સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૩

આપણી સોંપણીમાં ખુશી મેળવીએ

આપણી સોંપણીમાં ખુશી મેળવીએ

‘ઇચ્છાઓ પાછળ આંધળી દોટ મૂકવા કરતાં આંખો સામે જે છે એનો આનંદ માણવો વધારે સારું.’—સભા. ૬:૯.

ગીત ૨૮ એક નવું ગીત

ઝલક *

૧. અમુક લોકો યહોવાની ભક્તિમાં વધુ કરવા શું કરી રહ્યા છે?

જલદી જ આ દુનિયાનો અંત આવવાનો છે. પણ એ પહેલાં આપણી પાસે ઘણું કામ છે. (માથ. ૨૪:૧૪; લૂક ૧૦:૨; ૧ પિત. ૫:૨) આપણે ચાહીએ છીએ કે એ કામ પૂરું મન લગાવીને કરીએ. એટલે ઘણા ઈશ્વરભક્તોએ યહોવાની સેવામાં વધુ કરવાનો નિર્ણય લીધો છે. જેમ કે પાયોનિયર સેવા, બેથેલ સેવા કે બાંધકામ વિભાગમાં સેવા આપવી. ઘણા ભાઈઓ સહાયક સેવક કે વડીલ બનવા મહેનત કરી રહ્યા છે. (૧ તિમો. ૩:૧, ૮) યહોવાના ભક્તો તેમની સેવામાં વધુ કરવાનો પ્રયત્ન કરે છે. એ જોઈને યહોવાને કેટલી ખુશી થતી હશે!—ગીત. ૧૧૦:૩; યશા. ૬:૮.

૨. આપણે જે નક્કી કર્યું હોય એ ન કરી શકીએ ત્યારે કેવું લાગે?

આપણે જે નક્કી કર્યું હોય એ ન કરી શકીએ ત્યારે નિરાશ થઈ જઈએ. એવું ઘણાં કારણોને લીધે થઈ શકે, જેમ કે ઉંમર કે સંજોગોને લીધે જે ચાહ્યું હોય એ ન કરી શકીએ. (નીતિ. ૧૩:૧૨) મેલિસાબહેન * સાથે પણ એવું જ કંઈક થયું હતું. તે બેથેલમાં કે રાજ્ય પ્રચારકોની શાળામાં જવા માંગતા હતા. તે કહે છે, “ઉંમરને લીધે મેં જે વિચાર્યું હતું એ હું ન કરી શકી. એના લીધે ઘણી વાર હું દુઃખી થઈ જતી હતી.”

૩. સોંપણી મેળવવા એક ભાઈએ શું કરવું પડે?

યુવાન ભાઈઓએ વધુ સોંપણી મેળવવા અમુક ગુણો કેળવવાની જરૂર છે. તેઓ સમજુ, જોશીલા અને ઉત્સાહી હોય, પણ તેઓએ ધીરજ રાખવાનું, ધ્યાન આપીને કામ કરવાનું અને બીજાઓને આદર આપવાનું શીખવું પડે. એવા ગુણો કેળવવા તેઓ મહેનત કરશે તો ભાઈઓ જલદી જ એવી સોંપણી આપશે. ચાલો એક ભાઈનો દાખલો જોઈએ. નિકભાઈને સહાયક સેવક બનાવવામાં ન આવ્યા ત્યારે ખૂબ નિરાશ થઈ ગયા. એ સમયે તે ૨૦ વર્ષના હતા. તે કહે છે, “મને લાગ્યું કે મારામાં જ કોઈ ખામી છે.” ભાઈ હિંમત ન હાર્યા પણ પ્રચારકામમાં અને મંડળનાં કામોમાં મહેનત કરતા રહ્યા. આજે તે શાખા સમિતિના સભ્ય છે.

