સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૮

હરીફાઈ કરવા એકબીજાને ઉશ્કેરીએ નહિ, શાંતિ જાળવીએ

હરીફાઈ કરવા એકબીજાને ઉશ્કેરીએ નહિ, શાંતિ જાળવીએ

“આપણે ઘમંડી બનીએ નહિ, હરીફાઈ કરવા એકબીજાને ઉશ્કેરીએ નહિ અને એકબીજાની અદેખાઈ કરીએ નહિ.”—ગલા. ૫:૨૬.

ગીત ૫૩ સંપીને રહીએ

ઝલક *

. લોકો બીજાઓથી આગળ નીકળવા હરીફાઈ કરે ત્યારે શું થાય છે?

આજે દુનિયામાં લોકો બીજાઓથી આગળ નીકળવા હરીફાઈ કરે છે. જેમ કે અમુક બિઝનેસમૅન પોતાના ફાયદા માટે બીજાઓને ગમે એ હદે નુકસાન પહોંચાડે છે. અમુક ખેલાડીઓ બીજા ખેલાડીને જાણીજોઈને ઈજા પહોંચાડે છે, જેથી તેઓ જીતી જાય. સ્કૂલના અમુક બાળકો સારી કૉલેજમાં એડમિશન મેળવવા પરીક્ષામાં ચોરી કરે છે. પણ ઈશ્વરભક્તો જાણે છે કે એ બધું ખોટું છે અને એ “શરીરનાં કામો” છે. (ગલા. ૫:૧૯-૨૧) મંડળમાં અમુક ભાઈ-બહેનો પોતાને ચઢિયાતા સમજે અને અજાણતા બીજાઓને હરીફાઈ કરવા ઉશ્કેરે તો શું થશે? એનાથી તો મંડળની એકતા ખોરવાશે.

. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આ લેખમાં આપણે જોઈશું કે કયા કારણોને લીધે આપણે પોતાને ચઢિયાતા સમજી શકીએ અને બીજાઓથી આગળ નીકળવાની દોડ લગાવી શકીએ. આપણે બાઇબલના અમુક ઈશ્વરભક્તોના દાખલા પણ જોઈશું, જેઓએ બીજાઓ સાથે હરીફાઈ કરી ન હતી. પણ ચાલો, સૌથી પહેલા જોઈએ કે આપણામાં એવી ભાવના ક્યાંથી આવે છે?

પોતાને તપાસીએ

૩. આપણે પોતાને કયા સવાલો પૂછવા જોઈએ?

આપણે અવારનવાર પોતાને અમુક સવાલ પૂછવા જોઈએ. જેમ કે, “શું મને ત્યારે જ સારું લાગે છે જ્યારે મારામાં બીજાઓ કરતાં સારી આવડત હોય? શું હું બીજાઓનું ધ્યાન ખેંચવા મંડળમાં મહેનત કરું છું? કે પછી યહોવાને ખુશ કરવા હું મહેનત કરું છું?” એવા સવાલો પૂછવા સારું છે. ચાલો જોઈએ એ વિશે બાઇબલ શું કહે છે.

૪. આપણે કેમ પોતાને બીજાઓ સાથે ન સરખાવવા જોઈએ?

