સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૪

આપણે શેતાનના ફાંદામાંથી છૂટી શકીએ છીએ!

આપણે શેતાનના ફાંદામાંથી છૂટી શકીએ છીએ!

‘શેતાનના ફાંદામાંથી છૂટી જાઓ.’—૨ તિમો. ૨:૨૬.

ગીત ૫૨ દિલની સંભાળ રાખીએ

ઝલક *

૧. શેતાન કઈ રીતે એક શિકારી જેવો છે?

એક શિકારીનો હેતુ હોય છે કે તે પોતાના શિકારીને પકડે અથવા એને મારી નાખે. એ માટે તે અલગ અલગ ફાંદા કે જાળ ફેલાવે છે, જેમ કે બાઇબલમાં પણ લખ્યું છે. (અયૂ. ૧૮:૮-૧૦) તે શિકારને કઈ રીતે પકડે છે? શિકારી ધ્યાનથી જુએ છે કે એનો શિકાર ક્યાં ક્યાં જાય છે, એને શું પસંદ છે. પછી શિકારને ખબર પણ ન પડે એ રીતે તે જાળ ફેલાવે છે અને શિકાર એમાં ફસાઈ જાય છે. શેતાન પણ એ શિકારી જેવો છે તે જુએ છે કે આપણે ક્યાં ક્યાં જઈએ છીએ, આપણને શું પસંદ છે. પછી આપણને ખબર પણ ન પડે એ રીતે તે જાળ ફેલાવે છે અને આપણે એમાં ફસાઈ જઈએ છીએ. પણ બાઇબલ ખાતરી આપે છે કે જો આપણે શેતાનના ફાંદામાં ફસાઈ જઈએ તો એમાંથી છૂટી શકીએ છીએ. એટલું જ નહિ શેતાનના ફાંદામાં ન ફસાઈએ માટે શું કરી શકીએ, એ વિશે પણ બાઇબલમાં જણાવ્યું છે.

શેતાને ઘણાને ઘમંડ અને લાલચના ફાંદામાં ફસાવ્યા છે (ફકરો ૨ જુઓ) *

૨. શેતાન કઈ રીતે લોકોને ફસાવે છે?

શેતાન હજારો વર્ષોથી બે ફાંદાઓનો ઉપયોગ કરીને ઘણા લોકોને ફસાવતો આવ્યો છે, એ છે ઘમંડ અને લાલચ. * એક શિકારીની જેમ તે શિકારને ફસાવવા જાળ કે ફાંદો ફેલાવે છે. (ગીત. ૯૧:૩) યહોવાએ પહેલેથી જ શેતાનની ચાલાકીઓ વિશે જણાવ્યું છે. જો આપણે એને ધ્યાનમાં રાખીશું તો ક્યારેય એમાં ફસાઈશું નહિ.—૨ કોરીં. ૨:૧૧.

શેતાનના ફાંદામાંથી છૂટવા કે તેના ફાંદાથી બચવા બાઇબલમાં આપેલા દાખલામાંથી ઘણું શીખી શકીએ (ફકરો ૩ જુઓ) *

૩. યહોવાએ બાઇબલમાં અમુક લોકોના દાખલા કેમ લખાવ્યા છે?

યહોવાએ બાઇબલમાં અમુક લોકોના દાખલા લખાવ્યા છે જેઓ ઘમંડી અને લાલચું બન્યા હતા. એમાંના ઘણા લોકો તો વર્ષોથી યહોવાની સેવા કરી રહ્યા હતા. શું એનો અર્થ એ થાય કે આપણે શેતાનના ફાંદાઓથી બચી નહિ શકીએ? ના, એવું નથી. યહોવાએ એ દાખલાઓ આપણને “ચેતવણી” મળે માટે લખાવ્યા છે. (૧ કોરીં. ૧૦:૧૧) એટલું જ નહિ આપણે શીખીએ કે એ ફાંદામાંથી કઈ રીતે છૂટી શકીએ કે એનાથી બચી શકીએ.

પહેલો ફાંદો, ઘમંડ

ફકરો ૪ જુઓ

૪. આપણે ઘમંડી બનીશું તો શું થશે?