૪. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

તમે યહોવાની સેવામાં જે ધ્યેય રાખ્યો હોય એ પૂરો ન કરી શકો ત્યારે શું નિરાશ થઈ જાઓ છો? એવા સમયે યહોવાને પ્રાર્થના કરો, તેમની આગળ દિલ ઠાલવી દો. (ગીત. ૩૭:૫-૭) મંડળના અનુભવી ભાઈઓ સાથે વાત કરી શકો. એ ભાઈઓ તમને યહોવાની સેવામાં વધુ કરવા મદદ કરશે. જો તેઓની સલાહ માનશો તો તમે જે ચાહો છો એ કરી શકશો. જો તમારા સંજોગો મેલિસાબહેન જેવા હોય તો યહોવાની સેવામાં હમણાં ખુશી મેળવવા શું કરી શકો? એ સવાલનો જવાબ આ લેખમાં મળશે. આપણે એ પણ ચર્ચા કરીશું કે (૧) ખુશી મેળવવા આપણે શું કરવું જોઈએ? (૨) ખુશી વધારવા આપણે શું કરવું જોઈએ? અને (૩) ખુશી જાળવવા આપણે કેવા ધ્યેય રાખવા જોઈએ?

ખુશી મેળવવા આપણે શું કરવું જોઈએ?

૫. ખુશી મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? (સભાશિક્ષક ૬:૯)

સભાશિક્ષક ૬:૯માં જણાવ્યું છે કે ખુશી મેળવવા આપણે શું કરવું જોઈએ (વાંચો.) આપણે “આંખો સામે જે છે એનો આનંદ માણવો” જોઈએ. એટલે કે આપણી પાસે જે હોય અથવા આપણા જે સંજોગો હોય એમાં મન લગાડવું જોઈએ. જો એમ કરીશું તો આપણે ખુશ રહીશું. પણ જો આપણે એવી ઇચ્છાઓ પાછળ આંધળી દોટ મૂકીશું જે ક્યારેય પૂરી કરી શકવાના નથી તો ખુશ નહિ રહી શકીએ.

૬. આપણે કયા ઉદાહરણની ચર્ચા કરીશું અને શું શીખીશું?

શું આપણી પાસે જે છે એમાં ખુશ રહી શકીએ? અમુક લોકોને લાગે છે કે એ શક્ય નથી. કારણ કે માણસને નવું નવું કરવું અને શીખવું ગમે છે. પણ આપણી “આંખો સામે” જે છે એનો આનંદ માણી શકીએ છીએ. એ વિશે જાણવા આપણે માથ્થી ૨૫:૧૪-૩૦માં ઈસુએ આપેલા તાલંતના ઉદાહરણની ચર્ચા કરીશું. એ પણ શીખીશું કે આપણે કઈ રીતે યહોવાની સેવામાં ખુશી મેળવી શકીએ અને એ ખુશીમાં વધારો કરવા શું કરી શકીએ.

ખુશી વધારવા આપણે શું કરવું જોઈએ?

૭. તાલંતના ઉદાહરણ વિશે ટૂંકમાં જણાવો.

ઈસુએ આપેલા ઉદાહરણમાં એક માણસ બહારગામ જાય છે. તે જતાં પહેલાં પોતાના ત્રણ ચાકરોને બોલાવે છે. તે દરેકની આવડત પ્રમાણે તાલંત આપે છે. * તે પહેલા ચાકરને પાંચ, બીજાને બે અને ત્રીજાને એક તાલંત આપે છે. પહેલા બે ચાકર મહેનત કરીને વધારે તાલંત કમાય છે. પણ ત્રીજો ચાકર જરાય મહેનત કરતો નથી એટલે માલિક તેને કાઢી મૂકે છે.

૮. પહેલા ચાકરને કેમ ખુશી થઈ હશે?

