સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૯

પોતાના કામથી ખુશી મેળવીએ

પોતાના કામથી ખુશી મેળવીએ

‘દરેક માણસ પોતાનાં જ કામોને લીધે ખુશી મેળવે. તેણે પોતાનાં કામોની સરખામણી બીજાઓ સાથે કરવી નહિ.’—ગલા. ૬:૪.

ગીત ૨૯ ચાલું તારી સંગે

ઝલક *

. યહોવા કેમ આપણને બીજાઓ સાથે સરખાવતા નથી?

યહોવાએ સૃષ્ટિ બનાવી ત્યારે બધું એકસરખું બનાવ્યું નહિ. તેમણે અલગ અલગ ઝાડ-પાન અને પ્રાણીઓ બનાવ્યાં. અરે, તેમણે માણસોને પણ અલગ અલગ બનાવ્યા. એટલે તે ક્યારેય આપણને બીજાઓ સાથે સરખાવતા નથી. યહોવા આપણું દિલ જુએ છે, આપણે અંદરથી કેવા છીએ એ જુએ છે. (૧ શમુ. ૧૬:૭) તે જાણે છે કે આપણામાં કઈ ખૂબી છે, કઈ ખામીઓ છે અને આપણો ઉછેર કઈ રીતે થયો છે. એટલે આપણે જે કરી શકીએ છીએ એનાથી વધારે તે આપણી પાસે અપેક્ષા રાખતા નથી. આપણે પણ પોતાને યહોવાની નજરે જોવા જોઈએ. એમ કરીશું તો આપણે ‘સમજુ બનીશું’ અને પોતાને ચઢિયાતા નહિ સમજીએ કે ઊતરતા પણ નહિ ગણીએ.—રોમ. ૧૨:૩.

. આપણે કેમ પોતાને બીજાઓ સાથે ન સરખાવવા જોઈએ?

બીજાઓને જોઈને શીખવામાં કંઈ ખોટું નથી. દાખલા તરીકે, જો કોઈ ભાઈ કે બહેન સારી રીતે પ્રચાર કરતા હોય, તો તેઓને જોઈને આપણે શીખી શકીએ છીએ. (હિબ્રૂ. ૧૩:૭; ફિલિ. ૩:૧૭) પણ બીજાઓને જોઈને શીખવામાં અને પોતાને બીજાઓ સાથે સરખાવવામાં ફરક છે. આપણે બીજાઓ સાથે પોતાને સરખાવીએ ત્યારે આપણને ઈર્ષા થવા લાગે અથવા આપણે નિરાશ થઈ જઈએ. આપણે કદાચ પોતાને નકામા સમજવા લાગીએ. ગયા લેખમાં શીખી ગયા તેમ, જો બીજાઓ સાથે હરીફાઈ કરીશું તો યહોવા સાથેનો આપણો સંબંધ નબળો પડી જશે. એટલે ઈશ્વર આપણને કહે છે, “દરેક માણસ પોતાનાં કામોની તપાસ કરે. આમ તેને પોતાનાં જ કામોને લીધે ખુશી મળશે. તેણે પોતાનાં કામોની સરખામણી બીજાઓ સાથે કરવી નહિ.”—ગલા. ૬:૪.

૩. તમે કઈ રીતે ખુશી મેળવી શકો?

યહોવા ચાહે છે કે આપણે તેમની સેવામાં જે કંઈ કર્યું છે એનાથી ખુશી મેળવીએ. જેમ કે, તમે બાપ્તિસ્મા લીધું હોય તો તમારે ખુશ થવું જોઈએ. કારણ કે તમે જે ધ્યેય રાખ્યો હતો એ પૂરો થયો છે. યહોવાને પ્રેમ કરતા હોવાથી જ તમે એ નિર્ણય લીધો હતો. જરા વિચારો, બાપ્તિસ્મા લીધું ત્યારથી લઈને અત્યાર સુધી તમે કઈ કઈ બાબતોમાં સુધારો કરી શક્યા છો? કદાચ તમે બાઇબલ વાંચન અને અભ્યાસ સારી રીતે કરો છો. હવે તમે દિલથી પ્રાર્થના કરો છો. (ગીત. ૧૪૧:૨) તમે સારી રીતે પ્રચાર કરવાનું શીખ્યા છો. તમે શીખવવાનાં સાધનોનો સારી રીતે ઉપયોગ કરો છો. જો તમે પરણેલા હો તો યહોવાની મદદથી સારા પતિ, પત્ની કે માબાપ બની શક્યા છો. યહોવાની સેવામાં તમે જે કંઈ કર્યું છે એનાથી ખુશ થાઓ.

