સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૯

યુવાન ભાઈઓ, તમે બીજાઓનો ભરોસો કઈ રીતે જીતી શકો?

યુવાન ભાઈઓ, તમે બીજાઓનો ભરોસો કઈ રીતે જીતી શકો?

‘તમારી સાથે યુવાનો છે, તેઓ પ્રભાતનાં ઝાકળબિંદુઓ જેવા છે.’ —ગીત. ૧૧૦:૩.

ગીત ૪ ઈશ્વર સાથે સારું નામ બનાવીએ

ઝલક *

૧. યુવાન ભાઈઓ વિશે શું કહી શકાય?

યુવાન ભાઈઓ, તમે મંડળ માટે ઘણું કરી શકો છો. તમારી પાસે જોશ છે. તમારી પાસે તાકાત છે. (નીતિ. ૨૦:૨૯) તમે કદાચ વિચારતા હશો, ‘હું સહાયક સેવક બનીને ભાઈ-બહેનોની મદદ કરીશ. પણ અમુકને લાગે છે કે, હું બહુ નાનો અને નવો નિશાળિયો છું. મારા નાજુક ખભા પર આટલી ભારે જવાબદારી મૂકી શકાય નહિ.’ ભલે તમે નાના હો પણ જો મહેનત કરશો, તો મંડળમાં સારું નામ બનાવી શકશો અને બીજાઓનો ભરોસો જીતી શકશો.

૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ લેખમાં આપણે દાઉદ રાજાના જીવનમાં ડોકિયું કરીશું. આપણે યહૂદાના આસા રાજા અને યહોશાફાટ રાજા વિશે પણ થોડું જોઈશું. તેઓએ જીવનમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, એ માટે તેઓએ શું કર્યું અને યુવાનો એમાંથી શું શીખી શકે, એની ચર્ચા કરીશું.

દાઉદ રાજાના દાખલામાંથી શીખીએ

૩. યુવાનો મોટી ઉંમરનાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરી શકે?

દાઉદ યુવાન હતા ત્યારથી જ યહોવા સાથે તેમનો મજબૂત સંબંધ હતો. તેમની પાસે એવી અમુક આવડતો હતી, જેનાથી બીજાઓને ફાયદો થયો. જેમ કે, શાઉલ રાજા માટે તે વીણા વગાડતા હતા. (૧ શમુ. ૧૬:૧૬, ૨૩) યુવાન ભાઈઓ, શું તમારી પાસે એવી કોઈ આવડત છે જેનાથી બીજાઓને ફાયદો થઈ શકે? આપણાં અમુક મોટી ઉંમરનાં ભાઈ-બહેનોને મોબાઈલ કે ટેબ્લેટ વાપરતા ઓછું ફાવે છે. પણ તમે તેઓને એ સાધનો વાપરવામાં મદદ કરી શકો છો. તમે તેઓને શીખવી શકો છો. એના લીધે તેઓ જાતે બાઇબલનો અભ્યાસ કરી શકશે અને સભાઓની સારી તૈયારી કરી શકશે. તમને એ સાધનો ખૂબ સારી રીતે વાપરતા આવડે છે. એનાથી બીજાં ભાઈ-બહેનોને મદદ મળશે.

દાઉદે પૂરું મન લગાવીને અને સારી રીતે પોતાના પિતાનાં ઘેટાંની સંભાળ રાખી હતી, તેઓને રીંછથી પણ બચાવ્યાં હતાં (ફકરો ૪ જુઓ)

૪. દાઉદની જેમ યુવાન ભાઈઓએ શું કરવું જોઈએ? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

દાઉદે રોજબરોજના જીવનમાં પણ બતાવી આપ્યું કે તે પોતાના કામ સારી રીતે કરે છે. દાઉદ પોતાના પિતાનાં ઘેટાંની સંભાળ રાખતા હતા. એ કામમાં ઘણું જોખમ હતું. એ વિશે તેમણે એકવાર શાઉલ રાજાને જણાવ્યું: “તમારો સેવક પોતાના પિતાનાં ઘેટાં સાચવે છે. એકવાર સિંહ ટોળાંમાંથી ઘેટું ઉપાડી ગયો અને એકવાર રીંછે પણ એમ જ કર્યું. મેં તેઓની પાછળ પડીને તેઓ પર હુમલો કર્યો અને તેઓના મોંમાંથી ઘેટું છોડાવ્યું.” (૧ શમુ. ૧૭:૩૪, ૩૫) દાઉદ પોતાનું કામ મન લગાવીને કરતા હતા. પોતાના પિતાનાં ઘેટાં સાચવવા તેમણે હિંમતથી જંગલી જાનવરોનો પણ સામનો કર્યો. યુવાન ભાઈઓ, તમે પણ દાઉદની જેમ જે કામ મળે એને મન લગાવીને કરો.

