સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૬

લોકોને ઈસુના શિષ્ય બનવા મદદ કરીએ

લોકોને ઈસુના શિષ્ય બનવા મદદ કરીએ

‘ઈશ્વર તમને ઇચ્છા અને બળ આપે છે.’—ફિલિ. ૨:૧૩.

ગીત ૪૪ સંદેશો બધે વાવીએ 

ઝલક *

. તમે શા માટે યહોવાના આભારી છો?

તમે યહોવાના સાક્ષી કઈ રીતે બન્યા? તમને કદાચ મમ્મી-પપ્પા, સાથે કામ કરનારા કે સાથે ભણનારા પાસેથી સત્ય મળ્યું હશે કે પછી સાક્ષીઓ તમારા ઘરે “ખુશખબર” જણાવવા આવ્યા હશે. (માર્ક ૧૩:૧૦) તમે અભ્યાસ શરૂ કર્યો ત્યારે કોઈકે તમારી પાછળ ખૂબ મહેનત કરી હશે અને ઘણો સમય આપ્યો હશે. અભ્યાસ કરીને તમને શીખવા મળ્યું કે યહોવા તમને ખૂબ પ્રેમ કરે છે. એટલે તમે પણ યહોવાને પ્રેમ કરવા લાગ્યા. યહોવાએ તમને પોતાની તરફ દોર્યા. આજે તમે યહોવાના સાક્ષી છો અને તમારી પાસે હંમેશ માટેના જીવનની આશા છે. (યોહા. ૬:૪૪) તમને સત્ય મળ્યું અને તમે યહોવાના સાક્ષી બન્યા એ માટે તમે યહોવાના આભારી છો.

. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

સત્ય જાણ્યા પછી હવે આપણો વારો છે કે આપણે બીજાઓને સત્ય શીખવીએ. ઘરઘરનું પ્રચારકામ કરવું આપણને સહેલું લાગે, પણ બાઇબલ અભ્યાસ શરૂ કરવો અને ચલાવવો આપણને અઘરું લાગી શકે. જો તમને પણ એવું લાગતું હોય તો આ લેખમાં અમુક સૂચનો આપ્યાં છે. એમાં બતાવ્યું છે કે આપણે કેમ શિષ્ય બનાવવાનું કામ કરીએ છીએ. જો અભ્યાસ ચલાવવામાં મુશ્કેલી આવે તો એને કઈ રીતે દૂર કરી શકીએ એ વિશે પણ જોઈશું. સૌથી પહેલા જોઈએ કે શિષ્ય બનાવવા માટે ફક્ત પ્રચાર કરવો જ પૂરતું નથી, શીખવવું પણ જરૂરી છે.

ઈસુએ પ્રચાર કરવાની અને શીખવવાની આજ્ઞા આપી

૩. આપણે પ્રચારકામ કેમ કરીએ છીએ?

ઈસુએ આપેલી આજ્ઞાના બે ભાગ હતા. એક, તેમણે કહ્યું કે આપણે ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરીએ. તેમણે એ પણ શીખવ્યું કે આપણે પ્રચારકામ કઈ રીતે કરી શકીએ. (માથ. ૧૦:૭; લૂક ૮:૧) દાખલા તરીકે, તેમણે જણાવ્યું કે લોકો સાંભળે તો શું કરવું અને ન સાંભળે તો શું કરવું. (લૂક ૯:૨-૫) ઈસુએ કહ્યું હતું કે “બધી પ્રજાઓને સાક્ષી” આપવામાં આવશે. એનાથી જાણવા મળે છે કે પ્રચારકામ દુનિયાના ખૂણે ખૂણે કરવામાં આવશે. (માથ. ૨૪:૧૪; પ્રે.કા. ૧:૮) લોકો સાંભળે કે ન સાંભળે, ઈસુના શિષ્યોએ ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરવાનો હતો. એ પણ જણાવવાનું હતું કે એ રાજ્ય લોકો માટે કેવા આશીર્વાદો લાવશે.

૪. માથ્થી ૨૮:૧૮-૨૦ પ્રમાણે આપણે પ્રચાર કરવાની સાથે સાથે બીજું શું કરવાનું છે?

