સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૦

પ્રચારકામમાં લાગુ રહીએ

પ્રચારકામમાં લાગુ રહીએ

“સવારમાં બી વાવ અને સાંજે તારો હાથ પાછો ખેંચી ન લે.”​—સભા. ૧૧:૬.

ગીત ૪૪ સંદેશો બધે વાવીએ

ઝલક *

ઈસુના સ્વર્ગમાં ગયા બાદ તેમના શિષ્યોએ યરૂશાલેમ અને બીજા વિસ્તારોમાં પૂરા ઉત્સાહથી પ્રચાર કર્યો (ફકરો ૧ જુઓ)

૧. ઈસુએ શિષ્યોને માટે કેવો દાખલો બેસાડ્યો? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

ઈસુ ધરતી પર હતા ત્યારે પ્રચારકામમાં લાગુ રહ્યા. તેમને આશા હતી કે કદીક તો લોકો તેમનું સાંભળશે. તે ચાહતા હતા કે શિષ્યો પણ પ્રચારકામમાં લાગુ રહે. (યોહા. ૪:૩૫, ૩૬) શિષ્યો જ્યારે ઈસુ સાથે હતા ત્યારે જોરશોરથી પ્રચાર કરતા હતા. (લૂક ૧૦:૧, ૫-૧૧, ૧૭) પણ ઈસુને પકડવામાં આવ્યા અને મારી નાખવામાં આવ્યા ત્યારે તેઓનો ઉત્સાહ થોડો સમય માટે ઠંડો પડી ગયો. (યોહા. ૧૬:૩૨) ઈસુ જીવતા થયા ત્યારે તેમણે શિષ્યોને પ્રચારકામ કરતા રહેવાનું ઉત્તેજન આપ્યું. તે સ્વર્ગમાં પાછા જતા રહ્યા પછી શિષ્યોએ એટલા જોરશોરથી પ્રચારકામ કર્યું કે દુશ્મનો કહેવા લાગ્યા, “જુઓ, તમે આખા યરૂશાલેમને તમારા શિક્ષણથી ગજવી મૂક્યું છે.”—પ્રે.કા. ૫:૨૮.

૨. શા પરથી કહી શકાય કે પ્રચારકામ પર યહોવાના આશીર્વાદ છે?

પહેલી સદીમાં ઈસુની દેખરેખમાં પ્રચારકામ થયું હતું અને યહોવાએ એ કામ ઉપર ઘણા આશીર્વાદ આપ્યા હતા. સાલ ૩૩ના પચાસમા દિવસે લગભગ ૩૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું (પ્રે.કા. ૨:૪૧) અને શિષ્યોની સંખ્યા વધતી ગઈ. (પ્રે.કા. ૬:૭) ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે છેલ્લા દિવસોમાં ઘણા લોકો સત્ય સ્વીકારશે.—યોહા. ૧૪:૧૨; પ્રે.કા. ૧:૮.

૩-૪. (ક) અમુક વિસ્તારમાં પ્રચાર કરવો કેમ સહેલું હોતું નથી? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

અમુક દેશોમાં પ્રચાર કરવો સહેલું હોય છે, કારણ કે ત્યાં ઘણા બધા લોકોને બાઇબલમાંથી શીખવું હોય છે. પણ શીખવનારા ઓછા પડી જાય છે. પણ અમુક દેશોમાં પ્રચાર કરવો સહેલું હોતું નથી. કારણ કે લોકો ઘરે મળતા નથી અને જેઓ ઘરે મળે છે, તેઓ આપણો સંદેશો સાંભળતા નથી.

જો આપણે એવા વિસ્તારમાં રહેતા હોય જ્યાં લોકો સાંભળતા ન હોય તો શું કરી શકીએ? આ લેખમાં જોઈશું કે અમુક ભાઈ-બહેનોએ વધુ લોકો સુધી સંદેશો પહોંચાડવા કઈ રીતો વાપરી છે? એ પણ જોઈશું કે લોકો સાંભળે કે ના સાંભળે આપણે કેમ પ્રચારમાં લાગુ રહેવું જોઈએ?