૫. ગીતશાસ્ત્ર ૨૫:૧૪ પ્રમાણે યુવાન ભાઈઓ માટે કઈ વાત સૌથી મહત્ત્વની હોવી જોઈએ?

દાઉદ પાસે ઘણી આવડત હતી અને તે ઘણા હિંમતવાન હતા. પણ દાઉદને મન એ બધું એટલું કીમતી ન હતું. તેમના માટે સૌથી મહત્ત્વનું હતું યહોવા સાથેનો સંબંધ. દાઉદ માટે યહોવા ફક્ત ઈશ્વર જ ન હતા, પણ એક ખાસ મિત્ર હતા. (ગીતશાસ્ત્ર ૨૫:૧૪ વાંચો.) યુવાન ભાઈઓ, તમારા માટે પણ યહોવા સાથેનો સંબંધ મહત્ત્વનો હોવો જોઈએ. જો એમ હશે તો આગળ જતા મંડળમાં સેવા કરવાના ઘણા દરવાજા તમારા માટે ખૂલી જશે.

૬. અમુક લોકોને દાઉદ વિશે કેવું લાગતું?

અમુક લોકોને લાગતું હતું કે દાઉદ તો સાવ નાના છે અને કોઈ કામ ધ્યાનથી કરતા નથી. દાખલા તરીકે, જ્યારે દાઉદ ગોલ્યાથ સામે લડવા જવા માંગતા હતા ત્યારે શાઉલ રાજાએ તેમને રોકવાની કોશિશ કરી. તેમણે કહ્યું: “તું તો હજુ છોકરો છે.” (૧ શમુ. ૧૭:૩૧-૩૩) દાઉદના ભાઈઓને લાગતું કે એના કામમાં કોઈ ભલીવાર નથી હોતો. (૧ શમુ. ૧૭:૨૬-૩૦) પણ યહોવાને દાઉદ વિશે ક્યારેય એવું લાગ્યું નહિ. તે તો દાઉદને સારી રીતે ઓળખતા હતા. દાઉદે પોતાના મિત્ર યહોવાની મદદથી ગોલ્યાથને મારી નાખ્યો.—૧ શમુ. ૧૭:૪૫, ૪૮-૫૧.

૭. તમે દાઉદ પાસેથી શું શીખી શકો?

યુવાન ભાઈઓ, તમે દાઉદ પાસેથી શું શીખી શકો? તમે ધીરજ રાખવાનું શીખી શકો છો. અમુક લોકોએ તમને નાનપણથી જોયા હશે. એટલે તેઓ માટે એ માનવું અઘરું છે કે તમે હવે મોટા થઈ ગયા છો. ખાતરી રાખો યહોવા ફક્ત તમારો દેખાવ નહિ તમારું દિલ જુએ છે. તે જાણે છે કે તમે કેવા છો અને કયા કામ કરી શકો છો. (૧ શમુ. ૧૬:૭) દાઉદની જેમ તમે પણ યહોવા સાથે મજબૂત સંબંધ કેળવો. દાઉદે એમ કરવા યહોવાએ રચેલી સૃષ્ટિ પર વિચાર કર્યો. એનાથી તેમને યહોવાના ગુણો વિશે શીખવા મળ્યું. (ગીત. ૮:૩, ૪; ૧૩૯:૧૪; રોમ. ૧:૨૦) તમે દાઉદ પાસેથી બીજું પણ શીખી શકો છો. મુશ્કેલીમાં આવી પડો ત્યારે યહોવાને પ્રાર્થના કરો અને તેમની મદદ લો. દાખલા તરીકે, તમે યહોવાના સાક્ષી છો એટલે સ્કૂલમાં બધા તમારી મજાક ઉડાવે છે. એવા સમયે તમે શું કરશો? યહોવાને પ્રાર્થના કરો અને તેમની મદદ માંગો. તમે બાઇબલ, બાઇબલ આધારિત સાહિત્ય અને વીડિયોમાં આપેલાં સૂચનોનો ઉપયોગ કરો. એમ કરશો તો તમે યહોવાની મદદથી એ મુશ્કેલીઓને પાર કરી શકશો. એટલું જ નહિ, યહોવા પર તમારો ભરોસો પણ વધશે. બીજાઓ જ્યારે એ જોશે ત્યારે તમે તેઓનો પણ ભરોસો જીતી શકશો.