ઈસુએ આપેલી આજ્ઞાનો બીજો ભાગ શું હતો? શિષ્ય બનાવવાનું કામ. અમુક લોકો કહે છે કે એ કામ ફક્ત પહેલી સદીના ખ્રિસ્તીઓએ કરવાનું હતું, પણ એવું નથી. કારણ કે ઈસુએ કહ્યું હતું કે “દુનિયાના અંત સુધી” એટલે કે આપણા સમય સુધી એ કામ ચાલશે. (માથ્થી ૨૮:૧૮-૨૦ વાંચો.) ઈસુ ૫૦૦ કરતાં વધારે શિષ્યોને દેખાયા ત્યારે કદાચ તેમણે એ આજ્ઞા આપી હતી. (૧ કોરીં. ૧૫:૬) યોહાનને આપેલા પ્રકટીકરણમાં પણ ઈસુએ સાફ સાફ જણાવ્યું કે તે શું ચાહે છે. એ જ કે તેમના બધા શિષ્યો બીજાઓને યહોવા વિશે શીખવે.—પ્રકટી. ૨૨:૧૭.

૫. પ્રેરિત પાઉલે કઈ રીતે સમજાવ્યું કે પ્રચાર અને શીખવવાનું કામ બંને જરૂરી છે?

પ્રેરિત પાઉલે શિષ્ય બનાવવાના કામને ખેતીવાડીના કામ સાથે સરખાવ્યું. તેમણે કોરીંથ મંડળનાં ભાઈ-બહેનોને કહ્યું: “મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, . . . તમે ઈશ્વરનું ખેતર છો જેને તે ખેડી રહ્યા છે.” (૧ કોરીંથીઓ ૩:૬-૯ વાંચો.) એનાથી ખબર પડે છે કે બી રોપવું જ પૂરતું નથી, એને પાણી પાવું પણ ખૂબ જરૂરી છે. આમ જોવા મળે છે કે આપણે ‘ઈશ્વરના ખેતરના’ કામદારો છીએ. આપણે પ્રચાર કરીએ છીએ ત્યારે જાણે બી રોપવાનું કામ કરીએ છીએ. આપણે શીખવવાનું કામ કરીએ છીએ ત્યારે એને પાણી પાવાનું કામ કરીએ છીએ. (યોહા. ૪:૩૫) આપણે સારી રીતે જાણીએ છીએ કે ઈશ્વર જ એ બીને વૃદ્ધિ આપશે એટલે કે લોકોને પોતાની તરફ દોરી લાવશે.

૬. લોકોને શીખવીએ ત્યારે કેવી મદદ કરવી જોઈએ?

આપણે એવા લોકોને શોધી રહ્યા છીએ ‘જેઓનું દિલ સારું છે જેથી તેઓ હંમેશ માટેનું જીવન મેળવી શકે.’ (પ્રે.કા. ૧૩:૪૮) આપણે ઇચ્છીએ છીએ કે તેઓ પણ ઈસુના શિષ્યો બને. એટલે આપણે તેઓને મદદ કરીએ જેથી તેઓ બાઇબલમાંથી જે શીખે એને (૧) સમજે (૨) સ્વીકારે અને (૩) એ જીવનમાં લાગુ કરે. (યોહા. ૧૭:૩; કોલો. ૨:૬, ૭; ૧ થેસ્સા. ૨:૧૩) નવા લોકો સભામાં આવે ત્યારે મંડળનાં ભાઈ-બહેનો તેઓને પ્રેમથી આવકારી શકે. (યોહા. ૧૩:૩૫) અભ્યાસ ચલાવનાર ભાઈ કે બહેન વિદ્યાર્થી માટે ઘણી મહેનત કરે છે અને સમય આપે છે, જેથી વિદ્યાર્થી પોતાની માન્યતાઓ કે રીતરિવાજો છોડી શકે જે તેનામાં “ઊંડે સુધી” ઘર કરી ગયા છે. (૨ કોરીં. ૧૦:૪, ૫) વિદ્યાર્થીને કદાચ ફેરફાર કરવામાં અને બાપ્તિસ્મા લેવામાં ઘણા મહિના લાગી જાય. પણ તેની મદદ કરવામાં આપણે જે મહેનત કરીએ છીએ એ જરૂર રંગ લાવશે.

પ્રેમ હશે તો લોકોને શીખવીશું

૭. આપણે કેમ લોકોને પ્રચાર કરીએ છીએ અને શીખવીએ છીએ?