શેતાન ઇચ્છે છે કે આપણે ઘમંડી બની જઈએ. તે જાણે છે કે આપણે ઘમંડી બનીશું તો તેના જેવા બની જઈશું અને હંમેશનું જીવન ગુમાવી દઈશું. (નીતિ. ૧૬:૧૮) પ્રેરિત પાઉલે ચેતવણી આપી કે જો કોઈ ‘અભિમાનને લીધે ફુલાઈ જશે તો શેતાનના જેવી સજા તેના પર આવી પડશે.’ (૧ તિમો. ૩:૬, ૭) એવું આપણી સાથે પણ બની શકે છે, પછી ભલે આપણે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ કે હમણાં જ શરૂ કરી હોય.

૫. શેતાન શું ચાહે છે?

ઘમંડી વ્યક્તિ પોતાનો જ વિચાર કરે છે. શેતાન ચાહે છે કે મુશ્કેલીઓ આવે ત્યારે આપણે યહોવાનો નહિ પણ પોતાનો જ વિચાર કરીએ. ધારો કે, આપણા પર ખોટો આરોપ મૂકવામાં આવે છે કે આપણી સાથે અન્યાય કરવામાં આવે છે. શેતાન ચાહે છે કે આપણે ઘમંડી બનીને દોષનો ટોપલો યહોવા અને ભાઈ-બહેનો પર ઢોળી દઈએ. તે ચાહે છે કે આપણે મુશ્કેલીઓનો હલ પોતાની રીતે લાવવાનો પ્રયત્ન કરીએ, બાઇબલમાં આપેલી સલાહ પ્રમાણે નહિ.—સભાશિક્ષક ૭:૧૬, ૨૦. વાંચો.

૬. નેધરલૅન્ડમાં રહેતા બહેન પાસેથી શું શીખી શકીએ?

ચાલો નેધરલૅન્ડમાં રહેતા એક બહેનનો દાખલો જોઈએ. ભાઈ-બહેનોની ભૂલોને લીધે તે ચિડાઈ જતાં અને એ સહેવું તેમને અઘરું લાગતું. તેમણે કહ્યું: “હું એકલી પડી ગઈ હતી કારણ કે હું ભાઈ-બહેનોને માફ કરી શકતી ન હતી. મારા પતિને મેં કહ્યું કે ‘મારે આ મંડળમાં નથી જવું.’” પછી બહેને માર્ચ ૨૦૧૬નો JW બ્રૉડકાસ્ટિંગ કાર્યક્રમ જોયો. એમાં બતાવ્યું હતું કે બીજાઓ ભૂલો કરે ત્યારે શું કરવું જોઈએ. તે કહે છે, “હું સમજી ગઈ કે મારે બીજાઓની ભૂલો જોવાને બદલે નમ્ર રહીને પોતાની ભૂલોનો વિચાર કરવો જોઈએ. મને શીખવા મળ્યું કે મારે યહોવા અને તેમના રાજ કરવાના હક પર વધારે ધ્યાન આપવું જોઈએ.” બહેન પાસેથી આપણે શું શીખી શકીએ? આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે યહોવા પર ધ્યાન આપીએ. આપણે તેમને વિનંતી કરીએ જેથી લોકોને તેમની નજરે જોઈ શકીએ. પિતા યહોવા જાણે છે કે લોકોથી ભૂલો થાય છે તેમ છતાં તે માફ કરવા તૈયાર રહે છે. તે ચાહે છે કે આપણે પણ એવું જ કરીએ.—૧ યોહા. ૪:૨૦.

ફકરો ૭ જુઓ

૭. ઉઝ્ઝિયા રાજા સાથે શું થયું ?

યહુદાનો રાજા ઉઝ્ઝિયા ઘણો કુશળ હતો. તેણે ઘણા યુદ્ધો જીત્યા હતાં. અરે, તેણે શહેરો અને મિનારા બંધાવ્યા હતાં. તેને ખેતીવાડીનો પણ શોખ હતો. ‘સાચા ઈશ્વરે તેને ઘણા આશીર્વાદ આપ્યા’ હતા. (૨ કાળ. ૨૬:૩-૭, ૧૦) બાઇબલ કહે છે, “તે બળવાન થયો કે તરત ઘમંડથી ફુલાઈ ગયો અને તેની પડતી થઈ.” યહોવાની આજ્ઞા હતી કે ફક્ત યાજકો જ મંદિરમાં ધૂપ બાળવાનું કામ કરે. પણ ઉઝ્ઝિયા રાજા મંદિરમાં ધૂપ બાળવા પહોંચી ગયો. યાજકોએ રાજાને રોક્યો પણ તેણે સાંભળ્યું નહિ. યહોવા નારાજ થયા અને તેને રક્તપિત્તની સજા કરી. તે જીવ્યો ત્યાં સુધી તેને રક્તપિત્ત રહ્યો.—૨ કાળ. ૨૬:૧૬-૨૧.