યુવાન ભાઈઓ નાનાં નાનાં કામોમાં ભાઈ-બહેનોની મદદ કરી શકે છે (ફકરા ૮-૯ જુઓ)

૮-૯. (ક) જ્યાં સુધી દાઉદ રાજા ન બન્યા ત્યાં સુધી તેમણે શું કર્યું? (ખ) યુવાન ભાઈઓ દાઉદ પાસેથી શું શીખી શકે?

દાઉદે બીજી એક મુશ્કેલી પણ સહેવી પડી. તે રાજા તરીકે પસંદ તો થયા. પણ યહૂદાના રાજા બનવા માટે તેમણે ઘણાં વર્ષો રાહ જોવી પડી. (૧ શમુ. ૧૬:૧૩; ૨ શમુ. ૨:૩, ૪) એ સમયે દાઉદે શું કર્યું? શું તે હિંમત હારીને નિરાશ થઈ ગયા? ના, તેમણે ધીરજ રાખી અને તેમનાથી થયું એટલું તેમણે કર્યું. જેમ કે, જ્યારે તે શાઊલથી બચીને પલિસ્તીઓના વિસ્તારમાં ગયા ત્યારે તેમણે ઇઝરાયેલના દુશ્મનો સાથે તેમણે લડાઈ કરી અને યહૂદા વિસ્તારની સરહદનું રક્ષણ કર્યું.—૧ શમુ. ૨૭:૧-૧૨.

યુવાન ભાઈઓ તમે દાઉદ પાસેથી શું શીખી શકો? હમણાં તમારી પાસે મંડળમાં એટલી બધી જવાબદારી નથી. તમે વધુ સમય યહોવાની સેવામાં અને મંડળનાં ભાઈ-બહેનોની મદદ કરવામાં આપી શકો. ચાલો રિકાર્ડોભાઈના * ઉદાહરણ પર ધ્યાન આપીએ. તેમણે નાનપણથી પાયોનિયર બનવાનું સપનું જોયું હતું. પણ વડીલોએ કહ્યું કે એની માટે તે હમણાં પૂરી રીતે તૈયાર નથી. એટલે શું તે મોં ફુલાવીને બેસી ગયા? ના. તે પોતાનાથી બનતું બધું કરતા રહ્યા. તે પ્રચારમાં વધારે જવા લાગ્યા. ભાઈ કહે છે, “એક રીતે સારુ થયું કે મને એ સમયે પાયોનિયર ન બનાવવામાં આવ્યો. મને મારી આવડત કેળવવાનો થોડો સમય મળ્યો. હું સારી રીતે ફરી મુલાકાત કરવાનું શીખ્યો. મને પહેલી વાર બાઇબલ અભ્યાસ ચલાવવાનો પણ મોકો મળ્યો. હું જેટલું વધારે પ્રચારમાં જવા લાગ્યો એટલી જ મારી હિંમત પણ વધવા લાગી. હું બીજાઓને પૂરા ભરોસાથી બાઇબલ શીખવવા લાગ્યો.” રિકાર્ડોભાઈ આજે એક સારા પાયોનિયર છે અને એક સહાયક સેવક પણ છે.

૧૦. એકવાર જરૂરી નિર્ણય લેવાનો હતો ત્યારે દાઉદે શું કર્યું?

૧૦ શાઉલ રાજાથી દાઉદ ભાગી રહ્યા હતા ત્યારે, તેમના જીવનમાં બીજી એક મુશ્કેલી આવી. એક વાર તે અને તેમના માણસો યુદ્ધમાં લડવા ગયા હતા. એવા સમયે લુટારાઓ આવીને તેમનું બધું લૂંટી ગયા. એટલું જ નહિ, તેમની પત્ની અને બાળકોને પણ ઉઠાવી ગયાં. દાઉદને જ્યારે ખબર પડી ત્યારે તેમણે શું કર્યું? તેમણે એવું ન વિચાર્યું કે, ‘હું તો એક કુશળ યોદ્ધા છું, મેં તો ઘણી લડાઈઓ જીતી છે, લુટારાઓ પાસેથી મારાં પત્ની અને બાળકોને છોડાવવાં એ તો મારા ડાબા હાથનો ખેલ છે.’ તેમણે તો યહોવાની સલાહ લીધી. તેમણે અબ્યાથાર યાજક દ્વારા યહોવાને પૂછ્યું, ‘શું હું એ લુટારાઓની ટોળકી પાછળ પડું?’ યહોવાએ તેમને હા પાડી અને ભરોસો પણ અપાવ્યો કે તે લુટારાઓ સામે ચોક્કસ જીત મેળવશે. (૧ શમુ. ૩૦:૭-૧૦) એ બનાવમાંથી શું શીખવા મળે છે?