માલિકે પહેલા ચાકરને પાંચ તાલંત આપ્યા ત્યારે તેને બહુ ખુશી થઈ હશે. તેને સારું લાગ્યું હશે કે માલિકે તેના પર ભરોસો મૂક્યો. એ જોઈને બીજો ચાકર નિરાશ થઈ શક્યો હોત, કારણ કે તેને પાંચ તાલંત મળ્યા ન હતા. પણ શું તે નિરાશ થયો?

બીજા ચાકર પાસેથી આપણે શું શીખી શકીએ? (૧) માલિકે તેને બે તાલંત આપ્યાં. (૨) માલિક માટે તે મહેનત કરીને વધુ પૈસા કમાયો. (૩) તેણે માલિકનાં તાલંત બમણાં કર્યાં (ફકરા ૯-૧૧ જુઓ)

૯. બીજા ચાકરે શું ન વિચાર્યું? (માથ્થી ૨૫:૨૨, ૨૩)

માથ્થી ૨૫:૨૨, ૨૩ વાંચો. ઉદાહરણમાં એવું નથી જણાવ્યું કે બીજા ચાકરને દુઃખ થયું કે તે નારાજ થઈ ગયો. તેણે એવું પણ ન વિચાર્યું કે ‘માલિકે પહેલા ચાકરને પાંચ તાલંત આપ્યા અને મને તો ફક્ત બે જ. શું હું તેના જેટલો હોશિયાર નથી? માલિક મને લાયક જ ન સમજતા હોય તો હું શું કામ મહેનત કરું? હું પોતાના માટે જ ન કમાઉં!’

૧૦. બીજા ચાકરે શું કર્યું?

૧૦ પહેલા ચાકરની જેમ બીજા ચાકરે પણ ઘણી મહેનત કરી. એ બે તાલંતમાંથી બીજા બે તાલંત કમાયો. એ જોઈને માલિક ખૂબ ખુશ થયા. તેમણે તેના વખાણ કર્યા અને તેને બીજી ઘણી જવાબદારીઓ આપી.

૧૧. આપણે ભક્તિમાં કઈ રીતે વધુ ખુશી મેળવી શકીએ?

૧૧ બીજા ચાકરની જેમ આપણે પણ જે કામ મળે એને પૂરું મન લગાવીને કરીએ. પ્રચારકામમાં પૂરા “ઉત્સાહથી” ભાગ લઈએ. મંડળનાં બીજાં કામોમાં પણ મદદ કરીએ. (પ્રે.કા. ૧૮:૫; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) આપણે સભાઓમાં જવાબ આપવા અને વિદ્યાર્થીની સોંપણી મળે ત્યારે એની તૈયારી કરવામાં મહેનત કરીએ. મંડળમાં કોઈ કામ મળે તો એને સમય પર અને સારી રીતે કરીએ. આપણે કોઈપણ કામને નાનું ન સમજીએ. આપણી આવડત નિખારવા મહેનત કરીએ. (નીતિ. ૨૨:૨૯) યહોવાની ભક્તિને લગતા કામોમાં અને સોંપણીમાં મન પરોવેલું રાખીશું તો કેવો ફાયદો થશે? યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થશે અને આપણને ખુશી મળશે. (ગલા. ૬:૪) એટલું જ નહિ જે સોંપણી મેળવવાની આપણને ઇચ્છા હોય, એ બીજાને મળે ત્યારે પણ તેને માટે ખુશી થશે.—રોમ. ૧૨:૧૫; ગલા. ૫:૨૬.

૧૨. મેલિસાબહેન અને નિકભાઈએ ખુશી વધારવા શું કર્યું?