૮. પહેલો કોરીંથીઓ ૪:૬, ૭ની કઈ વાત આપણને ઘમંડી ન બનવા મદદ કરશે?

આપણે પણ ઉઝ્ઝિયાની જેમ ઘમંડી બનીને ભૂલ કરી શકીએ છીએ. ચાલો આપણે એક દાખલા પર ધ્યાન આપીએ. હોઝેભાઈ એક સફળ બિઝનેસમૅન હતા અને વડીલ પણ. લોકો તેમને ખૂબ માન આપતા. એ સંમેલન અને મહાસંમેલનમાં પ્રવચન આપતા. અરે, સરકીટ નિરીક્ષક પણ અમુક બાબતમાં તેમની સલાહ લેતા. હોઝેભાઈ કહે છે, “હું યહોવા કરતાં પોતાની આવડત અને અનુભવ પર વધારે ભરોસો રાખવા લાગ્યો. મને લાગતું કે હું સત્યમાં ખૂબ મજબૂત છું અને મારે યહોવાએ આપેલી સલાહ અને ચેતવણી પર ધ્યાન આપવાની જરૂર નથી.” હોઝેભાઈથી એક ગંભીર ભૂલ થઈ ગઈ અને તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા. અમુક વર્ષો પછી તેમને પાછા મંડળમાં લેવામાં આવ્યા. આ બનાવ વર્ષો પહેલા બન્યો હતો. આજે ભાઈ કહે છે, “યહોવાએ મને શીખવ્યું કે દુનિયામાં નામ હોવું મહત્ત્વનું નથી. પણ મહત્ત્વનું એ છે કે આપણે યહોવાની વાત સાંભળીએ. આપણી પાસે જે આવડત છે અથવા મંડળમાં આપણને જે સોંપણી મળે છે એ બધું યહોવા તરફથી છે.” એટલે આપણે ઘમંડી ન બનવું જોઈએ. (૧ કોરીંથીઓ ૪:૬, ૭ વાંચો.) જો આપણે ઘમંડી બનીશું તો યહોવા માટે નકામા બની જઈશું.

બીજો ફાંદો, લાલચ

ફકરો ૯ જુઓ

૯. શેતાન અને હવા લોભી બન્યા પછી તેઓએ શું કર્યું?

લાલચની વાત આવે ત્યારે આપણા મનમાં શેતાનનો વિચાર આવે છે. શેતાન પહેલાં યહોવાનો એક સ્વર્ગદૂત હતો એટલે તેની પાસે ઘણી જવાબદારી હશે. પણ એનાથી તેનું પેટ ભરાયું નહિ. તે ચાહતો હતો કે માણસો તેની ભક્તિ કરે. પણ ભક્તિ મેળવવાનો અધિકાર તો ફક્ત યહોવાનો જ છે. શેતાન આપણને પણ તેના જેવો લોભી બનાવવા માગે છે. તે ચાહે છે કે આપણે એવું વિચારીએ કે આપણી પાસે જે છે એ પૂરતું નથી. તેણે હવા સાથે પણ એવી જ ચાલાકી અજમાવી. યહોવાએ આદમ અને હવાને ખાવા માટે ઘણું બધું આપ્યું હતું. તેઓ ‘બાગના કોઈ પણ ઝાડનું ફળ ખાઈ શકતા હતા,’ સિવાય એક. (ઉત. ૨:૧૬) શેતાને હવાના કાન ભર્યા કે જે ઝાડ પરથી યહોવાએ ખાવાની ના પાડી છે એ જ તેના માટે સારું છે. હવા તેની વાતોમાં આવી ગઈ અને તેણે એ ફળ ખાધું. એનું પરિણામ એ આવ્યું કે તે પાપ કરી બેઠી અને તેનું મરણ થયું.—ઉત. ૩:૬, ૧૯.