બાઇબલ જણાવે છે કે આપણે પોતાને બીજાઓ સાથે ન સરખાવવા જોઈએ. (ગલાતીઓ ૬:૩, ૪ વાંચો.) શા માટે? એનું એક કારણ છે, જો આપણે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણીશું તો ઘમંડી બની જઈશું. બીજું કારણ, જો એમ વિચારીશું કે ભાઈ-બહેનોની સરખામણીમાં આપણે કંઈ જ નથી કરતા તો નિરાશ થઈ જઈશું. એ બંને રીતે વિચારવું ખોટું છે. (રોમ. ૧૨:૩) ગ્રીસમાં રહેતા કેટરીનાબહેન * કહે છે, “હું જોતી કે બીજી બહેનો મારાથી વધારે સુંદર છે, સારી રીતે પ્રચાર કરે છે અને તેઓના ઘણા મિત્રો છે ત્યારે, ઘણી નિરાશ થઈ જતી. મને લાગતું કે હું કંઈ જ કામની નથી.” પણ આપણે હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણને તેમની પાસે દોરી લાવ્યા છે. તે આપણને એટલે નથી દોરી લાવ્યા કે આપણે સુંદર છીએ કે આપણે સારી વાતો કરીએ છીએ કે આપણા ઘણા મિત્રો છે. પણ તેમણે જોયું કે આપણે તેમને પ્રેમ કરવા અને તેમના દીકરાનું સાંભળવા તૈયાર છીએ.—યોહા. ૬:૪૪; ૧ કોરીં. ૧:૨૬-૩૧.

૫. હ્યુનભાઈ પાસેથી આપણે શું શીખી શકીએ?

આપણે પોતાને બીજો એક સવાલ પણ કરવો જોઈએ: “શું હું ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવું છું કે વાતે વાતે દલીલો કરું છું?” ચાલો દક્ષિણ કોરિયામાં રહેતા હ્યુનભાઈનો દાખલો જોઈએ. એક સમયે તે એવા ભાઈઓની ઈર્ષા કરવા લાગ્યા જેઓ પાસે મંડળમાં જવાબદારી હતી. તે કહે છે, “હું ભાઈઓના કામમાં વાંધાવચકા કાઢતો, તેઓ સાથે દલીલોમાં ઊતરી જતો. એના લીધે મંડળમાં ભાગલા પડી ગયા.” પછી હ્યુનભાઈના મિત્રોએ તેમને સમજાવ્યા, તેમની ભૂલો બતાવી. ભાઈએ પોતાના વિચારો બદલ્યા. હવે તે વડીલ તરીકેની પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. જો આપણને પણ લાગે કે આપણા લીધે ભાઈ-બહેનો એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા છે તો શું કરીશું? આપણે તરત પોતાને બદલવા જોઈએ અને મંડળમાં સુલેહ-શાંતિ જાળવવા પ્રયત્ન કરવો જોઈએ.

ઘમંડ અને ઈર્ષા ન કરીએ

૬. ગલાતીઓ ૫:૨૬ પ્રમાણે હરીફાઈની ભાવના કઈ રીતે આવે છે?

ગલાતીઓ ૫:૨૬ વાંચો. મંડળમાં હરીફાઈની ભાવના ઘમંડ અને ઈર્ષાને લીધે આવે છે. ઘમંડી વ્યક્તિ પોતાનો જ વિચાર કરે છે. ઈર્ષાળુ વ્યક્તિ વિચારે છે કે જે બીજા પાસે હોય એ પોતાની પાસે પણ હોય. અરે, તે બીજાઓની વસ્તુ પણ છીનવી લેવાની કોશિશ કરે છે. ખરેખર તો ઈર્ષા એક પ્રકારની નફરત છે. આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણામાં ઘમંડ અને ઈર્ષા ન આવે.

૭. દાખલો આપી સમજાવો કે ઘમંડ અને ઈર્ષા કેમ ખતરનાક છે?

ઘમંડ અને ઈર્ષા ખતરનાક છે. એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. ઊધઈ લાકડાંને અંદરથી પોલા કરી નાંખે છે. થોડા સમય પછી લાકડું તૂટી જાય છે. એવી જ રીતે, ઘમંડ અને ઈર્ષા માણસને યહોવાની ભક્તિમાં ઠંડો પાડી દે છે. તે થોડો સમય યહોવાની ભક્તિ કરશે, પણ લાંબો સમય નહિ કરી શકે. (નીતિ. ૧૬:૧૮) તે યહોવાની ભક્તિ કરવાનું છોડી દેશે. તે પોતાની સાથે બીજાઓને પણ નુકસાન કરશે. આપણામાં ઘમંડ અને ઈર્ષા ન આવે માટે શું કરી શકીએ?