૧૨ અગાઉ જોઈ ગયા એ મેલિસાબહેન વિશે ફરી જોઈએ. તેમણે જે વિચાર્યું હતું એ તે કરી શક્યાં નહિ. પોતાની ખુશી વધારવા તેમણે શું કર્યું? તે કહે છે, “મેં પૂરું ધ્યાન પાયોનિયર સેવામાં લગાડ્યું. હું પ્રચારની અલગ અલગ રીતો વાપરવાનો પૂરો પ્રયત્ન કરતી. એનાથી મને ઘણી ખુશી મળતી.” નિકભાઈએ પણ એવું જ કર્યું. ભલે તે નિરાશ થઈ ગયા હતા પણ તે હાથ પર હાથ ધરીને બેસી ન રહ્યા. પોતાની ખુશી વધારવા તેમણે અમુક પગલાં ભર્યાં. તે કહે છે, “હું જે કરી શકતો હતો એ કરતો રહ્યો. હું પ્રચાર કરતો અને સભાઓમાં સારા જવાબ આપવાનો પ્રયત્ન કરતો. મેં બેથેલ સેવા માટે પણ ફોર્મ ભર્યું અને એ પછીના વર્ષે મને બેથેલ બોલાવવામાં આવ્યો.”

૧૩. આપણી સોંપણી પૂરું મન લગાવીને કરીશું તો કેવો ફાયદો થશે? (સભાશિક્ષક ૨:૨૪)

૧૩ આજે આપણી પાસે જે સોંપણી છે એને પૂરું મન લગાવીને કરીએ. જો એમ કરીશું તો નિકભાઈની જેમ આગળ જતાં આપણને વધુ જવાબદારી મળી શકે છે. જો એમ ન થાય તો પણ મેલિસાબહેનની જેમ આપણને યહોવાની સેવામાં ખુશી અને મનનો સંતોષ મળશે. (સભાશિક્ષક ૨:૨૪ વાંચો.) એ વાતનો પણ આનંદ થશે કે આપણા માલિક ઈસુ આપણી મહેનત જોઈને ખુશ છે.

ખુશી જાળવવા આપણે કેવા ધ્યેય રાખવા જોઈએ?

૧૪. યહોવાની સેવામાં આપણે શું કરતા રહેવું જોઈએ?

૧૪ જો આજે આપણે યહોવાની ભક્તિ પૂરું મન લગાવીને કરતા હોઈએ તો એટલામાં જ ખુશ રહેવું જોઈએ? શું ભક્તિમાં વધુ કરવા પ્રયત્ન ન કરવો જોઈએ? ના એવું નથી. યહોવાની સેવામાં બનતું બધું કરતા રહેવું જોઈએ. જેમ કે સારા પ્રચારક અને સારા શિક્ષક બનવા તેમજ ભાઈ-બહેનોની મદદ કરવા મહેનત કરવી જોઈએ. એવું ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે નમ્ર બનીને પોતાનો જ નહિ, પણ બીજાઓનો વિચાર કરીશું.—નીતિ. ૧૧:૨; પ્રે.કા. ૨૦:૩૫.

૧૫. ખુશી જાળવવા કેવા ધ્યેય રાખી શકો?

૧૫ તમે યહોવાની સેવામાં વધુ કરવા માટે કેવા ધ્યેય રાખી શકો? જેમ કે સહાયક પાયોનિયરીંગ કરવું, નિયમિત પાયોનિયરીંગ કરવું, બેથેલમાં સેવા આપવી, બાંધકામ વિભાગમાં સેવા આપવી, નવી ભાષા શીખવી અથવા જ્યાં જરૂર છે એ વિસ્તારમાં જઈને સેવા આપવી. તમે યહોવાને પ્રાર્થનામાં પૂછી શકો કે એમાંથી કઈ સેવા કરવી તમારા માટે યોગ્ય રહેશે. (નીતિ. ૧૬:૩; યાકૂ. ૧:૫) તમે જે નિર્ણય લો એને પૂરો કરવા યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન પુસ્તકનું પ્રકરણ ૧૦ વાંચો અને મંડળના વડીલો સાથે વાત કરો. * તમે એ ધ્યેય પૂરા કરવા મહેનત કરશો અને આગળ વધશો તો એ બીજાઓ પણ જોઈ શકશે. એટલું જ નહિ એનાથી તમારી ખુશી પણ જળવાશે.