લોકો ઘરે ન મળે તોપણ પ્રચારકામમાં લાગુ રહીએ

૫. અમુક ભાઈ-બહેનો માટે પ્રચાર કરવો કેમ અઘરું થઈ ગયું છે?

આજે લોકોને મળવું અને તેઓને પ્રચાર કરવો અઘરું થઈ ગયું છે. અમુક પ્રકાશકો એવા વિસ્તારમાં રહે છે જ્યાં મોટી મોટી બિલ્ડિંગો છે. એ બિલ્ડિંગોમાં ઓળખાણ ના હોય તો સિક્યૉરિટીવાળા અંદર જવા ન દે. અમુક પ્રકાશકો ઘરેઘરે જઈને પ્રચાર કરી શકે છે પણ લોકો ઘરે મળતા નથી. કેટલાક પ્રકાશકો એવા વિસ્તારમાં પ્રચાર કરે છે જ્યાં ઘણા ઓછા લોકો રહે છે. બીજા કેટલાક પ્રકાશકો લોકોને મળવા દૂર દૂર સુધી જાય છે. પણ જ્યારે તેઓ પહોંચે ત્યારે લોકો ઘરે હોતા નથી. જો આપણે પણ એવા કોઈ વિસ્તારમાં રહેતા હોઈએ તો નિરાશ ન થઈએ. આપણે વધુ લોકો સુધી સંદેશો પહોંચાડવા શું કરી શકીએ?

૬. પ્રચારકામ કઈ રીતે માછીમારના કામ જેવું છે?

ઈસુએ આપણા કામને માછીમારના કામ સાથે સરખાવ્યું છે. (માર્ક ૧:૧૭) એક માછીમાર રાત-દિવસ મહેનત કરે, પણ અમુક વાર એકપણ માછલી પકડાતી નથી ત્યારે તે હાર નથી માનતો. તે માછલી પકડવાની રીત કે સમયમાં ફેરફાર કરે છે અથવા માછલી પકડવાની જગ્યા બદલે છે. આપણે પણ પ્રચારકામમાં એવું કરીશું તો વધુ ને વધુ લોકો સુધી સંદેશો પહોંચાડી શકીશું. એવું કઈ રીતે કરી શકીએ? ચાલો અમુક સૂચનો પર ધ્યાન આપીએ.

લોકો ઘરે ન મળે તો તેઓને સંદેશો જણાવવા આપણે અલગ-અલગ સમયે અને જગ્યાએ જઈએ અથવા અલગ-અલગ રીત વાપરીએ (ફકરા ૭-૧૦ જુઓ) *

૭. આપણે કેમ અલગ અલગ સમયે પ્રચાર કરવો જોઈએ?

આપણે અલગ અલગ સમયે લોકોને મળવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ક્યારેક તો લોકો ઘરે મળશે ને! અમુક ભાઈ-બહેનો બપોરે કે સાંજે પ્રચાર કરે છે. તેઓને જોવા મળ્યું છે કે એ જ સમયે મોટા ભાગના લોકો ઘરે હોય છે અને તેઓ પાસે સાંભળવા માટે સમય હોય છે. એટલે આરામથી લોકો તેઓની વાત સાંભળે છે. ડેવિડભાઈ એક વડીલ છે. આપણે કદાચ તેમના જેવું કરી શકીએ. તે અને તેમના સાથી ઘરઘરનું પ્રચાર કર્યા પછી એવા ઘરે પાછા જાય છે જે પહેલાં બંધ હતાં. તે કહે છે કે “એવા ઘરે પાછા જવાથી કોઈ ને કોઈ વ્યક્તિ તેમને જરૂર મળે છે.” *

લોકો ઘરે ન મળે તો તેઓને સંદેશો જણાવવા આપણે અલગ-અલગ સમયે જઈએ (ફકરા ૭-૮ જુઓ)

૮. સભાશિક્ષક ૧૧:૬માં આપેલી સલાહ આપણને પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે?