૮. કઈ સલાહ માનવાથી આપણે ઘમંડી નહિ બનીએ?

પાઉલે ફિલિપીઓને જે સલાહ આપી, એને માનીશું તો આપણે ઘમંડી નહિ બનીએ. તેમણે કહ્યું હતું, “અદેખાઈને લીધે કે અભિમાનને લીધે કંઈ ન કરો, પણ નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.” (ફિલિ. ૨:૩) જો બીજાઓને ચઢિયાતા ગણીશું, તો આપણાથી વધારે આવડતોવાળાં ભાઈ-બહેનો સાથે હરીફાઈ નહિ કરીએ. એના બદલે આપણે ખુશ થઈશું કે તેઓ પોતાની આવડતનો ઉપયોગ યહોવાની સેવામાં કરી રહ્યા છે. બીજી બાજુ, સારી આવડતોવાળાં ભાઈ-બહેનો પાઉલની સલાહ માનશે તો, તેઓ આપણામાં સારા ગુણો જોઈ શકશે. આમ, મંડળની શાંતિ અને એકતા જળવાઈ રહેશે.

૯. ઈર્ષા ન કરવા આપણે શું કરી શકીએ?

જો આપણામાં મર્યાદાનો ગુણ હશે તો બીજાઓની ઈર્ષા નહિ કરીએ, આપણે પોતાની હદમાં રહીશું. દરેક વાતમાં પોતાનો જ કક્કો ખરો નહિ કરીએ. એવું સાબિત કરવાનો પ્રયત્ન નહિ કરીએ કે આપણામાં બીજાઓ કરતાં સારી આવડત છે. એને બદલે, આપણે તેઓ પાસેથી શીખવાનો પ્રયત્ન કરીશું. દાખલા તરીકે, એક ભાઈ સારું પ્રવચન આપે છે તો, આપણે તેમને પૂછીએ કે તે એની તૈયારી કઈ રીતે કરે છે. એક બહેન સારી રસોઈ બનાવે છે તો, આપણે તેની પાસેથી રસોઈ બનાવવાનું શીખી શકીએ. જો કોઈ ભાઈ કે બહેનને દોસ્તો બનાવવા અઘરું લાગે તો તે શું કરી શકે? તે એવી વ્યક્તિની સલાહ લેશે જેના ઘણા દોસ્તો છે. આમ, આપણે બધા પોતાની આવડત સુધારીશું અને બીજાઓની ઈર્ષા નહિ કરીએ.

ઈશ્વરભક્તોના દાખલામાંથી શીખીએ

ગિદિયોન નમ્ર હતા એટલે એફ્રાઈમના લોકો સાથે શાંતિ જાળવી શક્યા (ફકરા ૧૦-૧૨ જુઓ)

૧૦. ગિદિયોને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો?

૧૦ ચાલો જોઈએ કે ગિદિયોન અને એફ્રાઈમ કુળના લોકો સાથે શું થયું હતું. ગિદિયોન મનાશ્શા કુળના હતા. યહોવાએ ગિદિયોન અને તેમના ૩૦૦ માણસોને જીત અપાવી હતી. એ માટે ગિદિયોનના વખાણ કરવાને બદલે એફ્રાઈમના લોકો તેમની સાથે ઝઘડવા લાગ્યા. તેઓને એ વાતનું ખોટું લાગ્યું કે ગિદિયોન લડાઈમાં શરૂઆતથી તેઓને સાથે કેમ ન લઈ ગયા. તેઓને લાગ્યું કે લોકો તેઓના કુળને નીચી નજરે જોશે. પણ તેઓ એક વાત સમજવાનું ચૂકી ગયા. એ જ કે ગિદિયોને જે કર્યું, એનાથી યહોવાના નામને મહિમા મળ્યો અને લોકોની રક્ષા થઈ.—ન્યા. ૮:૧.