૪. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

બીજાઓ પણ યહોવાની સેવામાં જે કંઈ કરી રહ્યા છે એમાંથી તેઓ ખુશી મેળવે માટે આપણે મદદ કરી શકીએ. એટલું જ નહિ, તેઓ પોતાને બીજાઓ સાથે ન સરખાવે એ માટે પણ મદદ કરી શકીએ. આ લેખમાં જોઈશું કે મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને અને પતિ-પત્ની એકબીજાને કઈ રીતે મદદ કરી શકે. એ પણ જોઈશું કે મંડળનાં ભાઈ-બહેનોને વડીલો અને બીજાં ભાઈ-બહેનો કઈ રીતે મદદ કરી શકે. આપણે બાઇબલના અમુક સિદ્ધાંતોની પણ ચર્ચા કરીશું જે પોતાની આવડત અને સંજોગો પ્રમાણે ધ્યેયો રાખવા અને પૂરા કરવા મદદ કરશે.

મમ્મી-પપ્પા અને પતિ-પત્ની શું કરી શકે?

માબાપો, તમારા દરેક બાળકની મહેનત માટે વખાણ કરો (ફકરા ૫-૬ જુઓ) *

૫. એફેસીઓ ૬:૪માં જણાવ્યા પ્રમાણે મમ્મી-પપ્પાએ શું ન કરવું જોઈએ?

મમ્મી-પપ્પાએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ એક બાળકની સરખામણી બીજા બાળક સાથે ન કરે. એક બાળક જેટલું કરી શકે એનાથી વધારે તેઓ તેની પાસે અપેક્ષા ન રાખે. જો તેઓ વધુ પડતી અપેક્ષા રાખશે તો બાળક નિરાશ થઈ જશે. (એફેસીઓ ૬:૪ વાંચો.) સાચીકોબહેન * કહે છે, “હું નાની હતી ત્યારે બધા ટીચર ચાહતા હતા કે હું બીજાં બાળકો કરતાં સારા માર્ક્સ લાવું. ટીચર તો ટીચર પણ મમ્મીનેય એવું જ હતું. તે માનતી કે એનાથી સત્યમાં નથી એવા મારા પપ્પાને અને ટીચરને સારી સાક્ષી મળશે. મમ્મી ચાહતી હતી કે સ્કૂલના ટેસ્ટમાં મારા પૂરા માર્ક્સ આવે. પણ હું જાણતી હતી કે એ મારી કેપેસિટીની બહારનું હતું. એ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં છે. આજે પણ મને અમુક વાર લાગે છે કે હું યહોવાની સેવામાં ગમે એટલું કરું તોપણ યહોવા મારાથી ખુશ નથી.”

૬. ગીતશાસ્ત્ર ૧૩૧:૧, ૨માંથી મમ્મી-પપ્પા શું શીખી શકે?