આ લેખની મુખ્ય કલમમાંથી શીખવા મળે છે કે આપણે હિંમત ન હારવી જોઈએ. પણ લોકોને શોધતા રહેવું જોઈએ અને પ્રચાર કરતા રહેવું જોઈએ. (સભાશિક્ષક ૧૧:૬ વાંચો.) અગાઉ જેમના વિશે જોઈ ગયા એ ડેવિડભાઈએ પણ એમ જ કર્યું. તે એક વ્યક્તિને મળવા વારંવાર તેના ઘરે ગયા, પણ તે મળી નહિ. છેલ્લે જ્યારે તે વ્યક્તિ મળી ત્યારે તેણે ડેવિડભાઈની વાત સારી રીતે સાંભળી. અરે, એટલું જ નહિ તે બાઇબલમાંથી શીખવા માંગતી હતી. એ વ્યક્તિ કહે છે, “હું ૮ વર્ષથી અહીં રહું છું. પણ હું ક્યારેય યહોવાના સાક્ષીઓને મળ્યો નથી.” ડેવિડભાઈ કહે છે, “ઘણા પ્રયત્નો પછી જ્યારે કોઈ વ્યક્તિને મળીએ તો તે આપણી વાત સાંભળવા તૈયાર હોય છે.”

લોકો ઘરે ન મળે તો તેઓને સંદેશો જણાવવા આપણે અલગ-અલગ જગ્યાએ જઈએ (ફકરા ૯ જુઓ)

૯. લોકો ઘરે ન મળે ત્યારે કેટલાંક ભાઈ-બહેનોએ તેઓને પ્રચાર કરવા શું કર્યું?

આપણે અલગ અલગ જગ્યાએ પ્રચાર કરવો જોઈએ. અમુક લોકો ઘરે ના મળે ત્યારે તેઓને મળવા કેટલાંક ભાઈ-બહેનો અલગ અલગ જગ્યાએ જઈને પ્રચાર કરે છે. દાખલા તરીકે, અમુક લોકો મોટી મોટી બિલ્ડિંગમાં રહે છે જ્યાં કડક સિક્યૉરિટી હોય છે. એવા સંજોગોમાં ભાઈ-બહેનો નજીકમાં ટ્રૉલી લગાવે છે અથવા જાહેરમાં પ્રચાર કરે છે. આમ કરવાથી તેઓ ઘણાને સાક્ષી આપી શક્યા છે. અમુક ભાઈ-બહેનો બાગ, દુકાન અને વેપારી વિસ્તારમાં પ્રચાર કરવા જાય છે. એવા સમયે લોકો આરામથી વાત સાંભળે છે અને પત્રિકા લે છે. બોલિવિયામાં રહેતા ફ્લોરાનભાઈ એક સરકીટ નિરીક્ષક છે. તે કહે છે કે “અમે બપોરે ૧થી ૩માં દુકાનોમાં પ્રચાર કરીએ છીએ. એ સમયે તેઓને ઓછું કામ રહે છે, એટલે તેઓ આપણી વાત સાંભળે છે. ઘણાએ તો અભ્યાસ પણ શરૂ કર્યો છે.”

લોકો ઘરે ન મળે તો તેઓને સંદેશો જણાવવા આપણે અલગ-અલગ રીત વાપરીએ (ફકરા ૧૦ જુઓ)

૧૦. લોકોને સાક્ષી આપવા બીજી કઈ રીતો વાપરી શકીએ?