આપણે કેમ લોકોને પ્રચાર કરીએ છીએ અને શીખવીએ છીએ? પહેલું કારણ, આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ. પ્રચારકામ અને શીખવવાના કામમાં આપણાથી બનતું બધું કરીએ છીએ ત્યારે દેખાય આવે છે કે આપણને યહોવા માટે પ્રેમ છે. (૧ યોહા. ૫:૩) જરા વિચારો, યહોવા માટે પ્રેમ હોવાને લીધે તમે પ્રચાર કરવાનું શરૂ કર્યુ હતું. પહેલી વખત પ્રચારમાં જવાનું સહેલું નહિ રહ્યું હોય, તમારો પસીનો છૂટી ગયો હશે. પણ તમને ખબર હતી કે ઈસુએ પ્રચાર કરવાની આજ્ઞા આપી છે, એટલે તમે એ આજ્ઞા માનીને પ્રચાર કરવાનું શરૂ કર્યું. હવે જ્યારે બાઇબલ અભ્યાસ ચલાવવાની વાત આવે ત્યારે કદાચ તમે ડરી જાઓ. એ માટે તમે યહોવાને પ્રાર્થના કરી શકો. તે તમારો ડર દૂર કરશે અને હિંમત આપશે.

૮. બીજા કયા કારણને લીધે આપણે લોકોને શીખવીએ છીએ?

બીજું કારણ, આપણે લોકોને પ્રેમ કરીએ છીએ એટલે તેઓને સત્ય શીખવીએ છીએ. એકવાર ઈસુ અને શિષ્યો પ્રચારમાં ગયા હતા અને થાકી ગયા હતા, તેઓ થોડો આરામ કરવા માંગતા હતા. એટલામાં એક મોટું ટોળું તેમની પાછળ આવ્યું. ઈસુને તેઓ પર દયા આવી એટલે તે તેઓને “ઘણી વાતો” શીખવવા લાગ્યા. (માર્ક ૬:૩૪ વાંચો.) ઈસુને તેઓ માટે હમદર્દી થઈ. તેમણે જોયું કે તેઓ ઘણાં દુઃખી છે એટલે તે થાકેલા હોવા છતાં શીખવવા લાગ્યા. આજે પણ લોકોની હાલત એવી જ કંઈક છે. તેઓ બહારથી ખુશ લાગે છે પણ અંદરથી દુઃખી છે. તેઓ એવા ઘેટાં જેવા છે, જેઓના ઘેટાંપાળક નથી અને તેઓ અહીં-તહીં ભટકી રહ્યાં છે. એવા લોકો માટે પાઉલે પણ કહ્યું કે તેઓ પાસે કોઈ આશા નથી અને તેઓ ઈશ્વર વગરના છે. (એફે. ૨:૧૨) તેઓ એવા રસ્તે ચાલી રહ્યા છે જે “વિનાશ તરફ લઈ જાય છે.” (માથ. ૭:૧૩) આપણે લોકોના સંજોગો સમજીએ ત્યારે, જોઈ શકીએ છીએ કે તેઓને ઈશ્વર વિશે શીખવવાની જરૂર છે. આપણા દિલમાં તેઓ માટે પ્રેમ અને દયા ઊભરાય આવે છે. એટલે આપણે તેઓને મદદ કરવા માંગીએ છીએ. તેઓને મદદ કરવાની સૌથી સારી રીત છે કે આપણે તેઓને બાઇબલમાંથી શીખવીએ.

૯. ફિલિપીઓ ૨:૧૩ પ્રમાણે યહોવા આપણને કઈ રીતે મદદ કરશે?

કદાચ તમને બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં ડર લાગે. તમને થાય કે એ માટે બાઇબલ વિદ્યાર્થીને ઘણો સમય આપવો પડશે અને બાઇબલ અભ્યાસ માટે ઘણી તૈયારી કરવી પડશે. જો એમ હોય તો યહોવાને તમારા દિલની લાગણી જણાવો. તેમને જણાવો કે તમારા દિલમાં એવી ઇચ્છા પેદા કરે કે તમે બાઇબલ અભ્યાસ શોધી શકો અને ચલાવી શકો. (ફિલિપીઓ ૨:૧૩ વાંચો.) પ્રેરિત યોહાને જણાવ્યું કે જો યહોવાની ઇચ્છા પ્રમાણે માંગશો તો તે ચોક્કસ આપશે. (૧ યોહા. ૫:૧૪, ૧૫) યહોવા તમારી પ્રાર્થના સાંભળશે અને લોકોને શીખવવા તમારા દિલમાં ઇચ્છા પેદા કરશે.