યુવાન ભાઈઓએ વડીલોની સલાહ લેવી જોઈએ (ફકરો ૧૧ જુઓ)

૧૧. નિર્ણયો લેતા પહેલાં તમારે શું કરવું જોઈએ?

૧૧ નિર્ણય લેતા પહેલાં બીજાઓની સલાહ લો. તમે મમ્મી-પપ્પાની સલાહ લઈ શકો છો. તમે મંડળના અનુભવી વડીલોની સલાહ પણ લઈ શકો છો. તમે વડીલો પર ભરોસો કરી શકો છો, કેમકે યહોવા તેઓ પર ભરોસો કરે છે. યહોવાએ વડીલોને “ભેટ” તરીકે આપ્યા છે. (એફે. ૪:૮) તમે સારા નિર્ણયો લેવા માંગતા હો તો વડીલો પર ભરોસો રાખો અને તેમની સલાહ માનો. આવો હવે આસા રાજાના જીવનમાંથી શીખીએ.

આસા રાજાના દાખલામાંથી શીખીએ

૧૨. આસા જ્યારે રાજા બન્યા ત્યારે તેમનામાં કયા સારા ગુણો હતા?

૧૨ આસા જુવાન હતા ત્યારે તે ખૂબ જ નમ્ર અને હિંમતવાળા હતા. પોતાના પિતા અબિયા પછી તે રાજા બન્યા હતા. એ સમયે તેમણે આખા દેશમાંથી મૂર્તિપૂજા હટાવવા માટે ઘણાં પગલાં ભર્યાં. તેમણે “યહૂદાના લોકોને પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાની ભક્તિ કરવાનું અને નિયમશાસ્ત્રની આજ્ઞાઓ પાળવાનું ઉત્તેજન આપ્યું.” (૨ કાળ. ૧૪:૧-૭) એકવાર ઇથિયોપિયાના રાજા ઝેરાહ તેમની સામે લડવા દસ લાખ સૈનિકો લઈને આવે છે. એ સમયે, આસા યહોવા પર ભરોસો રાખે છે અને તેમની પાસે મદદ માંગે છે. તે કહે છે, “હે યહોવા, તમે જેઓને મદદ કરવા ચાહો, તેઓને ચોક્કસ મદદ કરી શકો છો, ભલે તેઓ બળવાન હોય કે કમજોર. હે યહોવા અમારા ઈશ્વર, અમને સહાય કરો, કેમ કે અમે તમારા પર ભરોસો મૂકીએ છીએ.” આ શબ્દોથી ખબર પડે છે કે આસાને યહોવા પર ભરોસો હતો. તેમને ખાતરી હતી કે યહોવા તેમને અને તેમના લોકોને બચાવશે. આસાએ પોતાના પિતા યહોવા પર ભરોસો રાખ્યો અને યહોવાએ “ઇથિયોપિયાને હરાવ્યું.”—૨ કાળ. ૧૪:૮-૧૨.

૧૩. આસા રાજાએ પછીથી શું કર્યું? સમજાવો.