મમ્મી-પપ્પા પણ ગીતશાસ્ત્ર ૧૩૧:૧, ૨માંથી એક મહત્ત્વની વાત શીખી શકે છે. (વાંચો.) દાઉદ રાજાએ કહ્યું કે તેમણે “મોટાં મોટાં સપનાં” ન જોયાં કે એવી વસ્તુઓની ઇચ્છા ન રાખી જે તેમના ગજા બહારની હતી. દાઉદ રાજા નમ્ર હતા, એટલે તેમની પાસે જે કંઈ હતું એમાં જ તેમને સંતોષ હતો. દાઉદ રાજા પાસેથી મમ્મી-પપ્પા આજે શું શીખી શકે? મમ્મી-પપ્પાએ નમ્ર રહેવું જોઈએ. તેઓએ પોતાનાં પાસેથી અને પોતાનાં બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખવી જોઈએ. મમ્મી-પપ્પાએ જાણવું જોઈએ કે તેઓનાં બાળકો શું કરી શકશે અને શું નહિ. પછી એ પ્રમાણે બાળકોને ધ્યેય રાખવા ઉત્તેજન આપવું જોઈએ. જો મમ્મી-પપ્પા બાળકોને એ રીતે ઉત્તેજન આપતાં રહેશે તો બાળકો પોતાને નકામા નહિ સમજે. મરીનાબહેન કહે છે, “મારી મમ્મીએ ક્યારેય મારી સરખામણી મારા ત્રણ ભાઈ કે બીજા કોઈ બાળકો સાથે કરી ન હતી. તેમણે સમજાવ્યું હતું કે અમારાં બધામાં અલગ અલગ આવડતો છે. અમે બધાં યહોવા માટે બહું કીમતી છીએ. મમ્મીએ જે શીખવ્યું એના કારણે ભાગ્યે જ હું પોતાની સરખામણી બીજાઓ સાથે કરું છું.”

૭-૮. ઈશ્વરભક્ત પતિ કઈ રીતે પોતાની પત્નીનો આદર કરી શકે?

એક ઈશ્વરભક્ત પતિ પોતાની પત્નીને આદર આપશે. (૧ પિત. ૩:૭) એનો અર્થ થાય કે તે પત્નીને સમય આપશે, તેને મહત્ત્વની ગણશે અને તેની કદર કરશે. તે પોતાની પત્ની પાસેથી વધુ પડતી અપેક્ષા નહિ રાખે. તે પોતાની પત્નીને બીજી સ્ત્રીઓ સાથે સરખાવશે નહિ. પણ જો પતિ એવું કરે તો તેની પત્નીને કેવું લાગશે? એ વિશે રોસાબહેનનો દાખલો જોઈએ. તેમનાં પતિ સત્યમાં નથી અને તે રોસાબહેનને બીજી સ્ત્રીઓ સાથે સરખાવે છે. તે એવા શબ્દો બોલે છે જેનાથી રોસાબહેનનું દિલ દુભાય છે. એટલે રોસાબહેનને લાગે છે કે તે કંઈ કામના નથી. એ વિશે બહેન જણાવે છે, “હું વારંવાર પોતાને યાદ અપાવું છું કે યહોવા મારી કદર કરે છે અને મને ખૂબ પ્રેમ કરે છે.” એક ઈશ્વરભક્ત પતિ જાણે છે કે પત્નીને આદર આપશે તો, પત્ની સાથેનો અને યહોવા સાથેનો તેનો સંબંધ મજબૂત થશે. *

એક ઈશ્વરભક્ત પતિ બીજી એક રીતે પણ પોતાની પત્નીનો આદર કરી શકે છે. તેણે પોતાની પત્નીને ભરોસો અપાવો જોઈએ કે તે તેને પ્રેમ કરે છે અને તેની કદર કરે છે. તેણે બીજાઓ સામે પોતાની પત્નીના વખાણ કરવા જોઈએ. (નીતિ. ૩૧:૨૮) ગયા લેખમાં આપણે કેટરીનાબહેન વિશે જોઈ ગયાં હતાં, જે પોતાને નકામા સમજતાં હતાં. તે નાનાં હતાં ત્યારે તેમનાં મમ્મી ઘણી વાર બીજાઓ સામે તેમને ઉતારી પાડતાં. તેમનાં દોસ્તો અને બીજી છોકરીઓ જોડે તેમને સરખાવતાં. એ આદત કેટરીનાબહેનમાં પણ આવી ગઈ. તે બીજાઓ સાથે પોતાને સરખાવવાં લાગ્યાં. સત્યમાં આવ્યાં પછી પણ તે એમ કરતા હતાં. જોકે એ આદત છોડવામાં તેમને તેમનાં પતિએ મદદ કરી. કેટરીનાબહેન કહે છે, “મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે, મારાં સારાં કામો માટે મારા વખાણ કરે છે અને મારા માટે પ્રાર્થના પણ કરે છે. જ્યારે હું પોતાને નકામી સમજવા લાગુ ત્યારે તે મને યહોવાના ગુણો યાદ અપાવે છે.”