બીજી મુશ્કેલીઓ કઈ રીતે દૂર કરી શકીએ?

૧૦-૧૧. અમુક ભાઈ-બહેનો બાઇબલ અભ્યાસ ચલાવવા કેમ આનાકાની કરે છે?

૧૦ શીખવવાનું કામ સહેલું નથી, પણ આપણે જાણીએ છીએ કે એ ખૂબ મહત્ત્વનું છે. ચાલો જોઈએ કે એ કામમાં કઈ મુશ્કેલીઓ આવે છે અને કઈ રીતે એને દૂર કરી શકીએ.

૧૧ આપણા સંજોગોને લીધે ચાહીએ એટલું કરી ન શકીએ. દાખલા તરીકે, અમુક પ્રચારકો ઢળતી ઉંમરના કે બીમાર છે. શું તમારા સંજોગો પણ એવા છે? જો એમ હોય તો કોવિડ-૧૯ મહામારીમાંથી જે શીખ્યા એનો વિચાર કરો. આપણે ઘરે બેઠા ફોન અથવા બીજાં ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા બાઇબલ અભ્યાસ ચલાવી શકીએ છીએ. એ સાધનો દ્વારા અભ્યાસ ચલાવવામાં બીજો પણ એક ફાયદો છે. ધારો કે એક વ્યક્તિને બાઇબલમાંથી શીખવાનું મન છે. પણ દિવસે મોટા ભાગનાં ભાઈ-બહેનો પ્રચાર કરે ત્યારે એ વ્યક્તિ અભ્યાસ માટે સમય નથી આપી શકતી. તેની પાસે વહેલી સવારે અથવા મોડી રાતે સમય છે. શું તમે એ સમયે તેની સાથે અભ્યાસ કરી શકો? ઈસુ નિકોદેમસને મોડી રાતે શીખવતા હતા. કારણ કે, તે રાતના સમયે ઈસુ પાસે આવતા હતા.—યોહા. ૩:૧, ૨.

૧૨. બાઇબલ અભ્યાસ ચલાવવા કઈ ત્રણ વાતોથી આપણને હિંમત મળશે?

૧૨ આપણને લાગે કે બાઇબલ અભ્યાસ નહિ ચલાવી શકીએ. આપણને એવું લાગતું હોય કે બાઇબલ અભ્યાસ ચલાવવા માટે પહેલા આપણી પાસે સારું જ્ઞાન અને આવડત હોવાં જોઈએ. જો એમ હોય તો આ ત્રણ વાતોથી તમને હિંમત મળશે. પહેલું, યહોવાને તમારા પર ભરોસો છે, તે જાણે છે કે તમે બીજાઓને શીખવી શકો છો. (૨ કોરીં. ૩:૫) બીજું, શિષ્ય બનાવવાનું કામ ઈસુએ તમને સોંપ્યું છે, જેમને ‘સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર આપવામાં આવ્યો છે.’ (માથ. ૨૮:૧૮) ત્રીજું, તમે બીજાં ભાઈ-બહેનોની મદદ લઈ શકો. ઈસુએ પણ પોતાના પિતાની મદદ લીધી હતી. તેમના પિતાએ જે શીખવ્યું હતું એ જ તે બીજાને શીખવતા હતા. (યોહા. ૮:૨૮; ૧૨:૪૯) એટલું જ નહિ તમે ગ્રૂપ નિરીક્ષક, પાયોનિયરો અને અનુભવી પ્રકાશકોની મદદ લઈ શકો, જેથી તમે અભ્યાસ શરૂ કરી શકો અને ચલાવી શકો. તમે તેઓના બાઇબલ અભ્યાસમાં પણ જઈ શકો. તેઓ પાસેથી શીખીને તમને હિંમત મળશે.

૧૩. આપણે નવી રીતો વાપરવા કેમ તૈયાર રહેવું જોઈએ?