૧૩ જરા વિચારો, દસ લાખ સૈનિકોનો સામનો કરવો કંઈ નાનીસુની વાત ન હતી. એવા સમયે આસા રાજાએ યહોવા પર ભરોસો રાખ્યો એટલે તે જીતી શક્યા હતા. પણ ઇઝરાયેલનો રાજા બાશા એક નાનકડી સેના લઈને તેમની સામે લડવા આવ્યો ત્યારે તેમણે શું કર્યું? તેમણે યહોવા પર ભરોસો રાખ્યો નહિ. તેમણે તો સિરિયાના રાજા સામે મદદનો હાથ ફેલાવ્યો. એનું ઘણું ખરાબ પરિણામ આવ્યું. એ પછી તેમણે સતત યુદ્ધોનો સામનો કરવો પડ્યો. એ સમયે “દર્શન સમજાવનાર હનાનીએ યહૂદાના રાજા આસા પાસે આવીને કહ્યું: ‘તમે તમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખવાને બદલે, સિરિયાના રાજા પર ભરોસો રાખ્યો છે. એટલે સિરિયાના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે.’” (૨ કાળ. ૧૬:૭, ૯; ૧ રાજા. ૧૫:૩૨) એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૪. (ક) યહોવા પર ભરોસો રાખવા તમારે શું કરવું જોઈએ? (ખ) પહેલો તિમોથી ૪:૧૨ પ્રમાણે કરવાથી કેવા પરિણામ આવશે?

૧૪ નમ્ર રહો અને યહોવા પર ભરોસો રાખો. જ્યારે તમે બાપ્તિસ્મા લીધું ત્યારે તમે યહોવા પર પૂરો ભરોસો રાખ્યો હતો. તમારા એ નિર્ણયથી યહોવા પણ ખુશ થયા હતા. પણ સમય જાય તેમ યહોવા પર ભરોસો રાખવાનું છોડશો નહિ. ખરું કે જીવનમાં મોટા મોટા નિર્ણયો લેવાના હોય ત્યારે તમે યહોવા પર ભરોસો રાખો છો. પણ શું નાના નાના નિર્ણયો લેતી વખતે તમે યહોવા પર ભરોસો રાખો છો? જેમ કે, તમે કેવા પુસ્તકો વાંચશો, કેવી ફિલ્મો જોશો, કેવા ટીવી કાર્યક્રમો પસંદ કરશો, કેવી નોકરી કરશો અથવા જીવનમાં કયું કૅરિયર પસંદ કરશો? એવા નિર્ણયો લેતી વખતે પોતાની જ બુદ્ધિનો આધાર ન રાખતા પણ યહોવા પર ભરોસો રાખજો. એવા વિષયો પર બાઇબલ સિદ્ધાંતોની તપાસ કરજો. એમ કરશો તો ખરો નિર્ણય લઈ શકશો. (નીતિ. ૩:૫, ૬) એનાથી યહોવા પણ ખુશ થશે અને તમે મંડળમાં સારું નામ બનાવી શકશો.—૧ તિમોથી ૪:૧૨ વાંચો.

યહોશાફાટ રાજાના દાખલામાંથી શીખીએ

૧૫. બીજો કાળવૃત્તાંત ૧૮:૧-૩; ૧૯:૨માં જણાવ્યા પ્રમાણે યહોશાફાટ રાજાએ કઈ ભૂલો કરી હતી?

૧૫ આપણે બધા માટીના માણસો છીએ. એટલે આપણા બધાથી ભૂલો થાય છે. કોઈવાર ભૂલ થાય ત્યારે નિરાશ થઈને યહોવાની સેવા કરવાનું પડતું મૂકીએ નહિ. આપણાથી જે થઈ શકે એ કરીએ. એ વિશે ચાલો યહોશાફાટ રાજાનો દાખલો જોઈએ. તેમનામાં ઘણા સારા ગુણો હતા. બાઇબલ કહે છે કે તે જુવાન હતા ત્યારે તેમણે “પોતાના પિતાના ઈશ્વરની ભક્તિ કરી અને તેમની આજ્ઞાઓ પાળી.” તેમણે અધિકારીઓને યહૂદાના શહેરોમાં મોકલ્યા જેથી તેઓ લોકોને યહોવા વિશે શીખવી શકે. (૨ કાળ. ૧૭:૪, ૭) યહોશાફાટ પણ આપણા જેવા જ માણસ હતા, એટલે તેમનાથી પણ ભૂલો થઈ. તેમણે અમુક ખોટા નિર્ણયો લીધા. તેમના એક નિર્ણયથી યહોવાને ઘણું દુઃખ પહોંચ્યું હતું. યહોશાફાટને પોતાની ભૂલ સમજાય એટલે યહોવાએ પોતાના એક ચાકરને તેમની પાસે મોકલ્યા. (૨ કાળવૃત્તાંત ૧૮:૧-૩; ૧૯:૨ વાંચો.) એમાંથી શું શીખી શકીએ?

જે યુવાન ભાઈઓ મહેનતુ છે અને બીજાઓનો ભરોસો જીતે છે તેઓ મંડળમાં સારું નામ બનાવે છે (ફકરો ૧૬ જુઓ)

૧૬. તમે રાજીવના દાખલામાંથી શું શીખી શકો?