વડીલો અને બીજાં ભાઈ-બહેનો શું કરી શકે?

૯-૧૦. એક બહેનને વડીલોએ કઈ રીતે મદદ કરી?

જે ભાઈ-બહેનો પોતાને બીજાઓ સાથે સરખાવે છે તેઓને વડીલો કઈ રીતે મદદ કરી શકે? ચાલો હાનુનીબહેનનો દાખલો જોઈએ. નાનપણમાં તેમનાં ખાસ કોઈ વખાણ કરતું નહિ. હાનુનીબહેન કહે છે, “નાનપણમાં હું ખૂબ શરમાળ હતી. મને લાગતું કે બીજાં બાળકો મારાં કરતાં વધારે સારાં છે. નાની હતી ત્યારથી જ હું મારી સરખામણી બીજાઓ સાથે કરતી.” સત્ય શીખ્યાં પછી પણ હાનુનીબહેન પોતાને બીજા સાથે સરખાવતાં રહ્યાં. તેમને લાગતું કે મંડળમાં તે જે કંઈ કરી રહ્યાં છે એ બધું નકામું છે. પણ આજે તે એક પાયોનિયર તરીકે સેવા આપી રહ્યાં છે અને બહુ ખુશ છે. તે પોતાનો સ્વભાવ કઈ રીતે બદલી શક્યાં?

૧૦ હાનુનીબહેન કહે છે કે વડીલોએ તેમને મદદ કરી. વડીલોએ તેમને ભરોસો અપાવ્યો કે તેમનું પણ મંડળમાં એક સ્થાન છે. તેમનાં સારાં કામો માટે પણ વડીલોએ તેમનાં વખાણ કર્યા. હાનુનીબહેન કહે છે, “ઘણી વાર વડીલોએ મને જણાવ્યું કે હું બીજી બહેનોને ઉત્તેજન આપું. એનાથી મને જોવા મળ્યું કે હું મંડળમાં મહત્ત્વની છું. મેં યુવાન બહેનોની મદદ કરી એ માટે તેઓએ મારો આભાર માન્યો. તેઓએ મારી સાથે પહેલો થેસ્સાલોનિકીઓ ૧:૨, ૩ કલમો વાંચી. એનાથી મને બહુ ખુશી થઈ. હું એવા વડીલોનો આભાર માનું છું જેઓએ મારી કાળજી રાખી. મને ખાતરી મળી કે યહોવાના સંગઠન માટે હું કીમતી છું.”

૧૧. ‘કચડાયેલા અને નિરાશ લોકોને’ આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

૧૧ યશાયા ૫૭:૧૫ વાંચો. યહોવા ‘કચડાયેલા અને નિરાશ લોકોની’ ચિંતા કરે છે. આપણે પણ એવાં ભાઈ-બહેનોનું ધ્યાન રાખવું જોઈએ. એ કામ ફક્ત વડીલોનું જ નહિ પણ બધાનું છે. આપણાં વાણી-વર્તનથી તેઓને ખાતરી થવી જોઈએ કે યહોવા તેઓને પ્રેમ કરે છે અને તેઓને કીમતી સમજે છે. (નીતિ. ૧૯:૧૭) આપણે નમ્ર બનીએ અને પોતાની આવડત માટે બડાઈ ન મારીએ. જો આપણે બીજાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચીશું તો ભાઈ-બહેનોને આપણી ઈર્ષા થશે અને આપણે એવું ચાહતા નથી. આપણે તો ચાહીએ છીએ કે આપણાં વાણી-વર્તનથી બીજાઓને ઉત્તેજન મળે.—૧ પિત. ૪:૧૦, ૧૧.