૧૩ નવી રીત કે નવા પ્રકાશનો વાપરવાં અઘરું લાગે. હવે અભ્યાસ ચલાવવાની આપણી રીત બદલાઈ ગઈ છે. આપણે દુઃખ જશે સુખ આવશે પુસ્તકમાંથી શીખવીએ છીએ. વિદ્યાર્થીને શીખવતા પહેલાં આપણે એની સારી તૈયારી કરીએ છીએ. આપણે વિદ્યાર્થી સાથે હવે ઓછા ફકરાઓ વાંચીએ છીએ, પણ એ વિશે વાત વધારે કરીએ છીએ. આપણે વિદ્યાર્થીને JW લાઇબ્રેરી પરથી વીડિયો અને પ્રકાશનો બતાવીએ છીએ. જો એનો ઉપયોગ કરવાનું આપણને ફાવતું ન હોય, તો બીજાની મદદ લઈ શકીએ છીએ. આપણને એ જ કરવાનું ગમે છે જે આપણે પહેલેથી કરતા આવ્યા છીએ. એટલે નવી રીતો વાપરવી અઘરું લાગે, પણ યહોવા અને ભાઈ-બહેનોની મદદથી આપણે નવી રીતો વાપરવાનું શીખી શકીએ છીએ. એવું કરવાથી અભ્યાસ ચલાવવાનું પણ આપણને ગમવા લાગશે. એક પાયોનિયર ભાઈએ કહ્યું તેમ એ રીતે અભ્યાસ ચલાવવાથી વિદ્યાર્થી અને શિક્ષક બંનેને મજા આવશે.

૧૪. (ક) બાઇબલ અભ્યાસ શરૂ કરવાનું અઘરું લાગતું હોય તો કેમ હિંમત ન હારવી જોઈએ? (ખ) પહેલો કોરીંથીઓ ૩:૬, ૭માંથી આપણને કઈ રીતે રાહત મળે છે?

૧૪ જે વિસ્તારમાં પ્રચાર કરતા હોઈએ ત્યાં બાઇબલ અભ્યાસ મેળવવો મુશ્કેલ હોય. લોકો આપણું ન સાંભળે કે આપણો વિરોધ કરે, પણ આપણે હિંમત ન હારવી જોઈએ. દુનિયામાં તો એટલી અંધાધૂંધી ચાલી રહી છે કે લોકોના સંજોગો પળભરમાં બદલાઈ જાય છે. જેઓ આજે સત્યમાં રસ નથી બતાવતા તેઓને કાલે કદાચ ઈશ્વર વિશે જાણવાની ઇચ્છા થાય. (માથ. ૫:૩) અમુક લોકોએ શરૂઆતમાં આપણું સાહિત્ય સ્વીકાર્યું ન હતું, પણ આગળ જતાં તેઓએ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. આપણે જાણીએ છીએ કે યહોવા ફસલના માલિક છે. (માથ. ૯:૩૮) તે ચાહે છે કે આપણે બી રોપીએ અને પાણી પાઈએ પણ વૃદ્ધિ આપવાનું કામ તેમનું છે. (૧ કોરીં. ૩:૬, ૭) ભલે આજે આપણી પાસે અભ્યાસ ન હોય, પણ યહોવા આપણી મહેનત જુએ છે અને ઈનામ આપે છે. એ જાણીને આપણને કેટલી રાહત મળે છે! *

શિષ્ય બનાવવાના કામમાં ખુશી મેળવીએ

આપણે પ્રચાર કરીએ છીએ અને કોઈને સત્ય શીખવીએ છીએ ત્યારે, તેનું જીવન બદલાય જાય છે (ફકરા ૧૫-૧૭ જુઓ) *

૧૫. એક વ્યક્તિ સત્યમાં આવે અને બીજાઓને શીખવે ત્યારે યહોવાને કેવું લાગે છે?

૧૫ એક વ્યક્તિ સત્યમાં આવે અને બીજાઓને શીખવવા લાગે ત્યારે યહોવાનું દિલ ખુશીથી ઊભરાય જાય છે. (નીતિ. ૨૩:૧૫, ૧૬) પણ આજે જે થઈ રહ્યું છે એ જોઈને તો યહોવાને વધારે ખુશી થતી હશે. દાખલા તરીકે, ૨૦૨૦ના સેવા વર્ષ દરમિયાન આખી દુનિયામાં મહામારી ફેલાઈ હતી. તેમ છતાં, ૭૭,૦૫,૭૬૫ લોકોનો બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવ્યો અને ૨,૪૧,૯૯૪ લોકોએ બાપ્તિસ્મા લીધું. જેઓ બાપ્તિસ્મા લઈને શિષ્યો બન્યા હવે તેઓ બીજાઓને શીખવશે અને શિષ્યો બનાવશે. (લૂક ૬:૪૦) આપણે ખાતરી રાખી શકીએ કે આપણે બીજાઓને સત્ય શીખવીએ છીએ ત્યારે યહોવાને ઘણી ખુશી થાય છે.