૧૧. વાત વધારે ન બગડે માટે ગિદિયોને શું કર્યુ?

૧૧ ગિદિયોને એફ્રાઈમના લોકોને કહ્યું કે “તમારી સરખામણીમાં મેં ક્યાં કંઈ મોટું કામ કર્યુ છે?” તેમણે તેઓને એ યાદ અપાવ્યું કે યહોવાએ તેઓનો ઉપયોગ કરીને કેવાં મોટાં મોટાં કામો કર્યા હતા. એ સાંભળીને તેઓ “ઠંડા પડ્યા.” (ન્યા. ૮:૨, ૩) ગિદિયોન નહોતા ઇચ્છતા કે વાત વધારે બગડે માટે તેમણે નમ્ર બનીને શાંતિ જાળવી રાખી.

૧૨. એફ્રાઈમના લોકો અને ગિદિયોન પાસેથી આપણે શું શીખી શકીએ?

૧૨ એ બનાવથી આપણે શું શીખી શકીએ? એફ્રાઈમના લોકો પાસેથી શીખી શકીએ કે આપણે પોતાનો નહિ, પણ યહોવાના માન-સન્માનનો વિચાર કરવો જોઈએ. જો આપણે વડીલ કે કુટુંબના શિર હોઈએ તો ગિદિયોન પાસેથી પણ શીખી શકીએ. જ્યારે આપણા લીધે કોઈને ખોટું લાગે ત્યારે બાબતોને તેમની નજરે જોઈએ. આપણે એ વ્યક્તિના સારાં કામોના વખાણ કરીએ. એમ કરવા આપણામાં નમ્રતાનો ગુણ હોવો જોઈએ. ખાસ તો જ્યારે ભૂલ સામેવાળા વ્યક્તિની હોય. આપણે સાચા છીએ કે ખોટા એ સાબિત કરવું જરૂરી નથી. જરૂરી એ છે કે ભાઈ-બહેનો સાથે આપણો સંબંધ સારો હોય.

હાન્‍નાને ભરોસો હતો કે યહોવા બધું ઠીક કરશે એટલે તેને મનની શાંતિ મળી (ફકરા ૧૩-૧૪ જુઓ)

૧૩. (ક) હાન્‍નાને કઈ મુશ્કેલી હતી? (ખ) તેણે શું કર્યુ?

૧૩ ચાલો હાન્‍ના વિશે જોઈએ. તેના લગ્‍ન લેવી કુળના એલ્કાનાહ સાથે થયા હતા. એલ્કાનાહની બીજી પત્ની પણ હતી, જેનું નામ પનિન્‍ના હતું. એલ્કાનાહ પનિન્‍ના કરતાં હાન્‍નાને વધારે પ્રેમ કરતા હતા. “પનિન્‍નાને બાળકો હતાં, પણ હાન્‍નાને કોઈ બાળક ન હતું.” એટલે પનિન્‍ના “તેને દુઃખી કરવા વારંવાર મહેણાં મારતી.” હાન્‍ના એનાથી ઘણી દુઃખી રહેતી. બાઇબલમાં જણાવ્યું છે કે “તે બસ રડ્યા જ કરતી અને કંઈ ખાતી નહિ.” (૧ શમુ. ૧:૨, ૬, ૭) આપણને ક્યાંય વાંચવા નથી મળતું કે તેણે ક્યારેય પનિન્‍ના સાથે બદલો લીધો હોય. તેણે તો યહોવા આગળ પોતાનું દિલ ઠાલવી દીધું અને ભરોસો રાખ્યો કે તે બધું ઠીક કરશે. બાઇબલમાં એવું જણાવ્યું નથી કે પનિન્‍નાએ હાન્‍નાને મહેણાં મારવાનું છોડી દીધું. પણ આપણે એટલું જાણીએ છીએ કે હાન્‍ના ખુશ રહેવા લાગી અને તેને મનની શાંતિ મળી. બાઇબલમાં આગળ જણાવ્યું છે કે “તેનો ચહેરો ફરી ઉદાસ રહ્યો નહિ.”—૧ શમુ. ૧:૧૦, ૧૮.