ઈસુના શિષ્યો તેમની તરફ દોરાતા, કારણ કે ઈસુએ ક્યારેય પોતે ચઢિયાતા છે એવું વલણ રાખ્યું નહિ. તેમને મિત્રો સાથે હળવા-મળવાનું ગમતું (ફકરો ૧૨ જુઓ)

૧૨. સામાન્ય લોકો ઈસુને કેમ પસંદ કરતા? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૨ આપણે બીજા લોકો સાથે કઈ રીતે વર્તવું એ ઈસુ પાસેથી શીખી શકીએ. તે પૃથ્વી પર જીવનાર સૌથી મહાન માણસ હતા, તેમ છતાં તે ‘કોમળ સ્વભાવના અને નમ્ર દિલના’ હતા. (માથ. ૧૧:૨૮-૩૦) તેમણે ક્યારેય પોતાની બુદ્ધિ અને જ્ઞાન વિશે બડાઈ મારી નહિ. એના બદલે તે લોકોને શીખવવા સહેલાં શબ્દો અને ઉદાહરણો વાપરતાં જે લોકોનાં દિલને સ્પર્શી જતાં. (લૂક ૧૦:૨૧) ઈસુ ઘમંડી ધર્મગુરુઓ જેવા ન હતા જે સામાન્ય લોકોને નીચી નજરે જોતા. તે લોકો સાથે માનથી વર્તતા અને તેઓને અહેસાસ કરાવતા કે યહોવાની નજરમાં તેઓ ખૂબ કીમતી છે.—યોહા. ૬:૩૭.

૧૩. શા પરથી કહી શકાય કે ઈસુ તેમના શિષ્યોને પ્રેમ કરતા હતા?

૧૩ ઈસુએ જે રીતે શિષ્યો સાથે વ્યવહાર કર્યો એમાં તેમનાં પ્રેમ અને દયા દેખાય આવતાં. ઈસુ જાણતા હતા કે બધા શિષ્યોનાં સંજોગો અને આવડતો અલગ અલગ છે. એટલે એક જે કરી શકે છે એવું કદાચ બીજો ન પણ કરી શકે. તેમ છતાં ઈસુ બધાની મહેનતથી ખુશ હતા. એ વાત તેમણે આપેલા તાલંતના ઉદાહરણમાં દેખાઈ આવી. એ ઉદાહરણમાં દરેક ચાકરની આવડત પ્રમાણે માલિકે તાલંત આપ્યા. બે મહેનતુ ચાકરોમાંથી એક ચાકર બીજા કરતાં વધારે કમાયો. પણ બંનેને માલિકે એક જ વાત કહી: “શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર!”—માથ. ૨૫:૧૪-૨૩.

૧૪. આપણે ઈસુ જેવા કઈ રીતે બની શકીએ?

૧૪ ઈસુ આપણી સાથે પ્રેમથી વર્તે છે. તે જાણે છે કે આપણાં સંજોગો અને આવડતો એકસરખાં હોતાં નથી. એટલે આપણે પૂરા મનથી બનતું બધું કરીએ તો એનાથી ઈસુ ખુશ થશે. આપણે પણ તેમના જેવા બનવું જોઈએ. જો મંડળમાં કોઈ ભાઈ કે બહેન બીજાઓ જેટલું કરી શકતા ન હોય, તો આપણે ક્યારેય એવું ન બોલીએ જેનાથી તે શરમમાં મુકાય. આપણાં વાણી-વર્તનથી તેને એવું ન લાગવું જોઈએ કે તે કંઈ કામના નથી. એને બદલે તે યહોવાની સેવામાં જે કંઈ કરી રહ્યા છે એના વખાણ કરીએ.

પૂરા કરી શકીએ એવા ધ્યેય રાખીએ

પૂરા કરી શકો એવા ધ્યેય રાખો. એ ધ્યેય પૂરા કરશો ત્યારે તમને ખુશી મળશે (ફકરા ૧૫-૧૬ જુઓ) *

૧૫-૧૬. સંજોગો પ્રમાણે ધ્યેય રાખવાથી એક બહેનને કેવો ફાયદો થયો?