૧૦ આપણે અલગ અલગ રીતો વાપરવી જોઈએ. ધારો કે કોઈને મળવાનો તમે વારંવાર પ્રયત્ન કરો છો. અલગ અલગ સમયે તેમના ઘરે જાઓ છો પણ તે મળતા નથી. એવા સમયે શું કરી શકાય? કેટરીનાબહેન કહે છે, “જે લોકો ઘરે નથી મળતા તેમને હું પત્ર લખું છું. એમાં હું એ બધું જ લખું છું જે એમને મળીને જણાવવાની હતી.” કેટરીનાબહેન પાસેથી શું શીખી શકીએ? એ જ કે લોકોને સાક્ષી આપવા આપણે દરેક રીતોનો ઉપયોગ કરવો જોઈએ.

લોકો ન સાંભળે તોપણ પ્રચારકામમાં લાગુ રહીએ

૧૧. અમુક લોકો આપણો સંદેશો કેમ નથી સાંભળતા?

૧૧ દુનિયામાં વધતી તકલીફોને જોઈને ઘણાને ઈશ્વર પરથી ભરોસો ઊઠી ગયો છે. અમુક લોકો બાઇબલ વિશે જાણવા નથી માંગતા. કારણ કે તેઓ જુએ છે કે જે ધર્મગુરુઓ બાઇબલ શીખવે છે તેઓ પોતે જ ખોટાં કામો કરે છે. અમુક તો ઘર, નોકરીધંધો અને બીજી ચિંતાઓમાં ડૂબેલા છે. તેઓને લાગે છે કે એમાં બાઇબલ કંઈ મદદ ન કરી શકે. આવા કારણોને લીધે કદાચ તેઓ આપણો સંદેશો ન સાંભળે. એવામાં આપણે ખુશી ખુશી પ્રચારકામમાં લાગુ રહેવા શું કરી શકીએ?

૧૨. પ્રચારમાં ફિલિપીઓ ૨:૪ આપણને કઈ રીતે મદદ કરે છે?

૧૨ આપણે લોકોની ચિંતા કરવી જોઈએ. અમુક લોકો શરૂમાં આપણી વાત સાંભળવા નથી માંગતા. પણ જ્યારે તેઓ જુએ છે કે આપણને તેઓની ચિંતા છે ત્યારે તેઓ આપણી વાત ધ્યાનથી સાંભળે છે. (ફિલિપીઓ ૨:૪ વાંચો.) ડેવિડભાઈ જેમના વિશે આપણે અગાઉ જોઈ ગયા હતા. તે કહે છે, “જ્યારે કોઈ અમારી વાત સાંભળવા નથી માંગતું ત્યારે અમે બાઇબલ અને પત્રિકાઓ બેગમાં મૂકી દઈએ છીએ. પછી એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે તેમણે એવું કેમ કહ્યું?” લોકોને ઘણી વાર આપણે શું કહ્યું હતું એ યાદ રહેતું નથી. પણ આપણે તેઓ સાથે કઈ રીતે વર્ત્યા હતા, એ ચોક્કસ યાદ રહે છે. અમુક વાર લોકો આપણા ચહેરાના હાવ-ભાવ વાંચી લે છે. એનાથી તેઓને ખબર પડી જાય છે કે આપણને તેઓની ચિંતા છે કે નહિ. ભલે લોકો આપણો સંદેશો સાંભળે કે ન સાંભળે. પણ આપણે લોકોને મળીએ ત્યારે તેઓ સાથે સારી રીતે વર્તીએ.

૧૩. ક્યા વિષયો પર વાત કરવાથી લોકો આપણું સાંભળશે?