૧૪. હાન્‍ના પાસેથી શું શીખી શકીએ?

૧૪ હાન્‍ના પાસેથી શું શીખી શકીએ? કોઈ વ્યક્તિ આપણી સાથે હરીફાઈ કરવાની કોશિશ કરે ત્યારે સંજોગોને બગડતા રોકી શકીએ છીએ. કઈ રીતે? આપણે એ વાતને વધારે મહત્ત્વ ન આપીએ. આપણે બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળીએ પણ શાંતિ જાળવીએ. (રોમ. ૧૨:૧૭-૨૧) પછી ભલે એ વ્યક્તિ ન બદલાય, પણ આપણું મન શાંત રહેશે અને આપણે ખુશ રહીશું.

અપોલોસ અને પાઉલ જાણતા હતા કે યહોવાની મદદથી તેઓ સેવાકાર્ય કરી શકે છે, એટલે તેઓ એકબીજાની ઈર્ષા કરતા ન હતા (ફકરા ૧૫-૧૮ જુઓ)

૧૫. કઈ વાતમાં અપોલોસ અને પાઉલ એક જેવા હતા?

૧૫ ચાલો જોઈએ, અપોલોસ અને પ્રેરિત પાઉલ પાસેથી આપણે શું શીખી શકીએ. તેઓ બંને પાસે શાસ્ત્રનું સારુ જ્ઞાન હતું. લોકો તેઓને સારી રીતે ઓળખતા હતા. તેઓ લોકોને સારી રીતે શીખવતા પણ હતા. તેઓએ ઘણાને શિષ્યો બનાવ્યા હતા. તેમ છતાં, તેઓ એકબીજાની ઈર્ષા નહોતા કરતા.

૧૬. અપોલોસ વિશે થોડું જણાવો.

૧૬ અપોલોસ ‘એલેકઝાંડ્રિયાના વતની હતા.’ પહેલી સદીમાં લોકો એ શહેરમાં મળવા માટે આવતા હતા. અપોલોસ ‘કુશળ વક્તા હતા અને શાસ્ત્રવચનોના સારા જાણકાર હતા.’ (પ્રે.કા. ૧૮:૨૪) થોડાક સમય માટે તે કોરીંથ શહેરમાં હતા. એ સમયે અમુક લોકો પાઉલ અને બીજા ભાઈઓ કરતાં અપોલોસને વધારે પસંદ કરતા હતા. (૧ કોરીં. ૧:૧૨, ૧૩) પણ અપોલોસે એ વાતને વધારે મહત્ત્વ આપ્યું નહિ. એટલે પાઉલે બીજી વાર તેમને કોરીંથ મોકલ્યા. (૧ કોરીં. ૧૬:૧૨) જો તેમણે મંડળમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો હોત, તો પાઉલે તેમને બીજી વાર ન મોકલ્યા હોત. અપોલોસે પોતાની આવડતનો ઉપયોગ પ્રચારમાં અને ભાઈ-બહેનોની હિંમત વધારવામાં કર્યો. અપોલોસ નમ્ર હતા. જ્યારે પ્રિસ્કિલા અને આકુલાએ ‘તેમને ઈશ્વરના માર્ગ વિશે વધારે ચોકસાઈથી સમજાવ્યું’ ત્યારે તેમણે ખોટું લગાડ્યું નહિ.—પ્રે.કા. ૧૮:૨૪-૨૮.

૧૭. પાઉલે શાંતિ જાળવવા શું કર્યુ?