ફકરો ૧૦ જુઓ

૧૦. દાઉદ લોભી બન્યા ત્યારે શું થયું?

૧૦ યહોવાની કૃપા દાઉદ પર હતી. એટલે દાઉદ પાસે ઘણી ધનદોલત અને માન-મહિમા હતો. તેમણે ઘણા યુદ્ધો જીત્યા હતા. યહોવાના આશીર્વાદ માટે તે એટલા આભારી હતા કે તેમણે કહ્યું: “એ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!” (ગીત. ૪૦:૫) પણ એક સમયે તે યહોવાની કૃપા ભૂલી ગયા. તેમના મનમાં લાલચ જાગી. તેમની ઘણી પત્નીઓ હતી, છતાં તેમણે ઊરિયાની પત્ની બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો અને તે ગર્ભવતી થઈ. આમ તેમણે પાપ તો કર્યું, પણ એટલેથી તે અટક્યા નહિ. તેમણે બાથ-શેબાના પતિ ઊરિયાને મારી નંખાવ્યો. (૨ શમુ. ૧૧:૨-૧૫) દાઉદ વર્ષોથી યહોવાને વફાદાર હતા અને તેમને ખબર હતી કે તે જે કરી રહ્યા છે એ ખોટું છે. પણ તેમને લોભ જાગ્યો અને મોટી ભૂલ કરી બેઠા. એ માટે તેમણે ભારે કિંમત ચૂકવવી પડી. તેમણે ભૂલ સ્વીકારી, પસ્તાવો કર્યો અને યહોવાએ તેમને માફ કર્યા. દાઉદ એ માટે ઘણા આભારી હતા.—૨ શમુ. ૧૨:૭-૧૩.

૧૧. એફેસીઓ ૫:૩, ૪ પ્રમાણે લાલચથી બચવા આપણે શું કરવું જોઈએ?

૧૧ આપણે દાઉદના દાખલામાંથી શું શીખી શકીએ? યહોવાએ આપણને જે કંઈ આપ્યું છે, એ માટે તેમનો આભાર માનીએ. એમ કરીશું તો આપણે લાલચના ફાંદામાં નહિ ફસાઈએ. (એફેસીઓ ૫:૩, ૪ વાંચો.) આપણી પાસે જે કંઈ છે એમાં ખુશ રહીએ. એક નવા બાઇબલ વિદ્યાર્થીને ઉત્તેજન આપવામાં આવે છે કે તે દરરોજ કોઈ એક વાત માટે યહોવાનો આભાર માને. આમ, તે અઠવાડિયામાં સાત અલગ અલગ વાતો માટે યહોવાનો આભાર માની શકે છે. (૧ થેસ્સા. ૫:૧૮) આપણે પણ એવું જ કંઈક કરી શકીએ. યહોવાએ આપણા માટે જે કર્યું છે એના પર મનન કરીએ. એવું કરીશું તો આપણે તેમનો આભાર માની શકીશું. જો આપણે આભારી હોઈશું તો જીવનમાં સંતોષ રાખી શકીશું. જો જીવનમાં સંતોષ હશે તો લાલચ નહિ કરીએ.

ફકરો ૧૨ જુઓ

૧૨. યહૂદા લોભી બન્યો ત્યારે તેણે શું કર્યું?

૧૨ લોભમાં આવીને યહૂદા ઇસ્કારિયોતે ખોટું કામ કર્યું અને ઈસુ સાથે દગો કર્યો. શરૂઆતમાં તે એવો ન હતો. (લૂક ૬:૧૩, ૧૬) ઈસુએ તેને પ્રેરિત તરીકે પસંદ કર્યો હતો. તે કુશળ અને ભરોસાપાત્ર હતો. એટલે ઈસુએ તેને પૈસાની પેટી સંભાળવા આપી હતી. એ પૈસાથી તેઓ પ્રચારકામનો ખર્ચ કાઢતા હતા. જેમ આજે પ્રચાર માટે દાન આપવામાં આવે છે. અમુક સમય પછી યહૂદા ચોરી કરવા લાગ્યો. ઈસુએ કહ્યું હતું કે લોભ કરવું ખોટું છે. (માર્ક ૭:૨૨, ૨૩; લૂક ૧૧:૩૯; ૧૨:૧૫) પણ યહૂદાએ એ વાતને આંખ આડા કાન કર્યા.