૧૬ બીજાઓની સલાહ લો અને એને લાગુ કરો. બની શકે કે બીજા યુવાનોની જેમ તમને યહોવાની ભક્તિને જીવનમાં પહેલું સ્થાન આપવું અઘરું લાગે. પણ હિંમત હારશો નહિ. રાજીવ નામના એક જુવાન ભાઈ સાથે એવું જ કંઈક બન્યું હતું. તે પોતાના જુવાનીના દિવસો યાદ કરતા જણાવે છે, “એ દિવસોમાં મને રમવાનું અને મજાક મસ્તી કરવાનું ખૂબ ગમતું. પણ પ્રચાર અને સભાઓમાં જવાનો મને કંટાળો આવતો. મને સમજાતું ન હતું કે મારા માટે શું મહત્ત્વનું છે. પછી એક વડીલે મને પ્રેમથી સલાહ આપી. તેમણે મને પહેલો તિમોથી ૪:૮માં આપેલો સિદ્ધાંત સમજાવ્યો.” રાજીવે એ સલાહ પર વિચાર કર્યો અને પોતાના જીવનમાં ફેરફાર કર્યો. તેણે નિર્ણય કર્યો કે હવેથી યહોવાની ભક્તિને પોતાના જીવનમાં પહેલું સ્થાન આપશે. એનું કેવું પરિણામ આવ્યું? રાજીવ કહે છે, “એ સલાહ લાગુ કરવાના અમુક સમય બાદ હું સહાયક સેવક બન્યો.”

પિતા યહોવાને ખુશ કરો

૧૭. યુવાનોને કામ કરતા જોઈને મોટી ઉંમરનાં ભાઈ-બહેનોને કેવું લાગે છે?

૧૭ મોટી ઉંમરનાં ભાઈ-બહેનોને એ જોઈને ખુશી થાય છે કે તમે તેઓ સાથે “ખભેખભા મિલાવીને” યહોવાની સેવા કરો છો. (સફા. ૩:૯) તમે બધાં કામ પૂરા જોશ અને પૂરી તાકાતથી કરો છો ત્યારે તેઓને ઘણું ગમે છે. તમે તેઓની નજરે કીમતી છો.—૧ યોહા. ૨:૧૪.

૧૮. નીતિવચનો ૨૭:૧૧ પ્રમાણે યુવાન ભાઈઓ વિશે યહોવાને કેવું લાગે છે?

૧૮ યુવાનો, ભૂલશો નહિ કે યહોવા તમને ખૂબ પ્રેમ કરે છે અને તમારા પર ભરોસો રાખે છે. તેમણે અગાઉથી કહ્યું હતું કે છેલ્લા દિવસોમાં ઘણા યુવાન ભાઈઓ ખુશી ખુશી તેમની સેવા કરશે. (ગીત. ૧૧૦:૧-૩) તે જાણે છે કે તમે તેમને પ્રેમ કરો છો અને પૂરા દિલથી તેમની સેવા કરવા માંગો છો. તમે ધીરજ રાખો અને બીજાઓ સાથે પણ ધીરજથી વર્તો. તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો નિરાશ થશો નહિ. તમને સુધારો કરવાનું કહેવામાં આવે તો એ સલાહને માનવાનો પૂરો પ્રયત્ન કરો. એવું વિચારજો કે યહોવા તમને સુધારી રહ્યા છે. (હિબ્રૂ. ૧૨:૬) મંડળમાં જે કંઈ સોંપણી મળે એ પૂરા દિલથી કરો. એમ કરશો તો યહોવાના દિલને ખુશ કરી શકશો.—નીતિવચનો ૨૭:૧૧ વાંચો.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

^ ફકરો. 5 યુવાનો, યહોવા સાથે તમારો મજબૂત સંબંધ મજબૂત થતો જશે તેમ તમને યહોવાની સેવામાં વધારે કરવાનું મન થશે. યહોવાની સેવા કરવાની એક રીત છે સહાયક સેવક બનવું. આ લેખમાં આપણે જોઈશું કે સહાયક સેવક બનવા કઈ રીતે યુવાનો મંડળમાં સારુ નામ બનાવી શકે અને એને જાળવી રાખી શકે.

^ ફકરો. 9 અમુક નામ બદલ્યા છે.