૧૭ પ્રેરિત પાઉલ સારી રીતે જાણતા હતા કે અપોલોસે કેટલાં સારાં કામો કર્યા છે. તેમને એવો ડર ન હતો કે અપોલોસ તેમનાથી આગળ નીકળી જશે. તેમણે કોરીંથ મંડળને જે લખ્યું એનાથી જોઈ શકીએ છીએ કે પાઉલ કેટલા નમ્ર હતા અને પોતાની હદ જાણતા હતા. મંડળના લોકોએ કહ્યું, “હું પાઉલનો છું” ત્યારે તે ખુશીથી ફુલાઈ ગયા નહિ. એના બદલે તેમણે તેઓને સમજાવ્યા. તેમણે લોકોનું ધ્યાન યહોવા અને ઈસુ તરફ દોર્યું.—૧ કોરીં. ૩:૩-૬.

૧૮. પહેલો કોરીંથીઓ ૪:૬, ૭માંથી પ્રેરિત પાઉલ અને અપોલોસ વિશે શું શીખી શકીએ?

૧૮ આપણે પાઉલ અને અપોલોસ પાસેથી શું શીખી શકીએ? બની શકે કે આપણે યહોવાની સેવામાં ઘણી મહેનત કરતા હોય. આપણે ઘણા લોકોને સત્ય આપ્યું હોય. પણ યાદ રાખીએ કે એ બધું યહોવાની મદદથી જ શક્ય બન્યું છે. એ ભાઈઓ પાસેથી આપણે બીજું પણ કંઈક શીખી શકીએ. જેઓ પાસે મંડળમાં વધારે જવાબદારી છે, તેઓએ મંડળમાં શાંતિ જાળવવા વધારે ધ્યાન આપવું જોઈએ. આપણે ખુશ છીએ કે સહાયક સેવકો અને વડીલો મંડળમાં શાંતિ જાળવવા ઘણી મહેનત કરી રહ્યા છે. તેઓ જે કંઈ સલાહ આપે છે એ બાઇબલમાંથી આપે છે. તેઓ ભાઈ-બહેનોને ઈસુની આજ્ઞા પાળવાનું કહે છે અને તેમના પગલે ચાલવાનું કહે છે.૧ કોરીંથીઓ ૪:૬, ૭ વાંચો.

૧૯. આ લેખમાંથી આપણે શું શીખ્યા? (“ બીજાઓને હરીફાઈ કરવા ઉશ્કેરીએ નહિ” બૉક્સ પણ જુઓ.)

૧૯ આપણા બધામાં કોઈને કોઈ આવડત કે હુન્‍નર છે. એનો ઉપયોગ આપણે ‘એકબીજાની સેવામાં’ કરવો જોઈએ. (૧ પિત. ૪:૧૦) આપણને લાગે કે આપણે બહુ કંઈ કરી શકતા નથી. પણ જેમ ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે નાનાં નાનાં કામોથી મંડળની શાંતિ અને એકતા જળવાઈ રહે છે. આપણે બીજાઓ કરતાં ચઢિયાતા છીએ એવો વિચાર મનમાં આવે તો એને તરત દૂર કરીએ. આમ, મંડળમાં શાંતિ અને એકતા જળવાશે.—એફે. ૪:૩.

ગીત ૧ યહોવાના ગુણો

^ ફકરો. 5 જો માટીના વાસણમાં તિરાડ પડે તો એ તૂટી શકે છે. એવી જ રીતે અમુક ભાઈ-બહેનો પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણે અને બીજાઓને હરીફાઈ કરવા ઉશ્કેરે તો મંડળની શાંતિ અને એકતા તૂટી શકે છે. આ લેખમાં જોઈશું કે આપણે કેમ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન સમજવા જોઈએ. એ પણ જોઈશું કે મંડળમાં શાંતિ રહે એ માટે આપણે શું કરી શકીએ.

^ ફકરો. 4 નામ બદલ્યાં છે.