાને મહિમા મળશે. એ સાબિત થઈ જશે કે પ્રેમમાં એટલી તાકાત છે કે એ નફરતની બધી દીવાલો તોડી શકે છે!

ગીત ૩ “ઈશ્વર પ્રેમ છે”

^ ફકરો. 5 આ લેખમાં જોઈશું કે યહોવા, ભાઈ-બહેનો અને દુશ્મનો માટે પ્રેમ હશે તો આપણે દુનિયાની નફરત સહી શકીશું અને યહોવાની સેવામાં લાગુ રહી શકીશું. એ પણ ચર્ચા કરીશું કે ઈસુએ શા માટે કહ્યું કે આપણો ધિક્કાર કરવામાં આવે ત્યારે ખુશ થવું જોઈએ.

^ ફકરો. 1 અમુક નામ બદલ્યાં છે

^ ફકરો. 58 ચિત્રની સમજ: સૈનિકોએ ડેનિલોભાઈને ડરાવ્યા ત્યારે, ભાઈ-બહેનોએ તેમને અને તેમનાં પત્નીને બીજા શહેર મોકલી દીધાં. ત્યાં ભાઈ-બહેનોએ દિલથી તેઓને આવકાર્યા અને મદદ કરી.

^ ફકરો. 60 ચિત્રની સમજ: યાસ્મીનબહેનના પતિ તેમનો વિરોધ કરતા. પણ વડીલોએ બહેનને સારી સલાહ આપી. એ સલાહ માનીને તેમણે સારાં પત્ની બનવાનો પ્રયત્ન કર્યો. તેમના પતિ બીમાર હોય ત્યારે તે પ્રેમથી તેમની સાર-સંભાળ લેતાં.