૧૩ આપણે જાણવું જોઈએ કે લોકોને શાની જરૂર છે. તેઓના સંજોગો કેવા છે, તેઓને કઈ વાત સાંભળવાનું ગમશે. દાખલા તરીકે, કોઈ ઘરમાં રમકડાં પડ્યાં હોય તો આપણે જાણી શકીએ છે કે એ ઘરમાં બાળકો હશે. એ ઘરે માબાપને બાળકોના ઉછેર વિશે જાણવાની ઇચ્છા હશે. અથવા તો કુટુંબને કઈ રીતે સુખી બનાવવું એ જાણવાની ઇચ્છા હશે, તો આપણે તેઓને એ વિશે વાત કરી શકીએ. જો કોઈ ઘરમાં ઘણાં બધાં તાળાં હોય, તો આપણે સમજી શકીએ છીએ કે ગુના કે સલામતી વિશે વાત કરવાથી તેઓ સાંભળશે. આપણે તેઓને આશા આપી શકીએ કે જલદી જ એવા ગુનાઓ બંધ થઈ જશે. દર વખતે આપણે લોકોને મળીએ ત્યારે તેઓને પસંદ હોય એ વિષય પર વાત કરીએ. એમ કરવાથી તેઓને જણાવી શકીશું કે બાઇબલની સલાહથી કેવો ફાયદો થાય છે. કેટરીનાબહેન જેમના વિશે અગાઉ જોઈ ગયા, તે યાદ કરતા કહે છે કે બાઇબલથી તેમનું જીવન સાવ બદલાઈ ગયું હતું. એટલે પ્રચારમાં તે બીજાઓ સાથે પૂરા ભરોસાથી વાત કરે છે ત્યારે લોકો તેમનું ધ્યાનથી સાંભળે છે.

૧૪. નીતિવચનો ૨૭:૧૭ પ્રમાણે પ્રચારમાં ભાઈ-બહેનો એકબીજાને કઈ રીતે મદદ કરી શકે?

૧૪ આપણે બીજાઓની મદદ લેવી જોઈએ. પહેલી સદીમાં પાઊલે તિમોથીને પ્રચાર કરવાનું શીખવ્યું હતું. તેમણે તિમોથીને એ પણ ઉત્તેજન આપ્યું કે તે બીજાઓને પણ એવી જ રીતે પ્રચાર કરવાનું શીખવે. (૧ કોરીં. ૪:૧૭) તિમોથીની જેમ આપણે પણ મંડળનાં અનુભવી ભાઈ-બહેનો પાસેથી શીખવું જોઈએ. (નીતિવચનો ૨૭:૧૭ વાંચો.) શોનભાઈએ પણ એવું જ કર્યું હતું. તે પાયોનિયર છે અને અમુક સમય માટે તે એક દૂરના વિસ્તારમાં પ્રચાર કરવા ગયા હતા. પણ ત્યાંનાં લોકોએ સંદેશો સાંભળ્યો નહિ. કારણ કે તેઓ પોતાના ધર્મથી ખુશ હતા. એવા સંજોગોમાં ભાઈ કઈ રીતે ખુશી જાળવી શક્યા? તે કહે છે, “જ્યારે હું અને મારા સાથી પ્રચાર કરતા ત્યારે એક ઘરેથી બીજા ઘરે જતી વખતે વાત કરતા. અમે વાત કરતા કે આ ઘરે વ્યક્તિએ શું પૂછ્યું હતું અથવા શું કહ્યું હતું અને આપણે કઈ રીતે એનો જવાબ આપ્યો હતો. જો આગલા ઘરે કોઈ વ્યક્તિ એવો જ સવાલ પૂછે તો આપણે એને કઈ રીતે સમજાવી શકીએ. આ રીતે અમે એકબીજા સાથે વાત કરતા અને પોતાની આવડત નિખારતા.”

૧૫. પ્રચારમાં જતાં પહેલાં કેમ પ્રાર્થના કરવી જોઈએ?

૧૫ આપણે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. દર વખતે પ્રચારમાં જતા પહેલાં યહોવાને પ્રાર્થના કરીએ. તેમની પવિત્ર શક્તિ વગર આપણે કંઈ કરી શકતા નથી. (ગીત. ૧૨૭:૧; લૂક ૧૧:૧૩) આપણે યહોવાને પ્રાર્થનામાં સાફ સાફ કહીએ કે આપણી ઇચ્છા શું છે. દાખલા તરીકે, પ્રાર્થનામાં કહીએ કે તે આપણને એવી વ્યક્તિને મળવા મદદ કરે જે તેમના વિશે શીખવા માગે છે. પછી પ્રાર્થના પ્રમાણે કરીએ પણ ખરા. એટલે કે જેને પણ મળીએ તેને સંદેશો જણાવવાનો પ્રયત્ન કરીએ.