૧૩. યહૂદા લાલચના ફાંદામાં ફસાઈ ગયો છે એ ક્યારે ખબર પડી?

૧૩ ઈસુના મૃત્યુ પહેલાં સાબિત થઈ ગયું કે યહૂદા લાલચના ફાંદામાં ફસાઈ ગયો છે. ઈસુ અને બીજા શિષ્યો સિમોનના ઘરે જમવા ગયા હતા. સિમોન પહેલાં રક્તપિત્તિયો હતો. માર્થા અને મરિયમ પણ ત્યાં આવ્યાં હતાં. મરિયમે ઊભા થઈને ઈસુના માથામાં કીમતી સુગંધી તેલ રેડ્યું. એ જોઈને યહૂદા અને બીજા શિષ્યો ગુસ્સે થયા. શિષ્યોએ કહ્યું કે એ પૈસા ગરીબોને આપી શક્યા હોત. પણ યહૂદાના મનમાં તો કંઈક અલગ જ ગડમથલ ચાલી રહી હતી. “તે ચોર હતો” અને પૈસાની પેટીમાંથી પૈસા ચોરવા માંગતો હતો. છેવટે તે એટલી હદ સુધી ગયો કે થોડા પૈસા માટે તેણે ઈસુને વેચી દીધા.—યોહા. ૧૨:૨-૬; માથ. ૨૬:૬-૧૬; લૂક ૨૨:૩-૬.

૧૪. લૂક ૧૬:૧૩ની સલાહ એક પતિ-પત્નીએ કઈ રીતે લાગુ પાડી?

૧૪ ઈસુએ શિષ્યોને કહ્યું: “તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.” (લૂક ૧૬:૧૩ વાંચો.) એ વાત આજે પણ એટલી જ સાચી છે. રોમાનિયામાં રહેતા પતિ-પત્ની પણ ઈસુની વાત સાથે સહમત છે. તેઓને એક મોટા દેશમાં થોડા સમય માટેની નોકરી મળી રહી હતી. તેઓ કહે છે, “એનાથી અમારી બધી લોન ભરપાઈ થઈ જાત. અમને લાગ્યું કે યહોવાએ જ અમને એ નોકરી અપાવી છે.” પણ એક મુશ્કેલી હતી. જો તેઓ એ નોકરી સ્વીકારે તો યહોવાની સેવામાં પહેલાં જેટલો સમય આપી શકે એમ ન હતું. તેઓએ ઑગસ્ટ ૧, ૨૦૦૮ના ચોકીબુરજનો એક લેખ વાંચ્યો જેનો વિષય હતો: “પૂરા દિલથી યહોવાહને વળગી રહીએ.” તેઓએ નોકરી ન સ્વીકારવાનો નિર્ણય લીધો. તેઓ કહે છે, “જો વધુ પૈસા કમાવા બીજા દેશ ગયા હોત, તો અમે પૈસાને મહત્ત્વ આપ્યું હોત, નહિ કે યહોવા સાથેના અમારા સંબંધને. અમે જાણતા હતા એ નોકરી અમે કરી હોત તો એની અસર યહોવા સાથેના સંબંધ પર પડી હોત.” પછીથી ભાઈને પોતાના જ દેશમાં એવી નોકરી મળી જેનાથી તેઓ લોન ચૂકવી શક્યા અને ગુજરાન પણ ચલાવી શક્યા. પત્ની કહે છે, “યહોવા પોતાના બધા ભક્તોને હંમેશાં મદદ કરે છે.” તેઓ ખુશ છે કે તેઓએ પૈસાને નહિ પણ યહોવાને પોતાના માલિક બનાવ્યા છે.

શેતાનના ફાંદાથી બચીએ

૧૫. આપણને કેમ ભરોસો છે કે શેતાનના ફાંદામાંથી છૂટી શકીએ છીએ?