૧૫ આપણે યહોવાની સેવામાં ધ્યેય રાખીએ છીએ ત્યારે જીવનમાં ખરી દિશા અને સાચી ખુશી મળે છે. પણ આપણાં સંજોગો અને આવડત પ્રમાણે ધ્યેય રાખીએ. જો બીજાનાં સંજોગો અને આવડત પ્રમાણે ધ્યેય રાખીશું તો નિરાશ થઈ જઈશું. (લૂક ૧૪:૨૮) ચાલો મિડોરીબહેન જે એક પાયોનિયર છે, તેમનો દાખલો જોઈએ.

૧૬ મિડોરીબહેનનાં પપ્પા સાક્ષી નથી. જ્યારે મિડોરીબહેન નાના હતાં ત્યારે તેમનાં પિતા ઘણી વાર તેમને કહેતા કે તેમનાં ભાઈ-બહેન અને તેમનાં ક્લાસનાં બાળકો તેમનાથી વધારે સારાં છે. એટલે તે પોતાને નકામા સમજવા લાગ્યાં હતાં. પણ તે મોટાં થતાં ગયાં તેમ તેમણે પોતાના વિચારો સુધાર્યા. કઈ રીતે? બહેન કહે છે, “હું દરરોજ બાઇબલ વાંચવા લાગી. એનાથી મને ભરોસો થયો કે યહોવા મને પ્રેમ કરે છે.” એટલું જ નહિ બહેને પોતાનાં સંજોગો પ્રમાણે ધ્યેય રાખ્યા અને એને પૂરા કરવા પ્રાર્થના કરી. એના લીધે તે યહોવાની સેવામાં જે કંઈ કરી રહ્યાં હતાં એમાં તેમને ખુશી મળી.

યહોવાની સેવામાં બનતું બધું કરતા રહીએ

૧૭. (ક) વિચારો બદલવા શું કરવું જોઈએ? (ખ) એનાથી કેવો ફાયદો થશે?

૧૭ જો આપણે પોતાને નકામા સમજતા હોઈશું તો એવા વિચારો કંઈ રાતોરાત બદલાશે નહિ. ઈશ્વર કહે છે, “તમે પોતાના મનના વિચારોને નવા કરતા રહો.” (એફે. ૪:૨૩, ૨૪) એ માટે આપણે બાઇબલનો અભ્યાસ, મનન અને પ્રાર્થના કરવાં જોઈએ. એમાં લાગુ રહેવા યહોવા આપણને શક્તિ આપશે. તેમની પવિત્ર શક્તિથી બીજાઓ સાથે પોતાને નહિ સરખાવવા આપણને મદદ મળશે. યહોવા પાસે માંગીએ જેથી તે આપણને ઘમંડ અને ઈર્ષાને જડમૂળથી દૂર કરવા મદદ કરે.

૧૮. બીજો કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦માંથી આપણને કેવો દિલાસો મળે છે?

૧૮ બીજો કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦ વાંચો. યહોવા આપણું દિલ જુએ છે. તે જાણે છે કે આપણા વિચારો કેવા છે. આપણે કેવી લાગણીઓ અનુભવીએ છીએ. તે એ પણ જાણે છે કે દુનિયાની અસર અને આપણી નબળાઈઓથી લડવા આપણે કેટલી મહેનત કરીએ છીએ. એનાથી તે આપણને વધુ પ્રેમ કરવા લાગે છે.

૧૯. યહોવાએ કયા દાખલાથી સમજાવ્યું કે તે આપણને પ્રેમ કરે છે?