૧૬. સંજોગોને લીધે કોઈ ધ્યેય પૂરો ન કરી શકતા હો તો શું કરશો?

૧૬ અગાઉ વાત કરી એમાંનો કોઈ ધ્યેય પૂરો કરવા સંજોગો સાથ ન આપતા હોય તો શું કરશો? એ સમયે એવું કંઈ કરો જે તમે કરી શકતા હો.

આપણે કેવા ધ્યેય રાખીશું જેને પૂરા કરી શકીએ? (ફકરા ૧૭ જુઓ) *

૧૭. પહેલો તિમોથી ૪:૧૩, ૧૫ પ્રમાણે એક ભાઈ સારા શિક્ષક બનવા શું કરી શકે?

૧૭ પહેલો તિમોથી ૪:૧૩, ૧૫ વાંચો. જો તમે બાપ્તિસ્મા પામેલા ભાઈ હો તો તમે બોલવાની અને શીખવવાની કળા નિખારી શકો છો. શા માટે? કારણ કે તમે બોલવામાં, વાંચવામાં અને શીખવવામાં “મન પરોવેલું” રાખશો તો તમારા સાંભળનારને ફાયદો થશે. એ માટે તમે વાંચવાની અને શીખવવાની કળા પુસ્તિકાનો અભ્યાસ કરવાનું નક્કી કરી શકો. વારાફરતી દરેક ગુણોનો અભ્યાસ કરો. એની પ્રેક્ટિસ કરો પછી એમાં આપેલી સલાહને ટોકમાં લાગુ કરો. તમે સહાયક સલાહકાર અને વડીલો પાસેથી સલાહ લઈ શકો, “જેઓ બોલવામાં અને શીખવવામાં સખત મહેનત કરે છે.” * (૧ તિમો. ૫:૧૭) સાથે સાથે તમે તમારા સાંભળનારની શ્રદ્ધા વધારવા અને તેઓને પગલાં ભરવા કઈ રીતે ઉત્તેજન આપી શકો, એનો પણ વિચાર કરી શકો. એવું કરશો તો તમારી ખુશીમાં વધારો થશે અને બીજાઓને પણ ખુશી મળશે.

આપણે કેવા ધ્યેય રાખીશું જેને પૂરા કરી શકીએ? (ફકરા ૧૮ જુઓ) *

૧૮. પ્રચારમાં આપણી આવડત વધારે કેળવવા શું કરી શકીએ?

૧૮ દરેક ઈશ્વરભક્તને મહત્ત્વનું કામ આપવામાં આવ્યું છે, એ છે પ્રચાર કરવો અને શિષ્ય બનાવવા. (માથ. ૨૮:૧૯, ૨૦; રોમ. ૧૦:૧૪) એ કામમાં પોતાની આવડત વધારે કેળવવા તમે અમુક પગલાં ભરી શકો. એ માટે તમે શીખવવાની કળા પુસ્તિકા વાંચી શકો અને એમાં આપેલી સલાહ માની શકો. આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા અને “વાતચીતની એક રીત” વીડિયોમાં અમુક સૂચનો આપ્યાં છે. તમે એ સૂચનોનો સંજોગો પ્રમાણે ઉપયોગ કરી શકો. જો એમ કરશો તો તમે સારા શિક્ષક બનશો અને તમને ખુશી મળશે.—૨ તિમો. ૪:૫.

આપણે કેવા ધ્યેય રાખીશું જેને પૂરા કરી શકીએ? (ફકરા ૧૯ જુઓ) *

૧૯. યહોવાને પસંદ છે એવા ગુણો કેળવવા શું કરી શકો?