૧૬. સારી રીતે પ્રચાર કરવા જાતે અભ્યાસ કરવો કેમ જરૂરી છે?

૧૬ આપણે જાતે અભ્યાસ કરવા સમય કાઢવો જોઈએ. બાઇબલમાં લખ્યું છે કે “તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા પારખી શકો.” (રોમ. ૧૨:૨) આ જ સત્ય છે એવી ખાતરી થતી જશે તેમ, આપણે પૂરા ભરોસા સાથે બીજાઓને પ્રચાર કરી શકીશું. કેટરીનાબહેન જેમના વિશે અગાઉ જોઈ ગયા, તે જણાવે છે કે “અમુક સમય પહેલા મને થયું કે બાઇબલના શિક્ષણ પર મારી શ્રદ્ધા વધુ મજબૂત કરવી જોઈએ. એટલે મેં એવા પુરાવાનો અભ્યાસ કર્યો જેનાથી ખબર પડે છે કે એક જ સર્જનહાર છે, બાઇબલ તેમનું વચન છે અને આજે તેમનું એક સંગઠન છે.” વધુ અભ્યાસ કરવાથી કેટરીનાબહેનની શ્રદ્ધા મજબૂત થઈ અને પ્રચાર કરવામાં પણ તેમની ખુશી વધી.

પ્રચારકામમાં લાગુ રહેવું કેમ મહત્ત્વનું છે?

૧૭. ઈસુ શા માટે પ્રચારમાં લાગુ રહ્યા?

૧૭ ઈસુ પ્રચાર કરતા હતા, ત્યારે અમુક લોકોએ તેમનું સાંભળ્યું નહિ. તેમ છતાં ઈસુ હિંમત હાર્યા નહિ પણ પ્રચારમાં લાગુ રહ્યા. તે જાણતા હતા કે લોકોને સત્ય જણાવવું ખૂબ મહત્ત્વનું છે. એટલે તે ચાહતા હતા કે બને એટલા લોકો ઈશ્વરના રાજ્ય વિશે જાણે. તે જાણતા હતા કે ભલે આજે અમુક લોકો નહિ સાંભળે, પણ આગળ જતાં તેઓ સંદેશા પર જરૂર ધ્યાન આપશે. ઈસુના કુટુંબના લોકોની જ વાત કરીએ! ઈસુએ સાડાત્રણ વર્ષ સુધી પ્રચાર કર્યો ત્યારે, તેમના ભાઈઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ. (યોહા. ૭:૫) પણ ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા ત્યારે તેમના ભાઈઓએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેમના શિષ્યો બન્યા.—પ્રે.કા. ૧:૧૪.

૧૮. આપણે કેમ પ્રચારમાં લાગુ રહેવું જોઈએ?

૧૮ આપણે નથી જાણતા કે આગળ જતાં કોણ સત્ય સ્વીકારશે અને યહોવાના ભક્ત બનશે. એટલે આપણે પ્રચાર કરતા રહેવું જોઈએ. ઘણા લોકોને સત્ય શીખવામાં વધારે સમય લાગે છે. બીજા કેટલાક શરૂ શરૂમાં આપણો સંદેશો ન સાંભળે, પણ પછી આપણાં સારાં વાણી-વર્તન જોઈને ‘ઈશ્વરની મહિમા’ કરવા લાગે.—૧ પિત. ૨:૧૨.