૧૯ યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. એ સમજાવવા તેમણે એક માતાની મમતાનો દાખલો આપ્યો. (યશા. ૪૯:૧૫) ચાલો આપણે રેચલબહેનનો દાખલો જોઈએ. તે કહે છે, “મારી દીકરી સ્ટેફની સમય પહેલાં જન્મી હતી. મેં પહેલી વાર તેને જોઈ ત્યારે તે ઘણી લાચાર અને નબળી લાગતી હતી. તેને હૉસ્પિટલમાં એક મહિના સુધી અલગ રાખવામાં આવી હતી. પણ હું દરરોજ તેને ખોળામાં લઈ શકતી. આમ અમારી બંને વચ્ચે એક લાગણીનો સંબંધ બંધાઈ ગયો. આજે સ્ટેફની છ વર્ષની છે. તે બીજાં બાળકો કરતાં નાની લાગે છે. પણ હું તેને ખૂબ પ્રેમ કરું છું, કારણ કે તેણે જીવતા રહેવા ઘણી લડત આપી છે. તેણે મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે.” આપણે યહોવાની સેવામાં બનતું બધું કરવા મહેનત કરીએ છીએ. જ્યારે યહોવા એ જુએ છે ત્યારે એક માતાની જેમ તેમની મમતા પણ ઊભરાય આવે છે. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે!

૨૦. યહોવાના ભક્તોને કઈ વાતની ખુશી મળે છે?

૨૦ આપણે યહોવાના ભક્ત છીએ એટલે આપણે બધા યહોવાની નજરમાં કીમતી છીએ. તે જાણે છે કે આપણે બધા એકબીજાથી અલગ છીએ. યહોવાએ આપણને તેમના ભક્ત એટલે નથી બનાવ્યા, કારણ કે આપણે બીજાઓથી સારા છીએ. પણ તેમણે આપણું દિલ જોયું. તેમણે જોયું કે આપણે નમ્ર છીએ અને આપણે શીખવા અને પોતાનાં જીવનમાં ફેરફાર કરવા તૈયાર છીએ. (ગીત. ૨૫:૯) જ્યારે આપણે તેમની સેવામાં બનતું બધું કરીએ છીએ ત્યારે તે એની કદર કરે છે. આપણે યહોવાની સેવામાં લાગુ રહીએ છીએ અને ધીરજ રાખીએ છીએ તો એ બતાવે છે કે આપણું દિલ સારું છે. (લૂક ૮:૧૫) એટલે આપણે પોતાની સરખામણી બીજાઓ જોડે ન કરીએ, પણ પોતાનાથી બનતું બધું કરીએ. પછી આપણને “પોતાનાં જ કામોને લીધે ખુશી મળશે.”

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

^ ફકરો. 5 યહોવા આપણી સરખામણી બીજાઓ સાથે નથી કરતા. પણ બની શકે કે આપણે બીજાઓ સાથે પોતાને સરખાવવા લાગીએ. આપણને લાગે કે આપણે તેમના જેટલું સારું કરી શકતા નથી. આ લેખમાં જોઈશું કે આપણે કેમ બીજાઓ સાથે સરખામણી ન કરવી જોઈએ. એ પણ જોઈશું કે મંડળનાં ભાઈ-બહેનો અને કુટુંબના સભ્યોને કઈ રીતે મદદ કરી શકીએ જેથી તેઓ પોતાને યહોવાની નજરે જોઈ શકે.

^ ફકરો. 5 અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 7 અહીં પતિ વિશે વાત કરવામાં આવી છે. પણ આ સિદ્ધાંત પત્નીઓને પણ લાગુ પડે છે.

^ ફકરો. 58 ચિત્રની સમજ: કુટુંબ તરીકેની ભક્તિમાં આખું કુટુંબ સાથે મળીને નૂહનું વહાણ બનાવી રહ્યું છે. દરેક બાળક વહાણ માટે કંઈકને કંઈક બનાવી રહ્યું છે. મમ્મી-પપ્પા દરેક બાળકના કામથી ખુશ છે.

^ ફકરો. 62 ચિત્રની સમજ: મા એકલા હાથે પોતાના બાળકનો ઉછેર કરી રહી છે. તે સહાયક પાયોનિયરીંગ કરવાની યોજના બનાવે છે. તેને ખુશી છે કે તે પાયોનિયરીંગ કરી શકી છે.