૧૯ એવું કંઈક છે જે આપણે બધા જ કરી શકીએ છીએ. જેમ કે યહોવાને પસંદ હોય એવા ગુણો કેળવવા. (ગલા. ૫:૨૨, ૨૩; કોલો. ૩:૧૨; ૨ પિત. ૧:૫-૮) દાખલા તરીકે તમે શ્રદ્ધાનો ગુણ કેળવવા શું કરી શકો? તમે એ વિશે આપણાં સાહિત્યમાં આપેલા લેખો વાંચી શકો અને એની સલાહ લાગુ કરી શકો. JW બ્રૉડકાસ્ટિંગમાં એવાં ભાઈ-બહેનોના અનુભવો જોઈ શકો, જેઓએ મુશ્કેલ સંજોગોમાં અડગ શ્રદ્ધા રાખી. પછી તમે વિચારો કે તેઓની જેમ શ્રદ્ધાનો ગુણ કેળવવા શું કરી શકો.

૨૦. વધારે ખુશી મેળવવા આપણે શું કરી શકીએ?

૨૦ આજે આપણે યહોવાની સેવામાં ઘણું બધું કરવા માંગીએ છીએ પણ કરી શકતા નથી. જોકે યહોવાની નવી દુનિયામાં આપણે એ બધું કરી શકીશું. એ સમય આવે ત્યાં સુધી આપણે જે કરી શકીએ છીએ એમાં મન લગાવીએ. એમ કરીશું તો નિરાશ નહિ થઈએ પણ આપણને વધારે ખુશી મળશે. એટલું જ નહિ આપણે ‘આનંદી ઈશ્વર’ યહોવાને માન અને મહિમા આપી શકીશું. (૧ તિમો. ૧:૧૧) તો ચાલો, આપણને જે સોંપણી મળી છે એમાંથી ખુશી મેળવીએ.

ગીત ૪૫ આગળ ચાલો

^ ફકરો. 5 આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે ચાહીએ છીએ કે ભક્તિમાં આપણાથી બનતું બધું કરીએ. કદાચ આપણે સેવામાં વધુ કરવાનો અથવા મંડળમાં વધારે જવાબદારી માટે લાયક બનવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એટલી મહેનત કર્યા પછી પણ એ ધ્યેયો પૂરા ન કરી શકીએ. એવા સમયે ખુશી જાળવવા અને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા શું કરી શકીએ? ઈસુએ આપેલા તાલંતના ઉદાહરણમાંથી એ સવાલનો જવાબ મળશે.

^ ફકરો. 2 અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 7 શબ્દોની સમજ: એક તાલંત એટલે એક મજૂરની લગભગ વીસ વર્ષની મજૂરી.

^ ફકરો. 15 બાપ્તિસ્મા પામેલા ભાઈઓને સહાયક સેવક અને વડીલ બનવા ઉત્તેજન આપવામાં આવે છે. એ માટે અમુક લાયકાત હોવી જરૂરી છે જેના વિશે તેઓ યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન પુસ્તકના પ્રકરણ ૫ અનેમાં વાંચી શકે છે.

^ ફકરો. 17 શબ્દોની સમજ: મંડળના એક વડીલને સહાયક સલાહકાર બનાવવામાં આવે છે. તે જરૂર પડે ત્યારે સહાયક સેવકોને અને બીજા વડીલોને તેઓના ભાગ માટે એકલા હોય ત્યારે સલાહ આપે છે.

^ ફકરો. 64 ચિત્રની સમજ: એક ભાઈએ સારા શિક્ષક બનવાનું નક્કી કર્યું છે. એ માટે તે એક સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા છે.

^ ફકરો. 66 ચિત્રની સમજ: મોટી ઉંમરનાં એક બહેને અલગ-અલગ જગ્યાએ સાક્ષી આપવાનું નક્કી કર્યું છે. તે હોટેલમાં એક છોકરીને કોન્ટેક્ટ કાર્ડ આપી રહ્યાં છે.

^ ફકરો. 68 ચિત્રની સમજ: એક બહેને ઉદાર બનવાનું નક્કી કર્યું છે. તે બીજી બહેન માટે કંઈક બનાવીને લાવ્યાં છે.