૧૬. આપણે કેવો ધ્યેય રાખી શકીએ?

૧૬ શિષ્ય બનાવવાનું કામ ઘણી મહેનત માંગી લે છે. પણ આપણે યહોવાની મદદથી વ્યક્તિને યહોવાને પ્રેમ કરવાનું શીખવી શકીએ છીએ. શું આપણે ઓછામાં ઓછો એક બાઇબલ અભ્યાસ ચલાવવાનો ધ્યેય રાખી શકીએ? આપણે કોઈને મળીએ ત્યારે તક જોઈને પૂછી શકીએ કે શું તેને બાઇબલ અભ્યાસ કરવો ગમશે? આપણે બનતું બધું જ કરીએ અને યહોવા એના પર જરૂર આશીર્વાદ આપશે.

૧૭. બીજાઓનો અભ્યાસ ચલાવીએ છીએ ત્યારે આપણને કેવું લાગે છે?

૧૭ યહોવાએ આપણને પ્રચાર કરવાનો અને બીજાઓને શીખવવાનો સરસ લહાવો આપ્યો છે. એ કામમાં આપણને ખરી ખુશી મળે છે. પ્રેરિત પાઉલે પણ થેસ્સાલોનિકામાં રહેતા ઘણા લોકોને ઈસુના શિષ્ય બનવા મદદ કરી હતી. તેઓ વિશે તેમણે કહ્યું, “આપણા માલિક ઈસુની હાજરી દરમિયાન અમારી આશા કે આનંદ કે ગર્વનો મુગટ શું છે? શું એ તમે નથી? તમે જ અમારો મહિમા અને આનંદ છો.” (૧ થેસ્સા. ૨:૧૯, ૨૦; પ્રે.કા. ૧૭:૧-૪) આજે પણ ઘણા લોકોને એવું જ લાગે છે. સ્ટેફનીબહેન અને તેમનાં પતિએ ઘણા લોકોને સત્ય શીખવા મદદ કરી છે. સ્ટેફનીબહેન કહે છે, “બીજાઓને પોતાનું જીવન યહોવાને સમર્પણ કરવા આપણે મદદ કરીએ છીએ ત્યારે અનેરી ખુશી મળે છે. એની તોલે તો બીજું કંઈ જ ન આવે.”

ગીત ૧૪૨ દરેકને જણાવ્યે

^ ફકરો. 5 યહોવાએ આપણને ફક્ત પ્રચાર કરવાનું જ નહિ પણ શીખવવાનું કામ પણ સોંપ્યું છે, જેથી લોકો ઈસુના શિષ્યો બની શકે. આ લેખમાં આપણે ત્રણ સવાલો પર ચર્ચા કરીશું. (૧) આપણે એ કામ કેમ કરીએ છીએ? (૨) શિષ્યો બનાવવાના કામમાં આપણને કેવી મુશ્કેલીઓ આવે છે? (૩) એ મુશ્કેલીઓને આપણે કઈ રીતે દૂર કરી શકીએ?

^ ફકરો. 14 શિષ્ય બનાવવાના કામ વિશે વધુ જાણવા માર્ચ ૨૦૨૧, ચોકીબુરજનો આ લેખ જુઓ: “મંડળ કઈ રીતે બાઇબલ વિદ્યાર્થીને મદદ કરી શકે.

^ ફકરો. 53 ચિત્રની સમજ: બાઇબલ અભ્યાસ કરવાથી એક વ્યક્તિનું જીવન બદલાય જાય છે: શરૂઆતમાં તે યહોવાથી અજાણ હોય છે, તેનું જીવન દિશા વગરનું હોય છે. સાક્ષીઓ તેને મળે છે અને તે બાઇબલ અભ્યાસ કરે છે. થોડા સમય પછી તે સમર્પણ કરીને બાપ્તિસ્મા લે છે. સમય જતાં તે પણ શિષ્ય બનાવવાનું કામ કરવા લાગે છે. આખરે બાગ જેવી નવી દુનિયામાં તેઓ બધા સુખચેનથી જીવે છે.