૧૯. પહેલો કોરીંથીઓ ૩:૬, ૭ પ્રમાણે આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૯ આપણે પ્રચારમાં અને શીખવવામાં ઘણી મહેનત કરીએ છીએ. પણ એ મહેનત ત્યારે જ રંગ લાવશે જ્યારે યહોવા એના પર આશીર્વાદ આપશે. (૧ કોરીંથીઓ ૩:૬, ૭ વાંચો.) ઇથિયોપિયામાં રહેતા ગેતોહુનભાઈ કહે છે, “હું મારા વિસ્તારમાં એકલો જ યહોવાનો સાક્ષી હતો. છેલ્લા ૨૦ વર્ષથી હું પ્રચાર કરી રહ્યો હતો. પછી ૧૩ લોકોએ બાપ્તિસ્મા લીધું. એમાં મારી પત્ની અને ત્રણ બાળકો પણ હતાં. આજે અમારા મંડળમાં ૧૪ પ્રકાશકો છે અને ૩૨ જણા સભામાં હાજરી આપે છે.” નમ્ર દિલના લોકોને યહોવા પોતાની તરફ દોરી લાવે ત્યાં સુધી ગેતોહુનભાઈએ રાહ જોઈ. તે ઘણા ખુશ છે કે તે પ્રચારમાં લાગુ રહ્યા.—યોહા. ૬:૪૪.

૨૦. પ્રચારકામને શાની સાથે સરખાવી શકાય?

૨૦ યહોવા બધા લોકોનું જીવન કીમતી ગણે છે. તેમણે આપણને ઈસુ સાથે કામ કરવાનો લહાવો આપ્યો છે, જેથી અંત આવતા પહેલાં દરેક દેશના લોકોનો જીવ બચી શકે. (હાગ્ગા. ૨:૭) ધારો કે, તમને ખાણમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવાનું કામ મળ્યું છે. એ ખાણમાંથી કદાચ અમુક લોકો જ જીવતા બહાર આવે. પણ આપણે એ લોકોને બચાવવા જે મહેનત કરી છે એ પણ મહત્ત્વની છે. આપણું પ્રચારકામ પણ એવું જ છે. આપણે નથી જાણતા કે અંત આવતા પહેલા કેટલા લોકોને બચાવવામાં આવશે. પણ એટલું જરૂર જાણીએ છીએ કે યહોવા આપણામાંથી કોઈનો પણ ઉપયોગ કરીને લોકોના જીવ બચાવી શકે છે. બોલિવિયામાં રહેતા આંદ્રિઆસભાઈ કહે છે, “ઘણા લોકોની મહેનત પછી જ એક વ્યક્તિ સત્ય સ્વીકારે છે અને બાપ્તિસ્મા લે છે.” આપણે પણ એવું જ વિચારવું જોઈએ અને પ્રચારમાં લાગુ રહેવું જોઈએ. એમ કરીશું તો યહોવા આશીર્વાદ આપશે અને આપણને ખુશી મળશે.

ગીત ૪૭ ખુશખબર જણાવીએ

^ ફકરો. 5 લોકો ઘરે ન મળે કે તેઓ આપણો સંદેશો ન સાંભળે ત્યારે હિંમત ન હારીએ પણ પ્રચારમાં લાગુ રહીએ. એવું કઈ રીતે કરી શકીએ? આ લેખમાં એ વિશે અમુક સૂચનો આપ્યાં છે.

^ ફકરો. 7 આ લેખમાં આપેલી અમુક રીતો વાપરતી વખતે તમારા દેશના ડેટા સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખજો.

^ ફકરો. 60 ચિત્રની સમજ: (ઉપરથી નીચે): પતિ-પત્ની એવા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે, જ્યાં મોટા ભાગના લોકો ઘરે નથી મળતા. પહેલો મકાન માલિક નોકરી પર છે. બીજો મકાન માલિક દવાખાનામાં છે. ત્રીજો મકાન માલિક દુકાનમાં છે. પતિ-પત્ની સાંજે પહેલા ઘરના માલિકને મળવા જાય છે. બીજા ઘરના માલિકને તેઓ દવાખાના આગળ જાહેરના સાક્ષીકાર્યમાં મળે છે. ત્રીજા ઘરમાલિકને ફોન પર સાક્ષી આપે છે.