૧૫ જો આપણે ઘમંડ કે લાલચના ફાંદામાં ફસાઈ ગયા હોય તો શું કરી શકીએ? પાઉલે કહ્યું કે શેતાને જેઓને “જીવતા પકડ્યા છે” તેઓ પણ પોતાને છોડાવી શકે છે. (૨ તિમો. ૨:૨૬) દાઉદે પણ પોતાને લાલચના ફાંદામાંથી છોડાવ્યા હતા. તેમણે નાથાનની વાત સાંભળી અને પસ્તાવો કરીને યહોવા સાથેનો પોતાનો સંબંધ સુધાર્યો. આપણે ક્યારેય ભૂલીએ નહિ કે યહોવા શેતાનથી વધારે શક્તિશાળી છે. જો આપણે તેમની મદદ લઈશું તો શેતાનના ગમે એ ફાંદામાંથી છૂટી શકીશું.

૧૬. આપણે શેતાનના ફાંદામાં ન ફસાઈએ માટે શું કરી શકીએ?

૧૬ આપણે પ્રયત્ન કરીએ કે શેતાનના ફાંદામાં ફસાઈએ નહિ. એ માટે આપણને યહોવાની મદદની જરૂર છે. એમ ન વિચારીએ કે આપણામાં ક્યારેય ઘમંડ અને લાલચ નહિ આવે. વર્ષોથી યહોવાની ભક્તિ કરનારાઓમાં પણ ઘમંડ અને લાલચ આવી ગયા હતા. એટલે દરરોજ યહોવા પાસે મદદ માંગીએ અને આપણાં વાણી-વર્તનની તપાસ કરીએ. (ગીત. ૧૩૯:૨૩, ૨૪) જો લાગે કે આપણામાં ઘમંડ અને લાલચ આવી રહ્યા છે તો એને તરત દૂર કરીએ.

૧૭. બહુ જલદી શેતાનનું શું થશે?

૧૭ શેતાન હજારો વર્ષોથી એક શિકારીની જેમ લોકોને પોતાના ફાંદામાં ફસાવી રહ્યો છે. પણ બહુ જલદી તેને પકડવામાં આવશે અને તેનો નાશ કરવામાં આવશે. (પ્રકટી. ૨૦:૧-૩, ૧૦) આપણે એ દિવસની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ. પણ ત્યાં સુધી શેતાનના ફાંદામાં ન ફસાઈએ એનું ધ્યાન રાખીએ. આપણે ઘમંડી અને લાલચી ન બનીએ. ‘શેતાનની સામે થઈએ એટલે તે આપણી પાસેથી નાસી જશે.’—યાકૂ. ૪:૭.

ગીત ૨૯ ચાલું તારી સંગે

^ ફકરો. 5 શેતાન એક ચાલાક શિકારી છે. એટલે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, તોપણ તે આપણને ફસાવવા માંગે છે. આ લેખમાં બે ફાંદા વિષે વાત કરીશું, જેનો ઉપયોગ કરીને યહોવા સાથેનો આપણો સંબંધ તોડવાની તે કોશિશ કરે છે. એ છે ઘમંડ અને લાલચ. આપણે અમુક લોકોના ઉદાહરણ જોઈશું જેઓ એવા ફાંદામાં ફસાયા હતા. એ પણ જોઈશું કે આપણે શું કરી શકીએ, જેથી શેતાનના ફાંદામાં ન ફસાઈએ.

^ ફકરો. 2 શબ્દોની સમજ: આ લેખમાં ઘમંડનો અર્થ થાય પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણવા. લાલચનો અર્થ થાય કોઈ ચીજ વસ્તુ મેળવવા માટે વધુ પડતી ઇચ્છા રાખવી. જેમ કે ધનદોલત, સત્તા, કે સેક્સ.

^ ફકરો. 53 ચિત્રની સમજ: એક ભાઈ ઘમંડી છે એટલે બીજા ભાઈઓની સારી સલાહ નથી માનતા. એક બહેન પાસે ઘણું બધું છે પણ તે હજુ વધારે વસ્તુઓ લેવા ચાહે છે.

^ ફકરો. 55 ચિત્રની સમજ: એક સ્વર્ગદૂત અને ઉઝ્ઝિયા રાજા ઘમંડી બની ગયા. હવાને લોભ જાગ્યો તેણે મના કરેલું ફળ ખાધું. દાઉદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો અને યહૂદાએ પૈસાની ચોરી કરી.